દીપક સોલિયાનું નામ પડે એટલે તેમને વાંચનારા કે ઓળખનારા કે બન્ને લોકોના મનમાં કેટલાક શબ્દો ઊગશે : સાદગી, સરળતા, ઊંડાણ, સ્થિતપ્રજ્ઞતા, ઠંડો અને સાત્ત્વિક પ્રભાવ, શૈલીવેડા વગરનું હૃદયસ્પર્શી લખાણ, રણકતો સ્વર, સાબૂત સેન્સ ઓફ હ્યુમર...
Dipak Soliya |
આ જ બધા શબ્દો દીપક સોલિયાનું પહેલું - અને ‘સાર્થક પ્રકાશન’નું પાંચમું - પુસ્તક ‘સિદ્ધાર્થ : એક ક્લાસિક કૃતિ’ જોઇને પણ મનમાં ફોરી ઉઠશે. બે દિવસ પહેલાં છપાઇને આવી ગયેલું આ પુસ્તક જોઇને અંગત રીતે મને - અને ધૈવત (ત્રિવેદી)ને પણ એક જ લાગણી થઇ : દીપક સોલિયાનું પુસ્તક આવું જ હોઇ શકે. આવું જ હોવું જોઇએ. ડીસન્ટ, એલીગન્ટ, ગ્રેસફુલ, સાદું છતાં આકર્ષક, જોઇને જ હાથમાં લેવાનું અને પાનાં ફેરવવાનું મન થાય એવું...
પરમ મિત્ર અને ‘સાર્થક’ના સ્તંભ જેવા અપૂર્વ આશરે કરેલો તેનો લે-આઉટ એ વાતનો (વઘુ એક) ઉત્તમ નમૂનો છે કે તસવીરો-ચિત્રો વગરના લખાણને પણ કેટલી ઉત્કૃષ્ટ ઢબે રજૂ કરી શકાય.
‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં દીપકે હર્મન હેસ/ Hermann Hesseની નવલકથા ‘સિદ્ધાર્થ’નો અનુવાદ-કમ-આસ્વાદ ઘણા હપ્તામાં આપ્યો. ‘સિદ્ધાર્થ’ના ગુજરાતી અનુવાદ અગાઉ થયા છે, પણ પુસ્તકના અનેક ગૂઢ અર્થોને અને જીવનનાં સત્યોને ઉઘાડી આપતી દીપકની ‘એકસ્ટ્રા કમેન્ટ્સ’ની વાત જુદી છે. દીપકને વાંચનારા જાણે જ છે કે કાતીલ સરળતા એ દીપકનું ‘વેપન ઓફ માસ એટ્રેક્શન’ (સામુહિક આકર્ષણાસ્ત્ર ;-) છે. તેમનાં લખાણ વાંચીને કોઇને પણ લાગે, ‘ઓહો, આટલી સાદી વાત છે? આ તો હું પણ સમજી શકું? ને લખી પણ શકું.’ પરંતુ દીપકની વાત જેમ મનમાં ઝમતી જાય, તેમ તેની અર્થસભરતા પ્રગટ થતી જાય અને તેમાં રહેલા ઊંડાણનો ખ્યાલ આવતો જાય.
બે દાયકાથી પણ વઘુ સમયથી પત્રકારત્વમાં સક્રિય દીપક ‘દિવ્ય ભાસ્કર’ જૂથમાં ‘અહા જિંદગી’ના સંપાદક તરીકે જોડાયા, ત્યાર પછી તેમનું કોલમલેખન શરૂ થયું. ત્યાર પહેલાં ધારાવાહિક સ્વરૂપે તે બે નવલકથાઓ લખી ચૂક્યા હતા : ‘અભિયાન’માં ‘તિતિક્ષા’ અને ફિલ્મ સામયિક ‘જી’માં ‘મુક્તિ’. બન્ને નવલકથાઓ સરસ હોવા છતાં, સ્થિતપ્રજ્ઞતામાંથી પ્રગટતી ઉદાસીનતાને કારણે તેમને નવલકથાઓ પ્રગટ કરવાનો કશો ઉત્સાહ ન હતો. ઉત્સાહ તો ઠીક, પ્રયત્ન સુદ્ધાં તેમણે ન કર્યો અને સામેથી આવતી દરખાસ્તોને સભ્યતાપૂર્વક ટાળી દીધી. મારા જેવા મિત્રોના પુસ્તક કરવાના સતત નિરંતર આગ્રહ અને તેમાં દીપકનાં મિત્રવત્ પત્ની હેતલ દેસાઇની સક્રિય મદદ છતાં, દીપકે પુસ્તકનું કામ હાથમાં ન લીઘું તે ન જ લીઘું.
પરંતુ ‘સાર્થક પ્રકાશન’ની સ્થાપના પછી એ મહેણું ભાંગ્યું. પોતાનાં પુસ્તકો માટે તૈયાર ન થનારા દીપક ‘સાર્થક’માં પ્રકાશક તરીકે સક્રિય થયા, તે અમારા જેવા ઘણા મિત્રો માટે બહુ સુખદ વળાંક હતો. ત્યારથી નક્કી થઇ ગયું કે હવે દીપકનું પુસ્તક આવશે. પછી મથામણ ચાલી : પહેલું પુસ્તક કયું આવે? એક વિકલ્પ તેમની તંત્રી પાને આવતી કોલમ ‘સો વાતની એક વાત’ના સંગ્રહનો હતો. બીજો અગાઉ ભાસ્કરની રવિપૂર્તિમાં આવતી તેમની કોલમ ‘અંતર્યાત્રા’નો. પરંતુ આ બન્ને પછી શરૂ થયેલી ‘સિદ્ધાર્થ’ મેદાન મારી ગઇ અને એ દીપકની લેખનકારકિર્દીનું પહેલું પુસ્તક બની. (‘અંતર્યાત્રા’ અને ‘સો વાતની એક વાત’ આવતા વર્ષે આવશે.)
દીપક જેવા લેખકનું અને ‘સિદ્ધાર્થ’ જેવું પુસ્તક આવે એટલે ‘સાર્થક પ્રકાશન’ના સાથી તરીકે તો આનંદ થાય જ, પણ તેના કરતાં અનેક ગણો વધારે આનંદ એક વાચક તરીકે અને મિત્ર તરીકે થાય છે. એવું લાગે છે, જાણે એક સ્વપ્ન સાકાર થયું.
સિદ્ધાર્થ : એક ક્લાસિક કૃતિ --મૂળ લેખક હર્મન હેસ
રજૂઆત : દીપક સોલિયા
પાનાં : ૧૨૪, પાનાંની સાઇઝ : 5 ઇંચ x 9 ઇંચ
પુસ્તકની કિંમત : રૂ.૧૩૦
મેળવવાનું સ્થળ :
બુકશેલ્ફ ૧૬, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી.રોડ, અમદાવાદ,
ફોનઃ 079- 26441826
ઓનલાઇન ખરીદી માટે - http://www.gujaratibookshelf.com/index_detail.php?bookn=1361
સાર્થક પ્રકાશન ૩, રામવન, ૬૭ નેહરૂ પાર્ક, દિલીપ ધોળકિયા માર્ગ, વસ્ત્રાપુર, અમદાવાદ
ફોન- 98252 90796 ઇ-મેઇલ : spguj2013@gmail.com,
ખાસ નોંધ : ‘સાર્થક પ્રકાશન’ પાસેથી આ પુસ્તક અથવા અગાઉનાં પુસ્તકો મંગાવનારનું પોસ્ટેજ ખર્ચ ‘સાર્થક’ ભોગવશે.
‘સિદ્ધાર્થ’ અને ‘સાર્થક’નાં બીજાં પુસ્તકો ખરીદવા માટે -
- અમદાવાદમાં રહેતા લોકો સી.જી.રોડ પર ‘બુકશેલ્ફ’ની મુલાકાત લઇને આ પુસ્તક મેળવી શકે છે. ઉપરાંત, બીજાં પુસ્તકો પણ જોઇ શકે છે.
- સાર્થક પ્રકાશનના HDFC બેન્ક એકાઉન્ટમાં સેવિંગ ખાતામાં પુસ્તકની છાપેલી કિંમત જેટલી રકમ જમા કરાવી શકાય છે.
- પુસ્તકની છાપેલી કિંમત જેટલી રકમનો ‘એટ પાર’નો ચેક સાર્થકના સરનામે મોકલી શકાય છે.
અભિનંદન.... સાર્થકની ટીમને... પ્રકાશનની રીતે પણ શરમાળ એવા દીપકનું પુસ્તક આપવા બદલ! More Power to Team Saarthak and Dipak.
ReplyDeleteખરેખર, આ પુસ્તક વિશે આટલી હદે મુદ્દાસર અને સચોટ રીતે હું પણ ન લખી શકું. જેવું તારું ( Urvishનું) વ્યક્તિત્વ છે એવું જ તારું લખાણ છેઃ નક્કર, ટુ ધી પોઈન્ટ, નો નોનસેન્સ. અને લાઘવ... ઓછામાં ઓછા શબ્દોમાં મહત્ત્વની બધી વાતો તું કહી શકે છે. આ (હસમુખ નહીં, મોહનદાસ) ગાંધીપ્રભાવ ગણાય?
ReplyDeleteકેટલીક વાતો ગમી ગઈ:
ReplyDelete1. દીપકભાઈનું પુસ્તક આવ્યું તે.
2. અને તે પુસ્તક મને વ્યક્તિગત રીતે ગમતું 'સિધ્ધાર્થ' છે.
3. લે-આઉટ મસ્ત.
4. ઉર્વિશભાઈએ પુસ્તકને જે રીતે અહીં પેશ કર્યું છે એ કાબિલે-તારીફ છે.
5. દીપકભાઈને ઉર્વિશભાઈએ સરસ રીતે આ લેખમાં ડી-કોડ કર્યા છે.
આનંદો વાચકો! - મૂકેશ મોદી
1} તસવીરો-ચિત્રો વગરના લખાણને પણ કેટલી ઉત્કૃષ્ટ ઢબે રજૂ કરી શકાય. . . .
ReplyDelete2} કાતીલ સરળતા એ દીપકનું ‘વેપન ઓફ માસ એટ્રેક્શન’ (સામુહિક આકર્ષણાસ્ત્ર ;-) છે. . .
આ પહેલા સરદાર પટેલ'નાં આપના પુસ્તક વિષે ઘણી ઉત્સુકતા હતી અને છેવટે તે પુસ્તક લેવાઈ ગયું ત્યારે જ નિરાંત થઇ . . . તે જ રીતે દીપક સર'ની સિદ્ધાર્થ પુસ્તક અંગેની કોલમના લેખો'નાં સંકલનરૂપી પુસ્તક'નો પણ ઇન્તેઝાર હતો ( અને સ્વતંત્ર પુસ્તક પણ ). . . થેન્ક્સ ટુ દીપક સર & સાર્થક પ્રકાશન .
ધુઆંધાર અભિનંદન... સહુને :) !
ReplyDeleteસહુને અભિનંદન ... લેખ તો એવો છે જાણે ઉર્વીશભાઈ સામે બેસીને વાત કરતા હોય. એટલે લેખ વાંચવાની નહિ પણ સાંભળવાની મજા આવી ..
ReplyDeleteસહુ સાહિત્યપિપાસુઓ ને અભિનંદન
ReplyDelete