Dr.Ambedkar / ડો.આંબેડકર |
જરા ફિલ્મી સરખામણી આપીએ તો, ‘જાગતે રહો’માં કેવળ પાણી પીવા માટે આખી રાત ભટકતા રાજ કપૂરને આખરે પરોઢિયે પાણી મળતાં થઇ હોય, કંઇક એવી કે એથી પણ વધારે ઊંડા-તીવ્ર સંતોષની અનુભૂતિ ભીમરાવ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીમાં થઇ હશે. ભારતમાં ‘શુદ્ર’ અને ‘અસ્પૃશ્ય’ તરીકે હડે હડે થતા, સ્કૂલ-કોલેજમાં કારમા ભેદભાવ વેઠીને ભણેલા, દલિત હોવાને કારણે સંસ્કૃત વિષયના અભ્યાસથી વંચિત રખાયેલા તેજસ્વી ભીમરાવને અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા મળે, એ કેવળ વ્યક્તિગત સિદ્ધિનો મામલો ન ગણાય. તે એક ઐતિહાસિક ઘટના હતી, જે કારમી અસ્પૃશ્યતાના સદીઓના ઇતિહાસમાં એક ઉજ્જવળ સીમાચિહ્ન બની.
Sayajirao Gaekwad/ સયાજીરાવ ગાયકવાડ |
ભીમરાવ ફરી વડોદરા જઇને સયાજીરાવને મળ્યા. એ વખતે વડોદરા રાજ્યે ચાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપીને ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા મોકલવાનો વિચાર કર્યો હતો. સયાજીરાવના કહેવાથી ભીમરાવે અરજી કરી અને તેમની પસંદગી થઇ. જૂન ૪, ૧૯૧૩ના રોજ થયેલા કરાર પ્રમાણે, ભીમરાવે અભ્યાસ પૂરો કર્યા પછી દેશમાં આવીને દસ વર્ષ સુધી વડોદરા રાજ્યની નોકરી કરવાની હતી. પરંતુ પરદેશમાં ભણવા મળતું હોય તો જ્ઞાનભૂખ્યા ભીમરાવને બધી શરતો મંજૂર હતી.
જુલાઇ,૧૯૧૩ના ત્રીજા અઠવાડિયામાં ભીમરાવ ન્યૂયોર્ક પહોંચ્યા અને (ઇ.સ.૧૭૫૪માં સ્થપાયેલી) કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી બન્યા. એ દિવસોમાં યુનિવર્સિટીમાં વિષયો પ્રમાણે તેના અલગ વિભાગોમાં પ્રવેશની પ્રથા ન હતી. એટલે એમ.એ. કરવા માટે ભીમરાવને કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલમાં પ્રવેશ મળ્યો. રહેવા માટે કોલેજની હોસ્ટેલ (હાર્ટલી હોલ) હતી, પણ ત્યાં જમવાનું ફાવ્યું નહીં. એટલે તે ભારતીય વિદ્યાર્થીઓના અડ્ડા જેવી ‘કોસ્મોપોલિટન ક્લબ’માં ગયા. ત્યાંથી આજીવન મિત્ર બની રહેલા પારસી વિદ્યાર્થીમિત્ર નવલ ભાથેના સાથે લિવિંગ્સ્ટન હોલ (હોસ્ટેલ)માં જઇને સ્થિર થયા.
બાવીસ વર્ષના આંબેડકરને અમેરિકામાં સૌથી પહેલી અનુભૂતિ જ્ઞાતિવાદના ઝેર વગરની મુક્ત હવાની થઇ. ખાવાપીવા-હરવાફરવામાં કોઇ જાતના ભેદભાવ ન હતા. એટલે ‘થોડો સમય તેમનું મન ચંચળ રહ્યું’ (કીરલિખિત ચરિત્ર), પણ પછી તે અભ્યાસમાં ખૂંપી ગયા. મોજશોખ તેમને પરવડે એમ ન હતાં. કારણ કે ભણવા માટે મળતી સ્કોલરશિપમાંથી અમેરિકાનો ખર્ચો કાઢવા ઉપરાંત ઘરે પત્ની-પુત્ર અને બીજાં પરિવારજનો માટે દર મહિને અમુક રકમ મોકલવી પડતી હતી. એ દિવસો અંગે વર્ષો પછી ડૉ.આંબેડકરના પુત્ર યશવંતરાવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બાબાસાહેબે પરિવારને દર મહિને રૂ.દસ મળે એવી વ્યવસ્થા મુંબઇના એક વણિક મારફત ગોઠવી હતી.
પોતાના બીજા ખર્ચા તો ઠીક, ખાવાપીવામાં પણ શક્ય એટલી કસર કરીને, આંબેડકર રોજના અઢાર-અઢાર કલાક અભ્યાસ કરતા હતા. કોલંબિયા યુનિવર્સિટીની સત્તાવાર નોંધ પ્રમાણે, તેમના અભ્યાસના વિષય હતા : અર્થશાસ્ત્રના ૨૯ કોર્સ, ઇતિહાસના ૧૧, સમાજશાસ્ત્રના ૬, ફિલસૂફીના ૫, નૃવંશશાસ્ત્રના ૪, રાજકારણના ૩ અને પ્રાથમિક ફ્રેન્ચ તથા જર્મન ભાષાના એક-એક કોર્સ. આ ઉપરાંત પોતાના ગ્રેડ માટે જરૂરી ન હોય એવા કેટલાક વિષયોના વર્ગ પણ તે ભરતા હતા. તેમને મન ગ્રેડ જેટલું જ મહત્ત્વ શક્ય એટલું વધારે જ્ઞાન મેળવી લેવાનું હતું.
John Dewey/જોન ડૂઇ |
ડૉ.આંબેડકર પર જોન ડૂઇની અસર વિશે અભ્યાસલેખ તૈયાર કરનાર અરુણ મુખરજીએ પણ નોંઘ્યું છે કે ડૂઇ આંબેડકરના પ્રિય અઘ્યાપક હતા. ડૂઇના પુસ્તક ‘ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશન’નાં ઘણાં અવતરણ ડૉ.આંબેડકરના લખાણમાં જોવા મળે છે. ઝીલટે ડૉ.આંબેડકરનાં પત્ની સવિતા આંબેડકરને ટાંકીને લખ્યું છે કે કોલંબિયા છોડ્યાનાં ત્રીસેક વર્ષ પછી પણ ડૉ.આંબેડકર ક્યારેક કેવળ આનંદ ખાતર તેમના પ્રિય પ્રોફેસર ડૂઇની ક્લાસમાં ભણાવવાની શૈલીની નકલ કરી બતાવતા હતા.
Edwin Salingman |
ડૉ.આંબેડકરના બીજા પ્રિય અઘ્યાપક હતા એડવિન સેલિગ્મેન. તે અમેરિકા રહેતા લાલા લજપતરાયના પરિચયમાં પણ હતા. સેલિગ્મેન-આંબેડકરના સંબંધ વિશે ચરિત્રકાર કીરે લખ્યું છે, ‘બતક જેમ પાણીથી દૂર રહી શકતું નથી, તેમ આંબેડકર સેલિગ્મેનથી દૂર રહી શકતા ન હતા. ‘સંશોધનની કઇ પદ્ધતિ અપનાવવી જોઇએ?’ એવા આંબેડકરના સવાલના જવાબમાં સેલિગ્મેને કહ્યું હતું, ‘તમે તમારું કામ તન્મયતાથી કરતા રહેશો તો એમાંથી જ તમારી પોતાની પદ્ધતિ નીપજી આવશે.’ તેમણે આંબેડકરના પીએચ.ડી.ના મહાનિબંધ પરથી તૈયાર થયેલા પુસ્તક ‘ધ ઇવોલ્યુશન ઑફ પ્રોવિન્શ્યલ ફાઇનાન્સ ઇન બ્રિટીશ ઇન્ડિયા’ની પ્રસ્તાવનામાં લખ્યું હતું કે ‘આ વિષયના દરેક પાસાંનો આટલા ઊંડાણથી અભ્યાસ બીજા કોઇએ કર્યો હોય એવું મારા ઘ્યાનમાં નથી.’
(પ્રો.સેલિગ્મેન સાથેનો તેમનો સંપર્ક ૧૯૧૬માં કોલંબિયા યુનિવર્સિટી છોડ્યા પછી પણ રહેવાનો હતો. આ ઉપરાંત અમેરિકામાં કાળા લોકોની સમસ્યા અને તેના અભ્યાસીઓએ આંબેડકર પર કેવી અસર પાડી? તેની વિગત આવતા સપ્તાહે)
વાહ, મસ્ત. આ વાંચ્યા પછી, સરદાર પછી બાબાસાહેબ પર પણ એક પુસ્તક તમારા દ્વારા જ થાય એવી ઈચ્છા છે. વિનંતી સ્વીકારજો.
ReplyDeleteહું તુષારભાઈની વાત સાથે સહેમત છું. સર, આંબેડકર પર પુસ્તક બહાર પાડશો તો અમને સૌને ગમશે.
ReplyDeleteવાહ, પહેલી વખત જ આંબેડકરનું આ પાસુ જાણવા મળ્યું.
ReplyDeleteબાવીસ વર્ષના આંબેડકરને અમેરિકામાં સૌથી પહેલી અનુભૂતિ જ્ઞાતિવાદના ઝેર વગરની મુક્ત હવાની થઇ તે આજની તારીખે પણ ત્યાં જનારને થાય જ કે જે ભારતમાં થવી આજે પણ અશક્ય છે. ત્યાં નામ જાણ્યા પછી ક્યારેય અટક પૂછવામાં નથી આવતી અને ભારતમાં તો નામ કહ્યા પછી તરત અટક બોલાય જ તેની આતુરતાથી રાહ જોવાતી હોય છે.
Wonderfully intimate piece on the man and his interaction with his professors. You do have a book in there on the good Dr. Ambedkar Urvish. One of these days you must get down to doing it complete justice to this brilliant, brilliant man, like you have done with Sardar.
ReplyDelete