બ્લોગ લખવાનું શરૂ કર્યું, ત્યારે ૯૦૦ના
આંકડા સુધી પહોંચાશે કે નહીં, એવું કશું વિચાર્યું ન
હતું. લખવાનું એટલે લખવાનું. મન થાય એટલે લખવાનું. મઝા આવે ત્યારે લખવાનું. ખીજ
ચડે તો લખવાનું ને ક્યારેક કંઇ ન સૂઝે તો પણ...લખવાનું જ. આ પ્રકૃતિને કારણે પેપર
માટે લખાતા લેખ ઉપરાંત ખાસ બ્લોગ માટે પણ સારી એવી સંખ્યામાં નાના-મોટા લેખ કે નોંધો
લખાયાં. પરંતુ ’ગુજરાત સમાચાર’માં અઠવાડિયામાં ત્રણ
કોલમ લખવાની ન હોત તો ૯૦૦નો આંકડો હજુ બહુ દૂર હોત. બ્લોગયાત્રામાં
મિત્રભાવે-શત્રુભાવે કે અલિપ્તભાવે સામેલ સૌને વાચન –અને તેમનાં આનંદ-દુઃખ કે
બળતરાઓ મુબારક. અહીં તો ’અભિયાન’ના ભૂતપૂર્વ આર્ટ ડાયરેક્ટર-મિત્ર મનસુખ ઘાડિયાનું અમર વાક્ય ટાંકીને (હળવાશપૂર્વક)
આટલું જ કહેવાનુ, ’જે છે તે આ જ છે.’
અમે ઘણી વાર રમૂજમાં કહીએ
છીએઃ દુનિયાની વસ્તીને બે ભાગમાં વહેંચી શકાય.૧) બિનીતને ઓળખતા અને ૨) બાકીના. અતિશયોક્તિ જવા દઇએ તો પણ બિનીત મોદી એક વિશિષ્ટ
વ્યક્તિ છે. તેની વાત કરવી હોય તો ’ચાલીસા’ ટૂંકા પડે. બે
દાયકાથી પણ વધારે જૂની અમારી (બીરેનની-મારી અને બિનીતની) દોસ્તી અસંખ્ય પત્રો, સેંકડો ફોન, અઢળક
ગપ્પાંગોષ્ઠિ અને સુખદુઃખના અનેક પ્રસંગોમાંથી પાર ઉતરીને- બલ્કે, દરેક વખતે વધુ
મજબૂત બનીને આગળ વધી છે. એ વર્તુળમાં ઉમેરાયેલા બીજા અનેક મિત્રો પણ બિનીત માટે
એવો જ પ્રેમભાવ સેવે છે, એ પણ એટલા જ આનંદની વાત છે. એવો એક વિશિષ્ટ
મિત્ર છે ’વેદ ચતુર્વેદી’ ઉર્ફે ’દાઢી’ ઉર્ફે પ્રણવ ઉર્ફે પ્રણવકુમાર ઉપેન્દ્રરાય અધ્યારુ.
મને બહુ મન થાય છે, પણ 104 વર્ષે ડોક્ટર ના પાડે છે. એટલે આવતા જન્મે વાત. પણ તમારે આવતા જન્મ સુધી રાહ જોવાની જરૂર નથી. તમે આ રવિવારે પહોંચી જ જજો.'
***
૯૦૦મી પોસ્ટની આસપાસ જ પરમ મિત્ર બિનીત મોદીના ૧૦૧મા રક્તદાનનો ’પ્રસંગ’ આવ્યો. એટલે ૯૦૦મી પોસ્ટ માટે
શું કરવું, એ વિચારવાનું ન હતું. બીજી એક મોટી જાહેરાત
કરવાની હતી, પણ તે અઠવાડિયું પાછી ઠેલી છે. માટે આ પોસ્ટ
બિનીતને અને અમારી આખી મિત્રમંડળીને સમર્પિત છે.
બિનીતના ૧૦૧મા રક્તદાનની ઉજવણી નિમિત્તે પ્રણવ ’કન્યાના
પિતા’ની ભૂમિકામાં છે. કાર્ડની લેખનસામગ્રીના આઇડીયાથી
માંડીને કાર્ડની ડિઝાઇન અને આખા કાર્યક્રમના આયોજનને લગતી મોટામાં મોટી બાબતોથી ઝીણામાં
ઝીણી બાબતો પ્રણવના સદા ફળદ્રુપ દિમાગની પેદાશ છે. ફેસબુક પર આતંક મચાવતું બિનીત
એટ ૧૦૧નું વિડીયો કેમ્પેઇન સૌએ કર્યું છે પોતાની રીતે, પણ એ આઇડીયા મૂળ
પ્રણવનો. કેટલાક પરદેશવાસી મિત્રોને તો પ્રણવે ફોન કરીને વિડીયો માટે ઉશ્કેર્યા
હતા. કન્સેપ્ટથી અમલીકરણ સુધીની બાબતોમાં કઠોર પરિશ્રમનો અને પ્રણવનો કોઇ વિકલ્પ
નથી. છેલ્લા ઘણા સમયથી મિત્રો કેતન રૂપેરા અને કિરણ કાપુરે પ્રણવની સાથે છે.
પ્રણવની ઉશ્કેરણીથી-
ચડવણીથી કે હકારાત્મક શબ્દ વાપરીએ તો ’પ્રેરણા’થી, એણે અને મેં
લોહી ન આપવાનાં ૧૦૦ બહાનાંની એક યાદી તૈયાર કરી. તે નિમંત્રણપત્રિકામાં તો છાપી જ
છે, પણ તેનું મૂલ્ય એક સરસ હાસ્યલેખ જેવું ચિરંતન લાગવાથી, એ અહીં પણ મૂકું
છું.
સામાજિક કારણો
(૧) યાર, એક બેસણામાં જવું પડે એવું હતું. (૨) મારી સાળીના દીકરીના દીકરાની બાબરી હતી. (૩) યાર, તારી ભાભી જ બધું જ લોહી પી જાય છે. (૪) અમારા વેવાઈ બીમાર છે, એમને કદાચ જરૂર પડે અને એ વખતે આપણે કહીએ કે હમણાં જ આપ્યું છે તો એમને લાગે કે આપણે બહાનાં કાઢીએ છીએ, એટલે હમણાં રહેવા દે ને, પછી કૈંક ગોઠવીશું. (૫) યાર આ બધી કંકોતરીઓનાં ઢગલામાં તારું કાર્ડ ક્યાં ખોવાઈ ગયું એ જ ખબર ન પડી. (૬) તે મારા પિતરાઈને પણ બોલાવ્યો છે ને રક્તદાન માટે? એ આવશે તો મારે યાર બબાલ થશે. (૭) અમારી જ્ઞાતિમાં જરૂરિયાતમંદોને નોટબુકોનું વિતરણ કરવા જવાનું છે અને વિદ્યાદાન રક્તદાન જેવું જ મોટું દાન ગણાય. (૮) એ જ દિવસે તારા ભાભીના પિયરે પ્રસંગ છે. (૯) યાર આ લોકો વરઘોડા લઈને નીકળી પડે છે તેમાં અટવાઈ ગ્યો. (૧૦) ઘરવાળા ના પાડે છે યાર. (૧૧) પેલો લપિયો આવીને બેઠો’તો, છોડે જ નહીં યાર. (૧૨) સૉરી યાર, હું બ્લડ રીલેશન હોય તો જ રક્તદાન કરું છું.
આર્થિક કારણો
(૧) એમાં આપણને શું મળે... હેં? (૨) માંદાને લોહી આપવા તો સૌ દોડે...પૈસા આપવા કોઈ જતું નથી, એટલે આપણે લોહી આપવા નથી દોડતા...પૈસા જોઈએ તો કહેજોને યાર. (૩) આ લોકો સાલા, આપણી પાસેથી મફતમાં લે અને પછી એક એક બાટલના હજાર-દોઢ હજાર બી ઠોકી લે છે. (૪) પગાર વધે ને શેર-બશેર લોહી ચડે તો અડધો શેર આપીએ. (૫) યાર, લોહી આપવા જવામાંય બસોનું પેટ્રોલ બળે એટલે આપીએ એટલું જ લોહી વધારાનું બળી જાય છે! (૬) રજાના દિવસે તો કોઈ લાખ રૂપિયા આપે તો બી આપણે સાડા અગિયાર સિવાય પથારીમાંથી બહાર પગ મૂકતા નથી. (૭) છ રૂપિયાની ચા અને તઇણ રૂપરડીના પારલે-જી માટે કોણ આટલું લાંબુ થાય? (૮) દુબઈમાં તો બ્લડ આપીએ તો ૫૦૦૦ રૂપિયા આપે છે!
માનસિક કારણો
(૧) મને તો ત્યાંનું વાતાવરણ જોઈને જ કૈંક થઈ જાય છે.(૨) બ્લડ આપે કોઈ મહાન બન્યું છે?!
(૩) બધા આપે એટલે આપવું જરૂરી થોડું છે? (૪) સારી પ્રવૃત્તિ છે પણ મને બહુ અપીલ નથી કરતી.
શારીરિક કારણો
(૧) મને જોઈને એ લોકો કહેશે કે આમને જ લોહી ચડાવી દો. (૨) હમણાં સીઝન એવી છે ને કે લોહી ઘટે તો માંદા પડી જવાય. (૩) મારું હિમોગ્લોબિન ઓછું છે યાર.(૪) હમણાં મારા દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે. (૫) મને પારલે-જી ભાવતાં નથી ને ચા-કૉફી હું પીતો નથી. પછી શરીરમાં શક્તિ કેવી રીતે આવે? (૬) હમણાં જિમમાં જવાનું શરૂ કર્યું છે, થોડું બોડી બને પછી આપું. (૭) મારું વજન ૫૦ કિલોથી ઓછું છે. (૮) હમણાં યાર ઉંઘ પૂરી નથી થતી, પછી અશક્તિ આવી જાય છે. (૯) હમણાં છે ને યાર, આ ભાગદોડમાં ખાવાનાં ઠેકાણાં નથી પડતાં, એમાં ક્યાં લોહી આપવું ! (૧૦) હું યાર છે ને, હમણાં હાફ સ્લીવના જ શર્ટ પહેરું છું, બધા પુછ પુછ કરે છેઃ શું થયું, શું થયું?
યાંત્રિક કારણો
(૧) ગાડીનો સેલ જ ના વાગ્યો એમાં મૂડ આpફ થઈ ગ્યો. (૨) અડધે આયો અને ક્લચ વાયર તૂટી ગ્યો. (૩) ફ્લેટની મોટર બગડી છે એટલે ટેન્કર આવે એ પછી ન્હાતા-ન્હાતા જ બપોર થઈ જાય છે.
(૪) એડ્રેસમાં અટવાયો ને તને રસ્તો પૂછવા ફોન કર્યો પણ ટાવર જ ના પકડાયો. (૫) સવાર સવારમાં લાઇટો ગઈ એમાં બધું અટવાઈ ગયું. (૬) લિફ્ટમાં ફસાઈ ગયો’તો યાર.
બૅન્કિંગ-સંબંધિત કારણો
(૧) બ્લડ બૅન્ક? એટલે શું? મને તો સ્ટેટ બૅન્ક વિશે ખબર છે. અમારું આખું ફેમિલી સ્ટેટ બૅન્કમાં છે. (૨) અત્યારે તો લોહી આપી દઈએ, પણ પછી બ્લડ બૅન્ક કાચી પડે તો?...આપણું લોહી તો ડૂબી જ જાય ને? (૩) બ્લડ બૅન્કો લોહીનાં એટીએમ ચાલુ કરે તો હું વિચારું. (૪) મારી પાસે લોહીની ’લિક્વિડિટી’ નથી. ચેક ચાલશે?
વૈજ્ઞાનિક કારણો
(૧) મેં ગઈ વખતે લોહી આપ્યું ત્યારે ઇન્ફેક્શન થઈ ગયું હતું-સામેવાળાને. (૨) સાંભળ્યું છે કે ચીનવાળા પ્રયોગશાળામાં લોહી બનાવે છે. આપણે રક્તદાન શિબિરો કરવાને બદલે રિસર્ચમાં ધ્યાન આપવું જોઈએ. (૩) હવે પછીનું બ્લડ ડોનેશન સ્પેસ સ્ટેશનમાં કરવાનું મેં નક્કી કર્યું છે. (૪) લોહી અમુક સમય સુધી ના વપરાય તો ફેંકી દેવું પડે છે, એટલે ખાલી-ખાલી નહીં આપવાનું. (૫) આ લોકો બ્લડ ચડાવતી વખતે બરોબર ચpક ના કરે તો પેશન્ટ ઉકલી પણ જાય, એના કરતાં આપવું જ નહીં. (૬)આ લોકો તો કહે, પણ એવું કંઈ ૨૪ કલાકમાં લોહી બની નથી જતું.
ધાર્મિક કારણો
(૧) હું યાર... શનિવાર ને સોમવાર, બેય કરું છું. (૨) હમણાં અમારે સૂતક ચાલે છે. (૩)અમારામાં આનો બાધ છે. (૪) એકવાર સારો દિવસ જોઈને આપી જ દેવું છે (૫)સૉરી દોસ્ત, હું કોઈ પણ પ્રકારનું દાન લેતો નથી ને કોઈ પણ પ્રકારનું દાન આપતો નથી.
મેડિકલ કારણો
(૧) મને સોયની બહુ બીક લાગે છે. બાકી, સોય નાખ્યા વગર લોહી તમતમારે જોઈએ એટલું લઈ જાવ. (૨) લોહી આપ્યા પછી ’સ્પિરિટ’ લગાડવાના બદલે ટટકાડવાનો હોય તો વિચારું. (૩) મને સોયની નહીં, સિસ્ટરની બીક લાગે છે. (૪) તમતમારે અડધી રાતેય બ્લડની જરૂર હોય તો કહેજોને. આપણો એક ભાઈબંધ બ્લડ બૅન્કમાં જ કામકરે છે. જોઈએ એટલું બ્લડ અપાઈ દઈશું. (૫) જો આપણું લોહી તો છે ને યાર જલ્દી તપી જાય છે, બીજાને ક્યાં આપણા જેવો બનાવવો? (૬) આ લોકોની સોય-બોયના ઠેકાણાં ન હોય, ધંધે લાગી જઈએ ક્યાંક! (૭) આવા કૅમ્પોમાં તો બધા શિખાઉ જ આવતા હોય છે, એકની જગ્યાએ ચાર-પાંચ કાણા પાડી દે!
સાહિત્યિક કારણો
(૧) આ લખવામાં જ એટલું તેલ પડી જાય છે કે લોહી આપવા જેવા રહેતા જ નથી. (૨) બાપુ હાજર હોય તો જ હું લોહી આપું ને બાપુને હમણાં ટાઈમ નથી. (૩) હું સંપાદનનો માણસ છું. લોહીનું કે લોહીના સંબંધોનું સંપાદન કરવાનું હોય તો કહેજો. (૪) જે શિબિરમાં ઓછામાં ઓછું ૧,૨૫૦ બાpટલ લોહી એકઠું થાય એવી શિબિરમાં જ હું રક્તદાન કરું છું.
રાજકીય કારણો
(૧) સાહેબની રક્તતુલા કરવાની હોય ત્યારે કહેજો. તો આપણા લોહીનું વજન પડે. (૨) લોહી તો હમણાં આપી દઉં, પણ મારું ગ્રૂપ તમને નહીં ચાલે. હું અસંતુષ્ટ ગ્રૂપનો છું. (૩) મેં તો ભઈ, લોકપાલ ખરડો પસાર ના થાય ત્યાં સુધી રક્તદાન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે. (૪) બે... એ લોકો આપણું લોહી લઈને હુલ્લડીયાઓને ચડાવે છે.
વિકાસ-સંબંધિત કારણો
(૧) મારા ઘર પાસે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ કે ફ્લાય ઓવર થાય પછી લોહી આપીશ. (૨) અમદાવાદ-ગાંધીનગર મેટ્રો શરૂ થશે તો પહેલા દિવસે એના કોચમાં હું રક્તદાન કરીશ. (૩) રસ્તા પર ટ્રાફિક જ એટલો હોય છે કે રક્તદાન માટે બહાર નીકળીને હું ટ્રાફિકને વધુ ગીચ બનાવવા માગતો નથી. (૪) આપણે તો અતિથિ દેવો ભવઃમાં માનવાવાળા એટલે હું તો વાયબ્રન્ટ ગુજરાતના બે દિવસ પહેલાં જ રક્તદાન કરું છું, કોઈ ફોરેનરને અચાનક જરૂર પડે તો કામ લાગે.
રેશનાલિસ્ટ કારણો
(૧) લોકો કહે છે કે લોહી આપવાથી પુણ્ય મળે, પણ હું પાપ-પુણ્યમાં માનતો નથી.(૨) ચમત્કારોમાં મેં પ્રાણીઓનું લોહી વપરાતું જોયું, ત્યારથી મેં નક્કી કર્યું કે લોહી આપવું નહીં. આપણા લોહીનો શો ઉપયોગ થાય કોને ખબર?! (૩) લોહી આપવાથી અંધશ્રદ્ધા વધે છે કારણ કે એ બચી જાય તો આપણામાં પણ તે ઇશ્વરનાં દર્શન કરવા લાગે છે અને આપણે રહ્યા રેશનાલિસ્ટ. (૪) મારા લોહીથી કોઈનું જીવન બચે - એવા વહેમમાં હું માનતો નથી. (૫) મેં જોયું છે કે મોટા ભાગે આસ્તિકો જ લોહી આપે છે, પણ હું એ બધાથી જુદો છું.
ઇગોઇસ્ટિક કારણો
(૧) મારા બોસે કેમ્પ રાખ્યો’તો ને તો પણ હું ન્હોતો ગયો. (૨) બીજું કંઈ કામ હોય તો બોલ. (૩) આપણે છે ને યાર મતદાનેય નથી કરતા, એમાં રક્તદાન ક્યાં કરીએ. (૪) તું મને શરમમાં નહીં નાખ યાર, પણ આ વખતે નહીં થાય. (૫) જવા દે ને યાર, આપણું લોહી ચડશે એ નકામો લથડિયાં ખાવા માંડશે (૬) પહેલાં ખાસ્સું આપતો’તો.... (૭) હવે એટલા બધા લોકો આપે છે ને... કે કોઈને આપણા લોહીની કદર જ નથી.
શૈક્ષણિક કારણો
(૧) મારા બદલે રક્તદાન-સહાયક મોકલું તો ચાલશે? (૨) ટીએ-ડીએ ન મળવાનું હોય, પછી કેવી રીતે ફાવે? (૩) હું ચોક્કસ આવત, પણ આ વર્ષની બધી સીએલ ખલાસ થઈ ગઈ છે. (૪) યુજીસીના માર્કિંગમાં ગણાવાનું ન હોય, પછી લોહી આપવાનો શો મતલબ? (૫) એક અધ્યાપક મિત્ર કહેતા હતા કે ફક્ત પીએચ.ડી. થયેલાથી જ લોહી અપાય. (૬) હું તો દર વરસે અમારા વિદ્યાર્થીઓને રક્તદાન વિષે એટલું સરસ સમજાવું છું કે વર્ગ દીઠ ૪૫ જેટલા રક્તદાતાઓ તૈયાર થઈ જાય છે. રક્તદાન કરવાવાળો મહાન છે પરંતુ કરાવવાવાળો તો એથી પણ મોટો કહેવાયને? ખરું કે નહીં?
અન્ય કારણો
(૧) આજે મેચ છે. (૨) એક વાર આપોને યાર પછી આ લોકો વારેઘડીએ ફોન કરે છે. (૩) બે... તારે મને મહિના પહેલાં કહેવું જોઈએ ને, હમણાં મહિના પહેલાં જ આપ્યું. (૪) આ લોકો લે છે, પણ આપણે જોઈએ ત્યારે આલતા નથી. (૫) નેક્સ્ટ ટાઇમ, ચોક્કસ. (૬) પછી તું ફેસબુક ઉપર ફોટો મુકે છે... ને પછી લોકો ઉડાવે છે યાર. (૭) પછી આખા દિવસનું શિડ્યુલ ખોરવાઈ જાય છે. (૮) એ ભઈ સુભાષ...આપણે કંઈ આઝાદી નથી જોઈતી.
***
ત્યાર પછી વારો આવે છે Binit At 101 કેમ્પેઇનનો. તેની જુદી જુદી વિડીયો
ફેસબુક પર શોધવાને બદલે એકસાથે મળી જાય અને ફેસબુક પર ન હોય એવા મિત્રો પણ તેની
વિશિષ્ટ મસ્તીનો આનંદ માણી શકે, એ માટે અહીં ઝાઝા વર્ણન વિના, તે મૂકી છે. ફક્ત પ્રાણલાલ પટેલની વિડીયોની સાથે તેનું શબ્દાંકન મૂક્યું છે, જેથી ૧૦૪ વર્ષના પ્રાણલાલ પટેલના ઉચ્ચારમાં કદાચ કશું ન સંભળાય તો પણ દાદા
શું કહેવા માગે છે તે સમજી શકાય. આ વિડીયો-યજ્ઞમાં ભાગ લેનારા સૌ મિત્રોએ પોતાનું
ગણીને જ રેકોર્ડિંગ કર્યું છે. એટલે કોઇએ બીજાનો આભાર માનવાને બદલે, સૌએ એકબીજાની અને બાકીનાએ અમારી- (અને અમારા જેવાં
નંગ મિત્રો તરીકે મેળવવા બદલ પોતપોતાનીઃ-)) પીઠ થાબડવાની રહે છે.
1. પ્રણવ અધ્યારુ / Pranav Adhyaru
2. ઉર્વીશ કોઠારી / Urvish Kothari
3. બીરેન કોઠારી/ Biren Kothari
4. શચિ-ઇશાન કોઠારી / Shachi-Isham Kothari
5. આશિષ કક્કડ/ Ashish Kakkad
6. સલિલ દલાલ / Salil Dalal
7. અંગીરસ- દુર્વા અધ્યારુ / Angiras- Durva Adhyaru
8. દીપક સોલિયા / Dipak Soliya
9. પરૂન શર્મા/ Parun Sharma
10. પડદા પાછળના લોહીઉકાળાનું સ્ટિંગ ઓપરેશન (પ્રણવ-કેતન-કિરણ)
Pranav-Ketan-Kiran Sting Operation
11, વિશાલ પાટડિયા / Vishal Patadiya
12. ઋતુલ જોષી / Rutul Joshi
13. કામિની કોઠારી / Kamini Kothari
14.ધૈવત ત્રિવેદી / Dhaivat Trivedi
15. અભિષેક શાહ / Abhishek Shah
16. કાર્તિકેય ભટ્ટ / Kartikey Bhatt
22. પાંચ મહિનાની ઋજુલ રૂપેરા... / Hrujul Rupera
23 ...અને ૧૦૪ વર્ષના પ્રાણલાલ પટેલ / Pranlal Patel
(પ્રાણલાલદાદાની વિડીયોનું શબ્દાંકનઃ 'મને 104 વર્ષ થયાં. હજુ કોઇને લોહી આપ્યું નથી. કોઇનું લોહી લીધું પણ નથી- પીધું પણ નથી. પણ આ બિનીતભાઇએ એમના તંત્રીઓનું એટલું લોહી પીધું છે કે 100 વાર લોહી આપ્યા પછી પણ હિસાબ સરભર થયો નથી. એટલે આ રવિવારે 101મી વાર એ લોહી આપવાના છે.
મને બહુ મન થાય છે, પણ 104 વર્ષે ડોક્ટર ના પાડે છે. એટલે આવતા જન્મે વાત. પણ તમારે આવતા જન્મ સુધી રાહ જોવાની જરૂર નથી. તમે આ રવિવારે પહોંચી જ જજો.'
24. છેલ્લે ’ખુદ ગબ્બર’ બિનીત મોદી / Binit Modi
(કોરસમાં પ્રણવ-કેતન-કિરણ-ઉર્વીશ)
આ 100 કારણો જોયા-વાંચ્યા ત્યારે જ મજ્જા પડી ગયેલી.. કોઈ ધારે તો એક સાદી આમંત્રણ પત્રિકાને કેટલી ક્રિએટિવ બનાવી શકે એ તમે લોકોએ બતાવ્યું. હું તો વિચારું છું કે મારા લગ્નની કંકોત્રી પણ તમારા લોકો પાસે જ લખાવીશ :D :P
ReplyDelete:)
ReplyDeleteગુજરાતીના બેનમૂન બ્લોગની 900મી પોસ્ટ માટે હાર્દિક અભિનંદન. આપણી ઓળખાણ થઈ એથી ય પહેલાં મને તમારા બ્લોગની ઓળખાણ થઈ હતી એ આ તકે યાદ કરવું સુખદ્ લાગે છે.
ReplyDelete900 બ્લોગ પોસ્ટમાં ગુજરાત સમાચારમાં છપાયેલા તમારા લેખોને બાદ કરીએ તો પણ ફક્ત બ્લોગ માટે લખાયેલા તમારા લેખોની વિવિધતા અને ગુણવત્તા અખબારી કટારના ત્રણ સિવાયનું તમારૂં ચોથું સ્વરૂપ દર્શાવતી રહી છે. મને એવી પણ હાર્દિક ઈચ્છા છે કે ક્યારેક તમારા બ્લોગ વિશે સર્વાંગી વિવરણ પણ હું લખું.
મારૂં ચાલે તો, પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે "દસ્તાવેજીકરણની કળા અને ચીવટ" (ગુજરાતી માધ્યમવાળા માટે દ.ક.ચી. અંગ્રેજીવાળા માટે AAD - Art and accuracy of Documentation) એ વિષય પર એક પેપર દાખલ કરૂં અને તમને તેના આજીવન પ્રાધ્યાપક જાહેર કરૂં :-) તમારી આ ક્ષમતા હંમેશા મને ચકિત કરતી રહી છે.
બ્લોગમાં લેબલ, ટેગ કે કિ-વર્ડ તો હોય છે પરંતુ તેમ છતાં ય તમારા બ્લોગની વિવિધતા જોતાં એક અલાયદું ઈ-સંકલન કરવું જોઈએ એમ મને લાગે છે.
મુકામ પોસ્ટ 900 માટે ફરી એકવાર હાર્દિક અભિનંદન.
આઈડિયાબાજી દાઢીને અનુરોધ કે, મુકામ પોસ્ટ 1000 માટે અત્યારથી જ કંઈક તોફાન શોધી રાખે.
પ્રિય ઉર્વીશભાઈ,
ReplyDelete900 મી પોસ્ટ સુધી ની આપની સફરને અમે સૌએ ભરપુર માણી ........... ખડખડાટ હસાવતી, વિચારવા માટે મજબૂર કરી દેતી , સાયન્સ થી લઇ ને સાહસ સુધી ના સંશોધનો ના અગાધ સાગરમાં ડૂબકીઓ ખવડાવતી, દિલ અને દિમાગમાં માં બાઝેલા ભ્રમ ના જાળા સાફ કરી દેતી , સુષુપ્ત થઈ ગયેલા ઝમીરો ને આખે આખા ઝંઝોળી નાખતી આપની ઈમાનદાર અને ફૌલાદી કલમ ને ક્યારેય થાક કે કાટ ના લાગે તેવી અંતર ની શુભેચ્ચ્છાઓ ..
બિનીતને હાર્દિક શુભકામનાઓ...ક્યારનો હેરાન થાવ છુ...101 નંબરનું બહાનું શોધવા માટે.....!!!!!!
ReplyDeleteDear Urvish,
ReplyDeleteKindly accept my heartiest congratulations for your extra-ordinary writings which helped so many readers to come out of the severe monotony created by the newspapers as well as the electronic channels. Perhaps our survival is due to your great efforts. Regards. Padmanabh K. Joshi
ઊર્વીશ,
ReplyDeleteતથા બિરેન,આશિષ,દીપક તેમ જ અસંખ્ય બિનીત-મિત્ર વૃંદ-
દરેક વિડીયોમાંથી બિનીત-સ્નેહ છલકાય છે- મારું લેપટોપ ભીંજાઈને ત્રણ વાર ખોટકાઈ ગયું...
-આવાં મિત્રો હોય તો ૨૫ વરસ નહીં ૨૫ દિવસમાં ૧૦૦ વાર રક્તદાન અપાય એટલા શેર લોહી ચડી જાય...
-હું અમદાવાદમાં કેમ નથી એવા કોમ્લેક્સ બંધાઈ જાય એવો માહોલ તમે સહુએ ખડો કર્યો છે...
નસોમાં વહે એવા અભિનંદન.... !!!
બીનીતના 101 વારના રક્તદાન નિમિત્તે મિત્રો દ્વારા યોજાયેલા આ ઉજવણી સમાંરોહની નિમંત્રણ પત્રિકા સાચેજ ખૂબ ક્રિએટીવ રીતે લખાયેલી છે અને આ બ્લોગના લેખક ઉર્વીશ સમેત સૌ મિત્રમંડળને આવા અદભૂત આયોજન બદલ અભિનંદન પાઠવું છું, અલબત્ત બીનીતને તો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હું કેરીકેચરિસ્ટ અશોક અદેપાલને ખાસ યાદ રાખીશ, કદાચ કોઈ કાળે ન બનવા જેવી કોઈ વાત બને, જેમ બીનીતના જીવનમાં બની, અને કોઈ તંત્રીને એના વાચકની રુચિનો ખ્યાલ રાખવા છતાં ધરાર મારી છબી છાપવાની થાય તો ! બિનીત થોડો જાડોપાડો ને કાળમીંઢ ખડકમાંથી કોતરી કાઢેલો લાગે, અને હું પાતળો દુબળો ને સિલેટિયા પત્થરમાંથી ઘડેલો લાગુ, અમે સૌ સીદીભાઈના છોરા, પેલા 'અમે કાકાબાપાના છોરા'ના લોકગીત જેવા, પણ અશોકભાઈ જેવો કળાકાર મળી જાય તો અમેય ખીટીએ ટીંગાડવાના ખપમાં આવીએ કોક દિ.
ReplyDeleteવળી પાછા વિશાલભાઈ પાટડિયા મને અળવિતરો કહેશે : અન્યથા ઉત્તમ કલાકૃતિ અને આઈ રીસ્પેક્ટ ધ એબ્સોલ્યુટ રાઈટ ઓફ ધ આર્ટીસ્ટ ટુ અવોઇડ ધ કોન્ટેક્ષ્ટ, પણ 101 વારના રક્તદાનનો સંદર્ભ અશોકભાઈ તમે ઉમેર્યો હોત તો આ કેરીકેચર એટ લીસ્ટ બિનીત માટે તો એની જિંદગીની આ અદભૂત સિદ્ધિને તવારીખમાં અંકિત કરતો એક સંપૂર્ણ મેમેન્ટો બની રહેત !
ક્યારેક લખવાનું બહુ ટાળ્યા કરું ત્યારે અંદરથી કચકચિયા વડીલ જેવો એક અવાજ આવેઃ ફાટીમુઆ... ઉર્વીશના બ્લોગ પર જઈને જો... જો, જો, જો, લોકો કેટલું બધું છતાં કેટલું સારું લખે છે. પછી બ્લોગ પર જાઉં અને ગૂંચવાઈ જાઉં કે યાર, આ માણસ આટલું બધું છતાં આટલું સારું કઈ રીતે લખી શકતો હશે :)
ReplyDeleteઆ ખૂબી બદલ તો મિત્રતા છતાં, સલામ બનતી હૈ, બોસ.
સલામ!
બિરેન'ભૈ' અને ઉર્વિશ'ભૈ',
ReplyDeleteવાહ વાહ શું 'ઇમેજિનશન'! આવી 'કન્કોત્રી'બનાવવાની તો કોઇ 'બિલિઓનાયર' કે 'સેટ ડીઝાયનર' પણ કલ્પના
ના કરી શકે! બિનિત મોદીને આવા મિત્રો મળ્યા છે તેથી તેને મનાવીને/હઠ કરીને તેનું રક્તદાન 'બે બાટલી' વધુ કરાવડાવજો,જો તમે
બન્ને 'ભૈયો' હાજર રહો તો આવેલાં 'ભૈયો'ને પણ આગ્રહ કરાવીને પણ 'બબ્બે બાટલિ'ઓનું દાન દેવાનું કે'જો.
આ શિવરાત્રિનાં શુભદિને આપશે તો શંકરદાદા આ બધાં રક્તદાતાઓને બમણું આપી દેશે તેની ખાત્રી રાખજો.
છેલ્લે બધાં રક્તદાતાઓને શુભ શિવરાત્રી.
વાહ... મજા પડી..
ReplyDeleteઅમુક વિડીઓ તો અત્યારે જ જોયા.. :)
હવે તમારા બીજા ધમાકાની રાહ જોઇએ છીએ...
This has been quite a exciting and unusual trip. Wow, I had no idea all this happened when I was away. Congrats to Binit of course and to you Urvish for this fascinating journey. Before we know it, your 1000th post will be up soon and amen to that. Loved the videos too. Binit looks like a man who isn't short either on friends or will-power.
ReplyDelete