ગોવર્ધનરામ ત્રિપાઠી/ Goverdhanram Tripathi |
એક રમુજી વ્યાખ્યા પ્રમાણે, ‘ક્લાસિક’ એટલે એવી કૃતિ, જેના વિશે બધા જાણતા હોય, પણ ભાગ્યે જ કોઇએ વાંચી હોય. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ૪ ભાગમાં અને ૧૪ વર્ષમાં (૧૮૮૯-૧૯૦૧) લખેલી ‘સરસ્વતીચંદ્ર’ (ઉપરના અર્થ સહિત) બધા અર્થમાં ગુજરાતી સાહિત્યની ‘ક્લાસિક’ કૃતિ ગણાય છે. ગુણ પ્રમાણે નામ ધરાવતાં પાત્રો (ભણવાનો બહુ મહિમા ન હતો એ જમાનામાં હીરો ભણેલોગણેલો હોવાને કારણે તેનું નામ ‘સરસ્વતી’ચંદ્ર છે), કથાનું વિશાળ ફલક, ઊંડું જીવનદર્શન, સામાજિક વિષમતા દૂર કરીને ‘કલ્યાણગ્રામ’ (આદર્શ સમાજ) સ્થાપવાનું લેખકનું સ્વપ્ન- અને હા, પ્રેમકથા... આવાં અનેક તત્ત્વોને કારણે ‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી નવલકથાઓમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. તેના કર્તા ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં ઘણા લેખ લખ્યા હોવા છતાં, તેમની મુખ્ય ઓળખ ‘સરસ્વતીચંદ્ર’ના લેખક તરીકેની રહી છે.
-અને એક ભાઇ છેઃ સંજય લીલા ભણસાળી. એ ફિલ્મો બનાવે છે અને વખતોવખત ‘ક્લાસિક’ કથાઓનું બેરહમ ભવ્યતાથી કચુંબર કરે છે. અગાઉ એ શરતચંદ્ર ચેટરજીની વિખ્યાત કૃતિ ‘દેવદાસ’ પરથી ફિલ્મ બનાવીને તેના હાલહવાલ કરી ચૂક્યા છે. હવે તેમણે ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ પરથી ટીવી સિરીયલ શરૂ કરી છે. ‘દેવદાસ’ હોય કે ‘સરસ્વતીચંદ્ર’, પહેલી નજરે એવું લાગે જાણે સંજયભાઇએ આ ચીજો આર્કિટેક્ચરની કોઇ ચેનલ માટે બનાવી હશે. વાર્તાના કેન્દ્રને ખસેડી નાખે એટલી હદની ખલેલ પાડતી ભવ્યતા સંજયભાઇની લાક્ષણિકતા છે. ઘણાને-કદાચ તેમને પણ- એ તેમની સિદ્ધિ લાગતી હશે.
સંજયભાઇના મનમાં ‘દેવદાસ’ કે ‘સરસ્વતીચંદ્ર’ જેવી ક્લાસિક કૃતિઓનું નવસંસ્કરણ કરીને તેમને વર્તમાન પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો ખ્યાલ હશે. વિચાર પવિત્ર કહેવાય, પણ એનો અમલ અરેરાટી ઉપજાવનારો હોય છે. જેમ કે, ‘દેવદાસ’ની મૂળ કથામાં હીરોઇન પારો અને કોઠાવાળી ચંદ્રમુખી કદી મળતાં જ નથી. એ આખી વાર્તાની અનેક વિશિષ્ટતાઓમાંની એક છે. અગાઉ આ જ કથા પરથી ફિલ્મ બનાવનારા પી.સી.બરુઆ અને બિમલ રોય કથાને વફાદાર રહેવાના આગ્રહને કારણે પારો-ચંદ્રમુખીને ભેગાં કરવાની લાલચ ટાળી શક્યા હતા, પણ સંજયભાઇ કોનું નામ? તેમણે તો પારો-ચંદ્રમુખી (ઐશ્વર્યા-માઘુરી)ને ભેગાં કર્યાં તો કર્યાં, સાથે નચાવ્યાં પણ ખરાં. આવી મથરાવટી ધરાવતા ભાઇના હાથમાં ગુજરાતી સાહિત્યની સૌથી પ્રશિષ્ટ અને પ્રતિષ્ઠિત કૃતિઓમાંની એક ‘સરસ્વતીચંદ્ર’ પડે, એટલે ચિંતા થવી સ્વાભાવિક છે.
’સરસ્વતીચંદ્ર’ ફિલ્મમાં મનીષ-નૂતનઃ Manish-Nutan in Saraswaichandra |
‘સરસ્વતીચંદ્ર’ પરથી નાટક બનાવવાના પ્રયાસ ગોવર્ધનરામ (૧૮૫૫-૧૯૦૭)ની હયાતીમાં શરૂ થઇ ચૂક્યા હતા. કાંતિલાલ પંડ્યાએ ૧૯૧૦માં લખેલા ગોવર્ધનરામના ચરિત્રમાં નોંઘ્યું છે કે ‘મુંબઇ ગુજરાતી નાટક કંપની’ના માલિક તથા મેનેજરે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાની લોકપ્રિયતા જોઇને ખુદ ગોવર્ધનરામને તેના પરથી નાટક લખી આપવા કહ્યું હતું.
કાંતિલાલે લખ્યું છે, ‘ચાર મ્હોટા ભાગવાળા આ ગંભીર ગ્રન્થને એક ચાર કલાકના નાટકના રૂપમાં સારી રીતિએ મૂકવા એ ગોવર્ધનરામને તદ્દન અશક્ય લાગતું. પણ જ્યારે આ માગણી કંઇક આગ્રહથી કરવામાં આવી ત્યારે ગોવર્ધનરામે સરસ્વતીચન્દ્ર સંબન્ધી, પરંતુ પોતાના ગ્રન્થથી જુદા પ્લૉટવાળું એક નાટક લખવાનો વિચાર કર્યો. સરસ્વતીચન્દ્ર, કુમુદસુન્દરી તથા કુસુમસુંદરીનું જીવન પછીથી કેવા પ્રકારનું હતું એ વિષે એમને કેટલાક તરફથી પુછવામાં આવ્યું હતું. એનો ખુલાસો કરવો તથા ત્હેની સાથે કલ્યાણગ્રામની પોતાની યોજના દાખલા સહિત સમજાવવી એ હેતુથી ‘ક્ષેમરાજ અને સાઘ્વી’ એ નામનું એક નાટક રચ્યું. મુંબાઇના ક્ષેમરાજ નામના એક શેઠીઆને સોનેરી ટોળીવાળા કેવી રીતે ઠગી લે છે, એની પત્ની સાઘ્વીને કેવી રીતે દુઃખી કરે છે અને આ સર્વ ઠગાઇમાંથી સરસ્વતીચન્દ્ર, કુમુદ અને કુસુમ, કલ્યાણગ્રામની યોજના દ્વારા કેવી રીતે આ દમ્પતીને બચાવી સુખી કરે છે- એ મુખ્ય વાત છે. આ નાટક ‘મુંબઇની પ્રજાના મનનું રંજન નહીં કરે’ એમ કરીને તે નાટક ‘ગુજરાતી નાટક કંપની’વાળા તરફથી પાછું ફર્યું.’ (જોડણી અસલ પ્રમાણે)
ગોવર્ધનરામના અવસાન પછી ૧૯૧૨માં નીતિદર્શક નાટક મંડળીએ સુરતમાં સ્ટેશનની સામે આવેલી લોટાવાળાની ચાલીમાં આ નાટક ભજવ્યું. તે મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના છોટાલાલ શર્માએ લખ્યું હતું. ઉપલબ્ધ નોંધ પ્રમાણે આ નાટક અત્યંત સફળ નીવડ્યું અને એવું કહેવાતું કે આ નાટક જોવા માટે મુંબઇથી સુરત સ્પેશ્યલ ટ્રેનો દોડતી હતી. (જોકે, તેમાં અતિશયોક્તિ હોવાનો પૂરો સંભવ છે.)
ઓક્ટોબર, ૧૯૧૨માં આ નાટક સુરતથી મુંબઇ આવ્યું અને ભાંગવાડીના થિએટરમાં તેના શોની જાહેરાત થઇ. સુરતમાં ‘સરસ્વતીચંદ્ર’ના નાટકની ભવ્ય સફળતા વિશે મુંબઇના લોકો જાણતા હતા. એટલે નાટકની ટિકિટોના બુકિંગ માટે લાંબી લાઇનો લાગી. પરંતુ પહેલા દિવસે શો શરૂ થાય એ પહેલાં જ ગોવર્ધનરામના વારસદારોએ અદાલતમાં જઇને નાટકની રજૂઆત સામે મનાઇહુકમ મેળવ્યો. તેમાં મૂળ લેખકના હકનું રક્ષણ કરવાની વાત તો હતી જ, પણ વધારે અગત્યનો- સંજય ભણસાળીની સિરીયલ જોતાં ખાસ યાદ આવે એવો મુદ્દો હતોઃ ‘નાટકમાં કશી વિકૃતિ થાય નહીં ને મૂળનું ગૌરવ સાદ્યંત જળવાઇ રહે.’
એ દૃષ્ટિએ વિચારતાં સંજય ભણસાળીનું ‘સરસ્વતીચંદ્ર’ ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ની મહાવિકૃત આવૃત્તિ જ લાગે છે, જેમાં સરસ્વતીચંદ્ર દુબઇ રહે છે અને સિરીયલની ટેગલાઇન છેઃ ‘મુકમ્મલ મોહબ્બતકી અઘૂરી દાસ્તાન.’
સંજય ભણસાળીની ’સરસ્વતીચંદ્ર’ / Sanjay Bhansali's Saraswatichandra |
સંજય ભણસાળીએ આ શ્રેણીના બે હજાર હપ્તા થાય એવી મહત્ત્વાકાંક્ષા વ્યક્ત કરી છે. ‘દરેક કથાનું જમાને જમાને જુદું અર્થઘટન અને સમયને અનુરૂપ રજૂઆત થતાં રહે, એમાં ખોટું શું છે?’ એવી દલીલ થઇ શકે છે, પરંતુ ભવ્યતામાં જ ભગવાન માનતા સંજય ભણસાળી જેવા દિગ્દર્શકો કૃતિનું મૂળ હાર્દ હણી નાખે અને તેને પરચૂરણ પ્રેમકથા તરીકે રજૂ કરે, ત્યારે ચોક્કસ એવો વિચાર આવે કે એક ક્લાસિક કૃતિના હાર્દની કતલ કરવાનો ગુનો કાયદાની અદાલતમાં ગુનો ગણાય કે એ ‘ક્રીએટીવ લીબર્ટી’માં ખપી જાય?
‘સરસ્વતીચંદ્ર’ના ૧૯૧૨માં થયેલા નાટ્યરૂપાંતર વખતે ‘મૂળમાં કશી વિકૃતિ થાય નહીં, તેનું ગૌરવ સાદ્યંત જળવાઇ રહે’ એ તકરારમાં ગોવર્ધનરામ ત્રિપાઠીના પરમ મિત્ર અને દેશના નામાંકિત ગુજરાતી રસાયણશાસ્ત્રી પ્રો.ત્રિભુવનદાસ ગજ્જરને વચ્ચે રાખીને સમાધાન કરવામાં આવ્યું હતું. એક સાહિત્યકાર-ચિંતક ગોવર્ધનરામ અને એક રસાયણશાસ્ત્રી પ્રો.ગજ્જરની ગાઢ મૈત્રી જુદા લેખનો વિષય છે, પણ અત્યારે એટલું જાણી લઇએ કે નડિયાદના સાક્ષરરત્ન ગોવર્ધનરામે છેલ્લા શ્વાસ મુંબઇમાં પ્રો.ગજ્જરના બંગલે લીધા હતા.
હવે લવાદ તરીકે નીમી શકાય એવા પ્રો.ગજ્જર તો નથી જ, પણ ગુજરાતી સાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિના ભવ્ય પરચૂરણીકરણ સામે જેમને વાંધો પડે એવા ગોવર્ધનરામના- ‘સરસ્વતીચંદ્ર’ના ‘સાંસ્કૃતિક વારસદારો’ કેટલા છે, એ પણ મોટો સવાલ છે.
એક પત્રકાર / લેખક ના ભાગે આવતી આવી મોટી સામાજિક જવાબદારી નિભાવવા બદલ ખૂબ ખૂબ આભાર સહ હાર્દિક ધન્યવાદ !
ReplyDeleteતમારી ચિંતા એકદમ વ્યાજબી છે. કાયદા પાસેથી કોઇ આશા નથી, કેમ કે વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે, કહેવાતા કલાજગતના માણસોને (?) મન ફાવે તેમ સામાજિક બે-જવાબદારીથી વર્તવા માટે મોકળું મેદાન મળી જાય છે. ફક્ત અને ફ્ક્ત ગુજરાતી સાહિત્યપ્રેમી જનતાનો જનઆક્રોશ જ કલાના નામે થતી આવી દુર્ગટનાને રોકી શકે છે.
જોઇએ, ગુજરાતી સાહિત્યપ્રેમીઓ કેટલા પાણીમાં છે.
ઉર્વિશભાઇ,
ReplyDeleteતમારી વાત સાથે બિલકુલ સંમત નથી. તેના કારણ નીચે મુજબ છે.
૧. સરસ્વતિચંદ્ર ચાલુ થયે હજી થોડોક જ સમય થયો છે. થોડાક હપ્તાના આધારે તેને પાસ નપાસ કરી દેવી યોગ્ય નથી. સિરિયલને એકાદ માસ થાય તે પછી વિવેચન યોગ્ય રહેશે.
૨. ક્લાસિકને માસ સુધિ પહોંચાડવા ફેરફારો જરૂરી છે. આ ફેરફારો ગોલ્ડી આનંદ, બિમલ રોયથી માંડીને બધા સર્જકો કરે જ છે. આર.કે.નારાયણના ગાઇડના મુવીચિત્રણ વખતે ગોલ્ડીએ વાર્તામાં ઘણા બધા ફેરફાર કર્યા. આમ છતાં મુવીને બધાએ ક્લાસિક તરીકે વખાણી. મુવી એ મુવી છે અને નવલકથા એ નવલકથા છે. બન્નેનો ફલક જુદો હોય છે, આ બાબત વિવેચન વખતે ધ્યાનમાં લેવા જેવી છે.
૩. ત્રીજુ કારણ તમારા વિશે છે. http://urvishkothari-gujarati.blogspot.in/2010/07/blog-post_06.html. આ લેખમાં તમે આસિત દેસાઇ અને સિરિયલના વખાણ કર્યા છે. લેખનો સ્વર પ્રસંશાનો છે. બધા જાણે છે કે આ સિરિયલ અને તારક મહેતાના સર્જન વચચે આભજમીનનું અંતર છે. 'સરસ્વતિચંદ્ર' અને 'તારક મહેતાના' વિક્ષ્લેક્ષણમાં આ ભેદભાવ કેમ? આવા બેવડાં ધોરણનું કારણ શું?
કાશ્મીર થી કન્યાકુમારી સુધિ આ કૃતિને પહોંચાડવા થોડા ફેરફારો કરવામાં આવે તો ખોટું શું છે?
ભાઇ કૃતેશ
ReplyDelete૧. કેટલીક બાબતો નક્કી કરવા માટે રાહ જોવાની જરૂર પડતી નથી.
૨. ’ફેરફારો’ એટલે? આખેઆખા કથાવસ્તુને પાયામાંથી જ ફેરવી નાખવું તે? મારી એ વિશેની સમજણ જુદી છે.
૩. મારાં ’બેવડાં ધોરણ’ વિશેનો તમારો ઉત્સાહ સમજી શકાય એવો છે. પણ તારક મહેતાએ ’સરસ્વતીચંદ્ર’ લખ્યું નથી અથવા જે લખ્યું છે તે ’સરસ્વતીચંદ્ર’ નથી આટલી સાદી વાત તમે સમજી શક્યા હોત તો તમારી ફરિયાદ હળવી થઇ ગઇ હોત.
’કાશ્મીરથી કન્યાકુમારી સુધી’ જે કૃતિ પહોંચશે તે સંજયભાઇની હશે, ગોવર્ધનરામની નહીં.
અને ભલા માણસ, ’ખોટું શું છે’ એના વિશે તો આખો લેખ લખ્યો. હવે તમે પૂછો છો, હરણની સીતા કેમ ન થઇ? તો શું જવાબ આપું?
હશે. તમે મારી સાથે સંમત નથી ને હું તમારી સાથે નથી. ચાલ્યા કરે.
I have not read Saraswati Chandra but your fears about Bhansali are not at all unwarranted. The man specialises in a certain vision of cinema (to put it mildly) which is so far away from any kind of reality (forget even the reality of the novel itself for the moment), that's it's laughably ludicrous. As they say in trailors of horror movies: Be afraid, be very afraid! :)
ReplyDeleteઉર્વિશભાઇ,બધાં તમારી વાત સાથે સહમત ન થાય તેનો અર્થ એ નથી કે તમારી દલીલોમાં તથ્ય નથી. વાર્તાનુ આખે આખુ "લોકાલ" બદલવુ એ ફોટો માથી બેકગ્રાઉન્ડ બદલીને ડીજીટલ સર્જરી કરવા જેવી વાત છે. હું તમારી સાથે લેખનાં દરેક મુદ્દે સહમત છુ. સુંદર રજુઆત.
ReplyDeleteક્રિએટિવિટીનું મેનીફેસ્ટેશન બહુ અવનવું હોઈ શકે છે, અને એ આપણે આજકાલ સંગીતમાં બહુ પ્રચલિત એવા 'ફ્યુઝન' અને સાહિત્યમાં પ્રચલિત એવા 'ટ્રાન્સક્રિએશન' જેવા પ્રયોગોમાં જોઈ શકીએ છીએ. એટલે 'સરસ્વતીન્દ્ર' કે અન્ય કોઈ પણ ક્લાસિક કૃતિને કોઈ પ્રયોગશીલ પ્રતિભા પોતાની આગવી કલ્પનાશીલતાથી, આગવી સમજથી, આગવી પ્રસ્તુતિથી, આગવી માવજતથી 'નવેલી' ચીજ રૂપે પુનર્સર્જન -અનુસર્જન કરે તો સમાજને તો મૂળ મહાન કૃતિ ઉપરાંત એક ઓર નવા 'અનુસર્જન -ઉપસર્જન' ની ભેટ મળવાની છે. હા, ' તેમાં મૂળ લેખકના હકનું રક્ષણ' થાય તથા તેના હાર્દ સાથે 'કશી વિકૃતિ થાય નહીં' તે તો અનિવાર્ય શરત ગણાવી જોઈએ. પણ ' સદા' ને માટે ' મૂળનું ગૌરવ સાદ્યંત જળવાઇ રહે’ એ અપેક્ષા હરહમેશ રાખવી ઇચ્છનીય નથી, કારણ કે સદાને માટે અને સાદ્યંત ગૌરવ જળવાઈ રહેવા માટે જે તે 'ક્લાસિક' કૃતિએ પોતે જ પોતાની એવી યોગ્યતા, પાત્રતા સાથે અવતરવું પડે, જો એ આજે આધુનિક સમાંજે સ્વીકારેલા મૂલ્યો --- જેવા કે સમાનતા, સ્વતંત્રતા, માનવ ગૌરવ, માનવ અધિકાર, સામાજિક ન્યાય, વૈશ્વિક બન્ધુત્વ --- વગેરેથી વિરુદ્ધ મૂલ્યોના પ્રચાર-પ્રસારનું સાહિત્ય બની રહેવાની હોય તો, એવું પણ બને કે કોઈ પ્રતિભાવાન અનુગામી એવી 'ક્લાસિક' કૃતિનું 'અનુસર્જન' કરીને એના 'ગૌરવ'ને સદાને માટે રગદોળી નાખે ! અને ત્યારે એ આધુનિક લેખકના 'અનુસર્જન'ને આવી શરતથી દબાવી દેવાય, કચડી નંખાય તો એ સર્જનશક્તિ-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું ગળું ઘોંટવા બરાબર ગણાય. લીબરાલીઝ્મ અને પ્લુંરાલીઝ્મના જમાનામાં ગઈ કાલના 'ક્લાસિક' ને જીવવાનો અધિકાર છે એમ નાવીદિત 'ક્લાસિક'ને જન્મવાનો પણ અધિકાર હોવો જોઈએ.
ReplyDeleteતમારી 'ક્લાસિક નું કચુંબર' અને 'દેવદાસ' (ફિલ્મ) વાળી વાત સાથે સંમત...
ReplyDeleteકચુંબર વેચવાનું છે, તો કચુંબર તરીકે જ કેમ નહીં? વાંધો એના આધાર તરીકે આવી પ્રસિધ્ધ કૃતિઓના નિમ્ન સ્તરના ઉપયોગ સામે છે, અને તે વાજબી છે.
ReplyDeleteGood one.used here...
ReplyDeletehttp://sureshbjani.wordpress.com/2006/06/01/g_m_tripathi/
ભાઈ ઊર્વીશ,
ReplyDeleteઆ રમતના નિયમ બહુ સાદા-સરળ છે...: 'શું વેચાશે..?' 'તારક મહેતાના ઉલટા ચશ્મા ' હોય 'દેવદાસ' હોય કે 'સરસ્વતી ચંદ્ર' -અહીં આ કૃતિઓનું 'ક્લાસિક' હોવું કે લોકપ્રિય હોવું ચાલક તત્વ છે. મૂળ પ્લોટ/કથા વસ્તુ અગાઉથી ક્લાસિક કે લોકપ્રિય હોવાને સંબંધિત પ્રસારણ/ નિર્માણ સંસ્થા પાસે સહેલાઈથી સ્વીકૃત થઇ જાય જે પ્રોજેક્ટ માટે આવશ્યક આર્થિક વ્યવસ્થા આસાનીથી ઉભી કરે -એને બીજો તબ્બકો નિર્માણનો -જેમાં મૂળ પ્લોટને મેકર કેટલો વફાદાર રહે છે કે નહીં એની કોઈ સ્તરે ચકાસણીની વ્યવસ્થા/ આવશ્યકતા/ શરત/ બંધન/જવાબદારી /ચોંપ નથી. આમ અગાઉથી પ્રસિદ્ધ [ક્લાસિક/લોકપ્રિય] કૃતિઓ બે રીતે કબજે કરાય છે- મૂળ લેખક/વારસદાર પાસેથી નિર્માણ હક્ક ખરીદી -જેના કરારપત્રમાં 'પ્રસ્તુતીનું માધ્યમ બદલાતા રજુઆતમાં આવશ્યક ફેરફારોની પરવાનગી ' શામેલ હોય એને બીજી રીત જયારે જે તે કૃતિ કાળાંતરે આપોઆપ મેકરને કોઈ પણ કાનૂની બંધન વગર સુલભ હોય.
આમ એક વાર અગાઉથી પ્રસિદ્ધ કથાવસ્તુ ફિલ્મ/ટીવી માલિકા માટે ‘હાથે લાગી’ ગયા બાદ જે તે મેકર એ કયા ઉદ્દેશથી પેશ કરે છે તેની વૃત્તિ પર અંતિમ પરિણામનો આધાર છે કેમ કે આ વૃત્તિ જ જે તે કૃતિને પરિમાણ આપે છે.
કોઈ પણ મેકર ક્લાસિક/લોકપ્રિય કૃતિને નવા માધ્યમમાં રજુ કરવા હાથમાં લે ત્યારે એના સ્થૂળ અર્થમાં બે જ ઉદ્દેશ હોઈ શકે : ૧] સર્જનાત્મક પ્રેરણા – કેટલું ભવ્ય તત્વ છે લાવ આમાંથી કશુંક અદભૂત બનાવીએ-...!! એને ૨] કેટલું જાણીતું તત્વ છે –લાવ આમાંથી નામ/દામ બનાવીએ.
પ્રથમ ઉદ્દેશમાં ફિલ્મોમાં ‘કંકુ’ [ગુજરાતી], બન્ને બ્લેક એન્ડ વ્હાઈટ ‘દેવદાસ’ ‘ભવની ભવાઈ’,’મિર્ચ મસાલા’’અર્ધસત્ય’,’ભૂમિકા’ ‘આંધી’ ‘ગાઈડ’ ‘આમ્રપાલી’,’સુરજ કા સાતવાં ઘોડા’, ‘પિંજર’ સત્યજીત રેની અનેક ફિલ્મો ટીવી માલિકા ‘માલગુડી ડે’ઝ’, ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’, ‘તમસ’ જેવા નિર્માણના નામ આવી શકે.
અને નામ/દામ મેળવી લેવાના ઉદ્દેશથી બનેલા નિર્માણમાં ‘સ્લમડોગ મિલિયોનેર’ ‘થ્રી ઈડિયટસ’, ‘હેલો’, સંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’ ‘સાંવરિયા’ અને હવે ‘સરસ્વતીચંદ્ર’ આવી શકે.
બન્ને પ્રકારના અનુસર્જનો માં શ્રેષ્ઠ/કનિષ્ઠ કિસમના નિર્માણ થયાં છે એને દરેકના આગવા કારણો છે. મારે માત્ર એટલું કહેવાનું છે કે જવાબદાર પત્રકાર તરીકે તમે માત્ર “સંજય લીલા ભણસાળી. એ ફિલ્મો બનાવે છે અને વખતોવખત ‘ક્લાસિક’ કથાઓનું બેરહમ ભવ્યતાથી કચુંબર કરે છે. અગાઉ એ શરતચંદ્ર ચેટરજીની વિખ્યાત કૃતિ ‘દેવદાસ’ પરથી ફિલ્મ બનાવીને તેના હાલહવાલ કરી ચૂક્યા છે.” એટલું લખો એ ન ચાલે. તમારા વિધાનને વ્યાજબી ઠેરવતી વિગત સાથે આપવી રહી સંજયનું બ્લંડર એ નથી કે પારો અને ચંદ્રમુખીને મેળવ્યાં- જો સંજયનો ઉદ્દેશ સર્જનાત્મક હોત તો શરદ બાબુ એ જે વાત ‘બીટવીન દ લાઈન્સ’ સુચવી છે તે વાત સંજય ‘બીટવીન દ ફ્રેમ્સ’ આણી શક્યા હોત –પણ એવું બન્યું નહીં કેમકે સંજયનો એવો કોઈ ઉદ્દેશ જ નહોતો. શાહરુખના કાસ્ટિંગથી સંજયને શું અપેક્ષિત હતું...? આ જ શાહરુખ પાસે કુંદન શાહે એના લોકપ્રિય મેનરિઝમની બાદબાકી કરી ‘કભી હાં કભી ના‘ માં લુઝરની ભૂમિકા કરાવી હતી- કેમ કે કુંદન શાહનો ઉદ્દેશ સ્ટારમાં સંતાયેલા અભિનેતા સાથે કામ કરવાનો હતો પણ સંજયનો ઉદ્દેશ સ્ટારના સ્ટારપણા સાથે હતો. ‘પારો’ અને ‘ચંદ્રમુખી’નું ‘મિલન’ એ સંજય માટે કલ્પનાશીલતાની સંભાવનાને આહવાન આપતાં દ્રશ્ય નહોતા બલકે ‘માધુરી’ એને ‘એશ્વર્યા’ ના કામ્બાઈન સીનમાં દોહાઈ શકાતી ‘વ્યવસાયિકતા’ હતી અને ખાટલે મોટી ખોડ એ હતી /છે કે સંજયના વ્યવસાયિક અભિગમ સાથે સર્જનાત્મકતાનો સુભગ સમન્વય નથી થાતો અને આ વાત તમારા લેખમાં તમારે ઉજાગર કરવી જોઈએ અન્યથા ‘દેવદાસ’ અને ‘વુધરીંગ હાઈટ્સ’ [સાંવરિયા] ના બેહાલ કરી ચુકેલા મેકર માટે તમારે “સરસ્વતિચંદ્ર ચાલુ થયે હજી થોડોક જ સમય થયો છે. થોડાક હપ્તાના આધારે તેને પાસ નપાસ કરી દેવી યોગ્ય નથી. સિરિયલને એકાદ માસ થાય તે પછી વિવેચન યોગ્ય રહેશે.” એવી કૃતેશ ભાઈની મુગ્ધ ટીપ્પણી સહેવી પડે.
કૃતેશ ભાઈ અને સંજય લીલા ભણસાલીમાં ઉમ્મીદ રાખતા ભોળા વાચક/દર્શકો ને જાણ થાય કે મૂળ કૃતિમાં આવશ્યક ફેરફાર કરવા એ બ્લંડર નથી. એમ તો ‘સ્લમડોગ મિલિયોનેર’ મૂળ નવલકથાના માત્ર ૪૦ % પરથી અને તે પણ-મૂળ કૃતિ ની સરખામણીએ દીર્ઘ કુદકા વાળાં કથા પ્રવાહ સાથે બની છે – પણ તેથી તે ટીકાને પાત્ર નથી. ‘ગાઈડ’ મૂળ લેખક આર. કે. નારાયણને નહોતી ગમી એવા ફેરફાર સાથે પેશ થઇ હતી –પણ તેથી તે ટીકાને પાત્ર નથી.ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ‘પિંજર’ અમૃતા પ્રીતમની નવલકથાના મૂળ ટેક્સ્ટને શબ્દશઃ વફાદાર રહી છે પણ તેથી તે પ્રસંશાને પાત્ર નથી.
મૂળ ગડબડ છે નામ અને દામ કમાવવા સર્જનાત્મકતાના ઓઠા હેઠળ ક્લાસિક/લોકપ્રિય કૃતિઓની દુર્દશા કરવી.
ગોવર્ધનરામ ત્રિપાઠીએ ૪ ભાગમાં અને ૧૪ વર્ષમાં (૧૮૮૯-૧૯૦૧) લખેલી .........૮૯ થી ૦૧ બાર વરસ થયાં.
ReplyDelete