સરેરાશ ભારતવાસીઓ માટે ઇટાલી એટલે પિત્ઝા અને સોનિયા ગાંધી. કૌભાંડરસિક જનતાને બોફર્સ સોદામાં ખરડાયેલા ક્વોત્રોકિનું નામ યાદ આવે, તો ઇતિહાસના પાકા લોકોને યાદ આવે કે ઇટાલીનાં સામાન્ય પરિવારનાં પુત્રી સોનિયા મેઇનોએ રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા પછી લાંબા સમય સુધી ભારતનું નાગરિકત્વ લીઘું ન હતું. અલબત્ત, ઘણા વખતથી તે ભારતનાં નાગરિક બની ચૂક્યાં છે. અને અમદાવાદના પિત્ઝામાં રહ્યું છે એટલું જ- નામ પૂરતું- ઇટાલીપણું સોનિયા ગાંધીમાં રહ્યું હશે. છતાં, તેમનું ઇટાલિયન કુળ વિપક્ષોનું મનગમતું અને હાથવગું મહેણાસ્ત્ર છે.
સોનિયા ગાંધી સામે વાંધો પાડવા જવાબદારી વગરની સત્તાના ભોગવટાથી માંડીને એકહથ્થુ શાસન જેવા અનેક મુદ્દા છે. એને બદલે, સોનિયા ગાંધીનું ઇટાલિયન હોવું, એ વર્ષો પછી પણ ભારતના રાજકારણનો એક અગત્યનો મુદ્દો બને અને ‘રાષ્ટ્રવાદીઓ’ને તેની સામે સતત વાંધો પડે, એ ‘રાષ્ટ્રવાદ’ના ખ્યાલની સંકુચિતતા અને રાજકારણનું છીછરાપણું દર્શાવે છે.
ઇટાલી થોડાં અઠવાડિયાથી વઘુ એક વાર ભારતનાં મથાળાંમાં ચમક્યું છે. સૌથી પહેલાં, ઇટાલિયન કંપની અગુસ્તાવેસ્ટલેન્ડ સાથે થયેલા હેલિકોપ્ટર સોદામાં કટકીનો મામલો આવ્યો. એમાં ભારતના વાયુદળના ભૂતપૂર્વ વડા સુધી રેલો પહોંચ્યો. તેનો વિવાદ શમે એ પહેલાં હત્યાના આરોપસર ભારતમાં કસ્ટડીમાં રખાયેલા ઇટાલીના નૌકાદળના બે સૈનિકોના મુદ્દે ઇટાલી અને ભારત આમનેસામને આવી ગયાં છે. પાછા ફરવાની બાંહેધરી સાથે ઇટાલી ગયા પછી સૈનિકો તો સૈનિકો, ખુદ ઇટાલીની સરકાર નામકર ગઇ છે અને સૈનિકો પાછા નહીં આવે, એવું ભારતને કહી દેવામાં આવ્યું છે.
ભારતને શરમજનક સ્થિતિમાં મૂકતા આ ઘટનાક્રમ વિશે વાત કરતાં પહેલાં, તેની સાથે સીધો સંબંધ કે સરખામણી ન હોય એવો, પહેલા વિશ્વયુદ્ધ પછીનો એક બનાવ સાંભરે છે.
મુસોલિનીના જમાનામાં...
ઇટાલીનો ફાસીવાદી શાસક મુસોલિની સરમુખત્યાર જેવી સત્તા અને આક્રમક રાષ્ટ્રવાદના ઘાતક સંયોજન માટે કુખ્યાત હતો. યુરોપના દેશોમાં મહત્ત્વની દૃષ્ટિએ ઇટાલીનું વજૂદ ખાસ કશું નહીં, પણ મુસોલિનીને કોઇ પણ હિસાબે મોટા દેખાવાના બહુ ધખારા હતા. લોકશાહી પ્રત્યે ભારોભાર અવિશ્વાસ અને ફાસીવાદી માનસિકતા ધરાવતા શાસકો પોતાના અપમાનને દેશનું અપમાન અને પોતાના જયજયકારને દેશના જયજયકાર તરીકે ખપાવવામાં ઉસ્તાદ હોય છે. મુસોલિની પણ ઇટાલીનો- એટલે કે પોતાનો- છાકો પાડવા માટે બહુ આતુર હતો. ૧૯૨૩માં તેને એવી તક મળી.
યુરોપના બે દેશો ગ્રીસ અને આલ્બેનિયા વચ્ચે સરહદની તકરાર હતી. એની વાટાઘાટો માટે ‘કોન્ફરન્સ ઓફ એમ્બેસેડર્સ’ તરીકે ઓળખાતી એલચીસભાની બેઠક ચાલતી હતી. એ વખતે ગ્રીસના કેટલાક લૂંટારાએ સરહદ નજીકના વિસ્તારમાં ઇટાલીના પ્રતિનિધિ અને તેના સાથીદારની હત્યા કરી. ‘રાષ્ટ્રવાદી’ (એટલે કે પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રપ્રેમ જેવી લાગણીને વટાવી ખાનાર) મુસોલિની રાજાપાઠમાં આવી ગયો. ઇટાલીના પ્રતિનિધિના હુમલા માટે તેણે આખા ગ્રીસ દેશને દોષી ઠેરવ્યો અને કહ્યું કે ગ્રીસે ઇટાલીની મદદથી પાંચ દિવસમાં હત્યારાઓને શોધીને ફાંસી આપવી. આટલેથી સંતોષ ન થતાં મુસોલિનીએ જાહેર કર્યું કે હત્યાનો શોક વ્યક્ત કરવા માટે ઇટાલીની જેમ ગ્રીસે પણ તેનો ઘ્વજ અરધી કાઠીએ ફરકાવવો અને દંડ પેટે ઇટાલીના ચલણમાં પાંચ કરોડ લીરા ભરપાઇ કરવા.
હત્યાની તપાસમાં સહકાર આપવાની ગ્રીસની તૈયારી હતી, પણ મુસોલિનીની જમાદારી સામે તેણે વિરોધ નોંધાવ્યો. બસ, મુસોલિનીને આવી કોઇ ઉશ્કેરણીની જ તલાશ હતી. તેણે ગ્રીસના કોર્ફુ ટાપુ પર હુમલો કરીને ત્યાં ઇટાલીનો કબજો જમાવી દીધો.
એ વખતે અત્યારના સંયુક્ત રાષ્ટ્રસંઘ ‘યુનો’થી પણ વધારે નબળી બે સંસ્થાઓ ‘રાષ્ટ્રસંઘ’ અને આગળ જણાવેલી એલચીસભા મોજૂદ હતી. તેમાં રહેલા દેશોને ન્યાયમાં નહીં, ફક્ત પોતાના હિતમાં રસ હતો. તેમણે ઇટાલીની તરફેણમાં ચુકાદો આપ્યો. છેવટે, ગ્રીસે પાંચ કરોડ લીરાની ખંડણી ભરી અને સામાન્ય રીતે મુસોલિનીનાં કરતૂત ભણી આંખ આડા કાન કરતા બ્રિટને તેને ચીમકી આપી, ત્યારે મુસોલિનીએ કોર્ફુ ટાપુનો કબજો છોડ્યો. પરંતુ વટ પાડવાનો અને ધોંસ જમાવવાનો તેનો હેતુ સિદ્ધ થઇ ચૂક્યો હતો.
હાથમાં તેની બાથમાં
ફેબ્રુઆરી, ૨૦૧૨. કેરળ નજીક ભારતની દરિયાઇ હદમાં એક ટેન્કર અને એક સ્થાનિક માછીમાર નૌકા આમનેસામને થઇ ગયાં. ટેન્કરમાં તેના સ્ટાફ ઉપરાંત છ ઇટાલિયન નૌસૈનિકો હતા. આરોપ પ્રમાણે, તેમણેે કશી ઉશ્કેરણી વિના માછીમાર નૌકા પર ગોળીબાર કર્યો. તેમાં કેરળના બે માછીમારો માર્યા ગયા.
આ સમય ૧૯૨૩નો નહીં, ૯૦ વર્ષ પછીનો હતો. એટલે મુસોલિનીના અંદાજમાં આખેઆખા ઇટાલીને દોષી ઠરાવવાનો સવાલ ન હતો, પણ ભારતના તટરક્ષક દળે ટેન્કરને આંતરીને હત્યાના આરોપસર ઇટાલીના બે નૌસૈનિકોની ધરપકડ કરી. સૈનિકોએ એવો બચાવ કર્યો કે ચાંચિયાગીરીની શંકાથી માછીમાર નૌકા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ બાબતના ટેકામાં ભારતીય અદાલતમાં દસ્તાવેજો રજૂ કરી શક્યા નહીં. કેરળની રાજ્ય સરકારે સખ્તાઇથી કામ લઇને બન્ને નૌસૈનિકોને કસ્ટડીમાં મોકલી આપ્યા.
પોતાના સૈનિકોને આમ અંતરિયાળ પકડીને પુરી દેવા બદલ ઇટાલીની સરકારે રાજકીય અને કાનૂની એમ બધા સ્તરે રજૂઆતો કરી. અનેક ટેકનિકલ મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રિય કરારો-સમજૂતીઓ અને વિદેશ પ્રધાનના સ્તરે રાજદ્વારી મંત્રણાઓ ચાલી. પરંતુ ભારતે જરાય નમતું આપ્યું નહીં. દરમિયાન ઇટાલીના નૌસૈનિકોને બીજા કેદીઓની જેમ નહીં, પણ સારી રીતે રાખવામાં આવતા હતા. ઇટાલીના રાજદૂત કે તેમના પ્રતિનિધિ રોજ બન્ને કેદીઓને મળતા હતા.
ભારતનું વલણ એવું હતું કે તમે પરદેશી છો. એટલે વધારાની સગવડો મળશે. પણ કાયદો કાયદાનું કામ કરશે. ઇટાલીની લાખ દલીલો સામે ભારતનું એક ‘ઊંહું’- એવો તાલ હતો. કારણ કે સૈનિકોનો કબજો ભારત પાસે હતો.
સ્થાનિક અદાલતમાં અને હાઇકોર્ટમાં બન્ને ઇટાલિયન આરોપીઓ સામે કામ ચાલ્યું. કાનૂની પ્રક્રિયા ચાલુ હતી અને ૨૦૧૨નો ડિસેમ્બર આવ્યો. એટલે ઇટાલીના વિદેશમંત્રીની વિનંતીથી કેરળની હાઇકોર્ટે બન્ને આરોપીઓને બે અઠવાડિયાં માટે નાતાલ ઉજવવા વતન જવાની રજા આપી. તેમની જામીનગીરી પેટે રૂ.૬ કરોડ લેવામાં આવ્યા હતા.
પહેલી વાર તો બન્ને સૈનિકો નક્કી થયા પ્રમાણે બે અઠવાડિયાંમાં ભારત પાછા આવી ગયા, પણ ફેબુ્રઆરી, ૨૦૧૨માં ફરી એક વાર, આ વખતે ઇટાલીમાં આવતી ચૂંટણીમાં મતદાન કરવાના બહાને, બન્ને આરોપીઓને ચાર અઠવાડિયાં માટે વતન જવાની રજા આપવામાં આવી. આ રજા મોઢામોઢ વિનંતી પર નહીં, પણ ભારતમાં રહેલા ઇટાલીના રાજદૂતના સોગંદનામા તથા ઇટાલીના વડાપ્રધાન-વિદેશમંત્રીના ઇ-મેઇલના આધારે મંજૂર થઇ હતી. પરંતુ ૧૧ માર્ચના રોજ ઇટાલીએ જાહેર કરી દીઘું કે બન્ને સૈનિકો ભારત પાછા નહીં ફરે. હાથ ઊંચા કરી દેવા માટે ઇટાલીએ આંતરરાષ્ટ્રિય કાયદાનું બહાનું આપ્યું હતું, પરંતુ એ વિશે ભારતની સર્વોચ્ચ અદાલતે ૧૮ જાન્યુઆરીના રોજ ફેંસલો આપી દીધો હતો. આ કેસ ભારતના અધિકારક્ષેત્રમાં આવતો નથી, એવી રજૂઆતને અદાલતે ફગાવી દીધી. સાથોસાથ એ પણ કહ્યું કે કેરળનું અધિકારક્ષેત્ર ૧૨ દરિયાઇ માઇલ સુધી ગણાય, પણ ધરપકડ ૨૦.૫ દરિયાઇ માઇલ દૂરથી થઇ છે. એટલે કેરળની હાઇકોર્ટમાં આ કેસ ચાલી શકશે નહીં. કેસ ચલાવવા માટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સાથે વાત કરીને અલગ અદાલત રચવાનું કહ્યું.
આ વાત ઇટાલી લઇ પડ્યું. ઇટાલી તરફથી એવું જાહેર કરવામાં આવ્યું કે બન્ને સૈનિકો સામે હજુ સુધી કોઇ આરોપો ઘડવામાં આવ્યા નથી. જે કંઇ થયું હોય તે કેરળની હાઇકોર્ટમાં થયું હતું અને ભારતની જ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે આ મામલો હાઇકોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી. તો પછી, સૈનિકોને શા માટે પાછા મોકલવા જોઇએ?
પહેલી નજરે તાર્કિક લાગતી આ દલીલમાં એ વાત સિફતથી ગુપચાવી દેવાય છે કે સર્વોચ્ચ અદાલતે આ કેસ માટે અલગ અદાલત સ્થાપવાનું સૂચવ્યું છે. મતલબ, સૈનિકો સામે કેસ બને છે અને એ પાછા નહીં આવે તો હત્યાના કેસ ઉપરાંત સર્વોચ્ચ અદાલતના અપમાનનો વધારાનો કેસ બનશે. અદાલતે ભારતમાં રહેતા ઇટાલીના રાજદૂત ભારત છોડીને જઇ શકશે નહીં એવું ફરમાન જારી કર્યું છે. એ મુજબ ગયા શુક્રવારે દેશનાં એરપોર્ટ પર આ સૂચના મોકલી આપવામાં આવી છે.
આખા ઘટનાક્રમના ઉત્તરાર્ધમાં ઇટાલીની આડોડાઇ સાફ છે. પરંતુ ‘રાષ્ટ્રવાદી’ ઉત્સાહ બાજુ પર રાખતાં, અભ્યાસીઓને લાગે કે સૈનિકોની ધરપકડ અને તેમની સામેના આરોપ મજબૂત નથી. એ તબક્કે કેરળ સરકાર અને અદાલત દ્વારા થયેલી કાર્યવાહીમાં કાયદાકીય જોગવાઇઓ કરતાં લોકલાગણીએ વધારે ભાગ ભજવ્યો હોવાનું મનાતું હતું અને સર્વોચ્ચ અદાલતના હુકમ પછી એ સાબીત પણ થયું છે.
આ મામલાને ભારતના હાથમાં ન આવેલા બોફર્સ કટકીબાજ ક્વોત્રોકિ સાથે સાંકળવાની જરૂર નથી. કારણ કે ક્વોત્રોકિનો કેસ વ્યક્તિગત હતો, જ્યારે બન્ને સૈનિકો માટે ઇટાલીએ સરકારી રાહે બાંહેધરી આપી હતી. એવી જ રીતે, આ તકરારનું પરિણામ જે આવે તે- અને તેમાં ભારતની રાજદ્વારી કુનેહની કસોટી થશે- પરંતુ તેને રાષ્ટ્રિય ગૌરવ કે રાષ્ટ્રિય નામોશી સાથે પણ સાંકળવા જેવું નથી.
अब चुप होकर बैठने का समय नहीं।
ReplyDelete19 માર્ચના પંજાબ કેસરીમાં पूनम आई.कौशिश પોતાના સ્વતંત્ર લેખમાં ત્રીજા ફકરામાં લખે છે કે, ભારત સરકારે ઇટાલિયન નૌકાદળના બે સૈનિકોને ઇટાલી જવાની પરવાનગી શા માટે આપી? ભારતમાં રહીને પણ સૈનિકો મતદાન પોસ્ટલ સિસ્ટમથી કરી શક્યા હોત.
લિંક:
http://www.punjabkesari.in/news/%E0%A4%85%E0%A4%AC-%E0%A4%9A%E0%A5%81%E0%A4%AA-%E0%A4%B9%E0%A5%8B%E0%A4%95%E0%A4%B0-%E0%A4%AC%E0%A5%88%E0%A4%A0%E0%A4%A8%E0%A5%87-%E0%A4%95%E0%A4%BE-%E0%A4%B8%E0%A4%AE%E0%A4%AF-%E0%A4%A8%E0%A4%B9%E0%A5%80%E0%A4%82-116917
સવજી ચૌધરી,
અમદાવાદ.
Dear Urvish,
ReplyDeleteI would differ with your theory in this article.
A sovereign Nation's ambassador giving Undertaking in the highest court of our country is a matter of trust between two countries in the first place. If a country (and not the individual) does not honor its legal promise given to the Supreme Court of our country, definitely it is a matter of national insult. There can be different definitions of Nationalism for everyone. But this is a straight case of taking every Indian authority, from Judiciary to Federal Government, for granted. So, the question at the moment, is that of saving/maintaining our National pride.
'પરંતુ ‘રાષ્ટ્રવાદી’ ઉત્સાહ બાજુ પર રાખતાં, અભ્યાસીઓને લાગે કે સૈનિકોની ધરપકડ અને તેમની સામેના આરોપ મજબૂત નથી. એ તબક્કે કેરળ સરકાર અને અદાલત દ્વારા થયેલી કાર્યવાહીમાં કાયદાકીય જોગવાઇઓ કરતાં લોકલાગણીએ વધારે ભાગ ભજવ્યો હોવાનું મનાતું હતું અને સર્વોચ્ચ અદાલતના હુકમ પછી એ સાબીત પણ થયું છે.' this inference of the blogger has little relevance with the real issue and the issue is : the accused must be made to face the trial. if they are proved not guilty at the end of the trial, they are free to return to their country. but they cannot make fun of the sovereignty of the Indian state and the dignity of the Indian courts by thus not surrendering before the law. the Indian judiciary has been more than kind by granting leave to visit their country twice and their guarantors are no less a person than Italian foreign minister and again their ambassador to India ! i fully agree with salil.
ReplyDelete