આંખના પ્રકાશગ્રાહી- ફોટોરીસેપ્ટર કોષો નકામા થઇ જવાને કારણે દૃષ્ટિ ગુમાવી બેઠેલા લોકોના જીવનમાં હવે નવો પ્રકાશ પથરાઇ શકે છે. ગયા મહિને અમેરિકાના આરોગ્યવિભાગે મંજૂરી આપી દીધા પછી ‘આર્ગસ-૨’ / Argus-2 સત્તાવાર રીતે અમુક પ્રકારના નેત્રહીનોની હાથલાકડી બનવા તૈયાર છે.
Argus-2 |
માણસના શરીરનાં બધાં જ અંગ પોતપોતાની રીતે વિશિષ્ટ અને મહત્ત્વનાં હોવા છતાં, આસપાસની દુનિયાને પામવા માટે મગજ પછીના ક્રમે આંખો સૌથી મહત્ત્વની ગણાય. આંખોને લગતી બિમારીના ઇલાજમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, પરંતુ આંખોનું તેજ સાવ જતું રહ્યું હોય ત્યારે મેડિકલ સાયન્સ પણ લાચારી અનુભવે છે. આ મજબૂરી દૂર કરવા માટે ઘણા સમયથી સંશોધનો ચાલે છે અને પૂરેપૂરી નહીં તો કામ ચાલી જાય એટલી દૃષ્ટિ આપી શકાય, એવાં ઘણાં ઉપકરણ પર કામ થઇ રહ્યું છે.
ત્રણેક વર્ષ પહેલાં આ કોલમમાં ‘બ્રેઇનપોર્ટ’ નામના એક સાધન વિશે વાત કરવામાં આવી હતી. તેમાં ગોગલ્સમાં રખાયેલા ટચૂકડા વિડીયો કેમેરા દ્વારા ઝડપાતાં દૃશ્યોને વિદ્યુતતરંગો ફેરવવામાં આવતાં હતાં. એ તરંગો ઇલેક્ટ્રોડનો જથ્થો ધરાવતી એક તકતી સુધી પહોંચે. આશરે ૧.૪ ઇંચની એ તકતીને જીભ પર રાખતાં, જીભના સંવેદન-નેટવર્ક થકી દૃશ્યના તરંગો મગજ સુધી પહોંચે. આમ, આંખના નહીં, પણ જીભના ઉપયોગથી આછુંપાતળું દૃશ્ય દેખાતું થાય, એવો સિદ્ધાંત હતો. આ સાધનને હજુ સુધી અમેરિકાના આરોગ્ય વિભાગ (ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) તરફથી મંજૂરી મળી નથી, એટલે તે અખતરાના સ્તરે ગણાય. આવા બીજા પ્રયોગોમાં અમેરિકાના આરોગ્ય વિભાગ તરફથી મંજૂરી મેળવવામાં ‘આર્ગસ ૨’ મેદાન મારી ગયું છે.
બે વર્ષ પહેલાં યુરોપના બજારમાં ઉપલબ્ધ બનેલા ‘આર્ગસ ૨’ના સરંજામને અમેરિકાના આરોગ્ય વિભાગે ગયા મહિને મંજૂરી આપી. હવે, આ વર્ષના અંત સુધીમાં તે અમેરિકાની હોસ્પિટલો થકી જરૂરતમંદો સુધી પહોંચતું થાય એવી સંભાવના છે.
Argus-2 |
‘આર્ગસ ૨’ની કામગીરી વિશે અતિઉત્સાહી થઇને આગળ વાત કરતાં પહેલાં બે સ્પષ્ટતાઃ આ સરંજામ જેમની આંખોના ફક્ત પ્રકાશગ્રાહી કોષો (‘કોન’ અને ‘રોડ’ પ્રકારના ફોટો-રીસેપ્ટર સેલ) નષ્ટ થઇ ગયા હોય, પણ બાકીનું નેટવર્ક સલામત હોય તેમને જ કામ લાગી શકે છે. તેનાથી મળનારી દૃષ્ટિ સંપૂર્ણ તો ઠીક, રંગીન પણ નથી. છતાં, કંઇ ન દેખાતું હોય એવી સ્થિતિમાં છાયા-પ્રકાશનો ભેદ, રસ્તામાં વચ્ચે પડેલી ચીજવસ્તુઓ અને બાહ્ય આકાર દેખાય તે નેત્રહીનો માટે મોટા આશીર્વાદરૂપ બની શકે છે.
‘આર્ગસ ૨’ કેવી રીતે કામ કરે છે એ જાણતાં પહેલાં, સામાન્ય સંજોગોમાં આપણને દૃશ્ય કેવી રીતે દેખાય છે એની અછડતી વાત કરી લઇએ. આપણી આજુબાજુનાં દૃશ્યોનાં કિરણો ‘રોડ’ અને ‘કોન’ પ્રકારના કોષોમાં ઝીલાય છે. આ કોષોનું કામ દૃશ્યમાં રહેલા પ્રકાશ અને રંગોને પૂરેપૂરી બારીકી સાથે ઝીલીને, તેમનું વિદ્યુત તરંગોમાં રૂપાંતર કરીને, ઓપ્ટિક નર્વ દ્વારા મગજ એ માહિતી મગજ સુધી પહોંચાડવાનું છે. માણસની આંખમાં આશરે ૧૨ કરોડ ‘રોડ’ અને ૬૦ લાખ ‘કોન’ કોષ હોય છે. ‘રોડ’ સાવ ઓછો પ્રકાશ પણ ઝીલી શકે છે. એટલે અંધારામાં જોઇ શકવા માટે ‘રોડ’ કોષોનો આભાર માનવો પડે. ‘કોન’ પ્રકારના પ્રકાશગ્રાહી કોષો રંગોની ઓળખ માટે જવાબદાર છે, પણ ઓછા પ્રકાશમાં તે કામ કરી શકતા નથી. એટલે, અંધારામાં આપણને બઘું કાળુંધબ્બ દેખાય છે.
‘રેટિનાઇટિસ પિગ્મેન્ટોસા’ જેવા જનીનગત રોગનો ભોગ બનેલા લોકોમાં પ્રકાશગ્રાહી રોડ અને કોન પ્રકારના કોષ નકામા થઇ જાય છે. એટલે દૃશ્યનાં કિરણો ઝીલાવાની અને તેમનું વિદ્યુતતરંગોમાં રૂપાંતર થવાની મહત્ત્વની પ્રક્રિયા થતી નથી. એટલે, મગજ સુધી વિદ્યુતતરંગ પહોંચતા નથી અને આંખ સામે અંધારપટ છવાય છે. આ સમસ્યાનો ઉકેલ આણવા માટે જુદી જુદી દિશામાંથી પ્રયાસ થઇ રહ્યા છે, પરંતુ તેમાં સૌથી પહેલી સરકારમાન્ય સફળતા કેલિફોર્નિયાની ‘સેકન્ડ સાઇટ’ કંપનીને મળી છે. આખા શરીર પર આંખો ધરાવતા ગ્રીક દંતકથાના દૈત્ય આર્ગસના નામ પરથી કંપનીએ પોતાના ઉપકરણનું નામ ‘આર્ગસ’ રાખ્યું છે. હાલનું ઉપકરણ તેનું બીજું, વઘુ ક્ષમતા ધરાવતું મોડેલ હોવાથી તે ‘આર્ગસ ૨’ તરીકે ઓળખાય છે.
લગભગ બે દાયકાના પ્રયાસ અને શોધ-સંશોધન પછી તૈયાર થયેલા ‘આર્ગસ ૨’ના સરંજામને મુખ્ય ચાર ભાગમાં વહેંચી શકાયઃ
૧. ગોગલ્સઃ દેખાવમાં સીધાસાદા લાગતા ગોગલ્સની વચ્ચે નાનો વિડીયો કેમેરા ગોઠવેલો હોય છે, જે આંખની જેમ સામે અને આસપાસ રહેલાં દૃશ્યો ઝીલવાનું કામ કરે છે. અત્યારે ‘આર્ગસ ૨’ની ક્ષમતા મર્યાદિત છે, એટલે તે સીધી લીટી ઉપરાંત તેની આસપાસના માંડ ૨૦ અંશના ખૂણાના વિસ્તારમાં રહેલાં દૃશ્યો આવરી લે છે.
૨. વિડીયો પ્રોસેસિંગ યુનિટઃ વિડીયો કેમેરાનાં દૃશ્યો કમરે લટકાવી શકાય એવા વિડીયો પ્રોસેસિંગ યુનિટની ચીપમાં ઝીલાય છે. ત્યાંથી દૃશ્યો છાયા અને પ્રકાશના સંકેત-સિગ્નલમાં ફેરવાઇને વાયર દ્વારા ગોગલ્સના રિસીવરમાં પહોંચે છે.
૩. રિસીવરઃ રિસિવરમાંથી સિગ્નલો વાયરલેસ પ્રસારણ દ્વારા આંખની અંદર અને ઉપર ગોઠવાયેલા માળખા(ઇમ્પ્લાન્ટ)ના એન્ટેના સુધી પહોચે છે. આ માળખું ઓપરેશન દ્વારા બેસાડવું પડે છે.
૪. એન્ટેના અને ઇલેક્ટ્રોડનું ઝુમખું;એન્ટેનામાંથી સિગ્નલ તેની સાથે સીઘું જોડાણ ધરાવતા ઇલેક્ટ્રોડના ઝુમખા સુધી પહોંચે છે. એક મિલીમીટર લંબાઇ અને એટલી જ પહોળાઇ ધરાવતી ચીપ પર ૬૦ ઇલેક્ટ્રોડ ગોઠવાયેલા હોય છે. તે સિગ્નલને હળવા વિદ્યુતતરંગોમાં ફેરવે છે. વિદ્યુતતરંગો નકામા થઇ ગયેલા પ્રકાશગ્રાહી કોષોને બાજુએ રાખીને- બાયપાસ કરીને- નેત્રપટલના બાકીના સાજાસમા હિસ્સાને ઉત્તેજિત કરે છે અને ઓપ્ટિક નર્વના કુદરતી રસ્તે દિમાગમાં પહોંચે છે.
કરોડો રોડ સેલ અને લાખો કોન સેલ થકી પેદા થતા દૃશ્યના વિગતવાર સિગ્નલોની સરખામણીમાં ૬૦ ઇલેક્ટ્રોડ દ્વારા મગજને મળતી માહિતી સાવ ઓછી હોવાની. છતાં, દૃશ્યના નામે સાવ કોરુંધાકોર હોય ત્યારે આટલી માહિતી પણ અંધારા-અજવાળાનો ભેદ પાડવામાં, રસ્તે આવતી વસ્તુની હાજરી પારખવામાં, સામાન્ય આકારો જોવામાં કે છાપાંનાં મથાળાં વાંચવામાં મદદ મળે તો પણ, દૃષ્ટિ ગુમાવી બેઠેલા લોકો માટે એ મોટો આશીર્વાદ બની શકે છે.
‘આર્ગસ ૨’માં વપરાયેલી ટેકનોલોજીમાં સુધારાવધારાને પૂરતો અવકાશ છે. અભ્યાસીઓના મતે, વિઝ્યુઅલ પ્રોસેસિંગ યુનિટના સોફ્ટવેર અને હાર્ડવેર પર વઘુ કામ કરવાથી, આ સર્જરી કરાવનારને વઘુ સ્પષ્ટ દૃશ્ય જોવા મળી શકે છે. ભવિષ્યમાં તેમાં ‘ઝૂમ’ની સગવડ ઉમેરી શકાય છે. ‘આર્ગસ ૨’ સંપૂર્ણપણે બેટરી પર ચાલે છે. પરંતુ બેટરીની જગ્યાએ સૌર પેનલમાં વપરાય છે એવા, પ્રકાશ થકી ચાર્જિંગ કરી લેતા સેલ વાપરવાની ટેકનોલોજી ઉપર બીજી કંપનીઓ અખતરા કરી રહી છે. રેટિનાઇટિસ પિગ્મેન્ટોસા જેવા જનીનગત રોગનો ઇલાજ જનીનઉપચારથી કે સ્ટેમસેલથી કરવાના પ્રયોગો પણ ચાલે છે. આ બધા પ્રયાસ અત્યારે ભલે પા પા પગલી જેવા લાગે, પણ એમની દિશા સાચી છે. એટલે આજે નહીં તો કાલે, એ નેત્રહીનોના જીવનમાં નવું અજવાળું પેદા કરશે એમાં શંકા નથી.
માનવજીવન માટે અત્યંત આશીર્વાદરુપ થઇ પડશે એવુ અત્યારેતો લાગી રહ્યુ છે. સરસ જાણકારી.
ReplyDeleteગુડ આર્ટિકલ. કંઈ પણ નામે વિશાલ પાટડિયાનો બ્લોગ શરૂ થઈ ગયો છે. તમે કહો છો એમ એની રિપોર્ટીંગ સેન્સ તો જોરદાર છે જ... પણ એમને કહેજો કે, તેઓ ઠાલા અનુવાદો ના કરે એ તો સારી વાત છે, પણ તમારી જેમ દેશદુનિયાના રાજકીય-સામાજિક અને આવા વિજ્ઞાનના લેખો અને સંસ્કૃતિ, ઈતિહાસ, પ્રવાસ, રોજેરોજના સમાચારોનું વિશ્લેષણ આપતો રહે. આવું બહુ ઓછું લખાય છે ગુજરાતીમાં એટલે એવી લાલસા રહે કે ગુજરાતીમાં પણ આવું પીરસાતું રહે. ગૂગલમાં જઈને જંગલ, લાયન કે સિંહ કે ટાઈગર કે વાઘ લખીને જે મળે એ ઢસડ્યે રાખે એને ઠાલા અનુવાદો કહેવાય...
ReplyDelete(આ કોમેન્ટ એટલે અહીં કરી છે કે, તેમના બ્લોગ પર કમેન્ટ થઈ શકતી નથી, નેમ, એનોનિયમ્સની સુવિધા નથી, યાહૂ પરથી પણ થઈ શકતી નથી, જીમેલ, વર્ડ પ્રેસ કે માયસ્પેસ વગેરેમાં મારું આઈડી નથી)
dear anon, would you pl. write your name? if not on the comment, you can do it on uakothari@gmail.com.
ReplyDeletethat would be more helpful.