(નોંધઃ છપાયેલા લેખમાં ગફલતથી 'યંગ ઇન્ડિયા'ના ગુજરાતી-અમદાવાદી માલિકનું નામ દુલેરાય કારાણી આવ્યું હતું, જે ખરેખર દુલેરાય પંડ્યા હોવું જોઇએ. પોસ્ટમાં એ સુધારી લીધું છે. સરતચૂક બદલ દિલગીરી.)
'આ બાર ઇંચી રેકોર્ડ આપ સાહેબ આગળ રજુ કરતાં ઘણો આનંદ થાય છે...આ જમઘટની રેકોર્ડ આપ આપના સંગ્રહમાં જરૃર રાખશો કે જેથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ થાય...આ ગાયનો ઉતારતાં કંપનીને ઘણું ખર્ચ અને ઘણી મહેનત પડી છે. આશા છે કે અમારી મહેનતની આપ જરૃર કદર કરશો. વધારે લખવું આ સ્થાને અયોગ્ય ગણાશે. માટે આપ જરૃર આ રેકોર્ડ વસાવો અને આપના કુટુંબને આનંદ આપો.'
ઉપરનું લખાણ ત્રીસીના દાયકામાં 'હિઝ માસ્ટર્સ વ્હોઇસ' નામે નીકળતા એચ.એમ.વી.ના ગુજરાતી સામયિકમાંથી લીધું છે. એ જાહેરખબરનું મથાળું છેઃ '૧૨ ઇંચી કલકત્તાના પ્રખ્યાત ગવૈયાઓની જમઘટ રેકોર્ડ.'
જાહેરખબરમાં બે-ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચે એવી છેઃ એક તો, કંપની માટે ગ્રાહક 'આપ સાહેબ' છે. બીજું, રેકોર્ડ સાંભળવાની મઝા આવે કે ન આવે, પણ તેનાથી 'ઘરની શોભામાં અભિવૃદ્ધિ' ચોક્કસ થાય છે. ત્રીજું, સંગીત ખાતર નહીં તો કંપનીની મહેનતની કદર કરીને પણ કદરદાનોએ આ રેકોર્ડ ખરીદવી જોઇએ.
અંગ્રેજ કંપની 'હિઝ માસ્ટર્સ વોઇસ' ભારતમાં આવી અને મનોરંજનના ધંધામાં પડી, ત્યારે ફિલ્મોની શરૃઆત થઇ ન હતી. કંપનીનો મુખ્ય આધાર શાસ્ત્રીય કે બીજા લોકપ્રિય કલાકારો પર રહેતો. તેમની રેકોર્ડમાં કવ્વાલ હોય ને ઉસ્તાદ-પંડિત પણ હોય, નાટકમંડળીઓ હોય ને નેતાઓનાં ભાષણ પણ આવે. પોતાની રેકોર્ડ અને ગ્રામોફોન-સંબંધિત સાધનસરંજામના પ્રચારપ્રસાર માટે કંપની સીધાંસાદાં સૂચિપત્રો (કેટલોગ) છાપતી હતી. એ ઉપરાંત 'હિઝ માસ્ટર્સ વ્હોઇસ', 'કોલંબિયા', 'ઓડિયન' જેવાં રેકોર્ડ લેબલનાં નામ ધરાવતાં, પુસ્તીકા કે સામયિક જેવો દેખાવ- મુખપૃષ્ઠ અને તસવીરો ધરાવતાં સૂચિપત્રો પણ પ્રસિદ્ધ કરતી હતી. તેમાં રેકોર્ડોની વિગત ઉપરાંત ક્યારેક કલાકાર પરિચય, તેમની તસવીરો, ગ્રામોફોન-રેડિયોગ્રામ-રેકોર્ડ વગાડવાની સોય- રિસીવર જેવી ચીજોની જાહેરખબરો આવતી હતી. ગીતોના આખા પાઠ પણ તેમાં છપાતા હતા. જેમ કે, ગામઠી ગીતા.
'હાસ્યરસના ઇજારદારો' તરીકે ઓળખાવાયેલા કરાચીના કલાકારો જયંત આચાર્ય અને જગજીવનદાસે રજૂ કરેલી 'ગામઠી ગીતા'માં થોડા સંવાદો પછી, શ્લોકના સ્વરૃપે તળપદી ભાષામાં ગીતા શરૃ થતી હતી. તેમાં થયેલા 'ભાષાકર્મ'ને લીધે એ હાસ્યરસની દટાઇ ગયેલી, છતાં જ્યારે બહાર નીકળે ત્યારે ખડખડાટ હસાવી શકે એવી કૃતિ બની રહી છે. તેનું આચમન આપવાને બદલે છ 'શ્લોક'ની ગામઠી ગીતા આખી જ ઉતારવા જેવી છે.
ધૃતરાષ્ટ્ર ઉવાચઃ
ઓલ્યો ધરતડો ઓચરે સેઃ-
ધરમ ખેતરમાં ને કૌરવ ખેતરમાં જી ઘડીકમાં બાઝી મરે
એવા મારા સોકરા ને મારા ભાઇના સોકરા
ઇ ભેળાતી થઇને હું કરે હંજયડા
ટાણે ઓલ્યો અરઝણીયો કેસ...શું કેસે?
મોટાયે મારવા નાનાયે મારવા અને માર્યાંનો નો મળે આરો
એવું જો રાજ કેદીકનું નો કર્યું તો કયો ગગો રઇ ગ્યો કુંવારો?
કરહણીયા હું તો નથી લડવાનો
ટાણે ઓલ્યો કરહણીયો કેસેઃ-
મલક બધો તારી ઠેકડી કરે અને હુંયે તે કઇકઇને થાક્યો
ખત્રીના કુળમાં તું આવો ક્યાંથી ઉંધા તે પાનીયાનો પાક્યો
અરજણીયા, મેલને મુરખવેડા
ઉંધું ઘાલીને જા કરમ કરયે અને ફળની કર મા ફકર
ફળનો દેનારો ઓલ્યો પરભુડીયો નથી તારા બાપનો નોકર
અરજણીયા, મેલને મુરખવેડા
ભરમ ભાગ્યો ને સંશે ટળ્યો અને ગનાન લાધ્યું હાસું
તું મારો મદારી ને હું તારો માકડો, તું નસાવ એમ નાસું
અરજણીયા
મોટા મોટા માતમા પુરૃષ જેણે પ્રાલ બધમાં મેલ્યો પૂળો
ઇયે બધા નથી અકરમી તો તું તે કઇ વાડીનો મૂળો
***
રેકોર્ડનું માધ્યમ ૧૯૩૦ના દાયકામાં નવાઇભરેલું ગણાતું હતું અને રેકોર્ડ 'ઉતારવી'ની સાથેસાથે 'રેકોર્ડ ભરવી' એવો શબ્દપ્રયોગ વપરાતો હતો, ત્યારે કલાકારોની ગાયકીનાં વર્ણન કેવી રીતે થતાં હતાં? 'તમે સંગીતના શોખીન હશો યા નહીં, તેમ જ કદાચ તમને સંગીત તરફ ઘૃણા પણ હશે, પરંતુ અમે વીના સંકોચે જણાવીએ છીએ કે તમે ગમે તેવી પ્રકૃતીના માણસ હશો છતાં આ રેકોર્ડ ઉપર મિસ જ્યુતિકાને ગાતી સાંભળતાં, તરત જ એ ભજન વારેઘડીયે સાંભળવા તત્પર થશો એટલું જ નહીં પણ તેને ખરીદવા તત્પર થશો... મિસ ઇન્દુબાલાની ગજલો અને નાત રાગમાં ઘણી રેકોર્ડ સાંભળી હશે પણ આ વખતે તો કંઇ ઔર રંગ જમાવ્યો છે અને ગ્રામોફોનના શૌખીનોએ આ રેકોર્ડ તો ખાસ રાખવી જોઇએ...મિસ સત્યવતીએ મૌસમને લગતી ચીજ છેડી નવજવાનોનો શોખ પૂરો કર્યો...મિસ દુલારીનો અવાજ અને પ્યારી તર્જ પહેલાથી જ આપના હૃદયમાં ઘર કરી બેસી છે. એમની રેકોર્ડ માટે વધારે લખવા પણું હોય જ નહિં... જાનકીબાઇ હવે તો સારી ખ્યાતીમાં આવી ગયા છે. વધારે લખવું એ સોના પર ઢોળ ચઢાવવા જેવું છે..ઝવેરચંદ મેઘાણીએ લખેલા શિવાજીના હાલરડાની રેકોર્ડ (નંબર એન ૩૫૬૯) વિશે લખ્યું છે, 'મી. ઝવેરચંદ મેઘાણી બહુ જ પ્રખ્યાત લેખક છે. એમણે 'શીવાજીનું હાલરડું' નામે બહુ જ સુંદર કવીતા લખી છે અને એ કવીતા રેકોર્ડમાં ઉતારવા માટે અમારા ઉપર ઘણાં કાગળો આવ્યો. એટલે અમે મી.આણંદજી પાસે એ કવીતા સ્પેશીયલ ઉતારી. મી.આણંદજીએ પોતાના સુરીલા અવાજથી આ રેકોર્ડમાં ડોલાવી નાંખ્યા છે...'
સ્વદેશીની ચળવળ જોરમાં હતી ત્યારે આ વિદેશી રેકોર્ડ કંપની ધંધા ખાતર વિના ખચકાટે સ્વદેશીપ્રચારને લગતાં ગીત કે સંવાદોની રેકોર્ડ પણ 'ભરતી' હતી. જૂની રંગભૂમિના વિખ્યાત કલાકારો કેશલલાલ 'કપાતર' અને આણંદજી 'કાઠિયાવાડી કબુતર'ની એક રેકોર્ડમાં પત્નીએ ગાયું હતું: 'સોહામણી સાડી સ્વદેશી લઇ આવો/ હાથે કાંતેલી ને હાથે વણેલી, કેસરીયા રંગથી રંગાવો/ ઝાઝી ફેશનનું કામ જ નથી હવે ઓછા ખરચમાં ચલાવો'. પતિ વચ્ચે વચ્ચે સમજાવે 'જાડી સાડીનો ભાર લાગશે, બૂટ-મોજાંનું શું થશે, હું બે સાડી લાવ્યો તેનું શું થશે?' દરેકનો જવાબ આપતાં છેલ્લે પત્ની કહેતી હતી,'ભલી રૃપાળી મારી ખાનદાન ખાદી, દેશના કારીગરો ખટાવો/ મર્યાદા સાચવે ને ખરચો ઘટાડે, વ્હેલા પીયુજી લઇ આવો'
વિઠ્ઠલભાઇ પટેલનું અવસાન થયું ત્યારે 'ગુજરાતનું ગૌરવ, હિંદુસ્તાનનો હીરો' એવા મથાળા સાથે વિઠ્ઠલભાઇને અંજલી આપતાં બે ગીતો કંપનીએ રેકોર્ડ કર્યાં હતાં અને લખ્યું હતું, 'સ્વ.વીઠલભાઇ પટેલના સ્મારકની આ રેકોર્ડ્સ દરેક ગુજરાતીઓના ઘરમાં હોવી જ જોઇએ.' એ ગીતો હતાં: 'તેજસ્વી તારો હિન્દનો આજે ખરી ગયો' અને 'ઓ માતૃભુમી તારો મહિમા મધુર ગાજે' (નંબરઃ એન ૧૫૯૪)
ફિલ્મી ગીતોનો જમાનો આવવાનો બાકી હતો ત્યારે એચ.એમ.વી.એ ઐતિહાસિક, પૌરાણિક અને સામાજિક કથાવસ્તુ ધરાવતાં નાટકોના સંવાદોના ત્રણ-ચાર-પાંચ રેકોર્ડના સેટ કાઢ્યા હતા. તેમને એક સાથે, રેકોર્ડદીઠ લગભગ દોઢ-બે રૂપિયાના ભાવે વેચવામાં આવતા હતા. ગ્રામોફોનનાં જુદાં જુદાં મોડેલ એ વખતે રૂ.૫૦-૬૦થી રૂ.૧૬૦-૧૭૦ની આસપાસ મળતાં હતાં.
ફિલ્મી ગીતો મનોરંજનનું મુખ્ય સાધન બનતાં એચ.એમ.વી.એ દાયકાઓ સુધી તેમાં એકાધિકાર ભોગવ્યો. તેની સામે 'યંગ ઇન્ડિયા' જેવી રાષ્ટ્રિય-રાષ્ટ્રવાદી રેકોર્ડ કંપની અને તેના ગુજરાતી -અમદાવાદી માલિક દુલેરાય પંડ્યાએ થોડા સમય માટે મજબૂત પડકાર ઊભો કર્યો હતો, એની કથા ફરી ક્યારેક.
એચ.એમ.વી.ના એકહથ્થુ સામ્રાજ્ય સામે સૌથી મોટો પડકાર ટેકનોલોજીનો ઊભો થયો. ભારતમાં એચ.એમ.વી.ની માલિકી બદલાઇ ગઇ અને તે 'સારેગમ' બની, જ્યારે તેની અસલી બ્રિટિશ કંપનીને આર્થિક મંદી અને સંગીતનું ઓનલાઇન વિતરણ નડી ગયાં. એક કંપની તરીકે એચ.એમ.વી. રહે કે ન રહે, તેની તમામ વ્યાવસાયિક યુક્તિ-પ્રયુક્તિઓ સહિત વીસમી સદીની મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક ઘટના તરીકે એચ.એમ.વી. હંમેશાં યાદ કરાશે.
(નોંધઃ લેખમાં ટાંકેલાં લખાણોમાં જોડણી અસલ પ્રમાણે રાખી છે.)
સુંદર, ગીતાના શ્લોક સ્વામીદાદાની યાદ અપાવે એવા છે.
ReplyDeleteઅશોક
ગામઠી ગીતાના આચમનમાં છ શ્લોક અને ધરતડો, હજયડો, અરઝણીયો, કરહણીયો, પરભુડીયો તારા બાપનો નોકર નથીની ૧૨ ઈંચની રેકોર્ડમાં આખી ગીતા તો આવી ગઈ....
ReplyDeleteWonderful piece. Thoroughly enjoyed it. :)
ReplyDelete