‘મને હોસ્પિટલે કે સ્મશાને પહોંચાડવો હોય તો ભલે, પણ પહેલાં આપણે ચા પી લઇએ’
અશ્વિની ભટ્ટ- નીતિ ભટ્ટ |
હા, ‘લોકપ્રિય’ હોવું એ અઘ્યાપકીય-સાહિત્યિક વર્તુળોમાં ગેરલાયકાત ગણાય છે. તેમના મતે સાહિત્યના મુખ્યત્વે બે પ્રકાર હોય છેઃ સારું અને લોકપ્રિય.
આટલું લખીએ એટલી વારમાં તો, ચોવીસ કલાક અને ત્રણસોપાંસઠ દિવસ પોતાની લોકપ્રિયતાના જાતે જ રાસડા લેનારા કહેવા માંડશે, ‘અમે તો ક્યારના કહીએ છીએ. લોકપ્રિયતા કંઇ ગેરલાયકાત થોડી છે? એ તો જેમને નથી મળતી, એમને અમારી ઇર્ષ્યા આવે છે...’
એટલે, સૌથી પહેલી સ્પષ્ટતા એ કે જીવનમાં તમામ પ્રકારના નશાનો સ્વાદ કરી જોનાર અશ્વિનીભાઇએ લોકપ્રિયતાનો નશો કદી કર્યો હોય એવું જાણમાં નથી. પોતાની લોકપ્રિયતાથી જાતે જ અભિભૂત થઇને, ‘હા સાલું, હું જ એકમાત્ર ગ્રેટ છું. મારા સિવાય ગુજરાતમાં બીજું છે કોણ?’ એવી મઘુર ભ્રમણાઓ અશ્વિનીભાઇએ કદી પોષી ન હતી કે પોતાના વિષે બીજા કોઇને પોષવા દીધી ન હતી. ચાહકોને તે હંમેશાં પોતાના ચમચાવૃંદ તરીકે નહીં, પોતાના જેવા જ વાચનપ્રેમી તરીકે અપાર આદરથી જોતા.
તેમની સફળતા એટલી નક્કર હતી કે તેમની નવલકથાઓને લીધે અખબાર-સામયિકના વેચાણમાં પચીસ-પચાસ હજાર નકલોનો વધારો થાય. તેમ છતાં, છેલ્લા શ્વાસ સુધી તેમણે પોતાના કામમાં વેઠ ન કાઢી અને એવું માની ન લીઘું કે ‘આપણા બાંઘ્યા ચાહકો છે. જે લખીશું તે વાંચી જશે.’ લખવું- છેકવું- રદ કરવું એ છેવટ સુધી તેમનો ક્રમ હતો. ‘સંજુ માલવ’ નામની આખેઆખી નવલકથા તેમણે બહુ કામ કર્યા પછી પોટલું વાળીને માળિયે ચઢાવી દીધી હતી. લોકપ્રિયતા તેમને વરી હતી. એ લોકપ્રિયતાની પાછળ લાળ ટપકાવતા ફર્યા ન હતા. લોકપ્રિયતા આ બન્ને રસ્તે મળી શકતી હોય છે,પણ અશ્વિનીભાઇને મળેલી લોકપ્રિયતામાં છીછરાપણાનો સદંતર અભાવ હતો.
અશ્વિનીભાઇની નવલકથાઓ, કનૈયાલાલ મુનશીની નવલકથાઓની જેમ જ, તેની ચુંબકીય પકડ માટે જાણીતી બનીઃ રાત્રે તેમની નવલકથા હાથમાં લેનાર એવું વિચારે કે થોડાં પ્રકરણ વાંચીને બાકીનાં પછી વાંચીશું, તો એવું કદી ન બને. એક વાર હાથમાં લીધેલી નવલકથા મોટે ભાગે તો પૂરી કર્યે જ પાર આવે. સ્થળોનાં લાંબાં, વિગતવાર છતાં રસઝરતાં વર્ણન અને તેજીલાં નારીપાત્રો મુનશીની નવલકથાઓની જેમ અશ્વિનીભાઇની નવલકથાઓની ખાસિયત બની રહ્યાં. અશ્વિનીભાઇની ઘણી નવલકથાઓનાં શીર્ષક તેમની નાયિકાઓનાં નામ પરથી હતાં. એટલે ઘણા સમય સુધી એ પણ તેમની નવલકથાઓની નાની છતાં વિશિષ્ટ ઓળખ ગણાતી હતી.
એકથી વઘુ નવલકથાઓ અઘૂરી મૂકીને, ગયા સોમવારે અમેરિકામાં છેલ્લા શ્વાસ લેનાર અશ્વિની ભટ્ટ ગુજરાતી વાચકોની ત્રણ પેઢી માટે જાદુઇ નામ બની રહ્યા હતા. છેલ્લા એકાદ દાયકામાં તેમની એક પણ નવી નવલકથા પ્રકાશિત થઇ ન હતી. છતાં તેમના નામનો અને તેમની જૂની નવલકથાઓનો જાદુ બરકરાર રહ્યો. ઇન્ટરનેટ-મોબાઇલ યુગ પહેલાં લખાયેલી એ નવલકથાઓ ફેસબુક-ટ્વીટર વચ્ચે ઉછરેલી પેઢીને પણ એટલી જ પોતીકી અને રોમાંચકારી લાગતી હતી.
ગુજરાતી સાહિત્યના અઘ્યાપકો-વિવેચકોએ અને પરિષદો-અકાદમીઓએ અશ્વિનીભાઇની નવલકથાઓને ‘લોકપ્રિય’ના ખાતે નાખી દીધી હોવાથી, તેની ખૂબીખામીઓ વિશે ધોરણસરની ચર્ચા ભાગ્યે જ થઇ. એવા એક અપવાદરૂપ પ્રસંગે શિરીષ પંચાલે ‘લોકપ્રિય નવલકથાઓનું સૌંદર્યશાસ્ત્ર’ એ વિષયના પ્રવચન અને તેને લગતા લેખમાં, (અશ્વિનીભાઇને પોતાને અત્યંત પ્રિય એવી બે નવલકથાઓ) ‘આશકા માંડલ’ અને ‘ઓથાર’ની ઝીણવટથી વાત કરી હતી. અલબત્ત, તેમાં મુખ્ય સૂર પ્રશંસાનો ન હતો. છતાં, તે અશ્વિની ભટ્ટની નવલકથાઓને ‘થ્રીલર’ તરીકે ખતવી કાઢવાને બદલે, આગળ વઘ્યા હતા અને તેમના લેખનની ખૂબીઓની પણ વાત કરી હતી. જેમ કે, ‘ઓથાર’ને તેમણે થ્રીલરનાં લક્ષણ ધરાવતી ‘ઐતિહાસિક નવલકથા’ તરીકે ઓળખાવી હતી. એલીસ્ટર મેકલીન, સિડની શેલ્ડન, રોબર્ટ લુડલુમ, હેરલ્ડ રોબીન્સ જેવા પાશ્ચાત્ય લેખકોનું ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, અર્થકારણ, વિનાશક શસ્ત્રો જેવી બાબતોનું જ્ઞાન અદ્ભૂત હોવાનું નોંધીને તેમણે લખ્યું હતું, ‘અશ્વિની ભટ્ટે આ પાઠ ખાસ્સો આત્મસાત્ કર્યો છે અને વાચકોને એ જ્ઞાન વડે જીતવાનો પ્રયત્ન કર્યો છે.’ ‘ઓથાર’માં તેમણે ‘વાચકોને ન ગમે તેવો અંત યોજીને પડકાર ઝીલ્યો છે’ એવું પણ શિરીષભાઇએ લખ્યું હતું. (‘સમીપે’, જાન્યુ-માર્ચ, ૨૦૧૨, પુસ્તિકા ૨૧)
અશ્વિનીભાઇ પોતે કદી પોતાનાં સર્જનો વિશે ભ્રમમાં ન હતા. નમ્રતાના દંભ વિના પૂરી ગંભીરતા સાથે તે પોતાની જાતને મેકલીન, લુડલુમ, શેલ્ડન જેવા ‘મની રાઇટર’ ગણાવતા હતા. પરંતુ આ લેબલથી તેમની પ્રતિભા કે સિદ્ધિ જરાય ઝંખવાતાં કે ઓછાં થતાં નથી.
લેખક અશ્વિની ભટ્ટ વિશે બહુ ઊંચો અભિપ્રાય ન ધરાવતા હોય એવા લોકો પણ એક વાર તેમને મળ્યા પછી, માણસ અશ્વિની ભટ્ટના પ્રેમી થઇ જાય એવી તેમની પ્રકૃતિ હતીઃ તોફાની, મિત્રભૂખ્યા (મિત્રખાઉ નહીં), બિનશરતી પ્રેમાળ, નિરાંતવા, રાતોની રાતો ગપ્પાંગોષ્ઠી માટે તત્પર- તેમને મળનારને લાગે કે આ માણસ તો આખો દિવસ વાતોનાં વડાં કે અવનવાં તોફાન કરતો હોય છે. તેણે આટલી લાંબી નવલકથાઓ ક્યારે લખી હશે? ને ૧૨૫૦ નકલોને ‘બહુ’ ગણતા ગુજરાતી પ્રકાશનજગતમાં કેવળ લખીને શી રીતે જીવ્યો હશે? અલબત્ત, એ ‘સાહસ’માં તેમનાં પત્ની નીતિ, પુત્ર નીલ તેની પત્ની કવિતા અને અશ્વિની ભટ્ટને ‘દાદા’માંથી ખરેખરા દાદા બનાવનાર પૌત્રો અનુજ-અર્જુન પણ સામેલ હતા.
લેખનમાં આવતાં પહેલાં અવનવા-ચિત્રવિચિત્ર વ્યવસાય અપનાવી ચૂકેલા અશ્વિનીભાઇ બાળપણથી નાટ્યજગત સાથે સંકળાયા. પ્રેમાભાઇ હોલના મેનેજર તરીકે લગભગ એક દાયકાની કામગીરીમાં નાટક સિવાય એ વિસ્તારના ગુંડાઓ સાથે પણ તેમણે, ગુજરાતી લેખકને નહીં પણ તેમના હીરોને છાજે એવી રીતે ઝીંક ઝીલી, તો આસારામના ગુંડા બંગલે મારવા આવ્યા ત્યારે ‘તમારે મને હોસ્પિટલે કે સ્મશાને પહોંચાડવો હોય તો ભલે, પણ આપણે એ પહેલાં ચા પી લઇએ અને તમે આસારામને ફોન જોડો. એ મારા ચાહક છે.’ એમ કહીને તેમણે ટોળાના રોષને ટાઢો પાડ્યો હતો.
ગુજરાતની ૨૦૦૨ની કોમી હિંસા વિશે તેમનું વલણ તથા ‘આક્રોશ અને આકાંક્ષા’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થયેલાં તેમનાં લખાણો તેમના ઘણા ચાહકોને દુઃખ પહોંચાડે એવાં હતાં. નર્મદા બચાવો આંદોલન વખતે રાજ્ય અને બહુમતી મતની નારાજગીની પરવા કર્યા વિના, નિર્ભિકપણે પોતાનો મત જાહેર કરનાર અશ્વિની ભટ્ટ કોમી પ્રશ્ને કેમ અમુક રીતે વિચારે છે, એવું ચાહકોને લાગ્યું હતું. પાછલાં વર્ષોમાં ઘણુંખરું પુત્ર સાથે અમેરિકા રહેતા અશ્વિનીભાઇ ડિસેમ્બર ૨૦૦૮માં અમદાવાદ હતા ત્યારે તેમની સાથે આડકતરી રીતે આ વાત નીકળી હતી.
એ વખતે તે ત્રાસવાદની પશ્ચાદભૂ પર આધારિત એક નવલકથાની તૈયારી કરી રહ્યા હતા, જેની નાયિકા તરીકે દલિત આઇપીએસ અફસર હતી. નવલકથાના વિષયવસ્તુમાં ઊંડા ઉતરવા માટે જાણીતા અશ્વિનીભાઇએ ત્યારે કહ્યું હતું, ‘અમેરિકામાં મેં કુરાનનો ચાર મહિના ઉંડો અભ્યાસ કર્યો. તેની મર્યાદાઓ અને ખાસિયતો જાણી. મુસ્લિમોએ જ લખેલાં કુરાન વિશેનાં પુસ્તક વાંચ્યાં. ત્યાર પછી હું અંગ્રેજીમાં લખવા બેઠો કે અત્યારની સ્થિતિમાં આપણે શું કરી શકીએ? લેખનું મથાળું રાખ્યું હતું, ‘વીચ વે લાઇઝ હોપ’ વર્ષો પહેલાં રીચાર્ડ ગ્રેગ નામના માણસે આ મથાળું ધરાવતા પુસ્તકમાં જુદા જુદા વાદની ચર્ચા કરીને છેવટે એવું કહ્યું હતું કે ગાંધીના રસ્તે જ આશા છે...આપણે હાથ પર હાથ જોડીને બેસી રહેવાની વાત નથી અને રીટાલીએટ થવાની (પ્રતિહિંસા આદરવાની) પણ વાત નથી. રીટાલીએશન(પ્રતિહિંસા)થી અંત આવતો નથી અને એનાં પરિણામ વેઠવાની આપણી તૈયારી હોતી નથી. એના સિવાય બાકી રહેલા રસ્તામાં પહેલું પગથિયું સંપર્કનું છે. નિયમિતપણે એકબીજા સાથે સંપર્ક સ્થાપિત થાય એ બહુ જરૂરી છે.’
અનેક નવલકથાઓમાં ન સમાય એવું નાટકીય ઘટનાઓ અને ચઢાવઉતારથી ભરપૂર જીવન જીવીને ૭૬ વર્ષે અશ્વિનીભાઇએ વિદાય લીધી છે, પણ તેમણે લખેલી- કહેલી કથાઓ અને એ કહેનાર આજીવન તેમના ચાહકોના મનમાં જીવંત રહેશે.
નોંધ- આ 'ગુજરાત સમાચાર' માટે લખાયેલી- અને આજે પ્રગટ થયેલી- અંજલિ હોવાથી, તેમાં અંગત પરિચય સાથે સંકળાયેલા પ્રસંગો-વાતો મોટે ભાગે નથી અને જે છે ત્યાં પણ અંગતતા ગાળી નાખેલી છે. જેમ કે, આસારામવાળો કિસ્સો તેમણે આ બ્લોગ માટે જ ખાસ લખીને મોકલ્યો હતો,
http://urvishkothari-gujarati.blogspot.in/2008/07/ashwinee-bhatt-on-asaram-episode-let-us.html
કુરાનના અભ્યાસવાળી વાતો અમારી બેઠકોમાં એક વાર થઇ હતી. પરંતુ છાપાની કોલમ એ બ્લોગ નથી અને તેમાં 'હું'કાર વાળી વાતો ન કરવાની હોય. અંગત વાત કરવી જ પડે તો પણ તેમાંથી 'હું'ની બાદબાકી થઇ શકે છે. કોલમોમાં 'હું'ની ફેશન વધી પડી છે, ત્યારે 'હું' લાવ્યા વિના પણ અંગત વાત લખી શકાય એ તરફ ધ્યાન દોરવું અગત્યનું લાગે છે- ખાસ તો વાચકો અને હજુ લખવાનું શરૂ કરનારા મિત્રો માટે. જેથી 'હું'કારનો ચેપ તે ઇચ્છે તો દૂર રહી શકે.
No comments:
Post a Comment