ગુરુની વિદાયના સમાચાર જાણ્યા બાદ ઠપ્પ થયેલા મગજમાં ઝબકેલી
કેટલીક વાતો...
દીપક સોલિયા
અશ્વિનીભાઈ અત્યંત
હૂંફાળા, અજાણ્યાને પણ આત્મીય લાગી શકે એવા. અશ્વિનીભાઈનું અમદાવાદ ખાતેનું ઘર
(65, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી) સૌને માટે ખુલ્લું રહેતું. ત્યાં આદિવાસીઓથી
માંડીને અધિપતિઓને રાતવાસો કરવાની છૂટ (હા, ઘરમાં રોકાનારે ગાંધીજીની ટીકા કરવી
નહીં એવો એક નિયમ ખરો). અહીં રોકાનારને એવું લાગે કે જાણે ‘આપણું
જ ઘર છે’. તે એટલી હદે કે એક વાર કોઈએ
પોતાની ઊંટગાડી આ બંગલામાં પાર્ક કરેલી અને પેલા ઊંટને પણ બંગલો ગોઠી ગયાનું
સાંભળ્યું છે.
Ashwinee Bhatt- Neeti Bhatt in their legendary bunglow '65' |
એમને મળવા જનાર એ વાતે
સભાન હોઈ શકે કે અશ્વિનીભાઈ મોટા માણસ છે, પણ ખુદ ગબ્બર ખુદ વિશે એકદમ હળવાફુલ!
લોકપ્રિય લેખક હોવા વિશેની સભાનતા એમનામાં શોધી પણ ન જડે. સૌને એ ભાઈબંધ જ લાગે. ઉંમરમાં
એ મોટા છે એવું એમને મળનાર જુવાનિયાઓને ક્યારેય ન લાગે. અસલમાં, અશ્વિનીભાઈને
જુવાનો સાથે રહેવું જ વધુ ગમે. વૃદ્ધોથી છેટાં રહેવાની એમની નીતિના પાયામાં એવી
ફરિયાદ હતી કે ‘આ બૂઢિયાંવને મળો કે તરત એ માંદગીની વાતો માંડે.’
એમની સાથે કામ કરનારી
અભિયાનની યુવાન ટીમ માટે અશ્વિનીભાઈ ઉદ્ધારક મિત્રની ભૂમિકા ભજવે. દા.ત. અભિયાનના
માલિક-સંચાલક કેતન સંઘવી અશ્વિનીભાઈની હાજરીમાં અમદાવાદના રિપોર્ટરને જો એમ કહે કે
એય ભાર્ગવ, ગપાટા તો ચાલતા રહેશે, પહેલાં તું તારી સ્ટોરી લખી આપ... ત્યારે
અશ્વિનીભાઈ ભાર્ગવનું ઉપરાણું લઈને કેતન સંઘવીને કહી દેઃ ‘તું અલ્યા...
છોકરાને હેરાન ન કર. લખાઈ જશે સ્ટોરી. ભાર્ગવ, બેસ... બેસ...’ અને ભાર્ગવ અશ્વિનીભાઈની પડખે ગોઠવાઈ જાય.
જેવો મર્દાના એમનો દેખાવ
એવો જ મર્દાના એમનો મિજાજ. હૃદયની એમની બીમારી ગંભીર હતી. લગભગ ચારેક વર્ષથી એમના
શરીરમાં પેસમેકર ગોઠવાયેલું. પેસમેકર જેવી નિર્જીવ ચીજને પણ એમણે ‘દાબડી’ નામ આપીને મિત્ર તરીકે શરીરમાં અપનાવેલી. ગયા માર્ચ
મહિનામાં એમનું હૃદય અને દાબડી બન્ને ખાસ્સાં થાકી ચૂક્યાં હોવા છતાં મુંબઈમાં ‘જો આ
હોય મારું અંતિમ પ્રવચન’ એ વિષય પર પ્રવચન આપવા એ આવ્યા ત્યારે એકદમ ફ્રેશ જણાતા
હતા.
પણ અસલમાં એ અભિનય હતો.
કથળેલી તબિયત છૂપાવીને બહારથી મસ્ત-દુરસ્ત દેખાવાનો અભિનય એમના માટે એકદમ સહજ હતો.
સૌથી મોટી કમાલ હતી, એમના ચહેરા પરના તેજની. માણસ હાવભાવ દ્વારા અભિનય કરી શકે,
પરંતુ ચહેરા પર ચમક કઈ રીતે લાવી શકે? એ માણસના હાથની વાત નથી. પણ
અશ્વિનીભાઈ એ ‘ચમત્કાર’ કરી શકેલા. મુંબઈ ખાતેના એ
સમારંભમાં એમનું પર્ફોર્મન્સ શાનદાર હતું. ડોક્ટરે બેસીને પ્રવચન આપવાની ખાસ તાકીદ
કરેલી તો પણ બેસીને થોડું બોલ્યા બાદ એ કંટાળ્યાઃ ‘ના, આવી રીતે મને નહીં ફાવે’ એમ
કહીને એ ઊભા થઈ ગયા અને પછી એક કલાક સુધી એમણે જે રીતે સ્ટેજ ગજાવેલું એ જોઈને
વિચાર આવેલો કે ડોક્ટર શું ખોટી ચિંતા કરી રહ્યા હતા? ના,
ડોક્ટરની ચિંતા ખોટી નહોતી, અશ્વિનીભાઈનો (તંદુરસ્તીનો) અભિનય શાનદાર હતો.
Ashwinee Bhatt with reader-cum-doctor Tushar Shah at Mumbai, 2012 |
ઘટનાના થોડા જ દિવસો
બાદ અમદાવાદમાં એમની સાથે રાત્રિરોકાણ કર્યું ત્યારે પેલી ‘દાબડી’ (પેસમેકર)ના આંટા આવી ગયેલા. એમનાં પત્ની નીતિબહેનને સતત
ચિંતા હતી કે એ જો થોડોક પણ શ્રમ કરશે તો મોટો પ્રોબ્લેમ થશે. પણ અશ્વિનીભાઈ
જોરમાં હતા. એમણે જીદ કરીઃ ‘આજે હું તમને બધાને મારા હાથની
રસોઈ જમાડીશ.’ તરત સૌને લઈને ઉપડ્યા બજારમાં.
ભાજી લેવામાં ભારે ચીવટ દાખવી. પછી ઘરે આવીને પાલકને છૂંદવા માટે મિક્સર ચાલુ
કર્યું, પણ મિક્સરની બ્લેડ સરખી ફરે જ નહીં. એટલે મિક્સર અને બ્લેડની માથાકૂટ
ચાલું કરી. રસોઈયાની ભૂમિકા બાજુ પર રાખીને અશ્વિનીભાઈ બાંયો ચઢાવીને મિકેનિકની
ભૂમિકામાં આવી ગયા. પણ મિક્સરે કોઈ રીતે મચક ન આપી. અમે કહ્યું- જવા દો, બહાર જમી
લઈએ. પણ મગતરા જેવા મિક્સરથી હાર માની લેવાનું અશ્વિનીભાઈને મંજુર નહોતું. મહામહેનતે
એમણે બીજા મિક્સરનો મેળ પાડ્યો. પરંતુ કરમની કઠણાઈ જુઓ. બીજા મિક્સરે પણ દગો દીધો.
પછી તો અમે જીદે ચઢ્યાઃ હવે તો બહાર જ જમીએ. પણ હાર સ્વીકારે તો અશ્વિનીભાઈ શેના? એમણે
ભળતીસળતી તરકીબો વાપરીને પાલકને છુંદી અને રસ-ઉંમગ સાથે, ઝીણામાં ઝીણી સામગ્રી
બાબતે વધુમાં વધુ ચોક્સાઈ દાખવીને છેવટે પાલકની ‘પ્રોપર સબ્જી’ બનાવી જ.
એ રસોઈ-સંગ્રામ જીત્યાના
થોડા જ દિવસો બાદ એ અમેરિકા જવા નીકળ્યા ત્યારે થાકેલી ‘મિત્ર-દાબડી’ ચિલ્લાઈ
ઊઠી. અશ્વિનીભાઈ વિમાનમાં બેઠા. પ્લેન ઉપડવાની તૈયારીમાં હતું. ત્યારે દાબડી ધણધણી.
તાબડતોબ અશ્વિનીભાઈને વિમાનમાંથી ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડ્યા.
અમદાવાદમાં ટૂંકી સારવાર બાદ એ અમેરિકા પહોંચ્યા ત્યારથી માંડીને ગયા સોમવારે (10-12-12ના
રોજ) છેલ્લા શ્વાસ લીધા ત્યાં સુધીના છએક મહિના દરમિયાન, એમની દીકરી સમાન તૃપ્તિ
સોનીએ આપેલી માહિતી પ્રમાણે, એ સતત મોત સામે ઝઝૂમતા રહ્યા. લગભગ દર એક-બે અઠવાડિયે
હોસ્પિટલમાં દાખલ થવાનું, સહેજ સાજા થઈને ઘરે પાછા ફરવાનું, પછી ફરી એક-બે
અઠવાડિયે હોસ્પિટલાઈઝેશન... એમાં પણ, મે મહિનામાં એક વાર હૃદય સાવ જ બંધ પડી ગયું.
અશ્વિનીભાઈ હોસ્પિટલમાં જ હતા. સ્ક્રીન પર હૃદયનો ધબકાર ઝીલતો ગ્રાફ બંધ પડી
ગયો... ફિલ્મોમાં જોવા મળે તેમ, મોનિટર પર એક લીલી લીટી સીધીસટ પર ચાલી જાય. થોડી
વાર પછી ફરી ધડકન ચાલુ થઈ. મોનિટર પર ગ્રાફ ઊંચોનીચો થવા લાગ્યો. અશ્વિનીભાઈએ જાણે
હાથોહાથની લડાઈમાં મોતને માત આપી.
પણ મોતની વાત જવા દો.
એમના જુસ્સાની વાત કરીએ. હોસ્પિટલની અવિરત દોડાદોડીનો દોર શરૂ થયો ત્યાં સુધી આ
લડાયક લેખક કેવી રીતે ઝઝૂમતા હતા એની વાત કરીએ. એ દિવસે, પાલકની સબ્જી જમાડ્યા પછી
એમણે લખાણોનાં કાગળિયાં કાઢ્યાં. એમાં કેટલાક પ્લોટ્સ હતા, નવી નવલકથાનું
પ્રારંભિક પ્રકરણ હતું અને ખાસ તો, એમણે દાયકાઓ અગાઉ જે અંગ્રેજી નવલકથાનો અનુવાદ
કરેલો એની નવી આવૃત્તિ બહાર પાડતાં પહેલાં એમાં તેઓ જે સુધારાવધારા કરી રહ્યા હતા
એ એમણે દેખાડ્યા (હું ન ભૂલતો હોઉં તો એ એલિસ્ટર મેક્લિનની ‘ગન્સ
ઓફ નેવેરોન’નાં પ્રકરણો હતાં). મૂળ અનુવાદ પર એમણે કરેલું ચિક્કાર ચિતરામણ જોઈને
એટલું સમજાયેલું કે લોકો પુસ્તકનો નવેસરથી અનુવાદ કરવામાં જેટલી મહેનત કરે એટલી
મહેનત નાદુરસ્ત અશ્વિનીભાઈ શાનદાર અનુવાદને વધુ શાનદાર બનાવવા માટે કરી રહ્યા હતા.
એ શિસ્ત... એ ચીવટ... એ
જુસ્સો... એ બધું જોઈને જે વાત વધુ સ્પષ્ટ રીતે સમજાઈ તે આ હતીઃ અશ્વિની ભટ્ટ
અશ્વિની ભટ્ટ શા માટે છે!
સલામ, સર!
Truly moving Dipak. He seems like a man (too early and impolite to use the past tense here) who never gave up or gave in. A characteristic which almost always defines a great writer. You have done a tremendous job to capture his final hour wrestling with the inevitable.
ReplyDeletenice articles and as mentioned in last line અશ્વિની ભટ્ટ અશ્વિની ભટ્ટ શા માટે છે! is justify by this article of yours... in his memory i also wrote something on my FB wall yesterday that i wanted to post here as well..
ReplyDeleteનવલકથા ના એક યુગ ને પૂર્ણ વિરામ...
તાજી શાહી ની ખોટ હમેંશા રેહશે...
પણ અશ્વિની સર, આપના હસ્તે લખાયેલી શાહી ની સુગંધ હંમેશા તાજી રેહશે... અમર રહો...
he was truly a great writer...
Superb, as always..!
ReplyDeleteસલામ, સર!
ReplyDelete