અરવિંદ કેજરીવાલ છેવટે તેમના રાજકીય પક્ષનું નામકરણ કરીને સત્તાવાર રીતે મેદાનમાં ઉતર્યા. તેમની જનલોકપાલ ઝુંબેશની શરૂઆત ‘મૈં અન્ના હું’ની ટોપીઓથી થઇ અને અન્નાના છૂટા-છેડા પછી ‘આમઆદમી’કેન્દ્રસ્થાને આવ્યો.
આમઆદમીના નામે ભારતના રાજકારણમાં ઝંપલાવનારા કેજરીવાલ પહેલા નથી. અગાઉ સિત્તેરના દાયકામાં ઇંદિરા ગાંધીએ ‘ગરીબી હટાવો’ જેવા હવાઇ સૂત્રથી ગરીબોને પોતાના રાજકારણના કેન્દ્રસ્થાને લાવી મૂક્યા. પરંતુ ગરીબી હટાવવાની તેમની પદ્ધતિ બહુ ઘાતક હતી. પોતાને મનગમતાં, અનુકૂળ અને રાજકીય દૃષ્ટિએ ફાયદાકારક એવાં પગલાં લઇને તેમને એ ગરીબલક્ષી ગણાવી દેતાં હતાં. સંપત્તિવાનો પાસેથી સરકાર તગડા કરવેરા વસૂલે તે એક રીતે ‘ગરીબલક્ષી’ પગલું ગણાવી શકાય. કારણ કે એ રીતે મળનારાં નાણાં સરકાર ગરીબકલ્યાણ માટે વાપરશે, એવો દાવો કરવામાં આવે. પરંતુ ગરીબોના નામે વેડફાયેલાં-ચવાયેલાં-ખવાયેલાં બેહિસાબ નાણાંને કારણે, યોજનાઓનું ગુલાબી સ્વપ્નદર્શન કાગળ પર રહી જતું હતું અને ગરીબી એની જગ્યાએ સહીસલામત.
ઇંદિરા ગાંધીએ ‘ગરીબી હટાવો’નું સૂત્ર આપ્યું ત્યાર પહેલાંના નેતાઓ શું ‘ગરીબી ટકાવો’ની દિશામાં કામ કરતા હતા? સમાજના સૌથી છેવાડાના-ગરીબ-પછાત એવા ‘આમઆદમી’ની ચિંતા ગાંધીજીની આગેવાની હેઠળ કોંગ્રેસની એક મુખ્ય ઓળખ હતી, પણ તેમને ઇંદિરા ગાંધીની જેમ ઇમેજ બિલ્ડિંગ કે રાજકીય હેતુ માટે આવાં સૂત્રોનો સહારો લેવાની જરૂર ન હતી.
‘ખાસ’થી ‘આમ’ ભણી
ગુલામ ભારતમાં ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’ની સ્થાપના થઇ અને ડિસેમ્બરમાં તેનાં અધિવેશન મળવા લાગ્યાં, ત્યારે તે વેકેશન ભોગવતા વકીલોની પાર્ટી ગણાતી હતી. તેમાં બ્રિટિશ તાજને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા સાથે કાર્યવાહી શરૂ થતી ને અંગ્રેજીમાં ચર્ચાઓ ચાલતી. લાંબા ઠરાવો, છટાદાર વક્તૃત્વકળા અને સરવાળે વકીલ તરીકેની ધીકતી પ્રેક્ટિસમાં ગાબડું પાડ્યા વિના કંઇક કર્યાનો સંતોષ લઇને મોટા ભાગના સાહેબલોક છૂટા પડતા.
૧૯૧૫માં ભારત આવેલા, પણ જુદી માટીના બનેલા બેરિસ્ટર ગાંધીએ આ જોયું અને પામી લીઘું કે આ રાજકારણમાં દેશના આમઆદમી કહેતાં સામાન્ય માણસને કશું સ્થાન નથી. ‘લોકોને આમાં કશી ખબર ન પડે. વૈચારિક આદાનપ્રદાન અને દેશના ઉદ્ધાર જેવાં મહાન કાર્યો તો આપણે સૂટ-બૂટધારી નિષ્ણાતોએ ભેગા થઇને જ કરવાનાં હોય’ એવો અગાઉનો નેતાગીરીનો પ્રચલિત ખ્યાલ તેમણે પાયામાંથી બદલી નાખ્યો. સૂટ-બૂટ તો તેમણે દક્ષિણ આફ્રિકામાં જ છોડી દીધાં હતાં, પણ ભારતની ગરીબીનો જાતપરિચય મેળવ્યા પછી તેમણે સંપૂર્ણ-સમૃદ્ધ લાગે એવો ફેંટા સહિતનો આખો પોશાક તજીને કેવળ એક વસ્ત્ર અપનાવ્યું. એ ચેષ્ટા પરદેશીઓ ઉપરાંત ઘણા દેશીઓને પણ નાટકીય કે નાટકીયા લાગી હશે, પણ કહેણી એવી કરણી ધરાવતા ગાંધીજી સહજતાથી દેશના સેંકડો ગરીબો સાથે પોતાનો તાર જોડી શક્યા.
આજે ‘ઓળખના રાજકારણ’માં ખપી જાય એવી વ્યૂહરચના તરીકે ગાંધીજીએ અને તેમની સાથે જોડાયેલા ઘણા સાથીદારોએ વકીલ-બેરિસ્ટર કે ભણેલગણેલા, અંગ્રેજી બોલતા-વાંચતા-લખતા ભદ્ર વર્ગ તરીકેની પોતાની ઓળખ સાવ ઓગાળી નાખી અને ખાદીમાં સજ્જ થઇને ‘આમઆદમી’ તરીકે રજૂ થવા લાગ્યા.
ભારત જેવા દેશમાં મુઠ્ઠીભર નેતાઓ ગમે તેટલા તેજસ્વી હોય તો પણ તેમના જોરે પ્રજાકીય ચળવળ ચલાવી ન શકાય અને કદાચ રાજકીય પરિવર્તન આવે તો પણ ‘આમઆદમી’ની જિંદગીમાં કશો ફરક પાડી ન શકાય, એ ગાંધીજી બરાબર સમજતા હતા. એટલે તેમણે સમાજના દરેક સમુહોને ચળવળમાં જોડ્યા. અંગ્રેજીમાં ઠરાવો ઘડવા ને ચર્ચા કરવામાં બધાનો ગજ વાગે નહીં, પણ ગાંધીજીની અહિંસક લડત અને સવિનય કાનૂનભંગમાં સૌ સામેલ થઇ શકે એમ હતાં. ભારતમાં ‘આમઆદમી’ની વાત થાય ત્યારે સ્ત્રીઓ નજરઅંદાજ ન થઇ જાય, એની ચીવટ પણ ગાંધીજીએ રાખી અને સમૃદ્ધ પરિવારોથી માંડીને સામાન્ય સ્થિતિ ધરાવતી સ્ત્રીઓને તેમણે ઢંઢોળી. લાજ, આમન્યા જેવાં રૂઢિચુસ્તતાનાં બંધન છતાં એ સમયની સ્ત્રીઓ આંદોલનો-સરઘસ-સભા-પિકેટિંગ જેવા કાર્યક્રમોમાં ઘરની બહાર નીકળતી થઇ.
પરિવર્તન વ્યક્તિગતને બદલે સંસ્થાગત થયું એટલે મહાસભા (કોંગ્રેસ) નાતાલની રજાઓમાં ગપ્પાંગોષ્ઠિ- ચર્ચાવિચારણા કરતા વકીલબેરિસ્ટરોનો પક્ષ મટીને, ‘દેશના એક છેડાથી બીજા છેડા સુધી સાત લાખ ગામડાંમાં વેરાયેલા મૂગા અર્ધ પેટે રહેતા માણસોની પ્રતિનિધિ’ બની શકી. ૧૯૨૪ના એક લેખમાં ગાંધીજીએ કહ્યું હતું, ‘કોંગ્રેસે આમજનતાના વધારે ને વધારે પ્રતિનિધિ બનતા જવું જોઇએ. લોકો હજી રાજકારણથી અસ્પૃષ્ટ છે. આપણા રાજદ્વારી પુરૂષો ઇચ્છે તેવી રાજકીય જાગૃતિ તેમનામાં આવી નથી. તેમનું રાજકારણ ‘રોટી ને ચપટી મીઠું’માં પૂરું થાય છે. રોટી ને ‘માખણ’ તો ન કહી શકાય, કારણ કે કરોડોને ઘી તો શું, તેલ પણ ચાખવાનું મળતું નથી. તેમનું રાજકારણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેના વહેવાર ગોઠવવા પૂરતું મર્યાદિત છે...પહેલાં આપણે તેમની વચ્ચે રહીને તેમને માટે કામ કરવું જોઇએ. આપણે તેમના દુઃખે દુઃખી થવું જોઇએ. તેમની મુશ્કેલીઓ સમજવી જોઇએ..ગામડાના લોકો જેઓ ઉનાળાના તાપમાં કેડ વાળીને મજૂરી કરે છે તેમની સાથે આપણે ભળવું જોઇએ. તેઓ જે ખાબોચિયામાં નહાય છે, કપડાં ઘુએ છે, વાસણ માંજે છે અને જેમાં તેમનાં ઢોર પાણી પીએ છે ને આળોટે છે તેમાંથી પાણી પીતાં આપણને કેવું લાગે તેનો વિચાર કરવો જોઇએ. આ પ્રમાણે કરીશું ત્યારે જ આપણે જનતાના સાચા પ્રતિનિધિ બની શકીશું અને ત્યારે જ તેઓ આપણી દરેક હાકલનો જવાબ વાળશે.’ (યંગ ઇન્ડિયા, ૧૧-૯-૧૯૨૪)
ગાંધીજીના કાંતણ અને ખાદીના કાર્યક્રમમાં મુખ્ય ખ્યાલ સ્વાવલંબન અને ગ્રામસ્વરાજનો હતો. એટલે, ખાદીનાં વસ્ત્રો અને ગાંધીટોપી ફક્ત કોંગ્રેસ કે ગાંધીવાદનું નહીં, પણ આમઆદમી સાથે તાદાત્મય સાધવાનું પણ પ્રતીક બન્યાં.
અત્યારે અરવિંદ કેજરીવાલ કે તેમના બીજા ટેકેદારો ટોપી પહેરે એ બહુ અસ્વાભાવિક અને કૃત્રિમ લાગે છે. કારણ કે ટોપી હવે સામાન્ય માણસનું પ્રતીક નથી. ઉલટું, આઝાદી પછી બહુ ઝડપથી ગાંધીટોપી સત્તાલાલસા અને ભ્રષ્ટાચારમાં રાચતા દંભીઓનો યુનિફોર્મ બનવા લાગી અને એકવીસમી સદી આવે તે પહેલાં જ એનું સઘળું મહત્ત્વ ઓસરી ગયું. કેજરીવાલને પહેરવેશમાં આમઆદમી સાથે એકરૂપતા સાધવાની જરૂર લાગતી હોય તો તે બને એટલાં સાદાં વસ્ત્રો અને પગમાં મામૂલી ચપ્પલ પહેરે તો થયું. અલબત્ત, આમ કરવું જરૂરી નથી. એને બદલે પોતાનો પક્ષ ભ્રષ્ટાચાર-ભંડાફોડ સિવાયના બીજા અનેક મુદ્દા અંગે શું માને છે અને તે જનસામાન્યના જીવનને કેવી રીતે સ્પર્શવા માગે છે, તેની વાત સાવ નીચલા સ્તરથી શરૂ કરે. ત્યાંથી ધીમે ધીમે તેનું રાષ્ટ્રિય માળખું ઘડાતું જાય
સત્તા મળ્યા પછી
સફળતાપૂર્વક વિરોધ કરવો એક વાત છે અને ‘આમઆદમી’ને નજર સામે રાખીને શાસન ચલાવવું બીજી વાત છે. આ વાત જેટલી કેજરીવાલ એન્ડ પાર્ટીને લાગુ પડે છે, એટલી જ આઝાદી પછીની કોંગ્રેસને લાગુ પડતી હતી. આઝાદીનાં થોડાં વર્ષ પહેલાંથી લડતમાં નેતાઓને સરકારી સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો. ત્યારે તેમને ટપારવા માટે ગાંધીજી હયાત હતા. પરંતુ તેમનો અવાજ ઘણો ક્ષીણ થઇ ચૂક્યો હતો. તેમનાં આદરમાન સૌ જાળવતા, પણ તેમણે આગળ કરેલા પ્રજાકેન્દ્રી રાજકારણના સિદ્ધાંતોનો ઝાઝા લોકોને ખપ રહ્યો ન હતો.
દેશ આઝાદ થયો એ ઐતિહાસિક પ્રસંગે ગાંધીજી પાટનગર દિલ્હીથી ઘણે દૂર, કોમી આગ ઠારવામાં ખૂંપેલા હતા. એટલે દેશનાં પ્રધાનપદાં સંભાળનારા નેતાઓ તેમને તત્કાળ મળી શક્યા નહીં, પણ બંગાળના પ્રધાનો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે જ ગાંધીજીના આશીર્વાદ લેવા ગયા હતા. તેમને ગાંધીજીએ કહ્યું હતું, ‘આજથી તમે કાંટાળો તાજ પહેરો છો. સત્તાની ખુરશી ખરાબ છે. એમાં બેસીને તમે સતત જાગ્રત રહેજો...અંગ્રેજોના જમાનામાં તમારી કસોટી હતી. છતાં એક રીતે ન પણ હતી. પણ હવે તો તમારી પરીક્ષા જ પરીક્ષા છે. તમે જાહોજલાલીની જાળમાં ન ફસાતા. ઇશ્વર તમને સહાય કરે- ગામડાં અને ગરીબોનો ઉદ્ધાર કરવાનો છે. ’
આઝાદીના એક દાયકા પહેલાં, ૧૯૩૭ની ચૂંટણી પછી પ્રાંતિક ધારાસભાઓમાં કોંગ્રેસની સરકારો રચાઇ અને ચળવળકારો પ્રધાન બન્યા ત્યારથી ગાંધીજીએ સત્તાનો સ્વાદ ચાખનારા નેતાઓને ટપારવાનું શરૂ કરી દીઘું હતું. તેમણે લખ્યું હતું, ‘સાદાઇની એમને (પ્રધાન બનેલા મહાસભાના નેતાઓને) શરમ ન આવવી જોઇએ, તેઓ તેમાં ગૌરવ માને. આપણે જગતની ગરીબમાં ગરીબ પ્રજા છીએ અને આપણે ત્યાં કરોડો માણસો અડધો ભૂખમરો વેઠે છે. એવા દેશના પ્રતિનિધિઓએ પોતાને ચૂંટનાર મતદારોના જીવનની જોડે જેનો કશો જ મેળ ન હોય એવી ઢબે ને એવી રહેણીએ રહેવાય જ નહીં. વિજેતા અને રાજ્યકર્તા તરીકે આવનાર અંગ્રેજોએ જે રહેણીનું ધોરણ દાખલ કર્યું તેમાં જિતાયેલા અસહાય લોકોનો બિલકુલ વિચાર કર્યો ન હતો...મહાસભાના પ્રધાનો જો તેમને ૧૯૨૦થી વારસામાં મળેલી સાદાઇ અને કરકસર કાયમ રાખશે તો તેઓ હજારો રૂપિયા બચાવશે, ગરીબોના દિલમાં આશા પેદા કરશે અને સંભવ છે કે સરકારી નોકરોની ઢબછબ પણ બદલાવશે.’ (હરિજનબંઘુ, ૧૮-૭-૧૯૩૭)
સાથોસાથ, ગાંધીજી પ્રચલિત ગેરમાન્યતા પ્રમાણે ફક્ત સાદગીને સર્વસ્વ માની બેઠા ન હતા. પ્રધાનોની કાર્યક્ષમતા પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું, ‘પ્રધાનોએ સાદાઇ ધારણ કરી એ આરંભ તરીકે આવશ્યક હતું. છતાં જો તેઓ આવશ્યક ઉદ્યોગ, શક્તિ, પ્રામાણિકતા, નિષ્પક્ષપણું અને વિગતો ઉપરનો કાબૂ મેળવવાની અગાધ શક્તિ નહીં બતાવે તો એકલી સાદાઇ તેમને કંઇ કામ આવવાની નથી. ’
કેજરીવાલ બાકી બધા મુદ્દા બાજુ પર રાખીને ફક્ત ભ્રષ્ટાચાર ને ભંડાફોડમાં મશગુલ રહેશે તો એ તેમને ક્યાં સુધી કામ આવશે, એ સવાલ છે. આમઆદમીને લગતા રાજકારણમાં આગળ વધવા માટે તેમની પાસે બે ‘ગાંધીમાર્ગ’ છે: સૂત્રોચ્ચારનો ઇંદિરા ગાંધીમાર્ગ અને નક્કર કામગીરીનો મહાત્મા ગાંધીમાર્ગ.
તેમની પસંદગી જાણવા માટે બહુ લાંબો સમય રાહ નહીં જોવી પડે.