અમેરિકા આ સમયે સમાચારમાં તો રહેવાનું જ હતું, પણ બે દિવસ પછી, ૬ નવેમ્બરના રોજ, થનારી પ્રમુખપદની ચૂંટણીઓ માટે. ‘હરિકેન સેન્ડી’/ Sandy વાવાઝોડાના પ્રતાપે સ્થિતિ પલટાઇ ગઇ. પ્રમુખપદ માટેની રસાકસીભરી ચૂંટણીમાં ‘કતલના’ કહેવાય એવા છેલ્લા સાત-આઠ દિવસમાં ઓબામા-રોમ્ની વચ્ચેજી ગાજવીજ બાજુ પર ધકેલાઇ ગઇ. તેના ઠેકાણે રાષ્ટ્રિય આફતનો માહોલ છવાયો.
અમેરિકામાં વાવાઝોડાંની નવાઇ નથી. ટેકનોલોજીના પ્રતાપે વાવાઝોડાંનાં પગલાં પારખીને, તેમની સામે ટકવાની આગોતરી તૈયારી કરી શકાય છે. છતાં, હકીકત એ પણ છે કે ટેકનોલોજી કુદરતી પરિબળોને નાથી શકતી નથી. તેનાથી થતું નુકસાન કેમ ઘટાડવું એટલું જ તે કરી શકે છે અને તેનાથી ઉચાટ જરાય ઓછો થતો નથી. આ લખાય છે ત્યારે અમેરિકાના પૂર્વ કાંઠે વાવાઝોડું ત્રાટક્યા પછી થનારી તેની વિનાશંક અસરોનો અંદાજ લગાડાઇ રહ્યો છેઃ ભયાનક ઝડપે સૂસવાતો પવન, સમુદ્રમાં ઉછળતાં તોતિંગ મોજાં, ભારે વરસાદ, પૂરની પરિસ્થિતિ, ખોરવાઇ ગયેલો વીજળીનો પુરવઠો - આ બધી ભયાનક સંભાવનાઓનું ટ્રેલર ચાલુ છે - સુપરપાવર દેશના અંદાજે પચાસેક લાખ લોકો વીજળી વિના જીવવા મજબૂર બન્યા છે- અને આ લખાણ તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં, આખેઆખી ફિલ્મ પણ રજૂ થઇ ચૂકી હશે.
યોગાનુયોગે, છેલ્લા ત્રણેક દાયકામાં આ વખતે પહેલી વાર અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના મુદ્દામાં ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના મુદ્દા ચર્ચાયા નથી. અલબત્ત, આ મુદ્દે વર્તમાન પ્રમુખ અને ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર ઓબામા તથા રૂઢિચુસ્ત રીપબ્લિકન ઉમેદવાર રોમ્નીના વિરાધાભાસી વિચાર જાણીતા છે. ચૂંટણી સંદર્ભે એકાદ ડઝન જેટલી વિજ્ઞાન અને ઇજનેરી સંસ્થાઓએ ‘સાયન્સડીબેટ’ વેબસાઇટ અંતર્ગત ૧૪ સવાલ તૈયાર કર્યા હતા. તેમના વિશે બન્ને ઉમેદવારોએ આમનેસામને ચર્ચા તો ન કરી, પણ તેમના પ્રચાર-કારભારીઓ તરફથી એ સવાલોના જવાબ મળ્યા હતા. તેમાં ઓબામાએ ક્લાયમેટ ચેન્જને ‘આ પેઢી સમક્ષ રહેલી સૌથી મોટી સમસ્યાઓમાંની એક’ ગણાવીને હતી, જ્યારે રોમ્ની આ મુદ્દે ઓબામા જેટલા સ્પષ્ટ ન હતા. તેમણે અગાઉ માનવજાતની પ્રવૃત્તિને કારણે ગ્લોબલ વોર્મિંગ - પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું હોવાનો ધરાર ઇન્કાર કર્યો હતો, પરંતુ પ્રમુખપદના ઉમેદવાર તરીકે તેમણે વલણ બદલ્યું છે. ‘સાયન્સડીબેટ’ના સવાલના જવાબમાં તેમણે ગ્લોબલ વોર્મિંગ માટે માનવજાતની જવાબદારી સ્વીકારી. સાથોસાથ, એમ પણ કહ્યું કે કારણો અને અસરોના મુદ્દે ‘વિજ્ઞાનજગતમાં એકમતિનો અભાવ છે’ અને આ મુદ્દે ‘ચર્ચા ચાલુ રહે’ એવું તે ઇચ્છે છે.
‘હરિકેન સેન્ડી’ની અસાધારણ ગંભીરતામાં ગ્લોબલ વોર્મિંગની કેવી ને કેટલી ભૂમિકા છે એની ચર્ચાની સાથોસાથ, વાવાઝોડાની પ્રમુખપદની ચૂંટણી પર કેવી અસર થશે, એ પણ અગત્યનો મુદ્દો બન્યો છે. વાવાઝોડાના પગરવ સંભળાતાં જ પ્રમુખ ઓબામા અને હરીફ ઉમેદવાર રોમ્નીએ ‘આ મુદ્દે કોઇ રાજકારણ નહીં’ એવી જાહેરાત કરી દીધી છે. (ગુજરાતના મુખ્ય મંત્રીએ થોડાં વર્ષ પહેલાં પૂર આવ્યું ત્યારે તેમાં રાહત કામગીરી માટે છપાવેલાં વિશિષ્ટ કાર્ડમાં, અંદરના ભાગમાં તબાહીનું દૃશ્ય અને ઉપરના ભાગમાં પોતે હેલિકોપ્ટરમાંથી આ બઘું જોઇ રહ્યા હોય એવું કટ-આઉટ મૂકાવ્યું હતું.)
નાગરિકોના જાનમાલનું વ્યાપક જોખમ હોય ત્યારે, તેનો (ગેર)લાભ ઉઠાવવાની કોશિશ અમેરિકામાં બેશક કોઇ પણ ઉમેદવાર માટે નુકસાનકારકનીવડે. થોડા સમય પહેલાં લિબિયામાં અમેરિકાની એલચી કચેરી પર થયેલા હુમલા વખતે રોમ્નીએ રાજકારણ ખેલવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની ઠીકઠીક ટીકા થઇ હતી. વાવાઝોડાના માહોલમાં ઓબામાએ વેળાસર જાહેર કરી દીઘું છે કે ‘વાવાઝોડાની ચૂંટણી પર કેવી અસર થશે એની મને પરવા નથી. મને તો પરિવારોની અને બીજા કરતાં પહેલાં વાવાઝોડાનો માર વેઠનારા લોકોની ચિંતા છે.’
ચૂંટણીના સાવ છેલ્લા તબક્કામાં ખતરનાક વાવાઝોડું આવે ત્યારે મીટ રોમ્ની પાસે અસરગ્રસ્ત વિસ્તારોમાં (રાહત કામગીરીને નુકસાન ન થાય એ રીતે) ફરી વળવાની વધારે મોકળાશ રહેવાની. કારણ કે તેમને સત્તાવાર જવાબદારીઓ અદા કરવાની નથી. ફક્ત લોકસંપર્કમાં અને લોકો પ્રત્યે નક્કર લાગે એવી સહાનુભૂતિ દર્શાવવામાં જ ઘ્યાન આપવાનું છે. ઓબામા માટે આ વાવાઝોડું એક સાથે પડકાર અને તક લાવ્યું છે. વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે પ્રમુખ તરીકે ઓબામા અસરકારક નેતાગીરી પૂરી પાડે અને રાહતનું સંતોષકારક તંત્ર ગોઠવી શકે, તો બીજા ઘણા મુદ્દા ગૌણ બને અને પલ્લું તેમની તરફેણમાં નમી શકે છે. પરંતુ રાહત કામગીરીમાં જરા પણ કાચું કપાયું કે બોલવામાં જીભ લપસી તો ખલાસ.
ઓબામા પહેલાંના પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશને તેનો અનુભવ થઇ ચૂક્યો છે. તેમના રાજમાં ન્યૂ ઓર્લિઅન્સમાં હરિકેન કેટરિનાએ તબાહી મચાવી ત્યારે બુશની કામગીરી અને નેતાગીરી સાવ ટાઢાંબોળ રહ્યાં. કાળા લોકોનું પ્રભુત્વ ધરાવતા એ વિસ્તારમાં રાહત કામગીરીના નામે જે ધાંધિયાં થયાં, તે ભારત જેવા દેશની યાદ અપાવે એવાં હતાં. વાવાઝોડાના મહિનાઓ પછી પણ ન્યૂ ઓર્લિઅન્સના અસરગ્રસ્તો કામચલાઉ ઘરમાં કે ટ્રેલરમાં જીવન વીતાવતા હતા. એ વખતે ચૂંટણી ઘણી દૂર હતી, છતાં બુશની નિષ્ફળતાઓમાં ન્યૂ ઓર્લિઅન્સમાં તેમના તંત્રની નિષ્ફળતા મહત્ત્વની બની રહી.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ઇતિહાસમાં જ્યોર્જ ડબલ્યુ. બુશ બીજી રીતે યાદગાર છે. વીસમી સદીના અમેરિકામાં તે એવા એકમાત્ર પ્રમુખ હતા, જે ‘પોપ્યુલર વોટ્સ’- લોકોના મત-ની ગણતરીમાં હારી જવા છતાં, અમેરિકાના પ્રમુખપદે બિરાજ્યા. એ કેવી રીતે શક્ય બને? તેનો મુદ્દાસર જવાબઃ
અમેરિકાના પ્રમુખની ચૂંટણીના છેલ્લા તબક્કામાં, બન્ને મુખ્ય પક્ષોના ઉમેદવારો ફાઇનલ થઇ ગયા પછી, નક્કી કરેલા દિવસે અમેરિકાનાં તમામ રાજ્યોમાં લોકો મતદાન કરે છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ક્યારે કરવી એ પણ બંધારણમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છેઃ દર ચાર વર્ષે, નવેમ્બર મહિનાના પહેલા સોમવાર પછીના મંગળવારના દિવસે. (એટલે કે, નવેમ્બરની ૧ તારીખે મંગળવાર હોય તો ચૂંટણી પહેલા સોમવાર- ૭ નવેમ્બર- પછીના મંગળવારે, ૮ નવેમ્બરે કરવી પડે.)
દરેક રાજ્યમાં મતદારોએ મત પ્રમુખપદના ઉમેદવારને નહીં, પણ તેમના પક્ષના પ્રતિનિધિને આપવાનો હોય છે. ‘ઇલેક્ટોરલ કોલેજ’ તરીકે ઓળખાતી, અમેરિકાની આશરે ૨૦૦ વર્ષ જૂની પ્રમુખ ચૂંટવાની પદ્ધતિ પહેલી નજરે જરા વિચિત્ર લાગે એવી છે. ભારતની જેમ અમેરિકાની સંસદ (‘કોંગ્રેસ’)નાં ઉપલા ગૃહ (સેનેટ) અને નીચલા ગૃહ (હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્ઝ)માં બધાં રાજ્યોમાંથી પ્રતિનિધિઓ ચૂંટાય છે. દરેક રાજ્યમાંથી ઉપલા ગૃહમાં બે સભ્યો જાય છે. નીચલા ગૃહમાં રાજ્યના પ્રતિનિધિઓની સંખ્યા, અમેરિકાની કુલ વસ્તીમાં રાજ્યની વસ્તીનું કેટલું પ્રમાણ છે તેના આધારે નક્કી થાય છે.
બન્ને ગૃહોમાં મળીને રાજ્યના કુલ જેટલા પ્રતિનિધિ (‘સાંસદ’) હોય, તે રાજ્યના ‘ઇલેક્ટર’ કહેવાય છે. ટેકનિકલી, તેમના મતોના આધારે પ્રમુખની ચૂંટણી થાય છે. વાસ્તવમાં, સૌથી પહેલાં કયા રાજ્યમાં કયો પક્ષ જીત્યો તે નાગરિકોના મત (પોપ્યુલર વોટ)થી નક્કી થાય છે. દાખલા તરીકે, ૬ નવેમ્બરના રોજ થનારી ચૂંટણીમાં કેલિફોર્નિયામાં ડેમોક્રેટિક ઉમેદવારને સૌથી વધારે મત મળે, તો એનો અર્થ એ થયો કે, કેલિફોર્નિયાના તમામ ૫૫ ઇલેક્ટર મત ડેમોક્રેટિક ઉમેદવાર ઓબામાને જશે. અમેરિકાના બંધારણ પ્રમાણે, રાજ્યમાં જે પક્ષના ઉમેદવારને સૌથી વઘુ મત મળે, એ પક્ષને રાજ્યના તમામ ‘સાંસદો’ (ઇલેક્ટર)એ પોતાના મત આપવા પડે. આમ કરવા માટે સાંસદો ‘પ્રતિજ્ઞાબદ્ધ’ ગણાય છે. આ પ્રતિજ્ઞા તોડી શકાય છે, પણ ભાગ્યે જ એવું બને છે.
બધાં રાજ્યોનાં કુલ ૫૩૮ ઇલેક્ટર મતમાંથી પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા ૨૭૦ મત મેળવવા જરૂરી છે. ઇલેક્ટર મતોની અવળચંડી લાગતી પ્રથાને લીધે સૈદ્ધાંતિક રીતે એવું પણ શક્ય છે કે અમેરિકાનાં ૩૯ રાજ્યોમાંથી ઉમેદવારને એક પણ ઇલેક્ટર મત ન મળે, છતાં તે ૧૧ રાજ્યોના કુલ ૨૭૦ ઇલેક્ટર મતોની મદદથી અમેરિકાનો પ્રમુખ બની જાય. અલબત્ત, વ્યવહારમાં એવું બનતું નથી એ જુદી વાત છે.
વાવાઝોડાની અસરને ઘ્યાનમાં રાખીને કેટલાક અહેવાલોમાં એવી સંભાવના પણ વ્યક્ત થઇ છે કે રાજ્યો (ટેકનિકલી) ચૂંટણી કર્યા વિના- એટલે કે નાગરિકોના મત મેળવ્યા વિના, પોતાના ઇલેક્ટર મત એક યા બીજા ઉમેદવારને આપી શકે છે. મતદાનના સમયમાં વધઘટ કરવાની સત્તા પણ રાજ્યો પાસે હોય છે.
વાવાઝોડાની અને ચૂંટણીની બેવડી કસોટીમાંથી કયા ઉમેદવાર પાર ઉતરે છે, એ જાણવા માટે બસ થોડા દિવસની પ્રતીક્ષા.
તા.ક. આ લેખ લખાયા પછી 'સેન્ડી'નો હરિકેન તરીકેનો દરજ્જો 'છિનવી લેવાયો' હતો અને તેને 'સુપરસ્ટોર્મ' જાહેર કરાયું.
અમેરિકાની ચૂંટણીના વિષયમાં પણ તમે મુખ્યમંત્રી લાવ્યા વિના નથી રહી શક્યા. એ તમારો મુખ્યમંત્રી પ્રેમ બતાવે છે. રસોઇમાં મીઠાંની જેમ ઉર્વિશભાઇના લેખમાં સ્વાદ લાવવા મુખ્યમંત્રી અનિવાર્ય બન્યા હોય તેમ લાગે છે.
ReplyDeleteજેવો મારો પ્રેમ, એવો જ તમારો...મેં જેની વાત કરી છે એ કાર્ડ તમે જોયું છે? જોયું હોત તો તમને સમજાત...જોકે, બીજા વિચારમાં એવું લાગે છે કે કદાચ તો પણ ન સમજાત...
Delete