રૂ.૧.૮૬ લાખ કરોડના મનાતા કોલસાકૌભાંડમાં વડાપ્રધાને ખુલાસા રજૂ કરી દીધા છે. ભાજપે વડાપ્રધાનના રાજીનામાની માગણી સાથે સંસદના સત્રની કામગીરી ખોરવી નાખી છે. ટીવી ચેનલો પર રોજ ચર્ચાના નામે કકળાટ મચે છે. ટૂંકમાં, બઘું રાબેતા મુજબ ચાલી રહ્યું છે, પરંતુ આ કૌભાંડનાં વિવિધ પાસાં વિશે સળંગસૂત્ર-સાર્થક ચર્ચા ભાગ્યે જ થઇ છે. એ ઘ્યાનમાં રાખતાં, શક્ય એટલી સરળ રીતે, જરૂર પડ્યે નિષ્ણાતા દ્વારા પૂરી પડાયેલી માહિતી ટાંકીને, આખા કૌભાંડને સમજવાનો પ્રયાસ કરીએ.
સિત્તેરના દાયકાના આરંભે કોલસાની ખાણોનું રાષ્ટ્રિયકરણ થયું, પરંતુ ‘કોલ ઇન્ડિયા લિમિટેડ’ની ક્ષમતા અને સજ્જતા મર્યાદિત હતાં. દેશનાં તમામ કોલસા-ક્ષેત્રોમાંથી કોલસો ઉલેચી કાઢવાનું તેના ગજા બહારનું કામ લાગતાં, ૧૯૯૨માં કોલસા-સચિવ (કોલ સેક્રેટરી)ના અઘ્યક્ષપદે એક સમિતિ રચાઇ. આ સમિતિએ ‘કોલ ઇન્ડિયા’ જેને અડ્યું ન હોય અને નજીકના ભવિષ્યમાં અડવાનું પણ ન હોય, એવાં ૧૪૩ કોલસા-ક્ષેત્રો ‘કેપ્ટીવ માઇનિંગ’ માટે આપવાનું નક્કી કર્યું. મતલબ, આ ક્ષેત્રોમાંથી નીકળતો કોલસો કંપનીઓ ફક્ત પોતાના સ્ટીલ કે લોખંડના ઉત્પાદના પ્લાન્ટ ચલાવવામાં જ વાપરી શકે. ખુલ્લા બજારમાં વેચી શકે નહીં. થોડા વખત પછી ‘કેપ્ટીવ માઇનિંગ’ની વ્યાખ્યામાં સીમેન્ટ પ્લાન્ટ અને વીજળી પેદા કરતા પાવર પ્લાન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો.
ક્રુડ ઓઇલ કે સ્પેક્ટ્રમની જેમ કોલસો પણ મર્યાદિત જથ્થો ધરાવતી કુદરતી સંપત્તિ છે. તેનો જથ્થો ઓછો અને લેવાલ વધારે હોવાના. આવી સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવી? તેના માટે ટેન્ડર મંગાવી શકાય, હરાજી કરી શકાય અથવા આવેલી અરજીઓના આધારે ફાળવણી પણ કરી શકાય. ‘કોલસા-ક્ષેત્રોની ફાળવણીમાં સરકારે છેલ્લો વિકલ્પ અપનાવ્યો, જે આખી તકરારનું મૂળ બન્યો. ‘કેગ’ની એક મુખ્ય દલીલ એ છે કે કોલસા-ક્ષેત્રોની ફાળવણીમાં પારદર્શકતા અને તટસ્થતા જળવાઇ નથી. કેવળ રાજ્ય સરકારોની અને બીજાં વહીવટી ખાતાંની ભલામણોથી ખાનગી કંપનીઓને કેપ્ટીવ માઇનિંગ માટે કોલસા-ક્ષેત્રો આપી દેવાયાં છે. તેના કારણે ખાનગી કંપનીઓને કુલ રૂ.૧.૮૬ લાખ કરોડનો ફાયદો થયો છે.
ખુલાસામાં ગાબડાં
વડાપ્રધાને તેમના ખુલાસામાં કહ્યું છે કે છેક ૧૯૯૩થી આ જ પ્રમાણે ખાનગી કંપનીઓને કોલસા-ક્ષેત્રોની ફાળવણી થતી રહી છે. ઉલટું યુપીએ સરકારે વર્ષ ૨૦૦૫માં આ સ્થિતિમાં પારદર્શકતા આણવાનો પ્રયાસ કર્યો. યુપીએ સરકારે કેપ્ટીવ માઇનિંગ માટે આપવાનાં કોલસા-ક્ષેત્રોની ખુલ્લેઆમ જાહેરખબરો આપી, રસ ધરાવતી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી, ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા અરજીઓની તપાસ કરાવી અને ત્યાર પછી ફાળવણી કરી.
એ વાત ખરી કે કોલસા-ક્ષેત્રોની ફાળવણીની વિવાદાસ્પદ પ્રથા યુપીએ સરકારે શરૂ કરી નથી. એ પણ ખરું કે એનડીએ સરકારના શાસનમાં આ જ પદ્ધતિએ ૩૩ કોલસા-ક્ષેત્રો ખાનગી અને સરકારી કંપનીઓને ફાળવાયાં હતાં. એટલે ભાજપ યુપીએના રાજમાં થયેલી આ પ્રકારની ફાળવણીનો વિરોધ કરે ત્યારે એ વિરોધાભાસી લાગે છે. ફાળવણીની પદ્ધતિ જ પારદર્શક ન હોય ત્યારે, યુપીએ સરકારે તેમાં ભ્રષ્ટાચાર કર્યો હશે અને એનડીએ સરકાર તેમાં બાકી રહી હશે, એવું કોઇ સ્વસ્થ માણસ માની શકે નહીં.
પરંતુ આ સવાલ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનો કે એનડીએ વિરુદ્ધ યુપીએનો નથી. રાજકીય પક્ષો પોતાની જવાબદારી કે પોતાનાં પાપ છુપાવવા માટે દરેક મુદ્દાને રાજકીય રંગ આપીને, લોકોને મનોરંજક લડાઇના રવાડે ચડાવી દે છે, જેથી તેમનું ઘ્યાન મૂળ મુદ્દા ભણી ન જાય. મૂળ મુદ્દો એ છે કે ૧૯૯૩થી કોલસા-ક્ષેત્રોની ફાળવણી આડેધડ થતી હોય તો યુપીએ સરકાર એમાં સુધારો કેમ ન કરે?
વડાપ્રધાને કહ્યું કે અમે પ્રયત્ન કર્યો હતો, પણ કાનૂન મંત્રાલય તરફથી એવો અભિપ્રાય મળ્યો કે એ માટે કાયદો બદલવો પડે અને એમાં બહુ સમય નીકળી જાય. ૨૦૦૫માં કાનૂન મંત્રાલયે આવો અભિપ્રાય આપ્યો હતો એ સાચું, પણ ૨૦૦૬માં એ જ મંત્રાલયે જાણ કરી (અને વડાપ્રધાને તેમના ખુલાસામાં સ્વીકાર્યું છે) કે ફક્ત વહીવટી તંત્રની સૂચનાથી કોલસા-ક્ષેત્રોની ફાળવણીની પ્રક્રિયામાં સુધારો શક્ય છે. એટલે કે, કોલસા-મંત્રી ઇચ્છે તો તે સ્પર્ધાત્મક રીતે (‘કોમ્પીટીટીવ બિડિંગ’થી) કોલસા-ક્ષેત્રોની ફાળવણીનો આદેશ આપી શકે. કાનૂન મંત્રાલયે એટલું ઉમેર્યું હતું કે આ નિર્ણય લીધા પછી કાયદામાં પણ સુધારો કરી દાખલ કરી દેવો જોઇએ, જેથી નવા નિર્ણયને નક્કર કાનૂની પીઠબળ મળે.
આમ, યુપીએ સરકાર ઇચ્છે તો ફાળવણીની પ્રક્રિયા પારદર્શક અને ન્યાયી બનાવી શકે એમ હતી. પરંતુ વડાપ્રધાને ત્યારે ઢીલું મૂક્યું. એ સાચું કે ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન જેવાં કોલસા-ઉત્પાદક રાજ્યોમાં બિનકોંગ્રેસી સરકારો હતી અને એ રાજ્યોના મુખ્ય મંત્રીઓ ફાળવણીની જૂની પ્રક્રિયા ચાલુ રાખવાના મતના હતા. તેમાં ફેરફારની હિલચાલનો તેમણે સત્તાવાર વિરોધ કર્યો હતો (જે વડાપ્રધાને પોતાના બચાવમાં ટાંક્યો છે). છત્તીસગઢની ભાજપી સરકાર દ્વારા થયેલી કોલસા-ક્ષેત્રોની ફાળવણીને કારણે રાજ્યને રૂ.૧,૦૫૨ કરોડનું નુકસાન થયું હોવાનો રાજ્યના એકાઉન્ટન્ટ જનરલનો સત્તાવાર અહેવાલ હતો. છતાં એ વિશે ભાજપને કંઇ કહેવાનું નથી. ભાજપની બેવડી નીતિ ઉઘાડી પાડવા માટે આટલી વિગતો પૂરતી છે, પણ અગાઉ જણાવ્યું તેમ, આ મુદ્દો કોંગ્રેસ-ભાજપનો નથી. વડાપ્રધાને એ વખતે ઇચ્છ્યું હોત તો ફાળવણીની પ્રક્રિયા બદલવાનો નિર્ણય લઇ શક્યા હોત. રાજ્ય સરકારોને તેમાં ઇચ્છા-અનિચ્છાએ સાથ આપવો પડત, કારણ કે મૂળભૂત રીતે એ કેન્દ્ર સરકારનો અધિકાર છે. યુપીએના કોંગ્રેસી વડાપ્રધાન બીજાં રાજ્યોમાં બિનકોંગ્રેસી સરકારની લાગણીને માન આપવા માટે, ફાળવણીની પ્રક્રિયામાં ફેરફાર ન કરે, એ દલીલ બહુ ગળે ઉતરે એવી નથી.
એટલે કે, કોલસા-ક્ષેત્રોની ફાળવણી પ્રક્રિયા બદલવાની જરૂર છે એવું વડાપ્રધાન પોતે સ્વીકારતા હોવા છતાં- અને ૨૦૦૬માં તે આખી પ્રક્રિયામાં ફેરફાર કરી શકે એવી સ્થિતિમાં હોવા છતાં- તેમણે જેમ ચાલે છે તેમ ચાલવા દેવાની નીતિ અપનાવી.
બીજો અને વધારે પેચીદો મુદ્દો કંપનીઓને થયેલા લાભ અને દેશને થયેલા નુકસાનની ગણતરીનો છે. વડાપ્રધાને તેમના ખુલાસામાં કહ્યું છે કે દરેક કોલસા-ક્ષેત્રમાંથી કોલસો કાઢવાનું કામ એકસરખું હોતું નથી. સામાન્ય રીતે કોલસો સહેલાઇથી કાઢી ન શકાય એવાં ક્ષેત્રો જ ‘કેપ્ટીવ માઇનિંગ’ માટે ખાનગી કંપનીઓને અપાતાં હોય છે. એટલે કોલ ઇન્ડિયા કરતાં ખાનગી કંપનીઓને કોલસો મોંઘા ભાવે પડે. ‘કેગ’ ખાનગી કંપનીઓનું ઉત્પાદન ખર્ચ ‘કોલ ઇન્ડિયા’ના ભાવે ગણે છે. ખાનગી કંપનીઓ દ્વારા થતા કોલસાના ઉત્પાદનમાંથી કરવેરા સ્વરૂપે સરકારને થતી આવકની ગણતરી પણ ‘કેગ’ના હિસાબમાં નથી.
આ મુદ્દા સાચા દેખીતી રીતે સાચા જણાય. તેનાથી નુકસાનનો આંકડો ઓછો થઇ શકે, પણ નુકસાનનો સમૂળગો છેદ ઉડી જતો નથી. એટલે ‘કેગ’ના હિસાબમાંથી જરૂર ભૂલો કાઢી શકાય, પણ ‘કેગ’ જેવી કોઇ બંધારણીય સંસ્થા સરકારના માથે બેઠી હોય અને પોતાની થોડીઘણી ભૂલો સાથે પણ, સરકારનો કાન આમળતી હોય તે જરૂરી છે. ‘કેગ’ને સરકારની નીતિવિષયક બાબતોમાં માથું મારવાનો અધિકાર નથી, એવી દલીલ અસ્થાને છે. સરકારની નીતિ દેશના અર્થતંત્રને નુકસાનકારક હોય તો એ તરફ ઘ્યાન દોરવાની ‘કેગ’ની ફરજ છે. તેની સામે પોતાનો પક્ષ રજૂ કરવા અને ‘કેગ’ની ગણતરી ખોટી ઠેરવવા સરકાર સ્વતંત્ર છે.
વિલંબનું નુકસાન
ખાનગી કંપનીઓને ફાળવાયેલાં કોલસા-ક્ષેત્રોમાં પણ કોલસાના ઉત્પાદનમાં અસાધારણ વિલંબ થયો છે. હકીકતમાં ‘કોલ ઇન્ડિયા’ને બદલે ખાનગી કંપનીઓને કોલસા-ક્ષેત્રો આપવાનું કારણ જ એ હતું કે તે ઝડપી અને કાર્યક્ષમ રીતે ઉત્પાદન શરૂ કરે.
કોલસાના ઉત્પાદનમાં ઝોલ પડે એટલે પાવર પ્લાન્ટનું કામ ખોરંભે પડે છે, વીજળીની ઘટ પૂરી શકાતી નથી અને મોંઘા ભાવનો કોલસો આયાત કરવો પડે છે. આમ કોલસાનું ધાર્યું અને ઝડપથી ઉત્પાદન ન થાય, તેનાથી દેશને ચોખ્ખું નુકસાન થાય છે. અલબત્ત, એ નુકસાન એવું છે કે જેનાથી ‘કેપ્ટીવ માઇનંિગ’ કરનારી કંપનીઓને કશો ફાયદો થતો નથી. એટલે કે એ નુકસાનને ખાનગી કંપનીઓના ફાયદા તરીકે ગણાવી શકાય નહીં.
વર્ષ ૨૦૦૫માં પહેલી વાર યુપીએ સરકારે કોલસા-ક્ષેત્રોની ફાળવણી સ્પર્ધાત્મક બનાવવાની હિલચાલ કરી, ત્યારે કાયદામાં સુધારો કરવો પડશે- એવી વાતથી સરકાર પાણીમાં બેસી ગઇ. એ વખતે, સર્વસંમતિ સધાય અને કાયદામાં સુધારો થાય ત્યારે ખરાં, પણ ત્યાં સુધી કોલસા-ક્ષેત્રોની ફાળવણી બંધ રાખી શકાય નહીં- એવું સરકારનું વલણ હતું. દેશના અર્થતંત્રમાં અને તેના વિકાસમાં કોલસાની મહત્ત્વની ભૂમિકા જોતાં, કોલસાને અપાયેલું મહત્ત્વ વાજબી હતું, પરંતુ ફાળવણીના મામલે કોલસાનું મહત્ત્વ સ્વીકારનાર સરકારે, તેના ઉત્પાદનમાં થથા અસાધારણ વિલંબ બદલ કેમ બેદરકારી દાખવી? વડાપ્રધાને તેમના બચાવનામામાં પણ સ્વીકાર્યું છે કે ખાનગી કંપનીઓ ઉત્પાદનનાં લક્ષ્યાંકો સિદ્ધ કરી શકી નહીં. એ માટે તેમણે સરકારી પરવાનગીઓ મેળવવામાં પડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
એક તરફ, સરકાર કોલસાની અગત્ય સમજીને કોલસા-ક્ષેત્રોની ફાળવણી ફટાફટ કરી દે, પણ સરકારી બાબુશાહીના પાપે એ જ કોલસા-ક્ષેત્રોમાં ઉત્પાદનનું વર્ષો સુધી ઠેકાણું ન પડે એ કેવું? અને તેના માટે કોણ જવાબદાર? મંત્રીઓ કહે છે કે ‘કોલસો જમીનમાં હોય તો કૌભાંડ ક્યાં થયું?’ પણ આટલી અગત્યની ચીજ વપરાવાને બદલે જમીનમાં પડી રહી, તે પોતે જ મોટું નુકસાન નથી? અને તેના માટે સરકાર કેમ જવાબદાર ન ગણાય?
કોલસા-ક્ષેત્રોની ફાળવણી કરતી વખતે સરકાર કંપનીઓને ફક્ત જમીન ચીંધી દે છે. તેમાં જમીનપરીક્ષણ અને પર્યાવરણ મંત્રાલયની પરવાનગીથી માંડીને જમીન સંપાદન સુદ્ધાં ખાનગી કંપનીએ પોતાના હિસાબે અને જોખમે કરવાનાં રહે છે. આ કામગીરીમાં સરકારી રાહે કેટલો વિલંબ અને કેટલો ભ્રષ્ટાચાર થતાં હશે, તે કલ્પી શકાય.
કોલસા-ક્ષેત્રોની ફાળવણીની વર્તમાન સ્થિતિ બદલાય અને હરાજીની પદ્ધતિ અપનાવવામાં આવે તો પણ અસાધારણ વિલંબ અને તેના કારણે થતા અસાધારણ નુકસાનની સમસ્યા ઊભી જ રહેવાની છે. એટલે ફાળવણીમાં પારદર્શકતા જેટલો જ દેશહિતનો અને આર્થિક નુકસાનનો મુદ્દો ફાળવણી થયા પછીના વિલંબનો છે.
ખાનગી કંપનીઓ કોલસા-ક્ષેત્રોમાંથી કોલસો પેદા કરીને બજારમાં વેચી શકે એવો (નોન-કેપ્ટીવ માઇનિંગ)નો સુધારો બાર વર્ષથી રાજ્યસભામાં ઘૂળ ખાય છે. એ પસાર થાય તો આ ક્ષેત્રમાં સ્પર્ધાનું તત્ત્વ દાખલ થાય.
પરંતુ સરકાર આંકડાની માયાજાળ ઊભી કરવામાં અને ભાજપ આખા મુદ્દાને કેવળ કોંગ્રેસના વિરોધના સ્તરે ઉતારી દેવામાં વ્યસ્ત હોય, ત્યાં દેશનું નુકસાન ગૌણ અને પોતાનો રાજકીય ફાયદો મુખ્ય બની જાય છે.
Urvishbhai,
ReplyDeleteI gone through both parts of this coal issue written by you.
I would like to add two points -
1. Opportunity Loss : We had to pay from 'precious' forex reserves for imported coal, also heavy transportation cost incurred.
If we could have been able to exploit proper labour & machinery to get coal from coal blocks, it would have created many jobs too & that too in backward areas.
2. Improper Gain to companies whom blocks originally allotted : Some companies have sold their equity because valuation of their company were increased due to "right on coal blocks". Those companies made money by just selling equity & they have not started mining. In such cases, those who got the blocks by "blessings" have made indirect money, though it is not direct loss to government.
not worlds..........great
ReplyDelete"પરંતુ સરકાર આંકડાની માયાજાળ ઊભી કરવામાં અને ભાજપ આખા મુદ્દાને કેવળ કોંગ્રેસના વિરોધના સ્તરે ઉતારી દેવામાં વ્યસ્ત હોય, ત્યાં દેશનું નુકસાન ગૌણ અને પોતાનો રાજકીય ફાયદો મુખ્ય બની જાય છે."
ReplyDeleteVery True...
Very informative & balanced analysis of both parties' work on coal block.
ReplyDelete