‘સામયિકોનાં પૃષ્ઠો એ કંઇ ઊગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી’
સફળતા હંમેશાં કે પૂરેપૂરી કદી આંકડાથી માપી શકાતી નથી. વાત સામયિકોની-સાહિત્યિક સામયિકોની હોય ત્યારે વેચાણસંખ્યાની સાથોસાથ ફેલાવો, સંસ્કારજીવન પર પ્રભાવ, તેનાથી થયેલું વાચકોનું ઘડતર વગેરે મુદ્દા પણ મહત્ત્વના બને છે. ઉદાહરણ તરીકે હાજી મહંમદ અલ્લારખિયા શિવજીએ ૧૯૧૬માં શરૂ કરેલું માસિક ‘વીસમી સદી’. તેના મૂળ સ્વરૂપમાં આ માસિક માંડ ચારેક વર્ષ ચાલ્યું. એ દરમિયાન તેની પાંચેક હજાર નકલ વેચાતી હતી. મુંબઇ અને ગુજરાતના વાચકવર્ગને ઘ્યાનમાં રાખતાં વેચાણનો આંકડો ઘણો ઓછો અને બિનપ્રભાવશાળી લાગે, પરંતુ ‘વીસમી સદી’ થકી ગુજરાતી વાચકોને લે-આઉટ, ડીઝાઇનિંગ અને આકર્ષક સચિત્ર રજૂઆતનો પરિચય થયો, તો ગુજરાતી લેખકોને તેમની કદર જાણે અને લાડ લડાવે એવો તંત્રી મળ્યો.
http://www.gujarativisamisadi.com/ |
વ્યાવસાયિક દૃષ્ટિએ ‘વીસમી સદી’ નિષ્ફળ ગણાય, પણ ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક વારસામાં તે મોખરાનું સ્થાન ધરાવે છે. તેની ગુણવત્તામાંથી પ્રેરણા લઇને અમદાવાદમાંથી રવિશંકર રાવળે ‘કુમાર’, કલકત્તાથી ચાંપશીભાઇ ઉદ્દેશીએ ‘નવચેતન’ અને મુંબઇથી કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત’ જેવાં સામયિકો ગુજરાતી વાચકોને આપ્યાં. આ સામયિકો પણ કંઇ હજારોની સંખ્યામાં ખપતાં ન હતાં. છતાં, તેમનું ચિરંજીવ મૂલ્ય એવું કે ‘વીસમી સદી’ અને ‘કુમાર’ એ બન્ને સામયિકોના તમામ જૂના અંક નવી પેઢીના વાચકો-અભ્યાસીઓ માટે ડિજિટલ સ્વરૂપે (વેબસાઇટ પર અને સીડી અવતારમાં) ઉપલબ્ધ બન્યા છે.
આ બધાં સામયિકોથી પહેલાં ઇચ્છારામ સૂર્યરામ દેસાઇએ ૧૮૮૦માં ‘ગુજરાતી’ સામયિક કાઢ્યું ત્યારે પહેલા ચાર મહિના પ્રચાર માટે સામયિકની આશરે બે હજાર નકલો મફત વહેંચ્યા પછી, તેને માંડ ૧૪૫ ગ્રાહકો મળ્યા હતા. ધીમે ધીમે વેચાણ વઘ્યું. ૧૮૮૪માં ૧૭૫૦ નકલ, ૧૮૯૫-૯૬માં ૩ હજાર નકલ અને પાંચ આંકડામાં વેચાણ પહોંચતાં ૧૯૧૩-૧૪નું વર્ષ આવી ગયું. ત્યારે એનો ફેલાવો ૧૧,૫૦૦ નકલનો હતો અને ૧૯૨૦-૨૧માં તે ૧૯ હજાર નકલે પહોંચ્યો.
(સંદર્ભઃ ‘જીવનમાઘુરી’ ઓગસ્ટ, ૧૯૬૧ના અંકમાં ત્રિભુવન વીરજીભાઇ હેમાણીનો લેખ ‘સામયિક પત્રોનો ફેલાવો’)
ખરો પડકાર શરૂઆતનો કપરો કાળ પસાર કરવાનો હોય છેએ ખરું. સાથોસાથ, કડવી હકીકત એ પણ છે કે ‘ગુજરાતી’ના વેચાણની બરાબરી વીસમી સદીનું ભાગ્યે જ કોઇ સાહિત્યિક સામયિક કરી શક્યું હશેઃ બચુભાઇ રાવતનું ‘કુમાર’ કે ઉમાશંકર જોષીનું ‘સંસ્કૃતિ’ જેવાં બહુપ્રતિષ્ઠિત સામયિકો પણ નહીં. ૧૯૭૯માં ‘સંસ્કૃતિ’નું લવાજમ ભરનારા માંડ ચારસો હોવાનું નોંધાયું હતું. તેમાં સંચાલકોનો-તંત્રીઓનો-સંપાદકોનો દોષ કેટલો અને પ્રજાકીય માનસિકતા કેટલી જવાબદાર, તે અલગ ચર્ચા અને વિચારનો વિષય છે.
સારું-ગુણવત્તાસભર સામયિક કાઢવું એ આજકાલથી નહીં, પહેલેથી ખોટનો ધંધો મનાયો છે. એટલે જ તેના સંચાલનને લગતી બાબતો, સંચાલકો-તંત્રી-સંપાદકોની માનસિકતા, તેમનાં મૂલ્યો-વિચારસરણી-સંઘર્ષ જેવી બાબતો છેવટે વ્યક્તિગત કે સંસ્થાગત ન બની રહેતાં, ગુજરાતના સાંસ્કૃતિક-સાહિત્યિક ઇતિહાસનો હિસ્સો બને છે. એવા ઇતિહાસનું ભાગ્યે જ થતું દસ્તાવેજીકરણ ‘બુંદ બુંદની સૂરત નિરાલી’ (પાર્શ્વ પબ્લિકેશન)માં જોવા મળે છે. રમણ સોની અને કિશોર વ્યાસ દ્વારા સંપાદિત આ પુસ્તકમાં સામયિકની સંપાદનપ્રક્રિયા, તેમાં સંપાદકની ભૂમિકા, નિસબત, સંપાદક-લેખક વચ્ચેના સંબંધો, સામયિક સાથે ગ્રાહકોના સંબંધો, સામયિકોને નડતી સમસ્યાઓ જેવા અનેક વિષયો અંગેનાં અવતરણો, ખડકલો કરીને નહીં પણ સૂઝપૂર્વક-આયોજનપૂર્વક, મૂકવામાં આવ્યાં છે. તે વાચકોને છેલ્લી એક-દોઢ સદીનાં સામયિકો અને તેના સંચાલકોના આંતરિક જગતમાં મજેદાર સફર કરાવે છે. ઉપરાંત, વર્તમાન સ્થિતિ સાથે એ જમાનાની સરખામણીની તક પણ પૂરી પાડે છે.
‘હમણાંહમણાં દરેક જણને કવિ થવાનું મન થાય છે. પરિણામે કુંવાડીઆના જેટલો કવિતાનો કચરો ફૂટી નીકળે છે...’ આવું આપણને અત્યારે લાગતું હોય, પણ ‘સાહિત્ય’ માસિકના તંત્રી મટુભાઇ કાંટાવાળાએ છેક ૧૯૧૬માં આ વાક્યો લખ્યાં હતાં. રવીન્દ્રનાથ ટાગોરના (આગળ જતાં નોબેલ પારિતોષિક મેળવનાર) કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’નો અનુવાદ જેમને બહુ રુચ્યો ન હતો એવા મટુભાઇએ ‘સાહિત્ય’ના ડિસેમ્બર, ૧૯૧૬ના અંકમાં લખ્યું હતું, ‘હાલમાં માસિકોની સંખ્યામાં ગભરાટ ફેલાય તેટલો બધો વધારો થતો જાય છે. કોઇને એક ક્ષણ એમ લાગે કે મારે તંત્રી થવું- અગર કોઇનો લેખ એકાદ વર્તમાન માસિકે લેવાની ના પાડી એટલે થઇ ચૂક્યો નવા માસિકનો જન્મ...તંત્રી, પ્રકાશક, વ્યવસ્થાપક, પ્રૂફરીડર, જાહેરખબરના મેનેજર, કારકુન બઘું શ્રીયુત પોતે, એટલે કામ કેવું થાય એ વિચારી જોવું મુશ્કેલ નથી...’
સામયિકોની ગુણવત્તા વિશેની ચિંતા એકાદ સદી દરમિયાન અવિરત ચાલતી રહેલી પ્રક્રિયા છે. ‘નવચેતન’ તંત્રી ચાંપશીભાઇ ઉદ્દેશીએ લખ્યું હતું, ‘સાહિત્યજગત કે સામયિકોનાં પૃષ્ઠો એ કંઇ ઊગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી. એ તો છે જ્યાંથી પ્રજાને કંઇક અનુભવ-નવનીત લાધે એવાં પવિત્ર યાત્રાધામો. એ તો છે પ્રજાને દોરવણી આપવા માટેનાં અમૂલ્ય સાધનો. એ સાધનોને અધકચરી દશામાં કે પ્રયોગદશામાં સર્જાયેલાં સર્જનોથી નિર્બળ અને નિર્માલ્ય બનાવી, એ રીતે સાહિત્યનું અને પરિણામે પ્રજાનું ધોરણ નીચે લઇ જવું એ એક પ્રકારનું અતિસૂક્ષ્મ અને નૈતિક પાપ જ છે, એવી મારી માન્યતા છે.’
સામયિકોના આડેધડ નીકળતા દિવાળી અંકો અને ખાસ અંકો માટે ઝવેરચંદ મેઘાણીએ છેક ૧૯૪૭માં બળાપો કાઢ્યો હતો,‘વાર્ષિકોને માટે જાહેરખબરો? કે જાહેરખબરોને માટે વાર્ષિકો? વર્ષાંકો કાઢવાની પ્રથા પાછળ પ્રેરણા કઇ છે એ તપાસીએ તો ત્રાસી ઊઠીશું...મોટાં નામોની મીઠાશને માટે હવે સમય જતો લાગે છે. વાચકસમૂહને નામોના કરતાં વાચનસામગ્રીના ગુણને, એની એકઘ્યેયતાને માગતો ન કરી શકાય? કે પછી ખરું જોતાં વાર્ષિકોનો ખરીદદાર પણ દિવાળીના ટેટા, ફટાકિયા, લવંગિયા, ભંભોટિયા વગેરેની જોડે એકાદ અંક પણ ખરીદી લેવાની પ્રથાને જ ભજે છે?’
ટકી રહેવા માટે, ગ્રાહકો મેળવવા માટે સામયિકોનાં તરફડિયાં કરૂણ વાસ્તવિકતાનો ચિતાર આપે છે. વિજયરાય વૈદ્યે ‘માનસી’ શરૂ કર્યા પછી મફત નકલની અપેક્ષા રાખનારા લોકોને ઉદ્દેશીને લખી દીઘું હતું, ‘મેં મારું લવાજમ આજરોજ ભરી દીધું છે. જેનો અર્થ એ કે મારા એકએક મિત્રે, હિતેચ્છુએ અને મુરબ્બીએ પોતપોતાના પાંચ રૂપિયા મારા તર્ફની પ્રત્યક્ષ અંગત વિનંતીની રાહ જોયા વિના સત્વરે મોકલવા કૃપા કરવી. માનસીની ભેટનકલ મને પણ મળવાની નથી.’ (સપ્ટેમ્બર, ૧૯૩૮)
આવી જ સમસ્યા ગુજરાતના પહેલા મુખ્ય સામયિક ‘બુદ્ધિપ્રકાશ’ને પણ નડતી હતી. તેના જૂન, ૧૮૮૬ના અંકમાં ઠપકાના સૂરમાં જાહેરાત કરવામાં આવી હતી, ‘ચાલતા વર્ષના છ માસ થયા છતાં કેટલાક ગ્રાહકોનું લવાજમ હજુ સુધી આવ્યું નથી. તેમને વિનયપૂર્વક જણાવવામાં આવે છે કે આ અંક પહોંચેથી તુરત તે મોકલી દેવા મહેરબાની કરશો. દોઢ- પોણા બે રૂપિયા માટે વારેવાર ઉઘરાણી કરવી એ સજ્જનોને ઘટારત નથી.’
ઝઝૂમતાં સામયિકો આખરે બંધ થાય ત્યારે તેના તંત્રી-સંપાદકો કે બીજા વિદ્વાનોની જુદી જુદી પ્રતિક્રિયા જોવા મળતી હતી. પુસ્તકોની સમીક્ષાનું સામયિક ‘ગ્રંથ’ બંધ થયું એ વિશે ભોળાભાઇ પટેલે લખ્યું હતું, ‘ગ્રંથની જ્યારે સૌથી વધારે જરૂર છે ત્યારે ગ્રંથ હવે બંધ થાય છે...‘ગ્રંથ’ તો બંધ થાય છે, ગુજરાતના સારસ્વત સમાજની ઉદાસીનતાભરી વૃત્તિથી. ગુજરાતમાં કેટલી કોલેજો છે, કેટલી શાળાઓ- ઉચ્ચ માઘ્યમિક શાળાઓ છે, કેટલાં જાહેર ગ્રંથાલયો છે...ગુજરાતી શીખવતા અઘ્યાપકોની સંખ્યા પણ હજારે પહોંચવા થાય. આ સૌ પણ ઉત્તરદાયી છે, ગ્રંથ બંધ થાય છે તેમાં.’
પરંતુ ‘સંસ્કૃતિ’ના તંત્રી ઉમાશંકર જોશીએ પૂર્ણાહુતિ વિશેષાંક (૧૯૮૪)માં જુદો અભિગમ વ્યક્ત કર્યોઃ ‘આ જાતનાં (‘સંસ્કૃતિ’ જેવાં સામયિકો ચલાવનારા પ્રત્યે દયા દાખવવાની- ખાસ કરીને સામયિક દુર્બળ થાય કે બંધ થાય ત્યારે- એક રસમ પડી ગઇ છે...ગુજરાતને બેકદર શી રીતે કહીએ?..આપણે ગુજરાતમાં ભણતર કેટલું વિસ્તાર્યું છે? અને આવા વિષયમાં રસ લેનારાઓ ઓછા જ હોય. રસ હોય છતાં ખરીદશક્તિ ન હોય એવું પણ બનવાનું...આપણને ગુજરાત કહેવા આવ્યું નથી, સ્વેચ્છાએ આપણે આવી પ્રવૃત્તિ ઉપાડી, પછી પ્રજાને દોષ દેવાપણું ક્યાં રહ્યું?..’
Bachubhai Rawat/ બચુભાઇ રાવત |
ગણેશ દેવીએ ગુણવત્તાનો મુદ્દો આગળ ધરીને કહ્યું હતું, ‘લધુ સામયિકો (લીટલ મેગેઝિન્સ) અલ્પજીવી હોય તે જ સારું. શરૂઆતનો ઉત્સાહ ઓછો થયા પછી સામયિકને થાક લાગે છે અને આવાં થાકેલાં સામયિકો પાસેથી વાચકોને કશું નવું મળતું બંધ થાય છે. એથી સેતુ બંધ થવાનો મને ખેદ નથી.’
ઓછા ફેલાવા છતાં ‘કુમાર’ નવી પેઢીઓનું ઘડતર કરનારું બની રહ્યું, તેનું મુખ્ય કારણ હતું : તંત્રી બચુભાઇ રાવત. તેમની સજ્જતા અને અપેક્ષા વિશે વાસુદેવ મહેતાએ લખ્યું હતું,‘તંત્રી-સંપાદકનં બઘું કામ બચુભાઇ પોતે કરતા. મદદ કોઇ શિખાઉ લેખક જેવા પાસેથી હાથ-પગ હલાવવા પૂરતી જ લે. એવા માણસની જગ્યા ખાલી પડે ત્યારે મેં ઉમેદવારી કરી. બચુભાઇએ મને ટપાલ લખી કે રૂબરૂ મળવા આવો ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલના જીવન વિશે લખવા માટે જે-જે પુસ્તકોની જરૂર પડે તેની યાદી લેતા આવજો. એ જોયા પછી નોકરીની વાત. આટલી સજ્જતા આજે રીસર્ચમાં પણ કદાચ નહીં માગતા હોય.’
આવાં સામયિકો બંધ થયાનો વસવસો કરીને બેસી રહેવાને બદલે, તેમના તરફથી જેટલું ઉત્તમ મળ્યું તેનો ઓચ્છવ કરવો અને તેને ભાવિ પેઢી સુધી પહોંચાડવું, એ પણ કોઇ સારું સામયિક કાઢવા જેવું જ ઉમદા કામ નથી?
સારો લેખ.સારી માહિતી.શું લાગે છે આજે કોઇ સાહિત્યિક સામાયિક કાઢીએ તો ચાલે કે નહીં- ઉર્વિશભાઈ-?
ReplyDeleteઅફસોસ--સદ અફસોસ.
ReplyDeleteછેલ્લા એકાદ વર્ષથી ગુજરાતી સામયિકોની ‘અંતર્યાત્રા’માં જોડાવાનું સદભાગ્ય મળ્યું છે એટલે આ લેખ વિશેષ ગમ્યો! ભૂતકાળના આ સંદર્ભને વર્તમાન સાથે સરખાવી શકાય એટલા પૂરતું, ‘સાયબરસફર’ની મેગેઝિન તરીકેની આઠ-દસ મહિનાની સફરના અનુભવો, ટૂંકા મુદ્દા રૂપે અહીં મૂકું છુંઃ
ReplyDeleteમેગેઝિન શરૂ કરવું અને ચલાવવું બંને તદ્દન અલગ બાબત છે!
સ્ટોલ પર મેગેઝિન વેચતા ડિસ્ટ્રિબ્યુટર્સની દૃષ્ટિએ મેગેઝિન સામિયક નહીં પણ ‘માલ’હોય છે અને એમનું વેપારીગણિત (એમની દૃષ્ટિએ સાચું હોય તો પણ) કોઈ નવા મેગેઝિનને કોઈ રીતે ટેકો મળી શકે એવું હોતું નથી.
નાના પાયે મેગેઝિન ચાલુ કરવું હોય તો જાહેરાત મળવી શક્ય નથી, સ્ટોલ પર છૂટક વેચાણ પરવડે તેમ હોતું નથી એટલે લવાજમની આવક એ એક માત્ર આધાર હોય છે.
લવાજમ મેળવવા માટે લોકોને ખબર પડવી જરૂરી છે કે આવું કોઈ મેગેઝિન છે, જાહેરાત કરવાના અત્યારના કોઈ વિકલ્પ નાના મેગેઝિનને પોસાય તેવા હોતા નથી.
લવાજમ ઉઘરાવીને મેગેઝિન બંધ થઈ જવાના કિસ્સાઓથી લોકો એટલા દાઝ્યા છે કે આખા વર્ષનું લવાજમ ભરતાં સો વાર વિચાર કરે છે.
આવી તદ્દન નિરાશાજનક, પણ નરી વાસ્તવિકતા વચ્ચે, ‘સાયબરસફર’જે સદભાગ્ય સાંપડ્યું છે એની ખાસ વાત કરવી છે...
માત્ર કન્ટેન્ટના જોરે સામયિક ચલાવી શકાય છે એવો ‘સફારી’નો દાખલો નજર સામે હતો.
‘સાયબરસફર’ને ચાર વર્ષથી ચાલતી સાપ્તાહિક કોલમ અને વેબસાઇટનો મોટો આધાર મળ્યો.
સામયિક પ્રકાશન (વેચાણ નહીં!)નાં દરેક પાસાંની વ્યક્તિગતક્ષમતાને કારણે ‘સાયબરસફર’માટે એ ખર્ચ માત્ર સમયનું રોકાણ બન્યો.
મેગેઝિન લોન્ચ થયા પહેલાં, સાવ કોરાં પાનાંની, અત્યારના સ્વરૂપ કરતાં અડધી સાઇઝની ડમી જોઈને પણ લોકોએ લવાજમ ભર્યાં, એના મૂળમાં મને બે જ વાત લાગે છે, આ વિષયની જરૂરિયાત અને ચાર વર્ષમાં કેળવાયેલો વિશ્વાસ.
કોઈ અપેક્ષા વિના, માત્ર મૈત્રીભાવ, ભાષા/વિષયપ્રેમ અને નવા સામયિકસાહસમાં શક્ય એટલો ટેકો આપવાની ભાવનાથી સામયિકમાં અમૂલ્ય યોગદાન આપનારા ઉર્વીશ જેવા મિત્રોનો સાથ મળ્યો.
બહુ નિકટતમ મિત્રોએ (યાદી લાંબી છે!) પણ ધરાર લવાજમ ભર્યાં છે.
મિલાપ ઓઝા, જયકિશન લાઠીગરા, મૃગેશ જાની જેવા ટેકનોલોજી જાણતા મિત્રોએ એમની રીતે અસાધારણ મદદ કરી છે - કોઈ અપેક્ષા વિના.
નવી ટેક્નોલોજીની સમજ અને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા ‘સાયબરસફર’પાસે હતી/છે, બધાને આ લાભ હોતો નથી.
મિત્રો તો ઠીક, તદ્દન અજાણ્યા લોકોએ લવાજમ કરતાં વધુ રકમના ચેક મોકલ્યા છે, કોઈ અપેક્ષા વિના.
સંખ્યાબંધ વાચકોએ લવાજમ સાથે બીજાં જે કોઈ પ્રકાશન હોય એ મોકલી આપવા (કે ભવિષ્યમાં કરો ત્યારે મોકલી આપજો) કહીને વધુ રકમના ચેક મોકલ્યા છે.
સમજી શકાય એવાં કારણોસર ‘સાયબરસફર’ને દિલ્હીથી જરૂરી લાયસન્સ મળવામાં વિલંબ થાય છે, એને કારણે લવાજમધારકોને અંક મોડા મળતા હોવા છતાં, લગભગ તમામ વાચકોએ ગજબનો સહયોગ આપ્યો છે
વડોદરાથી માત્ર લવાજમ ભરવા માટે અમદાવાદનો આંટો ખાનારા લોકો પણ છે!
‘મેગેઝિન ચલાવવું એ વાઘની સવારી કરવા જેવું છે, ઉપર રહી શકાય નહીં અને ઉતરી પણ શકાય નહીં’ એવી સલાહની સાથોસાથ, ભવિષ્યમાં આર્થિક જરૂર ઊભી થાય તો ચિંતા કરશો નહીં, ‘અમે બેઠા છીએ’એવો સધિયારો આપનારા લોકો (પોતે મોટા બિઝનેસમેન ન હોવા છતાં) પણ મળ્યા છે.
જેમાં સ્પષ્ટપણે વધુ આવક અને સ્થિરતા છે એવા મૂળ કામના ભોગે આ સાહસ કર્યું હોવા છતાં શક્ય એટલી મદદ માટે સતત તત્પર અને સંપૂર્ણ સંતોષી પરિવારનો સાથ.
જો આ બધી બાબતોનો સાથ હોય અને માત્ર આર્થિક હેતુ ન હોય તો પોતાનું સામયિક શરૂ કરવા જેવી મજા ભાગ્યે જ બીજી કોઈ વાતમાં હશે, કેમ કે લેખન-સર્જનનો સંતોષ તો ઠીક, જાણ્યા-અજાણ્યા લોકોના મનમાં આપણને કેવુંક સ્થાન મળ્યું છે એ આવું કંઈક કરવાથી જ સમજાય છે!
@rajubhai: if it's not our bread & butter, yes. Kikani's reflections gives some of the answers.
ReplyDeleteઆજે અથવા ગઇકાલે કોઇપણ સામયિક બંધ પડવા માટે કારણો તો ઘણાં હોઇ શકે. ક્યારેક સંછાલન મંડળ તેની આર્થિકવ્યવસ્તાને પોષણ ક્ષમ બનાવામાટે સક્ષમ ન હોય કે ક્યારેક સંચલકની પોતાની સર્જન શક્તિની ઓટ આવે ત્યારે સમગ્ર પ્રકિયાને સંભાળી લેનાર વૈકલ્પિક વ્ય્વસ્થા તૈયાર ન હોય તેવું બનતું વધારે જોવા મળ્યું છે, ખાસ કરીને જે સામયિકો ચલાવવા પાછળ વ્યાવસાયિક દ્રષ્ટિકોણ ન હોય.
ReplyDeleteબાકી જે વાચક વર્ગને ઉદ્દેશીને સામયિક પ્રકાશિત કરવામાં આવતું હોય તેમના સુધી પહોંચવા માટે આજના યુગમાં ડીગીટલ ટેક્નોલોજીનો સમુચિત ઉપયોગ કરીને કે કોઇ અન્યને સામયિકના હક્કો વેંચી દઇને (દા.ત. રીડર્સ ડાઇજેસ્ટ)ને સામયિકની આવરદાને લંબાવી શકવાના વૈકલ્પિક રસ્તાઓ જરૂર મળી રહે.સફળ માર્કેટીંગનાં અને પેઢી દર પેઢી સંચાલનનું આયોજિત હસ્તાંતરણનું ઉદાહરણ 'ચિત્રલેખા' છે,તો તે સંસ્થાનાં જ એક સમયનાં માતબર સામયિકો - "જી" અને "બીજ"-નાં આયોજિત અવસાન સંચાલકોની વ્યાવસાયિક કુનેહનું ઉદાહરણ ગણી શકાય.
'કુમાર' અને 'વીસમી સદી'ના અંકોનું ડીજીટલ સંસ્કરણ થયાનું જાણીને આનંદ જરૂર થાય, પણ તેને મેળવવામાટે જો તે સામયિકોનાં દફતરે જવું પડે તો જ તે સીડી મળી શકે તેમ હોય, તો તે માત્ર અર્ધું જ કામ થયું ગણાય.
વીસમી સદીની વેબસાઇટનું સરનામું તેના કવરના ફોટાની સાથે જ મૂક્યું છે. કુમારનો સીડી-સેટ તેની ઓફિસ પરથી મળે છે.
ReplyDeletebahu aanand sathe kahu chhu...aapanna sahitya varasa ne jivant rakhavano aa prayas...
ReplyDeletekhub khub abhinandan sau ne...rajesh patel