મુંબઇ પરના ત્રાસવાદી હુમલાનો એક આરોપી ગયા અઠવાડિયે (સાઉદી અરબસ્તાનના સહકારથી) ઝડપાયો. તેનું નામ: ઝબિઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ હમ્ઝા ઉર્ફે અબુ જંદલ. પરંતુ પ્રસાર માઘ્યમોમાં તેનો ઉલ્લેખ જિંદાલ, જુંદાલ, જુંદલ જેવાં જુદાં જુદાં નામે થતો રહ્યો છે. અપરિચિત ભાષા કે પ્રદેશનાં નામોના સાચા ઉચ્ચારનું કામ થોડો પ્રયાસ માગી લે એવું હોય છે. એમાં પણ અંગ્રેજી સ્પેલિંગનો સહારો લીધો તો ખલાસ. ભૂલ પડવાની પૂરેપૂરી સંભાવના. અંગ્રેજી Jundal ના આધારે ઉચ્ચાર કરવા જતાં જુંદાલ કે જુંદલ થાય એમાં શી નવાઇ? ‘બ્રેકિંગ ન્યૂઝ’ના યુગમાં ચેનલો અને તેમના વાદે બીજાં પ્રસાર માઘ્યમો ‘અમે બોલીએ તે સાચું’- એવો સાદો નિયમ અપનાવે એટલે ગુંચવાડા ઓર વધે. પરંતુ અરબી શબ્દોની બાબતમાં અમેરિકનો કરતાં વધારે પરિચિત એવા ભારતીયો ધરાર ખોટાં ઉચ્ચારણ કરે ત્યારે થોડી ચચરાટી થાય.
શેક્સપિયરને ટાંકીએ નહીં, તો પણ બધા જાણે છે કે જંદલને બદલે જિંદાલ થઇ જાય તેથી એના ગુનાની ગંભીરતામાં કશો ફરક પડતો નથી. પરંતુ આરોપી ખતરનાક પ્રકારના ત્રાસવાદી હુમલા સાથે સંકળાયેલો હોય ત્યારે, એકંદર ચીવટના ભાગરૂપે નામ અંગે થોડી ચીકાશ કરવાનું લાજિમ છે. (ગુજરાતી ભાષામાં ભળી ગયેલા અરબી શબ્દ ‘લાજિમ’નો અર્થ છેઃ છાજે એવું)
નામ અને અર્થ
અરબી શબ્દ ‘જંદલ’નો ગુજરાતીમાં અર્થ છેઃ મોટો પથ્થર, શિલા. ‘અબુ’ના ઘણા અર્થ છેઃ માલિક, પિતા, સાહેબ..ઉપરાંત તે પેગંબરસાહેબનું અને ચોથા ખલીફાનું પણ ઉપનામ છે. એટલે પોતાની ધાર્મિક કટ્ટરતા અને અડીખમપણું દર્શાવવા ઇચ્છતા ત્રાસવાદીઓને ઉપનામ તરીકે ‘અબુ જંદલ’ બહુ અનુકૂળ લાગે છે. એવી જ રીતે, ‘હમ્ઝા’નો અર્થ છેઃ સિંહ, વાઘ. એટલે ઓસામાના બોડીગાર્ડથી માંડીને અનેક પ્રકારના ત્રાસવાદીઓનાં વધારાનાં નામ એકસરખાં (અબુ જંદલ કે અબુ હમ્ઝા) કેમ હોય છે, તે સમજી શકાય એવું છે.
અબુ જંદલની ધરપકડ પછી ‘લશ્કરે તોઇબા’ના પ્રચલિત નામે ઓળખાતું ત્રાસવાદી સંગઠન ફરી ચર્ચામાં આવ્યું છે. તેનું અસલી નામ શું હોઇ શકે? અરબીમાં ‘તૈયબ’ એટલે પવિત્ર. દુનિયાભરની ત્રાસવાદી કાર્યવાહી કરનાર ટુકડીએ પોતાનું નામ રાખ્યું છેઃ પવિત્ર સૈન્ય- લશ્કરે તૈયબ. તેમનાં કારનામાંથી પવિત્રતાની વ્યાખ્યા બદલાઇ જતી હોય તો એમાં ખુદ એમના સિવાય બીજા કોનો વાંક કાઢી શકાય?
એવાં બીજાં કેટલાંક ત્રાસવાદી સંગઠનોનાં મૂળીયાં પણ ધર્મ અને ધાર્મિકતાની તેમની (ખોટી) સમજણમાં રહેલાં છે. જેમ કે, ‘હિઝ્બુલ મુજાહિદીન’. હિઝ્બ એટલે પક્ષ (પાર્ટી) અને મુજાહિદ એટલે વિધર્મી સાથે યુદ્ધ કરનાર, પરાક્રમી. તેનું બહુવચન છે મુજાહિદીન.
‘જૈશે મહંમદ’નો અર્થ છે મહંમદ (પેગંબર)ની ફોજ. પરંતુ મહંમદ પેગંબરની અસલી ફોજ નિર્દોષોની હત્યા કરવાનું ને આતંકવાદ ફેલાવવાનું કામ કરતી ન હતી, જ્યારે આઘુનિક જૈશે મહંમદ સત્તાધીશો અને ધર્મઝનૂનીઓના ઇશારે કંઇ પણ કરતાં ખચકાતી નથી.
કાશ્મીરના ત્રાસવાદના સંદર્ભે ‘હરકત-ઉલ-અંસાર’ અને ‘અલ બદ્ર’ જેવાં સંગઠનોનાં નામ એકાદ દાયકા પહેલાં ઘણાં પ્રચલિત હતાં. અરબીમાં ‘અલ’ અંગ્રેજી આર્ટિકલ the ની જેમ વપરાય છે.(દા.ત. અલ-મસ્ત એટલે નશામાં-મોજમાં મસ્ત હોય એવું.) બદ્રનો સંદર્ભ ઇસ્લામના ઇતિહાસમાંથી મળે છે. ઇસ્લામની સ્થાપના થયાનાં ૧૩ વર્ષ પછી મક્કાના રૂઢિચુસ્ત કુરેશીઓ અને પેગંબરસાહેબની ફોજ વચ્ચે બદ્રની ખીણમાં યુદ્ધ થયું હતું. ઇસ્લામનું તે પહેલું ધર્મયુદ્ધ ગણાય છે. એટલે નવા જમાનામાં, પોતાની રૂઢિચુસ્ત-ઝનૂની સમજણ પ્રમાણે ‘ધર્મયુદ્ધ’ કરનારું સંગઠન એટલે અલ બદ્ર.
‘હરકત’ એટલે હિલચાલ અને ‘નસ્ર’ એટલે મદદ. નસ્રનું બહુવચન થાય છે અંસાર. ઇસ્લામમાં ‘અંસાર’નો અર્થ છે પેગંબરસાહેબને મદદ કરનાર. મહંમદ પેગંબર મક્કા છોડીને મદીના ગયા ત્યારે તેમને અને તેમના સાથીદારોને પોતાના ઘરમાં આશ્રય આપનારા ‘અંસાર’ તરીકે ઓળખાયા. પરંતુ હરકત-ઉલ-અંસાર માટે ‘હરકત’ શબ્દનો બીજો અર્થ (અડચણ, રુકાવટ) વધારે લાગુ પડે એવો હતો.
ઓસામા જીવતો હતો ત્યારે તેનાં ઓસ્મા કે ઉસામા જેવાં નામ પણ પ્રચલિત હતાં. એ અરસામાં પાકિસ્તાનની પ્રખ્યાત ફિલ્મ ‘ખુદાકે લિયે’/ Khuda Ke Liyeના હીરોને ખોટા આરોપસર અમેરિકાની જેલમાં પુરવામાં આવે છે ત્યારે શરૂઆતના દિવસોમાં તે કોટડીની દીવાલો પર I Love USA લખે છે. પરંતુ તેની નિર્દોષતાને કોઇ ગણકારતું નથી ત્યારે તે USA માં બે અક્ષર ઉમેરીને I Love USAMA કરી નાખે છે. હા, સાચો શબ્દ છેઃ ઉસામા. તેનો અર્થ પણ ‘હમ્ઝા’ જેવો જ થાય છેઃ સિંહ, વાઘ. (આ બન્ને પ્રાણીઓ માટે એક જ શબ્દ શા માટે વપરાતો હશે, એ વિશે જાણકારો પ્રકાશ પાડી શકે.)
ઇસ્લામના પવિત્ર પુરૂષ તરીકે ‘હજરત મહંમદ પેગંબર’ એ જાણે આખું નામ હોય એ રીતે જ મનમાં આવે છે. તેમાંથી ‘હજરત’ એ કોઇ પણ વ્યક્તિ માટેનું માનસૂચક સંબોધન છે અને ફારસી શબ્દ ‘પયગામ’ (સંદેશો) પરથી સંદેશો લાવનાર પયગામબર-પેગંબર તરીકે ઓળખાય છે. આ કિસ્સામાં પેગંબરનો અર્થ છેઃ દૈવી સંદેશો લાવનાર.
આ તો થઇ રૂઢ શબ્દો-નામ અને તેમના પ્રમાણમાં ઓછા જાણીતા અર્થની વાત. ફક્ત નામમાં આવી સ્થિતિ હોય, તો ધર્મના સિદ્ધાંતો કે દૈવી વાણીનાં અર્થઘટનોમાં કેટલી ‘વિવિધતા’ હશે, તે કલ્પી શકાય.
સગવડીયું અનર્થઘટન
હિંદુ-મુસ્લિમ ખટરાગ સંબંધે સૌથી વઘુ ચર્ચાસ્પદ શબ્દોમાંનો એક છેઃ કાફિર. કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો હિંદુઓને જ નહીં, ઉદારમતવાદી મુસ્લિમોને પણ કાફિર ગણતા હોય છે. આઝાદી પહેલાં મહંમદઅલી ઝીણા મુસ્લિમોના નિર્વિવાદ નેતા બન્યા ન હતા ત્યારે દિલ્હીના એક મુસ્લિમ આગેવાન હતાઃ હકીમ અજમલખાન. એક જમાનામાં દિલ્હી પ્રાંતની હિંદુ પરિષદના પ્રમુખ તરીકે પસંદ થયેલા હકીમસાહેબ સમક્ષ ગાંધીજીએ મુસ્લિમોના પ્રતિનિધિ બનવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે કહ્યું હતું,‘મુસલમાનોના પંચ તરીકે હું યોગ્ય નથી. તે મને માન્ય રાખે કે કેમ તેની મને શંકા છે...મુસલમાન પૈકી ઘણાઓએ મને ‘કાફર’નું ઉપનામ આપ્યું છે. (‘જીવનનાં ઝરણાં’, લેખકઃ રાવજીભાઇ પટેલ,બીજી આવૃત્તિ, ૧૯૫૯, પાના નં. ૨૭૭).
કાફરનો એક અર્થ અલ્લાહમાં ન માનનાર, વિધર્મી- એવો થાય છે. પરંતુ ઘણા ધર્મઝનૂનીઓ પોતાના જેવા અંધ ઝનૂની ન હોય એવા બધાને કાફર ગણી કાઢવા ઉત્સુક હોય છે. હકીકતમાં ‘કાફર’ શબ્દના બીજા અર્થ છેઃ ઇશ્વરે આપેલી બક્ષિસો બદલ તેનો આભાર ન માનનાર, સત્યને છુપાવનાર. સત્યને છુપાવનારને ‘કાફર’ ગણવામાં આવે તો ધર્મની ઓથ લઇને હિંસા-હિંસકતામાં રાચતા કેટલા બધા ધર્મઝનૂનીઓ પોતે એ અર્થમાં ‘કાફર’ પુરવાર થાય.
કાફર જેવો જ બીજો શબ્દ છેઃ જેહાદ. તેનો સીધોસાદો - અને ખોટો- અર્થ ‘બિનમુસ્લિમો સામેનું ધર્મયુદ્ધ’ એવો કરવામાં આવે છે અને એ ખોટા અર્થની રૂએ તમામ પ્રકારની ત્રાસવાદી કાર્યવાહીને ‘જેહાદ’ તરીકે ખપાવવાનો પ્રયાસ થાય છે. ઇસ્લામના ઐતિહાસિક ઘટનાક્રમ પ્રમાણે, શરૂઆતનાં વર્ષોમાં મક્કાના કુરેશીઓ તરફથી પેગંબરસાહેબના અનુયાયાઓને ઘણી કનડગત થતી હતી. નવા મુસ્લિમ બનેલા કેટલાક લોકો આ ત્રાસથી કંટાળીને પાડોશી દેશ ઇથિયોપિયા પહોંચ્યા. ત્યાંના ઉદાર ખ્રિસ્તી રાજાએ મુસ્લિમોને સમાવ્યા અને તેમને રક્ષણ આપ્યું. ધર્મના રક્ષણ ખાતર વતન છોડવાનું મુસ્લિમોનું આ પગલું ‘જેહાદ’ કહેવાયું. ‘જેહાદ’ શબ્દના અર્થ છેઃ ધર્મના નામે કોઇ પણ પ્રકારની કોશિશ કરવી- ગરીબોની સેવા, અનાથોનું પાલનપોષણ, નિયમિત નમાજ, દાનપુણ્ય વગેરે.
એ બધામાં સૌથી મોટી જેહાદ કઇ? ત્રાસવાદીઓનાં કરતૂત જોઇને એવું લાગે કે વિધર્મીઓની હત્યા કરવી, તેમની ભૂમિ પર ત્રાસવાદ ફેલાવવો અને ઇસ્લામના વિશ્વવિજયનાં સ્વપ્નાં જોવાં, એ જ સાચી જેહાદ ગણાતી હશે. પરંતુ હકીકત સાવ જુદી છે.
માણસ પોતાના મનોવિકાર અને ગુસ્સા પર વિજય મેળવે, તેને પેગંબરસાહેબે સૌથી મહાન જેહાદ (જેહાદે અકબર) ગણાવી છે. પોતાના રાજ્યમાં રહેતા ઇસ્લામવિરોધી ખ્રિસ્તીઓ સંબંધે હજરત પેગંબરના કેટલાક આદેશઃ તેમની સામે મુસ્લિમોએ હથિયાર ઉપાડવાં નહીં, બહારની કોઇ ખ્રિસ્તી સત્તા સાથે લડાઇ થાય ત્યારે આપણા દેશમાં વસતા કોઇ ખ્રિસ્તી સાથે, તે ફક્ત ખ્રિસ્તી છે એટલા કારણથી, અપમાનભર્યું વર્તન કરવું નહીં.
પોતાની જાતને ઇસ્લામના અનુયાયી ગણાવતા ઘણા લૂંટારા-હુમલાખોરોએ આખેઆખો ઇસ્લામ જાણે મૂર્તિઓ તોડવામાં સમાયેલો હોય, એવું વર્તન ભૂતકાળમાં કર્યું છે. પરંતુ હજરત પેગંબરે કરેલા મૂર્તિપૂજાના વિરોધ અને દયાનંદ સરસ્વતી જેવા સુધારાવાદીએ કરેલા મૂર્તિપૂજાના વિરોધમાં તાત્ત્વિક રીતે સામ્ય હતું. ઇસ્લામની સ્થાપના પહેલાં સદીઓથી મક્કામાં આવેલા કાબામાં જુદા જુદા આકાર અને પદાર્થોની બનેલી ૩૬૦ મૂર્તિઓ હતી. તેના કારણે આરબો વચ્ચે એકતા સ્થપાવાને બદલે કાયમ વિખવાદ અને અશાંતિ રહેતાં હતાં. પોતાનો સમાજ મૂર્તિપૂજામાં અટવાયેલો રહેવાને બદલે આગળ વધે એ હેતુથી પેગંબરસાહેબે મૂર્તિપૂજાની મનાઇ ફરમાવી. તેનો અર્થ ‘મુસ્લિમોએ દુનિયાભરનાં મંદિર-મૂર્તિ તોડી નાખવાં’ એવો કેવી રીતે થઇ શકે?
ઇ.સ.૬૨૯માં પેગંબરસાહેબ તેમના અનુયાયીઓ સાથે હજ કરવા મક્કા પહોંચ્યા ત્યારે ઇસ્લામ અને પેગંબર પ્રત્યે વેર રાખનાર કુરેશીઓ સાથે તેમની સુલેહ થઇ ચૂકી હતી. પેગંબરસાહેબ સહિત સૌ મુસ્લિમ અનુયાયીઓએ શાંતિપૂર્વક કાબાની પ્રદક્ષિણા અને બીજી રીતરસમો અદા કરી ત્યારે કાબામાં તમામ મૂર્તિઓ મોજૂદ હતી. મૂર્તિઓનું ખંડન બહાર નહીં, પણ પોતાના મનમાં કરવાનું હતું, જેથી અંધશ્રદ્ધા અને બાહ્યાચારમાંથી મુક્તિ મળે અને નિયંતા મનાતા એક જ ઇશ્વર-એક જ અલ્લાહમાં અનુયાયીઓનું ઘ્યાન પરોવાય.
- પરંતુ સત્તા અને રાજકારણ માટે ધર્મનો ઉપયોગ કરનારા લોકો તથા તેમનાં પ્યાદાં જેવા જંદલો, હમ્ઝાઓ અને તૈયબોને આ બધી વિગતો સાથે શી લેવાદેવા?
(ઇસ્લામ અને પેગંબરસાહેબ વિશેની માહિતીનો સંદર્ભઃ ‘હજરત મહંમદ અને ઇસ્લામ’ લેખકઃ પંડિત સુંદરલાલ, નવજીવન પ્રકાશન, પહેલી આવૃત્તિનું વર્ષ ૧૯૪૫, છેલ્લું પુનઃમુદ્રણઃ ૨૦૦૯)
ખુબ આભાર... ઘણા શબ્દોનો અર્થ જાણતો હતો, પણ ઘણાના અર્થ જાણવા મળ્યા... ૪ પત્નીઓ નું પણ ખોટુ અર્થઘટન થયેલ છે, ઍક સમય જ્યારે યુદ્ધમાં પુરુષો મૃત્યુ પામતા અન તેમની વિધવાઓને કોઈ સહારો ના રહેતો, તેવે સમયે પયગંબર સાહેબે તે વિધવાઓને સહારો આપવા બહુપત્નીત્વ ની વાત કરેલી, જે હવે જાણે ધારો થઈ ગયો છે....
ReplyDeleteTimely and super!
ReplyDeleteશ્રી ઉર્વીશભાઈ,
ReplyDeleteઅરબી ભાષાના શબ્દોના અર્થ સમજાવવાનો તમારો પ્રયાસ રસપ્રદ અને પ્રશંસનીય છે.સુંદરલાલજીનું પુસ્તક બહુ વર્ષો પહેલાં વાંચ્યું છે, એની યાદ તાજી થઈ.
પરંતુ 'જેહાદ' શબ્દને ઇથિયોપિયા જવાની ઘટના સાથે સંબંધ છે કે કેમ તે ફરી તપાસી લેશો? કારણ કે 'જેહાદ' (જિહાદ) એટલે પ્રયાસ કે મહેનત. આમાં 'જિહાદ-એ-અકબરી' એટલે મોટી જેહાદ અને 'જિહાદ-એ-અસગરી' એટલે નાની (અસગર એટલે કે તલવારથી થતી) જેહાદ છે. મોટી જેહાદ તો માણસે પોતાની જાતને સુધારવા માટે કરવાની છે.
પયગંબરસાહેબના અનુયાયીઓ તો થોડા હતા અને એમની બદ્ર. ખંદક, ઉહદની લડાઇઓ આત્મરક્ષણની હતી. પરંતુ એ પોતે બહુ સારા કમાંડર અને હ્યૂમન રિસોર્સ મેનેજમેન્ટના નિષ્ણાત હતા એટલે સફળ પણ રહ્યા. તે પછી મુસલમાનો જ્યાં લડે તેને પણ જેહાદ શબ્દ લાગુ કરવા લાગ્યા. ભાષાના શબ્દોના અર્થ આમ જ વિકસતા હોય છે.
અરબીમાં પણ સંસ્કૃતની જેમ જ એક શબ્દમાંથી અનેક શબ્દો બને છે. 'મ' ઉચ્ચારથી શરૂ થતા ઘણા ખરા શબ્દો વિશેષણ છે.જિહાદ પરથી મુજાહિદ શબ્દ બન્યો છે. ઇસ્લામ પરથી મુસ્લિમ,ઇન-આમ (ઇનામ) પરથી મુન-ઇમ(આપણો મુનિમ) અલ્લાહનું નામ છે. કરમ (દયા, કરુણા) પરથી મુકર્રમ જુર્મ પરથી મુજરિમ, ઇલ્ઝામ પરથી મુલ્ઝિમ, હમ્દ (સૌંદર્ય) પરથી મહમ્મદ, હમીદ, હા્મિદ વગેરે શબ્દો બન્યા છે. હિફ્લ પરથી મહેફિલ અને હિઝરત પરથી મુહાઝિર શબ્દ આવ્યો છે.
અબૂનો અર્થ બરાબર છે પણ ચોથા ખલીફા અલી માટે આ શબ્દ વપરાતો કે નહીં તે મને ખબર નથી. આમ તો પહેલા ખલીફાનું નામ જ અબૂ બક્ર હતું.
શ્રી વિશાલભાઈએ ચાર પત્ની વિશે જે કારણ આપ્યું છે તે સાચું છે. પરંતુ એકંદરે આરબો સ્ત્રીઓને પરણી લાવતા અને છોડી દેતા. પ્રોફેટે આના પર નિયંત્રણ મૂક્યું. વળી લડાઇમાં એમના અનુયાયીઓ માર્યા જાય તેમની પત્નીઓનું શુ? એટલે એકપત્નીત્વનો આદર્શ તો વ્યવહારમાં કામ આવે તેમ નહોતો. કુર-આનમાં કહ્યું છે કે પત્ની તો ભલે લાવો એક , બે, ત્રણ, ચાર..." પણ શરત એ છે કે બધા પ્રત્યે સમાનભાવે વર્તી શકો તો જ.
પયગંબરસાહેબે સ્ત્રી અને પુરુષ બન્ને છુટાછેડા લઈ શકે એવી વ્યવસ્થા કરી અને સ્ત્રીને સંપત્તિમાં ભાગ આપવાના નિયમ પણ બનાવ્યા. વળી, ઇસ્લામી લગ્ન કરાર હોવાથી લગ્ન વખતે જ તલાક વખતે પુરુષ શું આપશે તે પણ નક્કી કરી લેવાય છે, જેને મેહર કહે છે ( જો કે પુરુષો લગ્નની પહેલી રાતે જ આ મેહર ચુકવવામાંથી માફી લખાવી લેતા હોય છે! સમાજ તો પુરુષપ્રધાન છે ને!).
ટાણાસર વાત કરી, as usual...
ReplyDeleteજાણકારી વધારવા બદલ આભાર...
Urvishbhai, I salute you & your article. Really, its true.
ReplyDeleteHi Urvishbhai,
ReplyDeleteMay i know why my last comment under this article is yet not approved? i hope the reason isn't related to the content of the comment.
@kavan: sorry, i son't think i got it. pl. post it again.
ReplyDeleteGG
ReplyDeleteDear Urvish,
ReplyDeleteYour valued article will definitely lead to a healthy discussion on few answered and unanswered questions aroused out of misunderstanding, biases towards Islam.
Please give me a chance to give links of following Books in Gujarati for readers, which throws some important aspects and lights on interpretation of Islamic Bibilography of Jihad (which I would definitely try within a week's time):
(1) Jihad ni Hakikat
(2) Islam ane Antakvad.
On same subject: Islamic Scholar Haroon Yahya's research on 'Islam Denounced Terrorism' could be helpful to readers for a better understanding through following link:
http://harunyahya.com/en/books/735/Islam_Denounces_Terrorism/chapter/1652
Besides, above various counter views could be discussed on the rise and reason of terrorism worldwide, penetrated in each religions. Definitely a healthy discussion would give us a chance to promote a healthy plural society to live with and without difference.
"Dining With Terrorists: Meetings with the World's Most Wanted Militants" by Phil Rees a BBC correspondent is a highly readable book giving you an idea why and how terrorism emerged.
ReplyDeleteઅક્ષરધામ, ગાંધીનગર માં આંતકવાદી હુમલો અને ૨૦૦૮ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ ની તપાસ સાચી દિશા માં યોગ્ય તપાસ થાય તે બહુજ અગત્ય નું છે. બંને બનાવો માં leads of logistic support મળે તો હકીકતો સામે આવી શકે છે.
ReplyDeleteમાનનીય અદાલતોને :
ReplyDeleteન્યાયિક પ્રક્રિયા દરમ્યાન, નમ્ર વિનંતી કે ૨ દુખદ બનાવો માં આંતકવાદી ના સાચા રંગ નું (લીલો, ભગવો, ખાખી, વાદળી અને સફેદ) પુત્થાકરણ થાય જેથી કરી ને કયા રંગ નું કેટલું ભાગ છે જેથી સાચા આંતકવાદીઓ ને સજા થાય અને અદાલત ની ગરિમા બરકરાર રહે.
જે પ્રકારે રાજ્ય માં આંતકવાદ નો અનુભવ થયો છે તેની સાચી રહે તપાસ બહુજ અગત્ય છે!?!?!?
બાકી ઈશ્વર પાતળું કાન્તે છે તેજ સાચું,
ઉર્વીશ ભાઈ, Big Thanks.
ReplyDeleteઆંતકવાદ ની પ્રક્રિયા, રંગ અને પદ્ધતિ સમજણ માટે નીચે ની લીનક મદદ રૂપ સાબિત થાય! અન્ય પદ્ધતિઓ વિષે વાંચકો ને sharing વિનંતી જેથી કરી ને વિષય વસ્તુ નો ખ્યાલ આવે:
http://www.epw.in/web-exclusives/malegaon-who%E2%80%99s-above-law.html
http://www..in/special-artepwicles/abhinav-bharat-malegaon-blast-and-hindu-nationalism-resisting-and-emulating-islamis
http://www.epw.in/perspectives/paradigm-shifts-rss-lessons-aseemanands-confession.html