દાદાસાહેબ ફાળકે/ dadasaheb phalke |
ભારતીય ફિલ્મઉદ્યોગનાં સો વર્ષ નિમિત્તે તેના આદિપુરૂષ તરીકે દાદાસાહેબ ફાળકેનું નામ ઘણી વાર યાદ કરવામાં આવ્યું. ‘રાજા હરિશ્ચંદ્ર’ (૧૯૧૩)થી શરૂ થયેલી ભારતીય ફિલ્મોની સફરના જાણીતા પડાવ વઘુ એક વાર અહેવાલોમાં ચમક્યા. પરંતુ પુરાણકથાના રાજા હરિશ્ચંદ્ર જેવી દાદાસાહેબ ફાળકેની સંઘર્ષકથા અને તેનો કરુણાંત મોટે ભાગે અજાણ્યા જ રહ્યાં છે.
ફિલ્મકાર દાદાસાહેબ- ઘુંડીરાજ ગોવિંદ- ફાળકેના ઘડતરમાં ગુજરાતનો, ખાસ તો વડોદરાનો, મોટો ફાળો હતો. જુવાનીનાં કિમતી ૧૬ વર્ષ (૧૮૮૫થી ૧૯૦૧) તેમણે વડોદરા અને ગોધરામાં ગાળ્યાં. અસલમાં તે ત્ર્યંબકેશ્વર-નાસિકના બ્રાહ્મણ (જન્મઃ ૩૦ એપ્રિલ, ૧૮૭૦), પણ તેમનો ઝોક કૌટુંબિક વ્યવસાય કરતાં કળા તરફ વધારે હતો. તેમના પિતાને નોકરી માટે મુંબઇ જવાનું થયું, એટલે દાદાસાહેબ પણ મુંબઇ ઉપડ્યા અને ત્યાંની જે.જે.સ્કૂલ ઓફ આર્ટ્સમાં એક વર્ષનો કોર્ષ કર્યો. એટલાથી સંતોષ ન થતાં, તે પહોંચ્યા વડોદરા. ગાયકવાડી રાજમાં, વિખ્યાત રસાયણશાસ્ત્રી ત્રિભુવનદાસ ગજ્જરના વડપણ હેઠળ સ્થપાયેલા ‘કલાભવન’માં તેમણે પાંચ વર્ષ અભ્યાસ કર્યો. એ જમાનામાં ‘કલાભવન’માં ચિત્રકળા ઉપરાંત ફોટોગ્રાફી અને લેબોરેટરીની સુવિધા હતી. ફાળકેએ તેનો બરાબર કસ કાઢ્યો. પહેલો સ્ટીલ કેમેરા પણ તેમણે વડોદરાનિવાસ દરમિયાન ૧૮૯૦માં ખરીદ્યો. એ વખતે તેમની ઉંમર હતીઃ વીસ વર્ષ.
કલાભવનમાં અભ્યાસ પૂરો થયા પછી તે વડોદરા રહી પડ્યા. થોડા સમય માટે ગોધરામાં ફોટો સ્ટુડિયો પણ કાઢ્યો. એ વખતે ઘણા લોકો માનતા હતા કે ફોટો પડાવવાથી જિંદગીનો થોડો હિસ્સો કેમેરા ખાઇ જાય છે. એટલે ફાળકેનો ધંધો ન ચાલતાં તે ફરી વડોદરા આવ્યા. એક જર્મન જાદુગર પાસેથી તાલીમ મેળવીને તેમણે જાદુના ખેલ પણ કર્યા. આ સમયગાળા વિશે આગળ જતાં તેમણે કહ્યું હતું, ‘એક સફળ ફિલ્મકાર બનવા માટે જરૂરી તમામ આવડતો મારામાં વિકસી, તેમાં વડોદરા અને કલાભવનનો ફાળો મહત્ત્વનો હતો.’
વડોદરા છોડ્યા પછી તેમણે પુરાતત્ત્વ વિભાગમાં ને રાજા રવિવર્માના પ્રેસમાં નોકરી જેવાં જુદાં જુદાં કામ કર્યાં. ૧૯૦૯-૧૦માં તેમણે પહેલાં પૂના અને પછી મુંબઇમાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. એ અરસામાં તેમને ફિલ્મ જોવાનો પ્રસંગ પડ્યો. એ ફિલ્મ હતીઃ ‘લાઇફ ઓફ ક્રાઇસ્ટ’. ફિલ્મ જોઇને આશ્ચર્યચકિત-પ્રભાવિત થયેલા ફાળકેના મનમાં ચક્રો ચાલવા લાગ્યાં :‘આપણાથી આવી ફિલ્મ ન બને? આપણા ભગવાન વિશે આવી ફિલ્મ બનાવી હોય તો?’ ફિલ્મના માઘ્યમ વિશે તેમને કશી ખબર નહીં, પણ જ્યાંત્યાંથી મળ્યું એટલું સાહિત્ય વાંચી કાઢ્યું. પછી લાગ્યું કે ઇંગ્લેન્ડ ગયા વિના મેળ નહીં પડે. એટલે પોતાની જીવનવીમા પોલીસી પર રૂ.૧૦ હજારની લોન લઇને તે ઇંગ્લેન્ડ ઉપડ્યા. એ વખતે ચાલતા સામયિક ‘બાયોસ્કોપ’ના તંત્રીની ઓળખાણથી ફાળકેને ઇંગ્લેન્ડના વોલ્ટન સ્ટુડિયોમાં ફિલ્મ કેવી રીતે બને અને તેમાં કેવી પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે, તેનો અભ્યાસ કરવાની તક મળી. પહેલો મૂવી કેમેરા પણ ફાળકેએ ત્યાં ખરીદ્યો અને તેનો ટ્રાયલ લીધો.
તાલીમ અને કેમેરાથી સજ્જ ફાળકે ભારત પાછા તો આવ્યા, પણ પોતાની ફિલ્મ માટે નાણાં ધીરનાર ક્યાંથી શોધવા? અને તેમને પોતાની આવડતની ખાતરી શી રીતે આપવી? નમૂના ખાતર ફાળકેએ વટાણાના વૃદ્ધિ પામતા છોડનું દોઢ-બે મહિના સુધી તબક્કાવાર શૂટિંગ કર્યું અને તેની બે મિનીટની ડોક્યુમેન્ટરી બનાવી. તેમાં ફક્ત બે મિનીટમાં વટાણાનો છોડ મોટો થતો જોઇને લોકોને આશ્ચર્ય થયું અને ફાળકેની આવડત પર ભરોસો પણ પડ્યો. મિત્ર યશવંત નાડકર્ણીએ ફિલ્મ માટે રૂપિયા ધીરવાનું કબૂલ્યું. (જનીનશાસ્ત્ર-જિનેટિક્સ-ના ઉદ્ભવ અને વિકાસના પાયામાં પણ વટાણાના છોડ હતા. પાદરી ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડના અભ્યાસથી આનુવંશિકતાનાં લક્ષણો તારવ્યાં હતાં.)
સ્ટુડિયોની સ્થાપના ફાળકેએ પોતાના ત્રણ માળના ઘરમાં જ કરી. પહેલી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર વિશે બનાવવાનું નક્કી કર્યું. તેમાં હરિશ્ચંદ્રના પાત્ર માટે તો ડી.બી.ધાબકે મળી ગયા, પણ તારામતી કોણ બને? કોઠાવાળી બાઇઓ પણ એટલી ‘આબરૂદાર’ હતી કે તે ફિલ્મોમાં કામ કરવા તૈયાર ન થાય. છેવટે સાળુંકે નામના એક યુવાનને ફાળકેએ તારામતી બનાવ્યો. (એક કથા પ્રમાણે, ફાળકે હોટેલમાં ગયા ત્યારે તેમણે સાળુંકેને ત્યાં કામ કરતો જોયો. એટલે વધારે પગારની ઓફર આપીને તે ભારતની પહેલી ‘હીરોઇન’ને ખેંચી લાવ્યા.)
પહેલી ફિલ્મ હતી. એટલે ફિલ્મના ડાયરેક્ટર ઉપરાંત મેક અપ મેનથી એડિટર સુધી જે ગણો તે બઘું ફાળકે પોતે જ હતા. મહેનત અને ધીરજથી તેમણે છ મહિનામાં ૩૭૦૦ ફીટ લાંબી ફિલ્મ તૈયાર કરી. ફિલ્મના ટાઇટલ હિંદી અને અંગ્રેજી બન્ને ભાષામાં મૂકવામાં આવ્યા. એપ્રિલ ૨૧, ૧૯૧૩ના રોજ મુંબઇના ખાસ પ્રેક્ષકો માટે અને મે ૩, ૧૯૧૩ના રોજ સામાન્ય પ્રેક્ષકો માટે ‘રાજા હરિશ્ચંદ્ર’ના શો શરૂ થયા.
ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા હોય એવું માની લેવાની જરૂર નથી. આખી રાત ચાલતા અને પૈસાવસૂલ મનોરંજન આપતા નાટકની સરખામણીમાં ૪૦ મિનીટની ફિલ્મ જોવા માટે ટિકિટના ડબલ પૈસા કોણ ખર્ચે? શરૂઆતમાં ફિલ્મને મળેલો નબળો પ્રતિસાદ જોઇને ફાળકેએ ફિલ્મ પહેલાં ડાન્સના લાઇવ શો શરૂ કર્યા. યોગ્ય પ્રચારપ્રસાર માટે ફિલ્મનો ‘પ્રેસ શો’ રાખ્યો. લોકોને ૪૦ મિનીટ ઓછી લાગતી હતી એટલે ફાળકેએ પ્રચારમાં ફિલ્મની ફ્રેમની સંખ્યા ચમકાવવાનું શરૂ કર્યું : ‘૫૦ હજાર સ્ટીલ ફોટોગ્રાફ્સની બનેલી, રસ્તા પર પાથરો તો સળંગ બે માઇલ સુધી પહોંચે એટલી લાંબી ફિલ્મ.’
પ્રચારના નુસ્ખા ફળ્યા. ‘રાજા હરિશ્ચંદ્ર’માંથી ફાળકે કમાયા, પણ ફિલ્મોની કમાણી ફિલ્મોમાં નાખવાની વૃત્તિને લીધે એ કાયમી સુખસમૃદ્ધિ ન પામ્યા. ‘રાજા હરિશ્ચંદ્ર’ની સફળતા પછી તે મુંબઇને બદલે નાસિકમાં સ્થાયી થયા. કારણ કે ત્યાં જંગલ, નદી, ઐતિહાસિક સ્થળો જેવાં લોકેશન એકદમ હાથવગાં હતાં. તેમણે બનાવેલી ફિલ્મો ‘ભસ્માસુર મોહિની’ અને ‘સાવિત્રી સત્યવાન’ હિટ થઇ. ૧૯૧૮માં તેણે ભાગીદારીમાં ‘હિંદુસ્તાન ફિલ્મ કંપની’ સ્થાપી. તેની ફિલ્મો ‘કાલિયમર્દન’ અને ‘શ્રીકૃષ્ણજન્મ’ સફળતા પામી, પણ ખટરાગને કારણે ફાળકે કંપની છોડીને જતા રહ્યા. ૧૯૨૨માં તે કંપનીમાં ડાયરેક્ટર નહીં, પણ કેવળ ટેકનિકલ સલાહકાર તરીકે પાછા ફર્યા ત્યારે ફિલ્મોની નવાઇ ઓસરી ચૂકી હતી. બીજી કંપનીઓ પૂરા જોશથી ફિલ્મનિર્માણમાં ઝંપલાવી ચૂકી હતી. પહેલી ફિલ્મ બનાવવાનો જશ એની જગ્યાએ, પણ વ્યવસાયમાં તેનાથી ફાળકેને કશો ફાયદો થાય એમ ન હતો.
૧૯૩૧માં બોલતી ફિલ્મોનો યુગ શરૂ થયા પછી તેમણે બે ‘ટોકી’બનાવીઃ સેતુબંધન (૧૯૩૪) અને ગંગાવતરણ (૧૯૩૭). ૬૭ વર્ષની ઉંમરે હિંદી અને મરાઠી એમ બે ભાષામાં બનાવેલી ‘ગંગાવતરણ’ દાદાસાહેબ ફાળકેની છેલ્લી ફિલ્મ હતી.
'ગંગાવતરણ'માં ચિટણીસ અને લીલા મિશ્રા/ Chitnis & Leela Mishra in 'Gangavataran' |
દાદાસાહેબ ફાળકેની જન્મશતાબ્દિન નિમિત્તે ૧૯૬૯માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં ફિલ્મઉદ્યોગનું સર્વોચ્ચ સન્માન શરૂ કર્યું. નાસિકમાં દાદાસાહેબ ફાળકેનું સ્મારક પણ પાછલાં વર્ષોમાં ઊભું કરવામાં આવ્યું છે. ‘રાજા હરિશ્ચંદ્ર’ની ચારમાંથી બચેલી બે રીલ - ૧૧ મિનિટ, ૧૯ સેકન્ડની ફિલ્મ- હવે ‘યુટ્યુબ’ પર જોઇ શકાય છે. એ ફિલ્મ ૧૯૧૩ની મૂળ ફિલ્મ છે કે ૧૯૧૭માં બનેલી તેની ‘રીમેક’ એ વિશે મતમતાંતર છે. પરંતુ એ ફિલ્મના સર્જક દાદાસાહેબ ફાળકેનાં સિદ્ધિ, સંઘર્ષ અને કરુણાંત વિશે કોઇ મતભેદ નથી.
Outstanding piece once again. I had no clue of his fall from the heights he achieved. It makes for tragic reading. But what a man! 100 feature films in that time? Wow!
ReplyDeleteHello sir, apno blog vanchi khrekhar ghni mahiti fkt melvata nthi pn upyogi pn bane che.apana blogma hu to vachta drashyo same nihalti hoy arite khovai jav chu.
ReplyDeleteવાહ...
ReplyDeleteGreat, Urvishji nice study, congratulation,,,,
ReplyDelete