રાષ્ટ્રિય શૈક્ષણિક સંસ્થા- એનસીઇઆરટી-ના પાઠ્યપુસ્તકમાં બંધારણ અંગેનો એક પાઠ અને તેમાં ડો.આંબેડકરનું એક કાર્ટૂન- આ મુદ્દે કેટકેટલા સમુહો રાબેતા મુજબ રાજાપાઠમાં આવી ગયા.
સરેરાશ બિનદલિતોએ જેમને કદી પોતાના ગણ્યા નથી એવા ડો.આંબેડકર અંગે, વિના વિલંબે- વિના વિચારે દુભાવાના કોપીરાઇટનો ઉપયોગ કરીને, કેટલાક દલિતોએ તોફાન કર્યું. કારણ? કાર્ટૂન થકી થયેલા ડો.આંબેડકરના અપમાનથી તેમની લાગણી દુભાઇ.
ડો.આંબેડકર કે દલિતોના નક્કર હિતની ધરાર ઉપેક્ષા કરનારા રાજકીય પક્ષોને દલિતોની લાગણી દુભાય એ ન પોસાય. કારણ કે મોટે ભાગે મામુલી મુદ્દે થતી દલિત-દુભામણીનો ઇલાજ કરવાનું સહેલું હોય છે અને દલિતોના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવાનું બહુ અઘરું.
મળસફાઇના, ગટરસફાઇના, આભડછેટના કે પોતાની જમીનો પર બીજાના કબજા જેવા મુદ્દે દલિતસમાજની લાગણી દુભાતી હોય તો બિચ્ચારા નેતાઓનું શું થાય? પણ તેમના સદ્ભાગ્યે દલિતોની લાગણી ઘણુંખરું ડો.આંબડેકરનાં પૂતળાં કે છબીના અપમાન સાથે જ જોડાઇ ગઇ છે. તેને ધરવી દેવાનું નેતાઓને સહેલું પડે છે. કાર્ટૂનવિવાદમાં પણ એવું જ થયું: સંસદમાં બધા પક્ષના સાંસદોએ આંબેડકરના કહેવાતા અપમાન અને એ મુદ્દે દલિતોની દુભાયેલી લાગણી પર મૌખિક મલમપટ્ટા લગાવ્યા.
વિપક્ષોએ ડો.આંબેડકરનું અપમાન કરતું કાર્ટૂન પાઠ્યપુસ્તકમાં મૂકવા બદલ સરકારના માથે માછલાં ધોયાં. દલિતોના મત ફક્ત વિપક્ષોને જ વહાલા હોય ને શાસકપક્ષને નહીં? એમણે પણ દલિતલાગણીને શાંત પાડવા માફી માગી, પાઠ્યપુસ્તકમાંથી કાર્ટૂન કાઢી નાખવાની અને જરૂર પડ્યે આખેઆખું પાઠ્યપુસ્તક બદલી નાખવા સુધીની જાહેરાત કરી દીધી.
પાઠ્યપુસ્તકમાં કાર્ટૂનને મંજૂરી આપનાર એનસીઇઆરટીના બે સલાહકારોએ આ બનાવના પગલે રાજીનામાં આપ્યાં. એક સલાહકારની ઓફિસ પર કેટલાક દલિત તોફાનીઓએ હુમલો કર્યો. કારણ? એ જ. ડો.આંબેડકરનું અપમાન.
આટલે સુધીનું નાટક અગાઉ જુદા મુદ્દે ઘણી વાર ભજવાઇ ચૂક્યું છે, પણ આ વખતે તેમાં વધારાનો એક પક્ષ ઉમેરાયો. ધોરણસરના, બૌદ્ધિક અને વિચારવાની શક્તિ ધરાવતા ઘણા લોકો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મુદ્દો ઉપાડીને કાર્ટૂનનો વિરોધ કરનારના વિરોધમાં ઉતરી પડ્યા. મમતા બેનરજીએ પોતાની વિરુદ્ધની એક રમૂજ મોકલનાર અઘ્યાપક સામે કરેલી આપખુદ કાર્યવાહી અને પાઠ્યપુસ્તકમાંથી ડો.આંબેડકરનું કાર્ટૂન રદ કરવાના સરકારી નિર્ણયને તેમણે એક જ હરોળમાં મૂકી દીધા. ભારતના રાજકારણીઓમાંથી રમૂજવૃત્તિ અને સહિષ્ણુતાનો સદંતર લોપ થયો હોવાના ચિંતા વ્યક્ત થઇ. ભારતમાં રાજકીય કાર્ટૂનનું ભવિષ્ય ખતરામાં જણાવા લાગ્યું. ખુદ ડો. આંબેડકરે આ કાર્ટૂન સામે વાંધો લીધો ન હતો એવી દલીલ થઇ. નેહરુ અને ઇંદિરા ગાંધી પોતાનાં વિશેનાં ટીકાત્મક કાર્ટૂન કેવી ખેલદિલીથી બિરદાવતાં હતાં તેનાં ઉદાહરણ ટાંકવામાં આવ્યાં. ડો.આંબેડકરનું વિવાદાસ્પદ બનેલું કાર્ટૂન દોરનાર વિખ્યાત કાર્ટૂનિસ્ટ શંકર વિશે નેહરુએ કરેલું વિધાન- ‘ડોન્ટ સ્પેર મી, શંકર’ (‘મને જરાય બક્ષતા નહીં, શંકર’) અનંત વાર દોહરાવાયું.
બુદ્ધિજીવી અને વિચારશીલ વર્ગની ચિંતા સમજી શકાય એવી છે. ખાસ કરીને ભારતીય નેતાઓની વધતી અસહિષ્ણુતાને કારણે, તેમની ઉગ્ર પ્રતિક્રિયા અને કાર્ટૂનના વિરોધની કડક ટીકા સ્વાભાવિક લાગે. પણ ડો.આંબેડકરના કાર્ટૂન વિશે એક મહત્ત્વનો મુદ્દો કેટલાક વિચારશીલો પણ ચૂકી ગયાઃ આ કાર્ટૂન પાઠ્યપુસ્તકમાં મૂકી શકાય?
કાર્ટૂનના વિરોધનો વિરોધ કરનારા કેટલાક બૌદ્ધિકોએ આ મુદ્દો છેડ્યો અને ભારપૂર્વક એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે નાગરિક શાસ્ત્રના શુષ્ક પાઠોથી વિદ્યાર્થીઓ કંટાળતા હોય ત્યારે તેમને આ વિષય વધારે રસપ્રદ રીતે સમજાવવા માટે કાર્ટૂનનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એટલે શિક્ષણમાં કાર્ટૂન વાપરવાનો હેતુ કોઇને નીચા પાડવાનો નહીં, પણ શિક્ષણમાં રસ પૂરવાનો છે.
એક દલીલ એવી પણ થઇ કે નવથી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ મુક્ત રીતે વિચારતાં શીખે એ બહુ જરૂરી છે. તેમના દિમાગમાં રેડીમેડ અભિપ્રાયો ઠાંસી દેવાને બદલે, વૈવિઘ્યપૂર્ણ વિચારો તેમની સામે મૂકવા જોઇએ, જેથી એ પોતાની મેળે વિચારતા થાય. કેટલાક વિદ્વાનોએ શિક્ષણશાસ્ત્રના સિદ્ધાંતો ટાંકીને કહ્યું કે આ ઉંમરે વિદ્યાર્થીઓમાં સારા-નરસાની સમજણ કેળવાયેલી હોય છે. એટલે તેમના પાઠ્યપુસ્તકમાં કાર્ટૂન મૂકવામાં કશું ખોટું નથી. ફક્ત કાર્ટૂનને કારણે તે કોઇ મહાનુભાવ વિશે નકારાત્મક અભિપ્રાય બાંધી લે, એવું માનવું ન જોઇએ.
આ વલણની સાથે, પાઠ્યપુસ્તકમાંથી કાર્ટૂન રદ કરવાની મંત્રીની એકહથ્થુ જાહેરાત, રાજીનામું આપનાર એક સલાહકાર પર હુમલો જેવી બાબતોનો તીવ્ર વિરોધ પણ ભળી ગયો. એટલે સરવાળે ચિત્ર એવું ઊભું થયું કે ડો.આંબેડકરના કાર્ટૂનમાં કશું વાંધાજનક નથી, પણ એ મુદ્દે રાજકારણ ખેલવાના આશયથી આખો વિવાદ સર્જવામાં આવ્યો છે.
વિવાદની બીજી બાજુ
આગળ જણાવેલા બધા મુદ્દાને એકબીજા સાથે ભેળવીને ગુંચવાડો કરવાને બદલે, શાંતિથી વિચારતાં આટલું સમજાયઃ
શંકરે ૧૯૪૯માં દોરેલા ડો.આંબેડકરના કાર્ટૂનમાં તેમનું અપમાન થાય છે, એવું કહેનારા કાર્ટૂનકળાને સમજતા નથી. એવા લોકોએ રાજકીય કાર્ટૂન માણવાના ક્લાસ ભરવા જોઇએ. આવા ક્લાસ સૌથી પહેલાં સાંસદો અને ધારાસભ્યો માટે શરૂ થવા જોઇએ. વિવાદાસ્પદ કાર્ટૂનમાં ડો.આંબેડકર ‘કોન્સ્ટીટ્યુશન’ લખેલી ગોકળગાય પર બેઠા છે. તેમના હાથમાં ગોકળગાયને હાંકવાની ચાબુક છે. તેમની પાછળ નેહરુ ઉભા છે. તેમણે પણ ગોકળગાય પર ચાબુક ઉગામી છે. ઊભેલા નેહરુની ડોક એ રીતે ઢળેલી બતાવવામાં આવી છે કે જેથી ચાબુક તેમણે ગોકળગાય પર જ ઉગામી છે, એ સ્પષ્ટ થઇ જાય.
બંધારણ ઘડતરની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે કેટલાક વર્ગોમાં એવી ચર્ચા અને ટીકાએ જોર પકડ્યું હતું કે આ કામમાં વઘુ પડતો વિલંબ થઇ રહ્યો છે. રાજકીય કાર્ટૂનિસ્ટ તરીકે શંકરે એ લાગણીને કાર્ટૂન દ્વારા કળાત્મક રીતે વાચા આપી. એ કાર્ટૂનને આંબેડકર સામેના આરોપ કે તેમના અપમાન તરીકે જોવું એ મૂર્ખામી છે.
પરંતુ આખા વિવાદના કેન્દ્રસ્થાને હોવા છતાં ભાગ્યે જ ચર્ચાયેલો મુદ્દો છેઃ બંધારણમાં વિલંબ થયો છે એવી જે તે સમયે એક વર્ગની ચર્ચાનો પડઘો પાડતું કાર્ટૂન પાઠ્યપુસ્તકમાં શા માટે હોવું જોઇએ? તેનાથી વિદ્યાર્થીઓ શું જ્ઞાન મેળવે એવું અપેક્ષિત છે? ખાસ કરીને એ સંજોગોમાં, જ્યારે ખુદ ડો.આંબેડકરે તે સમયે વિલંબ વિશેના આરોપનો વિગતવાર અને મુદ્દાસર જવાબ આપ્યો હોય તથા એ આરોપને ખોટો પુરવાર કર્યો હોય.
આ વિવાદમાં રાજકીય કાર્ટૂનનું મહત્ત્વ સમજાવવા બેસી ગયેલા ભલભલા અભ્યાસી-વિદ્વાનો પણ એ હકીકત કેમ ભૂલી જાય છે કે રાજકીય કાર્ટૂન એક પ્રકારનાં નથી હોતાં. રાજકીય હાસ્ય-વ્યંગ લેખોની જેમ રાજકીય કાર્ટૂનમાંથી પણ કેટલાંક તદ્દન સમસામયિક મહત્ત્વ ધરાવતા અને કેટલાંક ચિરકાલીન મૂલ્ય ધરાવતા- સદાબહાર હોય છે. એ બન્નેને એકસરખું મહત્ત્વ આપવું કે અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો મુદ્દો આગળ ધરીને તેમને એકસરખાં ‘પવિત્ર’ ગણવાં એ બરાબર નથી.
ચર્ચાસ્પદ બનેલું શંકરનું કાર્ટૂન, સ્પષ્ટ છે કે, સદાબહાર નહીં, પણ માત્ર ને માત્ર સમસામયિક મૂલ્ય ધરાવનારું છે. બંધારણ બનતું હતું અને જ્યાં સુધી ડો.આંબેડકરે તેમાં થયેલા વિલંબની ટીકાનો જવાબ આપ્યો ન હતો, ત્યાં સુધી એ કાર્ટૂનનું થોડુંઘણું મૂલ્ય હતું, પણ ડો.આંબેડકરે એ વિશેનો યથાયોગ્ય જવાબ આપી દીધો, ત્યાર પછી એ ચર્ચા શમી ગઇ. એ સમયના અને ત્યાર પછીના લોકોના મનમાંથી પણ વિલંબની વાત નીકળી ગઇ. પછીનાં વર્ષોમાં ડો.આંબેડકરની દ્વેષપૂર્વક થતી ટીકામાં પણ વિલંબનો મુદ્દો કદી આવ્યો નથી. એ સ્થિતિમાં બંધારણમાં થયેલા વિલંબની ચર્ચાને ચિત્રિત કરતું કાર્ટૂન શંકરના કાર્ટૂનસંગ્રહમાં હોઇ શકે, પણ તેને પાઠ્યપુસ્તકમાં મૂકવાનું ઔચિત્ય કોઇ રીતે સમજી શકાય એવું નથી. ‘આ કાર્ટૂન બંધારણમાં ઘડતરની પ્રક્રિયા સૂચવે છે’ કે ‘એ વખતે આવી પણ ચર્ચા થઇ હતી તેનું પ્રતીક છે’- એવી દલીલ ગળે ઉતારવી અઘરી છે. કારણ કે બંધારણ ઘડતરને લગતી પ્રક્રિયાની નક્કર હકીકતોમાં વિલંબના આરોપનું વજન શૂન્યવત્ બની ચૂક્યું છે.
કાર્ટૂનવિવાદમાં આટલી સાદી વાત બહુ ઓછા લોકોએ કરી છે, એ હકીકત જાહેર બાબતો અંગે થતી ચર્ચાના સ્તરની પણ સૂચક છે. સદ્ભાગ્યે કેટલાક નામી કાર્ટૂનિસ્ટો આ સાદો મુદ્દો સહેલાઇથી સમજી શક્યા છે અને એ વિશે તેમણે ખોંખારીને કહ્યું પણ છે. વિખ્યાત કાર્ટૂનિસ્ટ અજિત નિનાનના મતે, જે તે સમયે આ કાર્ટૂન એકદમ બરાબર હતું, પણ હવે તેનું પાઠ્યપુસ્તકમાં કશું કામ નથી. (કાર્ટૂન હેઝ એબ્સોલ્યુટલી નો બિઝનેસ ઇન ટેક્સ્ટબુક્સ.)
‘ધ હિંદુ’ અખબારમાં તીખાં રાજકીય કાર્ટૂન બનાવનાર સુરેન્દ્ર પણ આ જ મતના છે. તેમણે આ કાર્ટૂન ૬૦ વર્ષ પહેલાં યોગ્ય ગણાવીને, હવે તેને પાઠ્યપુસ્તકમાં મૂકવાનો નિર્ણય અયોગ્ય ઠેરવ્યો છે. (‘ખુદ આંબેડકરે પણ આ કાર્ટૂનનો વિરોધ કર્યો ન હતો’ એવી દલીલ કરનારા આટલો સાદો મુદ્દો કેમ ચૂકી જતા હશે?)
નવથી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આ કાર્ટૂનને કેટલા સમભાવથી લઇ શકે એ મહત્ત્વનો સવાલ છે. પાઠ્યપુસ્તકમાં યોગ્ય રીતે જ ડો.આંબેડકરનાં ગમે તેટલાં વખાણ કરાયાં હોય અને બાકીની બધી રીતે પાઠ્યપુસ્તક ગમે તેટલું ઉદાર મતવાદી- અગાઉનાં પાઠ્યપુસ્તકો કરતાં સારું હોય, તો પણ તેનાથી આ એક કાર્ટૂનનો સમાવેશ ઉચિત ઠરી જતો નથી.
બીજો મોટો સવાલ આ પાઠ્યપુસ્તક ભણાવનારા શિક્ષકોનાં દાનત અને દૃષ્ટિ વિશે થાય. ભારતના વર્ગખંડો હજુ દલિતદ્વેષથી મુક્ત બન્યા નથી. દલિત વિદ્યાર્થીઓને અપાતી સરકારી આર્થિક સહાય જેવી બાબતમાં પણ વર્ગશિક્ષકો દલિત વિદ્યાર્થીઓને કેવું નીચાજોણું કરાવે છે તેનો ઘણાને અનુભવ હશે. એવી માનસિકતા ધરાવતા દલિતદ્વેષી શિક્ષકોના હાથમાં આ કાર્ટૂન આવી જાય તો એ તેનું અર્થઘટન કેવી રીતે કરે, તે સહેલાઇથી ધારી શકાય એમ છે.
પાઠ્યપુસ્તકોને રસાળ અને વૈવિઘ્યપૂર્ણ મતથી સજ્જ બનાવવાની કામગીરી આવકારદાયક છે. કાર્ટૂનવિવાદમાં સૂકા ભેગું લીલું બાળી નાખવાની રાજકીય તત્પરતા ચિંતાજનક છે. એનસીઇઆરટી જેવી સ્વાયત્ત શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમ સરકારી મંત્રીઓના ફતવાથી બદલાય એ વઘુ મોટી ચિંતાનો વિષય છે.
તેમ છતાં, એ બધા મુદ્દા વાજબી હોવાથી, વિવાદાસ્પદ બનેલું કાર્ટૂન પાઠ્યપુસ્તકને લાયક બની જતું નથી. પાઠ્યપુસ્તકમાં તેના સમાવેશ સામેનો વાંધો કશા આવેશ, દ્વેષ કે રાજકારણ વિના અડીખમ રીતે ઊભો રહે એવો છે.
પાઠ્યપુસ્તકમાં બંધારણ જેવા 'ગંભીર' વિષય ને સમજાવવા માટે કોઇ એક કાર્ટુન કે કાર્ટુનકળાના ઉપયોગ પર ચર્ચાઓ થયા કરવી જોઇએ, પરંતુ સંસદની ચર્ચામાં એ મુદ્દો હોય તે ખુદ ચર્ચાનો વિષય છે.
ReplyDeleteઆ સંદર્ભમાં શ્રી ટી એન નિનાનનો ૨૨ મે,૨૦૧૨ના બીઝનૅસ સ્ટાન્ડર્ડમાંનો લેખ - The Arbitrary State - આ વિષય પર સંસદમાં દેખાતી અસહિષ્ણુતાને સમજવા માટે કદાચ મદદરૂપ થઇ શકે. તે લેખમાં તેમણે સરકાર(જેમાં હાલની બધી જ સરકારોને કદાચ સમાવી શકાય!)નાં બૃહતઅર્થકારણના પ્રશ્નોથી માંડીને જગન મોહન રેડ્ડીના અખબારને કુંઠિત કરવા મટે તેના બૅંક ખાતાં સ્થગિત કરવા જેવાં પગલાંઓને મનસ્વી ગણાવ્યાં છે.
થોડા અણ્ણા હજારેની ચળવળ રાજકારણીની અપેક્ષાની બહાર લોકપ્રિય થતી દેખાઇ હતી ત્યારે પણ સાંસદો પરનાં નૈતિક દબાણને સંસદનું અપમાન ગણાવાયું હતું. તે સમયે પણ આવી જ વ્યાપક અને આકરી ચર્ચાઓ થઇ હતી.
આમ આપણા સાંપ્રત રાજ્યકર્તાઓની તેમની સાથેની અસહમતિને બર્દાશ્ત કરવાની મર્યાદા ઉત્તરોત્તર ઘટતી રહી છે તેમ માનવામાટે કોઇ ને કોઇ પ્રસંગો સાંપડતા જ રહે છે.
દરેક ઘટનાને આ પ્રકારની માનસસ્થિતિસાથે સંબંધ ન હોય તેવું પણ હોઇ શકે. પરંતુ, કોઇ પણ ઘટનાની પાછળ આ માનસસ્થિતિ તો નથી ને તે શંકા થવી તે પોતે જ ચિંતાજનક બાબત ન ગણાય?
કમનસીબે ડૉ. આંબેડકર ની બીજી લાક્ષણિકતાઓ ને બેધ્યાન કરીને ઍમને માત્ર 'દલિતો' ના મસીહા તરીકે જોવામાં આવે છે.. આ ઍમનું અપમાન જ છે....
ReplyDeleteઉર્વીશભાઈ, ખુબ સરસ લેખ.
ReplyDeleteonce again a different and better point of view from vantage point. I will be greatful if you can provide any link of Dr. Ambedkar's defence at that time.
ReplyDeletealso would love to see your article on Baba Saheb. and if you already written any then please share link.
આપના આ લેખ બદલ ખુબ ખુબ અભિનંદન ,
ReplyDeleteપ્રિય ઉર્વિશભાઇ, સરસ લેખ. અસ્પષ્ટતાના માહોલમાં સીધી ને સાફ વાતો કહેવાની તમારી ખાસિયત અહીં ફરી દેખાઇ આવી. કાર્ટૂન વિવાદની પરદા પાછળની ઘણી વાતો અહીં ઉજાગર થઇ. આપણા નેતાગણનું તો શું કહેવું? એમને લોકહિત કરતા અંગત સ્વાર્થમાં વધુ રસ પડતો હોય છે. ને આપણા દેશના લોકો હજી એટલા તો પુખ્ત તો નથી જ કે આ બધી રમતને સમજી શકે. આ વાત ઘણાને પચતી નથી, પણ આ જ હકીકત છે. આવા સંજોગોમાં તમારા જેવા પત્રકારો લોકલાગણીથી દોરવાવાને બદલે લોકોને સાચું દિશાસૂચન કરવાની પ્રમાણમાં કડવી કામગીરી બજાવી રહ્યા છો, એને માટે અભિનંદન.
ReplyDelete