સેંકડો મર્યાદા ધરાવતી ભારતની લોકશાહીમાં હવે બહુ ઓછી શક્યતાઓ કલ્પનાતીત- કલ્પના પણ ન કરી શકાય એવી- રહી છે. ચૂંટણીમાં ગોટાળાના આરોપ, બંધારણ અને બંધારણીય સંસ્થાઓના હાર્દમાં ગાબડાં, રાજકારણીઓનું બિનલોકશાહી પ્રજાવિરોધી વર્તન, અફસરોની બાબુશાહી, ન્યાયતંત્રમાં ગોટાળા, સૈન્યમાં ભ્રષ્ટાચાર... આમાંથી કોઇ પણ મુદ્દાની વાત આવે એટલે થોડું વાંચતાલખતા-જોતાસાંભળતા લોકો કહેશે, ‘આ બઘું જૂનું થયું. કંઇક નવી વાત કરો.’
પરંતુ ભારતના લશ્કરી સરસેનાપતિ દ્વારા, સૈનિક તાકાતની હિલચાલથી સરકારને ચીમકી આપવાની વાત હજુ કલ્પી શકાતી નથી. આઝાદીના સાડા છ દાયકા દરમિયાન, કટોકટીના સમયગાળા સહિત, રાજકીય નેતાગીરીનો હાથ હંમેશાં લશ્કરી નેતાગીરી કરતાં ઉપર રહ્યો છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા નેતાઓ તો ઠીક, અફસરો પણ ઘણી વાર અયોગ્ય રીતે લશ્કરી અધિકારીઓ ઉપર સાહેબગીરી રાખે છે. સામા પક્ષે એવા પણ ફૌજીઓ હોય છે જે હોદ્દા માટે રાજકીય ચાંપો દબાવવામાં અને રાજનેતાઓના કહ્યાગરા બની રહેવામાં ક્ષોભસંકોચ અનુભવતા નથી. બીજા શબ્દોમાં કહી શકાય કે ભારતના રાજકારણમાં લશ્કર દખલ કરતું નથી, પણ ભારતના લશ્કરમાં રાજકારણની અને બાબુશાહીની ઠીક ઠીક દખલ ઘણા સમયથી છે.
સાવચેતી અને સનસનાટી
આટલી ભૂમિકા સાથે જાન્યુઆરી ૧૬-૧૭, ૨૦૧૨ના ઘટનાક્રમ વિશે બહુ સાવચેતીપૂર્વક વિચારવું પડે. લશ્કરી વડા જનરલ વી.કે.સિંઘ પોતાની જન્મતારીખના મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ગયા એ જ રાત્રે બે લશ્કરી ટુકડીઓ ‘કવાયતના ભાગરૂપે’ દિલ્હીની દિશામાં આગળ વધી અને રાત્રે મળેલી સૂચનાઓ પછી અધરસ્તેથી પાછી ફરી. છ અઠવાડિયાંની મહેનત અને ચકાસણી પછી આ અહેવાલ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી શેખર ગુપ્તા સહિત ચાર પત્રકારોનાં નામ સાથે ગયા સપ્તાહે પ્રગટ થયો. તેનાથી પ્રસરેલાં આઘાત-પ્રત્યાઘાતનાં મોજાં હજુ શમ્યાં નથી. અત્યંત સાવચેતીપૂર્વક લખાયેલા અહેવાલમાં ક્યાંય એવું લખાયું નથી કે જનરલ સિંઘે સરકાર પર દબાણ લાવવા માટે આ બે ટુકડીઓને દિલ્હીની દિશામાં આગળ વધારી. બલ્કે, અહેવાલમાં જનરલ સિંઘની બેદાગ કારકિર્દીની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ આખા અહેવાલમાં ઊભા કરાયેલા કેટલાક સવાલોની અણી જનરલ સિંઘને અને સંરક્ષણ મંત્રી એન્ટનીને- એમ બન્ને પક્ષોને વાગે એમ છે.
અહેવાલમાં પૂછાયેલા ઉભા કરાયેલા પાયાના મુદ્દાઃ ૧) નેશનલ કેપિટલ રિજીયન - પાટનગર વિસ્તાર-માં લશ્કરી ટુકડીઓની કોઇ પણ પ્રકારની હિલચાલ માટે આગોતરી જાણ કરવી પડે. આ કિસ્સામાં એવી જાણ કરવામાં આવી ન હતી. ૨) ઘુમ્મસમાં લશ્કરી ટુકડીઓની સજ્જતા ચકાસવાનો જ પ્રશ્ન હોય તો વધારે ગીચ એવા દિલ્હી તરફના રસ્તાને બદલે બીજો રસ્તો કેમ લેવામાં ન આવ્યો? ૩) મલેશિયાની મુલાકાતે ગયેલા સંરક્ષણ સચિવને મુલાકાત અઘૂરી મૂકીને રાતોરાત પાછા બોલાવી લેવાયા. તેમણે રાત્રે ને રાત્રે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરશન્સ એ.કે.ચૌધરીને બોલાવીને ‘આ બઘું શું ચાલી રહ્યું છે?’ એ મતલબનું પૂછ્યું. તેમના હુકમથી બન્ને ટુકડીઓને પાછી મોકલી દેવામાં આવી. ૪) દરમિયાન સરકારી હુકમથી દિલ્હીમાં આવતાં વાહનોનું દિલ્હીના નાકે ચેકિંગ કરવાના હુકમ જારી થયા, જેથી દરેક વાહનને ઊભા રહેવું પડે. એ રીતે ટ્રાફિક ધીમો પડે અને ટુકડીઓને દિલ્હી સુધી પહોંચવામાં વાર લાગે.
સરવાળે કશું જ બન્યું નહીં. બન્ને ટુકડીઓ જે રીતે આવી હતી, એવી જ રીતે પાછી ફરી ગઇ. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલમાં પણ સાવધાની અને સલુકાઇથી બળવો કે બળવાનો પ્રયાસ કે બળવાની દિશામાં હિલચાલ (‘કૂપ’) જેવો શબ્દ ટાળવામાં આવ્યા. એને બદલે સરકારના પક્ષે ગૂંચવાડો (કન્ફ્યુઝન) અને અસુખ-અકળામણ (અનઇઝ) પ્રવર્તતાં હતાં એમ લખવામાં આવ્યું. છતાં, આખો અહેવાલ અને તેમાંથી ઉભા થતા મુદ્દા વાંચીને છાપ એવી જ ઊભી થઇ કે સરકાર અને જનરલ વચ્ચેના સંઘર્ષમાં જનરલ વિરુદ્ધ કોઇ આકરું પગલું લેવામાં આવે, તેને આગોતરું ખાળવા માટે- પ્રીએમ્પ્ટ કરવા માટે- સૈન્યની બે ટુકડીઓ દિલ્હી તરફ રવાના થઇ હતી.
વડાપ્રધાન, સંરક્ષણમંત્રી અને જનરલ સિંઘથી માંડીને પ્રસાર માઘ્યમોમાં પણ ઘણાએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલને ચુનંદાં વિશેષણોથી વખોડી કાઢ્યો. વડાપ્રધાને તેને ‘એલાર્મિસ્ટ’ (ભડકામણો) કહ્યો, તો જનરલ સિંઘે તેને ‘ફેબલ્સ ઓફ સિક માઇન્ડ’ (રુગ્ણ માનસની કપોળકલ્પના) ગણાવ્યો. ‘એક્સપ્રેસ’ના તંત્રી શેખર ગુપ્તાએ અહેવાલને ‘એલાર્મિસ્ટ’ નહીં, પણ એલાર્મિંગ (ચેતવણીસૂચક) ગણાવ્યો અને ચોતરફથી થયેલા નકાર છતાં તે પોતાના અહેવાલમાં મુકાયેલી હકીકતોને વળગી રહ્યા.
કેટલીક વઘુ હકીકતોના પ્રકાશમાં
અત્યાર સુધી સામસામે રહેલાં સરકાર અને સેનાપતિ અખબારી અહેવાલ વાહિયાત હોવાના મુદ્દે એક થઇ ગયાં. સાથોસાથ, એ બન્ને સિવાયના કેટલાક પક્ષોએ અહેવાલને તથા તેના રદિયાને ટેકો કરે એવી વાતો બહાર આણી છે. જેમ કે, એક અખબારના સંરક્ષણને લગતી બાબતોના પત્રકાર સાથે વાત કરતી વખતે કેટલાક લશ્કરી અફસરોએ કહ્યું કે નેશનલ કેપિટલ રિજીયનમાં સૈન્યની ટુકડીઓની હેરાફેરીઓ થતી જ રહે છે. એમાં કશું નવું નથી અને તેમાં કોઇ આગોતરી પરવાનગી કે જાણકારીની જરૂર હોતી નથી. કેટલાક અફસરોએ કહ્યું કે દસેક હજાર જેટલા સૈનિકો કાયમ દિલ્હીમાં સ્થિત હોય છે. તેમની સરખામણીમાં કુલ પાંચસોની આસપાસ સૈનિકોની ટુકડીઓ દિલ્હી તરફ મોકલીને જનરલ સિંઘ સરકારને દબાવવાનો પ્રયાસ કરે, એ માનવા જેવું નથી. એક અફસરે કહ્યું કે જનરલે ઇચ્છ્યું જ હોત તો દોઢસો-બસો કિ.મી. દૂર આગ્રા અને હિસ્સારથી લશ્કરી ટુકડીઓ દિલ્હી તરફ બોલાવવાને બદલે, માંડ સિત્તેર કિ.મી. દૂર મેરઠથી ઇન્ફન્ટ્રી/પાયદળની આખી ડિવિઝન લાવવાનું તેમને વધારે સહેલું પડ્યું હોત.
બીજી તરફ, પ્રામાણિક અને બેદાગ અફસર તરીકે પંકાયેલા નિવૃત્ત લેફ્ટન્ટ જનરલ હરચરનજીતસિંઘ પનાગે ટ્વીટર પર એવો મત રજૂ કર્યો કે પોતાની સામેનાં સંભવિત સરકારી પગલાં લેવા માટે જનરલ વી.કે.સિંઘે કરેલું એવું શક્તિપ્રદર્શન હોઇ શકે છે, જેમાં ભાગ લેનારા સૈનિકોને તેમની દિલ્હી તરફની કૂચનું સાચું કારણ ખબર પણ ન હોય. ફક્ત ઉચ્ચ હોદ્દો ધરાવતા અફસરો જ દિલ્હી તરફ આગળ વધવાના સાચા કારણથી વાકેફ હોય. નિવૃત્ત લેફ્ટ. જનરલ પનાગે લશ્કરી પરિભાષામાં આ જાતના પગલા પાછળનું સંભવિત ઘ્યેય જણાવતાં લખ્યું ‘શત્રુપક્ષથી પહેલાં પગલાં લઇ લેવાં જેથી તે પોતાની વ્યૂહરચના, યોજના કે કાર્યવાહી અમલમાં મૂકી શકે નહીં.’ તેમનાં લખાણનો ઘ્વનિ એવો હતો કે સરકારને ચીમકી આપવા માટે બે ટુકડીઓ દિલ્હી તરફ મોકલવામાં આવી હોય એ (અખબારી અહેવાલમાં સૂચવાયેલી સંભાવના) બનવાજોગ છે.
અખબારી અહેવાલનો ઘ્વનિ ઘણો ગંભીર છે, પણ તેના લેખિત શબ્દોમાં એટલું સ્પષ્ટપણે કહેવાયું છે કે સરકારને એક તબક્કે જનરલ સિંઘ તરફથી લશ્કરી હિલચાલની શંકા ગઇ હતી. એટલું જ નહીં, પોતાની શંકાના (કે ગૂંચવાડાના) આધારે સરકારે (સંરક્ષણ મંત્રીએ) ટુકડીઓની દિલ્હી તરફની ગતિ ધીમી પાડવા માટે પગલાં લીધા અને સરવાળે તેમને પાછી મોકલી દીધી. આ ટુકડીઓ ખરેખર જનરલ સંિઘની યોજનાના ભાગરૂપે દિલ્હી ભણી આવતી હતી કે કેમ, એની ચર્ચા ફોતરાં ખાંડવા જેવી બની રહેશે. કારણ કે તેની સાથે સંકળાયેલી સચ્ચાઇ એમ બહાર આવવાની નથી. મહત્ત્વનો મુદ્દો સરકારે કરેલી કલ્પનાનો- અને તેમાંથી ડોકાતી સરકારની અસ્થિર, અસલામત માનસિકતાનો છે.
ગરીમા ખોવાની હરીફાઇ
સૈન્યવડા જનરલ સિંઘ સાથે સંરક્ષણ મંત્રાલયની તકરાર તેમની જન્મતારીખના મુદ્દે શરૂ થઇ. આટલો નાનો મુદ્દો દેશના સૈન્યવડા અને સંરક્ષણ મંત્રી એકબીજાની ગરીમા જાળવીને, બંધબારણે ઉકેલી ન શકતા હોય તે સૌથી મોટી ચિંતા અને શરમની વાત કહેવાય. બન્ને પક્ષોએ આ મુદ્દે જાહેરમાં ગરીમા ચૂકવામાં કશું બાકી રાખ્યું નહીં. પહેલી નિષ્ફળતા સરકારની. કારણ કે તે વ્યક્તિ નથી. તેની પાસે એક માણસને સમજાવવાના- તેની સમસ્યા ઉકેલવાના ઘણા રસ્તા હોય છે. સાથોસાથ, જનરલ સિંઘની નિષ્ફળતા પણ ઓછી નથી. કારણ કે, એક વાર મતભેદો જાહેર થઇ ગયા પછી તેમણે પ્રસાર માઘ્યમોનો સારોએવો ઉપયોગ કર્યો અને એ પરંપરા સતત ચાલુ રાખી.
લશ્કરના બે જુદા વિભાગોમાં જનરલ સિંઘની બે જુદી જન્મતારીખો બોલતી હતી. જનરલ સિંઘ ૧૯૫૧ની જન્મતારીખ આગળ કરતા હતા અને સરકાર તેમની બઢતીઓમાં ગણાયેલી ૧૯૫૦ની જન્મતારીખ આખરી ગણાવતી હતી. સરકારી જન્મતારીખ ગણતરીમાં લેવાય તો ૩૦ મે, ૨૦૧૨ના રોજ જનરલ સિંઘને નિવૃત્ત થઇ જવું પડે. સમજ્યાવિચાર્યા વિના, કેવળ કોંગ્રેસવિરોધને મૂલ્ય માનતા લોકોને એવી દલીલ પકડાવી દેવામાં આવી કે ‘જનરલ સિંઘને બઢતી આપતાં પહેલાં તત્કાલીન સૈન્યવડા દીપક કપૂરે તેમને જૂઠી જન્મતારીખ સ્વીકારવાની ફરજ પાડી હતી.’ એ સાચું હોય તો પણ શરમજનક ન કહેવાય? દેશના સૈન્યવડાને પોતાની જન્મતારીખ જેવી બાબતમાં શા માટે અને કયા દબાણથી ઝૂકવું પડે? જન્મતારીખના મુદ્દે તેમણે બેદરકારીથી અથવા ગાફેલિયતથી અથવા દબાણથી, પણ એવા કાંડા શા માટે કાપી આપ્યાં કે સર્વોચ્ચ અદાલતમાં તેમનો કેસ લૂલો પુરવાર થયો? સર્વોચ્ચ અદાલતે સૈન્યવડાના વકીલને એ મતલબનું કહેવું પડ્યું કે કેસ પાછો ખેંચી લો. નહીંતર સૈન્યવડા કેસ હારશે તો નીચાજોણું થશે.
અદાલતની સલાહ માનીને કેસ પાછો પણ ખેંચાઇ ગયો. સૈન્યવડાનું પદ ભોગવી રહેલા અને ‘વઘુ એક વર્ષ સુધી આ હોદ્દે રહેવાનો નહીં પણ સ્વમાનનો સવાલ છે’ એવું કહેનારા માણસ પાસેથી એટલી અપેક્ષા ન રાખી શકાય કે એ પોતાના હોદ્દેથી રાજીનામું આપીને- નોકરીની ખરેખર પડી નથી એમ બતાવીને- પછી સરકારને જૂઠી સાબિત કરે અને તેને શરમાવે? પરંતુ જનરલ હોદ્દા પર ચાલુ રહ્યા અને જન્મતારીખથી માંડીને પાછલી તારીખોના ભ્રષ્ટાચારના આરોપો સુધીના મુદ્દે ગરીમા ઘટે એવું વર્તન કર્યું
જનરલ વી.કે.સિંઘની બાબતમાં થયેલો આખો વિવાદ હકીકતે તેમના અનુગામી લેફ્ટ. જનરલ બિક્રમસિંઘને સૈન્યવડા બનાવવા માટેનો હતો, એવી પણ વાતો ક્યારની વહેતી થઇ ચૂકી છે. વરિષ્ઠતાની દૃષ્ટિએ જનરલ વી.કે.સિંઘ પછીના ક્રમે આવતા લેફ્ટ. જનરલ બિક્રમસિંઘ વિશે પહેલાં એવી વાત વહેતી મુકાઇ કે તેમની પુત્રવઘુ પાકિસ્તાની છે. તપાસમાં એ વાત ખોટી સાબીત થઇ (તે અફઘાન મૂળનાં અમેરિકન નાગરિક છે). ત્યાર પછી નૌકાદળના ભૂતપૂર્વ વડાઓ એડમિરલ રામદાસ અને એડમિરલ વિષ્ણુ ભાગવત, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એન.ગોપાલસ્વામી જેવા લોકોએ મળીને લેફ્ટ. જનરલ બિક્રમસિંઘની નિમણૂંક સામે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી/પીઆઇએલ કરી. તેમાં મુખ્ય આરોપ છે કે જનરલ બિક્રમસિંઘ ૨૦૦૧માં જમ્મુ-કાશ્મીરમાં નકલી એન્કાઉન્ટરના કેસમાં સંડોવાયેલા છે. જાહેર હિતની અરજી કરનારા મહાનુભાવોએ અદાલત સમક્ષ એવી પણ વિનંતી કરી છે કે સૈન્યવડાના હોદ્દે જનરલ વી.કે.સિંઘને જ ચાલુ રાખવામાં આવે.
જનરલ બિક્રમસિંઘ સામેના આક્ષેપોની તપાસ તો થશે, પણ વધારે અગત્યનો અને ચિંતાનો મુદ્દો એ છે કે સૈન્યવડા જેવી નિમણૂંકોમાં પણ હવે જાહેર આક્ષેપબાજી અને અદાલતોની દખલગીરી શરૂ થઇ જશે, તો સરકાર શું કરશે? આ મુદ્દે સરકાર પહેલાં પોતાની વિશ્વસનીયતા અને પછી પોતાનો અબાધિત અધિકાર સ્થાપિત કરે તથા લશ્કરમાં રાજકારણ રમવાનું બંધ કરે, એ દેશહિત માટે સૌથી જરૂરી છે.
આ કિસ્સામાં જે કંઇ ઇંગિત સંભાવનાઓ છે તેને આ લેખ બહુ સ્વસ્થ અને સંતુલીત સ્વરૂપે ચર્ચા વિચારણા કરે છે.
ReplyDeleteઇન્ડીયન એક્ષપ્રૅસમાં નો લેખપણ બહુ જ સંભાળપૂર્વક લખાયો હતો. તે લેખ છપાતાં જ ચારેતરફ હોબાળો મચી જશે તે વાતનો પૂરે પૂરો અંદાજ શેખર ગુપ્તા જેવા અનુભવી પત્રકાર ને હોય જ, તેથી તેમણે જરા સરખી પણ આંગળી કોઇ ચીંધી ન જાય તેની પૂરતી કાળજી લીધી હતી. પરંતુ જનરલ સિંઘની ઉમરના તાજા જ વિવાદને કારણે આવો અહેવાલ આગમાં પૅટ્રૉલની જ ગરજ સારે તેમાં કંઇ નવાઇ ન પમાય.
પરંતુ તે પછીથી અન્ય સમાચારોમાં જે ચર્ચા જોવા મળે છે તેમ લશ્કરની જરૂરીયાતોમાટેની આયતોમાં થતા કથિત ભ્રષ્ટાચારપર સ્વચ્છ સંરક્ષણ પ્રધાનની ખફા નજરની પણ થીયરી પણ તેમાં ભળે છે. એવી માન્યતા ફેલાઇ રહેલ છે કે આ આયાત સાથે સંકળાયેલ સ્થાપિત હિતોને આ શ્રી એન્ટની સંરક્ષણ પ્રધાન તરીકે પોષાય તેમ નથી.
ખેર, સાચું શું હશે તે તો બહાર કદાચ જ આવશે, પરંતુ યુપીએ-૨ સરકાર પરનાં મુશ્કેલીઓનાં વાદળો ઘેરાયેલાં જ રહે છે તે પોતે જ એક વિચારણા માગી લે તેવું રહસ્ય ગણી શકાય.
Judiciary also needs to be introspected by a System of monitoring to keep a track as it is also in competition of corruption.
ReplyDelete