ભારતમાં શૌચાલયો કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધી પડી, ત્યાર પહેલાંથી મોબાઇલ કોમર્સની છડી પોકારાઇ ચૂકી છે. ટૂંકમાં ‘એમ-કોમર્સ’ તરીકે ઓળખાતા મોબાઇલ કોમર્સ માટે કહેવાતું હતું કે તેના આગમન પછી બેન્કમાં ખાતું હોય કે ન હોય, એવા તમામ મોબાઇલધારકો પોતાના ફોનથી જ રૂપિયા ચૂકવી કે સ્વીકારી શકશે. જુદાં જુદાં બિલ ભરવા માટે લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટ ટળી જશે. બેન્કના ખાતામાંથી બિલની બારોબાર કપાત કરતી ઇસીએસ- ઇલેક્ટ્રોનિક ક્લીઅરીંગ સર્વિસ-નો ઉપયોગ પણ નહીં કરવો પડે. પોતાના મોબાઇલ ફોનમાં રકમ, સામા છેડાનો ફોન નંબર અને પોતાનો કોડ નંબર- આટલી એન્ટ્રી કરવાથી આર્થિક લેવડદેવડ વિના વિલંબે, તરત જ પૂરી. મોબાઇલના સ્ક્રીન પર તેની પહોંચ પણ આવી જશે. આ પ્રકારની સુવિધા માટે મોંઘા ભાવના સ્માર્ટ ફોનની જરૂર નહીં પડે. શોખીનો જેને ‘ડબલાં’ તરીકે ઓળખે છે, એવા સીધાસાદા સેલફોનથી કામ થઇ જશે.
સુવિધા અને સરળતાના આ ગુલાબી ચિત્રમાં વધારાનો રંગ પૂરતો અંદાજ એવો છે કે વર્ષ ૨૦૧૫માં ભારતમાં કુલ વસ્તી જેટલા જ મોબાઇલ ફોન થઇ જશે. તેમાંથી દસેક કરોડ લોકો ધારકો એમ-કોમર્સનો ઉપયોગ કરતા હશે.
નજીકના ભવિષ્ય પછી વધારે નજીકના ભૂતકાળમાં નજર કરીએ તો, લગભગ ૧૨ લાખ ગ્રાહકોને એમ-કોમર્સની સેવા પૂરી પાડતી કંપની ‘નોકિયા’એ માર્ચ, ૨૦૧૨માં પોતાની સેવાઓ આટોપી લેવાની જાહેરાત કરી. ‘નોકિયા’ ફોન દ્વારા ‘યસ બેન્ક’ અને ‘યુનિયન બેન્ક’ સાથે બેન્કિંગ (રૂપિયાની લેવડદેવડ) કરતા ૧૦ લાખ ગ્રાહકોને હવે એ સુવિધા બીજા કોઇ ઓપરેટર પાસેથી મળે એવી ગોઠવણ વિચારાઇ રહી છે, જ્યારે બાકીના ૨ લાખ ગ્રાહકો કંપનીના પોતાના એકમ ‘નોકિયા મની’ના હતા. ‘નોકિયા’એ ‘મૂળ ધંધામાં ઘ્યાન આપવા માટે’ એમ-કોમર્સમાંથી પાછા હટી જવાની જાહેરાત કરી. પરંતુ ‘નોકિયા મની’ના ગ્રાહકો પોતપોતાના મોબાઇલમાં જમા પડેલી રકમ વાપરી શકે એ માટે તેમને ત્રણેક મહિના જેટલો સમય આપવામાં આવ્યો છે. દરમિયાન, મોબાઇલ સર્વિસ કંપની એરટેલ, એચ.ડી.એફ.સી. બેન્ક અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ માસ્ટરકાર્ડ તથા વિસા એમ-કોમર્સના ધંધામાં આવી ચૂક્યાં છે.
સાદા ટેલીફોનની અવેજીમાં ફક્ત વાતચીત કરવા માટે શોધાયેલો મોબાઇલ ફોન ઉપયોગીતાની દૃષ્ટિએ કેટલું કાઠું કાઢી ગયો છે તેનો ખ્યાલ એ વાત પરથી આવશે કે એમ-કોમર્સમાં બાકીની ત્રણે કંપનીઓ એક યા બીજી રીતે નાણાંકીય વ્યવસાયમાં હતી (બેન્ક-ક્રેડિટ કાર્ડ), જ્યારે એરટેલ મૂળભૂત રીતે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર. પરંતુ એમ-કોમર્સની બાબતમાં તે એચ.ડી.એફ.સી. જેવી નામી બેન્ક કે વિસા-માસ્ટરકાર્ડ જેવી ખમતીધર ક્રેડિટકાર્ડ કંપનીઓને મજબૂત હરીફાઇ પૂરી પાડી રહી છે. બલ્કે, ભારતમાં એમ-કોમર્સને વ્યાપક બનાવવાની હોડમાં અત્યારે તે સૌથી આગળ લાગે છે.
‘મોબાઇલ બેન્કિંગ’ તરીકે ઓળખાતી સુવિધા આઇસીઆઇસીઆઇ જેવી બેન્ક ઘણા સમયથી પૂરી પાડતી હતી. તેના પ્રતાપે ખાતેદાર બેન્કમાં ગયા વિના પોતાના ખાતામાં રહેલી રકમ અને છેલ્લી પાંચ એન્ટ્રીની વિગત જાણી શકે. ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવી શકે. નવી ચેકબુકની માગણી કરી શકે. ચેક ક્લીયર થયો કે નહીં અથવા એ કયા તબક્કે પહોંચ્યો છે, તે જાણી શકે. ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝીટનાં ખાતાં બેન્કમાં ગયા વિના જ ખોલાવી શકે. આ સુવિધાઓ બેશક આકર્ષક અને નવીન લાગે, પરંતુ તેને ‘ક્રાંતિકારી’ બનતાં અટકાવતી બે મુખ્ય મર્યાદાઓ હતીઃ મોબાઇલ ફોન થકી બેન્કમાંથી રૂપિયા ઉપાડી ન શકાય અને રોકડા રૂપિયા જમા કરાવી ન શકાય.
એમ-કોમર્સ આ બન્ને મર્યાદાઓ દૂર કરતું હોવાથી તેની શક્યતાઓ ક્રાંતિકારી ગણાય છે. જાહેરખબરોના આક્રમણ સાથે બજારમાં આવેલી ‘એરટેલ મની’ સર્વિસની વાત કરીએ તો, તેમાં રૂપિયા જમા કરાવવા માટે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ ‘નેટ બેન્કિંગ’ ગણી શકાય. કારણ કે તેમાં કંપનીની વેબસાઇટ પર જઇને, ગ્રાહક પોતાન બેન્ક ખાતાનંબર લખે અને તેમાંથી કેટલી રકમ ‘એરટેલ મની’માં જમા કરવાની છે એ લખે, એટલે એટલી રકમ ગ્રાહકના મોબાઇલ ફોનમાં જમા થઇ જાય છે. આ પદ્ધતિની દેખીતી બે મર્યાદાઓ છેઃ
૧) કંપનીની વેબસાઇટ પર ગ્રાહકો પોતાનો બેન્કખાતા નંબર લખવો પડે છે. વેબસાઇટો સુરક્ષાની પૂરતી કાળજી લેતી હોવા છતાં અને લોકો ધીમે ધીમે નેટ બેન્કિંગથી ટેવાતા હોવા છતાં, ખાતાનંબર જેવી વિગતો ઇન્ટરનેટ પર આપવાનું ઘણા ગ્રાહકો પસંદ કરતા નથી.
૨) એમ-કોમર્સનું સૌથી મોટું આકર્ષણ અને સૌથી મોટી ક્રાંતિ બેન્કમાં ખાતું ન હોય એવા લોકોને બેન્કિંગની સેવા પૂરી પાડવાની છે, જ્યારે ‘નેટ બેન્કિંગ’નો વિકલ્પ ફક્ત એવા લોકોને ખપ લાગે છે, જે બેન્કમાં ખાતું ધરાવતા હોય.
અલબત્ત, ‘એરટેલ મની’નો બીજો વિકલ્પ આગળ જણાવેલી બન્ને મર્યાદાઓ ઓળંગી જાય છે. એ પદ્ધતિમાં મોબાઇલમાં રૂપિયા જમા કરાવવા હોય તો માણસે રૂપિયા લઇને નજીકના એરટેલ રીટેઇલર પાસે જવું પડે. ત્યાં રોકડ રૂપિયા આપતાં વેંત એ રૂપિયા ગ્રાહકના મોબાઇલ ફોનમાં જમા બોલતા થઇ જાય. આવા રીટેઇલરોની યાદી કંપનીની વેબસાઇટ પર મૂકવામાં આવે છે. આ વિકલ્પ સારો છે, પરંતુ સેવાનો વ્યાપ અને રીટેઇલરોની સંખ્યાનું તંત્ર ચેઇન રીએક્શન જેવું હોય છે. રીટેઇલરોની સંખ્યા વધે તો સેવાનો વ્યાપ અને ગ્રાહકોની સંખ્યા વધે. એવી જ રીતે ગ્રાહકોની સંખ્યા વધે તો રીટેઇલરો વધારી શકાય.
મોબાઇલ ફોનની રીચાર્જ કૂપનો પાનના ગલ્લે મળતી થઇ ગઇ છે, એ જોતાં રીટેઇલરોની સંખ્યા વધતી રહેશે એવું માની શકાય. અલબત્ત, રીટેઇલરોએ રોકડા રૂપિયા ઉઘરાવવાના હોવાથી, કંપનીઓ તેમને નીમતાં પહેલાં વધારે સાવચેતી રાખે એ સ્વાભાવિક છે.
આ રીતે મોબાઇલ ફોનમાં રૂપિયા જમા થયા પછી, મોબાઇલ ફોનમાં કંપનીએ આપેલાં મેનુમાં યોગ્ય પસંદગી કરીને, બિલની રકમ, જેને બિલ આપવાનું છે તેનો મોબાઇલ નંબર, ગ્રાહકનો પોતાનો એમ-પિન (મોબાઇલ પર્સનલ અન્ડેન્ટિફિકેશન નંબર) જેવી વિગતો ભરવાથી બિલ ભરી શકાય છે, કંપનીએ કરેલી ગોઠવણો પ્રમાણે સિનેમાની કે મુસાફરીની ટિકીટો ખરીદી શકાય છે, કંપનીએ નક્કી કરેલા સ્ટોરમાંથી બીજી ખરીદી પણ કરી શકાય છે. મોબાઇલ દ્વારા રૂપિયા ચૂકવ્યા પછી સિનેમાની કે મુસાફરીની ટિકીટ મોબાઇલ ફોનમાં જ આવી જાય છે, જે સ્થળ પર અસલી ટિકીટને બદલે બતાવી શકાય છે.
એમ-કોમર્સનો બીજો મહત્ત્વનો ઉપયોગ નાણાં મોકલવા માટેનો છે. ક્યાંય ગયા વિના, ફક્ત મોબાઇલનાં બટન દાબીને એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણાં મોકલી શકાય છે. અલબત્ત, આ સેવાનો હવાલા પાડવા જેવાં કામોમાં દુરુપયોગ ન થાય અને ફક્ત રોજિંદા વ્યવહારમાં જ તે વપરાય એ માટે રિઝર્વ બેન્કે રોજ વઘુમાં વઘુ કેટલી રકમની લેવડદેવડ થઇ શકે તેની મર્યાદા આંકી છે.
આ બઘું વાંચીને લાગે કે એમ-કોમર્સની સફળતા માટેનો તખ્તો બરાબર ગોઠવાઇ ચૂક્યો છે. પરંતુ હજુ થોડી કરચલીઓ સીધી થાય તેની પ્રતીક્ષા છે. તેમાંની એક ચાવીરૂપ બાબત છેઃ ઇન્ટરઓપરેબિલીટી. અત્યારે ‘એરટેલ મની’ સુવિધા ફક્ત એરટેલના ગ્રાહકો માટે જ છે. એને બદલે, કોઇ પણ બે મોબાઇલ સેવા ધરાવતા ગ્રાહકો એકબીજા સાથે નાણાંકીય આપ-લે કરી શકે તો તેનો વ્યાપ અનેક ગણો વધી શકે. બીજો મુદ્દો રૂપિયાની લેવડદેવડ સાથે સંકળાયેલી માનસિકતાનો છે. નાણાંકીય ક્ષેત્રના ઘણા લોકોને લાગે છે કે ભારતીયો ઇન્ટરનેટ કે મોબાઇલ જેવાં માઘ્યમો પર થતી ‘અદૃશ્ય’ લેવડદેવડને બદલે આંખ સામે થતી રોકડ લેવડદેવડથી વધારે ટેવાયેલા છે. તેથી એમ-કોમર્સ પૂર્ણ કદની ક્રાંતિ ન બનતાં નેટબેન્કિંગની જેમ વઘુ એક વિકલ્પ બનીને રહી જાય એવી પણ શક્યતા છે. એમ-કોમર્સની સેવાઓ માટે કંપનીઓ દ્વારા વસૂલાતો સર્વિસચાર્જ કેટલો છે, એની ઉપર પણ ગ્રાહકોની સંખ્યાનો આધાર રહે છે. ભારતમાં રૂપિયા અથવા સમય બેમાંથી એકની બચત કરવાની હોય, તો સરેરાશ લોકો રૂપિયાની બચત પસંદ કરશે.
એમ-કોમર્સ વાવાઝોડાની જેમ આવે ને છવાઇ જાય, એવું કેન્યા કે ફિલિપાઇન્સ જેવા દેશોમાં ભલે શક્ય બન્યું હોય, ભારતમાં અત્યાર સુધીનો અનુભવ જુદો રહ્યો છે અને ભવિષ્યમાં પણ તેની ગતિ તેજ અને તોફાનીને બદલે ધીમી અને મક્કમ રહે એવી સંભાવના વધારે છે.
No comments:
Post a Comment