ફિલ્મઉદ્યોગનો દબદબો અને તેની સ્ટાર સીસ્ટમનાં મૂળીયાં શોધવા નીકળીએ તો, ફિલ્મો પહેલાં શરૂ થયેલી નાટ્યસંસ્થાઓમાં મળી આવે. ત્યારે સ્ત્રી ભૂમિકાઓ માટે સ્ત્રીઓ તૈયાર ન હોવાથી, પુરૂષોને એ પાત્રો કરવાં પડતાં, પરંતુ તેમની સ્ટાર વેલ્યુ અત્યારની હીરોઇનો કરતાં જરાય ઓછી ન હતી. શહેરે શહેરે તેમના અભિનયના ચાહકો ને રૂપના પ્રશંસકો હતા, જે તેમની પર યથાશક્તિ ઓવારી જવા તલપાપડ રહેતા. નાટ્યક્ષેત્રે સંકળાયેલા પિતા જટાશંકર જાનીના પુત્ર અમૃત જાની/Amrut Janiએ કારકિર્દીની શરૂઆતથી શીખર સુધીની સફર સ્ત્રીભૂમિકા થકી તય કરી.
સ્ત્રીપાત્રમાં અમૃત જાની |
અભિનેતા તરીકે અમૃત જાની બે વાર કરાચી ગયા. એક વખત તેમનો ચઢતો સિતારો હતો ત્યારે ‘રોયલ’ના કર્મચારી તરીકે અને બીજી વખત ‘આર્યનૈતિક સમાજ’ સાથે. કરાચીના ‘પર્લ ઓપેરા હાઉસ’માં પહેલી જ રાતે ‘એ કોનો વાંક’ નાટકમાં અમૃત જાની કુમુદની ભૂમિકામાં રજૂ થયા અને તેમણે એન્ટ્રી કરી ત્યાં તાળીઓના ગડગડાટ સાથે પ્રેક્ષકોમાંથી પોકાર થયા, ‘ખુશ રહો, ખુશ રહો, ક્વેટા મેલ’. (એ સમયે કેટલીક ટ્રેનોની લોકપ્રિયતા એટલી હતી કે તેમનાં નામ વિશેષણ બની ગયાં હતાં. જેમ કે, ફ્રન્ટિયર મેલ, તુફાન મેલ.)
કરાચીવાળા ક્વેટાનો ઉચ્ચાર ‘કોયેટા’ કરતા. ત્યાર પછી તો દરેક વખતે અમૃત જાની આવે એટલે ‘ખુશ રહો કોયેટા મેલ’ના હર્ષનાદ થતા. તેમાં પ્રેક્ષકો ઉપરાંત તેમનો ગણગણાટ શાંત કરવા માટે થિએટરમાં રખાતા ‘ખામોશિયા’ પણ ભળતા. (કિશોરવયની કુમાશ ગુમાવી દીધા પછી, અમદાવાદથી ટ્રેનમાં બે રાત, ત્રણ દિવસની મુસાફરી કરીને, અમૃત જાની ફરી કરાચી ગયા, ત્યારે તેમનો જાદુ ઓસરી ચૂક્યો હતો. તેમણે આત્મકથામાં નિખાલસતાથી કબૂલ્યું છે, ‘પ્રથમ રાત્રિએ ‘રણગર્જના’ નાટકમાં મને જોઇને, મને ક્વેટા મેલનો ઇલ્કાબ આપી ચૂકેલી કરાચીની નાટ્યશોખીન જનતાને હું સાધારણ એક્સપ્રેસ જેવો લાગ્યો.’)
કરાચીમાં અમૃત જાનીની સ્ત્રીભૂમિકાનાં ગીતોના ‘વન્સ મોર’ પર ‘વન્સ મોર’ થતા હતા. કેટલાક લોકો ચલણી નોટોના હાર ફેંકતા, પરંતુ નાટકકંપની પ્રેક્ષકને બોલાવીને એ રૂપિયા પાછી આપી દેતી. ફીદા થયેલા પ્રેક્ષકોમાંથી કેટલાક અમૃત જાનીને સોના-ચાંદીના મેડલ આપતા, પણ એવી ભેટો તે રૂબરૂ આપી શકતા નહીં. તેમણે માલિક મહાભાઇ ‘કાકાજી’ને કે કાત્રકબાવાને આપવી પડતી. તે અમૃત જાનીને રૂબરૂ મળી શકતા નહીં. સ્ટારની સ્ટારવેલ્યુ અને તેની ફરતે થોડા રહસ્યનું વર્તુળ ટકાવી રાખવાની એ અકસીર પદ્ધતિ હતી. શહેરના અગ્રણી માણસો એકલા અમૃત જાનીને જમવા માટે બંગલે બોલાવે ત્યારે કંપનીના ઘણા અગ્રણીઓ પણ સાથે જતા. યજમાન ગમે તેટલો મોટો માણસ હોય, પણ તે ગાવા માટે આગ્રહ કરે તો તેની સ્પષ્ટ ના પાડવાનો નિયમ હતો. અમૃતભાઇએ લખ્યું છે તેમ, ‘મારી પાછળ પાગલપણું કે ઘેલછાની હદ વટાવી ગયેલા કેટલાક હલકી વૃત્તિના પ્રેક્ષકોના ગંદા પત્રો પણ રોજ આવે, તો કેટલીક નવયુવતીના પણ મારી ઉપર વારી જવાના ભાવાવેશભર્યા કાગળ આવતા રહે. કાકાજી એ બધા વાંચીને ફાડી નાખે. મને ક્યારેક એ બાબતની વાત કરે પણ એવી રીતે કે એનાથી મારામાં ઉદ્ભવતો ગર્વ અટકી જાય.’
કરાચીમાં સ્ત્રીપાત્રો કરતા રૂપાળા અભિનેતાઓને ઉપાડી જવાની કોશિશો પણ થઇ હતી. એટલે અમૃત જાની માટે ખાસ સુરક્ષા રાખવામાં આવતી. પઠાણ ચોકીદાર વિના બહાર નીકળવાની તેમને મનાઇ હતી. એ જ્યારે બહાર નીકળે ત્યારે તેમને જોવા માટે થિએટરના દરવાજે કેટલાય માણસો આંટા મારતા હોય. કરાંચીમાં અમૃત જાનીનો એટલો જયજયકાર થયો કે તેમના પિતાએ નાટકકંપની પાસે એક ‘લાભરાત્રિ’ - બેનીફીટ નાઇટની માગણી કરી (એટલે કે તે નાઇટમાં થતી બધી આવક અમૃત જાનીને મળે). એ સંસ્થાએ કબૂલ રાખી હતી. તેમાં બે હજાર-પચીસસો રૂપિયા અને ભેટોની આવક થઇ હતી. કાત્રકબાવા જેવા કંપનીના આધારસ્તંભ સરખા અભિનેતા-નિર્દેશકે અમૃત જાનીને હળવાશથી છતાં દિલથી કહ્યું હતું, ‘જો ડીકરા, હવે આ બુઢ્ઢા કરતાં પણ તારી કિંમત વધી ગઇ. તારા નામ પર ટિકિટો ફાટે છે.’
નાટકનો એ યુગ અમૃત જાનીએ આત્મકથા ‘અભિનયપંથે’માં જીવંત કરી દીધો છે. ઉદાહરણ તરીકે, નાટકનો શો શરૂ થતાં પહેલાંનું તેમનું વર્ણનઃ ‘ચિક્કાર ઓડિયન્સ હોવાથી કેટકેટલાય પ્રેક્ષકો નિરાશ થવું પડ્યું હતું. એટલે થિયેટરની બહાર એક મોટો સમુદાય કોલાહલ કરતો ઊભો હતો. તેમાં શીંગ, ચણા, ચા, સોડા-લેમન વેચનારાઓના અવાજો પણ અમારા કાન સુધી પહોંચતા હતા...ઓડિયન્સમાં પોતાને ટિકીટ મળ્યાના સંતોષ સાથે જમા થયેલા પ્રેક્ષકો, કુટુંબ-કબીલા તેમ જ મિત્રોની સાથે સંસ્થાની તેમ જ નાટકોની ભાતભાતની સાચી-ખોટી વાતો કરી રહ્યા હતા. એ વાતોની વચ્ચે ‘ચોપડી-ચોપડી’ એવી બૂમો સંભળાતી હતી અને એ બૂમો હતી નાટકોનો ટૂંકસાર અને ગીતો છપાયેલાં હતાં એવી ‘ઓપેરાબુક’ વેચનારા માણસોની. એ બધા અવાજોને દબાવતો, ઉગરચંદ માસ્તરની હારમોનિયમ પર ફરતી આંગળીઓ અને ઉસ્તાદજી રેવાશંકરભાઇની તબલાથાપીનો અવાજ પણ સંભળાતો હતો.’
‘ઓપેરાબુક’ની લોકપ્રિયતાનો અંદાજ આપતી અમૃત જાનીએ નોંધેલી એક વાતઃ આર્યનૈતિક સમાજ નાટક કંપનીમાં એવો ધારો હતો કે ‘ઓપેરાબુક’ના વેચાણમાંથી થતી આવક રોજેરોજ માલિક નકુભાઇનાં ધાર્મિક વૃત્તિ ધરાવતાં પત્નીને આપી દેવાની. તેમનાં પત્નીનું મૃત્યુ થયું ત્યારે તેમની પાસેથી મુખ્યત્વે ઓપેરાબુકની કમાણીના (આજથી સિત્તેરેક વર્ષ પહેલાંના) લાખેક રૂપિયાથી વઘુ નીકળ્યા હતા.
નાટકની દુનિયા સાથે સંકળાયેલાં અનેક પાત્રોનું અમૃત જાનીએ સાવ ઓછા લસરકામાં પણ જીવંત ચિત્ર ઉપસાવ્યું છે. રોયલ નાટક મંડળીના માલિક મહાભાઇ(કાકાજી)ની સાહ્યબીનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું છે કે એ દાંતનું ચોકઠું પહેરતા હોવાથી તેમને પાન ચાવતાં ફાવતું નહીં. ‘તેમના રસોડામાં એક ખૂબ જ નાની સાઇઝની પિત્તળની ખાંડણી અને દસ્તો રહેતાં. તેમાં પાન બનાવી, તેને ખૂબ ખાંડી, તેની લુગદી બનાવી નોકર ઝીલ્લુ કાકાજીને દઇ જાય અને કાકાજી એ લુગદીને મોઢામાં પાનની જેમ ચાવે.’ આ જ નાટકમંડળીની પડતીના દિવસોમાં, ખાંડેલા પાનને બદલે કાકાજી સોપારીનો એકાદ કટકો મમળાવીને ચલાવી લેતા એ વાત દ્વારા તેમણે વિરોધાભાસ ઉપસાવી આપ્યો છે.
‘રોયલ’ના સ્ટાર અભિનેતા-નિર્દેશક અને આધારસ્તંભ સોરાબજી કાત્રક- કાત્રકબાવા-નું પણ હૃદયસ્પર્શી શબ્દચિત્ર આખા પુસ્તકમાંથી ઉપસી આવે છે. ‘રોયલ’નાં નાટકોની જાહેરખબરમાં ફક્ત કાત્રકબાવાનું જ નામ લખવામાં આવે, એવો તેમનો દબદબો હતો. નાટક શરૂ થતાં પહેલાં તૈયાર થયેલો દરેક અભિનેતા પોશાક-મેક અપ સાથે કાત્રકબાવાને ‘સાહેબજી’ કરવા જાય. બાવા પણ વળતું ‘સાહેબજી’ કરીને એક નજરમાં બધી તૈયારી જોઇ લે. સૌના વડીલ જેવા કાત્રકબાવા કિશોર અમૃત જાનીને ‘જોજે ડીકરા, ઉડતો ના..અને જો ઉડશે તો પરશે.’ એવી શીખામણ આપે અને કિશોરવયના તોફાનમાં અમૃતને શારીરિક ઇજા થાય તો તેને ઠપકો પણ આપે. સિંહની જેમ ગરજતા કાત્રકબાવા પાછલાં વર્ષોમાં ગાઉટથી પીડાતા અને હલનચલનમાં મુશ્કેલી અનુભવતા હોવા છતાં, મંચ પર આવે ત્યારે એ બઘું ભૂલી જાય.
વિશાળ પરિવાર જેવી નાટકકંપનીઓમાં સંબંધના ચઢાવઉતારની જાણે કશી નવાઇ ન હતી. જુદાં જુદાં છાપાંમાં સહજતાથી અવરજવર કરનારા પત્રકારોની જેમ, ઘણા કલાકારો એકથી વઘુ વાર એક કંપની છોડી દેતા ને ફરી પાછા કશું બન્યું ન હોય તેમ જોડાઇ જતા. મહાન અભિનેતા મોહનલાલા ખૂબ દારૂ પીને - અથવા ક્યારેક પીધા વગર પણ ઉશ્કેરાઇને- આર્યનૈતિક સમાજના માલિક નકુભાઇ સાથે ઝઘડો કરે અને નોકરી છોડી દે. પણ થોડો વખત થયો નથી ને પાછા ‘આર્યનૈતિક’માં. દરેક વખતે ગૌરવભેર કહે પણ ખરા કે ‘નકુભાઇ શેઠ તો મારો બાપ છે, ને આર્યનૈતિક મારું ઘર છે. છોકરું બહારગામ જાય એમ થોડો વખત જઇ આવું એટલું જ. બાકી આ સંસ્થા જ મારું સર્વસ્વ છે.’ નકુભાઇ જેવા શેઠ પણ કલાકારોની આડોડાઇ નભાવી લે. માસ્ટર પ્રહ્લાદ જેવા કલાકાર સ્ટાર બન્યા પછી મગજ ગુમાવીને નકુભાઇને ગાળો દેવા લાગ્યા ત્યારે ‘બાપુજી’ તરીકે ઓળખાતા નકુભાઇએ એટલું જ કહ્યું, ‘ભાઇ, છૂટો ભલે થા, પણ તારી આવી ગાળો ખાનાર માલિક ગોતજે.’
L to R: Jaswant Thakar, Amrut Jani, Dina Pathak |
સરસ..
ReplyDelete