કેટલીક વાતો એટલી સાદી ને પાયાની હોય છે કે એ તરત ન પણ સમજાય. તેમને સમજવામાં- અંકે કરવામાં બે-પાંચ-સાત-દસ વર્ષ નીકળી જાય. ત્યાં સુધીમાં ઉશ્કેરાટ-આવેગો શમ્યા હોય અને માણસ હળવો - સ્વસ્થ થયો હોય.
જેમ કે, ગુજરાતની ૨૦૦૨ની કોમી હિંસાની વાત.
આટલા ઉલ્લેખમાત્રથી મુખ્ય મંત્રીના ચાહકો બાંયો ચઢાવીને લડવા અને વિરોધીઓ તેમનો મુકાબલો કરવા તૈયાર થઇ જશે. પણ દસ વર્ષના ગાળા પછી, પહેલો સવાલ, મુખ્ય મંત્રી દોષી હતા કે નહીં એ નથી. ન હોઇ શકે.
એક નાગરિક તરીકે સૌથી પહેલો અને પ્રાથમિક, પોતાની જાતને પૂછવાનો સવાલ છેઃ દસ વર્ષ પહેલાં જે થયું તે, પક્ષ કે કોમના ભેદ વગર, માણસ તરીકે બિનશરતી શરમ, અફસોસ અને પસ્તાવો પ્રેરે એવું હતું? એ સમયે ક્રૂરતા અને ઘાતકીપણું વાજબી ઠરાવવા માટે મનમાં અનેક કારણો ઊભાં થઇ ગયાં હોય, તો પણ આજે દસ વર્ષ પછી એ હિંસાને આપેલા સક્રિય કે મૂક ટેકા વિશે ફરી વિચારવા જેવું લાગે છે? ‘પહેલાં સામા પક્ષના લોકોને જઇને પૂછો’ એવી ‘દીવાર’શાઇ ગરમીને બદલે, પહેલાં જાતને પૂછવા જેટલી ટાઢક પેદા થઇ છે?
માણસ જેવા માણસ એકબીજાને કોઇ વાંકગુના વિના, ફક્ત એક યા બીજી કોમના હોવાને કારણે સળગાવે, મારે, કાપે, એ વિશે આટલાં વર્ષ પછી, ‘આપણાથી એવું ન કરાય- એવું કરનારનું ઉપરાણું ન લેવાય’ એવો માનવ-સહજ, માનવતા-સહજ વિચાર આવે છે? કે પછી આપણી માનવતા રિક્ષાવાળાએ રૂપિયા ભરેલું પર્સ પોલીસચોકીમાં જમા કરાવ્યું, એટલાથી જ સંતોષાઇ જાય છે? કોમી હિંસા ઠારવા માટે ગુજરાત આવેલા કેપીએસ ગિલ જે શબ્દ રમતો મૂકીને ગયા તે - ‘કલિંગબોધ’- શાસકોની વાત શાસક જાણે, પણ આપણામાં- નાગરિકોમાં જાગ્યો છે? વચ્ચેનાં વર્ષોમાં હુલ્લડબાજીમાં-હિંસામાં સીધો ભાગ લેનારા થોડા લોકોમાં અને પોલીસતંત્રના થોડા સભ્યોમાં ભીની આંખે પસ્તાવાની - અને ‘અમે ભાન ભૂલ્યા હતા’ એવી લાગણી પેદા થઇ છે. તેમની સાથે સીધો અને કાયમી પરિચય ધરાવતા કેટલાક પત્રકારમિત્રો એ સુખદ પરિવર્તનના સાક્ષી છે.
બાકીના, ‘વી, ધ પીપલ ઓફ ગુજરાત’-એટલે કે આપણામાંથી ઘણા બધાએ - ‘એક વાર પાગલપણાને ટેકો આપ્યા પછી હવે શાણપણની વાત કરીએ તો ટીકાકારો તૂટી ન પડે?’ એવી ચિંતા કે શરમ રાખવાની જરૂર નથી. ભાન ભૂલાય નહીં તે શ્રેષ્ઠ સ્થિતિ છે, પણ અમુક સમયગાળા પૂરતું એવું થયું હોય, તો ભૂલ સ્વીકારીને પસ્તાવો કરવો અને ફરી સજાગ રહેવું એ માણસ હોવાની નિશાની અને સાબિતી છે. આપણે લાશોનો વેપાર કરતાં મતલાલચુ શિયાળ નહીં, પણ માણસ જ હોઇએ તો પછી ભૂતકાળની અમાનવીય વર્તણૂંક બદલ પસ્તાવો વ્યક્ત કરીને, માણસ પુરવાર થવામાં શરમ-સંકોચ કેવાં?
૧૯૮૪ અને ૨૦૦૨
ગુજરાતની ૨૦૦૨ની હિંસાની વાત ઉખળતાં જ ઘણાને દિલ્હીમાં ઇંદિરા ગાંધીની હત્યાના પગલે થયેલો શીખ હત્યાકાંડ યાદ આવી જાય છે. એવી ભયાનક હિંસક ઘટના શી રીતે ભૂલી શકાય? હત્યાકાંડના આરોપીઓનો ન્યાય તોળાયો ન હોય ત્યારે તો ખાસ.
પરંતુ બન્ને ઘટનાઓ સાથે યાદ કરતી વખતે, નાગરિકોના બે ભાગ પડી જાય છેઃ પક્ષીય વફાદારી, વિચારધારાના ચશ્મા કે ગોખેલી દલીલના ભાગરૂપે શીખવિરોધી હિંસા યાદ કરનારા કહે છે, ‘કોંગ્રેસના રાજમાં આટલી જ ભયંકર ખૂનામરકી થઇ હતી. આરોપીઓને સજા પણ ન થઇ. ત્યારે તમને (કોંગ્રેસવાળાને,‘સેક્યુલર’ લોકોને) શરમ આવી હતી? ના. તમે એનો વિરોધ કર્યો હતો? ના. તો પછી અમે ગુજરાતનો ૨૦૦૨નો હિંસાચાર યાદ કરીને શા માટે શરમાઇએ? શા માટે તેનો વિરોધ કરીએ?’
કોંગ્રેસ પ્રત્યે વફાદારી ધરાવતા અથવા ‘શિસ્તબદ્ધ’ (અંતરાત્માને તાળું મારીને ચાવી હાઇકમાન્ડને સોંપનારા) લોકો કહેશે કે ‘પહેલાં તમે ૨૦૦૨નો હિસાબ તો આપો! અમારા નેતાઓ એકથી વઘુ વાર શીખોની માફી માગી ચૂક્યા છે. બે મુદતથી એક શીખ વડાપ્રધાન અમારી સરકાર ચલાવે છે. જ્યારે તમારા નેતા માફી માગવાને બદલે- લાજવાને બદલે ગાજતા ફરે છે.’
૨૦૦૨ની કોમી હિંસા પછીના રાજકીય વાતાવરણમાં, આગળ જણાવેલી બે દલીલોમાંથી જ કોઇ એક- મોટે ભાગે પહેલી (‘અમે શા માટે શરમાઇએ?’) કરનારા મોટી સંખ્યામાં હતા. એવું માની લેવામાં આવ્યું- એવો ભારે પ્રચાર થયો કે લોકો બે જ પ્રકારના હોયઃ કોંગ્રેસ પ્રત્યે ઢળેલા-સ્યુડો સેક્યુલારિસ્ટ અથવા ભાજપી મુખ્ય મંત્રીના ટેકેદારો-તરફદારો.
સમીકરણ એવું રચાયું કે જે ગુજરાતની હિંસાનો વિરોધ કરે છે તે કોંગ્રેસતરફી, સ્યુડો-સેક્યુલારિસ્ટ, હિંદુવિરોધી, બેવડાં ધોરણવાળા. જેને હિંસા માટે કોઇ અફસોસ નથી, બલકે ‘૨૦૦૨ની હિંસા બદલ શરમ આવવી જોઇએ’ એવું કહેનારા ‘ગુજરાતશત્રુઓ’ને જે ધિક્કારે છે તે ‘સાચા ગુજરાતી’.
આ જાતના રાજકીય લાભથી પ્રેરિત પ્રચારમાં એક ત્રીજા, સમજુ નાગરિકોના વર્ગનું અસ્તિત્ત્વ સદંતર ભૂલી જવાયું. એ વર્ગ ત્યારે પણ માનતો હતો અને હજુ પણ માને છે કે ‘૧૯૮૪નો શીખ હત્યાકાંડ કોંગ્રેસનું કદી ન ધોવાય એવું પાપ છે. તેના ડાઘ બે મુદત સુધી એક શીખને વડાપ્રધાન બનાવ્યા પછી કે એકથી વઘુ વાર માફી માગ્યા પછી ધોવાઇ ન જાય. શીખવિરોધી હિંસાનો ભોગ બનેલાને ન્યાય મળે, આરોપીઓને સજા થાય, ન્યાયપ્રક્રિયામાં કોંગ્રેસ પહેલ ન કરે તો કમ સે કમ પસ્તાવાભેર સહકાર આપે, તો જ એ ડાઘ હળવો થાય. આરોપીઓને અદાલત સજા કરે તે પહેલાં કોંગ્રેસે પક્ષીય ધોરણે કડક પગલાં ભરવાં પડે. તો જ શીખોની માફી માગવાનો અર્થ સરે. બાકી, ખૂનખરાબો કરી લીધા પછી લૂલી હલાવીને માગેલી માફી ‘ચોરને કહે ચોરી કર અને પોલીસને કહે પકડવા જા’ એવી, સાવ ઠાલી અને બોદી ગણાય.’
ગુજરાતના સમજુ નાગરિકો આટલી જાગૃતિ બતાવે ત્યાં સુધી સરસ. પણ એ લોકો દિલ્હીમાં કોંગ્રેસ પાસે રાખેલી અપેક્ષાઓ જેવી ગુજરાતની ભાજપ સરકાર માટે રાખવા માંડે કે તરત ‘ગુજરાતવિરોધી’, ‘સ્યુડો-સેક્યુલર’, ‘હિંદુવિરોધી’નું બૂમરાણ શરૂ.
દિલ્હીના શીખ હત્યાકાંડ વખતે અનેક નાગરિક સંગઠનો અને જાગ્રત-અગ્રણી નાગરિકોએ તેની આકરી ટીકા કરી હતી. એ મુદ્દો કોંગ્રેસે દાખવેલી જડતા અને બેશરમીના તે આજ લગી ટીકાકાર રહ્યા છે. આવા લોકોને-સંસ્થાઓ ગુજરાતની વાત કરે ત્યારે, ‘શીખ હત્યાકાંડ વખતે તમે ક્યાં હતા?’એવું પૂછનારાની તકલીફ એ છે કે તે જવાબ સાંભળવા ઊભા રહેતા નથી. કારણ કે તેમને જવાબમાં નહીં, પથ્થરની જેમ પ્રશ્ન ફેંકીને નાસી જવામાં રસ હોય છે. બીજી હંમેશાં ભૂલી જવાતી વાત એ છે કે દિલ્હીના શીખ હત્યાકાંડનો રાજીવ ગાંધી સહિતના થોડા કોંગ્રેસી નેતાઓ અને ગુંડાઓ સિવાયના બીજા કોઇએ બચાવ કર્યો ન હતો. તેને વાજબી ઠરાવવાનો તો પ્રશ્ન જ નથી રહેતો.
તમે શું કર્યું?
‘અમે કોમવાદી નથી, પણ બેવડાં ધોરણના વિરોધી છીએ’ એમ કહીને ઘણા ગુજરાતની હિંસાનો બચાવ કરે છે અથવા તેની ટીકા કરનારાને ગાળો દે છે. એવા ‘બેવડાં ધોરણના વિરોધીઓ’એ ‘શીખવિરોધી હિંસા પછી પીડિતોને ન્યાય અપાવવા માટે તમે શું કર્યું?’ એ સવાલ કોઇ ભાજપી નેતાને પૂછ્યો છે?
વાત બેવડાં ધોરણના વિરોધની જ હોય તો, ગુજરાતની હિંસા પ્રત્યે આંખ આડા કાન કરવા ઉત્સુક લોકોમાંથી કોઇએ ગુજરાતના ભાજપી નેતાઓને પૂછ્યું કે ‘૧૯૮૪માં થયેલી શીખવિરોધી હિંસાની અને તેના પીડીતોને થયેલા અન્યાયની દુહાઇઓ આપો છો, તો તમારા રાજમાં ૨૦૦૨માં જે થયું તેનું શું? તેના પીડિતોને ન્યાય મળે એ માટે તમે શું કર્યું?’
એક રાજકીય પક્ષ પોતાનાં પાપ સરભર કરવા માટે - તેમનો છેદ ઉડાડવા માટે સામેના પક્ષનાં પાપ ગણાવે એ સમજાય એવું છે. કારણ કે કોઇ રાજકીય પક્ષને ન્યાય ખપતો નથી. ભલે તે વિરોધ પક્ષ હોય. ન્યાયની લડત તેના માટે છેવટે પોતાના હરીફને પછાડવાનું હથિયારમાત્ર છે. પીડિતોને ન્યાય અપાવવો એ કદી તેમનું અંતિમ ઘ્યેય હોતું નથી.
દિલ્હીના શીખોને ન્યાય અપાવવા માટે ભાજપ અને ગુજરાતના મુસ્લિમોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ શું ઉકાળીને ઉંધી વળી ગઇ, એ આપણે સૌ જાણીએ છીએ. એ બન્ને પક્ષો ઇચ્છે છે કે આપણે નાગરિકો તેમનાં પાપ- તેમની રાજકીય હિંસાખોરીનો સામસામો છેદ ઉડાડી દઇએ. એ ત્યારે જ શક્ય બને જ્યારે નાગરિકો ‘તું કોંગ્રેસી, તું ભાજપી’ એવી પક્ષીય હૂંસાતૂંસી-આરોપબાજીમાં પડે, ધોળા ધરમે જેનો બચાવ ન થઇ શકે એવાં કરતૂતોનો પક્ષીય વફાદારી કે કાલ્પનિક ડરથી દોરવાઇને બચાવ કરે અને પોતાના જેવા બીજા નાગરિકો માટે ન્યાય માગવાનું ભૂલી જાય.
આગળ વધો
દસ વર્ષ પછી સૌથી સ્વાભાવિક લાગણી અને પ્રતિક્રિયા એ મળે છે કે ‘હવે ક્યાં સુધી જૂનું યાદ રાખશો? જૂનું ભૂલીને આગળ વધો.’ (આવું કહેનારા ૨૮ વર્ષ જૂનાં શીખવિરોધી રમખાણોને સગવડે યાદ કરી લે છે એ જુદી વાત છે.)
હકીકત એ છે કે દિલ્હીના શીખો કે ગુજરાતના મુસ્લિમો કે બીજા પીડિતો લોકોની સલાહની રાહ જોયા વિના આગળ વધી જ રહ્યા છે. પરંતુ આગળ વધવાનો અર્થ ‘ન્યાયની આશા-અપેક્ષા રાખ્યા વિના આગળ વધવું’, એવો તો ન જ હોઇ શકે. કમનસીબી એ છે કે ૨૦૦૨ની હિંસાના કેસમાં ગુજરાત સરકાર પોતે પીડિતોને ન્યાય અપાવવાના પક્ષે હોય એવું બિલકુલ લાગતું નથી અને તેમના છડીદારો આગળ વધી જવાના ઉપદેશો ફટકારે છે.
ગુજરાતમાં ન્યાયની વાત આવે ત્યારે તેમાં વિકાસનો મુદ્દો નાખીને વાતને ગુંચવવા જેવી નથી. ગુજરાતનો વિકાસ કેવો, કેટલો અને કોના પ્રતાપે થયો છે, એ જુદી ચર્ચા માગી લેતો મુદ્દો છે. વિકાસ થયો હોય તો પણ એ ન્યાયના વિકલ્પ તરીકે ન હોઇ શકે, એટલી સાદી વાત નાગરિક તરીકે આપણને સમજાવી જોઇએ.
છેલ્લો મુદ્દો ગુજરાતની હિંસામાં મુખ્ય મંત્રીની ભૂમિકાનો. થિયરીબાજીમાં પડ્યા વિના કે કોઇ તપાસપંચ રચ્યા વિના એટલું સ્પષ્ટ છે કે તેમના શાસનમાં સાબરમતી એક્સપ્રેસમાં હિંદુઓ અને ત્યાર પછીના તોફાનમાં સંખ્યાબંધ મુસ્લિમો તથા બીજા લોકો માર્યા ગયા. આ બન્ને માટેની નૈતિક જવાબદારી મુખ્ય મંત્રીની છે. ‘ક્રિયાકી પ્રતિક્રિયા હોના સ્વાભાવિક હૈ. ન હમ ક્રિયા ચાહતે હૈં, ન પ્રતિક્રિયા.’ એટલું કહીને બેસી જવાને બદલે, રાજ્યના ચૂંટાયેલા વડા તરીકે તેમણે તોફાનીઓ સામે કડકાઇથી કામ લીઘું હોત અને કોઇ કાયદાથી ઉપર નથી એવો સ્પષ્ટ સંદેશો આપ્યો હોત તો? અફસરશાહી અને પોલીસતંત્ર પોતાના ‘સાહેબ’ના વણકહ્યા આદેશ પારખવામાં બહુ પાવરધાં હોય છે. તે અપવાદરૂપે નહીં, પણ નિયમલેખે હિંસા રોકવામાં વધારે સક્રિય બન્યાં હોત.
હિંસાનાં દસ વર્ષ પછી હજુ ઘણા લોકો કારણ-રીઝન અને વાજબીપણું- જસ્ટીફિકેશન વચ્ચેનો તફાવત ધરાર સ્વીકારતા નથી. હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતો માણસ અકસ્માતે પટકાઇને મૃત્યુ પામે, તો તેના મૃત્યુના કારણમાં અકસ્માત ઉપરાંત હેલ્મેટ પહેરી ન હતી, એવું ચોક્કસપણે કહી શકાય. પરંતુ ‘એણે હેલ્મેટ પહેરી ન હતી, એટલે એ મરવાને જ લાયક હતો અને હેલ્મેટ ન પહેરનારા બધા મરવાને લાયક છે’ એવું કહી શકાય?
ગોધરા-અનુગોધરા હિંસા અને રીઝન-જસ્ટિફિકેશનના તફાવત અંગે આ રીતે વિચારી જોજો.