ભારતીય લોકશાહીની વર્તમાન વાસ્તવિકતામાં મત એવી જણસ છે જેની મળ્યા પછી કંિમત રહેતી નથી. કોઇ પણ જાતના ભેદભાવ વિના સૌને એકસરખો મતાધિકાર મળ્યા પછી નાગરિકો મતને બહુમૂલ્ય લાગતો નથી અને નેતાઓને ચૂંટણીમાં મત મળી ગયા પછી બીજાં પાંચ વર્ષ સુધી મતની કિંમત સાંભરતી નથી.
છેલ્લાં બે-પાંચ વર્ષમાં જન્મેલાં ઘણાં બાળકો જેમ મોબાઇલ કે ઇન્ટરનેટ વગરની દુનિયાની કલ્પના કરી શકતાં નથી, એવી જ રીતે ભારત જેવી લોકશાહીમાં સાર્વત્રિક મતાધિકાર ‘સમજ્યા હવે!’ બની ગયો છે. અંબાણીનો પણ એક મત હોય અને ઝૂંપડામાં રહેનારનો પણ એક મત હોય, એ વાતમાં રહેલું અસાધારણપણું હવે અહોભાવ કે નવાઇ પ્રેરતું નથી. તેનું એક કારણ એ છે કે ભારત જેવા ચૂંટણીશાહી વ્યવસ્થા ધરાવતા દેશમાં મત આપનાર તથા લેનાર વચ્ચે આપ-લે થઇ ગયા પછી ભાગ્યે જ કશો સંપર્ક રહે છે.
આ પરિસ્થિતિમાં એક વર્ગ એવો છે, જેને મન હજુ મતનું મૂલ્ય છે. કારણ કે તેમને એ ‘હક’ મળ્યો નથી. એ સમુહ છે: બિનનિવાસી ભારતીયો. એન.આર.આઇ. નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ, જે ક્યારેક વ્યંગમાં નોન રિલાયેબલ ઇન્ડિયન્સ તરીકે પણ ઓળખાય છે.
સંબંધ વધારતા સુધારા
ભારતમાંથી વિદેશ ગયેલા લોકો કે તેમની પછીની પેઢીનો મૂળીયાં સાથેનો સંબંધ વધારે સહજતાથી જળવાઇ શકે, એ માટે વર્ષ ૨૦૦૬માં ‘ઓવરસીઝ સિટિઝનશીપ ઓફ ઇન્ડિયા’(ઓસીઆઇ)ની જોગવાઇ કરવામાં આવી. ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ તરીકે જાણીતી આ યોજનામાં ‘પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન’ (પીઆઇઓ- પિતા કે માતા ભારતીય હોય એવા લોકો)ને વિદેશમાં વસતા ‘ભારતીય’ તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. સંબંધિત વિભાગના મંત્રી વી.રવિએ આપેલા આંકડા પ્રમાણે અત્યાર સુધી અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત ૯૦થી પણ વઘુ દેશોમાં વસતા દસેક લાખ ભારતીયોએ ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ મેળવી છે. તેના મુખ્ય બે ફાયદા છેઃ આ કાર્ડ ધરાવતા બિનનિવાસી ભારતીયોને ભારત આવતી વખતે વીઝા લેવાની જરૂર પડતી નથી. તે ઇચ્છે ત્યારે ભારત આવી શકે છે અને ઇચ્છે એટલું રોકાઇ શકે છે. ભારતીય નાગરિક તરીકે તેમને પોતાના આગમન વિશે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પણ રહેતી નથી.
અલબત્ત, તેના માટે વપરાયેલો ‘સિટિઝનશીપ’(નાગરિકત્વ) શબ્દ છેતરામણો છે. કારણ કે ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ ધરાવનારને ભારતમાં મતાધિકાર મળતો ન હતો. એ અંગે બિનનિવાસી ભારતીયોની માગણીને ઘ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૦માં ‘રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ બિલ, ૨૦૧૦’માં એક સુધારો કરવામાં આવ્યો, જે સંસદમાં પસાર થઇને ફેબુ્રઆરી ૧૦, ૨૦૧૦થી અમલી બન્યો. એ સુધારા મુજબ વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં યોજાતી ચૂંટણીમાં મતનો અધિકાર આપવામાં આવ્યો. તેમાં બે મહત્ત્વની શરતો હતીઃ ૧) કામ, અભ્યાસ કે બીજા કોઇ કારણે વિદેશમાં રહેતા પરંતુ વિદેશના નાગરિક ન હોય એવા ભારતીયો જ ભારતમાં પોતાના મતવિસ્તારની મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે. ૨) મત આપવા માટે તેમણે ચૂંટણીના દિવસે રૂબરૂ હાજર રહેવું પડે.
તેનો અર્થ એ થયો કે ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ ધરાવતા એન.આર.આઇ. ભારતમાં મત આપી શકે નહીં. કારણ કે તે બીજા દેશનું નાગરિકત્વ મેળવી ચૂક્યા છે. પાકી સિટિઝનશીપ ન ધરાવતા બિનનિવાસી ભારતીયોમાંથી પણ ચૂંટણીના દિવસે ભારતમાં હાજર હોય એવા લોકો કેટલા હોવાના? એટલે કાગળ પર બિનનિવાસી ભારતીયોને મતાધિકાર મળ્યો હોવા છતાં, તે નહીં મળ્યા બરાબર બની રહ્યો. પરદેશમાં રહીને ભારતની મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા માટેની પ્રક્રિયા પણ અઘરી અને બાબુશાહીના અવરોધોથી ભરપૂર હોવાનું જણાયું. તેમાં છેવટે એટલી સરળતા કરી નાખવામાં આવી કે કોઇ પણ બિનનિવાસી ભારતીય પોતાના ભારતીય પાસપોર્ટની જાતે પ્રમાણિત કરેલી (સેલ્ફ અટેસ્ટેડ) નકલ રજૂ કરીને મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકે. છતાં, મંત્રી વી.રવિના જણાવ્યા પ્રમાણે, આ યોજનાનો બહુ મોળો પ્રતિસાદ મળ્યો છે. બિનનિવાસી ભારતીયો ઇચ્છે છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમને ભારત સુધી લાંબા ન થવું પડે અને વિદેશમાં રહીને જ મત આપી શકાય એવી વ્યવસ્થા સરકારે કરવી જોઇએ.
એન.આર.આઇ.મહિમા
‘ઊંટ મરે ત્યારે મારવાડ ભણી જુએ’ એવી કહેણી પ્રમાણે ઘણાખરા બિનનિવાસી ભારતીયો જીવનની આનંદ અને શોકની તમામ અવસ્થામાં પોતપોતાના ‘મારવાડ’ (દેશ) ભણી જુએ છે. આ લાગણી કાવ્યાત્મક રીતે વ્યક્ત કરતાં ‘સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા’માં કવિ ઇકબાલે લખ્યું હતું, ‘ગુરબતમેં હો અગર હમ, રહેતા હૈ દિલ વતનમેં/ સમજો વહીં હમેં ભી, દિલ હો જહાં હમારા’. (તન ભલે વતનથી દૂર હોય, પણ મન તો વતનમાં જ છે)
બિનનિવાસી ભારતીયોનો સમુહ પહેલાં ‘અમે ભલે દૂર રહ્યા, પણ અમને તમારી સાથે જ ગણજો’ એ પ્રકારની લાગણી વ્યક્ત કરતો હતો. હવે તેમની લાગણી જ નહીં, માગણી પણ એવી રહે છે કે તેમને ભારતના નાગરિકો સમકક્ષ ગણવામાં આવે. સરકાર પાસેથી ઘરના (દેશના) માણસ જેવી બેરોકટોક પહોંચ અને મહેમાન જેવાં માન-પાન- સુવિધા-દરજ્જો મેળવવા માટે તે ઉત્સુક હોય છે.
કેન્દ્ર સરકાર પાસે અપેક્ષા રાખવામાં દેશના એક અબજ નાગરિકો ઓછા છે, તે એ દેશની બહાર રહેનારા ‘મૂળનિવાસી’ઓની માગણી પર ઘ્યાન આપે? પરંતુ વિદેશમાં રહેતા ભારતીયો ભારતમાં અઢળક ભંડોળ જમા કરાવે છે. એક અંદાજ પ્રમાણે, વર્ષ ૨૦૧૦માં વિદેશમાં વસતા ભારતીયોએ બઘું મળીને પંચાવન અબજ ડોલર જેટલી રકમ ભારત મોકલાવી હતી. તેમના અવાજને ભારત સરકાર સાવ અવગણી શકતી નથી.
એન.આર.આઇ.ના ભંડોળ ઉપરાંત તેમની અવરજવર અને તેમની સિદ્ધિઓનો પણ ભારત અને ભારતવાસીઓને ઘણો ખપ હોય છે. બિનનિવાસી ભારતીયો દેશમાં આવે ત્યારે તેમની અધધ ખરીદીભૂખને કારણે સ્થાનિક બજારો ઊંચકાય છે. પોતાના ગામ જતી વખતે સામાનના ખડકલા કરનારા ઉત્તર પ્રદેશ- બિહારના કામદારો પ્રત્યે તુચ્છકાર સેવનારા લોકો, સામાનથી લદાયેલાં પરદેશી એન.આર.આઇ. પ્રત્યે અહોભાવની નજરે જુએ છે. બિનનિવાસી ભારતીયો શિયાળામાં ‘દેશ’ની મુલાકાતે આવે ત્યારે તેમના મનમાં રૂપિયાને બદલે ડોલર (કે પાઉન્ડ)નું મીટર ફરતું હોય છે. ખરીદી કરવાની વાત આવે એટલે તે ‘સુપરમેન’ બની જાય છે. મોટા ભાગના સ્થાનિક લોકો જે કિંમત સાંભળીને બેભાન થઇ જાય એવી કિંમતોમાં તે કપડાંથી માંડીને અનેક ચીજોની ખરીદી કરે છે. આ સીઝનમાં કોઇ સ્થાનિક ગ્રાહક ભાવતાલ કરવા જાય ત્યારે ‘તમે રહેવા દો. આ તમારા માટે નથી. તમારે આ સીઝનમાં આવવું જ નહીં.’ એવું દુકાનદારો મોઢે કહી શકે છે.
બિનનિવાસી ભારતીયોની સિદ્ધિ વિશે ગૌરવ લેવાનું આવે ત્યારે પણ ભારતીયો લધુતાગ્રંથિના માર્યા શરમજનક પડાપડી કરે છે. કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ જેવા વર્તમાનકાળના કિસ્સામાં અને નોબેલ પારિતોષિક વિજેતા હરગોવિંદ ખુરાના જેવા ભૂતકાળના કિસ્સામાં એ વૃત્તિ અનેક વાર દેખાઇ આવે છે.
વતનપ્રેમ અને વિકૃતિ
બહુમતી એન.આર.આઇ.માં દેશ છોડ્યા પછી દેશપ્રેમના ઉભરા પેદા થાય છે. વતનઝૂરાપો સ્વાભાવિક છે. માનવીય પણ છે. છતાં તેનો અતિરેક હાસ્યાસ્પદ બને છે. દેશ છોડીને વિદેશમાં વસેલા ભારતીયોના મોઢેથી અવિરત ભારતમહિમા સાંભળ્યા પછી ઘણી વાર એવો સવાલ થાય કે દેશમાં ખરેખર આટલું સારું હોય તો તેમને વિદેશ જવાની જરૂર કેમ પડી? દેશ છોડ્યા પછી દેશની કેટલીક બાબતોની કિંમત થાય એ સમજી શકાય એવું છે. છતાં વતન અને નવા વસવાટ વિશે વાત કરતી વખતે બહુ ઓછા લોકો સંતુલન જાળવી શકે છે.
મોટા ભાગના એન.આર.આઇ.ની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેમણે જે સમયે ભારત છોડ્યું હોય, તે સમયગાળો તેની તમામ મર્યાદાઓ અને ખામીઓ સહિત તેમના મનમાં ફ્રીઝ થઇ જાય છે. ગયો હોય છે. એટલે, અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં વર્ષો બલ્કે દાયકાઓ ગાળ્યા પછી પણ એ સમાજમાંથી લેવા જેવાં મૂલ્યો તે લઇ શકતાં નથી અને ભારતની સમાજવ્યવસ્થા અને સંકુચિતતાનાં છોડવાં જેવાં ‘મૂલ્યો’ છોડી શકતાં નથી.
શિયાળામાં ગુજરાત કે ભારત ઉમટી પડતાં કેટલાં એન.આર.આઇ. પોતાની સાથે અંગ્રેજ-અમેરિકન સંસ્કૃતિની જાણેઅજાણે થયેલી વાનરનકલ સિવાયનાં, તેનાં હકારાત્મક મૂલ્યો લઇને આવે છે? ઘણી વાર તો એવું લાગે કે એ લોકો ‘ત્યાં’ રહીને એ દેશોના રીતરિવાજ પ્રમાણે બદલાયા હશે, તો પણ વતનમાં આવે ત્યારે પોતે કેવળ બહારથી જ (પહેરવેશ અને આર્થિક સ્થિતિમાં) બદલાયા છે - ભીતરથી એટલા જ ‘ભારતીય’ છે, એવું બતાવવામાં ગૌરવ સમજે છે. અહીં ‘ભારતીય’નો અર્થ છેઃ જ્ઞાતિવાદી, સંકુચિત મનોવૃત્તિ ધરાવતા, વૈચારિક રીતે પછાત, અંધશ્રદ્ધાળુ, ધાર્મિકતા-આઘ્યાત્મિકતાના નામે ગમે તેવા બાવાબાવીઓને ધંધાની ઉત્તમ તક પૂરી પાડનારાં અને છોગામાં આ બધાં લખ્ખણોને ‘ભારતીય સંસ્કૃતિ’નો પર્યાય ગણીને તેને છાતીએ ચાંપી રાખનારાં- પોતાનાં સંતાનોને પણ એ રસ્તે ધકેલવાનો પ્રયત્ન કરનારાં. છેલ્લા દાયકામાં તે ભારતની ‘પ્રગતિ’ જોઇને હરખાય છે, કારણ કે કેટલાક શહેરી ભારતીયોને જેમ ઘણાખરા બિનનિવાસી ભારતીયો વાસ્તવિક સમસ્યાઓ અંગે સુખપૂર્વક અજ્ઞાન સેવે છે.
સારા રસ્તા, શોપિંગ સેન્ટરોની અને હોટેલોની ઝાકઝમાળ, ઇન્ટરનેટ કનેક્શન, ડાયરેક્ટ ફ્લાઇટ જેવાં પરિબળોના આધારે તે ભારતની પ્રગતિનું માપ કાઢે છે. સમસ્યાઓની વાત આવે તો તેમાંના ઘણાની યાદી ભ્રષ્ટાચારથી શરૂ થાય છે ને ત્યાં જ અટકી જાય છે. જ્ઞાતિવાદ અંગે તેમની સાથે વાત કરવી અઘરી પડે છે. કારણ કે વિદેશમાં ગયા પછી ઘણી વાર તે હોય એના કરતાં પણ વધારે સંકુચિત બન્યા હોય છે. જમીનહક જેવા પ્રશ્નો અંગે તેમની જાણકારી અને એ મેળવવાની ઇચ્છા નહીંવત્ હોય છે. આવા બિનનિવાસીઓને તેમની માગણી પ્રમાણે, વિદેશમાં રહીને પોસ્ટથી કે ભારતીય એલચી કચેરીઓમાં મતનો અધિકાર આપવામાં આવે, તો એ ભારતીય મતદાતાઓને અન્યાય ગણાશે. દેશની સમસ્યાઓની સાચી સમજણ વિના અને કરવેરા સ્વરૂપમાં સમૃદ્ધ નાગરિક તરીકે પોતાનો હિસ્સો આપ્યા વિના, તેમને મળતો મતાધિકાર ચૂંટણીશાહી બનેલી ભારતની લોકશાહી માટે અવળી દિશામાં વઘુ એક પગલું બની રહેશે.
ચુંટણી પદ્ધતિનો સામાન્ય નિયમ એ છે કે દરેક ઉમેદવાર અમુક કે તમુક પ્રકારે ઓળખી શકાય એવા મતદારવર્ગને પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરે છે. કઈ રીતે? સામાન્ય રીતે એમને લાગુ પડતા કાયદામા ફેરફાર કરવાનું વચન આપીને. ભારતીય લોકશાહી હજુ એટલે સુધી પહોંચી નથી એ વાત અલગ. એ દ્રષ્ટિએ વિચારીએ તો જે પક્ષ કે ઉમેદવાર NRI મતદારોને આકર્ષવા માંગતા હોય એ એમને લાગુ પડતા કાયદા લાવવાના ચુંટણી વચનો આપે. એવા કાયદા મુખ્યત્વે ભારતમા રહેતા ભારતીયોને એટલા બધા અસર ન કરતા હોય એવું માનીએ તો એન આર આઈના મતદાન અધિકાર અંગે આટલો પાક્કો અભિપ્રાય બાંધવો સહેલ નથી . જો કોઈ કાયદો અસર કરતો પણ હોય તો ભારતમા રહેતા ભારતીયો એના વિરુદ્ધમા મતદાન કરીને એમની ઈચ્છા જણાવી જ શકે છે. વળી, કોઈ પણ મતદારક્ષેત્રમાં એન આર આઈ નું પ્રમાણ બીજા ઘણા વર્ગોથી નાનું હોઈ એમને મોટા પાયે અસર કરી શકે એવું પણ નથી.સૈદ્ધાંતિક રીતે બે રાષ્ટ્રોના નાગરિકત્વ સામે વાંધો ન હોય તો મતદાન અંગે પણ ન હોવો ઘટે. આ જ વાત internal migration માટે પણ સાચી છે. રાજસ્થાનનો રસોઈયો જીંદગી નો મોટો ભાગ મુંબઈમા વિતાવતો હોય તો એ પોતાના ગામમા મતદાન કરે કે મુંબઈમા? જવાબ ધારીએ એટલો સહેલો નથી.
ReplyDeleteઅમિતભાઇ, વાત તો ખરી. જવાબ ધારીએ એટલો સહેલો હોતો નથી. લેખમાં એક મુદ્દો એ પણ છે કે રાજસ્થાનનો રસોઇયો મુંબઇમાં રહીને રાજસ્થાનમાં મત આપી શકે એ બાબતે સરકાર એટલી ઉત્સાહી નથી હોતી- અને ખરું પૂછો તો આંતરિક સ્થળાંતર કરતાં આ મુદ્દો ઘણો જુદો છે. તેને આની સાથે સરખાવી શકાય કે કેમ, એ મોટી શંકા છે.
ReplyDeleteબે રાષ્ટ્રોનું નાગરિકત્વ હોવું અને બે રાષ્ટ્રોમાં મતદાન કરવું - એ ગોટાળો 'નાગરિકત્વ' શબ્દના પ્રયોગને કારણે વધારે થાય છે. બાકી, મારા જેવા ઘણાને એક વ્યક્તિ બે દેશમાં મત આપે તે અતાર્કિક લાગી શકે.
આનાથી ભ્રષ્ટાચારની કડી હજી એક ડગલું આગળ વધશે . બિનનિવાસી ભારતીય ચૂંટણી ભંડોળ આપીને કાયદાકીય ગુંચવાળા ઉભા કરી શકે
ReplyDeleteઆ લેખમાંની તમારી દલીલો અને તેની પાછળની લાગણીઓસાથે સહમત છુ.
ReplyDeleteઆજ દેશમાં જન્મેલા,અહીંનાં જ વાતાવરણમાં [કમ સે કમ ગ્રેજ્યુએશન સુધી] મોટા થયેલા, છોકરાંઓ મોટાં થાય ત્યારે અહીંનું 'સલામત-સાંસ્કૃતિક' રક્ષણ શોધતાં આ 'એન આર આઇ'ઓ અહીં 'ફરવા' આવે ત્યારે તેનો 'આ દેસ' ગંદો, ઘોંઘાટીયો અને પંચાતીયો લાગે છે, આજે પણ!
@ashok patel: sorry, your comment has been deleted by mistake. pl. post it again so that i can publish it.
ReplyDeleteઉર્વીશભાઈ,
ReplyDeleteએ કોમેન્ટમાં લખેલી વાતો શબ્દશઃ યાદ નથી પણ મતલબ આ હતો: તમે આખા લેખમાં એન.આર.આઈ.ને મતાધિકાર ના આપવા માટેના કોઈ કારણો આપ્યા નથી. ફક્ત છેલ્લા બે ફકરામાં લખ્યું છે કે મોટા ભાગના એન.આર.આઈ. અંધશ્રદ્ધાળુ અને જ્ઞાતિવાદી હોય છે, અને સારા રસ્તા વગેરેને વિકાસ માની લે છે. આ બધા તમારા (કોઈ આધાર વિનાના) અંગત અભિપ્રાયો અને પૂર્વગ્રહો છે, પણ આ સાચું માની લઈએ તો પણ આ બધી બાબતોને મતાધિકાર આપવો કે નહિ એ વસ્તુને કોઈ લાગતું-વળગતું નથી. આ બધા લક્ષણો ધરાવતા ઘણાય લોકો ભારતમાં વસનારાઓ પણ છે.
તમારા એન.આર.આઈ. વિષેના અંગત પૂર્વગ્રહો આપ્યા વિના ફક્ત એમની પોતાની મતાધિકાર મેળવવા પાછળની શું દલીલો છે, એ દલીલો સામે તમારા શું તર્ક છે (અને જો એમની કોઈ દલીલ સાચી હોય તો પણ એ કઈ કઈ), એમને મતાધિકાર આપવાના ફાયદા-ગેરફાયદા (દેશના લોકોને, એન.આર.આઈ.ઓને અને એમના ભારતમાં રહેતા સગા-વહાલાઓને અંગત રીતે થતા), વગેરેની સાથે અને સચોટ આંકડાકીય માહિતી સાથેનો લેખ હોત તો વાંચવો લેખે લાગત. પણ આ લેખ ફક્ત તમારા એન.આર.આઈ.ઓ વિષેના અંગત મંતવ્ય જાણવા પુરતો રહી ગયો.
અશોક પટેલ