Homai Vyarawala (Photo: Rabi Shukla, Deoria, U.P.) |
રવિવારે,જાન્યુઆરી ૧૫ના રોજ વિદાય લેનારાં હોમાય વ્યારાવાલાએ હજુ ગયા મહિને, ૯ ડિસેમ્બર (૨૦૧૧)ના દિવસે ૯૮ વર્ષ પૂરાં કર્યાં હતાં. સો વર્ષ પૂરાં કરવાનું તેમના મનમાં કોઇ વિશેષ આકર્ષણ ન હતું. એ જીવનની લંબાઇનાં નહીં, તેની ગુણવત્તાનાં આગ્રહી હતાં.
હોમાયબહેનથી પ્રભાવિત થવું બહુ આસાન હતું. નબળા-સબળા, સારા-નરસા, જાણીતા-અજાણ્યા સૌ કોઇ પોતપોતાની રીતે તેમનાથી પ્રભાવિત થતા હતા. એ માટેનાં સબળ કારણોની ખોટ ન હતીઃ હોમાય વ્યારાવાલા ભારતનાં પહેલાં ન્યૂઝ ફોટોગ્રાફર હતાં. ફોટોગ્રાફર તરીકેની સુદીર્ઘ અને યશસ્વી કારકિર્દીમાં તેમણે પરાધીન ભારતનાં છેલ્લાં વર્ષો અને આઝાદ ભારતના શરૂઆતના દાયકાઓની ઐતિહાસિક ક્ષણોને તસવીરમાં ઝીલીને અમરત્વ આપ્યું.
તેમના ભવ્ય પ્રદાનને બે પૂંઠા વચ્ચે મૂકી આપતા પુસ્તક ‘કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા’ (લેખિકાઃ સબીના ગડીહોક, ૨૦૦૬)માં ગાંધીજી-સરદાર-નેહરુ-ઝીણા-માઉન્ટબેટન જેવા નેતાઓ સાથેના તેમના પ્રસંગ, તેમણે લીધેલી તસવીરો જોઇને કોણ પ્રભાવિત થયા વિના રહી શકે? જનરલ કરિઅપ્પાએ તેમનું લાડકું નામ ‘એનર્જી’ પાડ્યું હતું. ડો.રાધાકૃષ્ણન્ બીજા લોકો આગળ હોમાયબહેનની ઓળખાણ ‘માય લેડી ફ્રેન્ડ’ તરીકે આપતા અને હોમાયબહેનના મિત્રો ગમ્મતમાં ડો.રાધાકૃષ્ણનને હોમાયબહેનના ‘બોયફ્રેન્ડ’ તરીકે ઓળખાવતા. સરદાર પટેલ તેમને ‘આપણી ગુજરાતણ’ ગણીને, એકમાત્ર મહિલા તસવીરકાર તરીકે તેમના વિશે રાજીપો અનુભવતા. આઝાદી પછી માહિતી-પ્રસારણ મંત્રી તરીકે ‘ફોટોગ્રાફર જોઇએ છે’ની સરકારી જાહેરાતમાં સરદારે ખાસ એક લીટી ઉમેરાવી હતીઃ ‘વુમન કેન ઓલ્સો એપ્લાય’, જે ફક્ત હોમાયબહેનને જ લાગુ પડતી હતી. (હોમાયબહેનને સરકારી નોકરીમાં રસ ન હોવાથી તેમણે અરજી ન કરી એ જુદી વાત છે.)
એવાં સ્મરણોની યાદ બાકીની જિંદગી ખણ્યા-ખોતર્યા કરતા અને વર્તમાનમાં મળનારા લોકોને સખત કંટાળો આપતા લોકો ઘણા હોય છે. હોમાયબહેન એવાં બિલકુલ ન હતાં. ભૂતકાળની ભવ્યતામાં રાચવાનો તો ઠીક, જરૂર ન ઉભી થાય ત્યાં સુધી એ વિશે વાત કરવાનો પણ તેમનો સ્વભાવ નહીં. વાઇસરોયની ને વડાપ્રધાનોની, દેશી-વિદેશી મહાનુભાવોની ફોટોગ્રાફી કરી ચૂકેલાં હોમાયબહેન ભૂતકાળ વિશે જવાબો આપતી વખતે પણ અફસોસ, નિઃસાસો કે ભવ્યતાની રંગીની વિના કેવળ તથ્યના વર્ણનની રીતે વાત કરતાં. ભાઇ બીરેન સાથે અનેક વાર હોમાયબહેનને મળવાનું થયું, ત્યારે ઘણી વાર એવું બનતું કે કલાક-દોઢ કલાકની વાતચીતમાં તેમની ફોટોગ્રાફી વિશે વાત જ ન થઇ હોય.
ચારેક દાયકા પહેલાં તે ફોટોગ્રાફી છોડી ચૂક્યાં હતાં.પરંતુ તેમની પાસે મનગમતી, મૌલિક પ્રવૃત્તિઓની ખોટ ન હતી. ઘરકામ ઉપરાંત લુહારીકામ, સુથારીકામ, પ્લમ્બિંગથી માંડીને પાકશાસ્ત્ર, બાગકામ અને ફુલોની કળાત્મક ગોઠવણી (ઇકેબાના) વગેરેમાં તેમનો સમય સાર્થક રીતે વીતતો હતો. તેમની આ પ્રવૃત્તિઓમાં ગૃહિણીસહજ ‘ટાઇમપાસ’ની વૃત્તિ નહીં, પણ હાડથી કલાકાર એવી એક વ્યક્તિની સર્જકતા વ્યક્ત થતી, જે છેવટ સુધી જળવાઇ રહી. તેનાથી પ્રભાવિત થનારા લોકો પણ મોટી સંખ્યામાં હતા.
બીજા ઘણા પોતાનું કામ જાતે જ કરવાના તેમના આગ્રહથી સ્તબ્ધતાની હદે આશ્ચર્યચકિત થઇ જતા. કેન્સરની બિમારીમાં પુત્ર ફારુકે વર્ષો પહેલાં વિદાય લીધી હતી. પુત્રવઘુ ધન વ્યારાવાલા કશા અણબનાવ કે દુર્ભાવ વિના પિતાના ઘરે જમશેદપુર રહેતાં અને હોમાયબહેન વડોદરામાં. તેમને મળવા આવનાર ઘણાખરા લોકો તેમને એકલાં રહેતાં-જાતે ઘરકામ કરતાં જોઇને અરેરાટી ને ડચકારા બોલાવતા, સહાનુભૂતિ વ્યક્ત કરતા, પરંતુ હોમાયબહેનને તેનો બિલકુલ ખપ ન હતો. તે એકલાં હતાં, પણ એકલવાયાં નહીં.
તેમનાં ધોરણો અને આગ્રહ એટલા કડક હતા કે બહુ થોડા લોકો સાથે તેમને આત્મીયતા બંધાતી. તેમના ઘરે આવીને, તેમની એકલતાથી પ્રેરાઇને, પોતે ધારી લીધેલા તેમના બિચારાપણાથી દ્રવીને લોકો જાતજાતના વાયદા કરતા, પણ ત્યાંથી બહાર નીકળ્યા પછી ભાગ્યે જ કોઇને પોતે કરેલા વાયદા યાદ રહેતા. હોમાયબહેન તેનાથી બહુ ખીજાતાં: ‘મારે મદદ જોઇતી નથી. મેં મદદ માગી નથી. છતાં લોકો અહીં આવીને ધરાર મદદ આપવાની મોટી વાતો કરે છે ને બહાર જઇને ભૂલી જાય છે. એના કરતાં ખોટા વાયદા ન આપતા હોય તો?’
છેલ્લા થોડા મહિનાને બાદ કરતાં, હોમાયબહેન ભાગ્યે જ કોઇને કામ સોંપતાં. અજાણ્યા માણસ પરનું પરાવલંબન તેમને મોત કરતાં ખરાબ લાગતું. સ્વાવલંબનનો તેમનો આગ્રહ સામાન્ય સંસારી માણસને અકળાવે એટલી હદનો દૃઢ હતો. એ કોઇને કામ સોંપે ત્યારે મનાતું કે તેમને વિશ્વાસ પડવાની શરૂઆત થઇ છે. તેમના નિકટ વર્તુળમાં લાંબા સમયથી પ્રવેશી શકેલાં અને છેવટ સુધી ટકી રહેલાં જૂજ લોકોમાં ત્રણ દાયકાનાં તેમનાં સાથી- પાડોશી શ્રીમતી જયશ્રી મિશ્રાનો પરિવાર, પારસી વર્તુળમાં શ્રીમતી હવેવાલા, તેમના વિશેનું પુસ્તક લખનાર સબીના ગડીહોક (દિલ્હી), ઘણી વાર તેમની સાથે વડોદરા આવીને રહેતા, ઉંમરમાં તેમનાથી બે પેઢી નાના ફોટોગ્રાફર અસીમ ઘોષ (દિલ્હી) અને બીરેન કોઠારી-પરેશ પ્રજાપતિ પરિવારો (વડોદરા) મુખ્ય હતાં. વડોદરાનાં મેયર જ્યોતિબહેન પંડ્યા વખતોવખત કશા કામ વિના, ફક્ત વાતો કરવા માટે તેમની મુલાકાત લેતાં અને હોમાયબહેનની પૂરી ગરીમા જાળવતાં. તેમના મૃત્યુ વખતે પણ હોદ્દા કરતાં વધારે લાગણીનાં દોરાવ્યાં એ આવ્યાં હતાં અને તેમનો ઢાંકેલો ચહેરો ઉઘાડીને તેની પર મમતાથી હાથ પસવારવાની સ્વજન-સહજ ચેષ્ટા કરી હતી.
આ હોમાયબહેન વિશે રાષ્ટ્રિય સ્તરે સૌથી વાહિયાત સમાચારોનો લાંબો સિલસિલો નેનો કારના મુદ્દે ચાલ્યો. ‘નેનો’ કાર તેમને (રૂપિયા ખર્ચીને જ) પ્રાથમિકતાના ધોરણે મળવાનું જાહેર થતાં, ‘તાતા હોમાયબહેનને પહેલી નેનો આપવાના છે’ એવા ગપગોળા ચગ્યા. ‘નેનો મળશે’, ‘હજુ નેનો મળી નથી’ અને ‘હવે નેનો મળે તો પણ એ લેવાનાં નથી’ એવાં જૂઠાણાં અખબારી અહેવાલો તરીકે દિવસો સુધી મરીમસાલા સાથે છપાતાં રહ્યાં. હોમાયબહેનને ‘નેનો’ મળી ત્યારે જૂની ફિયાટની પ્રેક્ટિસને કારણે અને વયને લીધે એ કાર ન ફાવતાં થોડા દિવસમાં તેમણે ‘નેનો’ કાઢી નાખી. એ અરસામાં એક વાર થયેલી મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું,‘ધે મેડ માય લાઇફ મિઝરેબલ’. (એ લોકોએ-જાણ્યાસમજ્યા વિના લખનારાએ- મારી જિંદગીમાં ત્રાસ ફેલાવી દીધો હતો.)
વડોદરાનાં વર્ષોમાં- ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષોમાં-નાનામાં નાના મોકે, પૂરું ઔચિત્ય જોયા-જાળવ્યા વિના અવતરણ કે ઇન્ટરવ્યુ માટે હોમાયબહેન પાસે ધસી જવાનો જાણે રિવાજ પડી ગયો હતો. એવી રીતે જનારામાંથી કેટલાક એવો ભાવ ધરીને જતા, જાણે તે હોમાયબહેનને છાપામાં ‘ચમકાવી’ રહ્યા છે કે તેમની સેવા કરી રહ્યા છે. સ્વાભાવિકપણે, લગભગ અધિકાર લેખે, ઉદ્ધત-અશિષ્ટ વર્તન કરતા મિડીયાવાળા પ્રત્યે હોમાયબહેનને સખત ખીજ હતી. છતાં મૂળભૂત સૌજન્યને કારણે તે બને એટલો સહકાર આપતાં. તેમના આ સૌજન્યનું ખોટું અર્થઘટન કરીને તેમને સૌથી હાથવગાં ગણી લેવામાં આવતાં.
તેમના વિશેના ખોટા સમાચારનો દૌર તેમના મૃત્યુ પછી પણ ચાલુ રહ્યો. હોમાયબહેન પ્રખર ધાર્મિક ખરાં, પણ રૂઢિચુસ્ત-ક્રિયાકાંડી ન હતાં. તેમની ઇચ્છા પારસી રિવાજ પ્રમાણે નહીં, પણ અગ્નિસંસ્કાર કરીને દેહનો નિકાલ કરવાની હતી. તેમનો તર્ક એવો હતો કે પારસી પરંપરા પ્રમાણે મૃતદેહનો ભક્ષ્ય કરી શકે એટલાં ગીધ હવે બચ્યાં નથી. તેથી મૃતદેહ લાંબા સમય સુધી પડ્યો રહે તેના કરતાં રાખ થઇ જાય તે સારું. પરંતુ તેમને અગ્નિદાહ આપવાનો છે એ જાણ્યા પછી ‘હિંદુ વિધી પ્રમાણે અંતિમ સંસ્કાર’નાં મથાળાં બંધાયાં, જે સદંતર ખોટાં હતાં.
વડોદરાના બહુચરાજી તરીકે જાણીતા ખાસવાડી સ્મશાને તેમને લઇ જતાં પહેલાં ઘરે પારસી ધર્મગુરૂએ પ્રાર્થના કરી હતી. તેમનાં અસ્થિમાંથી થોડો હિસ્સો તેમણે જતનથી ઉછેરેલા બગીચામાં, બીજો થોડો હિસ્સો પરેશ પ્રજાપતિ સાથે એક વાર વાતવાતમાં પ્રગટ કરેલી ઇચ્છા પ્રમાણે ગંગા નદીમાં અને બાકીનો હિસ્સો તેમની સક્રિય કામગીરીનાં બે સ્થળે- દિલ્હી અને મુંબઇ વિસર્જન માટે મોકલવામાં આવ્યો છે. તેમની સઘળી તસવીરો અને કેમેરા દિલ્હીના અલકાઝી ફાઉન્ડેશનમાં સુરક્ષિત છે અને તેનાં વખતોવખત પ્રદર્શન યોજાતાં રહે છે. એ સિવાય તેમને એક વાર પણ મળ્યા હોય એ દરેકના મનમાં હોમાયબહેનની અમીટ છબી કાયમ માટે રહેવાની છે.
હોમાયબેનના ચરિત્રમાં એક પ્રસિદ્ધિની બહુ નજીકની જીંદગી જીવ્યા બાદ પાછલી ઉમરમાં તે જે પ્રમાણે જીવ્યા તેમાં ઘણું શીખવા જેવું છે. સ્વ-નિર્ભરતા, નિસ્પૃહતા, અંગત શોખની કેળવણી અને જાળવણી, ઔપચારિકતા અને અનૌપચારીક્તાનો યોગ્ય ઉપયોગ વગેરે ખાસ તેમના મજબૂત વ્યક્તિત્વનું દર્શન કરાવે છે. તમારા અને બિરેનભાઈના લખાણોને લીધે એક અવસાને નિમિત્તે આવતી ટીપીકલ મૃત્યુનોંધ વચ્ચે આ રસપ્રદ વ્યક્તિત્વ વિષે નવા માનવીય અભિગમથી વાતો જાણવા મળી, આવી ઇનસાઇડ સ્ટોરી માટે આભાર.
ReplyDeleteહોમાય વ્યારાવાલા ભારતના પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ, પારસી મહિલા, બસ આ સિવાયની કોઇ જ માહિતી મને નહોતી. કોઠારી બંધુઓ દ્વરા જ તેમની સાચી ઓળખ થઇ. તેમના અક્ષરો, તેમની કળા, તેમની આવડત, એક ફોટોજર્નાલિસ્ટ સિવાયનું હોમાય વ્યારાવાલાનું બહોળું અને બાહોશ વ્યક્તિત્વ ઉર્વીશભાઇ અને બિરેનભાઇના બ્લોગ થકી જાણવા મળ્યું. ઘણુખરું શીખવા મળ્યું. હોમાયબેન વ્યારાવાલા નો ચરિત્રલેખ માત્ર ચરિત્રલેખ ન બની રહેતા હોમાયબેનને ન મળ્યા સિવાય પણ તેમને અંગત રીતે જાણી શકાય તેવો માહિતીસભર અને જીવનની સાચી ફિલસૂફી આપતો લેખ બની રહ્યો એ બદલ ઉર્વીશભાઇ અને બિરેનભાઇને ખૂબખૂબ ધન્યવાદ.
ReplyDeleteમજા પડી વાંચવાની. ખાસ તો આવા લોકો વિષે હકીકતો અને કલ્પના વચ્ચે તફાવત સ્પષ્ટ થાય એ બહુ જરૂરી છે. આવા ધરોહર જેવા લોકોને મળ્યા પછી એક મીડિયા પર્સન તરીકે સમજાય કે ખરેખર તો આપડે એને પ્રસિદ્ધિ નથી આપતા. એ આપને પ્રસ્સિધ બનાવે છે..
ReplyDeleteHomai looks lovely in green.
ReplyDeleteખૂબ સરસ
ReplyDelete