(ગુજરાતની સ્થાપનાને પચાસમું વર્ષ બેઠું ત્યારનો એક હળવો લેખ)
અલગ ગુજરાતની સ્થાપના થઇ ત્યારે તે એક ‘પ્રયોગ’ ગણાતું હતું. એ પ્રયોગનાં પચાસ વર્ષ દરમિયાન ગુજરાત અને ગુજરાતીઓએ ઝીલેલાં, અપનાવેલાં, ખીલવેલાં, સુધારેલાં, બગાડેલાં, ફગાવેલાં અથવા દૃઢ કરેલાં કેટલાક લક્ષણ, તીરછી નજરે.
- ત્રણ-ચાર દાયકા પહેલાં જ્યાં અંગ્રેજી શીખવવા માટે આંદોલન કરવું પડતું હતું, એ જ ગુજરાતમાં હવે ગુજરાતી બચાવવા માટે આંદોલન કરવાં પડે છે- અને અંગ્રેજી શીખવવાનું તો હજુ બાકી જ છે. પરિણામે, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની અંગ્રેજી ભાષા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ગુજરાતી જેટલી જ ‘સારી’ હોય છે.
- પહેલાં ગુજરાત બહારના લોકો ગુજરાતી માટે ‘શું શાં પૈસા ચાર’ની છાપ ધરાવતા હતા. હવે બહારના લોકો ફાટી આંખે (હકારાત્મક અને નકારાત્મક બન્ને અર્થમાં) ગુજરાત ભણી જુએ છે, ત્યારે ખુદ ગુજરાતીઓ ગુજરાતીને ‘શું શાં પૈસા ચાર’ માને છે અને બે ગુજરાતીઓ મળે ત્યારે બમ્બૈયા હિંદીમાં કે હિંગ્લીશમાં વાતો કરે છે.
- સવિનય કાનૂનભંગનો જુસ્સો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદા સામે લોકજુવાળ તરીકે પ્રગટ થાય છે. અમૃત ‘ઘાયલ’નો એ મતલબનો એક શેર હતો કે ‘પીતાં આવડે તો હે મૂર્ખ મન મારા, કયો પદાર્થ એવો છે જે શરાબ નથી.’ ગુજરાતે આ ફિલસૂફી બરાબર પચાવી છે અને શરાબના નામે જે રાસાયણિક સંયોજન મળે તે ગટગટાવે છે. વૈશ્વિકીકરણ પછી હોમ ડીલીવરીની સુવિધા પણ છે.
- ગુજરાતીઓનો ‘ઇટીંગ આઉટ’નો ચસકો વર્ષો સુધી જ્ઞાતિભોજનો દ્વારા સંતોષાતો હતો. હવે મોંઘાંદાટ રેસ્ટોરાં એ ખોટ, ભારે કિંમત વસૂલીને, પૂરી કરે છે. જ્ઞાતિભોજનનો મિજાજ જાળવી રાખવાનો હોય તેમ, મોટા ભાગનાં રેસ્ટોરાંમાં પણ ભીડ, લાઇન, ધક્કા, પીરસનાર સાથે તકરાર અને થાળીમાં બધી વાનગીઓ એક સાથે ક્યારેય ભેગી ન થાય એવી ખાસિયતો જોવા મળે છે.
- ગુજરાતી થાળી અને ગુજરાતની પ્રજામાં સતત બહારના લોકો ઉમેરાતા અને ભળતા રહ્યા છે. રોટલી-દાળ-ભાત-શાક-કઠોળ-મિષ્ટાન્નથી સંપૂર્ણ ગણાતી ગુજરાતી થાળીમાં હવે પંજાબી અને ‘મદ્રાસી’થી માંડીને ચાઇનીઝ, મેક્સિકન, ઇટાલીયન, થાઇ વાનગીઓ સમાઇ ગઇ છે. ગુજરાતી થાળી બનાવનારા મહારાજ મોટે ભાગે રાજસ્થાની હોય છે. જ્ઞાતિપ્રથા સામે વિરોધ ધરાવતા લોકોને પણ જેનો મોહ થાય એવાં જ્ઞાતિભોજનનાં દાળ-બટાટાનું શાક હવે દોહ્યલાં બન્યાં છે.
- ‘ગુરબતમેં હો અગર હમ, રહેતા હૈ દિલ વતનમેં’ એવી ઇકબાલની પંક્તિ પ્રમાણે, પરદેશમાં રહેતા ગુજરાતીઓનો જીવ સદા ગુજરાતમાં રહે છે. ઉંટ ભલે મરે ત્યારે મારવાડ સામે જોતું હોય, પણ મોટા ભાગના ગુજરાતીઓ જીવતેજીવ ગુજરાત સામે તાકી રહે છે. એમના ગુજરાતપ્રેમની પૂર્વશરત એ છે કે કોઇ પણ ભોગે, જે દેશમાં જવા મળે ત્યાં, પણ ગુજરાત છોડવું, છોડવું ને છોડવું.
- ગુજરાતનો જન્મ અસ્થિરતાની આશંકાઓ સાથે થયો હતો, પણ આટલાં વર્ષો પછી ગુજરાતીઓ દરેક બાબતનું ગૌરવ લેતાં શીખી ગયા છે. અમેરિકન ગુજરાતી સુનિતા વિલિયમ્સ અવકાશમાં જાય કે દશેરાના દિવસે અમદાવાદમાં અમુક કરોડ રૂપિયાનાં ફાફડા-જલેબી વેચાય, ગુજરાતીઓ એકસરખું ગૌરવ અનુભવે છે.
- ગુજરાતમાં સામ્યવાદી બનવા માટે ‘દાસ કેપિટલ’ વાંચવા કરતાં સહેલો અને સુલભ રસ્તો નોનવેજ તરફ ફંટાઇ જવાનો હતો. માંસાહારી ભોજન, મદીરા અને ધુમ્રકંડિકા/સિગરેટનું સેવન તબિયત માટે જેવું હોય તેવું, સામ્યવાદ માટે ઉપકારક ગણાતું હતું. સામ્યવાદનો ‘સાપ’- ઘણા કોંગ્રેસી-ભાજપીના મતે ‘શાપ’ – ગયો, પણ તેના લીસોટા રહી ગયા છે. સામ્યવાદનો ‘સ’ ન સાંભળ્યો હોય એવી નવી પેઢી મોજથી ‘લીસોટા’નું સેવન કરે છે.
- ખાધેપીધે સુખી લોકો દીવાનખાનાંમાં બેસીને રાજકારણની ચર્ચા કરે છે. ક્યારેક સક્રિય થવાનું આવે તો, લાગ મળ્યે ગાડી લઇને ‘પેન્ટાલૂન’ જેવા સ્ટોર લૂંટવા જાય છે. મત આપવા જેવાં ક્ષુલ્લક કામોમાં તેમને રસ નથી. પોતાના ‘તારણહાર’ મળી જાય તો તેમના ખોળે માથું નાખીને ઉંઘવું અને ‘તારણહાર’ ન મળે ત્યાં સુધી ‘બધા ચોર છે’ એમ વિચારીને ઉંઘવું, તેમની પ્રિય પ્રવૃત્તિ છે.
- સમાજવાદી લોકોએ જેનાં સ્વપ્નાં જોઇને જિંદગી કાઢી નાખી એવો સમાજવાદ ગુજરાતમાં સેલફોનથી આવ્યો છે. એક સમાજવાદી શેઠની નવી વાર્તા કંઇક આવી છેઃ એક શેઠ એટલા સમાજવાદી હતા કે તેમની પાસે સેલફોન, તેમના નોકર પાસે પણ સેલફોન, તેમના માળી, રસોઇયા અને ડ્રાઇવર પાસે પણ સેલફોન!
- આંખમાં મેશને બદલે સ્વપ્નાં આંજેલી કોડભરી ગુજરાતી કન્યાઓ તેમના સંભવિત ભાવિ ભરથારના પ્રશ્નોની ઝડીના ટૂંકાક્ષરી જવાબો આપ્યા પછી, માથું સહેજ ઉઠાવીને એક જ સવાલ પૂછતી હતીઃ ‘ડ્રેસ (પંજાબી) પહેરવા મળશે?’ અને પ્રામાણિક મુરતિયાઓ આ સવાલથી ગેંગેંફેંફેં થઇ જતા હતા. હવે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બાળકોને મૂકવા સ્કૂલે આવેલી માતાઓની વસ્ત્રભૂષા જોઇને ભૂલથી ફેશનપરેડમાં આવી ગયાનો અહેસાસ થઇ શકે છે.
- અસલના ધાર્મિક ગુજરાતીઓને સવારસાંજ રામચરિતમાનસ કે ભાગવતના ગુટખાનું સેવન કર્યા વિના ગોઠતું ન હતું. ગુજરાતીઓના ગુટખાપ્રેમમાં કશી ઓટ નથી આવી. બલ્કે, એ વધ્યો છે. હવે પાન પરાગ,વિમલ, ઝટપટ, મિરાજ જેવા ગુટખાએ રામચરિતમાનસ-ભાગવતનું સ્થાન લીધું છે.
- ‘ભક્તિનો માર્ગ છે બૂઢાનો, નહીં જવાનનું કામ જો ને’ એવી જાડી સમજણ એક સમયે પ્રચલિત હતી. ફેશનેબલ વસ્ત્રો પહેરતી નવી પેઢીએ તે માન્યતા ખોટી પાડી છે. ધર્મસ્થાનોની અંદર જ નહીં, બહાર પણ ઉભરાતી ભીડમાં મોટું પ્રમાણ ‘જવાનિયા’નું હોય છે. બાઇક ચલાવતી વખતે રસ્તામાં આવતા મંદિર સમક્ષ, ચાલુ બાઇકે એક હાથ છાતી પર રાખીને ડોકું સહેજ ઢાળી દેવામાં પણ નવી પેઢી અગ્રસર છે.
- ગુજરાતીઓ અખબારો-સામયિકો વાંચવાના ભારે શોખીન છે- ખાસ કરીને તે બીજાનાં હોય ત્યારે. ગુજરાતમાં પાંચેક વર્ષ સુધી અખબારોમાં છપાયેલા ભેટકૂપનોની લોકપ્રિયતા એટલી પ્રચંડ હતી કે ભલભલા લોકપ્રિય કટારલેખકોને કૂપનની ઇર્ષ્યા થાય. સવારે સાત વાગ્યા છાપું આવે. સાત ને બે મિનીટે છાપામાંથી કૂપન કપાઇ જાય, ત્યાર પછી ઘણાં ઘરમાં છાપું ‘નકામું’ બની જતું હતું.
- ગુજરાતીઓ પુસ્તકો ખરીદતા નથી, એ છાપ હવે ખોટી સાબીત થઇ છે. અંગ્રેજી-ગુજરાતી પુસ્તકની એસી દુકાનોમાં ભારે ભીડ થાય છે. જોકે, ગુજરાતીઓ જે માત્રામાં પુસ્તકો ખરીદે છે, એ જ પ્રમાણમાં પુસ્તકો વાંચે છે, તે કેવળ સાંયોગિક પુરાવાના આધારે જ માની લેવાનું રહે છે. ઘણા વાચકો પણ પોતાના પ્રિય લેખકોની જેમ ‘જેકેટ રીડિંગ’થી કામ ચલાવી લે છે.
અદભુત વક્રાવલોકન !!
ReplyDeleteસ્વીકારવું પડે એ પણ ગુજલીશ માં "આમ તો ITS OK " !!
- ‘ડ્રેસ (પંજાબી) પહેરવા મળશે?’ અને પ્રામાણિક મુરતિયાઓ આ સવાલથી ગેંગેંફેંફેં થઇ જતા હતા.
ReplyDelete- પોતાના ‘તારણહાર’ મળી જાય તો તેમના ખોળે માથું નાખીને ઉંઘવું અને ‘તારણહાર’ ન મળે ત્યાં સુધી ‘બધા ચોર છે’ એમ વિચારીને ઉંઘવું, તેમની પ્રિય પ્રવૃત્તિ છે.
sari chhnavat kari chhe.
ઘાયલ સાહેબનો શેર કંઈક આવો છે-
તને પીતાં નથી આવડતું મૂર્ખ મન મારા,
નહિ તો પદાર્થ એવો કયો છે જે શરાબ નથી
suresh gavaniya
મજેદાર છે!
ReplyDelete