Shrilal Shukla (31-12-1925, 28-10-2011) at his Lucknow Residence |
એકાદ મહિના પહેલાં શ્રીલાલ શુક્લ/Shreelal Shuklaને જ્ઞાનપીઠ સન્માનથી નવાજવાના સમાચાર આવ્યા, ત્યારે હરખ કરતી એક-એક પોસ્ટ મેં અને બીરેને અમારા બ્લોગ પર મૂકી હતી.
તેમાં એમની સાથે 1997માં થયેલી મુલાકાતની કેટલીક વાતો પણ હતી. બાકીની વાતોનો બીજો ભાગ મૂકી શકીએ તે પહેલાં શ્રીલાલ શુ્ક્લના અવસાનના સમાચાર આવ્યા છે. તેમની બિમારી અને તેમને હોસ્પિટલમાં સન્માન અપાયું એવા સમાચાર મિત્ર રમેશ તન્નાએ આપ્યા હતા. તેમની ઉંમર (86વર્ષ) જોતાં તે પૂરી જિંદગી જીવ્યા અને ‘રાગ દરબારી’ જેવી કૃતિ આપીને તે અમર બન્યા.
‘રાગ દરબારી’ વિશેના મારા-અમારા લગાવ અને તેનાં કારણો વિશે અગાઉની પોસ્ટમાં લખ્યું હતું. પરંતુ આજે ‘રાગ દરબારી’ના સર્જકને વિદાયસલામી તરીકે, 1997માં તેમના લખનૌના નિવાસસ્થાને તેમની સાથે થયેલી વાતચીતના થોડા અંશ અને ‘રાગ દરબારી’ના ફિલ્માંકન સાથે સંકળાયેલી થોડી અજાણી વિગતોઃ
શ્રીલાલ શુક્લ/Shrilal Shukla તેમના બંગલાના દીવાનખાનામાં અને લાઇટ ગયા પછી બહાર લોનમાં ચાલુ રહેલો વાતચીતનો દૌર |
- દૂરદર્શનના સુવર્ણયુગમાં (1986ની આસપાસ) ‘રાગ દરબારી’ પરથી ટીવી સિરીયલ બની હતી. તેના વિશે શ્રીલાલ શુક્લે કહ્યું હતું, ‘સિરીયલના ડાયરેક્ટર કૃષ્ણ રાઘવ રાવ અગાઉ એક-બે સારી સિરીયલ બનાવી ચૂક્યા હતા. એ મને મળવા આવ્યા અને ‘રાગ દરબારી’ વિશે વાત કરી. મેં એમને ચેતવ્યા હતા કે આ હીરોઇન વગરની કથા છે. છતાં તેમણે સિરીયલ બનાવવાનો આગ્રહ રાખ્યો. એમણે ભૂલ એ કરી કે મુંબઇ સ્ટુડિયોમાં શૂટિંગ કરવાને બદલે લખનૌ આવીને, લખનૌની આસપાસ શૂટિંગ કરવાનો આગ્રહ રાખ્યો. લખનૌમાં કેટલીક ‘શાર્કસ’ (ફોલી ખાનારા લોકો) છે, જે આવા લોકો માટે ટાંપીને બેઠેલી હોય છે. એ લોકો એવું જ માને છે કે આવનારા બધા ‘બહુબેગમ’ (ફિલ્મ) જેવું બજેટ લઇને આવે છે એટલે બધાને એવા મોટા ખાડામાં ઉતારે. કૃષ્ણ રાઘવ રાવનું પણ એવું જ થયું. બાકી, કાસ્ટિંગ (પાત્રવરણી) બહુ સરસ હતું.’
- સરસ એટલે કેવું? જતનપૂર્વક સાચવી રાખેલા 12-5-86ના ‘અભિયાન’ના એક કટિંગમાંથી એ જાણવા મળે છેઃ સૂત્રધાર જેવા શહેરી યુવાન રંગનાથના પાત્રમાં ઓમ પુરી, તેના દુષ્ટ-જમાનાના ખાધેલ મામા વૈદ્ય મહારાજ તરીકે મનોહર સિંઘ (‘દામુલ’ ખ્યાત), વૈદ્ય મહારાજના મોટા પુત્ર બદ્રી પહેલવાન તરીકે આલોકનાથ, નાના પુત્ર રુપ્પનબાબુ તરીકે દિનેશ શાકુલ, ગુસ્સે થાય ત્યારે અવધીમાં બોલવા માંડતા કોલેજના આચાર્ય તરીકે રાજેશ પુરી (‘હમલોગ’નો લલ્લુ), એકમાત્ર સ્ત્રીપાત્ર બેલા તરીકે ઝરીના વહાબ...આ લખાણમાં જણાવ્યા પ્રમાણે, શૂટિંગ લખનૌથી સુલતાનપુર જતાં હાઇવે પર આવેલા એક ગામમાં થયું હતું અને શૂટિંગ વખતે લેખક શ્રીલાલ શુક્લ પણ હાજર રહ્યા હતા.
('રાગ દરબારી'/Raag Darbari સિરીયલના શૂટિંગ વખતે ડાબેથી ઓમ પુરી, દિનેશ શાકુલ અને કૃષ્ણ રાઘવ રાવ) |
(શ્રીલાલ શુક્લનો અમારી પર આવેલો પહેલો પત્ર) |
- શ્રીલાલ શુક્લે અમારી મુલાકાત દરમિયાન કહ્યું, ‘રાગ દરબારી સિરીયલ બરાબર ન બનવાથી ડાયરેક્ટરને નુકસાન એ ગયું કે તેને ધર્મવીર ભારતીની કૃતિ ‘સૂરજકા સાતવાં ઘોડા’ માટે પરવાનગી ન મળી. થયું એવું કે મેં એમને ‘રાગ દરબારી’ના હકો આપ્યા પછી એ ધર્મવીર પાસે ગયા હતા. અમારે સારી મિત્રાચારી હતી. એટલે ‘શ્રીલાલે હક આપ્યા છે તો મને આપવામાં વાંધો નથી’ એમ કહીને ધર્મવીરે પ્રાથમિક અનુમતિ આપી દીધી. પરંતુ ત્યાર પછીની ફાઇનલ સ્ટેજની મુલાકાતો ધર્મવીર ટાળતા રહ્યા. છેવટે ‘રાગ દરબારી’ બની ગઇ એટલે તેનું આખરી પરિણામ જોઇને તેમણે ‘સૂરજકા સાતવાં ઘોડા’ માટે ના પાડી દીધી. પછી શ્યામ બેનેગલે તેની પરથી બઢિયા ફિલ્મ બનાવી.’
- પતિ-પત્ની એમ.એસ.સથ્યુ (‘ગર્મ હવા’ ફેઇમ) અને શમા ઝૈદીએ પણ ‘રાગ દરબારી’ પરથી ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનું શ્રીલાલ શુક્લે કહ્યું. ‘અમારી વચ્ચે કોન્ટ્રાક્ટ થયો ન હતો, પણ બાકી ઘણું નક્કી થઇ ગયું હતું. ઝૈદીએ મને કહ્યું હતું કે આના રાઇટ્સ કોઇને આપતા નહીં. મેં એ લોકોને બહુ ડીસ્કરેજ કર્યા, કહ્યું કે આની પરથી ફીચર ફિલ્મ કેવી રીતે બનાવશો? આમાં સ્ત્રીપાત્ર જ નથી. બહુ તો બેલાના પાત્રને થોડું લંબાવી શકાય, પણ એ પૂરતું નથી. બીજું, ગામડાં માટે લોકોની છબી હજુ રોમેન્ટિક છે. હજુ શહેરી યુવાનો ગામડે જઇને ત્યાંની છોકરીઓ સાથે ઝાડની આસપાસ ગીતો ગાય એવું જ લોકોને ગમે છે. જ્યારે ‘રાગ દરબારી’માં તો ગામડાનું તદ્દન જુદું જ ચિત્રણ છે.’
- ‘આમ છતાં એ લોકો બહુ આગ્રહી હતા. આ ફિલ્મ માટે નાણાં ‘કથા’ના પ્રોડ્યુસર સુરેશ જિંદાલ આપવાના હતા. એ વખતે ‘કથા’ ચાલતું હતું. એટલે આ પ્રોજેક્ટ સાઇ પર રહ્યો. વચ્ચે એકાદ વખત મારે રૂપિયાની જરૂર પડી ત્યારે મોટે ભાગે સથ્યુએ જિંદાલ પાસેથી થોડા રૂપિયા લાવી આપ્યા હતા. પણ એ વાત પછી આગળ વધી નહીં. પછીથી એક વાર સુરેશ જિંદાલ લખનૌ આવ્યા ત્યારે તેમણે મને ફોન કર્યો. અમે બન્ને મળ્યા. આડીઅવળી ઘણી વાતો થઇ. પણ ‘રાગ દરબારી’ની વાત ન આવી. છેવટે મેં વાત કાઢી. એટલે જિંદાલ કહે, મેં તો રૂપિયા તૈયાર રાખ્યા છે. સથ્યુ લઇ જાય એટલી જ વાર છે. એક-બે વાર તો થોડા લઇ પણ ગયા છે.’ મેં કહ્યું, ‘એ રૂપિયા તો વપરાઇ ગયા છે અને હું અત્યારે પાછા આપી શકું એમ નથી.’ જિંદાલ કહે, ‘એ મારે પાછા જોઇતા પણ નથી.’ શ્રીલાલ શુક્લના મતે, ‘જે વાત મેં તેમને પહેલાં સમજાવી હતી, તે એમને પાછળથી સમજાઇ હશે એટલે તેમણે પ્રોજેક્ટ માંડવાળ કર્યો હશે.’
- મોટે ભાગે સુરેશ જિંદાલે કે બીજા કોઇએ શ્રીલાલ શુક્લને પ્રેમચંદની કથા પરથી બનતી સિરીયલની સ્કિપ્ટ લખવાનું કહ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો, ‘સ્ક્રિપ્ટ લખવી હોત તો મુંબઇ જ ન ગયો હોત અને મનમોહન દેસાઇ-પ્રકાશ મહેરા માટે ન લખતો હોત!’
- એક કૃતિની સફળતાથી બીજી કૃતિઓ ઢંકાઇ જવા વિશે તેમણે કહ્યું હતું, ‘ભગવતીચરણ વર્માની બીજી અનેક કૃતિઓ ભૂલાવીને લોકો એમને ‘ચિત્રલેખા’ના લેખક તરીકે જ ઓળખતા હતા. ભગવતીચરણ અહીં જ રહેતા હતા. અમારા બુઝુર્ગ હતા. ઘણી વાર બહાર હોટેલમાં સાથે જઇએ ત્યારે પણ એમને લોકો ‘ચિત્રલેખા’થી જ ઓળખતા હતા. શરૂઆતમાં તે બહુ ચીડાતા હતા, પણ પછી એમણે સ્વીકારી લીધું અને પોતાના બંગલાનું નામ પણ ‘ચિત્રલેખા’ રાખ્યું હતું. એ રીતે હું નસીબદાર છું કે મારી વન ઓફ ધ મેજર નોવેલ્સ આવી પ્રસિદ્ધિ પામી છે.’
- લખનૌનાં સાહિત્યિક વર્તુળો વિશે તેમણે કહ્યું હતું, ‘અહીં સેમીલિટરરી અને સેમીપોલિટિકલ એમ બે પ્રકારના લેખક સંઘો છે. હું બન્નેમાંથી એકેમાં નથી. એ લોકો પણ મને ‘રીએક્શનરી નથી’ એમ માનીને સ્વીકારે છે. ઉન્હોંને હમકો ટોલરેટ કર લીયા હૈ.’ સ્થાનિક ભાષામાં લખતા પ્રતિભાશાળી લેખકોની સરખામણીમાં અંગ્રેજી લેખકોની કેવળ ભાષાને કારણે થતી બોલબાલા વિશે પણ તેમણે ઠીકઠીક વાતો કરી હતી. અંગ્રેજીમાં પણ નવા લેખકોના જયજયકારમાં ઓક્સફર્ડ સ્ટાઇલના આર.કે.નારાયણ કે મુલ્કરાજ આનંદ જેવા ખોવાઇ ગયા, એ વિશે તેમણે કહ્યું, ‘ગ્રેહામ ગ્રીન આર.કે.નારાયણની કેટલી તારીફ કરતા હતા! બેચારે ઉનકી તારીફ કરતે કરતે મર ગયે લેકિન આજ નારાયણકો કોઇ નહીં માનતા.’ શ્રીલાલ શુક્લ સરકારી એવોર્ડ સમિતિમાં પણ થોડો વખત હતા. ‘કમનસીબે હું જે પુસ્તકનું નામ સૂચવું તે લઘુમતીમાં જ આવી જતું અને કોઇ ઘટિયા ચોપડી એવોર્ડ લઇ જતી. પછી ખાનગી બેઠકમાં મારે ખુલાસો આપવો પડતો કે આ નામ મેં સૂચવ્યું નથી અને એને ઇનામ મળ્યું એમાં મારો કોઇ હાથ નથી. એટલે થોડાં વર્ષ પછી મેં એ છોડી દીધું.’
ઓગસ્ટ 3, 1997ના રોજ થયેલી દોઢેક કલાકની એ મુલાકાતમાં શ્રીલાલ શુક્લનું સૌજન્ય, આટલે દૂરથી આવેલા પ્રશંસકો પ્રત્યેનો તેમનો માયાળુ વ્યવહાર, મહેમાનગતિ, જતી વખતે છેક બંગલાના દરવાજા સુધી મૂકવા આવવું- આ બધાની બહુ સારી છાપ પડી, જે સુખદ સંસ્મરણ તરીકે લાંબા સમય સુધી મનમાં સુગંધ પ્રસરાવે છે. દિવાળી તથા લગ્ન જેવા પ્રસંગે લખાયેલાં પોસ્ટ કાર્ડના જવાબ આપવાની તેમની ચીવટનો પણ વર્ષો સુધીનો અનુભવ રહ્યો.
(A Letter from Shrilal Shukla/મારા લગ્ન નિમિત્તે આવેલો શ્રીલાલ શુક્લનો પ્રેમ-સૌજન્ય ભરેલો પત્ર) |
‘રાગ દરબારી’ અને અંગત સંભારણાં સ્વરૂપે જિંદગીભરનું ભાથું આપી ગયેલા પ્રિય સર્જકને‘રાગ દરબારી’ના થોડા અંશો સાથે અંજલિ.
પ્રિય ઉર્વિશભાઈ,રાગદરબારીના સર્જકનો પરિચય હજી હમણાં જ થયેલો,ગુજરાતીવર્લ્ડ અને પૅલિટ દ્વારા.ને માંડ એકાદ મહિનાના અંતરે એમની વિદાયનો લેખ વાંચતા હૈયું ભારે થઈ જાય છે.શ્રીલાલ શુકલા જેટલા મહાન લેખક રહ્યા,એટલા જ લાગણીશીલ ને ઉમદા માણસ પણ હતાં,જેની ઝાંખી આ સંભારણાઓ કરાવે જ છે.ભારતના ગ્રામ્યજીવનનું(જેમાં આજની ઘડીએ પણ કોઇ જ ફેરફાર નથી થયો.) વાસ્તવલક્ષી નિરૂપણ કરાવનાર શ્રીલાલ શુકલાને અશ્રુભીની સલામ.
ReplyDeleteરાગદરબારીના સર્જક સ્વ.શુકલા સાહેબ સાથે આપનો સાક્ષાત્કાર થયેલો,એ સંભારણાઓ તો સરસ છે જ,પણ એમનો અવાજ સાંભળવો શક્ય બને ખરુ? તમે કંઇક રેકોર્ડ કર્યુ હોય તો એ અમને ય પહોંચાડો તો ઓર મજા આવે.
ReplyDelete