Gandhi on fast
ભારતીય પરંપરા પ્રમાણે કોઇ પણ વ્યક્તિ ઉપવાસ કરે એટલે તેમના માર્ગને ગાંધીચીંઘ્યો કે ગાંધીવાદનો ગણી લેવામાં આવે છે. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન વિવિધ હેતુઓ માટે જેટલી સંખ્યામાં અને ખાસ્સી સફળતા સાથે ઉપવાસ પ્રયોજ્યા, એ જોતાં ઉપવાસ, સત્યાગ્રહ અને ગાંધીજી લોકનજરમાં એકમેકના પર્યાય બની જાય એ સમજી શકાય એવું છે. પરંતુ ગાંધીજીએ આપેલા ઉપવાસના શાસ્ત્રમાં અને ઉપવાસ ક્યારે સત્યાગ્રહ બને (અથવા ન બને) તેની સમજૂતીમાં સહેજ ઉંડા ઉતરવાથી આ વિષય પરની સમજણ વધારે સ્પષ્ટ બની શકે.
ઉપવાસ ગાંધીજી માટે આઘ્યાત્મિક અને ઇશ્વર સાથે સંકળાયેલી બાબત હતી, જેની સાથે આજના નેતાઓને જ નહીં, ઘણા નાગરિકોને પણ સંમત થવું અઘરૂં લાગે. પોતાના જીવનના અંતીમ ઉપવાસ (જાન્યુઆરી, ૧૯૪૮માં) કર્યા પછી મૃત્યુના માંડ ૧૧ દિવસ પહેલાં તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું, ‘આજકાલ ઘણા લોકો વગર વિચારે ને વગરસમજે નકલ કરવા નીકળી પડે છે. તેથી મારે સૌને ચેતવવા જોઇએ કે આટલા જ વખતમાં આવાં જ પરિણામની અપેક્ષા રાખીને આવી જાતનો ઉપવાસ કોઇ શરૂ ન કરે...ઉપવાસની શરતો કપરી છે. ઇશ્વર વિષે જીવતીજાગતી શ્રદ્ધા ન હોય તો ઉપવાસ માંડી બેસવાનો કશો અર્થ નથી...ઉપવાસ માટે ઇશ્વરનો જોરદાર આદેશ તો જ મળે જો ઉપવાસનો આશય વાજબી હોય, સાચો હોય અને વેળાસરનો હોય. આમાંથી એવું પણ ફલિત થાય છે કે આવું પગલું લેતાં પહેલાં લેનારે આગળથી લાંબી તૈયારી કરવી પડે છે. તેથી મારી સલાહ છે કે કોઇ ઝટઝટ ઉપવાસ પર ન ચડી જાય.’(૧૯-૧-૪૮, દિલ્હી ડાયરી)
ઉપવાસ માટેની તેમની સમજણ હતી કે ‘જેઓ પોતાને વિરોધી અથવા દુશ્મન માનતા હોય તેવાઓ સામે ઉપવાસ ન કરી શકાય. ઉપવાસ હંમેશ જે પોતાની ઉપર પ્રેમ રાખતા હોય અને પોતાની પ્રવૃત્તિમાં સાથ આપતા હોય તેમની સામે જ કરી શકાય. વિરોધીનો મત ફેરવવા માટે ઉપવાસ યોગ્ય સાધન ન ગણાય.’(મહાદેવભાઇની ડાયરી-૨)
ગાંધીજીના ઉપવાસ ઉપર પણ ગેરવાજબી દબાણના આરોપ થયા હતા. એ વિશે પોતાની સમજણ રજૂ કરતાં ગાંધીજીએ કહ્યું હતું, ‘શરતી ઉપવાસની શરત કરવામાં વિવેક અને મર્યાદા હોવાં જોઇએ. એવા ઉપવાસ પોતાના મિત્રો અને સાથીઓ ઉપર એક જાતનું દબાણ લાવે છે, પણ એ પ્રેમનું દબાણ હોઇ ઇષ્ટ ગણાય. કારણ, તેમના સૂતેલા અંતરાત્માને ઢંઢોળીને એ જગાડે છે અને તેમને પોતાના કર્તવ્યમાં પ્રવૃત્ત કરે છે.’
ગાંધીજીની સમજણ એવી હતી કે પોતાની માન્યતાને જે માણસ ધર્મ જેટલું મહત્ત્વ ન આપતો હોય કે એ માન્યતા પાછળ ઊંડો વિચાર કરેલો ન હોય, તો એવો માણસ લોકમતને માન આપીને અથવા ઉપવાસ કરનાર પ્રત્યેની લાગણીથી નમતું જોખે, ત્યારે તેમાં બળજબરી થઇ ન ગણાય. પણ જે માન્યતાને માણસ ધર્મ ગણતો હોય તે માન્યતાને કોઇના’ ઉપવાસથી વશ થઇને છોડી ન શકાય. મહાદેવભાઇએ ગાંધીજીનું વાક્ય ટાંકતાં કહ્યું છે, ‘મારી સામે લાખ માણસો ઉપવાસ કરે તો પણ, જેને હું મારો ધર્મ ગણતો હોઉં તે વસ્તુ ન છોડું.’(મહાદેવભાઇની ડાયરી-૨) તે એમ પણ માનતા હતા કે ‘ઉપવાસ ખોટા હેતુ પાર પાડવાને કરવામાં આવતા હોય તેમને અવગણવાની દૃઢતા લોકો કેળવતા થશે તો તેવા ઉપવાસોમાં રહેલું જબરજસ્તીનું અથવા અણઘટતા પ્રભાવનું દૂષિત તત્ત્વ દૂર થઇ જશે.’(હરિજન, ૯-૯-૩૩)
ગાંધીજીને ઉપવાસના નિર્ણય ભણી ધકેલનારું એક પરિબળ હતું એમને થતો લાચારીનો અનુભવ. કોમી હિંસા ચાલી રહી હોય અને તેમાં કંઇ જ ન કરી શકવાની લાચારી ગાંધીજી અનુભવતા હોય ત્યારે એ લાગણી છેવટે અંતરાત્માનો અવાજ બનીને ગાંધીજીને ઉપવાસ કરવા પ્રેરતી. જાન્યુઆરી, ૧૯૪૮ના ઉપવાસ વખતે તેમણે કહ્યું હતું, ‘ઉપવાસ સત્યાગ્રહીનો છેવટનો ઇલાજ છે...મુસલમાન ભાઇઓ મને આવીને પૂછે છે કે હવે અમે શું કરીએ? મારી પાસે આ સવાલનો કોઇ જવાબ નથી. થોડા સમયથી મારી આ લાચારીની લાગણી મને કોરી ખાતી હતી. ઉપવાસ શરૂ થતાંની સાથે એ ઉડી જશે.’(૧૨-૧-૪૮, દિલ્હી ડાયરી)
પોતાના સાથીદારોમાં અપાર સ્વીકૃતિ ધરાવતા હોવા છતાં ગાંધીજીના ઉપવાસના નિર્ણયનો સાથીદારો પોતપોતાનાં કારણો અને સમજણો અનુસાર વિરોધ પણ કરતા હતા. દલિતોને અલગ મતદાર મંડળના વિરોધમાં ગાંધીજીએ ઉપવાસનો નિર્ણય લીધો ત્યારે સરદાર પટેલે તેમને કહ્યું હતું,‘આ વસ્તુ ખળભળાટ કરશે. એને માટે (દલિતો પ્રત્યેના વર્તનમાં સુધારો કરવા માટે) હિંદુ સમાજને નોટિસ જોઇએ. એ લોકોને તો તમારા ઉપવાસ છોડાવવા સાથે વાત છે. આ બધી માગણી કરો તો સમાજ પર બળાત્કાર થાય. તમે સમાજને મજબૂત નથી કરી શકતા.’
૧૯૪૨ની અસલી ઓગસ્ટ ક્રાંતિ શરૂ થઇ તે પહેલાં ગાંધીજીએ વિચાર્યું હતું કે હવે જેલમાં જવાનું થાય તો જતાવેંત ઉપવાસ પર ઉતરવું. ગાંધીજીના વ્યક્તિત્વમાં પોતાની જાતને ઓગાળી દેનાર મહાદેવભાઇ દેસાઇએ આ મુદ્દે પોતાનો વિરોધ મુદ્દાસર પ્રગટ કરતો એક લાંબો પત્ર લખ્યો. તેમા એમણે લખ્યું હતું, ‘મને આખી કલ્પના જ ભમરાળી લાગે છે એમ કહું તો માફ કરશો. શોર્ટ અને સ્વિફ્ટ (ટૂંકું અને ત્વરિત)નો ખ્યાલ આપ મનમાંથી કાઢી નાખો. ઉતાવળે આંબા ન પાકે તેમ ઉતાવળે બલિદાનો પણ ન અપાય.’(૨૭-૭-૪૨, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ) ગાંધીજીના બીજા તેજસ્વી સાથીદાર સ્વામી આનંદે તેમને લખ્યું, ‘અંગ્રેજો સામેનો વિરોધ જારી રાખવો. એને જોઇએ તેટલું આકરું અને વ્યાપક સ્વરૂપ આપવું. એક્ટિવ પણ અહિંસક બળવાનો કોઇ કાર્યક્રમ દેશ આગળ મુકાવો જોઇએ. આમરણ ઉપવાસની વાત બહુ અપ્રસ્તુત લાગે છે.’
ઉપવાસનો નિર્ણય અંતરાત્માના અવાજ સાથે સંકળાયેલો હોવાથી, એક વાર તે લેવાઇ ગયા પછી ગાંધીજી એ વિશે ખાસ ચર્ચા કરતા નહીં. તેમ છતાં, એ વિશેના વિરોધી અભિપ્રાયો પણ સ્વીકારવા જેટલી ખુલ્લાશ રાખતા. અલગ મતદાર મંડળના વિરોધ વખતે ઉપવાસ શરૂ થવાના હતા એ સવારે અઢી વાગ્યે ઉઠીને તેમણે રવીન્દ્રનાથ ટાગોરને પત્ર લખ્યો. તેમાં લખ્યું હતું, ‘પ્રિય ગુરૂદેવ,...તમે મારા સાચા મિત્ર છો. કારણ તમે મારા નિખાલસ મિત્ર છો...તમારું હૃદય મારા આ કાર્યને વખોડી કાઢતું હોય તો પણ તમારી એ ટીકા હું ભેટ સમાન ગણીશ. મને જો મારી ભૂલ ખબર પડે તો તેનો એકરાર કરવાની ગમે તેટલી કિંમત આપવી પડે છતાં, મારી ભૂલનો ખુલ્લો એકરાર ન કરું એવો અભિમાની હું નથી. તમારું હૃદય જો મારા આ કાર્યને પસંદ કરે તો તમારા આશીર્વાદ મારે જોઇએ છે.’
બધા ઉપવાસને ગાંધીજીના ઉપવાસ સાથે સરખાવતી વખતે ગાંધીજીએ દોરી આપેલી ઉપવાસ અને સત્યાગ્રહ વચ્ચેની ભેદરેખા મનમાં આંકી રાખવી જરૂરી છે. ‘ઉપવાસ એ સત્યાગ્રહનો એક પ્રકાર અને જલદ પ્રકાર છે. પણ એ ઉપાય લેવામાં ઘણી ઉતાવળ અને ભૂલો થવાનો સંભવ છે’એમ જણાવીને તેમણે લખ્યું હતું, ‘ઉપવાસથી વિરોધીની ન્યાય કે ધર્મવૃત્તિ જ જાગ્રત ન થાય, પણ કેવળ એની કૃપાવૃત્તિ જાગે કે કજિયાનું મોં કાળું કરવાની વૃત્તિથી એ સત્યાગ્રહીની જીદ પૂરી કરે એમ બને. આમાં સત્યાગ્રહ થયો એમ ન કહેવાય.’ આ જ બાબતે તેમણે લખ્યું, ‘તંત્ર સામેના સત્યાગ્રહમાં ઉપવાસ એ છેવટનું પગલું છે. જ્યારે સત્યાગ્રહી પરાધીન સ્થિતિમાં હોય અને સત્યાગ્રહના બીજા કોઇ પણ ઉપાય લેવા એને શક્ય ન હોય, તથા તંત્ર દ્વારા થતો અધર્મ એને એટલો સાલે એવો હોય કે એ અધર્મ કે અન્યાયને સહન કરતાં જીવવું એ કેવળ સત્ત્વહીન દશાનું જીવતર બને ત્યારે જીવન છોડવાની તૈયારીથી જ એ અનશન શરૂ કરે.’(ગાંધીવિચારદોહનઃ કિશોરલાલ મશરૂવાળા, પૃષ્ઠ ૫૫-૫૬)
આ પ્રકારના ઉપવાસમાં જડ વલણ દાખવવા સામે ચેતવણી આપતાં ગાંધીજીએ કહ્યું હતું, ‘(આમરણ ઉપવાસ કરવા પડે) એવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે એવો નિર્ણય કરવામાં એ લાગણીને અતિ તીવ્ર નહીં કરે. પણ તંત્ર ચલાવનાર વ્યવસ્થાપકોની મુશ્કેલીઓનો તથા એમને પડી ગયેલી જૂની ટેવોનો પણ યોગ્ય વિચાર કરે તથા તે માટેની ઘટતી છૂટછાટ પણ મૂકે. વળી અનિવાર્ય અને આકસ્મિક ન્યાય અને ઇરાદાપૂર્વકના અન્યાય અથવા અન્યાયી નિયમો- એ વચ્ચે પણ એ વિવેક કરશે...’ ‘એક બાજુથી સત્યાગ્રહ રૂપે ઉપવાસ શરૂ કરવો અને બીજી બાજુથી પોતાની માગણીને મંજૂર રખાવવા વિરોધીના ઉપરીઓ દ્વારા દબાણ લાવવા પ્રયત્ન કરવો બરાબર નથી. એવા ઉપવાસને સત્યાગ્રહ કહી શકાય નહીં.’(ગાંધીવિચારદોહન, પૃષ્ઠ ૫૭)
उर्विशभाई,ये तो सही है कि गांधी विचारो की आज भी आवश्यक्ता है,पर उनके साथ जुडी शर्तो का पालन करना भी उतना ही जरुरी हैँ,पर जैसे जैसे वक्त गुजरता जाता है,लोगो ने अपनी स्थिति संजोगो की मुताबिक उपवास का उपयोग करना सिख लिया है,ऐसे हालात मैँ आपका ये लेख आवश्यक था। आपका अभ्यास साफ साफ दिखाई देता है,आपकी अभ्यासु नजर को सलाम।
ReplyDeletegreat, very informative and extremely en lighting article to understand core logic and science of Mahatma gandhiji's finest power UPAVAS.
ReplyDeleteThis is also habit-forming in the sense that whenever a group finds a cause to highlight, it only has to enlist the services of some 'Gandhian'.
ReplyDeleteગાંધીજી સાધન, સાધના અને સાધ્ય ત્રણેમાં પ્રમાણિકતા અને પવિત્રતા ઇચ્છતા હતા.અને એમને એનાથી કંઈ પણ ઓછું ખપતું ન હતું.ગાંધીજી પોતાની અહિંસક સાધના દ્વારા પોતાનો હેતુ સિદ્ધ ન થાય અને જો પોતાની જિંદગી ગુમાવવી પડે તો એમના ટેકેદારો હિંસાથી સરકારને નમાવી દેશે- એવો અતાર્કિક ભ્રમ રાખતા ન હતા. ગાંધીજીની નક્કર અને પવિત્ર સાધનાને ‘ગાંધીગીરી’ કહી અથવા કરી વગોવવાનો ઘણો સસતો પ્રયાસ થવાની ભીતિ રહે છે. આ સમજણ દરેકને કેળવવી પડશે.
ReplyDeleteમુહમ્મદઅલી વફા
4સપ્ટે.2011
His (Gandhiji)discourse of non-violance are derived from various concepts he gathered and studied from various religion/s and isms.
ReplyDeleteAt 2011, giving an experience of Civil Disobedience would be a great risk with challenge for a good cause would lead to a Healthy Indian Society to free Nation from all corruption & injustice.
Governance of Free India after Britisher's left: Gandhiji's also hinted to adopt replica of Just Rule & administrative-concept of Islam during the Second Caliph Umar-ibn-Khattab's period.
ઉર્વીશ ભાઈ ગાંધીજી એ પુના ની યરવડા જેલ માં બાબા સાહેબ ની દ્વિ મતાધિકાર ની માંગણી સામે જે ઉપવાસ કરેલા અને બાબા સાહેબ તેમની વાતો ના માનતા હોવા છતાં તેમનું (ગાંધીજી)નું જીવન બચાવવા ના છુટકે સમજુતી કરવી પડી.અને પુના કરાર થયા.જેમાં દલિતો ને દ્વિ મતાધિકાર ની જગ્યા એ અનામત બેઠકો સ્વીકારવી પડી. શું ડો.બાબા સાહેબ ને ગાંધીજી પ્રત્યે પ્રેમની લાગણી હતી ?.કોઈ માણસ તમારૂ ખુન કરવા રીવોલવર લઇ ને ઉભો થઇ જાય તેની કરતાયે ખતરનાક છે કે કોઈ તમારી સામે સત્યાગ્રહ કરે.કારણકે રીવોલવર લઇ ને ઉભો રહેલા માણસ થી તમે મુકાબલો કરી શકો છો પોતાના બચાવ માં પણ સત્યાગ્રહી સામે તમને બચાવ ની કોઈ તક નથી.
ReplyDelete