એમાં ન માનવા જેવું કશું નથી. જનલોકપાલ ખરડાથી ભ્રષ્ટાચાર નાબુદ થઇ જવાનો હોય તો ‘ગાંધીવાદી’ અન્ના પર ગાંધીજીનો ફોન ન આવી શકે? ધારો કે ગયા અઠવાડિયે ગાંધીજીએ અન્નાને ફોન કર્યો હોત તો કેવો સંવાદ થયો હોત?
***
અન્નાઃ હલો, કોણ?
ગાંધીજીઃ બાપુ. ગાંધી.
અન્નાઃ આ ગમ્મતનો સમય નથી. અત્યારે તો હું જ ગાંધી છું. એવું હું નથી કહેતો. લાખો-કરોડો-અબજો લોકો કહે છે. કેજરીવાલ અને કિરણ બેદી પણ કહે છે. તો આ બીજો ગાંધી વળી ક્યાંથી આવ્યો? અરે અરવિંદ (કેજરીવાલ)- કિરણજી (બેદી), જુઓ તો જરા, કોઇ પાગલ માણસનો ફોન છે. કહે છે કે હું ગાંધી છું.
ગાંધીજી (મનોમન)- ગાંધી એક જ હોય એટલું તો આમને હજુ યાદ છે. સારું કહેવાય. હવે પહેલો ગાંધી કોણ એ જ સવાલ રહે છે. એ તો જોયું જશે.
કિરણ બેદીઃ (અન્નાને) કોણ ગાંધી? રાહુલ ગાંધી? ખબર જ હતી કે ગાંધીને એક દિવસ નીચી મુંડી કરીને અહીં આવવું પડશે.
(અન્ના નકારમાં ડોકું ધુણાવીને કિરણ બેદીને ફોન આપે છે. ત્યાર પછી ફોન પર)
કિરણ બેદીઃ હલો, ક્યાંથી બોલો છો? સરકારના માણસ છો કે સિવિલ સોસાયટીના? અન્નાના ઉપવાસ છોડાવવા માટે ફોન કર્યો હોય તો મૂકી દેજો. અન્ના એમ ઉપવાસ છોડવાના નથી અને આજ પછી અમને બાયપાસ કરીને અન્ના સાથે સીધી વાત કરવાની કોશિશ ન કરતા.
ગાંધીજીઃ હવે તમે રજા આપો તો હું કંઇક કહું...
કિરણ બેદીઃ એક મિનીટ...એક મિનીટ...હજુ મારી વાત પૂરી થઇ નથી. તમે ગમે તેના માણસ હો, તમારી પાસે લોકપાલનો ગમે તેટલો સારો ડ્રાફ્ટ હોય, પણ એટલું સમજી લેજો કે તમે અમારી સાથે નહીં હો, તો કોઇ તમારો ભાવ પૂછવાનું નથી અને તમે શું કહો છો એ કોઇ સાંભળવાનું નથી. અત્યારે આખા દેશમાં એક જ નામ ચાલે છે.
ગાંધીજીઃ હજુ કંઇ બાકી રહે છે?
કિરણ બેદીઃ હા, આટલો જનજુવાળ ભારતમાં જોયો છે કદી? જયપ્રકાશ આંદોલન પછી જન્મેલા અમારા ઘણા સમર્થકો માને છે કે અત્યારનો માહોલ આઝાદીના આંદોલન જેવો છે અને અન્ના બીજા ગાંધી છે. બોલો, તમે કોણ છો? ને તમારે શું કહેવાનું છે? હું ઉતાવળમાં છું.
ગાંધીજીઃ બહેન, હું પહેલો ગાંધી છું- જેને તમે મહાત્મા ગાંધી કહો છો તે.
કિરણ બેદીઃ અરરર...સરકાર આટલી હદે નીચે ઉતરી જશે એ મેં ધાર્યું ન હતું. અન્નાના ઉપવાસ તોડાવવા માટે એ તમારા જેવા મહાત્માને પણ મેદાનમાં ઉતારે...ખરેખર, અન્નાના ઉપવાસે રંગ રાખ્યો. ‘મરેલાં બેઠાં થઇ જાય’ એવી અસર આને કહેવાય. મહાત્માજી, તમે એકલા આવ્યા છો કે સાથે જવાહરલાલ-વલ્લભભાઇ છે? આ તો.અન્નાના ઉપવાસ એટલા હાઇ પ્રોફાઇલ છે કે તમે એકલા કદાચ પહોંચી ન વળો ને મંત્રણાઓ માટે બીજા સાથીદારોની જરૂર પડે...’ટીમ અન્ના’ જોડે પનારો પાડવો એ કાચાપોચાનું કામ નથી.
ગાંધીજીઃ બહેન, મારું નામ ગાંધી છે. હું કેવળ મેસ્કોટ (પ્રતીક) નથી, બીજાની વ્યૂહરચનાઓમાં મેસ્કોટ તરીકે સેવાઓ આપીને હું ગાંધી બન્યો નથી. આખી જિંદગી મારા અંતરાત્માના અવાજ પ્રમાણે વર્ત્યો છું. પહાડ જેવડી ભૂલો પણ કરી છે ને એમાંથી શીખ્યો છું.
કિરણ બેદીઃ અમે પહાડ જેટલી તો નહીં, પણ ટેકરી જેટલી ભૂલ કરેલી. પહેલી વાર આંદોલન ટૂંકમાં સમેટી લીધું ત્યારે. પછી અમારા પહેલી વારના સાથીદાર બાબા રામદેવ સાથે સરકારે જે વ્યવહાર કર્યો તેનાથી અમે ચેતી ગયાં અને નક્કી કર્યું કે આ વખતે તો સરકારને બતાવી દેવું છે.
ગાંધીજીઃ મહાદેવ (દેસાઇ) દિવસમાં એકાદ વાર ચેનલો જોઇ લે છે. એ મને કહેતો હતો કે ભારતમાં બીજી ઓગસ્ટક્રાંતિ ચાલે છે અને અન્ના એના નેતા છે. મેં એવું સાંભળ્યું હતું કે આખું આંદોલન ભ્રષ્ટાચારનાબૂદી માટેનું છે.
કિરણ બેદીઃ તમે બરાબર સાંભળ્યું છે. દેશમાં ઘણા બધાએ એવું જ સાંભળ્યું હતું. એટલે જેમ તમે આવી પહોંચ્યા એમ સૌ આવી પહોંચ્યા...ભ્રષ્ટાચારીઓ સામેનો ગુસ્સો વ્યક્ત કરવા...તમારા રસ્તે...,
ગાંધીજીઃ મારા રસ્તે એટલે એમ.જી.રોડ પર થઇને?
કિરણ બેદીઃ એમ નહીં. તમારા ચીંધેલા રસ્તે...પણ એક મિનીટ. તમે ખરેખર ન સમજ્યા કે મશ્કરી કરો છો? મશ્કરી કરતા હો તો, 74 વર્ષનો એક માણસ દોઢ અઠવાડિયાથી જાહેર હિત માટે જીવ જોખમમાં મૂકી રહ્યો છે ત્યારે તમને મશ્કરી કરતાં શરમ આવવી જોઇએ.
ગાંધીજીઃ તમે નાહક નારાજ થઇ ગયાં. મેં 78મે વર્ષે સરકારને સુધારવા નહીં, આપણા લોકોને હિંસા કરતા રોકવા ઉપવાસ કર્યા હતા. એટલે ઉપવાસની વાત જવા દઇએ. નકામો તમારો સમય બગડશે. મને થયું કે ભારતમાં મારો રસ્તો કહેતાં હવે એમ.જી.રોડ જ બચ્યા છે. એટલે તમે એની વાત કરો છો. અચ્છા.. મારો રસ્તો એટલે કયો? સાધનશુદ્ધિનો?
કિરણ બેદીઃ જનમેદની સામે તમે જોયું? આટલા લોકો રસ્તા પર આવવા છતાં ક્યાંય હિંસાનો બનાવ બન્યો નથી. આટલી મોટી લડાઇ આટલી અહિંસક રાખવી એ મોટી સિદ્ધિ નથી?
ગાંધીજીઃ હા, એ સિદ્ધિ તો ખરી. મને પણ યાદ આવ્યું. 15 ઓગસ્ટે ટીવી પર અમે ‘ગાંધી’ ફિલ્મ જોતા હતા એમાં ધરાસણાના સત્યાગ્રહીઓ લાઇનબંધ પોલીસની લાઠી ખાવા જતા હતા ને લાઠી ખાઇને ઢળી પડતા હતા. તમારે ત્યાં ‘ગાંધી’ બતાવી હતી?
કિરણ બેદીઃ હા, પણ ફિલ્મમાંથી બધું લેવાનું ન હોય. અત્યારના જમાનામાં આટલુંય ક્યાંથી?
ગાંધીજીઃ એટલે તો મને રાજી થઇને વાત કરવાનું મન થયું. તમે મારા રસ્તાની વાત કરતા હતા. એ કયો?
કિરણ બેદીઃ કેમ આવા ભોળા થાવ છો? આમરણ ઉપવાસ, સવિનય કાનૂનભંગ, અંતરાત્માનો અવાજ- આ બધા તમારા રસ્તા નથી?
ગાંધીજીઃ હા, આ બધા શબ્દો મારા છે, પણ મારો રસ્તો....
કિરણ બેદીઃ કેમ? તમે ભ્રષ્ટાચારની વિરુદ્ધ ન હતા? તમે સવિનય કાનૂનભંગ અને અસહકારનાં આંદોલન કર્યાં ન હતાં? તમે અંતરાત્માના અવાજને અનુસરીને આમરણ ઉપવાસ કર્યા ન હતા?
ગાંધીજીઃ એની ક્યાં ના છે? પણ તમે બધું ભેગું કરી નાખ્યું એટલે હું ગુંચવાયો.
કિરણ બેદીઃ ગુંચવાય એનું કશું કામ નથી. અત્યારની સરકારો એવી છે કે બધું અલગ અલગ કરવા બેસીએ તો પાર ન આવે.
ગાંધીજીઃ સરકારની-નેતાઓની નાદારી વિશે તો મેં સાંભળ્યું છે. જવાહર ને વલ્લભભાઇ પણ બહુ ધૂંધવાયેલા ફરે છે. જવાહર અન્નાની તબિયતની ચિંતા કરે છે અને કહે છે કે રાહુલે જઇને અન્નાને સમજાવા જોઇએ. વલ્લભભાઇ એ વાતે નારાજ છે કે આટલા બધા નેતાઓ ભેગા થઇને એક ઉપવાસીને સમજાવી નથી શકતા. આવા નેતાઓનું શું કરવું જોઇએ તે પણ એમણે કહ્યું હતું.
કિરણ બેદીઃ એમ? શું કહ્યું હતું?
ગાંધીજીઃ એમણે કહ્યું કે અન્નાની વાજબી અને મુદ્દાની માગણીઓ સ્વીકાર્યા પછી પણ આ લોકો ત્રાગું અટકાવી ન શકે તો એ બધાને અન્નાના ઉપવાસ ચાલે ત્યાં સુધી ભૂખે મારવા જોઇએ..
કિરણ બેદીઃ શું? ફરી કહો તો? ત્રાગું? અન્નાના ઉપવાસ ત્રાગું છે? તમે એવું માનો છો?
ગાંધીજીઃ હું શું માનું છું એની વાત જવા દો. આ દેશમાં એનો કોને ખપ છે? ન સરકારને, ન પ્રજાને. ન ઉદ્યોગપતિઓને, ન સંસ્થાવાળાઓને. બધાને મારી છબીઓમાં- મને પ્રતીક તરીકે વાપરવા પૂરતો ને મારા નામનો ધંધો કરી નાખવામાં જ રસ હોય છે.
કિરણ બેદીઃ હશે, પણ અમે એવા નથી. એવું ફક્ત અમે નહીં, લોકો પણ કહે છે.
ગાંધીજીઃ સારું કહેવાય. અંતરાત્માનો અવાજ સાંભળતા રહેવું અને માની ન લેવું કે આંદોલન શરૂ થાય ત્યારે જે અવાજ હોય તે છેવટ સુધી એકસરખો જ રહેશે- જે ઘડીએ અવાજ બદલાય ત્યારથી ટેકેદારો શું વિચારશે એની પરવા કર્યા વિના, અંતરના અવાજનો અમલ કરવો...પણ આ બધી ચર્ચા મારે અન્ના જોડે કરવાની હતી. અન્નાને ફોન આપશો?
કિરણ બેદીઃ સોરી, અન્ના હમણાં નહીં મળી શકે. એક કામ કરો. ઉપવાસ પૂરા થઇ જાય પછી હું જ તમારો સંપર્ક કરીને અન્ના સાથે તમારી વાત કરાવીશ. બસ?
(એ સાથે જ ફોન મુકાઇ જાય છે અને ગાંધીજી તેમના હાથમાં રહેલા, નિષ્પ્રાણ થઇ ગયેલા રિસીવર સામે જોઇ રહે છે.)
ગાંધી એક જ હોય એટલું તો આમને હજુ યાદ છે.... હા, આ બધા શબ્દો મારા છે, પણ મારો રસ્તો....khub saras...
ReplyDeletehe he..
ReplyDeleteSaras!
ReplyDeleteउर्विशभाऊ,लगे रहो.आपका ये लेख आपको व्यंगकार की उच्च कोटि मेँ स्थान दिलाने के लिए पयाँप्त है।
ReplyDelete