‘પવિત્ર’ શ્રાવણ માસને લીધે નહીં, પણ અન્ના હજારેના આંદોલનને લીધે ઉપવાસનાં શસ્ત્ર અને શાસ્ત્ર ચર્ચા અને સરખામણીનો વિષય બન્યાં છે. ગાંધીજીના સત્યાગ્રહ અને જનજાગૃતિ આંદોલનનાં સાધનોમાં ઉપવાસનું સ્થાન મહત્ત્વનું છે. તેમણે શરીરના ઉપવાસ સાથે જોડેલા ધાર્મિક-આધ્યાત્મિક-નૈતિક અને આત્માના અવાજને લગતા ખ્યાલોને કારણે દેશ ઉપરાંત વિદેશમાં પણ ગાંધીજીના ઉપવાસ સદા અહોભાવ, આદર, ચર્ચા, વાદવિવાદ અને અમુક અંશે- અમુક પ્રસંગે ટીકા જેવી વિવિધ લાગણી જન્માવે છે. સેંકડો લોકો ભૂખે મરતા હોય એવા દેશમાં ભૂખ્યા રહેવાનું ‘શસ્ત્ર’ કેવી રીતે કામયાબ નીવડે તેનું ઘણા વિદેશીઓને આશ્ચર્ય થતું હતું. ઉપવાસની ભારતીય પરંપરા ઉપરાંત વિદેશોમાં પણ એ શસ્ત્ર પ્રયોજાયેલું હતું. છતાં, ગાંધીયુગ પછી ઉપવાસની વાત આવે એટલે અનિવાર્યપણે સૌથી પહેલા ગાંધીજીને ઉપવાસના શાસ્ત્રી- ઉપવાસના કળાકાર તરીકે યાદ કરવામાં આવે છે.
ઉપવાસની શરૂઆત ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી કરી હતી. તેનો આશય રાજકીય નહીં, પણ ‘દેહદમન’ અને ‘બ્રહ્મચર્યના વ્રતને ટેકો આપવા’નો હતો. એ માટે તેમણે અગિયારસના દિવસે ફક્ત પાણી પીને ઉપવાસની શરૂઆત કરી. ‘આ મહત્ત્વના પ્રયોગનો આરંભ ટોલ્સ્ટોય આશ્રમમાં થયો.’ એમ જણાવીને ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’માં નોધ્યું છે,’શ્રાવણ માસના પ્રદોષ કુટુંબમાં કોઇક તો દર વર્ષે રાખતું જ. તેથી આ શ્રાવણ માસ રાખવાની મેં ઇચ્છા કરી.’ પરંતુ એ પ્રકરણના અંતે ગાંધીજીએ દેહદમન માટે ઉપવાસના અનુભવનું પરિણામ આ શબ્દોમાં લખ્યું, ‘ઉપવાસીના વિષયો (ઉપવાસ દરમિયાન) શમે છે. તેનો રસ જતો નથી...એટલે કે ઉપવાસાદિ સંયમીના માર્ગમાં એક સાધનરૂપે આવશ્યક છે, પણ તે જ બધું નથી અને જો શરીરના ઉપવાસની સાથે મનનો ઉપવાસ ન હોય, તો તે દંભમાં પરિણમે અને નુકસાનકારક નીવડે.’
ત્યાર પછી આશ્રમવાસીઓના વર્તનની નૈતિક જવાબદારી લઇને તેમણે સાત દિવસના અને ચૌદ દિવસના ઉપવાસ કર્યા હતા. સાત દિવસના ઉપવાસ વખતે તેમણે કહ્યું હતું, ‘આજ આખો દિવસ મેં ખૂબ વિચાર કર્યો અને છેવટે એ નિર્ણય પર આવ્યો છું કે...જ્યાં સુધી છોકરાઓ આવી પોતાની મેળે ચોખ્ખી વાત મારી પાસે નહીં કરે ત્યાં સુધી હું નથી મારા મોઢામાં અન્નનો દાણો મૂકવાનો કે નથી પાણીનું ટીપું મૂકવાનો...આ ઉપવાસ હું એમને સજા કરવા માટે કરું છું એમ કોઇ ન માની લેતા. મારી કચાશ દૂર કરવા માટે જ એ કરું છું...સાત દિવસના ઉપવાસ પૂરા થતાંની સાથે જ મારું ચાર મહિનાનું એકટાણું ચાલુ થશે. અને હવે બીજી વાર આ જ વ્યક્તિઓની ભૂલને માટે પ્રાયશ્ચિત કરવાનું આવશે તો મારે ચૌદ દિવસના ઉપવાસ અને એક વર્ષનાં એકટાણાં કરવાં પડશે. ’
જાન્યુઆરી, 1915માં ભારત આવ્યા પછી મૃત્યુ સુધી ગાંધીજીએ કેટલા ઉપવાસ કર્યા તેનો ચોક્કસ આંકડો પાડવાનું ‘ગાંધીજીની દિનવારી’ના અભ્યાસી સંકલનકાર ચંદુલાલ દલાલને પણ અશક્ય લાગ્યું છે. તેમણે ગાંધીજીના 30 ઉપવાસની ટૂંકી વિગતની સાથે મૂકેલી નોંધમાં લખ્યું છે, ‘ગાંધીજીએ અનેક વખત ઉપવાસ કર્યા હતા. એની મુદત ચોવીસ કલાકથી માંડીને એકવીસ દિવસની હતી અને કોઇક તો અમુક શરત ન પળાય તો આમરણ હતા. સંભવ છે કે બધા ઉપવાસ વિશે જાહેરાત ન પણ થઇ હોય. તેથી જેટલાની માહિતી મળી શકી છે તેટલા વિશે અહીં નોંધ લેવામાં આવી છે.’ આ અનિશ્ચિતતાનું કારણ ગાંધીજીએ જે કારણથી ઉપવાસ કર્યા તેની પરથી પામી શકાય.
જેમ કે, ભારતમાં આવ્યા પછી પહેલા ઉપવાસ તેમણે 1 જૂન, 1915ના રોજ, આશ્રમમાં રહેતા છોકરાં જૂઠું બોલતાં હતાં તેના વિરોધમાં કર્યા. એ જ વર્ષે 12 સપ્ટેમ્બરના રોજ એક આશ્રમવાસીએ બીડી પીધી તેના પ્રાયશ્ચિત તરીકે તેમણે ઉપવાસ કર્યા. 1940 (12-13 નવેમ્બર)માં સેવાગ્રામના એક સાથીએ ચોરી કરી છે એવો વહેમ પડવાથી, તો 1946 (20 ઓક્ટોબર)માં મુસ્લિમ લીગ સાથેના પત્રવ્યવહારમાં પોતે લખેલા પત્રની પાકી નકલ ઉતારવામાં ઉતારનારની થયેલી ભૂલના પ્રાયશ્ચિત તરીકે તેમણે ઉપવાસ કર્યા. યરવડા જેલમાં 1933માં સરકારે તેમને અગાઉની જેમ જેલમાં હરિજનકાર્ય માટેની સગવડ આપવાની ના પાડી. એ વખતે ‘બે દિવસમાં માગણી માન્ય રાખવામાં નહીં આવે તો’ ઉપવાસ કરવાની ચીમકી આપી અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યા પણ ખરા. એ વખતે તેમની તબિયત લથડી ગઇ હતી. તેમને મળવા ગયેલા કુટુંબી-સાથી મથુરાદાસને તેમણે કહ્યું હતું, ‘હવે સ્વધામ જવાનું છે.’. મથુરાદાસને પણ ‘એમની આંખનું નૂર અસલ જેવું ન જણાયું...બાપુના ચહેરા પર ઉલ્લાસ ન જોયો...’
અસહકારની પહેલી ચળવળ વખતે (1921-22માં) ચૌરીચૌરામાં થયેલા હત્યાકાંડ પછી તેમણે ચૌદ દિવસના ઉપવાસ કરવાનું વિચાર્યું ત્યારે આટલા લાંબા ઉપવાસનો વિરોધ કરનાર મથુરાદાસને તેમણે કહ્યું હતું,’‘જે ઉપવાસથી કષ્ટ ન થાય એ વ્રત કે પ્રાયશ્ચિત ન હોય. મારા ઉપવાસથી મને કષ્ટ તો થવું જોઇએ.’ છતાં દેહ છોડવાનો ઇરાદો ન હોવાથી એ વખતે એમણે પાંચ દિવસના ઉપવાસ કર્યા. 1924માં હિંદુ-મુ્સ્લિમ તોફાનો અંગે ઉપવાસ- એ અટકાવવા માટે મોતીલાલ નેહરુના પ્રમુખપદે દિલ્હીમાં પરિષદ મળી. પરિષદે કરેલી ઉપવાસ ન કરવાની વિનંતી ગાંધીજીએ માન્ય ન રાખી. પણ મોતીલાલને એક પત્રમાં તેમણે લખ્યું, ‘મેં મરવા માટે ઉપવાસ શરૂ નથી કર્યા, પણ દેશ અને ઇશ્વરની સેવા માટે વિશેષ સારું અને શુદ્ધ જીવન જીવવાને લીધા છે...મારે મરણ અને પોષણ વચ્ચે પસંદગી કરવી પડે તો હું જરૂર ઉપવાસ છોડીશ.’
ઉપવાસ માટે ગાંધીજીના હેતુઓમાં કોમી ઐક્ય, હિંસાનો વિરોધ, આત્મશુદ્ધિ, સાથીદારોની ભૂલનું પ્રાયશ્ચિત મુખ્ય હતાં. ‘દિનવારી’માં એક ઉપવાસ ‘(બીજા પુત્ર) મણિલાલે (આડી લાઇને ચડેલા મોટા પુત્ર) હરિલાલને મદદ તરીકે થોડા પૈસા મોકલ્યા’ એ માટેનો પણ નોંધાયેલો છે. દલિતોના હકના મુદ્દે ગાંધીજીના ઉપવાસ સૌથી વિવાદાસ્પદ અને અત્યારે પરસ્પર વિરોધી લાગે એવા હેતુઓ માટે હતા. આશ્રમમાં તેમણે એક દલિત કુટુંબને રાખ્યું ત્યારે સનાતનીઓ અને રૂઢિચુસ્ત માન્યતા ધરાવતા ઘણા નિકટના લોકોએ પણ ગાંધીજીના આ પગલાનો તીવ્ર વિરોધ કર્યો. કેટલાક આશ્રમવાસીઓએ ગાંધીજીની સામે એમનું જ શસ્ત્ર અજમાવીને, દલિત પરિવારની સામેલગીરીના વિરોધમાં ઉપવાસ કર્યો. એ વખતે ગાંધીજીએ પણ સામો ઉપવાસ કર્યો. તેમના જીવનના સૌથી વિવાદાસ્પદ કહી શકાય એવા ઉપવાસ દલિતોને અપાયેલા અલગ મતદાર મંડળના વિરોધમાં હતા.
દલિત પ્રતિનિધિની ચૂંટણી દલિતોના મતથી જ થાય અને દલિત પ્રતિનિધિને ચૂંટાવા માટે બિનદલિત મતો પર આધાર ન રાખવો પડે, એ માટે અંગ્રેજ સરકારે મુસ્લિમો ઉપરાંત દલિતો માટે પણ અલગ મતદાર મંડળની જાહેરાત કરી. દલિતો માટે સહાનુભૂતિ કે દયા નહીં, પણ કાનૂની હક માગતા ડો.આંબેડકરને અલગ મતદાર મંડળ રાજકીય હકની દિશામાં મહત્ત્વનું પગલું લાગ્યાં, પણ ગાંધીજીએ તેમાં હિંદુ સમાજના વિભાજનની શક્યતા જોઇ. આ જાહેરાત સામે ગાંધીજીએ યરવડા જેલમાં આમરણ અનશનની જાહેરાત કરી. ડો.આંબેડકરે તેમના ઉપવાસને ગેરવાજબી ત્રાગું ગણાવીને આકરી ટીકા કરી. પરંતુ ચોતરફથી ગાંધીજીનો જીવ બચાવવાનું દબાણ થતાં ડો.આંબેડકરને કમને ઝૂકવું પડ્યું. પરંતુ આ પ્રસંગ ઉપવાસ અને વિશેષતઃ આમરણ ઉપવાસના હથિયારના વાજબીપણા અંગે ઉગ્ર ચર્ચા અને મતાંતર ઉભાં કરનારો બની રહ્યો. ગાંધીજીએ જે પ્રસંગને સમસ્ત હિંદુ સમાજની કસોટીરૂપ ગણાવ્યો, તે બીજી રીતે ઉપવાસના શસ્ત્ર અને તેમાં આરોપવામાં આવેલી પવિત્રતાની કસોટી કરનારો પણ બની રહ્યો.
(ઉપવાસ વિશે ગાંધીજીની માન્યતાઓ અને એ વિશેના મતાંતરની વધુ વાતો આવતા સપ્તાહે)
Good history of Gandhiji's fasting theory a good lesson for social cause.
ReplyDeleteઉપવાસ માટે ગાંધીજીના હેતુઓમાં કોમી ઐક્ય, હિંસાનો વિરોધ, આત્મશુદ્ધિ, સાથીદારોની ભૂલનું પ્રાયશ્ચિત મુખ્ય હતાં.-Gandhiji always makes upavas for some tru cause and that tru cause always for common people. For him victory may not be important but for other congress people it matters.
ReplyDelete