માણસ અને મોસમની વિચિત્રતાઓને લીધે કેટલાં પશુપંખીઓલુપ્ત થઇ ગયાં, તેની યાદી વખતોવખત બહાર પડતી રહે છે, પણ ઝાઝા લોકોને એમાં રસ પડતો નથી. ‘એમેઝોનનાં વર્ષાજંગલમાં રહેતો પોપટ લુપ્ત થવાના આરે’ એવું વાંચીને આપણા જણને થાય છે, ‘હશે. આપણે ક્યાં એને પાળવો છે તે ચિંતા! ભગવાન એની આખી પ્રજાતિના આત્માને શાંતિ આપે.’ જેમનાં સંતાન તાજેતાજાં ભણતાં થયાં હોય એવા નવ(નીઓ)-વાલીઓ કહી શકે છે,’નક્કી, એ પોપટોને એમનાં માતાપિતા ઇંગ્લીશ મીડિયમમાં નહીં મુકતાં હોય. પછી લુપ્ત ન થાય તો બીજું શું થાય?’
ક્રાંતિની જેમ ઉત્ક્રાંતિમાં સૂકા ભેગું લીલું, સજીવભેગું નિર્જીવ પણ બળે છે. માનવામાં નથી આવતું? તો આ રહી એવી 24 ચીજોની યાદી,જેમનું અસ્તિત્ત્વ આપણામાંથી મોટા ભાગના લોકો માટે મટી ગયું છે- અને એ પણ છેલ્લા એકાદ દાયકામાં.
1. ‘રોયલ’ની આરામખુરશી મગરનાં જડબાંની જેમ પહોળી થતી આરામખુરશીમાં, બેઠકો લગભગ ભોંયતળીયાને અડું અડું થતી હોય એ રીતે ગોઠવાયા પછી પાછળના ટેકે માથું ઢાળતાં જ સમજાઇ જતું હતું કે તેને ‘આરામખુરશી’ કેમ કહે છે. તેમાં ખૂંપેલા લોકોને સંસારનાં બાકીનાં સુખો તુચ્છ લાગતાં અને તુચ્છ ન લાગે તો પણ એ સ્થિતિમાંથી હલનચલન કરવાનું અઘરૂં હતું. હવે લોકોના જીવનમાંથી આરામ જતો રહ્યો, પછી આરામખુરશીનું શું કામ? આવો,પ્લાસ્ટીકની તકલાદી ખુરશીમાં ઉભડક ઉભડક ‘હમણાં ફસડાઇ જશે’ની બીક સાથે બેસો અને ખુરશી ખરેખર ફસડાઇ પડે તે પહેલાં વિદાય થાવ.
2. પેજર ‘એક કાળી દાબડી. વચ્ચે નાનો સ્ક્રીન. તેમાં દેખાય આંકડા ને અક્ષરો. બોલો હું કોણ છું?’ એવાં ઉખાણું અત્યારે પૂછવામાં આવે તો આઇ-પોડથી એમપી-3 પ્લેયર સુધીના જવાબો મળે, પણ પેજર? એટલે શું? હા, ‘પપ્પુ પેજર’ જેવું નામ કોઇ ફિલ્મમાં સાંભળ્યું હતું ખરૂં. એસએમએસ-એમએમએસ-જીપીઆરએસ (અને વીઆરએસ)ના જમાનામાં હજુ કોઇ ઘરના માળીયામાં કે જૂના ભંગારમાં પેજરનું ડબલું જોવા મળી જાય એવી શક્યતા ખરી.
3. વીસીપી/આર ‘વિડીયો’ની વાત કરીએ એટલે નવા યુગની પ્રજા કહેશે, ‘કયું ફોર્મેટ છે? ક્વિકટાઇમ?એવીઆઇ? રીઅલટાઇમ?’ પણ દસેક વર્ષ પહેલાં વિડીયોનું એક જ ‘ફોર્મેટ’ હતું- નાની સાઇઝની પેટી જેવી વિડીયોકેસેટ. તેને વગાડવા માટે મોટી સાઇઝની પેટી જેવાં વિડીયોકેસેટ પ્લેયર અથવા રેકોર્ડર આવતાં હતાં, જેના થકી વિડીયો કેસેટની ફોટોકોપી નહીં,પણ ઉત્તરોત્તર નબળી ‘કાર્બન કોપી’ નીકળી શકતી હતી. ‘એન્ટીક’ના શોખીનો હવે ગ્રામાફોનનાં ભૂંગળાની સાથે એકાદ જૂનું, ભંગાર વેચનારે જેને લઇ જવા માટે રૂપિયા માગ્યા હોય એવું, વીસીઆર પણ રાખે છે.
4. ‘સાદી’ રીફીલ સાતમા ધોરણ સુધી સ્કૂલમાં પેન વાપરવાની મનાઇ હતી ત્યારે- એટલે કે ચોવીસેક વર્ષ પહેલાં- રીફીલના બે પ્રકાર આવતા હતાઃ સાદી અને પોઇન્ટેડ. બન્નેના ભાવમાં મોટો તફાવત રહેતો. સાદી ત્રીસ પૈસાની હોય તો પોઇન્ટેડ પંચોતેર પૈસાની. પછી ભારત ક્યાંથી આર્થિક મહાસત્તા બને? હવે પેન અને રીફીલની કિંમત હવે લગભગ સરખી થઇ છે અને બાળકો નવી રીફીલને બદલે નવી પેન જ ખરીદે છે. પછી ભારતના આર્થિક વિકાસની ખાતરી માટે જીડીપી જાણવાની શી જરૂર?
5. લુના અત્યારે ટ્રાફિક પોલીસ જેને ચલાવવા માટે લાયન્સ પણ માગતી નથી, એ વાહન મહિલાઓ માટે સશક્તિકરણના લાયસન્સ જેવું હતું. પેડલના વિકલ્પે સહેજ દોડીને ચાલુ કરી શકાતું લુના બજાજ સુપરની જેમ (ખરીદવા માટે) નોંધાવવું કે(ચલાવવા માટે) નમાવવું પડતું ન હતું, લુના પર નીકળેલું ચાર જણનું ‘નાનું કુટુંબ,સુખી કુટુંબ’ સ્પેસ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું હતું, જેના થકી ટાટાને ‘નેનો’ બનાવવાની પ્રેરણા મળી.
6. પરચુરણ નોટ ટ્યુશન જ્યારે ડફોળ વિદ્યાર્થીઓની શરમજનક જરૂરિયાત ગણાતાં હતાં અને અત્યારની એક વર્ષની ટ્યુશન ફીમાં છોકરું બાર ધોરણ ભણી નાખતું હતું, ત્યારે ઉનાળુ વેકેશનમાં આગલા ધોરણની નોટો કાઢીને, તેમાંથી ફાડેલાં કોરાં પાનાં કાગદીની દુકાને આપવાનો રિવાજ હતો. ત્યાં તૈયાર થતી કાચા પૂંઠાના બાઇન્ડિંગની નોટ ‘પરચૂરણ’ તરીકે ઓળખાતી. છતાં સ્કૂલના શરૂઆતના દિવસોમાં, બધા વિષયોની નોટ તરીકે ભારે મહત્ત્વ ધરાવતી હતી. ‘કોલેજિયન’ દેખાવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અત્યારની માફક સો-સોની નોટો લઇને નહીં, પણ ફક્ત પરચૂરણ નોટ લઇને સ્કૂલે આવતા હતા.
7. વાલ્વવાળા રેડિયો ઇલેક્ટ્રોનિક આઇટમ જેવા ઓછા અને ફર્નિચર જેવા વધુ લાગતા વાલ્વવાળા રેડિયો ચાલુ કર્યા પછી થોડી ધીરજ ધરવી પડતી હતી. લાઇટ ચાલુ થાય,વાલ્વ ગરમ થાય, ધીમે ધીમે પ્રસારણ શરૂ થાય...અને એમાં પણ રેડિયો સિલોન કે બીબીસી પકડ્યું હોય એટલે વડીલો કહે,’ભઇ, વાર તો લાગે ને- ઠેઠ ત્યાંથી અહીં આવવાનું છે.’ રેડિયો ચાલુ કર્યા પછી રાખવી પડતી ધીરજ કમ્પ્યુટર યુગમાં પણ, કમ્પ્યુટર ઓન કર્યા પછી જોવી પડતી રાહમાં, કામ લાગે છે.
8. એક રૂપિયાની નોટ રૂપિયો ગાડાના પૈડા જેવો નહીં, રમકડાની ગાડીના પૈડા જેવો હતો ત્યારે પણ એક રૂપિયાની નોટ આવતી હતી. બક્ષીસ આપવા માટે એકની નોટનું બંડલ દિવાળીના દિવસોમાં મેળવવું હોય તો બેન્કમાં સારી ઓળખાણ જરૂરી ગણાતી હતી. હવે બક્ષીસ તો ઠીક, ભીખમાં પણ એક રૂપિયો-તેનો સિક્કો ચલણમાંથી નીકળી ગયો છે. એક રૂપિયો ભીખમાં આપનારને ભીખારી પોતાની સાથે જોડાઇ જવા ઓફર કરે તો પણ કહેવાય નહીં.
9. ચિત્રહાર ત્રીસ રૂપિયાની એક ડીવીડીમાં સો ગીત જોનાર ‘બાબા રામદેવ પેઢી’ને અઠવાડિયે એક વાર અડધો કલાક ગીતો જોવા માટે કરવી પડતી મહેનત બાબા આદમના જમાનાની વાત લાગે, વારંવાર રીપીટ થતાં ગીતો જોવાનો કંટાળો પણ આવે, છતાં‘ટીવીના પડદે ગીતો ક્યાંથી!’ એવી લાગણીથી પ્રેરાઇને લોકો ‘ચિત્રહાર’ જોતા જાય અને ‘આ વખતે બહુ સારાં ગીતો ન આવ્યાં’ એવું દરેક વખતે કહેતા જાય. હવે ચોવીસ કલાક ગીતો આપતી ચેનલો હોવા છતાં, અઠવાડિયે અડધો કલાક ‘આ વખતે મઝા ન આવી’ પ્રકારનાં ગીતો જોવાની મઝા સામે એ ફિક્કી લાગે.
10. ફ્લોપી દસકા જૂનાં કમ્પ્યુટરના સીપીયુનો દેખાવ રેલવે સ્ટેશન પર વજન કરાવવાનાં મશીન જેવો કે કોક-પેપ્સીનાં વેન્ડિંગ મશીન જેવો લાગે તો એમાં મુખ્ય જવાબદારી ફ્લોપી ચલાવવા માટેના ખાંચા-ફ્લોપી ડ્રાઇવની ગણાય. 1.2 મેગાબાઇટઅને 1.44 મેગાબાઇટ – એમ બે સાઇઝ ધરાવતી ફ્લોપીની પ્રતિષ્ઠા આગલી સાલની દિવાળીના વધેલા ફટાકડા જેવી હતી. (ખાસ કરીને 1.44ની). ચાલતી ફ્લોપી કરતાં ન ચાલતી ફ્લોપીની સંખ્યા હંમેશાં વધારે હોય. ઇન્ટરનેટ પ્રચલિત બનતાં પહેલાં વાઇરસના વાહક તરીકેની જવાબદારી પણ ફ્લોપીએ ઉપાડી લીધી હતી. હવે એ કામ માટે વધારે સુવિધા-ક્ષમતાવાળાં,ફેશનેબલ, ગળામાં લટકાવવાની દોરીને કારણે ‘સાઇનાઇડ કેપ્સુલ’ જેવાં લાગતાં પેનડ્રાઇવ આવી ગયાં છે. જૂનાં સીપીયુમાં 1.2 અને 1.44 માટેના ખાંચા જોઇને હવે બાળકોપૂછે છે,’સીપીયુમાં કેમ તિરાડ પડી છે?’
11. માટલાનું (વેચાતું) પાણી ‘મટકાકોલા’ તરીકે ઓળખાતું પાણી હવે ‘પાઉચ-કોલા’ બની ગયું છે. પહેલાં રેલવે-બસ સ્ટેશનો પર પાણીનાં માટલાં ભરેલી બહેનો કે બાળકો ‘પા...ણીઇંઇંઇંઇંઇં’ના અનુનાસિક ઉચ્ચાર સાથે પાંચ-દસ પૈસામાં એક પ્યાલો પાણી આપતાં હતાં. હવે એક રૂપિયામાં ગેરન્ટેડ ગંદા પ્લાસ્ટિકમાં ગેરંટેડ ગંદુ પાણી મળે છે, જેને લોકો હાઇજીન, સુવિધા, ફેશન કે બીજા વિકલ્પના અભાવે મજબૂરી તરીકે ગટગટાવે છે.
12. ‘મુંબઇ’ (બાયોસ્કોપ) ડીવીડી અને મલ્ટિપ્લેક્સના યુગમાં રોટલી-ભાખરી સાટેબાળકોને ફિલ્મની પટ્ટીઓના ટુકડા બતાવતાં બાયોસ્કોપ પોતે દેખાતાં બંધ થઇ ગયાં છે. લાકડાના ચોકડી આકારના સ્ટેન્ડ પર ત્રણ-ચાર ગોળાકાર ‘બારી’ ધરાવતા બાયોસ્કોપમાં ઉપર એકાદ ઢીંગલી (મંજીરા વગાડતી) હોય, બારીની આસપાસ બન્ને હથેળીઓ ગોઠવીને તેની વચ્ચે ચહેરાનો આંખોવાળો ભાગ રાખીને, અધુકડા પડીને મુંબઇ-દિલ્હીનાં, હીરો-હીરોઇનનાં દૃશ્યો જોવાનો રોમાંચ મેળવવા માટે હવે જોયસ્ટીકની જરૂર પડે છે.
13. દાતણ ભીમ સાથેની મલ્લકુસ્તીમાં જરાસંધ કેમે કરીને હારતો ન હતો. એ વખતે ભગવાન કૃ્ષ્ણે દાતણ ઉપાડીને તેની બે ચીરી કરીને ભીમને સંકેત આપ્યો, પણ ભગવાન પાસે દાતણને બદલે બ્રશ હોત તો? ટૂંકમાં, વડીલો માનતા હતા કે દાતણના દાંત મજબૂત કરવા સિવાયના પણ ઘણા ઉપયોગો છે. એકનું એક દાતણ ઇચ્છા મુજબ આગળનો કૂચો કાપીને અઠવાડિયા સુધી ચલાવી શકાય. બ્રશ ચાવી શકાતું નથી. એટલે તેનાથી દાંત મજબૂત રહેતા નથી એવી વડીલોની થીયરી હતી, જે મોટે ભાગે તે ચોકઠું પહેરીને રજૂ કરતા હતા.
14. પંગતભોજન ગાય-ભેંસ-ગધેડા જેવાં પ્રાણીઓની જેમ ઊભાં ઊભાં ભોજન કરવાને બદલે માણસની જેમ પલાંઠી વાળીને ભોજન કરવાની પદ્ધતિ હવે બંધ થઇ ગઇ છે. તેમાં પશુ જેવું કામ કરવાનું પીરસણીયાઓના અને પાશવી વૃત્તિનું પ્રદર્શન કરવાનું વહીવટકર્તાઓના ભાગે આવતું. એક પંગત જમવા બેઠી હોય ત્યારે તેની બરાબર પાછળ ઊભા રહેવાથી માણસમાં ધૈર્યનો ગુણ, પંગત ક્યારે પૂરી થશે તેની અટકળો થકી તર્કશક્તિ અને બેઠેલો માણસ હાથ ધોઇ રહે તે પહેલાં એની બેઠક પર કબજો જમાવી લેવાને કારણે ચાપલ્યના ગુણો ખીલતા હતા. બુફેમાં લોકલ ટ્રેનની જેમ ધક્કામુક્કી કરવા સિવાય અને પશુઓની જેમ બધી વાનગીઓમાં મોં નાખીને બગાડ કર્યા સિવાય અન્ય કોઇ ગુણ ખીલતો નથી.
15. ટેલીગ્રામ ‘માય નેઇમ ઇઝ બોન્ડ. જેમ્સ બોન્ડ’ એ સંવાદ પહેલાં ભારતમાં સૌથી જાણીતું અંગ્રેજી વાક્ય હતું ‘ફાધર સીરીયસ. કમ સૂન.’ પોસ્ટ વિભાગ ખરેખર લાગણીની અભિવ્યક્તિના શબ્દદીઠ પૈસા વસૂલતું હતું, પણ ઘણાને એવી શંકા જતી હતીકે પોસ્ટ ખાતું ટેલીગ્રામમાં લખાતા ખોટા (ક્રિયાપદ વગરના) અંગ્રેજી માટે દંડ વસૂલી રહ્યું છે. લોકો ભલે ટેલીગ્રામ કરતાં ઇ-મેઇલને લાખ દરજ્જે ચડિયાતો ગણે, ઇ-મેઇલની સરખામણીએ ટેલીગ્રામનું સૌથી મોટું સુખ એ હતું કે ટેલીગ્રામ કર્યા પછી કોઇને ફોન કરીને કહેવું પડતું ન હતું કે ‘મેં જરા ટેલીગ્રામ કર્યો છે. જોઇ લેજો.’
16. કપડાંને થીંગડું બાળમંદિરોથી દસમા ધોરણ સુધી અનેક વિદ્યાર્થીઓ એવા જોવા મળતા હતા, જેમનાં ચડ્ડી કે બુશશર્ટને થીંગડું મારેલું હોય. એ સમયની ગરીબ માતાઓ ગૌરવપૂર્વક કહેતી, ‘ગમે તેટલાં ગરીબ હોઇએ, પણ છોકરાંને ફાટેલાં કપડાં નથી પહેરાવતાં. થીંગડાવાળું પહેરવામાં શરમ શાની? આપણે ક્યાં ફાટેલું પહેરવું છે?’ હવે પેન્ટ અને શર્ટ પર જાતજાતનાં ફેશનેબલ ‘થીંગડાં’ ધરાવતી કે તેની કિનારીઓ ફેશનનાભાગરૂપે ફાડી નાખતી પ્રજા કહે છે,’થીંગડાંવાળું પહેરવામાં શરમ શાની?’
17. થીએટરના લાલા થોડાં વર્ષ પહેલાં છાપાંની કૂપનો પર મળતી ફ્રી ગિફ્ટ માટે થતી હતી, એવી લાઇન બે-ત્રણ દાયકા પહેલાં થીએટર પર જોવા મળતી હતી. એ વખતે ગૃહની અંદર અને બહાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ‘લાલા’ તરીકે ઓળખાતા પઠાણ તત્પર રહેતા હતા. મલ્ટીપ્લેક્સના યુગમાં પઠાણી લાલા તો નથી રહ્યા, પણ ખાનગી સિક્યોરીટી કંપનીનાં ‘લાલા’ અને ‘લાલી’ઓ સિક્યોરિટી-ચેકિંગના બહાને પ્રેક્ષકો સાથે ઉદ્ધતાઇપૂર્વક વર્તીને પઠાણી લાલાની ખોટ પૂરવા પ્રયાસ કરે છે.
18. એન્ટેના ટીવીની ટેકનોલોજી આવી, એટલે રેડિયો સાંભળવા માટે થતી સ્ટેશન પકડવાની માથાકૂટમાંથી બચી જવાશે એવું લાગ્યું. લોકોએ ટીવી સાથે આવેલું ધાતુના લાંબા દંડુકા અને ઉપર આડા સળીયા લગાડેલું એન્ટેના ઉત્સાહપૂર્વક ધાબે કે છાપરે લગાડી દીધું. ટૂંક સમયમાં ગામનાં ગામ અને શહેરનાં શહેરનો ‘એરીયલ વ્યૂ’ એન્ટેનાથી આચ્છાદિત થઇ ગયો. શરૂઆતના દિવસોમાં ગમતો કાર્યક્રમ જોવા માટે એક જણ ધાબે ચડીને એન્ટેનાની દિશા બદલે, બીજો જણ ઘરની અંદર ટીવી સામે ઊભો રહીને ‘પકડાયું’ કે‘હજુ નથી આવતું’નો સંદેશો મોકલે અને ઘરની બહાર ઊભેલો ત્રીજો જણ ધાબાવાળા અને ઘરવાળાના સંદેશા એકબીજાને પહોંચાડે. હવે સેટેલાઇટ રેડિયોનાં એન્ટેના આવે છે, પણ એમાં આવો ‘માનવીય’ સંસ્પર્શ ક્યાં?
19. ડાયલવાળો ફોન શૂન્યની શોધ સામાન્ય સંજોગોમાં માનવજાતની સિદ્ધિ ગણાય છે, પણ ડાયલવાળા ફોનમાં 0 ડાયલ કરવાનો થાય, ત્યારે એ શોધ અને શોધક બન્ને માટે મનમાં ખીજ પેદા થતી હતી. એમાં પણ અમુક નંબરમાં એકથી વધારે વખત 0 આવતો હોય, ક્યારેક ચાર-પાંચ આંકડા ડાયલ કર્યા પછી ભૂલ પડે ને ફરી ચકરડાં ઘુમાવવાનાં થાય, અમેરિકા-ઇંગ્લેન્ડ દસ-બાર આંકડાના નંબર ડાયલ કરવાના હોય- અને ‘રીડાયલ’ જેવી કોઇ સગવડ ન હોય- ત્યારે ફોન નંબર લગાડવો એ પણ એક કામ બની જતું હતું. એક મિત્ર પરદેશ ફોન કરવા જાય ત્યારે ખાસ ચકરડાં ઘુમાવવા માટે એક માણસને સાથે લઇને જતા હતા- ‘શોફરડાયલ્ડ’ ટેલીફોન!
20. ડબલડેકર બસ તારક મહેતાના વિખ્યાત ‘બે માથાળા બોસ’ની યાદ અપાવે એવી બે માથાળી બસ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઘણા સમય સુધી ચાલી હતી. પછી ગાંધીનગરમાં ‘ઉપલા માળ’ની જરૂર નહીં રહી હોય અથવા ‘ઉપલો માળ’ ભરેલો હોવો એ બિનસલામત ગણાયું હશે. એટલે બે માળની બસસેવા અમદાવાદમાં બંધ કરી દેવામાં આવી. મુંબઇમાં હજુ એ બસ ચાલે છે.
21. ગોલ્ડસ્પોટ ‘ઝિંગ થિંગ’ એ શબ્દપ્રયોગનો ગુજરાતી અનુવાદ કરવો હોયતો ‘ગોલ્ડસ્પોટ’ પીવી પડે. ગર્લફ્રેન્ડ સાથે રેસ્ટોરાંમાં ગયા પછી ‘એક ગોલ્ડસ્પોટ,એક થમ્સ અપ’નો ઓર્ડર કરવામાં આવે, તો વેઇટર પૂછ્યા વિના ગોલ્ડસ્પોટ ‘સન્નારી’ની સામે અને થમ્સ અપ ‘સજ્જન’ની સામે મુકે, એવી તેની છાપ હતી. ફેન્ટા અને મિરિન્ડા રંગેરૂપેપ્રચારે ગોલ્ડસ્પોટ જેવાં છે, પણ ‘ઝિંગ થિંગ’નું શું?
22. રેશનિંગની લાઇન મધ્યમ વર્ગને ‘રાશનકી કતારોંમેં’ નજર આવવું પડે એવી સ્થિતિ હવે નથી રહી. મોંઘવારી ભલે નીચે ન આવે, ગરીબીની રેખા નીચી લાવવાનું તો સરકારના હાથમાં છે. વીસ-પચીસ વર્ષ પહેલાં ખાંડ ખાતા મધ્યમ વર્ગના લોકોને ખાવા માટે ખાંડ તો રેશનિંગની જ લાવવી પડતી હતી. હવે રેશનકાર્ડ ફક્ત અસ્તિત્ત્વ પુરવાર કરવાના કામનું છે- અસ્તિત્ત્વ ટકાવવાના કામનું નહીં!
23. ‘સોવિયેત દેશ’ મેગેઝીન ‘નોટો-ચોપડીઓને પૂંઠા ચડાવવા માટે ભરોસાપાત્ર, આકર્ષક, રંગીન અને ટકાઉ સામગ્રીની શોધમાં છો? તો અમારું સામયિક બંધાવો.’ એવી કોઇ જાહેરાત વિના રશિયાના સરકારી પ્રચાર માટે બહાર પડતું સોવિયેત દેશ પૂંઠા ચડાવવા માટેની સૌથી લોકપ્રિય સામગ્રી બની રહ્યું હતું. લીસા કાગળ, આકર્ષકછપાઇ, મનોહર રંગ- ટૂંકમાં અત્યારનાં ઘણાં છાપાં-મેગેઝીનની જેમ, વાચનસામગ્રી સિવાયનું બધું જ સરસ! પૂંઠા ચડાવવાના ક્ષેત્રે ભારતમાં રશિયાએ કરેલી આ બિનલોહિયાળ ક્રાંતિની ભવિષ્યના ઇતિહાસકારો જરૂરનોંધ લેશે.
24 ફોટો ફિલ્મ સોડા જેમ ખાવાનો અને ધોવાનો એમ બે પ્રકારનો હોય છે.એવી રીતે ફિલ્મના પણ બે પ્રકાર હતાઃ જોવાની અને ધોવાની (કે ધોવા આપવાની). ‘રોલ’ તરીકે ઓળખાતી કેમેરાની ફોટો ફિલ્મ ધોવા માટે આપવાની એક રસમ હતી. કેમેરામાં એક રોલ પૂરો કર્યા પછી કલર લેબમાં ફિલ્મ ધોવા આપતી વખતે અંગત સંસ્મરણો અજાણ્યાના ભરોસે છોડવાની લાગણી થતી હતી. લેબના માણસો હૈયાધારણના બે શબ્દો કહ્યા વિના યંત્રવત્ રોલ લઇ લે ત્યારે તેમની નિષ્ઠુરતા પર ખીજ ચડતી હતી. કેવા ફોટા આવશે તેના સસ્પેન્સમાં રાત વીતાવ્યા પછી બીજા દિવસે લેબ પરથી ‘ધોવાયેલી’ ફિલ્મ અને પ્રિન્ટ જોવા મળેત્યારે જીવ હેઠો બેસતો. ડિજિટલ યુગમાં ફોટો પાડ્યા પછી બીજી જ સેકંડે ‘કેવો ફોટો આવ્યો છે’નું સસ્પેન્સ સમાપ્ત થઇ ગયું અને ફિલ્મ યુગનો ‘ધ એન્ડ’.
(થોડાં વર્ષ પહેલાં 'અભિયાન'ના દિવાળી અંક માટે લખેલો લેખ.)
‘મુંબઇ’ (બાયોસ્કોપ) & સોવિયેત દેશ’ મેગેઝીન ,ટેલીગ્રામ aa 3 items kadi me joya j nathi... yah mara native ma samaj ni vaadi ma ame haju pan પંગતભોજન jadvi rakhyu chhe ane without any force people enjoy it too.... ડબલડેકર to London ni 90% bus doubledacker chhe so india mate nashpray but anhi haju jou chhu....રોયલ’ની આરામખુરશી haju mara pappa ni paheli pasand chhe ne sachvi rakhi chhe... ચિત્રહાર 2 divas week ma aavtu i think budhvaare e "Chhaya Geet" naa naamthi and Friday na "Chitrahaar" sunday morning it is "Rangoli"...
ReplyDeleteIf we are talking about TV.. then best part is "Saptahiki" i can't imagine any TV channel gives its schedule of next week. somewhere like i m feeling my expected work to be done in next week... hahaha
વાહ સહેબ... મજા પડી.... :)
ReplyDeleteWahh... apde etla to nasabdar khara ke aa badhi chijo ne pet bhari ne mani che.
ReplyDeleteaavti pedhi ne kadach aa badha naam pan sambhadva nahi male.
25. ઇમાનદારી
ReplyDeleteજય હો !
આરામ,મઝા,રોમાંચ,માણસની જેમ,‘માનવીય’ સંસ્પર્શ.....
ReplyDeleteઉર્વીશભાઈ, તમે લખેલી ચીજો સાથે આ બધું પણ "અભી અભી યહાં થી" થઇ ગયું છે..
This one is too good! I could visulise all the things/situations/sounds as I was reading the list, since I have experienced them.
ReplyDeleteમાણસ કયા અરસામાં જન્મ લે છે તેનું મહત્વ આવું કંઇક વાંચવામાં આવે ત્યારે બરાબર સમજાય. આ લેખ તમે લખી શક્યા અને મારા જેવા વાચકો તે લેખ વાંચતી વખતે ભૂતકાળમાં ટાઇમ ટ્રાવેલ કરી આવ્યા તે સૂચવે છે કે આપણે બહુ 'મોકાના' સમયે ધરતી પર પ્રગટ થયા! કારણ કે...
રેલવે સ્ટેશને પાંચિયા-દસિયામાં ૧ પવાલો મટકાકોલા પીવાથી માંડીને મલ્ટીપ્લેક્સમાં પેટ્રોલના ભાવે વેચાતી પાણીની બોટલનો આપણે અનુભવ કર્યો છે; દેશી દાતણથી દાંત-પેઢાં મજબૂત કરવાથી લઇને શુગર-ફ્રી ટુથપેસ્ટ સુધીની (ટુથપેસ્ટ કંઇ ખાવાની વસ્તુ નથી તે વાત જાહેરાતવાળા ક્યારે સમજશે?) વિવિધ દંતચિકિત્સાઓ અજમાવી છે; આગ્રહ અને ઊષમા્ભર્યું પંગત ભોજન માણ્યું છે અને આજે ઠંડા આવકાર અને તેવા જ ભોજન માટે લાઇનમાં ઊભવાનું શીખ્યા ગયા...
આપણે આવું બધું અનુભવ્યું, માટે વીતેલા અને વર્તમાન બે યુગ વચ્ચે સરખામણી કરવા બેસો ત્યારે extreme contrast પેદા થાય છે--અને ખરી મજા તે વાતની જ છે !
અત્યરની નવી પેઢી ભવિષ્યમાં તેની જૂની યાદોને વાગોળશે તો કદાચ આટલો contrast જન્મે કે કેમ તે સવાલ છે. કારણ કે વિજ્ઞાન હવે માત્ર ડેવલપમેન્ટ પૂરતું સીમિત રહ્યું છે. અર્થાત વર્ષો પહેલાં શોધાઇ ચૂકેલી ચીજનું (દા.ત. મોબાઇલ ફોનનું) હવે માત્ર આધુનિકરણ થઇ રહ્યું છે, જ્યારે આપણા 'જમાના'માં નવાં શોધ-સંશોધનનાં (દા.ત. કલર ટી.વી., ટ્રાન્ઝીસ્ટર, ટેલિફોન, ચિપ વગેરેનાં) ઘોડિયાં દર થોડા વખતે બંધાયાં કરતાં હતાં.
ઓસ્ટ્રેલિયાના ભૌતિકવિજ્ઞાનીઓનું લેટેસ્ટ રિસર્ચ કહે છે કે Time Travel Is Not Possible!
I disagree! Anyone can travel back in time...but there's one condition: 'મોકાના' સમયે તે ધરતી પર પ્રગટ થયો હોવો જરૂરી છે!
FYI: યોગાનુયોગે સફારીના આગામી અંકમાં સુપરક્વીઝનો વિષય આવો જ છેઃ ભુલાઇ ગયેલી અને ભુલાઇ રહેલી શોધો!
નક્કી, એ પોપટોને એમનાં માતાપિતા ઇંગ્લીશ મીડિયમમાં નહીં મુકતાં હોય. પછી લુપ્ત ન થાય તો બીજું શું થાય?’
ReplyDeletevery nice....
આરામ ખુરશી ને સંભાળીને ખરેખર તમે સાચી ''શ્રધ્ધાંજલિ '' આપી હોય એવું લાગ્યું..મહેમદાવાદ માં અમારે ઘેર પણ રોયલ ની ચાર ખુરશીઓ હતી ઘર ખાલી કરતી વેળા એ એને મેં ખુબ પ્રેમભરી નજરે જોઈ ને અલવિદા આપી હતી.અમે અમદાવાદ લઈગયા નહતા.સોવિએત સંધ નું એ મેગેઝીન અમારે ઘેર પણ આવતું.વેલ.મુકેશ નું ગીત યાદ આવી ગયું. ''ભૂલી હુઈ યાદો મુજે ઇતના ના સતાઓ, અબ ચેન સે રહેને દો મેરે પાસ ના આવો''
ReplyDeleteસુપર્બ....અદભૂત વર્ણન, ઉર્વીશભાઈ,....યાદી હજુ લંબાવવાની હતી....૨૪ આઈટમોથી ધરાયા નથી.. "ફૂલવાડી " માં છેક છેલ્લે પાછળ ના પાને આવતી ચિત્ર કથા " ઝીન્દાર " અને " કાળોતરો કરાલી " હજુ યાદ આવે છે. પારલે ની રંગબેરંગી ગોળીઓ " પોપીન્સ " હજુ મમળાવવાનું મન થાય છે. ( હમણાં તો " પોપીન્સ " ની સાઈઝ શર્ટના બટન જેવી થઇ ગઈ છે. ) બીજું ... હાલ ની સરકારો તેમના કાળા ધોળા કામો ને રંગબેરંગી સાચી ખોટી યોજનાઓના આવરણ વડે રંગીન કરી ને પબ્લિક માં દેખાડે છે અને પ્રજા આભાસી રંગીન સપનાઓમાં જેમ ખોવાઈ જાય છે તેમ એ વખતે અમારા વાલ્વ વાળા જુના બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી માં આગળ રંગીન કાચ મોટેરાઓ લગાડી દેતા, અને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી માં કલર ટીવી જોવાનો સંતોષ માની લેતા ...એ વખતે કંઈ જોવાનું નહોતું આવતું ત્યારે અમે લોકો તો પીજ થી પ્રસારિત થતા ખેતી અને પશુપાલન વિષયક પ્રોગ્રામો " તુવેર ની ખેતી માં ઇયળનો ઉપદ્રવ " અને " હું ને મારી ભૂરી ( ભેંશ ) " પણ રસ થી આંખો ફાડી ફાડી ને જોતા હતા ......આવી બીજી જૂની યાદો આપતા રેહશો...મઝા આવી ગઈ.
ReplyDeleteઅધ્બુત યાદી.
ReplyDeleteJabir
બધા મિત્રોને લેખ વાંચવાની મઝા પડી હશે એટલી મઝા મને એમની યાદો અને નિરીક્ષણો વાંચવાની આવી.
ReplyDelete@હર્ષલઃ સફારીની (રાબેતા મુજબ) પ્રતીક્ષા.
મેહુલભાઇ-મઝહરભાઇ અને સૌ મિત્રો...આનંદ...આભાર
દર અઠવાડિયે એક વખત આવતા ફૂલવાડી અને નીરંજન ની રાહ જોવાની જે મઝા આવતી , ઝીન્દાર, પેકો ના પરાક્રમો, નટખટ નટુ વાંચવા ની રાહ જોવાની, ફરતું બાલ પુસ્તકાલય, છકો મકો, મિયા ફૂસકી એવા અમર પાત્રો હવે યાદગીરી બની ગયા છે... ૧૦ પૈસા નું મેમ્કો ચૂર્ણ, આંબોળિયા માં જે મઝા હતી એ અત્યારે પિઝ્ઝા અને પાસ્તા માં નથી
ReplyDeleteઅરે સાહેબ ડબલ ડેકર બસ શરૂઆતમાં અમદાવાદની સીટી બસમાં પણ આવી હતી વધારે યાદ નથી પણ 72 અને 61 નંબરની બસમાં ખાસુ ટ્રાવેલ કર્યું હતું આ બંને બસો એકંદરે મણિનગરથી વાડજ અને નારણપુરા જતી હતી....
ReplyDelete