આંતરિક અસ્થિરતા, તાલિબાનો અને બીજા ધાર્મિક અંતીમવાદીઓથી ખદબદતું પાકિસ્તાન ફક્ત ભારત માટે જ નહીં, તેના ‘ફ્રેનીમી’ (મિત્ર એવા જ દુશ્મન : ‘મિશ્મન’) અમેરિકા સહિત સમસ્ત વિશ્વ માટે માથાનો દુઃખાવો બન્યું છે. તેનું કારણ છે : પાકિસ્તાનનો સમૃદ્ધ પરમાણુ શસ્ત્રભંડાર.
પાકિસ્તાનમાં ઝડપભેર તૈયાર થઇ રહેલા ચોથા રીએક્ટરની ઉપગ્રહ તસવીરો આપીને ‘ન્યૂઝવીક’ સામયિકે થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે ‘પાકિસ્તાન પાસે ૧૦૦ પરમાણુબોમ્બ બનાવી શકાય એટલી સામગ્રી તૈયાર છે અને દર વર્ષે બીજા ૮ થી ૨૦ જેટલા બોમ્બ બનાવી શકાય એટલી સામગ્રીનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે.’ પાકિસ્તાન દ્વારા તૈયાર થયેલાં વધારાનાં પરમાણુશસ્ત્રો અંગે નિષ્ણાતો માને છે કે તે એક હુમલો વેઠ્યા પછી બેઠા થઇને વળતો જવાબ આપવાની તૈયારી છે.
પરમાણુરસ્તે દાદાગીરી કરવા તલપાપડ ઇરાન અને ઉત્તર કોરિયા હજુ આખરી મંઝિલ સુધી પહોંચી શક્યાં નથીઃ ઇરાન પરમાણુ બોમ્બ માટે જરૂરી યુરેનિયમ પેદા કરી શકે એમ નથી અને ઉત્તર કોરિયા પાસે પરમાણુ હુમલા માટે આવશ્યક શસ્ત્રસજ્જતા નથી. તેમની સરખામણીમાં, પરદેશી પરમાણુ કાર્યક્રમના ઉઠાવગીર વિજ્ઞાની અબ્દુલ કાદિર ખાને પાકિસ્તાનને પરમાણુશસ્ત્રોની બાબતમાં પગભર બનાવી દીઘું છે.
ડો.ખાને ‘ઇસ્લામીક બોમ્બ’ના ખ્યાલ સાથે પાકિસ્તાનમાં ઉભી કરેલી પરમાણુક્ષમતા હવે ઇસ્લામના નામે કટ્ટરતા ફેલાવતા તાલિબાનો અને અંતીમવાદીઓને લીધે જોખમમાં આવી પડી છે. કમ સે કમ, પાકિસ્તાન બહારની દુનિયાને એવું લાગે છે કે ભારતવિરોધી ત્રાસવાદી જૂથોના સૂત્રધાર જેવી જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ., લશ્કરી અધિકારીઓની બોલબાલા, નાગરિકી નેતૃત્વનો અભાવ જેવાં અનેક પરિબળોના વિસ્ફોટક સંયોજનને કારણે પાકિસ્તાન બિનભરોસાપાત્ર બની ગયું છે. પાકિસ્તાનના લશ્કરી મથકની સાવ બાજુમાં ઓસામા જેવો ખૂંખાર ત્રાસવાદી આટલા લાંબા સમય સુધી રહેતો હોય કે તેની હત્યાનો બદલો લેવા માટે અંતીમવાદીઓ ભારે સુરક્ષા ધરાવતાં લશ્કરી મથકો પર હુમલા કરીને તબાહી મચાવી શકતા હોય, તો એ દેશનો પરમાણુ શસ્ત્રભંડાર કેટલો સલામત ગણાય?
આ ચિંતા અલબત્ત બીજા દેશો જેટલી જ પાકિસ્તાનને પણ હોય. ‘ત્રાસવાદ સામેની (પોતાની વ્યાખ્યા પ્રમાણેની) લડાઇ’માં અમેરિકાએ પરાણે પાકિસ્તાનને સાથે રાખ્યું છે, એટલે અમેરિકા પણ પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રભંડારની સલામતીમાં રસ ધરાવતું હોય. અત્યાર સુધીમાં પાકિસ્તાનને આપેલી અબજો ડોલરની સહાયમાં થોડા કરોડ ડોલર કેવળ પરમાણુસુરક્ષા માટે આપ્યા હોવાનું જાણવા મળે છે. (નવેમ્બર, ૨૦૦૭ના એક અહેવાલ પ્રમાણે, છેલ્લાં છ વર્ષમાં અમેરિકાએ પાકિસ્તાનને પરમાણુશસ્ત્રોની સુરક્ષાવ્યવસ્થા માટે ૧૦ કરોડ ડોલર આપ્યા હતા.)
પરમાણુ શસ્ત્રભંડારની સુરક્ષા માટે એક તરફ તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓની ભરતી અને કામગીરી પર સતત તપાસ રાખવામાં આવે છે. એ માટેના ‘પર્સોનેલ રીલાયેબિલીટી પ્રોગ્રામ્સ’ (પીઆરપી)ની વાત ગયા સપ્તાહે કરી હતી. પરંતુ બધી સાવધાની પછી કોઇ માણસ કે માણસો ફૂટી જાય તો શું? એ સવાલના જવાબ માટે પાકિસ્તાનમાં પરમાણુશક્તિને લગતું માળખું જોઇ લઇએઃ
સ્ટ્રેટેજિક પ્લાનિંગ ડિવિઝન - ટૂંકમાં એસ.પી.ડી.- તરીકે ઓળખાત માળખું પાકિસ્તાનની પરમાણુશક્તિ અને તેનાં શસ્ત્રોને લગતાં તમામ પાસાંની દેખરેખ રાખે છે. ફેબુ્રઆરી, ૨૦૦૦માં સ્થપાયેલું એસપીડી ‘નેશનલ કમાન્ડ ઓથોરિટી’ની જ કચેરી તરીકે વર્તે છે. નેશનલ કમાન્ડ ઓથોરિટી (એનસીએ)રાજકીય-લશ્કરી-વૈજ્ઞાનિક ત્રણે પ્રકારના આગેવાનો ધરાવે છે. એનસીએની બે પાંખ છેઃ એમ્પ્લોયમેન્ટ કન્ટ્રોલ કમિટી (જે પરમાણુશસ્ત્રોના સંભવિત ઉપયોગ અંગે ઘ્યાન રાખે છે) અને ડેવલપમેન્ટ કન્ટ્રોલ કમિટી (જે પરમાણુશસ્ત્રો વિકસાવવાને લગતી બાબતોની દેખરેખ રાખે છે.) બન્નેના અઘ્યક્ષ તરીકે સરકારના વડા હોય છે. એ સિવાય તેમાં વિદેશમંત્રી, લશ્કરી વડા, સંરક્ષણમંત્રી, આંતરિક બાબતોના મંત્રી, સૈન્યોના વડા અને એસપીડીના ડાયરેક્ટર જેવા લોકો સંકળાયેલા હોય છે.
સ્ટ્રેટેજિક પ્લાનિંગ ડિવિઝન પણ ઓપરેશન્સ એન્ડ પ્લાનિંગ, સ્ટ્રેટેજિક વેપન્સ, આર્મ્સ કન્ટ્રોલ એન્ડ ડિસઆર્મામેન્ટ જેવા વિભાગોમાં વહેંચાયેલું છે. આ તો થઇ માળખાની વાત. પરંતુ ખરેખરાં પરમાણુ શસ્ત્રોના રક્ષણ માટે કેવા ઉપાય યોજવામાં આવે છે?
તેનો એક જવાબ છેઃ પરમિસિવ એક્શન લિન્ક- ‘પીએએલ’. આ નામ છે પરમાણુ શસ્ત્રોની સુરક્ષા માટેની અમેરિકન ટેકનોલોજીનું. સાદી ભાષામાં કહીએ તો, પીએએલ પરમાણુ શસ્ત્રો પર લાગેલું એવું તાળું છે, જેને ખોલવા માટે ચોક્કસ પ્રકારના કોડ નંબરની જરૂર પડે છે. એટલું જ નહીં, કોઇ એક જણથી તે ખોલી શકતું નથી. ‘ટુ મેન રૂલ’ તરીકે ઓળખાતી પ્રથા મુજબ, બે જણ પોતપોતાના કોડનંબર આપે ત્યાર પછી જ, પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરી શકાય છે. સલામતી ખાતર તેમાં એવી પણ વ્યવસ્થા રાખવામાં આવે છે કે એક વાર ખોટો કોડનંબર દાખલ કરવામાં આવે તો પરમાણુશસ્ત્ર ‘લોક’ થઇ જાય. ઉપયોગ માટે ત્યાર પછી એ નકામું થઇ જાય.
‘પીએએલ’ની ટેકનોલોજી અમેરિકાએ વિકસાવી હતી અને ફ્રાન્સ, (શીતયુદ્ધ પછીના) રશિયા જેવી અણુસત્તાઓને આપી હતી. પરંતુ ચીન અને પાકિસ્તાનને પરમાણુસુરક્ષા માટેની આ ટેકનોલોજી આપવા સામે અમેરિકામાં ઘણો વિરોધ થયો હતો. તેમને બીક હતી કે આ ટેકનોલોજી મારફતે ચીન કે પાકિસ્તાન જેવા બિનવિશ્વાસપાત્ર દેશો પરમાણુ શસ્ત્રો જેવી સંવેદનશીલ બાબતમાં અમેરિકાની ટેકનોલોજી અંગે કશું વધારાનું જાણી જશે.
બીજી તરફ, અમેરિકા પાસેથી ‘પીએએલ’ ટેકનોલોજી સ્વીકારવા અંગે પાકિસ્તાનમાં પણ વિરોધ હતો. તેની પાછળ એવો અવિશ્વાસ કારણભૂત હતો કે ‘અમેરિકનો ટેકનોલોજીના બહાને કોઇ એવી કરામત કરી જાય કે છેવટનું તાળું તેમના હાથમાં રહે અને આપણે ઇચ્છીએ ત્યારે પરમાણુશસ્ત્રનો ઉપયોગ કરી જ ન શકીએ, તો?’
આમ, પાકિસ્તાન પાસે ‘પીએએલ’ ટેકનોલોજી છે કે નહીં, તે ઘણા વખત સુધી અટકળનો વિષય રહ્યો હતો. પરંતુ થોડાં વર્ષો પહેલાં નેશનલ કમાન્ડ ઓથોરિટીના બ્રિગેડીયર જનરલ નઇમ સાલિકે અમેરિકન બનાવટની નહીં, પણ પાકિસ્તાને તૈયાર કરેલી ‘પીએએલ’ અને ‘સ્ટાન્ડર્ડ ટુ મેન રૂલ’ હોવાનું જણાવ્યું હતું.
પરમાણુશસ્ત્રો સુરક્ષિત રાખવાનો બીજો ઉપાય તેમને ‘વન પીસ’ અને ‘પ્રહાર માટે તૈયાર’ નહીં, પણ વિભાજિત રાખવાનો છે. પરમાણુશસ્ત્રોના ‘હૃદય’ જેવું પરમાણુબળતણ ધરાવતો હિસ્સો કે તેને પલીતો ચાંપનાર હિસ્સો અલગ અલગ રીતે રાખવામાં આવે છે. સાથોસાથ, પરમાણુશસ્ત્રો ધારણ કરી શકે એવાં મિસાઇલ કે વિમાનોથી પણ તેમને દૂર રાખવામાં આવે છે. તેને કારણે કોઇ એક જણના આવેશથી પરમાણુ હુમલો શરૂ થવાની ભીતિ રહેતી નથી. એ જ રીતે, આખેઆખું પરમાણુશસ્ત્ર અંતીમવાદીઓના હાથે ચડી જવાની શક્યતા નાબૂદ થાય છે. અલબત્ત, સ્ટ્રેટેજિક પ્લાનિંગ ડિવિઝનના જનરલ ખાલિદ કિડવાઇના જણાવ્યા પ્રમાણે, વિભાજિત અવસ્થામાં રહેલાં પરમાણુશસ્ત્રોના પૂરજાને બહુ ઝડપથી જોડી શકવા માટે પાકિસ્તાન સક્ષમ છે.
પરમાણુશસ્ત્રોના પૂરજા કે બળતણ છૂટાછવાયાં રાખવામાં ભયસ્થાન એ છે કે તે ચોરાઇ જવાની સંભાવનાઓ વધે છે. ખાસ કરીને, પરમાણુશસ્ત્રોમાં બળતણ તરીકે વપરાતા યુરેનિયમ કે પ્લુટોનિયમનો જથ્થો અંતીમવાદીઓના હાથમાં આવી જાય, તો તે ‘ંક્રુડ’ (ટેકનોલોજીની આંટીધૂંટી વિનાની ભદ્દી, પણ વિસ્ફોટ કરી જાણે એવી) ડીઝાઇનનો બોમ્બ બનાવે એવી સંભાવના રહે છે. ચોરીની સંભાવના એક ઠેકાણેથી પરમાણુશસ્ત્રો કે તેમના પૂરજા બીજા ઠેકાણે લઇ જવાતા હોય ત્યારે પણ વધી જાય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફે ‘ન્યૂયોર્કર’ માટે પત્રકાર સીમેર હર્ષને આપેલી મુલાકાતમાં જણાવ્યા પ્રમાણે, ‘પાકિસ્તાને પરમાણુશસ્ત્રોની હેરફેર માટે જમીનની નીચે મોટી ટનલોનું માળખું ઉભું કર્યું છે. એટલે અમેરિકાના ઉપગ્રહો શસ્ત્રોની હિલચાલ પર નજર રાખી શકશે નહીં.’
પરમાણુશસ્ત્રો સંઘરાયાં હોય તે જગ્યાઓ અને પરમાણુ બળતણ પેદા કરતી પ્રયોગશાળાઓ જેવાં વ્યૂહાત્મક સ્થળોએ આશરે ૧૮ હજાર સૈનિકો તહેનાત હોવાનું પણ મુશર્રફે ઓસામાના મૃત્યુ પછી આપેલા એક મુલાકાતમાં જણાવ્યું હતું.
આમ, પાકિસ્તાનનો પરમાણુ શસ્ત્રભંડાર છેક લાગે છે એટલો રેઢો નથી. આંતરરાષ્ટ્રિય દબાણ અને ફરજિયાત લેવાં પડેલાં કેટલાંક પગલાંને લીધે સુરક્ષાની પ્રણાલી તો છે. પરંતુ પોતાના શસ્ત્રભંડારની જગ્યાઓ વિશે અમેરિકાને પણ અંધારામાં રાખતા પાકિસ્તાનની વિશ્વસનીયતા જ નહીં, આંતરિક સ્થિતિ પણ એટલી કથળેલી છે કે તેના વિશે નિશ્ચિંત થઇને નિરાંતજીવે બેસી શકાય નહીં.
No comments:
Post a Comment