ગુજરાતની સ્થાપનાને આજે પચાસ વર્ષ પૂરાં થયાં. ભૌગોલિક સરહદો વગરના એક સાંસ્કૃતિક એકમ તરીકે ગુજરાતનો ખ્યાલ બહુ જૂનો છે. ‘જય જય ગરવી ગુજરાત’ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ જેવાં ગુજરાત વિશેનાં અનેક પ્રશસ્તિકાવ્યો રચાયાં, ત્યારે નકશામાં એક પ્રાંત તરીકે ગુજરાતનું અસ્તિત્ત્વ ન હતું. કનૈયાલાલ મુનશી જેવા ગુજરાતનાં-ગુજરાતની અસ્મિતાનાં સ્વપ્ન સેવનારા ગુજરાતને ‘એક સાંસ્કારિક વ્યક્તિ’ કે ‘એક ભાવના’ તરીકે ઓળખાવતા હતા. ભૌગોલિક રીતે જેની ચોક્કસ વ્યાખ્યા બાંધવાનું અઘરૂં હતું એવા ગુજરાતની ટૂંકી વ્યાખ્યા હતીઃ ગુજરાતી ભાષા બોલનારા લોકોનો પ્રદેશ. આ જ વ્યાખ્યા ૧૯૫૦ના દાયકામાં મહાગુજરાત આંદોલન વખતે લાગુ પડી.
ભારતની આઝાદીની ચળવળમાં દેખીતી રીતે રાષ્ટ્રિય કોંગ્રેસનો મોટો ફાળો હતો. કોંગ્રેસ કેવળ રાજકીય નહીં, સામાજિક સંસ્થા પણ હતી. તેના વ્યાપ અને કામગીરીને કારણે, આઝાદી મળી તેના એક-બે દાયકા સુધી કોંગ્રેસ ભારતનો નૈસર્ગિક શાસકપક્ષ બની રહ્યો. તેની પાછળ એવો સામાન્ય તર્ક કામ કરતો હતો કે ‘કોંગ્રેસે આઝાદી અપાવી છે, એટલે રાજ એનું જ હોય ને!’ આઝાદી પહેલાં પણ શાસનનો થોડો અનુભવ અને તેના નેતાઓની દેશવ્યાપી પહોંચને લીધે રાષ્ટ્રિય સ્તરે કોંગ્રેસનાં મૂળીયાં લોકમાનસમાં મજબૂત રીતે સ્થાપિત થઇ ગયાં. પરંતુ મહાગુજરાત આંદોલન સુધીમાં પરિસ્થિતિ બદલાઇ ચૂકી હતી.
દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અલગ ગુજરાતીભાષી રાજ્યની માગણી મૂકાવા લાગી, ત્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં કોંગ્રેસનું શાસન હતું. એક તબક્કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઇ એમ ત્રણ અલગ રાજ્યો રચવાનું જાહેર કરી દીઘું હતું. મુંબઇને અલગ રાખવા પાછળનો ખ્યાલ એવો હતો કે ત્યાં ગુજરાતી-મરાઠી બન્ને ભાષાઓનું સરખું ચલણ હતું અને મિજાજે મુંબઇ કોસ્મોપોલિટન (પચરંગી) હતું. પણ મરાઠીભાષીઓ મુંબઇ વિનાનું મહારાષ્ટ્ર સ્વીકારવા તૈયાર ન હતા. તેમના દબાણ સામે કેન્દ્ર સરકારે અને તેની ઇચ્છાથી રાજ્ય સરકારે નમતું જોખીને દ્વિભાષી રાજ્યની જાહેરાત કરી. એટલે અલગ ગુજરાતના અસ્તિત્ત્વ પર કામચલાઉ પૂર્ણવિરામ મૂકાઇ ગયું. ત્યાર પછી થયેલા અલગ ગુજરાત માટેના સંઘર્ષમાં રાજ્ય અને કેન્દ્રની કોંગ્રેસી સરકારો મુખ્યત્વે સામા પક્ષે રહી.
આઝાદીના એક જ દાયકા પછી, મહાગુજરાત આંદોલન કોંગ્રેસવિરોધી બની ચૂક્યું હતું. તેના નાયક ઈંદુલાલ યાજ્ઞિક ભૂતકાળમાં સરદાર પટેલ જેવા મહારથી સામે ટક્કર લઇ ચૂક્યા હતા અને કોંગ્રેસના ટીકાકાર તરીકેની તેમની મજબૂત છાપ હતી. એ બધાં પરિબળોની ઉપરવટ જઇને, ૧૯૫૭ની ચૂંટણીમાં કોંગ્રેસની જ જીત થઇ. છતાં, મહાગુજરાત આંદોલન વખતની ભૂમિકાને કારણે લોકમાનસમાં અને જાહેરજીવનમાં કોંગ્રેસવિરોધી લાગણીને ઠીક ઠીક સ્થાન મળ્યું. તેનો મનોવૈજ્ઞાનિક લાભ વિપક્ષોને અને વર્ષોથી ગુજરાતમાં ચાલતા ભાજપના શાસનને કેટલો મળ્યો, એ અભ્યાસનો વિષય છે. પરંતુ મહાગુજરાત આંદોલનના પરિણામે ગુજરાતના કેટલાક હિસ્સામાં પ્રજામાનસ અને કોંગ્રેસી નેતાઓ વચ્ચે કચવાટની લાગણી અવશ્ય ઉભી થઇ. પેઢીઓ બદલાવાની સાથે એ કચવાટનાં કારણ બદલાયાં, પણ તેનાં મૂળ શોધવા નીકળીએ તો એ મહાગુજરાતના આંદોલનમાંથી મળી આવે ખરાં.
અસ્તિત્ત્વની અવઢવથી આત્મનિરીક્ષણ સુધી
ગુજરાતને પચાસ વર્ષ પૂરાં થાય એ નિમિત્તે રાજ્યસ્તરે ઉજવણી થાય એ સ્વાભાવિક છે, પણ ઉત્સવની સાથોસાથ એ પણ સમજવું પડે કે ગુજરાતનાં પચાસ વર્ષ પૂરાં થવાં એ કોઇ સિદ્ધિ નથી- ફક્ત કાળચક્રની ગતિનું એક સ્ટેશન છે. હા, ગુજરાત પડ્યું ત્યારે મહારાષ્ટ્રથી અલગ રહીને તે પોતાનું અસ્તિત્ત્વ કેવી રીતે ટકાવી શકશે એ પ્રકારની ચિંતાઓ થતી હતી. મોરારજી દેસાઇ જેવા નેતાને ગુજરાત આર્થિક રીતે અલગ રાજ્ય તરીકે ટકી શકશે કે કેમ, એ વિશે પ્રશ્નો હતા. પરંતુ ગુજરાતના આરંભકાળના નેતાઓએ રાજ્યની આર્થિક ઉન્નતિ સાધીને તેનું અલગ અસ્તિત્ત્વ સાર્થક સિદ્ધ કરી બતાવ્યું. ‘કમાય ગુજરાત ને લઇ જાય મહારાષ્ટ્ર’ એવો જૂનો કચવાટ દૂર થયો (અથવા ‘કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને થતા અન્યાય’ના નવા સ્વરૂપે ચાલુ થયો). લગભગ ત્યારથી જ ગુજરાતના અસ્તિત્ત્વ સામેની રહીસહી શંકાઓ નાબૂદ થઇ ચૂકી હતી. એટલે ભારતના એક આગળપડતા રાજ્ય તરીકે ગુજરાતના અસ્તિત્ત્વને પચાસ પૂરાં થાય કે સો, તેમાં વહેતા સમય સિવાય ભાગ્યે જ કોઇએ જશ લેવાનો હોય.
ગુજરાતનું અસ્તિત્ત્વ વર્ષો પહેલાં સિદ્ધ થઇ ગયા પછી વર્ષગાંઠો જેવા પ્રસંગે વિચારવાનું એટલું જ હોય કે ગુજરાતમાં શું છે અને શું ખૂટે છે? રવિશંકર મહારાજ જેવા સેવા અને સાદગીનાં ગાંધીમૂલ્યો આત્મસાત્ કરનારા અને ગુજરાતે જેમને ભૂલાવી દીધા છે એવા નેતાએ ગુજરાત રાજ્યના ઉદ્ઘાટનનું પ્રવચન કર્યું હતું. એ રીતે શરૂ થયેલા રાજ્યની પચાસમી વર્ષગાંઠ ઉજવવા માટે કરોડો રૂપિયાનો ઘુમાડો થાય ને એમાં પ્રજાને કશો વાંધો ન પડે તો ઘુમાડો કરનારાના રૂપિયા વસૂલ છે! બાકી, વનપ્રવેશના આ વળાંકે ગુજરાતને શું જોઇએ છે અને શાની જરૂર નથી, એ વિચારવાનું કામ ફક્ત નેતાઓ પર છોડવા જેવું નથી. એ દિશામાં શરૂઆત તરીકે થોડી કસરત.
જોઇએ છેઃ ગુજરાતી ભાષાની સારી નિશાળો
એ ભૂલી જવાય છે કે જે લાક્ષણિકતા, જે ધરી પર અલગ રાજ્યની રચના થઇ, તે રાજકીય નહીં પણ ભાષાની ધરી હતી. ‘ગુજરાતી બોલનારા લોકોના પ્રદેશં’ તરીકે અસ્તિત્ત્વમાં આવેલા રાજ્યમાં શરૂઆતમાં અંગ્રેજીના ભોગે ગુજરાતી અને પાછલાં વર્ષોમાં ગુજરાતીના ભોગે અંગ્રેજીનો જુલમ ચાલ્યો. અત્યારની સ્થિતિ એવી છે કે મોટા ભાગના વાલીઓ પાસે તેમનાં સંતાનોને ભણાવવા માટે બે જ વિકલ્પો છેઃ સસ્તી અને ખરાબ ગુજરાતી નિશાળ, મોંઘી અને ખરાબ અંગ્રેજી નિશાળ. વાલીઓની દેખીતી પસંદગી મોંઘી અને ખરાબ અંગ્રેજી નિશાળની હોય છે. (સારી અંગ્રેજી નિશાળોની ટકાવારી બહુ ઓછી છે અને એવી નિશાળો સમાજના ઉપલા વર્ગ સિવાય બીજાને પોસાતી નથી.) ખરાબ અંગ્રેજી નિશાળમાં બાળકને મૂકવા પાછળનો તર્ક એટલો જ હોય છે કે બીજું કંઇ નહીં, તો તેનું અંગ્રેજી તો સુધરશે. અંગ્રેજી સુધરે કે ન સુધરે, અંગ્રેજીની બીક દૂર થાય તો પણ તેમને રૂપિયા વસૂલ લાગે છે.
આ સંજોગોમાં સરકારી ગુજરાતી નિશાળોનો જીર્ણોદ્ધાર કરીને તેમને આઘુનિક બનાવવાનું કામ બહુ મોટું અને તાકીદનું છે. આ પડકાર એટલો મોટો છે કે સરકારના ગંજાવર તંત્ર સિવાય અને શિક્ષણના નિષ્ણાતોની આંતર્દૃષ્ટિ સિવાય તેમાં કશું ઉકાળી શકાય નહીં. સમય સરી રહ્યો છે. ટૂંક સમયમાં આ દિશામાં કોઇ નક્કર કામગીરી નહીં થાય, તો ગુજરાતી માઘ્યમ અને ઈંગ્લિશ મિડીયમમાં ભણનારા વચ્ચેની ખાઇ શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં, સામાજિક ક્ષેત્રે પણ ભારે ખાઇ સર્જશે, જેની શરૂઆત થઇ ચૂકી છે.
જરૂર નથીઃ શોપિંગ સેન્ટર જેવી, માત્ર ટંકશાળ પાડવા માટે ઉભી થઇ હોય એવી, અધકચરી અને અપૂરતી સુવિધા ધરાવતી (મુખ્યત્વે ઇંગ્લીશ મિડીયમ) સ્કૂલોની.
જોઇએ છેઃ આદિવાસીઓના હક
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગાંધીવાદી અને સેવાકીય સંસ્થાઓથી માંડીને ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓ ગુજરાતના અસ્તિત્ત્વ પહેલાંની સક્રિય છે. પરંતુ તેમની પ્રવૃત્તિ ‘આદિવાસીકલ્યાણ’ પર કેન્દ્રિત છે. તેમાં આદિવાસીઓના હકની લડાઇને બહુ સ્થાન હોતું નથી. આદિવાસીઓના હક માટે સંઘર્ષમાં ઉતર્યા વિના, તેમને મુખ્ય પ્રવાહમાં ભેળવવાના પ્રયાસ સૌ પોતપોતાની સમજણ પ્રમાણે કરે છે. સ્વાભાવિક છે કે તેનાં ધાર્યાં અને સંતોષકારક પરિણામ મળતાં નથી. કોઇ આદિવાસીઓને ‘હિંદુ’ બનાવીને સાર્થકતા અનુભવે છે, તો કોઇ ‘ખ્રિસ્તી’ બનાવીને. બીજી તરફ, આદિવાસીઓના હક પર સરકારનો પંજો સતત વિસ્તરતો રહ્યો છે. તેને કારણે આદિવાસીઓ માટે જંગલ અને જમીનની માલિકીની સમસ્યાઓ સર્જાઇ છે. સરકારો આદિવાસીઓ સાથે દિલચોરીથી પેશ આવે છે અને તેમને ગંભીરતાથી લેતી નથી અને સ્થિતિ ગંભીર જણાય ત્યારે આડેધડ નક્સલવાદના આરોપો કરીને પલીતા ચાંપે છે. ગુજરાતના આદિવાસીઓમાં હજુ સુધી નક્સલવાદનો પગપેસારો થયો નથી, એવો એ વિસ્તારોમાં કામ કરનારા લોકોનો અનુભવ છે. પરંતુ સરકાર હકની વાત કરનારા નિર્દોષ કાર્યકરોને ‘નક્સલવાદી’ તરીકે ખપાવીને તેમની ધરપકડો કરે, તો તે આડકતરી રીતે નક્સલવાદને આમંત્રણ આપવા બરાબર થશે. નક્સલવાદનાં ધસમસતાં પાણી શાંતિને વેરવિખેર કરી નાખે તે પહેલાં સાફ દાનતથી સંવાદની પાળ બાંધવાનું રાજ્ય સરકારનું કામછે.
જરૂર નથીઃ આદિવાસીઓના અસંતોષથી ફૂલતાફાલતા નક્સલવાદની.
જોઇએ છેઃ અસ્પૃશ્યતાનિવારણ
ગાંધીજીના પ્રભાવ હેઠળ ગુજરાતમાં ઠક્કરબાપા, મામાસાહેબ ફડકે, પરીક્ષિતલાલ મજમુદાર જેવા નેતાઓએ નિષ્ઠાવાન રીતે અસ્પૃશ્યતા દૂર કરવાના પ્રયાસ કર્યા. છતાં સદીઓ જૂની માનસિકતા સામેની લડાઇમાં એમ જીત મળે? ઉલટું, એ દિશામાં કામ બંધ થાય ત્યારે ઢાળ પર ધક્કો મારીને ચડાવેલા વાહનની જેમ, એક ડગલું આગળ વધેલી લડત બે ડગલાં પાછળ આવીને ઉભી રહી જાય.
‘અસ્પૃશ્યતાનિવારણ’ વાંચીને ઘણાને થશે, ‘એ તો ક્યારનું થઇ ગયું. ખૂણેખાંચરે કદાચ હોય તો હોય. ને એ પણ સમય જતાં નીકળી જશે.’ અસ્પૃશ્યતાનિવારણ સામેનો સૌથી મોટો પડકાર જ આ છેઃ અત્યારે તેના અસ્તિત્ત્વનો સ્વીકાર કરતાં સૌ ખચકાય છે અથવા પોતાની આજુબાજુ કે પોતાના જ મનમાં તેનું અસ્તિત્ત્વ જોવાની ક્ષમતા લોકોએ ગુમાવી દીધી છે. એટલે જ મહાગુજરાતના જમાનાની ડીઝાઇન ધરાવતી ઠેલણગાડી ઠેલતા કે ગટરમાં ઉતરતા સફાઇ કામદારોને જોયા પછી પણ અસ્પૃશ્યતાની વાત નીકળે ત્યારે ‘એ તો હવે ક્યાં રહી છે?’ એવા ભોળા ઉદગાર નીકળી જાય છે.
જરૂર નથીઃ અસ્પૃશ્યતાનો અસ્વીકાર કરતા જૂઠા સરકારની અહેવાલોની.
આ તો યાદીની શરૂઆત છે. તેમાં સૌ પોતપોતાના દૃષ્ટિકોણથી વઘુ મુદ્દા ઉમેરી શકે છે. કોઇ પણ સમસ્યાને ઉકેલવા માટે તેનો સ્વીકાર કરવો એ પહેલું પગથીયું છે. પચાસ વર્ષના મુકામે એવાં પગથીયાં ચડવાની ક્ષમતા શાસકો અને શાસિતો સૌમાં કેળવાય, એ જ શુભેચ્છા.
really very good and informative article... the Gujarat education system really need a big time change! The other points are well discussed as well... congrats!
ReplyDelete