ક્યાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી. બહુજન સમાજ પક્ષનાં સર્વેસર્વા, ‘બહેનજી’ માયાવતી અને ક્યાં ક્રિકેટની ‘પેજ-૩’ આવૃત્તિ જેવી ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ના કમિશનર લલિત મોદી?
બન્નેનાં નામ એકસાથે લેવાં પડે એવું દેખીતું કોઇ કારણ ઉભું થયું નથી. માયાવતીને હજુ સુધી ક્રિકેટથી અળગાં રહ્યાં છે. (કાલની ખબર નથી) અને લલિત મોદીને દલિત રાજનીતિ સાથે લેવાદેવા નથી. આ બન્ને પાત્રોને ‘વિવાદાસ્પદ’ કહી શકાય, પણ એટલું પૂરતું નથી. વિવાદાસ્પદ તો સાનિયા મિર્ઝા પણ છે ને સુનંદા પુષ્કર પણ છે. એમ તો શરદ પવાર અને શશિ થરૂર પણ ક્યાં ઓછા ગવાયેલા છે? છતાં, માયાવતી અને લલિત મોદીની વાત જુદી છે.
એવા રે અમે એવા...
સાવ જુદા સામાજિક-આર્થિક વાતાવરણમાંથી આવતાં માયાવતી અને લલિત મોદી ‘ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે’ એ સૂત્રમાં પાકો વિશ્વાસ ધરાવે છે. દુનિયાને ઝુકાવવા ઉપરાંત, પોલા નિયમો-પોલી સીસ્ટમને પોતાની તરફેણમાં વાળવામાં પણ તે માહેર છે. તેમની આ ખાસિયતને સીસ્ટમની નબળાઇનો ગેરલાભ લેવાની આવડત કહો કે બેશરમી-નફ્ફટાઇની હદ, તેમની આ પ્રકારની હરકતોમાંથી એક જ સંદેશો ઝમે છેઃ ‘અમે જે કરવું હતું તે કરી દીઘું. તમારામાં તાકાત હોય તો એને પડકારીને અમને ગુનેગાર સાબીત કરી બતાવો- અને એ ન કરી શકો તો દાંત ભીંસીને-મુઠ્ઠીઓ વાળીને અમારી બેશરમ સફળતાને પચાવતાં શીખી જાવ.’
માયાવતી અને લલિત મોદી નમ્રતાનો દંભ કરતાં નથી. તેમને મહાત્મા તો ઠીક, સેવક કહેવડાવાના પણ અભરખા નથી. પોતાના સ્વાર્થ અને હિત માટે, આખી સૃષ્ટિ પોતાની આસપાસ ફરતી રહેવી જોઇએ, એવી તેમની સ્પષ્ટ માન્યતા છે. પોતાની મહત્ત્વાકાંક્ષાઓ વિશે તેમના મનમાં ક્ષોભ-સંકોચ નહીં, પણ ગૌરવ-અભિમાન છે. એટલે જ, સામાન્ય માણસ તો ઠીક, મોટા નેતાઓ કલ્પી ન શકે એ હદે તે જાય છે- અને તે પણ છડેચોક, ખુલ્લેઆમ, ‘તમારાથી થાય તે કરી લો’ના તુચ્છકાર વેરતા પડકાર સાથે.
તેમની વાત કે વૃત્તિમાં ‘એવા રે અમે એવા’નો એકરાર કે શરણાગતિનો ભાવ નથી. તેમની ઘુ્રવપંક્તિ છેઃ ‘એવા રે અમે એવા, થવું’તું અમારે જેવા’. તેમાં સફળતાનું ગુમાન છલકે છે અને ‘આટલા ધમપછાડા કરીને તમે અમારૂં શું ઉખાડી લીઘું?’નું અભિમાન પણ ખરૂં જ.
ન પહેલાં, ન એકલાં
લલિત મોદી અને માયાવતી વિશે વિચારવાલાયક સવાલ એ હોવો જોઇએ કે ‘એ લોકો લાગે છે એટલાં ખરાબ હોય, તો એમને કંઇ થતું કેમ નથી? કોઇ એમનું કંઇ બગાડી શકતું કેમ નથી?’
‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી’ (૧૦ એપ્રિલ, ૨૦૧૦)ના અંકમાં આનંદ તેલતુંબડેએ માયાવતીના સંદર્ભે આ સવાલનો જવાબ આપતાં લખ્યું છે કે માયાવતીની ભલે પારાવાર ટીકા થતી હોય, પણ તેમણે કશું નવું કર્યું નથી.
માયાવતીનાં જે ‘પરાક્રમો’થી પ્રસાર માઘ્યમો અને દેશની સરેરાશ મઘ્યમ વર્ગીય જનતા ઉકળી ઉઠે છે, એ બઘું તેમની પહેલાંના અનેક નેતાઓ કરી ચૂક્યા છે. માયાવતીનો વઘુ મોટો ‘ગુનો’ એ છે કે બાકીના લોકોએ જે ઢાંકપિછોડા સાથે, સેવાનો દંભ રાખીને ઠાવકા મોઢે કર્યું, તે માયાવતી એકદમ ઝાકઝમાળ સાથે, ઉઘાડેછોગ અને રતીભાર શરમસંકોચ વિના, બલ્કે ઓળખના રાજકારણના ભાગરૂપે કરી રહ્યાં છે. એ સારૂં કે સાચું નથી. પણ તેનાથી જાહેર જીવનમાં નૈતિકતા ખાડે ગઇ હોવાને અહેસાસ તીવ્રતમ રીતે થાય છે. તેનાથી ભ્રષ્ટાચાર અને અનૈતિકતા સાથે સમાધાન સાધી ચૂકેલા લોકો પણ અકળાઇ ઉઠે છે અને વિચારે છે કે ‘આવું થોડું ચાલે?’ (નૈતિકતા જેવા લપસણા મુદ્દે બીજા નેતાઓની સરખામણીમાં માયાવતીની ટીકા વધારે પડતી થાય, એનું એક કારણ માયાવતીનું દલિત કુળ પણ છે.)
માયાવતીનો બચાવ કરવાની વાત નથી. તેમની બેસુમાર સંપત્તિ, ડો.આંબેડકર અને કાંશીરામના વિચારોને બદલે તેમનાં પૂતળાં, તેમના નામના બગીચા અને સ્મારકો પાછળ થતું કરોડો રૂપિયાનું આંધણ, તેમના મુખ્ય મંત્રી બન્યા પછી પણ દલિતોની ‘ઠેરના ઠેર’ જેવી દશા- આ બઘું અસહ્ય લાગે એવું છે. પણ તેમાંની એકેય બાબતમાં માયાવતી પહેલાં કે એકલાં નથી. તેમની લાક્ષણિકતા એ છે કે બીજા નેતાઓ ને પક્ષો બહારથી શાણપણ ઝાડીને, ખાનગી રાહે અનૈતિકતા આચરે છે, જ્યારે માયાવતી સરેઆમ પોતાનો વહીવટ ચલાવે છે- અને રાજકારણમાં શું ચાલે છે એ વિશે કોઇ જરાસરખા પણ ભ્રમમાં હોય, તો એ ભ્રમ દૂર કરી નાખે છે.
જેમ કે, ફાડી ખાવા માટે તૈયાર બેઠેલા ન્યૂઝચેનલોના સમાચારભૂખ્યા કેમેરા સામે માયાવતી બિનધાસ્ત દસ-પંદર કરોડ રૂપિયાની ચલણી નોટોનો હાર સ્વીકારે છે ને પહેરે છે. તેમની આ વર્તણૂંકની આકરી ટીકા થાય, તો પણ બીજા દિવસે માયાવતી ચલણી નોટોનો બીજો (થોડી ઓછી રકમનો) હાર સ્વીકારે છે. જાણે કહેતાં હોય,‘તમારી ટીકા મેરી જૂતીસે. આ ફરી ચલણી નોટોનો હાર પહેર્યો. જાવ, થાય તે કરી લો.’
ક્રિકેટના વહીવટમાં લલિત મોદીનું વલણ પણ આ જ પ્રકારનું છે. બીસીસીઆઇ તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ બોર્ડના એક સમયના સર્વસત્તાધીશ જગમોહન દાલમિયા સાથે લલિત મોદીને વાંકું પડ્યું, ત્યારે ભારતીય ક્રિકેટને ‘નવો વળાંક’ આપવાનું નક્કી કર્યું. આઇપીએલ થકી તેમણે પોતાના વિચારને સાકાર કર્યો અને અઢળક કમાણી કરીને પોતાના આઇડીયાને વાજબી સાબીત કરી બતાવ્યો.
દુન્યવી ધારાધોરણ પ્રમાણે વાજબી એટલે સફળ અને સફળ એટલે પૈસાદાર. ક્રિકેટની રમત માટે ‘અબ્રહ્મણ્યમ્’ કહેવાય એવું ઘણું બઘું (ચિયરગર્લ્સથી માંડીને શરાબ-શબાબની મહેફિલો) લલિત મોદીએ સફળતાના સિક્કાથી ‘એ તો આમ જ હોય’ એ રીતે ખપાવી દીઘું. તેમની સરખામણીમાં કેરી પેકર તો ક્રિકેટજગતના સંત લાગે.
ફળદ્રુપ દિમાગ ધરાવતા ઉદ્યોગપતિ લલિત મોદીએ ક્રિકેટ સાથે ગ્લેમરનું એવું કાતિલ મિશ્રણ કર્યું કે તેના નશામાં સૌ ભાન અને પ્રમાણભાન ભૂલી ગયા. એક ઉદાહરણ તરીકે આઇપીએલ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓના રોજિંદા કાર્યક્રમની ઝલક જોઇે. અખબારી અહેવાલ પ્રમાણે, વીસ ઓવરની મેચ રમ્યા પછી ખેલાડીઓ હોટેલ પર જઇને ફ્રેશ થઇને રોજ રાત્રે યોજાતી પાર્ટીમાં જોડાય છે. એ પાર્ટીમાં દસ મિનીટનો ફેશન શો હોય છે. ટીમના માલેતુજાર માલિકો, એમનાં મહેમાનો, ચીયરલીડરો, ફેશન શો નિમિત્તે આવતી યુવતીઓ, મોંઘીદાટ ટિકીટ ખર્ચીને પાર્ટીમાં હાજર રહેવા ઇચ્છતા લોકો- આ બધો શંભુમેળો ઘણી વાર મેચ કરતાં પણ વધારે કલાક પાર્ટીમાં મહાલે છે. સવારે ખેલાડીઓ (મેચમાંથી નહીં, પાર્ટીમાંથી) થાક્યાપાક્યા સૂઇ જાય છે, બપોર પડતાં ઉઠે છે ને નાહીપરવારીને મેચ રમવા થાય છે. મેચ પૂરી થાય એટલે વઘુ એક પાર્ટી.
એક જાહેર કાર્યક્રમના ભાગરૂપે રોજ આ જાતની મહેફિલો થાય, લાખો રૂપિયાનો દારૂ વહેતો હોય, ગ્લેમરની છોળો ઉડતી હોય અને તેના સમાચાર-તસવીરોની સાથે અખબારમાં કોઇક ગેસ્ટહાઉસ પર દરોડા પાડીને છોકરીઓની ધરપકડ કર્યાના સચિત્ર સમાચાર વાંચવા મળે, ત્યારે કેવી વિચિત્ર લાગણી થાય?
આખી આઇપીએલ દરમિયાન લલિત મોદી વરરાજા બનીને મહાલે છે. આઇપીએલ કમિશનર જેવો હોદ્દો ધરાવતા લલિત મોદી માયાવતીની જેમ કોઇથી ડરતા કે દબાતા નથી. ઉદ્યોગપતિ પરિવારના અને અમેરિકા ભણી ચૂકેલા (અહેવાલો પ્રમાણે ત્યાં પોલીસના ચક્કરમાં ફસાઇ ચૂકેલા) મોદીની છટા આંતરરાષ્ટ્રિય છે. ‘આઇ ડોન્ટ કેર’ - એ તેમની બોડી લેંગ્વેજમાંથી ઝરતો સ્થાયી ભાવ છે.
માયાવતી હોય કે લલિત મોદી, તેમનો આ ભાવ પોસાય છે કેવી રીતે? અને આ લોકો પોતે સમસ્યારૂપ છે કે સમસ્યાનાં સૌથી દેખીતાં પ્રતીક છે?
કોલસા ને કાજળની હૂંસાતૂંસી
માયાવતી ઠેકઠેકાણે ડો.આંબેડકર અને કાંશીરામનાં સ્મારકો ને પૂતળાં પાછળ ઘૂમ રૂપિયા ખર્ચે છે. તેની આકરી - અને વાજબી- ટીકા થાય છે, પણ એ ટીકા કોણ કરે છે તે મહત્ત્વનું છે. માયાવતીને પોતાની આશા માનતા દલિતો કે દલિતોની સમાનતા ઝંખતા લોકો આ મુદ્દે માયાવતીની ટીકા કરે એ વાજબી છે. પરંતુ સરકારી રસ્તા, સરકારી મકાનો, સરકારી યોજનાઓ પર જ્યાં ને ત્યાં નેહરૂ-ગાંધી પરિવારનાં નામ લગાડી દેનાર કોંગ્રેસના મોઢેથી આ મુદ્દે માયાવતીની ટીકા શોભતી નથી.
માયાવતીને ‘દૌલતકી બેટી’ કહેવામાં અતિશયોક્તિ નથી. થોડાં વર્ષોમાં એમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ આવી ગઇ છે. ગયા વર્ષે તેમણે રૂ.૨૧ કરોડ જેટલો ઇન્કમટેક્સ પણ ભર્યો હતો. સોગંદનામાં ગમે તે કહે, પણ સોનિયા ગાંધી પાસે માયાવતી કરતાં ઓછા રૂપિયા હોય એ વાત કોઇ પણ સાધારણ બુદ્ધિવાળો માણસ માનશે ? અને માયાવતીની જેમ ઉઘાડેછોગ નહીં તો ખાનગી રાહે, ભ્રષ્ટાચાર કરવામાં કયો રાજકીય પક્ષ પાછો પડે એમ છે?
કહેવાનો મતલબ એ નથી કે બીજા ભ્રષ્ટાચારી હોય, એટલે માયાવતીને ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ મળી જાય છે. મુદ્દો એ છે કે બધા ભ્રષ્ટાચાર કરતા હોય, ત્યારે માયાવતી સામે પગલાં કોણ લે? ને કયા મોઢે લે? બૂમબરાડા તો ધંધામાં રહેવા માટે કરવા પડે અને ધારો કે પગલાં લેવાય તો પણ તેનો આશય ભ્રષ્ટાચારનાબૂદીનો નહીં, રાજકીય હિસાબકિતાબનો જ હોય.
એવું જ લલિત મોદીની આઇપીએલ માટે કહી શકાય. ટીમની માલિકીના મુદ્દે થયેલી તકરારો પછી અચાનક બીસીસીઆઇ જાગ્યું છે. ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે, પણ સવાલ એ થાય કે અત્યાર લગી આ લોકો શું કરતા હતા?
દારૂની કે સિગરેટની કંપનીઓ પોતાની સીધી જાહેરખબર કરી શકતી નથી, એટલે તેમને ‘સરોગેટ એડ’ કરવી પડે છે. તેમાં નામ દારૂની બ્રાન્ડનું હોય- અને એ બધા જાણતા હોય- પણ જાહેરખબર કપડાંની કે લાઇફસ્ટાઇલની હોય! આઇપીએલના મામલે સતત એવું લાગતું રહ્યું છે કે આખા આયોજનમાં ક્રિકેટ ફક્ત ‘સરોગેટ’ પ્રવૃત્તિ હોય અને તેની પાછળના દોરીસંચાર, આશયો અને હિસાબકિતાબ કંઇક અલગ જ હોય. છતાં, બીસીસીઆઇએ અત્યાર લગી અઢળક આવક સામે જોઇને, બાકીની બાબતો ભણી આંખ આડા કાન કર્યા. હવે વિવાદ અને સરકારી ધોંસ આવતાં લલિત મોદીને તગેડી મૂકવાની વાતો સંભળાય છે. એ યાદ રાખવા જેવું છે કે લલિત મોદીની વિદાય થાય તો પણ, તેમણે કંઇક ખોટું કર્યું એટલે નહીં, તેમને છાનામાના, સલુકાઇથી, લડાઇઝગડા વિના ખોટું કરતાં ન આવડ્યું એ બદલ થશે.
લલિત મોદી ને માયાવતી ભારતના રાજકારણની, ભારતના જાહેર જીવનની ભ્રષ્ટ નીતિરીતિનાં વકરેલાં પ્રતીક છે. પ્રતીકોને નિર્દોષ ગણવાની કે તેમને બક્ષવાની વાત નથી. પણ ફક્ત પ્રતીકોને દૂર કરવાથી સમસ્યા દૂર થતી નથી. સમસ્યાની ઉપસ્થિતિનો અકળાવનારો અહેસાસ ઘટે છે એટલું જ.
માયાવતી વિશેના આનંદ તેલતુંબડેના લેખનું મથાળું છેઃ ‘માયાવતીઝ મેગા સર્વિસ ટુ ધ નેશન’ (માયાવતીની મહાસેવા) આપણે પણ આ પ્રતીકોનો આભાર માની શકીએ - આપણી સીસ્ટમ કેટલી બોદી થઇ ચૂકી છે અને તેને કઇ હદે મરોડી શકાય છે તે બતાવી આપવા બદલ!