માતૃભાષાની વંદનાથી માંડીને તેનાં હરાઇ રહેલાં ચીર પૂરવાના પ્રયાસોની સીઝન છે. (ચીર હરનારા ક્યારેક ચીર પૂરનારા તરીકેના ડબલ રોલમાં જોવા મળે તો એને પણ ગુજરાતની વિશેષતા ગણવી.) માતૃભાષાનું સ્થાન સુદૃઢ કરવા, તેને વઘુ પુષ્ટ અને વઘુ ખમતીધર બનાવવા માટે લાગણીવેડા અને ચબરાકીયાં, શબ્દોના શણગાર અને ગુજલિશનો છેતરામણો માર્ગ કામ નહીં લાગે, એ સૌથી પહેલાં સમજી લેવું પડે. માથે માતૃભાષાબચાવનો મોડ પહેરીને વરરાજા બનવાની મુગ્ધતાથી સમજણપૂર્વક દૂર રહેવું, જોડણીના મતભેદોમાં ન ઉલઝવું અને ભાષા વિશેનાં અમલમાં મૂકી શકાય એવાં નક્કર પગલાંની વાત કરવી, એ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.
ગુજરાતી ભાષા માટે શિક્ષણ ક્ષેત્રે શું થઇ શકે, તે અંગેનું થોડુંઘણું નક્કર આયોજન અમદાવાદની ‘સેપ્ટ’ યુનિવર્સિટીમાં કેટલાક વખતથી ચાલી રહ્યું છે. શિક્ષણક્ષેત્રે સંકળાયેલા વિદ્વાનોએ ‘સેપ્ટ’માં થતી ચર્ચાના આધારે કેટલાંક નક્કર સૂચનો અને અમલમાં મૂકી શકાય એવાં પગલાં ઘડી કાઢ્યાં છે. તેમાં ઉલ્લેખાયેલી પણ સામાન્ય રીતે ભાષાની ચર્ચામાંથી બહાર રહેતી અગત્યની બાબત છેઃ બોલીનું મહત્ત્વ. રતિલાલ બોરીસાગર જેવા શિક્ષણવિદ્ માતૃભાષાની તરાહ પર બોલી માટે ‘માતૃબોલી’ જેવો શબ્દ પ્રયોજીને તેનું માહત્મ્ય સ્પષ્ટ કરે છે.
ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતામાં ગુજરાતી ભાષાને કેન્દ્રસ્થાને ગણવામાં આવે છે (કહેવાતી રાજકીય ‘અસ્મિતા’ની વાત જુદી છે.), પરંતુ પ્રજાજનોથી પંડિતો સુધીના સૌ માને છે કે અસ્મિતાનો ભાવ ભાષા કરતાં પણ વધારે સ્થાનિક બોલી સાથે સંકળાયેલો હોય છે. એક કાઇઠ્યાવાડીને કે હુરટીને કે મેહોણવીને કે ચરોતરીને પોતાની બોલીમાં વ્યક્ત થવાની જે મઝા આવે છે, તે ‘શિષ્ટ’ ગુજરાતીમાં આવી શકે નહીં. સીધોસાદો દાખલો જોઇએઃ શહેરમાં વસેલા કોઇ ચરોતરી જણને ‘જા, જા, હવે. ચાલતો થા છાનોમાનો.’ એવું કહેવામાં અભિવ્યક્તિનો વધારે સંતોષ મળશે કે ‘જા, જા, અવે. હેંડતી થા છોનીમોની!’ એવું બોલવામાં વધારે સંતોષ અનુભવાશે? સીધી વાત છેઃ માતૃભાષા કરતાં પણ માતૃબોલી દિલની વધારે નજીક છે- ફક્ત ગુસ્સાની નહીં, તમામ લાગણી વ્યક્ત કરવામાં!
સૈદ્ધાંતિક રીતે માતૃભાષા અને માતૃબોલી વચ્ચે કશો વિરોધાભાસ ન હોઇ શકે, પરંતુ સામાજિક પરિબળોના પ્રતાપે બોલી અને ભાષા વચ્ચેની ઉંચી-અડીખમ દીવાલ ઉભી થઇ જાય છે. ‘સુધરેલા’ (એટલે કે શહેરી- આ ગેરસમજણ વ્યાપક છે) થવાની લ્હાયમાં ‘બોલી એટલે અશિષ્ટ-ગામડીયા-પછાત અને ભાષા એટલે સુસંસ્કૃત-આઘુનિક-શિષ્ટ’ એવી ખોટી માન્યતા પેદા થાય છે. કહેવાનું તાત્પર્ય એવું બિલકુલ નથી કે દરેકે પોતાની માતૃબોલીને જ વળગી રહેવું. સાથોસાથ, એ પણ ખરૂં કે બોલીને સદંતર તજી દેવામાં પણ ડહાપણ નથી. ભાષાને સમૃદ્ધ બનાવવામાં પરભાષાના શબ્દો લઇને આપણે ગૌરવ અનુભવતા હોઇએ, તો આપણાં સમાજ-સંસ્કૃતિ-રીતરિવાજોમાંના પ્રતિબિંબ જેવી બોલીના વિશિષ્ટ અને ચોટડૂક શબ્દોને શા માટે ચલણમાંથી ભૂંસી નાખવા જોઇએ? બાર ગાઉએ બોલી બદલાય, એટલું માતૃભાષા અને માતૃબોલીઓનું વૈવિઘ્ય એ સદીઓથી સંચિત થયેલી સમૃદ્ધિ છે. તેને બે-ચાર પેઢીઓની ટૂંકી દૃષ્ટિના પાપે લુપ્ત થવા ન દેવી, એ પણ માતૃભાષાને મજબૂત કરવાનો જ હિસ્સો છે.
ગુજરાતી ભાષાની બોલીના મુખ્ય બે ભાગ છેઃ કોમ અથવા સમુદાયની બોલી અને પ્રાદેશિક બોલી. ગુજરાતની મુખ્ય પ્રાદેશિક બોલીમાં સુરતી, ચરોતરી, ઉત્તર ગુજરાતની (પટણી), ઝાલાવાડી, ગોહિલવાડી, સોરઠી, હાલારી અને કચ્છીનો સમાવેશ થાય છે. આ મુખ્ય બોલીઓમાં પણ પ્રદેશ બદલાય તેમ ઉચ્ચાર, કહેવતો, શબ્દપ્રયોગોની સમૃદ્ધિ બદલાતી જોવા મળે છે. એ જ રીતે કોમ કે સમુદાયમાં પારસી, વહોરા અને વિવિધ પ્રદેશોમાં વસતા મુસ્લિમોથી માંડીને જુદા જુદા પ્રદેશના બ્રાહ્મણો અને આદિવાસીઓમાં પણ ભરપૂર બોલીવૈવિઘ્ય જોવા મળે છે. આયરીશ ભાષાશાસ્ત્રી જ્યોર્જ અબ્રાહમ ગ્રિઅર્સને ‘લિન્ગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા’ના સુપ્રીટેન્ડન્ટ તરીકે ૧૯૦૩થી ૧૯૨૩ વચ્ચે બાર ભાગનો ભાષા સર્વેક્ષણ અહેવાલ તૈયાર કર્યો હતો. ૧૭૯ ભાષા અને ૫૪૪ બોલીની વિગતો ધરાવતા એ અહેવાલમાં ગ્રિઅર્સને ગુજરાત અને આજુબાજુના કેટલાક પ્રદેશોના આદિવાસીઓમાં બોલાતી ૨૨ જુદી જુદી ભીલી બોલીઓની યાદી આપી હતી.
ભીલી બોલી અંગે ડો.ગણેશ દેવી જેવા કેટલાક વિદ્વાનોના પ્રયાસથી સારૂં એવું કામ થયું અને થાય છે. એ જ રીતે, એંસીના દાયકામાં દલિત સાહિત્યના પ્રવાહ પછી ગુજરાતના વિવિધ પ્રદેશોમાં રહેતા દલિતોની બોલી વાર્તાઓ-નવલકથાઓ-કવિતાઓમાં આવી છે. પરંતુ બોલીનો સંબંધ કેવળ મૌલિક સાહિત્ય કે પાંડિત્યપૂર્ણ સંશોધન પૂરતો મર્યાદિત રહી જાય, તો ઘણું કામ બાકી રહી જાય છે. સામાન્ય પ્રજાજન પોતાની બોલી માટેની શરમ તજે એ માટે કેવું કામ કરી શકાય, તેનો ઉત્તમ નમૂનો દલપત ચૌહાણના પુસ્તક ‘તળની બોલી’માં જોવા મળે છે. ઉત્તર ગુજરાતના દોતોર પરગણાની બોલીના આ પુસ્તકમાં પંડિતાઇના ભાર વિના કુંભાર, ઘાંચી, તૂરી, પિંજારા, વાદી, સેનમા જેવા વ્યવસાયોમાં વપરાતા વિશિષ્ટ શબ્દો અને તેના અર્થો ઉપરાંત પહેરવેશ, ઘરેણાં, ઘર, લગ્ન-મૃત્યુ-ભોજન સંબંધી શબ્દો, ઝાડપાન અને ગામનાં - દેવીદેવતાઓનાં નામ સુદ્ધાં સમાવવામાં આવ્યાં છે. આ પરગણામાં રહેતો કોઇ પણ માણસ ‘વડનગર’ માટે ‘વૈણગર’ કે ‘ખેરાળુ’ માટે ‘સરાળુ’ વાંચીને આત્મીયતાની લાગણી અનુભવતો થઇ જાય! હનુમાનને ‘અનુમાંન’ અને કૃષ્ણને ‘કોંન મહરાજ’ કહેવાથી બોલીની અને પ્રદેશની લાક્ષણિકતાનો સીધો પરચો મળે છે.
બોલીની ખરી તાકાત એની કહેવતો-રૂઢિપ્રયોગો-શબ્દપ્રયોગોમાં ઝળકી ઉઠે છે. દોંતારની કેટલીક કહેવતો અને તેના રૂઢિપ્રયોગ (જેના અર્થ અને તેની ચોટ સ્વયંસ્પષ્ટ છે):
- આગળ ઉછાળે ને પાછળ વેણતો જાય
- થાય તો સેતી નીકર ફજેતી
- પળે મળી એ પદમણી
- મેંશ આંજે કાંણી દેખતી ના થાય
- મોર માર્યો ઇન્નું નખ્ખોદ જજો પણ મોર મર્યો ઇનું હું
- વણચોમાહે મોર બોલવા
- આંબા કે ત્યાં આકડાય ના હોય...
ગુજરાતની બોલીઓ વિશેના શાસ્ત્રીય અભ્યાસમાં શાંતિભાઇ આચાર્ય લિખિત ‘અમે બોલીઓ છીએ’ નોંધપાત્ર છે. સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકર જેવા ગાંધીયુગના ભાષાસેવીઓએ પણ પોતપોતાની રીતે ગુજરાતીના વિશિષ્ઠ શબ્દો અને શબ્દપ્રયોગોની યાદી કરી છે. સ્વામી આનંદનું માત્ર ને માત્ર પ્રજાકીય ઉદાસીનતાને લીધે અપ્રાપ્ય બનેલું પુસ્તક ‘જૂની મૂડી’ સ્વામીના જ નહીં, ગુજરાતી ભાષાના પ્રેમીઓ માટે પણ ખજાના જેવું છે. બોલીઓ અને તેના પ્રયોગોને ‘જનવાણી’નો દરજ્જો આપતાં પ્રસ્તાવનામાં સ્વામી આનંદે લખ્યું છે કે ‘ભાષા એ ધરતી પરનો પાણીનો વીરડો છે. જનવાણી એ એની અખૂટ સરવાણી છે. ઘડા પાણીના વીરડાને વાડકી કે છાલિયાથી ઉલેચ્યે જાઓ ને સો બેડાં પાણી ભરી લ્યો. ન ઉલેચો તો વીરડાનું પાણી ઘડો જ રહેશે...રોજેરોજ ઉલેચાયા વગર વીરડો મેલો ને બંધિયાર બની જશે...’
માતૃભાષાના મહિમાની, ગૌરવની અને તેને આઘુનિક બનાવવાની વાતો થાય છે, ત્યારે સાર્થ જોડણીકોશમાંથી ‘તળની બોલી’માં ટાંકવામાં આવેલું કાકાસાહેબ કાલેલકરનું વિધાન માતૃબોલી માટે પણ સનાતન દીવાદાંડીની ગરજ સારે એવું લાગે છે. સમાજનું વલણ કેવું હોવું જોઇએ, એની વાત કરતાં કાકાસાહેબે લખ્યું છે,‘પોતાપણું સાચવીને, ગૌરવ વધારીને જેટલી નવી વસ્તુ લઇ શકાય, તેટલાનો સ્વીકાર કરતાં આંચકો નહિ ખાય અને નવાની ભભકથી અંજાઇ જઇ જેને જુએ તેને ચરણે ઢળી પડે, પોતીકાંનો તિરસ્કાર કરી પરાયાંનું દાસત્વ સ્વીકારે, એવી હીન બુદ્ધિ પણ ન રાખે...’
વિશ્વ માતૃભાષા દિન માતૃભાષાની સાથે માતૃબોલીનો પણ મહિમા તાજો કરવાનો અવસર બની રહે તો...!
ભાષા બચાવવા ભાષાને પરિવર્તનશીલ રાખવી પડે. નવા શબ્દો - અપશબ્દો પણ સ્વીકારવાં પડે. નવી પેઢીની નવી અભિવ્યક્તીને અપનાવવી પડે. પંડિતોની નહી, આમ આદમીની ભાષા આમ આદમીનું વ્યાકરણ સ્વીકારવું પડે. અન્ય પ્રાંત - સમાજ - સંસ્કૃતિમાં ઉદ્-ભવેલા શબ્દોના ગુજરાતી પર્યાય શોધવાની જીદમાં પડવાને બદલે કે 'અમારી મહાન સંસ્કૃત ભાષામાંથી તો બધું જ જડી આવે' (કોમ્પ્યુટર = સંગણક)વાળી લઘુતા ગ્રંથિથી પીડાયા વગર તેમને જેમના તેમ સ્વીકારવાની દરિયાદિલી રાખવી પડે. પરપ્રાંતિય કે વિદેશી સહેલાણીઓ સહેલાઈથી કામચલાઉ ગુજરાતી વાક્યો શીખી શકે તે માટે તેવા વાક્યોની યાદી તેના અર્થ અને તેના નાગરી અને રોમન લીપીમાં ઉચ્ચારણોનું પ્રચાર સાહિત્ય એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, હોટેલો, બસ સ્ટેશન, ઓટોરીક્ષા, પર્યટન સ્થળો, વેબ સાઈટ વગેરે જગ્યાએ ઉપલબ્ધ કરાવવું પડે. અભિવ્યક્તિ, વિચાર કે વાતમાં કેટલો દમ છે તે જોવાને બદલે તેની જોડણી અને વ્યાકરણની ભૂલો શોધવાનો વિકૃત આનંદ લેવાનો બંધ કરવો પડશે. સરકાર કે ગુજરાતી સાહિત્ય પરિષદ કે એવી કોઈ સ્વાયત્ત સંસ્થા છે ખરી જે મોબાઈલ ફોનમાં ગુજરાતીમાં એસ એમ એસ કરવાના તૈયાર સોફ્ટવેર વિષે સંશોધન કરતી હોય. ગુજરાતીમાં ઈ-મેઈલ કરવાના સોફ્ટવેર વિષે સંશોધન કરતી હોય. ગુજરાતી ઈ-થેસોરસ, ઈ-ટ્રાન્સલેટર વિષે સંશોધન કરતી હોય. ગુજરાતીમાં ઈ-જોડણીકોશ કે સ્પેલ-ચેક વિષે સંશોધન કરતી હોય. ચંદરીયા ફાઉન્ડેશન જેવાં એકાદ નામ મળી આવે પણ તેને પ્રચલિત કરવાનું શું ? એ કામ પણ ગૂગલ કરે છે ( ભલે વ્યાપારિક આશય હોય) તો સાચા અર્થમાં આપણી ભાષાની સેવા તે કરે છે. બાકી સમારંભોમાં માતૃભાષા વિષયક ઈમોશનલ અત્યાચાર તો બધા કરે. કંઈક નક્કર કરવું પડે. ભાષા એમ જીવશે
ReplyDeleteshu vaat che...bahu saras.
ReplyDeleteઆજનો યુવા વર્ગ એનાથી જે રીતે વિમુખ થઈ રહ્યો છે એ ઉપરથી એ તો ફલિત થાય જ છે કે સહેજ પણ સંતોષકારક વળતર નહીં.પોતાનો અઢ્ળક સમય અને મહેનત જો એ બીજી ભાષામાં કોઈ નવો જ નીકળેલ કોર્સ શીખવામાં વાપરે તો એને આરામથી ઘર ચલાવી શકવામાં મદદ થાય એટલી આવક ઉભી તો કરી જ શકે એ. માતૃભાષા પ્રત્યે અનહદ પ્રેમ હોવા છતાં પણ આજનો યુવાન એનું ભવિષ્ય તો દાવ પર ના જ લગાવી શકે. એટ્લે નાછૂટકે એ બીજી ભાષાઓનું શરણ મને-કમને પણ સ્વીકારે છે.ભલેને કાલે જ એ ગુજરાતી ભાષાના કાર્યક્રમમાં દિલ ખોલીને તાળીઓ પાડીને ખુશ ખુશ થઈને ઘરે આવ્યો હોય.ઘરે આવીને ટી.વી.માં ચાલતા હિન્દી-અંગ્રેજી પ્રોગ્રામો એનો બધો નશો ઊતારી નાખે છે.આપણે માતૃભાષાને બચાવવા માટે આટલી ચિંતા કરીએ છીએ તો એમાંથી કમાણીનો માર્ગ ઉભો કરવાનો રસ્તો કેમ નથી વિચારતા?કદાચ જો હોય તો માફ કરજો, મારા ધ્યાનમાં તો નથી જ.
ReplyDelete->આકર્ષક સરસ મજાનો પગાર મળતો હોય તો મજાલ છે કોઈ ગુજરાતી બચ્ચાની કે એ બીજી ભાષાની શરણાગતી સ્વીકારે?ગુલામી કરે? ગુજરાતી ભાષાના કવિઓ, લેખકો,સંગીતકારોને કે ગાયકોને સંતોષકારક મહેનતાણું મળતું થાય તો કેટલા આશાસ્પદ કલાકારો મળી શકે એમ છે.પણ પેલું કહેલ છે ને કે,
“ભૂખ્યા પેટે ભગવાનની પૂજા ના થાય”,
u can read full artical here...
http://akshitarak.wordpress.com/2010/02/23/%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%81%e0%aa%ad%e0%aa%be%e0%aa%b7%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80%e0%aa%93/
ઉર્વિશભાઈ,
ReplyDeleteખૂબ સરસ લેખ. ગુજરાત સમાચારમાં આપનો આ લેખ વાંચ્યો હતો ત્યારથી આપને અભિનંદન આપવાની ઈચ્છા હતી. પોતપોતાના વિસ્તારમાં બોલાતી બોલી બોલનારા લોકો એ બોલવામાં નાનમ અનુભવે છે, જેના કારણો અનેક છે. (કદાચ મારા જેવા પુસ્તકિયું ગુજરાતી બોલનારાઓ એમને complex આપે છે) માતૃભાષા અને બોલી વચ્ચેની ખેંચતાણની જગાએ બોલીનો મહિમા પણ અંતે માતૃભાષાને ઉપકારક જ હશે એવો એક નવો જ દ્રષ્ટિકોણ આપે પેશ કર્યો છે, જે ખરેખર અભિનંદન ને પાત્ર છે.