(Nimmi, Sharda- in marron saree, Rajanikumar Pandya and other guests)
નવાઇની વાત તો ખરી જ.
આ દુનિયામાં પોતાના સદગત મિત્રને તેની વિદાય પછી પણ કોઇ યાદ કરે, તેની સ્મૃતિમાં કાર્યક્રમ કરે- અને એ પણ એકાદ-બે વર્ષના ઉભરા લેખે નહીં, લાગલગાટ દસ-દસ વર્ષ સુધી.
અમદાવાદ-વડોદરા-રાજકોટની સરખામણીમાં બીજા ક્રમે આવતા અને ગુજરાતના એક છેડે આવેલા જામનગરમાં રાજ કપૂર-દિલીપકુમાર-દેવ આનંદનાં હીરોઇન બની ચૂકેલાં હીરોઇન નીમ્મી તેમની 75થી પણ વધુની ઉંમરે, તબિયતના વાંધા સાથે આવી પહોંચે. એટલું જ નહીં, હવાઇ મુસાફરી ટાળવાની ડોક્ટરોની સલાહને કારણે, તે વિમાનની ટિકીટ કેન્સલ કરાવીને મુંબઇથી જામનગરની લાંબી ટ્રેન મુસાફરી ખેડે. કારણ? પારિવારિક મિત્ર બની ચૂકેલા રજનીકુમાર પંડ્યાને વચન આપ્યું હતું. કોઇ પણ ઉંમરે નાઝોનખરાં માટે કુખ્યાત એવી ફિલ્મી હસ્તીઓમાંથી કોઇ કોઇ નીમ્મી જેવા અપવાદ પણ હોય, એ નવાઇ નહીં તો બીજું શું?
મર્હૂમ શાયર હસતર જયપુરીને સ્ટેજ પરથી અપાતી ગીતાંજલિમાં સામેલ થવા માટે ફક્ત ગુજરાત કે મુંબઇથી જ નહીં, મુઝફ્ફરનગર જેવાં દૂર દૂરનાં ઠેકાણેથી સંગીતપ્રેમીઓ આવે. સદગત દોસ્તની સ્મૃતિમાં કાર્યક્રમ યોજતા ચંદુભાઇ બારદાનવાલા સંખ્યાબંધ મહેમાનો માટે રહેવા-જમવાની ઉત્તમ ગોઠવણ કરે- જાણે ઘરમાં લગ્નપ્રસંગ હોય. લગ્નપ્રસંગ તો દસ-વીસ વર્ષે એક વાર આવે, પણ ચંદુભાઇ-ચંદ્રિકાબહેન બારદાનવાલા પરિવારને ત્યાં આ પ્રસંગ દર વર્ષે આવતો હોય અને વર્ષોવર્ષ તેની ઉજવણીના ઉમળકામાં જરાસરખી ઓસરપ ન હોય.
આ તો દર વર્ષની વાત. ગઇ કાલે સંપન્ન થયેલા કાર્યક્રમમાં એવાં કાયમી સુખદ અચરજો ઉપરાંત પણ બીજું ઘણું હતું- અભિનેત્રી નીમ્મી અને ‘તીતલી ઉડી’ ફેઇમ પાર્શ્વગાયિકા શારદાની હાજરી, 72 વર્ષનાં શારદાએ ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાંના રણકા સાથે રજૂ કરેલાં ગીતો, કરસન ઘાવરી જેવા ભૂતપૂર્વ ક્રિકેટરથી માંડીને બેન્કના અફસરો સુધીની રેન્જ ધરાવતા ચંદુભાઇના મિત્રોની હાજરી, રાત્રે દસ વાગ્યે શરૂ થયા પછી રાત્રે લગભગ સવા બે વાગ્યા સુધી ચાલેલાં ગીતો, રાત્રે (ખરેખર તો વહેલી સવારે) સવા-દોઢ વાગ્યે થયેલું રાજકોટના જાણકાર ઉદઘોષક ભરત યાજ્ઞિક અને પરિવારની તૈયાર કરેલી એક સીડીનું વિમોચન...રેડિયો સિલોનના બે ભૂતપૂર્વ ઉદઘોષકો કાર્યક્રમમા હાજર હતાઃ સુવર્ણયુગના પ્રતિનિધિ મનોહર મહાજન અને એંસીના દાયકામાં સિલોન ગયેલા કુમાર. મહાજને તેમનો જૂનો ટ્રેક જાળવ્યો, જ્યારે કુમાર સસ્તા મનોરંજનમાં સરી પડ્યા. જો કે, તેમાં પણ એમનો નંબર બીજો રહ્યો. કારણ કે અશોક દવે તેમના પહેલાં મંચ પર આવી ચૂક્યા હતા.
કાર્યક્રમનો અંત રાબેતા મુજબ ‘દિલ એક મંદિર હૈ’થી આવ્યો. રાબેતા મુજબ, એ ગીતમાં સ્ટેજ પર અતિથીઓનો મેળો હતો. ગીતમાં ‘હમ યાદોંકે ફુલ ચડાયેં’ વાળી પંક્તિ આવી, એટલે દર વખતની જેમ આ વખતે પણ સ્ટેજના ઉપરના ભાગમાંથી ફુલોની વર્ષા થઇ. પછી ચંદુભાઇએ ખોબામાં થોડાં ફુલ લઇને ઓડિયન્સ પર વૃષ્ટિ કરી. એ આખો માહોલ ખાસ્સો ફિલ્મી હોવા છતાં ભાવસભર પણ હોય છે. આ વખતે ભાવની માત્રા કંઇક વધુ હોવાનું એક કારણ એ પણ હતું કે સ્મરણાંજલિનો આ કાર્યક્રમ છેલ્લો હોવાનું ચંદુભાઇએ અગાઉથી જાહેર કરી દીધું હતું. કાર્યક્રમમાં વચ્ચે વચ્ચે ‘આ કાર્યક્રમ ચાલુ રાખવો’ એવાં સૂચનો-વિનંતી-અનુરોધ થતા રહ્યા, પણ ચંદુભાઇએ હજુ સુધી નિર્ણય ફેરવ્યો નથી.
પછીની ખબર નથી.
ચંદુભાઈએ કેટલાક વર્ષ પહેલાં પોતાનો ગઝલ સંગ્રહ પણ પ્રગટ કર્યો હતો, જેમાં લગભગ પાને-પાને હસરત જયપુરીની "છાંટ" વર્તાતી હતી. હસરતે જિંદગીના છેલ્લા કેટલાક વર્ષો ચંદુભાઈને ત્યાં જ ગુજાર્યા હતા. આ સ્મરણાંજલિના એક, કદાચ સૌપ્રથમ, મણકાના શ્રોતા બનવાની મને પણ તક મળી છે. કેટલીક નકારાત્મકતાને નજરઅંદાજ કરી શકીએ તો, એક શાયરને દસ-દસ વર્ષ સુધી આવી સ્મરણાંજલિ મળતી રહે એ અનુકરણિય તો ગણાય જ.
ReplyDeleteજામનગર ગુજરાતના છેવાડે ભલે આવ્યું હોય, પણ ત્યાં થતી કેટલીક પ્રવ્રુત્તિઓ અમદાવાદ-વડોદરા જેવાં સોસાયટીએ-સોસાયટીએ સંસ્થા ધરાવતા શહેરો માટે પણ પ્રેરક બની શકે.
- ધૈવત ત્રિવેદી