છેવાડાના જણનો વ્યૂ
(ડાબેથી) નિવૃત્ત ન્યાયાધીશ મહેતા, નિવૃત્ત ન્યાયાધીશ રવાણી, ગિરીશભાઇ-કુસુમબહેન, અરૂણા રોય (સૌજન્યઃ બિનીત મોદી)
(ડાબેથી) નિવૃત્ત ન્યાયાધીશ મહેતા, નિવૃત્ત ન્યાયાધીશ રવાણી, ગિરીશભાઇ-કુસુમબહેન, અરૂણા રોય (સૌજન્યઃ બિનીત મોદી)
રવિવાર, તા. ૧૦-૫-૦૯, અમદાવાદ. આ દિવસે સવારે કોઇ આગંતુકે અમદાવાદના રેલવે સ્ટેશને, બસ સ્ટેન્ડે કે વિમાનઘરેથી બહાર નીકલીને કોઇ રિક્ષાવાળાને પૂછ્યું હોત કે ‘ભાઇ! અમદાવાદમાં સિવિલ સોસાયટી ક્યાં આવી?’
તો સંભવ છે કે જાણકાર રિક્ષાવાળો આઝાદ સોસાયટી કે બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી જેવી કોઇ સોસાયટીનો વિચાર કરવાને બદલે અમદાવાદના ટાઉન હોલ પર લઇ આવ્યો હોત. કારણ કે એ દિવસે જેમને ‘અમદાવાદની સિવિલ સોસાયટી’ તરીકે ઓળખવામાં આવે છે, એવો મોટા ભાગનો સમુહ ત્યાં હાજર હતો. પ્રસંગ હતોઃ ધારાશાસ્ત્રી ગિરીશભાઇ પટેલનું સન્માન.
ગુજરાતના દલિતો-વંચિતો-આદિવાસીઓ-વિસ્થાપિતો-ખેતમજૂરો-શેરડી કામદારો-ફૂટપાથ પર રહેનારાં આવા અનેક અસીલોના કેસ હાઇકોર્ટમાં લડતાં લડતાં ગિરીશભાઇ પટેલ ૭૫ વર્ષના થયા.
ગિરીશભાઇનો ઉલ્લેખ પંદરેક વર્ષ પહેલાં પહેલી વાર અશ્વિનીભાઇ (ભટ્ટ)ના મોઢેથી સાંભળ્યો હતો. નર્મદા બચાવો આંદોલનમાં તે સાથે હતા અને જૂના મિત્ર પણ ખરા. ત્યારથી ગિરીશભાઇ વિશે એક અંતરથી પણ સતત જાણતા રહેવાનું થયું છે. તેમના પ્રત્યેના આદરને કારણે મારા જેવા અનેક લોકો રવિવારની સવારની લક્ઝરી છોડીને દસ -સાડા દસ વાગ્યે ટાઉન હોલ પર હાજર થઇ ગયા હતા.
સમારંભ લગભગ ત્રણ કલાકનો હતો. તેમાં વિનય-ચારૂલનાં ગીત અને નીરવ પટેલ-સાહિલ પરમાર-રાજુ સોલંકી-સરૂપ ઘુ્રવની કવિતાઓ પણ હતી. બે નિવૃત્ત ન્યાયાધીશો (જસ્ટીસ મહેતા અને જસ્ટીસ રવાણી) તો ખરા, પણ મુખ્ય મહેમાન તરીકે મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત અરૂણા રોય હતાં. (એમને ‘મેગ્સેસે પુરસ્કાર વિજેતા’ ન કહેવાય! ફિલ્મફેર અને મેગ્સેસે પુરસ્કારમાં એટલો ફરક છે.)
નિવૃત્ત ન્યાયાધીશ રવાણીઃ ભારતનું બંધારણ ભૂખ્યું સૂતાં શીખી ગયું છે
કાર્યક્રમના આરંભે ગિરીશભાઇની બીજી-ત્રીજી પેઢીએ ‘પપ્પા’ અને ‘દાદા’ વિશે થોડી વાત કરી, થોડાં ગીત થયાં. પછી મહેમાનો ઉપર આવ્યા. ગિરીશભાઇનું સ્ટેન્ડિંગ ઓવેશનથી સ્વાગત થયું. ત્યાર પછી નિવૃત્ત જસ્ટિસ રવાણીએ કહ્યું કે ‘હું અહીં સંકોચ-શરમ સાથે આવ્યો છું. કારણ કે મેં ગિરીશભાઇને સક્રિય સાથસહકાર નથી આપ્યો.’ એક બાજુથી જોતાં રૌદ્ર તો બીજા બાજુથી જોતાં કરૂણામય ભાવ દેખાય એવી અજંતાની એક મૂર્તિ સાથે તેમણે ગિરીશભાઇને સરખાવતાં કહ્યું કે એમના રૌદ્ર સ્વરૂપનો લાભ મોટે બાગે તેમના શિષ્યોને મળ્યો છે. જ્યારે તેમને એવું લાગે કે ‘મેં આપેલા શિક્ષણનો કોઇ અર્થ નથી રહ્યો’ ત્યારે એ રૌદ્ર સ્વરૂપ પ્રગટ્યું છે.
ગિરીશભાઇના અભિવાદન સાથે રવાણીસાહેબે વર્તમાનની કઠોર વાસ્તવિકતાનો પણ ઉલ્લેખ કર્યો. ‘નવનીત સમર્પણ’માં અમૃતલાલ વેગડના લેખમાંથી એક આદિવાસી માતાનો કિસ્સો તેમણે ટાંક્યો. એ માતા પોતાનાં બાળકોને ભૂખ્યાં રહેવાની ટેવ પાડી રહી હતી. રવાણીસાહેબે કહ્યું,‘ભારતનું બંધારણ હવે આદિવાસી માતાનો પાઠ ભજવે છે. તે આક્રંદ કરતું મટી ગયું છે ને ભૂખ્યું સૂતાં શીખી ગયું છે.’
અદાલતના એસી ઓરડામાં કરૂણાનો અવાજ દબાઇ ગયો હોવાની વાત કરીને રવાણીસાહેબે સાવ નિરાશાપૂર્વક કહ્યું કે ‘સૂતેલાંને જગાડી શકાય, પણ જાગતાં સૂતાંને કેમ જગાડાય?’
ગિરીશ પટેલઃ કુટુંબ, કારકિર્દી અને સન્માન
દલિત પેન્થર ફેઇમ રમેશચંદ્ર પરમારે સન્માનપત્રનું વાચન કર્યું. તેમાંથી મળતી જાણકારી પ્રમાણે, અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલમાંથી ભણીને હાર્વર્ડમાંથી એલએલએમ થયેલા ગિરીશભાઇ માર્ક્સઅને ગાંધી, જેપી અને લોહિયાના રંગે રંગાયેલા રહ્યા, પણ કોઇ રાજકીય કંઠી ન બાંધી. લો કોલેજના આચાર્ય, સેનેટ-સિન્ડીકેટના સભ્ય અને લો કમિશનના સભ્ય પણ તે બન્યા. ૧૯૭૫થી હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરનાર ગિરીશભાઇ લાખો કમાવાને બદલે ‘લોક અધિકાર સંઘ’ના નેજા હેઠળ વંચિતોના અધિકાર માટેના કેસ લડતા રહ્યા.
તેમને ૭૫ વર્ષ નિમિત્તે ગિરીશ પટેલ સન્માન સમિતિ તરફથી રૂ. ૩ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. લોકજાગૃતિ ટ્રસ્ટ તરફથી રૂ.૧ લાખનો ચેક તેમને આપવામાં આવ્યો. એ ઉપરાંત આ સમારંભના સંચાલક સહિત ઘણા ખરા લોકો જેને ‘મોમેન્ટો’ કહે છે તે ‘મેમેન્ટો’ (સ્મૃતિચિહ્ન) પણ ખરાં. ચેક અરૂણા રોયે ગિરીશભાઇને અર્પણ કર્યો.
નર્મદા બચાઓ આંદોલનનાં નંદિનીબહેને ગિરીશભાઇનાં પત્ની અને તેમનાં સક્રિય સહયોગી કુસુમબહેન વિશે થોડી વાત કરીઃ ‘ફેરકુવામાં કડકડતી ઠંડીમાં આદિવાસીઓ સાથે અને મિલમજૂરોની ગેટમીટિંગમાં લડત આપતાં તથા એટલી જ સફળતાથી ઘરની જવાબદારી નિભાવતાં- કર્મશીલ સાથીદારોના અંગત જીવનની ચિંતા કરતાં મેં કુસુમબહેનને જોયાં છે. ઘણા કર્મશીલો માટે ગિરીશભાઇનો ફ્લેટ ઘર સિવાયનું બીજું આદર્શ ઘર- આઇડીયલ હોમ અવે ફ્રોમ હોમ- બની રહ્યું છે તેમાં કુસુમબહેનનો મોટો ફાળો છે.’ કુસુમબહેનને પણ સ્ટેન્ડિંગ ઓવેશન દ્વારા માન આપવામાં આવ્યું.
પુસ્તકો-કવિતા-ગીત
આ પ્રસંગે ગિરીશભાઇનાં અંગ્રેજી ચર્ચાપત્રો અને તેમની લડતો અંગેનાં ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં. (પુસ્તકો વિશે અલગથી લખીશ.) ત્યાર પછી ગિરીશભાઇ સન્માન સમિતિના સભ્ય અને સમારંભના સંચાલક હનીફ લાકડાવાળાએ સરૂપ ઘુ્રવને હવાલો સોંપ્યો. સરૂપબહેને થોડી ભૂમિકા બાંધીને વારાફરતી નીરવ પટેલ-સાહિલ પરમાર-રાજુ સોલંકીને કવિતાપાઠ માટે બોલાવ્યા. સરૂપબહેને પણ કવિતા વાંચી. કવિતાઓ સરસ હતી, પણ આ પ્રસંગ સાથે તેની પ્રસ્તુતતા (રેલેવન્સ)ના પ્રશ્નો થાય. ખાસ કરીને કાર્યક્રમ આટલો લાંબોલસરક (ભરઉનાળે ત્રણ કલાકનો) થયો હોય ત્યારે કવિતા અને ગિરીશભાઇની પસંદગીના- તેમની લડતને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ અલગ થાય તો બધાને ન્યાય થઇ શકે.
આ કાર્યક્રમમાં થયું એવું કે કવિઓની કવિતાઓ, વિનય-ચારૂલનાં ગીત બઘું સરસ હતું, પણ ગિરીશભાઇના ગુણાનુવાદની સભામાં વઘુમાં વઘુ હિસ્સો ગિરીશભાઇની કામગીરી, તેમની સાથેનાં સંસ્મરણો વગેરેનો હોય એવું અપેક્ષિત હતું. તેને કારણે મહેશ ભટ્ટ જેવા ગિરીશભાઇના સાથી ધારાશાસ્ત્રીને બોલવા માટે માંડ ચાર મિનીટ મળી હતી! એ ચાર મિનીટમાં પણ મહેશભાઇએ ગિરીશભાઇની કામગીરી પ્રત્યે પૂરેપૂરા આદર સાથે કહ્યું કે ગિરીશભાઇએ ૨૦૦૯માં કામ શરૂ કર્યું હોત તો એમને આવી સફળતા ન મળી હોત. એ ગિરીશભાઇ માટેની નહીં, પણ મોટા પાયે બદલાયેલી સ્થિતિ વિશેની નુક્તચીની હતી.
ગિરીશભાઇ સાથે કેસ તરીકે સંપર્કમાં આવેલા કેટલાક લોકો પણ થોડું બોલ્યા. વિનય-ચારૂલે લડતનાં કેટલાંક ગીત ગાયાં. મુખ્ય મહેમાન અરૂણા રોય બોલવા ઉભાં થયાં ત્યારે ૧૨ઃ૪૦ થઇ હતી.
માહિતી અધિકાર ઝુંબેશનાં અરૂણા રોયઃ હર લોકતાંત્રિક ઢાંચેકો નિશાના બનાકર ધૂસના પડેગા
આઇએએસની નોકરી છોડીને જાહેર ક્ષેત્રે ઝંપલાવનાર અને યુપીએની સરકારમાં સલાહકાર રહી ચૂકેલાં, માહિતી અધિકારના કાયદા માટેની લડતમાં મોટો હિસ્સો લેનાર અરૂણા રોયે કહ્યું કે ‘અમારા રાજસ્થાનમાં ગુજરાતનું નામ આવે એટલે મોદીનું નામ લેવાય છે, ગિરીશ પટેલનું નહીં! ગુજરાતનો વિચાર કરતાં મોદી નહીં, પણ ગિરીશ પટેલ યાદ આવે એવું ક્યારે બનશે?’
અહિંસક આંદોલનકારીઓ માટે રસ્તા વઘુ ને વઘુ સાંકડા થઇ રહ્યા છે, એમ કહીને અરૂણા રોયે લોક આંદોલનમાં વકીલોનું સ્થાન મહત્ત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે સંઘર્ષ સાથે સંવાદની અને લોકતાંત્રિક જગ્યાઓને ઘેરવાની- તેમાં જોડાવાની વાત કરી. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીમાં જંતરમંતર સિવાય બીજે ક્યાંય અમને દેખાવો કરવાની પરવાનગી મળતી નથી અને જયપુરમાં તો અમને શહેરની બહાર ધકેલી રહ્યા છે. અમારો અવાજ પણ સરકારને સાંભળવો નથી.
ન્યાયતંત્ર વિશે તેમણે કહ્યું કે ‘જબ બાડ હી ખેત કો ખાયે’ (વાડ જ ચીભડાં ગળે) ત્યારે પારદર્શીતા ક્યાંથી આવે? ગિરીશભાઇ જેવા લોકોએ આપણને આગળ પણ લઇ જવાના છે ને રસ્તો અને રણનીતિ પણ બતાવવાનાં છે. ‘હરેક ઢાંચેકો નિશાના બનાકર ધૂસના પડેગા’ એ વાત પર અરૂણા રોયે બહુ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે માહિતી અધિકારના કાયદાએ મઘ્યમ વર્ગને થોડો હલબલાવ્યો છે. છતાં કાંકરિયા જેવા મુદ્દે લોકોના મતથી ચૂંટાયેલી સરકાર લોકોને પૂછ્યા વિના નિર્ણય લઇ લે છે. તેમણે કહ્યું,‘હું મારા છોકરાને દસ રૂપિયા આપીને દુકાને મોકલું તો એની પાસેથી પૂરો હિસાબ માગું છું. તો મારા નામે કરોડો-અબજો રૂપિયા વાપરનારા પાસેથી હિસાબ કેમ ન માગું?’
નોકર જોઇ શકે એટલું માલિક જોઇ શકે
માહિતી અધિકારના કાયદાને કાનૂની પરિભાષામાં મુકવાની બહુ માથાકુટ ચાલતી હતી-શું આવરી લેવું ને શું બાકાત રાખવું એની ખેંચતાણ હતી ત્યારે અરૂણા રોયનાં ચાર ધોરણ ભણેલાં બહેન સુશીલાએ સમસ્યાનો અંત આણી દેતાં કહ્યું હતું,‘જે નોકર જોઇ શકે, એ બઘું જ માલિક જોઇ શકે. એટલે કે, સાંસદો-વિધાનસભ્યો જેટલું જોઇ શકે, એ બઘું જ પ્રજા જોઇ શકે.’
‘હું માહિતી અધિકાર ઝુંબેશની નેત્રી નથી. જે કંઇ છું તે ગરીબોની વાત સાંભળીને બની છું. એમણે મને સંઘર્ષનો રસ્તો શીખવ્યો છે.’ એવું પણ અરૂણા રોયે કહ્યું. એ તેમના સાથીદારો સાથે આઇએએસ અધિકારીઓને માહિતી અધિકારની તાલીમ આપવા જાય છે. એવા એક કાર્યક્રમમાં, દેખાવે અસલ ગામઠી ખેડૂત લાગતા અને દરી (ચાદર) લપેટીને ગયેલા લાલસિંઘે માંડ બે-ત્રણ વાક્યોમાં માહિતી અધિકારનું મહત્ત્વ સમજાવ્યું હતું, એવું ભાગ્યે જ બીજું કોઇ સમજાવી શકે. લાલસિંઘે કહ્યું,‘હમ સોચતે હૈં કે સૂચનાકા અધિકાર નહીં મિલેગા તો ક્યા હમ જિયેંગે યા નહીં જિયેંગે? આપ સોચતે હૈં કિ સૂચનાકા અધિકાર મિલેગા તો કુરસી રહેગી યા નહીં રહેગી? સવાલ યે હૈ કે સૂચનાકા અધિકાર નહીં મિલા તો ક્યા દેશ રહેગા યા નહીં રહેગા?’એક અંગ્રેજી અવતરણ સાથે તેમણે પ્રવચન પૂરૂં કર્યું.
Democracy is -
speaking truth to power
Making truth powerful
and power truthful
ગિરીશભાઇનો પ્રતિભાવ
ગિરીશભાઇએ તેમના એક અસીલ સેંધાભાઇ મકવાણાને સાથે રાખીને તેમના વિલક્ષણ કેસથી પોતાના વક્તવ્યની શરૂઆત કરી. વારંવારના અદાલતી આદેશો છતાં સેંધાભાઇને તેમના તોડી નખાયેલા ઘરના બદલામાં ઘર કે જમીન મળતાં નથી. અદાલતે તેમને વાજબી દરે જમીન આપવાનો આદેશ કર્યો હતો એન હવે એમને અપાયેલી નકામી જમીનનો ‘વાજબી દર’ ટાટાને જે ભાવે નેનો માટે જમીન અપાઇ તેના કરતાં ઘણો વધારે છે!
સમય ઘણો થઇ ગયો હતો. ગિરીશભાઇએ કહ્યું,‘તમને બધાને ભૂખ લાગી હશે, પણ હું ઇચ્છું છું કે ભૂખ લાગે. કારણ કે ભૂખ નહીં લાગે તો ક્રાંતિ નહીં થાય. તમારી ભૂખ પ્રજ્વલિત કરવા માટે ૧૦ મિનીટ લઇશ.’
‘મને મળેલું માન દેશની સામાન્ય જનતાના જીવન જીવનના સંઘર્ષને મળેલા માન તરીકે હું સ્વીકારૂં છું. પહેલી વાર ઘનશ્યામભાઇ શાહ, હનીફ લાકડાવાળા મને મળવા આવ્યા ત્યારે હું મૂંઝવણમાં મૂકાયો. મુંઝવણમાં એટલા માટે કે આ લોકો આવ્યા તો છે, પણ પછી માન આપવાનું ભૂલી જાય તો મારાથી યાદ કરાવાય નહીં!’
‘હવે પાછલી બેન્ચમાં બેસવાનો સમય આવી ગયો છે, પણ જીવન હશે ત્યાં સુધી અન્યાય સામે લડવાની ખાતરી આપું છું. એક સમયે હું એન્ગ્રી યંગમેન તરીકે ઓળખાતો હતો. એ ઊંમર તો જતી રહી છે, પણ અન્યાય સામેનો ગુસ્સો નહીં જાય.’
૨૧મી સદીનું દુઃસ્વપ્ન- હૃદયરોગની બીમારીનો ડોક્ટરે ધુસાડેલો અંદેશો હતો ત્યારે ૧૫ વર્ષ જીવીને દેશ કેવી રીતે ૨૧મી સદીમાં જાય છે એ જોવાની મને બહુ ઈંતેજારી હતી. મને થતું હતું કે નેતાઓ, સાઘુ-સાઘ્વીઓ-મૌલવીઓ આ બધા ૨૧મી સદીમાં જશે, પણ સામાન્ય માણસ નહીં જાય. મોડર્ન સાધનો બગડી ગયાં હશે. એ બધાં બળદગાડાંમાં મૂક્યાં હશે. એ બળદગાડાંને ધક્કો મારવા માટે હજારો ગરીબો હશે. તેમની બન્ને બાજુ ઉભું રહેલું લશ્કર ગરીબોને મારતું હશે અને કહેતું હશે, ‘હમ તુમ્હારે સાથ હૈ’ અને લોકો કહેતા હશે,‘અમારે ૨૧મી સદીમાં નથી જવું...’
‘એક વખત એવો આવશે, જ્યારે ગરીબો કહેશે કે અમારે બીજું કશું જોઇતું નથી. બસ, ૧૯૪૭ની ગરીબી પાછી આપો દો!’ આવું એસ.આર.ભટ્ટનું વાક્ય પણ ગિરીશભાઇએ યાદ કર્યું. અદાલતો પર ભરોસો રાખવા જેવો નથી, એવું કહીને તેમણે હરૂભાઇ મહેતાને પણ યાદ કર્યા. કોઇએ હરૂભાઇને કહ્યું કે ‘આજે કોર્ટમાં રજા છે.’ ત્યારે હરૂભાઇનો જવાબ હતો,‘સારૂં. આજે અન્યાય ઓછો થશે!’
પીતે હૈં ઉસકો પાની કહેતે હૈં
શેરડી કાપવાનું સાધન ‘કોઇતો’ કહેવાય છે, પણ શેઠો મજૂરોને જ ‘કોઇતા’ તરીકે ઓળખે છે. (દા.ત.કેટલા કોઇતા રાખ્યા છે?) એવા એકને ગિરીશભાઇએ તપાસ દરમિયાન પૂછ્યું કે ‘આપકો પાની મિલતા હૈ?’ ત્યારે એ ભાઇએ કહ્યું હતું,‘જો પીતે હૈં ઉસકો હમ પાની કહેતે હૈં.’
લોકો પાસે મોબાઇલ આવી ગયા એટલે પ્રગતિ થઇ ગઇ, એવી માન્યતા અંગે ગિરીશભાઇએ કહ્યું,‘માણસને બે ટંક ભોજનનાં અને પાણીનાં ફાંફાં હોય ત્યાં મોબાઇલ પર એ શું વાતો કરશે? હું કેટલા દિવસથી ભૂખ્યો છું, એ પૂછશે?’
તેમણે છેલ્લે ત્રણ મુદ્દા કહ્યાઃ
૧. દેશમાં પીપલ્સ પોલિટિક્સ કેન્દ્રમાં લાવવું
૨. માત્ર રાજકીય પક્ષો કે સંસ્થાઓ બનાવવી નહીં, પણ સામાન્ય માણસના પ્રશ્નો પોલિટીસાઇઝ કરવા, જેથી સરકારો તેની અવગણના કરી શકે નહીં.
૩. અદાલતો તરફ ઘ્યાન ન રાખતા. ત્યાંથી ઘણું મળ્યું છે. ત્યાં જિંદગી કાઢી છે. ત્યાંનો પહેલો દાયકો સૌથી સારો હતો. અદાલત સૌથી લીબરલ હતી. પછી આંદોલનોના પ્રશ્ને અદાલતમાં જવામાં નુકસાન એ થયું કે આંદોલન થાય-કોર્ટમાં દોડી જઇએ - કોર્ટમાં કેસ ઝોલાં ખાય ને આંદોલન અટકી પડે. છેલ્લા દસ વર્ષમાં જેટલું ગરીબવિરોધી કામ સરકાર નથી કરી શકે એટલું અદાલતોએ કર્યું છે. દેશનું બંધારણ ગ્લોબલાઇઝેશનને અનુરૂપ બનાવવાનું કામ થઇ રહ્યું છે.
તેમણે પોતાના મિત્ર અને ‘જીવનમાં પરિવર્તન લાવનાર- એ ન હોત તો મારી આટલી બુદ્ધિ ન હોત’ એવા પીરઝાદાસાહેબને અને મેધા પાટકર જેવા બીજા સાથીદારોને પણ યાદ કર્યાં હતાં.
( આ પોસ્ટ બહુ લાંબી થઇ છે. એટલે કાર્યક્રમ વિશેનાં થોડાં લખવાં પડે એવાં નિરીક્ષણો, થોડી વાતો બીજી પોસ્ટમાં મુકીશ.)
No comments:
Post a Comment