હવે હું અશ્વિનીભાઇની આગામી કૃતિઓ વિશે કોઇ વાયદો કે જાહેરાત કરવાનો નથી. કારણ કે આગળ કરેલા વાયદાના સંતોષકારક ખુલાસા હજુ કરવાના બાકી છેઃ-)
એમની એક તગડા પ્લોટવાળી નવલકથાનાં પાંચ પ્રકરણ વાંચ્યા પછી ને કસબ-કરામત-કમઠાણ સીરીઝની ‘કડદો’ નાં ઘણાં પાનાં વાંચ્યા-સાંભળ્યા પછી એ બે નવલકથાઓ વિશે વાત કરવાની હિંમત થતી નથી. લગભગ અડધે પહોંચેલી ‘કડદો’ ચૂંટણીનાં પરિણામો પછી આગળ વધે એવી સંભાવના છે.
આજકાલ ભારતમાં-અમદાવાદમાં અશ્વિનીભાઇનો લખવામાં જીવ ચોંટતો નથી. એનો અર્થ એવો નથી કે એ લખતા નથી. એમણે ‘કડદો’ ચાલુ મૂકીને એ જ સીરીઝની નવી કથા ‘કોરટ’ ચાલુ કરી છે. નડિયાદનો લોકાલ ધરાવતી એ સીરીઝમાં ‘કોરટ’નાં હાથે લખેલાં 80-90 પાનાં અશ્વિનીભાઇ લખી ચૂક્યાં છે. કથામાં આવતાં પાટણવાડીયા સમાજનાં પાત્રોની થોડી પ્રસાદી (ઇન ઓલ સેન્સ) અશ્વિનીભાઇએ સંભળાવી. ખરૂં પૂછો તો, અશ્વિની ભટ્ટની નવલકથામાં નડિયાદ અને ડાકોરમાં બધી ઘટનાઓ બનતી હોય, હીરોના પિતા ડાકોરથી ભક્તાણી લોકલ પકડતા હોય, એ વિચારીને જ કેવી મઝા આવે!
દરમિયાન, પૂર્વાશ્રમમાં એમણે કરેલો એલિસ્ટર મેકલીનની ‘ધ ગન્સ ઓફ નેવેરોન’નો નવેસરથી સુધારેલો અનુવાદ ટૂંક સમયમાં ‘નવભારત’ તરફથી પ્રકાશિત થશે.
અશ્વિનીભાઇ પાસે એટલું બધું લખવાનું છે અને એમના ચાહકો એવા ટાંપીને બેઠા છે કે તેમને આશ્વાસન આપવા ખાતર પણ કહેવું પડેઃ ઇશ્વરની લાકડીની જેમ અશ્વિની ભટ્ટની કલમ ધીમી ચાલતી હશે, પણ તે અટકી ગઇ નથી. ઇંતજાર ઔર અભી...
ઉર્વિશભાઇ, અશ્વિની ભટ્ટના લાખો ચાહકોમાંનો હું તો એક સામાન્ય વાચક જ છું. પણ એમના વીષે માહિતી ભેગી કરવી એ મારા રસનો વિષય છે. મે એમની નવલકથાઓમાંથી ક્વોટ્સ અલગ તારવીને ઓર્કૂટ પર તેમની કોમ્યુનીટીમાં ફોરમ બનાવી પોસ્ટ પણ કર્યા છે. તેમના વીષે શક્ય તેટલી માહિતી મેળવી ઇન્ટરનેટ પર તેમનુ અલાયદુ પાનું બનાવીને તેમના ચાહકો માટે હાથવગુ રેફરન્સ બની રહે તેવો પ્રયત્ન કરુ છુ. તમે આપેલી માહિતી લેટેસ્ટ છે, વાંચીને ઘણી ખુશી થઇ. તેમની તાજેતરમાં પુનમુદ્રિત થયેલી ફાંસલોની નકલ ખરીદવા નિમિત્તે નવભારત સાહિત્યની મુલાકાત લીધી ત્યારે મહેન્દ્રભાઇએ પણ કહ્યું હતું કે તેમની નવી નવલકથાના પાંચ પ્રકરણ મેં વાંચ્યા છે અને ખરેખર 'હલી' જવાય તેવા છે. પણ હવે એ નવલકથા ક્યારે પુરી કરે છે એ ખબર નહિ. વાચક તરીકે તો એવી પ્રબળ આશા જ રાખવી રહી કે એ નવલકથા જલદી વાંચવા મળે.
ReplyDeleteઆપને કદાચ યાદ હોય તો દિવ્ય ભાસ્કરમાં ૨૦૦૬ ના વર્ષમાં રવિવારની પૂર્તિ (મહેફિલ)માં ગુજરાતી હસ્તિઓની મુલાકાત આવતી હતી. તેમા અશ્વિની ભટ્ટની મુલાકાત પણ આવી હતી. તમારી પાસે જો એ હોય તો એ હું યુનિકોડમાં ટ્રાન્સફર કરવા માંગુ છુ. જો તમારી પાસે ન હોય તો માત્ર એ કઈ તારીખે પ્રકાશિત થયો હતો એ તારીખ જણાવી શકો તો મને મદદરુપ થશે.