સચિન-શાહરૂખ-ધોનીથી લાદેન જેવા લોકોના ‘ડુપ્લીકેટ’ ઘણા જોવા મળે છે. તેમનાથી આંખ ટેવાઇ ગઇ છે, પણ ઝવેરચંદ મેઘાણીના ‘લુક અલાઇક’- એમના જેવી વાળની ઢબ, મૂછો- રાખનાર જણને જોઇને સૌથી પહેલાં થાય, ‘આ ભાઇને ક્યાંક જોયેલા લાગે છે.’ પછી બત્તી થાય કે એ ઝવેરચંદ મેઘાણીની એક જાણીતી તસવીર જેવા લાગે છે. એવા વાંકડિયા વાળ, ઘાટી મૂછો...વાળની જેમ આંખોનાં ને ચહેરા પરના ભાવનાં સેટિંગ હોત તો કદાચ એ પણ ભાઇએ મેઘાણીબાપુ જેવાં કરાવ્યાં હોત. સાત દાયકા પહેલાં ગત થયેલા એક સાહિત્યકાર માટે આવો ભાવ? આવો લગાવ? કે નકરી ‘ડુપ્લીકેટ’ગીરી?
આવા સવાલ મેઘાણીબાપુ જેવો દેખાવ કાઢનારા રણછોડભાઇ મારુ સાથે વાતચીત કરતાં પહેલાં મનમાં થાય, પણ વાત શરૂ થયા પછી સમજાય છે કે ‘ડુપ્લીકેટ’ ખાતે ખતવી નખાય એવી આ જણસ નથી. મેઘાણી જેવો દેખાવ તો હિમશીલાના ટોપકાનું પણ ટોપકું છે. અસલી દ્રવ્ય અંદર ધરબાયેલું છે. એમાં મુગ્ધતા છે, તો નક્કરતા પણ ઓછી નથી. ભાવના ઉભરાની સાથે ઠોસ કામગીરી પણ છે. મેઘાણી માટે તેમને ધખના છે, ધખારા નથી. તેમની વ્યક્તિપૂજાની ટીકા સહેલી છે, પણ તેમણે કરેલા કામને નજરઅંદાજ કરવું અઘરૂં છે.
‘એક ચોપડી નાપાસ’ માણસ મેઘાણીનું સોરઠી સાહિત્ય- રસધાર, બહારવટિયા અને બીજી વાતો વાંચ્યા પછી પુસ્તકોમાં આલેખાયેલાં વિવિધ સ્થળો શોધવા પંડના ખર્ચે સૌરાષ્ટ્રના 150થી પણ વધુ પ્રવાસ ખેડે- અને એ પણ ફેલોશીપ-ડોક્ટરેટ જેવા કોઇ સ્વાર્થ વિના, ફક્ત પોતાના સંતોષ માટે- ત્યારે થાય કે એમનો મેઘાણીપ્રેમ નખ મારવાથી ઉતરડાઇ જાય એવો, કેવળ ચામડીની પરનો રંગ નથી. એ હાડમાં ઠર્યો છે ને રગમાં વહે છે.
અત્યારે માંડ 44ના રણછોડભાઇએ પહેલી વાર 10 વર્ષની ઉંમરે દાદા પાસેથી મેઘાણીકથાઓ સાંભળી. દાદા મજૂરીકામ કરતા હતા, પણ વાંચવાના ભારે શોખીન. પિતા પણ વાંચે. રણછોડભાઇએ વાંચવાની કૌટુંબિક પરંપરા આગળ વધારી. એ ફક્ત વાંચીને અટક્યા નહીં. 1980માં પહેલી વાર પાલિતાણાની એક દુકાનેથી ‘સૌરાષ્ટ્રની રસધાર’નો મેળ પાડ્યા પછી તે અંદર ને અંદર ખૂંપતા ગયા. જોતજોતાંમાં એ મેઘાણીના સોરઠી સાહિત્યમાં માથાબૂડ થઇ ગયા. વાચન પછી એમને થયું કે ચોપડીમાં જે જગ્યાઓ લખી છે, ત્યાં એક વાર જવું. ખરાઇ માટે નહીં, દર્શન ખાતર.
એ વિચારથી શરૂ થયા રણછોડભાઇના પ્રવાસ. જ્યાં જાય ત્યાંની વિગતો- કોને મળ્યા, શી વાત થઇ, રસ્તામાં કયાં ગામ આવ્યાં- બધું નોંધતા જાય. ‘જેથી ચોપડીમાં લખવાનાં થાય ત્યારે કોઇનાં નામ ભૂલી ન જવાય.’ શરૂઆતમાં ફોટોગ્રાફી કરવાનો જોગ નહીં. મહેનતમજૂરી કરનાર માણસને ‘ડોક્યુમેન્ટેશન’ના હેડ નીચે ફંડ કોણ આપે? છતાં રણછોડભાઇએ કામ ચાલુ રાખ્યું.
કાઠિયાવાડી બોલીમાં પોતાની મુલાકાતોની વાતો કરતા રણછોડભાઇ ભાવસાગરમાં સેલારા લેતા હોય એવું લાગે. ઝવેરચંદ મેઘાણીએ જ્યાંથી ‘ચારણકન્યા’નું અમર થઇ ગયેલું કાવ્ય લખ્યું, તે વેજલકોઠા રણછોડભાઇ બબ્બે વાર જઇ આવ્યા. કહે, ‘બાપુ તો એક વાર ગયા. હું બે વાર ગયો છું.’ આવું કહેતી વખતે સરખામણીનો નહીં પણ ‘બાપુનો આતમો જ્યાં હોય ત્યાં કેટલો રાજી થશે’ એવો ભાવ તેમની વાતમાં સંભળાય. પાલિતાણાની આંબેડકર કોલોનીમાં રહેતા રણછોડભાઇએ ઘરમાં મેઘાણીમંદિર બનાવ્યું. તેમની તસવીરો, એમનાં પુસ્તકો...
મેઘાણીમય જીવનમાં કુટુંબપરિવાર- પત્ની-પોતાના તથા સાથે રહેતાં ભાઇનાં બાળકો ઉછેરવાની જવાબદારી બાજુ પર મુકાઇ ગઇ હશે, એવી વ્યવહારૂ ચિંતા પણ આપણને થાય. રણછોડભાઇ પાસેથી તેનો હિસાબ મળે છેઃ બેનાં લગ્ન થઇ ચૂક્યાં. બે હજુ બાકી. પાંચેક વર્ષથી રણછોડભાઇ મકાન-બાંધકામ (શંટિંગ)ને લગતો સામાન ભાડે આપે છે. એનું ભાડું કેટલું મળે એ પણ રણછોડભાઇ કહી દે છે. એની પરથી તેમના આર્થિક સંઘર્ષનો અંદાજ આવી શકે. એમનાં પત્ની અને દીકરી ભરતકામ કરે છે. (પૂછવાનું રહી ગયું કે મેઘાણીનાં બીજાં પત્ની ચિત્રાદેવી ભરતકામ કરતાં હતાં એની પરથી પ્રેરણા લીધી?)
‘પરિવારમાં કોણ છે?’ એવા સવાલના જવાબમાં રણછોડભાઇ પોતાનાં અને ભાઇનાં સંતાનોની વિગત આપવા માંડે, એટલે અમદાવાદમાં તેમના યજમાન બનેલા નાનકભાઇ ઝ. મેઘાણીનાં પત્ની કુસુમબહેન તેમને પ્રેમથી ટોકે, ‘પરિવારમાં તમારાં પત્નીનું નામ તો કહો. એ પરિવારમાં નથી? એમનું નામ સૌથી પહેલું લેવાનું.’ એટલે રણછોડભાઇ ‘કાનની બૂટ પકડું’ના ભાવ સાથે પત્નીનું નામ કહે.
વાળની કાબરચીતરાઇ અને એકંદર દેખાવ પરથી રણછોડભાઇ તેમનાં 44 વર્ષ કરતાં ઘણા મોટા લાગે. દેખાવ ઓછો હોય તેમ વાત પણ એ ‘બહોત ગઇ ને થોડી રહી’ની જેમ કરે. આપણે કહીએ,’હજુ તો પચાસ થયાં નથી. બહુ જીવવાનું છે. બહુ ફરવાનું છે.’ તરત રણછોડભાઇ કહે,’મેઘાણીબાપુ 51 વર્ષ જીવ્યા હતા...’ રણછોડભાઇ મેઘાણીબાપુની ઉંમરે વિદાય થવાની ઇચ્છા પ્રગટ કરે ત્યારે આપણા મનમાં એમનો પરિવાર તરવરવા લાગે. એમને કહીએ કે ‘મેઘાણીબાપુએ 51 વર્ષમાં 100 વર્ષનું કામ કર્યું. આપણાથી 51 વર્ષે ના જવાય.’ પણ એવી સમજાવટને રણછોડભાઇ કાનસરો ન આપે. પછી કહીએ કે ‘અત્યારથી એની ચર્ચા નથી કરવી, પણ 51 વર્ષે મેઘાણીબાપુ જ તમને કહેશે કે હજુ રહી જાવ ને કામ કરો. તમારે કામ કરવાની જરૂર છે.’ તરત રણછોડભાઇ બોલી ઉઠે, ‘મેઘાણીબાપુ કહે તો બરાબર...’
મેઘાણી સાહિત્યનાં ઘણાંખરાં પુસ્તકો એમની પાસે ખરાં, પણ રણછોડભાઇનો મૂળ રસ સોરઠી સાહિત્યમાં. આ પ્રકારનાં બીજાં લખાણો તે રસથી વાંચે. જયમલ્લ પરમાર-નાનાભાઇ જેબલિયા જેવાં નામ પણ તેમના મોઢેથી સાંભળવા મળે. છતાં એ લેખકો પ્રત્યે અનાદર બતાવ્યા વિના તે ચારણી બાનીમાં કહેઃ બાપુ તમારાં સાહિત્ય તણાં મેં પીધેલ પાણી/ પીઉં છું બીજાનાં ત્યારે (એ) મોળાં લાગે છે, મેઘાણી
‘રસધાર’ના કાઠિયાવાડની જેમ ‘માણસાઇના દીવા’નું ચરોતર જોવા આવશો કે નહીં? એના જવાબમાં રણછોડભાઇ કહે, ‘એ બીજા કોઇ કરશે. મારે હજુ કાઠિયાવાડનાં કોતરોમાં જ ફરવાનું બાકી છે.’ તેમની મહેચ્છા બધાં સ્થળોની તસવીરો અને વિગતો ધરાવતું પુસ્તક કરવાની છે. દરમિયાન, મેઘાણી વિશેની અનન્ય વેબસાઇટ http://www.jhaverchandmeghani.com/ તૈયાર કરનાર અને તેમાં સતત ઉમેરા કરવાની ખ્વાહિશ ધરાવતા મેઘાણીપૌત્ર પિનાકીભાઇ મેઘાણીએ રણછોડભાઇની કેટલીક તસવીરો મેળવીને સાઇટને વધુ સમૃદ્ધ બનાવશે.
પ્રવાસ દરમિયાન ઘણાં સ્થળોએ રણછોડભાઇને એકથી વધુ વાર જવું પડે. સ્થાનિક લોકો પાસેથી સ્થળ શોધવા મદદ લેવી પડે. ક્યારેક ભોમિયા સાથે એક સ્થળે જઇને આવ્યા પછી કોઇ વડીલ મળે ને કહે,’પેલો ટીંબો, પાળિયો, જગ્યા કે સ્થાનક જોયાં?’ જુવાન ભોમિયાને ખબર ન હોય એટલે એ જગ્યાએ ફરી જવાનું ઊભું રહે. મેઘાણી સાહિત્યનું પગેરૂં દાબતાં રણછોડભાઇને ખૂણાખાંચરાના નેસમાં કે ખોબલા જેવડા ગામમાં જવાનું થાય. પણ રણછોડભાઇ કહે છે, ‘ગમે એવું નાનું ગામ હોય કે ખોરડું હોય, કોઇએ હજી લગી મને એવું પૂછ્યું નથી કે મેઘાણી એટલે કોણ?’
આવો સવાલ કદી ‘પૂછાણો’ નથી. કારણ કે ઝવેરચંદ મેઘાણી સાહિત્યની વાડાબંધી કે પરિષદો-અકાદમીઓનાં વહીવટી માળખાં થકી નહીં, પણ રણછોડભાઇ જેવા અસંખ્ય ભાવકોના હૃદયમાં જીવે છે.
The real literature - the literature of the people - lives on like this. There is no need to ask for or provide support for real literature. It finds its own way... in the blood and heart of people. It becomes the way of life... and the way of the land.
ReplyDeleteજ્યારે આ ફોટો જોયો ત્યારે મને થયું કે "આ તસ્વીર મેં કયાંક જોઇ છે."
ReplyDelete