૧૫થી વઘુ ઉત્તમ અનુવાદો અને ૩ ઉત્તમ સંપાદન આપનાર વિનોદ મેઘાણીનું ગયા મહિને અવસાન થયું. તેમના મૃત્યુની નોંધ સાહિત્ય પરત્વે બુઠ્ઠાં ગણાતાં ગુજરાતી અખબારો ઉપરાંત ટાઇમ્સ-એક્સપ્રેસ જેવાં અંગ્રેજી અખબારોમાં પણ સારી રીતે આવી.
-પણ ગુજરાતની સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના તાજા અંકમાં વિનોદ મેઘાણીના અવસાનના સમાચારનો ઉલ્લેખ સુદ્ધાં નથી. ખરેખર તો એમના વિશે એક ધોરણસરની શ્રદ્ધાંજલિની અપેક્ષા હોય.
પરિષદમાં વહાલાંદવલાંની નીતિ રાખવામાં આવે છે, એ જાણીતી વાત છે. પણ મૃત્યુ પછી છેલ્લી અંજલિ સુધી એ (અ)નીતિના પડછાયા લંબાય, એ પહેલી વારનું ન હોવા છતાં આઘાતજનક છે. આ જ પરિષદવાળા સાહિત્યપ્રસારની વાત આવે ત્યારે છાપાંને ગાળો દેતાં થાકતા નથી, પણ મામુલી પહોંચ અને એનાથી મામુલી પ્રભાવ ધરાવતા ‘પરબ’માં આવા ધંધા ચાલી શકતા હોય તો, લાખો નકલ ધરાવતાં છાપાંના તંત્રી કે માલિક તરીકે આ સાહિત્યિક રાજકારણીઓ શું ન કરે? અને કોને કોને સારા ન કહેવડાવે?
વિનોદ મેઘાણીના મૃત્યુના ખાસ્સા વીસેક દિવસ પછી આવેલા ‘પરબ’માં મેઘાણીના મૃત્યુના સમાચાર કેમ નથી? એવો સવાલ ‘પરબ’ના તંત્રી તરીકે જેમનું નામ છપાય છે એ (વાર્તાકાર) યોગેશ જોષીને પૂછ્યો, ત્યારે યોગેશભાઇએ કહ્યું,‘આ સમાચાર તો પરિષદવૃત્તમાં આવે, ને પરિષદવૃત્ત હું જોતો નથી. એ પરિષદના વહીવટદારો (શબ્દફેર હોઇ શકે છે) તૈયાર કરીને આપે છે. તેમાં હું ફેરફાર પણ કરતો નથી. અગાઉ એક-બે વાર નાના ફેરફાર કર્યા ત્યારે મોટી માથાકૂટ થઇ હતી. ત્યારથી મેં ફેરફાર કરવાનું બંધ કરી દીઘું છે. હું એમની (પરિષદના વહીવટદારોની) સાથે વાત કરી જોઇશ. (કદાચ) આવતા અંકમાં સમાચાર આવે.’
યોગેશભાઇની વાતનો સ્પષ્ટ ઘ્વનિ હતો કે પરિષદવૃત્ત જેવા ‘ફાસફૂસ’ લાગતા સમાચારોમાં પણ કયાં નામો આવવાં જોઇએ અને કયાં નામોને પરબવટો-પરિષદવટો મળવો જોઇએ, તેનું ચુસ્તીપૂર્વક ઘ્યાન રાખવામાં આવે છે.
ગુણવત્તામાં ‘પરબ’ કરતા ચડિયાતા ‘શબ્દસૃષ્ટિ’માં વિનોદ મેઘાણીના મૃત્યુુના સમાચારને ગણીને સાડા ચાર લીટીમાં સુવડાવી દેવામાં આવ્યા છે. બાકીના ઇધરઉધરના સમાચારને તેનાથી વધારે મહત્ત્વ અપાયું છે. વિનોદભાઇની મુખ્ય ઓળખ ‘મેઘાણી સાહિત્યના અનુવાદક’ તરીકે આપવામાં પણ એક પ્રકારનો છૂપો અવિવેક અથવા અવગણના વ્યક્ત થાય છે.
પરિષદ-અકાદમીની મેલી મથરાવટીની વિનોદભાઇને જીવનકાળ દરમિયાન પણ નવાઇ ન હતી. એટલે, ૧૪-૩-૦૯ની સાંજે વલસાડમાં વિનોદભાઇના સ્નેહી ઉદ્યોગપતિ રાજેન્દ્ર આચાર્ય તરફથી એક ગુણાનુવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો, ત્યારે તેના નિમંત્રણમાં ઘણું કહી દેવાયું હતું.
પરબ-શબ્દસૃષ્ટિના અંક તૈયાર થતા હશે, એ વખતે છપાયેલા ગુણાનુવાદ કાર્યક્રમના નિમંત્રણમાં ‘વાત એક અનસન્ગ હીરોની’ શીર્ષક હેઠળ મુકાયેલા લખાણનો એક અંશઃ
‘બધાં ક્ષેત્રોની માફક સરસ્વતીના ખોળામાં રમતા લોકો પણ ગમતાનો કરીએ ગુલાલ અને અણગમતાને કરીએ...(મકરન્દભાઇની આદરપૂર્વક ક્ષમાયાચના સાથે)વાળી રમતો રમે, તો જ એક સક્ષમ અનુસર્જકને પરિષદો, અકાદમીઓ ભૂલી શકે. ચાલો, આપણે તેમને સારો રસ્તો બતાવીએ. ભવિષ્યમાં કોઇને અન્યાય ન થાય તે માટે આવા સર્જકની, ખાસ તો વિદાય પછી, અનુસર્જન પ્રક્રિયાની કામગીરી ઝીણવટથી અવલોકીએ.’
કાર્યક્રમના આવકાર-પત્રમાં વિનોદભાઇના અનુસર્જનો-સંપાદનોની સંપૂર્ણ યાદી સાથે એમ પણ જણાવાયુ હતું કે ‘માત્ર એસ.એસ.સી. હોવા છતાં તેમનાં કેટલાંક અંગ્રેજી અનુસર્જનો (ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરેલા સર્જકતાસભર અનુવાદ) મહાવિદ્યાલયોમાં ભણાવાય છે. અર્થાત્ બીજાં રાજ્યોએ એમની પ્રતિભાની નોંધ લીધી છે.’
વિનોદભાઇની પ્રતિભાની નોંધ ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમીએ પણ પોતાની રીતે લીધી જ છે. એવું ન હોત તો આવું છીછરૂં વર્તન શા માટે કરવું પડ્યું હોત?
(વિનોદભાઇ સાથે ગાઢ અંગત પરિચય ધરાવતા અને ગુણાનુવાદ કાર્યક્રમના એક વક્તા-મિત્ર સંજય ભાવેએ પરબ-શબ્દસૃષ્ટિના નવા અંકો તરફ ઘ્યાન દોર્યું હતું. સંજયભાઇ વલસાડથી પાછા આવે ત્યાર પછી ગુણાનુવાદ કાર્યક્રમનો અહેવાલ પણ અહીં મુકવા ધારૂં છું. )
No comments:
Post a Comment