(ગયા મંગળવારના ‘દૃષ્ટિકોણ’માં રહેમાન વિશે લખેલો આ પીસ અહીં બે ‘વિન્ટેજ’ વિઝ્યુઅલ સાથે મૂકું છું. ‘રોજા’ આવ્યું તે અરસામાં સમસ્ત પ્રસાર માઘ્યમોમાં રહેમાનની આ એક જ તસવીર જોવા મળતી હતી. ફિલ્મસંગીતના પંડિત અને ચાળીસી-પચાસીના સંગીતમાં અમારા ગુરૂ મુંબઇના નલિન શાહ એ અરસામાં મદ્રાસ ગયા હતા. ઇલિયા રાજાએ પોતાના સ્ટુડિયો પર તેમને મળવા પંદર મિનીટ આપી હતી અને પછી પાંચેક કલાકે નલિનભાઇને ફરજિયાત ઊભા થવું પડ્યું, કારણ કે સાંજે રહેમાનને મળવાનું ગોઠવાયેલું હતું. રહેમાન પ્રત્યેનો અમારો ભાવ જાણતા નલિનભાઇ ભેટ તરીકે રહેમાનના ઓટોગ્રાફવાળી આ તસવીર લઇ આવ્યા હતા. ૧૯૯૩ની આસપાસની એ તસવીરની -અને રહેમાનની- ‘બન્ને બાજુઓ’ અહીં મુકી છે!- ઉર્વીશ)
***
બબ્બે ઓસ્કર એવોર્ડ મેળવનાર એ.આર.રહેમાન વિશે ‘જય હો’ સિવાયની કોઇ પણ ચર્ચા જોખમી છે. ‘તમને શું ખબર પડે?’થી ‘ખબરદાર, જો રહેમાનનું નામ લીઘું છે તો...’ સુધીના પ્રતિભાવો તેમાં મળે. છતાં, પ્રમાણભાન લાગણીનાં પૂરમાં તણાઇ જતું લાગે, ત્યારે ફિલ્મસંગીતના પ્રેમી અને તેના ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આ ચર્ચા જરૂરી લાગે છે.
રહેમાનઃ અસલી ‘સ્લમડોગ મિલિયોનર’
હવે બધા જાણે છે કે રહેમાનનું બાળપણ અભાવમાં વીત્યું હતું. નવ વર્ષની ઊંમરે પિતાનું મૃત્યુ થતાં રહેમાનને કામે લાગી જવું પડ્યું, તેનો અફસોસ રહેમાનનાં પ્રેરણામૂર્તિ-માતા કરીમાબેગમને આજે પણ છે. ૨૫ વર્ષની ઊંમરે ‘રોજા’ (૧૯૯૨)ના સંગીતથી રહેમાનનું નામ મુંબઇ-મદ્રાસમાં છવાઇ ગયું. ત્યાર પછીનાં ૧૫ વર્ષમાં રહેમાને ૧૦૦થી પણ વઘુ હિંદી, તમિળ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.
ફિલ્મો ઉપરાંત ‘બોમ્બે ડ્રીમ્સ’ જેવાં નાટક હોય કે માઇકલ જેક્સન જેવા સુપરસ્ટાર સાથેના પ્રોગ્રામ, ‘જન ગણ મન’- ‘વંદે માતરમ્’ જેવી મ્યુઝિક વીડીયો હોય કે ઓર્કેસ્ટ્રાના પીસ, રહેમાને દરેક ક્ષેત્રમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. રહેમાનના સંગીતમાં પ્રયોગોનો અને વૈવિઘ્યનો પાર નથી. જન્મજાત આંતરસૂઝ, અનુભવ અને મહેનતથી સિદ્ધ કરેલી આવડતનો ભાગ્યે જ જોવા મળતો સમન્વય તેમના સંગીતમાં છે. આ ખૂબીઓને કારણે વર્તમાન સમયમાં રહેમાન યોગ્ય રીતે જ ટોચનું સ્થાન ધરાવે છે.
સાવ નાની વયે ટોચે પહોંચ્યા પછી પણ સફળતા તેના દિમાગ પર ચડી ગઇ નથી. અંગત જીવનમાં તે સંપૂર્ણપણે આઘ્યાત્મિક છે. માતા અને ગુરૂ રહેમાનના જીવનમાં કેન્દ્રસ્થાને છે. રહેમાનના એક નિકટ પરિચિતે થોડા સમય પહેલાં ‘તહલકા’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ગમે તેવો મોટો ઇન્ટરનેશનલ એવોર્ડ સમારંભ હોય, પણ રહેમાનનાં માતાજી કહે કે તારે અમુકતમુક જગ્યાએ દરગાહ પર જવાનું છે’ તો રહેમાન જરાય આનાકાની કે કચવાટ વિના સમારંભ છોડીને દરગાહ પર જાય.’
પ્રચંડ સફળતા પછી પણ સાદગી અને સરળતા જાળવી રાખનાર રહેમાન યોગ્ય રીતે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર અને બહાર આદરનું પાત્ર બન્યા છે. આ થયું રહેમાનનું વર્તમાન સમયના સંદર્ભે મૂલ્યાંકન, જેને ઘણા લોકો કાયમી અથવા ઐતિહાસિક મૂલ્યાંકન ગણી લેવા લલચાય છે.
‘આલમઆરા’ (૧૯૩૧)થી શરૂ થયેલા ફિલ્મસંગીતના સાડા સાત દાયકાના ઇતિહાસમાં રહેમાનનું સ્થાન નક્કી કરવા માટે વર્તમાન સંદર્ભ પૂરતો નથી. કારણ કે તે ઘણી હદે આક્રમક પ્રચાર અને જડબેસલાક માર્કેટિંગથી ગ્રસ્ત હોય છે. નજીકનો ભૂતકાળ મહત્ત્વનો લાગે અને નજીકના ભૂતકાળની સિદ્ધિ હોય એના કરતાં વધારે મોટી લાગે, એ સાધારણ નિયમ છે. રહેમાનને મળેલા બે ઓસ્કર એવોર્ડ વ્યાવસાયિક રીતે સર્વકાલીન મહત્ત્વ ધરાવતી અભૂતપૂર્વ સિદ્ધિ છે, પણ વાત સફળતા અને સિદ્ધિને બદલે ગુણવત્તા અને મહાનતાની નીકળે, ત્યારે મામલો એટલો સીધોસાદો રહેતો નથી. બીજાં અનેક પરિબળો લક્ષ્યમાં લેવાનાં થાય છે.
ફિલ્મસંગીતઃ રહેમાન અને બીજા
રહેમાન વિશે વાત થતી હોય ત્યારે ફિલ્મસંગીતકારોના બે ભાગ પડી જાય છેઃ રહેમાન અને બીજા. (રહેમાનનો આવો કોઇ દાવો નથી, પણ માર્કેટિંગ અને લાગણીના ઉભરાથી આ સ્થિતિ સર્જાઇ છે.) આ વિભાજન છેલ્લાં દસ-પંદર વર્ષમાં આવેલા સંગીતકારો માટે સાચું હશે, પણ ફિલ્મસંગીતના ઇતિહાસમાં રહેમાનની સાથે અથવા તેમની આગળ લેવાં પડે એવાં ઘણાં નામ છે.
૨૫ વર્ષની ઊંમરે રહેમાનની પ્રચંડ સફળતાને બિરદાવતી વખતે એ પણ યાદ રાખવું પડે કે નૌશાદ-અનિલ બિશ્વાસ જેવા અનેક દિગ્ગજ સંગીતકારોએ તેમની સંગીત કારકિર્દીનો આરંભ ૨૫ વર્ષથી પણ ઓછી વયે કરી દીધો હતો. રહેમાનને વેઠવી પડી એવી અથવા એનાથી પણ વધારે પ્રતિકૂળતાઓ વેઠીને આ લોકોએ ફિલ્મસંગીતમાં પોતાનું સ્થાન ઊભું કર્યું.
જૂના અને નવા સંગીતકારો વચ્ચે સીધી સરખામણી કરવા જતાં એ સમયે ફિલ્મના માઘ્યમની પ્રાથમિક અવસ્થાથી માંડીને ‘સિચ્યુએશનની ડીમાન્ડ’ જેવાં ઘણાં પરિબળ ઘ્યાનમાં લેવાં પડે. ઉપરાંત, એ પણ યાદ રાખવું પડે કે ફિલ્મસંગીત ઘણી હદે જમાનાની તાસીર સાથે પણ સંબંધ ધરાવે છે. અફર અને અચળ ચીજ હોય તો એ છે મઘુરતા. તેને શબ્દોમાં વ્યાખ્યાયિત કરવી અઘરી છે, પણ ‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા’ સાંભળીને એવું કહી શકાય કે ‘એ મઘુર નથી?’ એ ગીત જૂનું કે નવું નથી- મઘુર છે. તેને સાંભળતી વખતે સમયનો સંદર્ભ ન લઇએ તો પણ ચાલે. એ મઘુર છે અને પચાસ વર્ષ પછી પણ મઘુર રહેવાનું છે.
મહત્ત્વનો સવાલ એ છે કે રહેમાનની સોથી પણ વઘુ ફિલ્મોમાં આવાં નિર્વિવાદ મઘુર ગીતો કેટલાં? અને ફિલ્મ રિલીઝ થાય ત્યારે બહુ ચગ્યા પછી એકાદ-બે વર્ષમાં ભૂલાઇ ગયાં હોય અને તેમનું સ્થાન ચલણમાં નવાં આવેલાં ગીતોએ લઇ લીઘું હોય, એવાં ગીતો કેટલાં? વ્યાપક અને સાચી છાપ એવી પણ છે કે રહેમાનનાં ગીતોમાં ગીતની મેલડી (મઘુરતા) કરતાં રીધમ (તાલ)નો હિસ્સો મોટે ભાગે છવાયેલો રહે છે. થોડાં વર્ષ પહેલાં સહજ વાતચીતમાં રહેમાનનો ઉલ્લેખ નીકળતાં એક સંગીતકારે કોઇ પણ દુર્ભાવ વિના માર્મિક ટીપ્પણી કરી હતી કે ‘રહેમાનને મેલડીની ગિફ્ટ નથી.’
‘આ બધી ટેકનિકલ ચર્ચાનો શો મતલબ? રીધમ હોય કે મેલડી, ગીત સરસ હોય એટલું પૂરતું નથી?’ એવી લાગણી આ તબક્કે થઇ શકે છે. પણ વાત એક સંગીતકારની હોય ત્યારે સૂર અને તાલની વાત અલગથી કરવી પડે- અને એ વાત શાસ્ત્રીય સંગીતની ફૂટપટ્ટીથી નહીં, સામાન્ય ભાવકની સમજણતી પણ શક્ય છે. જેમ કે, અવનવા તાલ અને અનેકવિધ પ્રકારના સંગીતના ટુકડા વિના, માત્ર ને માત્ર મઘુર ઘૂનની વાત કરીએ તો રહેમાનનું ‘તુ હી રે’ યાદ આવે, પણ ત્યાર પછી રહેમાને બનાવેલાં આ પ્રકારનાં કેટલાંક ગીતોમાં કોઇ ને કોઇ રીતે ‘તુ હી રે’ના છાયા સંભળાતી રહે છે.
રહેમાનનું સંગીત નવા જમાનાનું છે અને નવા જમાના પ્રમાણે મઘુર છે એવું કહી શકાય. સાથોસાથ એમ પણ કહેવું પડે કે નૌશાદ-અનિલ બિશ્વાસ-શંકર જયકિશન-ઓ.પી.નૈયર-સી.રામચંદ્ર-સલિલ ચૌધરી જેવા ઘણા સંગીતકારોનું સંગીત તેમના સમયે ‘નવા’ જમાનાનું હોવા છતાં, તે અત્યારે પણ તાજગી અને મઘુરતાની રીતે જૂનું થયું નથી. તેમનાં ઘણાં ગીતો સર્વકાલીન અને ચિરંજીવ મહત્ત્વ ધરાવે છે.
લોકોને પચે એવી પ્રયોગશીલતાના માપદંડથી વાત કરવી હોય તો પંકજ મલ્લિક અને આર.સી.બોરાલ જેવા મહાનુભાવોથી માંડીને પ્રમાણમાં ‘નવા’ કહેવાય એવા આર.ડી.બર્મન સુધી લાઇન લંબાય. જૂના સમયના સંગીતકારો પાસે ટેકનિકલ સુવિધાઓનો કારમો અભાવ હોવા છતાં, તે પ્રચંડ સર્જકતાના જોરે પોતાના જમાનાનું અને તેનાથી આગળ કહેવાય એવું પણ સંગીત આપી શક્યા.
કેટલાક રહેમાન-ચાહકોનો એવો પણ દાવો છે કે અત્યાર સુધીના બધા સંગીતકારો કાં હિંદી ફિલ્મોમાં કાં દક્ષિણ ભારતીય ફિલ્મોમાં હિટ જતા હતા. ભારતના બન્ને હિસ્સામાં સફળ થનાર રહેમાન પહેલા સંગીતકાર છે. આ દાવાને સંગીતની ગુણવત્તા સાથે બહુ ઓછી લેવાદેવા છે - અને દાવો સાચો પણ નથી. દક્ષિણ અને ઉત્તર ભારત વચ્ચે, મંુબઇ અને મદ્રાસમાં એકસરખી સફળતા મેળવનારા સંગીતકારોમાં સલિલ ચૌધરીનું નામ સૌથી જાણીતું ગણી શકાય.
સર્જકતા સાથે સંબંધ ધરાવતા કોઇ પણ ક્ષેત્રમાં મહાનતા નક્કી કરવાની થાય, ત્યારે કલાકારના ઉત્તમ કામની સાથોસાથ તેના નબળા કામને લક્ષ્યમાં લઇને સરવૈયું નીકળવું જોઇએ. એ માટે કોઇ ગાણિતીક સમીકરણ નથી, પણ ચાર-પાંચ દાયકાની કારકિર્દીમાં માંડ ૭૦-૮૦ ફિલ્મોમાંથી મોટા ભાગની ફિલ્મોનાં ઘણાંખરાં ગીતો યાદગાર બનાવનાર નૌશાદ જેવા સંગીતકાર હોય કે શંકર-જયકિશન જેવા ‘ફેક્ટરી’ની જેમ સંગીતનું ઉત્પાદન કરતાં છતાં મઘુરતા જાળવી રાખતા સંગીતકારો હોય, તેમની સરખામણીમાં રહેમાન ક્યાં ઊભા છે, એ પણ વિચારવું જોઇએ. તેના માટેનો સાદો સવાલઃ રહેમાનનું સંગીત ધરાવતી કેટલી ફિલ્મો અને તેમનાં કેટલાં ગીતો કદી હતાં જ નહીં એવી રીતે ભૂલાઇ ગયાં?
રહેમાનની અન્ય એક મર્યાદા તે પ્રાદેશિક સંગીત. ‘બોમ્બે’ ફિલ્મમાં અચાનક રામદેવ પીરનો હેલો ટપકી પડે, ત્યારે સમજણ જ ન પડે કે તે શા માટે અહીં મુકવામાં આવ્યો છે! બસ, રહેમાનને ‘મ્યુઝિકલ એલીમેન્ટ’ તરીકે ગમી જાય એટલે થયું! ‘ગુરૂ’ કે ‘લગાન’ જેવી ફિલ્મોમાં રહેમાને આપેલા સંગીતમાં ગુજરાતી સંસ્પર્શ/ટચ અનુભવાય છે?
એ વખતે રહેમાનની સરખામણી અનાયાસે વનરાજ ભાટિયા જેવા સંગીતકાર સાથે થઇ જાય. તે જે વિષયની, જે સમયગાળાની ફિલ્મમાં સંગીત આપે, તેમાં સ્થાનિકતાની સુગંધ આવે. ‘મંથન’નું ગીત ‘મેરો ગામ કાંઠા પારે’ ગરબાના તાલ ધરાવતું નથી, છતાં વાદ્યોના ઉપયોગથી એ ગીતનું ગુજરાતીપણું દિલમાં ઉતરી જાય એવું બન્યું છે. એવા ઘણા દાખલા આપી શકાય.
વનરાજ ભાટિયાને રહેમાન સંદર્ભે યાદ કરવાનું બીજું કારણ છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક. વનરાજ ભાટિયા, સલિલ ચૌધરી, નૌશાદ કે પંકજ મલિક જેવા સંગીતકારો ફક્ત ગીતોના જ નહીં, બેકગ્રાઉન્ડ મ્યુઝિકના પણ ખાં ગણાયા છે.
‘આ બધા સાથે રહેમાનની સરખામણી કરવાનો શો અર્થ?’ એવું લાગે છે?
- તો એ જ મુદ્દો છે. રહેમાનની લીટી મોટી કરવા માટે તેના પૂર્વસૂરિઓની લીટી નાની કરવાની જરૂર નથી. એ કરવું હોય તો બન્ને વચ્ચેની સરખામણી આવશ્યક બને છે અને તેમાં રહેમાનનું નં.૧ તરીકેનું અત્યારનું સ્થાન ડગમગી જાય એમ છે. હિંદી અને ભારતીય ફિલ્મસંગીતની લાંબી પરંપરાનાં શીર્ષસ્થ નામોમાં રહેમાન અધિકારપૂર્વક સ્થાન ધરાવે છે, એટલું કહેવું પૂરતું નથી?
No comments:
Post a Comment