‘મુસ્લિમોની સૌથી વઘુ વસ્તી ધરાવતો દેશ કયો?’ એવા સવાલના જવાબમાં પાકિસ્તાન કે અખાતી દેશોનાં નામ જીભે ચડે, પરંતુ સાચો જવાબ છેઃ ઇન્ડોનેશિયા. આશરે ૧૭ હજાર ટાપુઓના સમુહથી બનેલા અને ત્રણ ટાઇમઝોન લાગુ પડે એવો પ્રચંડ વિસ્તાર ધરાવતા આ દેશમાં મુસ્લિમોનું પ્રમાણ ૮૮ થી ૯૦ ટકા જેટલું છે. સંખ્યાઃ આશરે ૨૦ કરોડ. (ભારતમાં અંદાજે ૧૫ કરોડ અને પાકિસ્તાનમાં ૧૬ કરોડ મુસ્લિમો છે.)
વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશની બે-ત્રણ લાક્ષણિકતાઓ નોંધપાત્ર અને ઓછી જાણીતી છે. સૌથી પહેલી ખાસિયત એ કે મુસ્લિમોની ૮૮ ટકા વસ્તી હોવા છતાં આ દેશ પાકિસ્તાનની માફક ‘મુસ્લિમ રાષ્ટ્ર’ નથી. તેના બંધારણમાં મુસ્લિમો ઉપરાંત હિંદુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધોને પણ સમાન અધિકારો આપવામાં આવ્યા છે. બીજી ખૂબીઃ આ દેશમાં લોકશાહી છે. મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશોમાં અમેરિકા-ઇઝરાઇલ માટે ધિક્કાર ધરાવતાં આતંકવાદી જૂથોનો પગદંડો મજબૂત બની રહ્યો છે, ત્યારે મુસ્લિમોની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ લોકશાહી હોય, તે બાકીના જગત માટે સમાચાર છે. ત્રીજી લાક્ષણિકતાઃ મુસ્લિમોની પ્રચંડ બહુમતિ હોવા છતાં, આ દેશમાં ઇસ્લામનું કટ્ટરતાવાદી અર્થઘટન કરીને આતંક મચાવનારાં મુસ્લિમ જૂથો છે, જેમાંનું એક અલ કાઇદા સાથે સંબંધ ધરાવે છે.
અમેરિકા અને ભારત પછી વિશ્વની ત્રીજા નંબરની લોકશાહી ગણાતો ઇન્ડોનેશિયા મુસ્લિમ બહુમતિ ધરાવતા પાકિસ્તાન સહિતના ઘણા દેશો માટે કેટલીક બાબતોમાં દીવાદાંડીરૂપ બની શકે છે, તો ભારત માટે ઇન્ડોનેશિયાએ ત્રાસવાદનો મુકાબલો કરવા લીધેલાં પગલાં રસનો વિષય બની શકે છે.
બાલી બોમ્બવિસ્ફોટઃ કઠણાઇ અને કડકાઇ
ત્રાસવાદના નકશા પર ઇન્ડોનેશિયાનો ધમાકેદાર પ્રવેશ ઓક્ટોબર, ૨૦૦૨ના બાલી બોમ્બવિસ્ફોટથી થયો. ભારે જાનહાનિ ધરાવતા અત્યાર સુધીના સૌથી મોટા ત્રાસવાદી હુમલાઓમાં બાલી વિસ્ફોટોનો સમાવેશ થાય છે, જેમાં રેસ્ટોરાં ને નાઇટક્લબોમાં મોજમજા કરવા આવેલા ૨૦૦થી પણ વઘુ પ્રવાસીઓ માર્યા ગયા. તેનાથી એક વર્ષ પહેલાં હતપ્રભ કરી નાખતા હુમલાનો ભોગ બની ચૂકેલું અમેરિકા ખળભળી ઉઠ્યું. વિશ્વમાં સૌથી વઘુ મુસ્લિમ વસ્તી ધરાવતો લોકશાહી દેશ ત્રાસવાદથી ખદબદવા માંડે તો જતે દહાડે તેનો રેલો અમેરિકાને દઝાડ્યા વિના ન રહે. બાલી હિંદુ બહુમતિ ધરાવતો વિસ્તાર હોવા છતાં, વિસ્ફોટો મુખ્યત્વે વિદેશી (પશ્ચિમી) પ્રવાસીઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યા હતા, એ સ્પષ્ટ હતું.
ત્રાસવાદ સામે ઇન્ડોનેશિયાને સજ્જ કરવા તથા તેના મુખ્ય ત્રાસવાદી સંગઠન ‘જીમા ઇસ્લામિયા’ની પાંખો કાપવા માટે અમેરિકાએ પહેલ કરી. સૈન્યનો ઉપયોગ કરવાને બદલે ઇન્ડોનેશિયાના પોલીસદળમાંથી જ અલગ ત્રાસવાદવિરોધી ટુકડી બનાવવામાં આવી. તેને અમેરિકાએ તાલીમ અને આઘુનિક શસ્ત્રો પૂરાં પાડ્યાં. લડાઇ ઉપરાંત જાસૂસી અને ગુનાશોધન જેવા કસબ પણ શીખવ્યા. બાલી વિસ્ફોટોના બીજા વર્ષે ‘ડીટેચમેન્ટ ૮૮’ (અથવા ‘ડેલ્ટા ૮૮’) તરીકે ઓળખાતી ત્રાસવાદવિરોધી ટુકડી તૈયાર હતી.
હોલિવુડની ફિલ્મના ટાઇટલ જેવા આ ટુકડીના નામના ત્રણેક અર્થ કરવામાં આવે છે. બાલી વિસ્ફોટોમાં સૌથી વઘુ - ઓસ્ટ્રેલિયાના ૮૮ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં, તે પહેલો અર્થ. અંગ્રેજીમાં ‘૮’ના આંકડાનો કદી છેડો આવતો નથી. એટલે કામગીરીની અનંતતા આઠના આંકડા દ્વારા સૂચવાતી હતી. ઉપરાંત અંગ્રેજી આઠનો હાથકડી જેવો આકાર પણ ઘ્યાને લેવાયો હતો.
‘ડીટેચમેન્ટ ૮૮’ માટે કામની કમી ન હતી. પાકિસ્તાનની મેરિયટ હોટેલમાં આ વર્ષે થયો, એવો આત્મઘાતી હુમલો ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તાની મેરિયટ હોટેલ પર ૨૦૦૩માં થયો હતો. ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયાની એલચી કચેરીની બહાર કારબોમ્બથી હુમલો થયો અને ૨૦૦૫માં ફરી બાલીનાં બે રેસ્ટોરાંમાં વિસ્ફોટ. આ હુમલા ઇન્ડોનેશિયા-અમેરિકાના સહિયારા પ્રયાસો જેવા ‘ડીટેચમેન્ટ ૮૮’ માટે ખુલ્લા પડકાર હતા, પણ એ ટુકડી હાથ જોડીને બેઠી ન હતી. તેણે ૩૦૦થી પણ વધારે ત્રાસવાદીઓની ધરપકડ કરી. બે મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓમાંથી એક- અઝહરી બિન હુસૈન ‘ડીટેચમેન્ટ ૮૮’ સાથે સામસામા ગોળીબારમાં ઠાર થયો, બાલી બોમ્બિંગના ચાર સૂત્રધારો સહિત ‘જીમા ઇસ્લામીયા’ના ૩૦૦થી પણ વઘુ સભ્યોને જેલભેગા કરવામાં આવ્યા.
લશ્કરનો મજબૂત ટેકો ગુમાવી બેઠેલા ઇન્ડોનેશિયાના પ્રમુખ સુહાર્તોએ વિવિધ ઉદ્દામવાદી મુસ્લિમ સંગઠનોને આર્થિક અને રાજકીય રીતે પોષ્યાં. ૨૦૦૪ની ચૂંટણીમાં યુધોનોયો ઇન્ડોનેશિયાના પ્રમુખ બન્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઇસ્લામના નામે ચાલતો ત્રાસવાદ ફક્ત પાશ્ચાત્ય દેશો માટે નહીં, ઇન્ડોનેશિયા માટે પણ ખતરારૂપ છે. તેમણે અમેરિકાવિરોધી લાગણીમાં ઘી હોમવાને બદલે ત્રાસવાદી હુમલામાં મૃત્યુ પામતા ઇન્ડોનેશિયાના લોકોની વાત કરી.
એનો અર્થ એવો નથી કે યુધોનોયો દૂધે ધોયેલા છે. સત્તા ટકાવી રાખવા માટે તેમને ઉદ્દામવાદી મુસ્લિમ સંગઠનો સાથે સારા સંબંધ રાખવા પડે છે. હજરત મહંમદને છેલ્લા પેગંબર ન ગણતા અને આશરે ૨ લાખ અનુયાયીઓ ધરાવતા અહમદીયા મુસ્લિમ સંપ્રદાયને યુધોનોયોએ ઉગ્રવાદી મુસ્લિમોના ભારે દબાણ પછી ઇન્ડોનેશિયામાં પ્રતિબંધિત કરવો પડ્યો છે. (પાકિસ્તાનમાં તેની પર પહેલેથી પ્રતિબંધ છે.) આ પગલાની ટીકા પણ મોટા પાયે થઇ છે.
ત્રાસવાદનો સત્તાવાર ઢબે સ્વીકાર અને તેના વિરોધની કલ્પના પાકિસ્તાનના સંદર્ભે થઇ શકે? પાકિસ્તાની શાસકો અલ કાઇદા સહિત ત્રાસવાદી જૂથોના પ્રભાવનો સ્વીકાર કરતા ન હોય, ત્યાં એની સામે લડવા માટે ‘ડીટેચમેન્ટ ૮૮’ બનાવવાનો કે ત્રાસવાદી સંગઠનોના ૩૦૦-૪૦૦ સભ્યોને જેલમાં પૂરવાનો સવાલ રહેતો નથી. પાકિસ્તાન એવો ભ્રમ સેવે છે કે ત્રાસવાદથી એ ભારતને ખોખલું કરી નાખશે. હકીકતમાં ભારત પરનો દરેક ત્રાસવાદી હુમલો પાકિસ્તાનની વઘુ ને વઘુ પનોતી નોતરશે. મુંબઇ પરના હુમલાથી શરૂઆત થઇ ચૂકી છે. પાકિસ્તાન મને કે કમને ઇન્ડોનેશિયાના રસ્તે ન ચાલે, તો ભવિષ્યમાં ત્રાસવાદીઓ કે ભારત કરતાં પહેલાં, અમેરિકા અને યુરોપના દેશોના હાથે પાકિસ્તાન પાયમાલ થઇ જશે.
ત્રાસવાદનો મુકાબલો
કટ્ટરતાની વિચારસરણીને વરેલા ત્રાસવાદીઓ સાથે કેવી રીતે કામ પાડવું એ ત્રાસવાદની સમસ્યા ધરાવતા સૌ દેશો માટે મૂંઝવનારો સવાલ છે. અમેરિકાએ ત્રાસવાદનો જવાબ ત્રાસવાદથી આપીને સરવાળે ત્રાસવાદને વૈશ્વિક સ્તરે ઉત્તેજન આપ્યું છે. ભારત જેવી ઢીલીઢસ નીતિ ત્રાસવાદ સામે ન ચાલે, એ પણ હકીકત છે. આ બાબતમાં પણ ઇન્ડોનેશિયાનું વલણ વિશિષ્ટ છે. તે ‘ચૌદમા રતન’ (અત્યાચાર)નો પ્રયોગ કરવાને બદલે સમજાવટ અને કાનૂની કાર્યવાહી જેવાં બાકીનાં રતનનો ઉપયોગ કરે છે. ફક્ત શંકાના આધારે ધરપકડ કરીને શકમંદો પર અત્યાચાર ગુજારવાનો અને પછી તેમને નિર્દોષ છોડી મુકવાનો ભારતીય કે અમેરિકન તરીકો ઇન્ડોનેશિયાએ અપનાવ્યો નથી. સાથોસાથ, ત્રાસવાદના કેસ ઝડપથી ચાલે એ માટેની અદાલતી વ્યવસ્થા ત્યાં છે. તેમાં એક વાર અપરાધ પુરવાર થઇ જાય, પછી દયા-માયાને કે માનવીય ચર્ચાને કોઇ સ્થાન નથી.
બાલી બોમ્બવિસ્ફોટ કેસના ચાર આરોપીઓ સામે ગુનો સાબીત થતાં, તેમાંથી ત્રણને આ વર્ષના નવેમ્બર મહિનામાં ફાયરિંગ સ્ક્વોડ સામે ઊભા રાખીને ગોળીએ દેવામાં આવ્યા. સજાની પદ્ધતિમાં ફેરફાર કરવાની આરોપીઓની વિનંતીને પણ ફગાવી દેવામાં આવી. ૮૮ ટકા મુસ્લિમ વસ્તી અને ઉદ્દામવાદનું વધતું જોર ધરાવતા દેશમાં ઇસ્લામના નામે ત્રાસવાદ ફેલાવતા ૩ મુસ્લિમોને ફાયરિંગ સ્ક્વોડ સામે ઊભા રાખી દેવાનું લાગે છે એટલું સહેલું નથી. છતાં, ઇન્ડોનેશિયામાં તે શક્ય બન્યું. તેનું એક સંભવિત કારણ એ ગણાય કે તેનું ‘રેડીકલાઇઝેશન’ (ઉદ્દામીકરણ) થઇ રહ્યું હોવા છતાં, હજુ તે ‘મુસ્લિમ દેશ’ બન્યો નથી.
ચારમાંથી ત્રણ આરોપીને કેમ મૃત્યુદંડ અને એકને કેમ જન્મટીપની સજા? એના જવાબ માટે ઇન્ડોનેશિયાની બીજી, અમેરિકા-ભારત જેવા દેશોને વિરોધાભાસી લાગે એવી, લાક્ષણિકતા જાણવી પડેઃ ત્રાસવાદીઓ સામે તે યુદ્ધના ઝનૂનથી નહીં, પણ ‘સોફ્ટ’ રીતે - નરમાશથી વર્તવામાં માને છે. ‘જીમા ઇસ્લામીયા’ના પકડાયેલા તમામ સભ્યોને ઉદારમતવાદી મુસ્લિમ મૌલવીઓ ધર્મોપદેશ આપે છે, તેમને ઇસ્લામનો સાચો મર્મ સમજાવે છે અને આતંકના રસ્તેથી પાછા વળવા જણાવે છે. આ રીતે ત્રાસવાદ તજીને સરકારની સહાય કરવા તૈયાર થયેલા લોકોને જેલમાંથી તત્કાળ મુક્તિ મળી જતી નથી, પણ તેમના પરિવારની સારસંભાળ અને તેમનાં બાળકોના શિક્ષણની જવાબદારી સરકાર ઉપાડે છે. અત્યાર સુધી આવી રીતે ત્રાસવાદના માર્ગેથી પાછા વળનારાની સંખ્યા બહુ મોટી નથી. છતાં, દસ-વીસ જણને આ રસ્તેથી પાછા વાળી શકાય, તેમાં સરકારને ‘સોફ્ટ’ વર્તન વસૂલ લાગે છે.
રીઢા ત્રાસવાદીઓ મરણ પછી પણ ત્રાસવાદનો સંદેશ આપવાનું ચૂકતા નથી, તે ફાયરિંગ સ્ક્વોડની સજા પામેલા એક ત્રાસવાદીના વસિયતનામા પરથી સ્પષ્ટ થયું છે. ઇમામ સમુદ્ર નામના એ ત્રાસવાદીએ વસિયતમાં મુસ્લિમોને ઉદ્દેશીને કહ્યું છે કે ‘તમારાં બાળકોને ત્રાસવાદી બનાવજો.’ બીજી તરફ, બાલી બોમ્બવિસ્ફોટ કરનારા ચારમાંથી એક ગુનેગાર અને ફાયરિંગ સ્ક્વોડની સજા પામનાર અમરોઝીના ભાઇ અલી ઇમરોને પશ્ચાતાપ વ્યક્ત કરતાં તેને મૃત્યુદંડમાંથી માફી આપીને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે.
ઇન્ડોનેશિયાની ત્રાસવાદ સામેની લડાઇ વધતા ઉદ્દામવાદને કારણે કઠણ થતી જાય છે. છતાં, ૨૦૦૫ પછી ત્યાં ત્રાસવાદની એક પણ ઘટના બની નથી, એ હકીકત છે. ૯/૧૧ પછી એક પણ હુમલો ન થયાની વાત કરતા પરંતુ છાશવારે ત્રાસવાદી હુમલાની એલર્ટ વચ્ચે ભયગ્રસ્ત જીવન જીવતા અમેરિકા કરતાં ઇન્ડોનેશિયાની સિદ્ધિ વધારે મોટી ન ગણાય?
superb Article, really
ReplyDeleteરોગ ભલે એકસરખો હોય પણ કયારેક દર્દીની તાસીર પ્રમાણે દવા બદલાતી હોય છે. ઇઝરાયેલ કે અમેરિકા કે ઇન્ડોનેશિયાનો ઉપચાર યથાતથ આપણને લાગુ ના પણ પડે. પંજાબમાં ત્રાસવાદ નિર્મૂળ થઇ શકયો છે એ હકીકત છે અને પૂર્વોત્તર રાજયો કે મધ્ય અને દક્ષિણ ભારતમાં નક્સલવાદને ડામવાના પ્રયાસોમાં બહુ સફળતા મળી નથી એ પણ હકીકત છે. આપણે ત્યાં સત્તા મેળવવા અને તે ટકાવી રાખવાની મથામણમાં જ શાસકોનો એટલો સમય ખર્ચાઇ જાય છે કે આવી ગંભીર સમસ્યાના લાંબા ગાળાના ઉકેલ માટે કોઇ વિચારતું નથી. ત્રાસવાદ સામે લડવાની અત્યારે જેટલી વાતો થાય છે તેની દસમાભાગની પણ છ મહિના પછી થશે કે નહીં તેની ખાતરી નથી.
ReplyDeleteવાહ ઉર્વીષભાઈ,
ReplyDeleteકઈ નહીં તો મારે માટે આ માહિતી પહેલી વાર મળવા વાળી છે અદ્દભૂત .
પિયુષ મહેતા.
સુરત.