અખંડ ભારતના મુસ્લિમ સમાજની એ કઠણાઇ કહેવાય કે તેમને આઝાદી પહેલાંના સમયગાળામાં કોઇ ગાંધી-આંબેડકર ન મળ્યા. બિનસાપ્રદાયિકમાંથી સગવડીયા કોમવાદી બનેલા મહંમદઅલી ઝીણા અને લિયાકતઅલીખાનથી માંડીને કોમવાદી માનસિકતા ધરાવતા અલીબંઘુઓ મુસ્લિમોમાં વ્યાપક સ્વીકૃતિ ધરાવતા નેતા બન્યા, જ્યારે રાષ્ટ્રીય સ્તરે મૌલાના આઝાદથી માંડીને સ્થાનિક સ્તરે બદરૂદ્દીન તૈયબજી જેવા નેતાઓ એમના પોતાના સમાજમાં મોટો પ્રભાવ ઊભો કરી શક્યા નહીં. બાદશાહખાન આ બન્ને પ્રકાર કરતાં જુદા હતા. પરંતુ તેમનું મહત્ત્વ અને મહત્તા સમજવા માટે વીસમી સદીના હિંદુ-મુસ્લિમ સંઘર્ષની અછડતી રૂપરેખા ઉપયોગી થાય એમ છે.
૧૮૫૭ના સંગ્રામમાં હિંદુ-મુસ્લિમોની સંયુક્ત તાકાત જોઇને અંગ્રેજોએ મુસ્લિમોને રીતસર હાંસિયામાં ધકેલવાનું શરૂ કર્યું હતું. (દા.ત. લશ્કરમાં તેમની ભરતી બંધ કરી દીધી) મુસ્લિમોમાં ધાર્મિક સિવાયના શિક્ષણનો પ્રશ્ન ગંભીર હતો, જ્યારે હિંદુઓ ઝડપથી ‘સાહેબની ભાષા’ (અંગ્રેજી) શીખીને, અંગ્રેજ વ્યવસ્થામાં ગોઠવાઇ રહ્યા હતા. અંગ્રેજોએ સભાનતાપૂર્વક અપનાવેલી નીતિ અને સરેરાશ મુસ્લિમોમાં નવા જમાનાને અનુરૂપ શિક્ષણના અભાવને કારણે હિંદુ-મુસ્લિમો વચ્ચેનું સામાજિક અંતર વધતું ગયું.
મુસ્લિમો શિક્ષણને કારણે પાછળ રહી ન જાય એ માટે સર સૈયદ અહમદે ૧૮૭૫માં ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી’ની સ્થાપના કરી. (એ વખતે તેનું નામ ‘મોહમેડન એન્ગ્લો-ઓરિએન્ટલ કોલેજ’ હતું) તે શિક્ષિત મુસ્લિમોની ચેતનાનું એક કેન્દ્ર પણ બની. છતાં, અંગ્રેજો દ્વારા થતા અન્યાય અને બીજા વર્ગોની - ખાસ કરીને હિંદુઓની પ્રગતિ જોઇને સામાન્ય મુસ્લિમોનો માનસિક કચવાટ વધી રહ્યો હતો. વીસમી સદીના આરંભના અને વિશેષતઃ ગાંધીજીના આગમન પછીના સમયમાં, અંગ્રેજોએ મુસ્લિમોની અસલામતીનો પૂરો લાભ ઉઠાવ્યો અને તેમનો ઉપયોગ ગાંધી તથા કોંગ્રેસને ઉલઝાવવામાં કર્યો. અસલામત મનોદશાથી ગ્રસ્ત બહુમતિ મુસ્લિમોને અંગ્રેજ શાસકોએ એવું માનતા કરી દીધા કે તેમની આ અવદશા પ્રગતિ કરી રહેલા હિંદુઓને આભારી છે અને આવું જ ચાલશે તો ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય અંધકારમય છે.
રાજકારણ અને સમાજકારણના આ પ્રવાહો વચ્ચે અખંડ ભારતના સરહદ પ્રાંતમાં ઝનૂની પઠાણોની વચ્ચે, બાદશાહખાન એક એવા નેતા તરીકે ઉભર્યા, જેમની સરખામણી ગાંધીજી સિવાય ભાગ્યે જ બીજા કોઇ નેતા સાથે થઇ શકે. ગાંધીજી કરતાં ૨૧ વર્ષ મોડા ૧૮૯૦માં જન્મેલા ખાન અબ્દુલ ગફ્ફારખાને મુસ્લિમ મઝહબી નેતાગીરીની એવી મિસાલ ઊભી કરી, જેની આજે એક સદી પછીના વિશ્વમાં સૌથી વધારે જરૂર છે.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના તમામ નેતાઓ કરતાં સૌથી આકરો જેલવાસ, પોલીસના અત્યાચાર અને યાતના વેઠનારા બાદશાહખાને પઠાણોને હિંસા છોડીને અહિંસાના માર્ગે ચલાવવાનું અને તેમને શિક્ષિત કરવાનું જીવનકાર્ય ઉપાડ્યું. એ વખતે તેમની મુલાકાત ગાંધીજી સાથે થઇ ન હતી. ૧૯૦૧માં અંગ્રેજ સરકારે પંજાબમાંથી સરહદ પ્રાંત (નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ)ને અલગ કર્યો ન હોત તો કદાચ બાદશાહખાન ‘સરહદના ગાંધી’ નહીં, પણ ‘પઠાણોના ગાંધી’ તરીકે ઓળખાયા હોત.
પોતાના વતન અને પ્રાંતમાં વિદ્યાલયો શરૂ કરવાની ગફ્ફારખાનની પ્રવૃત્તિથી અંગ્રેજો એટલા અકળાતા હતા કે તેમણે ગફ્ફારખાનના પિતાને બોલાવીને સમજાવ્યા,‘લોકો આરામથી બેઠા છે ને તમારો દીકરો ગામડે ગામડે ફરી નિશાળો ખોલી રહ્યો છે. એને કહો કે શાંતિથી ઘરે બેસે.’
પિતાએ ઘરે આવીને આ વાત કહી, એટલે ગફ્ફારખાને વળતો સવાલ કર્યો,‘તમે કોઇને નમાજ ન પઢવાનું કહેશો?’
‘એ કેવી રીતે બને? નમાજ તો આવશ્યક કર્તવ્ય છે.’
ગફ્ફારખાન કહે,‘એ જ પ્રમાણે વિદ્યાપ્રસાર અને જાતિની સેવા આવશ્યક કર્તવ્ય છે.’
બાદશાહખાન માનતા હતા કે ‘હિંદુઓ અને મુસ્લિમો કરતાં શીખોમાં વધારે ધર્મભાવ છે. કારણ કે તેમનો ધાર્મિક ગ્રંથ માતૃભાષામાં છે. એટલે તેના શબ્દોના અર્થ તે બરાબર સમજી શકે છે. આપણે- હિંદુ અને મુસલમાન- જે ભાષામાં ઇશ્વરભક્તિ કરીએ છીએ, તે ભાષા પૂરી સમજતા નથી.’ ગાંધીજી સાથેની ચર્ચામાં એક વાર તેમણે કહ્યું હતું, ‘દરેક ધર્મના આચારમાં ધર્મ જ્યાં પેદા થયો હોય એ વિસ્તારની ખાસિયતો આવે. સ્વચ્છતાનું દરેક ધર્મમાં મહત્ત્વ છે. હિંદુ ધર્મ પાણીની છત ધરાવતા નદીકાંઠાના વિસ્તારોમાં વિકસ્યો હોવાથી તેમાં દરેક પવિત્ર કામ કરતાં પહેલાં નહાવાનો મહિમા છે. જ્યારે પાણીની અછતવાળા રણપ્રદેશમાં વિકસેલા ઇસ્લામમાં કંઇ નહીં તો અઠવાડીયે એક વાર સ્વચ્છતાથી નહાવાની વાત છે. એનો અર્થ એવો થોડો થાય કે મુસલમાનોએ રોજ ન નહાવું અને રોજ નહાય તે ખરો મુસલમાન ન કહેવાય?’
બાદશાહખાને સ્થાપેલા ખુદાઇ ખિદમતગારોના સંગઠન વિશે આઠમા-દસમા ધોરણના ઇતિહાસમાં આવતી ટૂંકનોંધ પૂરતી નથી. વાતે વાતે ખૂનખરાબા પર ઉતરી પડતા - અને અત્યાર સુધી પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બની રહેલા પઠાણોને તેમણે શીખવ્યું કે ‘ખુદાને ખુદને ખિદમતની જરૂર નથી. તેથી ખુદાની સૃષ્ટિ (મખલૂક)ની સેવા એ જ ખુદાની સેવા છે. હું માનવમાત્રની સેવા કશાય સ્વાર્થ વિના ખુદાની ખાતર કરીશ. હું હિંસા નહીં કરૂં અને કોઇ રીતે વેરનો બદલો નહીં લઊં.’ ખુદાઇ ખિદમતગારોની આ પહેલી પ્રતિજ્ઞા હતી
અહિંસક રીતે સમાજસુધારાની અને લોકજાગૃતિની પ્રવૃત્તિ કરતા ખુદાઇ ખિદમતગારો પર અંગ્રેજ સરકારે સિતમો વરસાવ્યા. છતાં મુસ્લિમ લીગને તેની કશી પરવા ન હતી. કારણ કે ખુદાઇ ખિદમતગારોને ‘પાકિસ્તાન’માં રસ ન હતો. બાદશાહખાનને કહ્યું હતું, ‘આપણી લડાઇ અંગ્રેજો સામે છે ને મુસ્લિમ લીગ અંગ્રેજો સામે લડવાની તાકાત ધરાવતી નથી. અંગ્રેજોએ તેમને હિંદુઓ જોડે લડાવવા ને ભિડાવવા માટે સુરક્ષિત રાખ્યા છે.’ કોંગ્રેસે ખુદાઇ ખિદમતગારોને રાષ્ટ્રીય આંદોલનમાં સાંકળીને બદલામાં તેમને ટેકો આપ્યો. ગાંધીજી સરહદ પ્રાંતની મુલાકાતે પણ ગયા. પરંતુ કોંગ્રેસે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને ટેકો આપ્યો ત્યારે બાદશાહખાને તેમાંથી રાજીનામું આપી દીઘું. ભાગ્યે જ નમાજ ચૂકતા આ મજહબી નેતાએ કહ્યું,‘અમારે દુનિયામાં કોઇની સાથે લડાઇ નથી...અમારો નિયમ કોઇની કતલ કરવાનો નહીં, જાતનું બલિદાન આપવાનો છે.’
બાદશાહખાનના ભાઇ ડો.ખાનસાહેબનાં પત્ની વિદેશી હતાં. તેમના ધર્મ વિશે ગાંધીજીએ એક વાર બાદશાહખાનને પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું,‘એ મુસ્લિમ છે કે ખ્રિસ્તી એની તો મને ખબર નથી, પણ લગ્ન કર્યા પછી તેમણે ધર્મપરિવર્તન કર્યું નથી એટલું હું જાણું છું. લગ્નને ધર્મ સાથે-વ્યક્તિની શ્રદ્ધા સાથે શી લેવાદેવા?’ ગાંધીજીએ આ જવાબ માટે આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું,‘આ બાબતમાં ઘણા લોકો તમારા જેવું નહીં વિચારતા હોય.’ બાદશાહખાને તરત કહ્યું,‘એ જ તો વાંધો છે. ઇસ્લામનો સાચો મિજાજ ઓળખનારા કેટલા છે? મોટા ભાગની તકરારો પાછળનું કારણ આ જ છે. તેનો લાભ લઇને હિત ધરાવતા પક્ષો બન્ને બાજુના પૂર્વગ્રહો અને લાગણી ઉશ્કેરીને પોતાનું કામ કઢાવી લે છે.’
ભાગલા પડ્યા ત્યારે કોંગ્રેસે ખુદાઇ ખિદમતગારોને મુસ્લિમ લીગના ભરોસે (બાદશાહખાનના પ્રખ્યાત શબ્દોમાં ‘વરૂઓના ભરોસે’ છોડી દીધા. આઝાદી પહેલાં અંગ્રેજ શાસકોએ પઠાણોને આઠ ભૌગોલિક વિસ્તારોમાં વહેંચીને તેમને લડાવ્યે રાખ્યા હતા. આઝાદી પછી એ કામ મુસ્લિમ લીગની સરકારે કર્યું. પઠાણોના ‘પખ્તૂનિસ્તાન’નું સ્વપ્ન જોવા બદલ બાદશાહખાનને પંદરેક વર્ષ પાકિસ્તાનની જેલમાં ગાળવાં પડ્યાં. લાંબા સંઘર્ષ પછી ૯૮ વર્ષની વયે, ૨૦ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ તેમનું અવસાન થયું. પણ તેમણે રજૂ કરેલો ઇસ્લામી નેતાગીરીનો આદર્શ ગાંધીજીએ રજૂ કરેલા સર્વધર્મસમભાવ અને અહિંસાના આદર્શની હારોહાર ઊભો રહે એવો છે. ગાંધીની જેમ બાદશાહખાન પણ વર્તમાન સમાજમાં અપ્રસ્તુત થવાના નથી.
very very nice.. You are really a very sincere researcher Urvishbhai...
ReplyDeleteSuperb Article.! I've read some short notes of BADSHAHKHAN during my study-period but thanx to u for very informative article.Its first time of information for me.Badshahkhan was a great leadar.U've truly noted that he was realy best example of muslim-leadership.unfortunately muslims have forgotten him.its a great loss,not for muslims,but also for whole mankind.Great salute of him.
ReplyDelete