ત્રાસવાદનો મુકાબલો કરવામાં રાજકીય રીતે તકવાદી, વ્યૂહાત્મક રીતે બિનકાર્યક્ષમ અને અસરકારકતાની રીતે સદંતર નિષ્ફળ સાબીત થયેલી ભારતની સરકારોનો સિલસિલો જોતાં આ વાત ફક્ત ૩૭ વર્ષ જૂની નહીં, ૧૩૭ વર્ષ જૂની લાગે.
૧૯૭૧માં પણ રાજકારણ ખાસ વખાણવાલાયક ન હતું. નેહરૂ અને શાસ્ત્રી પછી ઈંદિરા ગાંધી વડાપ્રધાન બન્યાં હતાં. ભાગલા પછી પૂર્વ અને પશ્ચિમ- બે હિસ્સામાં વહેંચાયેલા પાકિસ્તાનમાંથી, પૂર્વ પાકિસ્તાનમાં શાસકોનો ત્રાસ એટલો વધી ગયો કે ત્યાંથી હજારો નિરાશ્રિતો ભારતમાં આવી ગયા. ભારતની દશા વણનોતર્યા પરોણા વેઠતા ગરીબ યજમાન જેવી થઇ. એ સ્થિતિ લાંબું ચાલે તો ભારતની કમર તૂટી જાય એ નક્કી હતું.
ઈંદિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનની સમસ્યાનો કાયમી ફેંસલો આણી દેવા અને ભારતના ભાગલા પાડનાર પાકિસ્તાનના ભાગલા પાડીને, પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર (બાંગલાદેશ) તરીકે છૂટું પાડવાનું નક્કી કરી લીઘું. ત્યાર પછી સૈન્ય અને ગુપ્તચર સંસ્થાઓ કામે લાગી ગઇ. ઈંદિરા ગાંધીએ વિદેશપ્રવાસો કરીને પોતાનો કેસ મજબૂત કર્યો. પાકિસ્તાનના પડખે બેઠેલા અમેરિકાની સામે તેમણે રશિયાને ભારતના પક્ષે લીઘું. છતાં, યુદ્ધ જેમ બને તેમ ઝડપી આટોપી લેવું જરૂરી હતું. યુદ્ધ લાંબું ચાલે તો અમેરિકા અવશ્ય પાકિસ્તાનનું ઉપરાણું લઇને યુદ્ધમાં ઝંપલાવે.
પાકિસ્તાનની પહેલથી ૩ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ યુદ્ધ શરૂ થયું, ત્યારે ભારત ઊંઘતું ઝડપાયું ન હતું. ઘણી બાબતોની જેમ પાકિસ્તાનના નૌકાદળને કેવી રીતે નાકામ બનાવવું તેનું આયોજન દિવસો પહેલાં ઘડાઇ ચૂક્યું હતું. અગાઉં ચીન (૧૯૬૨) અને પાકિસ્તાન (૧૯૬૫) સાથેનાં યુદ્ધમાં ભારતીય નૌકાદળની ભૂમિકા નગણ્ય હોવાથી, ૧૯૭૧માં તેની પાસેથી ઝાઝી અપેક્ષા ન હતી. નૌકાદળના તત્કાલીન વડા એડમિરલ નંદાએ પોતાનાં સંભારણાંમાં નોંઘ્યું છે કે ‘૧૯૭૧માં યુદ્ધની શક્યતાઓ ઘ્યાનમાં રાખીને સૈન્ય અને ગુપ્તચર તંત્રના ટોચના અફસરો સાથે વડાપ્રધાનની મીટિંગ યોજાય, ત્યારે ચર્ચા પૂરી થયા પછી કાંડા ઘડિયાળ તરફ નજર કરીને લગભગ ઉભાં થતાં થતાં ઈંદિરા ગાંધી મને પૂછતાં હતાં,‘તમારે કંઇ કહેવું છે, એડમિરલ?’ આ હતી ભારતીય નૌકાદળની સ્થિતિ.
પાકિસ્તાનનું નૌકાદળ નવી સબમરીનો અને જહાજથી સજ્જ હતું, પણ તેની પાસે નૌકામથક એક જ હતું: કરાચી. તેની પર ધડબડાટી બોલાવવામાં આવે, તો પાકિસ્તાનના નૌકાદળનો ઘરઆંગણે જ ઘડોલાડવો થઇ જાય. એવું ન થાય અને પાકિસ્તાનની નવી સબમરીનો- યુદ્ધજહાજો બહાર ફરતાં થઇ જાય તો મુંબઇ જેવાં દરિયાકાંઠાનાં શહેરો પર સમુદ્રી આક્રમણનું મોટું જોખમ રહે.
એડમિરલ નંદાએ પૂરતો વિચાર કર્યા પછી, યુદ્ધના બે મહિના પહેલાં, ઓક્ટોબર ૧૯૭૧માં વડાપ્રધાન ઈંદિરા ગાંધી સમક્ષ અકલ્પનીય કહેવાય એવો વિચાર રજૂ કર્યો,‘કરાચી પર નૌકાદળના આક્રમણની યોજના સામે રાજકીય દૃષ્ટિએ તમને વાંધો ખરો?
ઈંદિરા ગાંધીએ ચોંકી પડવાને બદલે કહ્યું,‘કેમ આવો સવાલ પૂછવો પડ્યો?’
એડમિરલે ખુલાસો કર્યો,‘લશ્કરી પાસાની જવાબદારી નૌકાદળના વડાની છે, પણ રાજકીય અસરોને ઘ્યાનમાં રાખતા ંવડાપ્રધાન તરફથી મંજૂરી મળવી જરૂરી છે.’
‘વિચારી જોઊં’ કે ‘સલાહકારોને પૂછીને કહીશ’ એવો જવાબ આપવાને બદલે ઈંદિરા ગાંધી થોડી ક્ષણ મૌન રહ્યાં. પછી મૌન તોડીને કહ્યું,‘વેલ એડમિરલ, ઇફ ધેર ઇઝ એ વોર, ધેર ઇઝ એ વોર.’ (યુદ્ધ એટલે યુદ્ધ! એમાં શું થાય ને શું ન થાય, એની ચિંતા કરવાની જરૂર નથી.)
૩ ડિસેમ્બરના રોજ પાકિસ્તાનના હવાઇ આક્રમણને પગલે યુદ્ધ શરૂ થતાં ૪ ડિસેમ્બરની રાતે કરાચી પર હુમલાનો પ્લાન અમલમાં મુકાયો. ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ ના સાંકેતિક નામે ઓળખાતા આ મિશનમાં બે ફ્રિગેટ (કિલ્તાન અને કટચાલ) તથા ત્રણ મિસાઇલ બોટ (નિપાત, નિર્ઘાત અને વીર) ભાગ લેવામાં હતાં. ચોથી મિસાઇલ બોટ અનામત તરીકે સાથે રાખવામાં આવી હતી. દરેક મિસાઇલ બોટ ચાર સ્ટીક્સ પ્રકારનાં મિસાઇલથી સજ્જ હતી. સામાન્ય રીતે તેમનો ઉપયોગ મધદરિરે જહાજો પર હુમલો કરવા માટે થતો હતો. કિનારા પરનાં જહાજો કે બીજાં મથકોના વિનાશ માટે તેમનો ઉપયોગ કરવાનો વિચાર એડમિરલ નંદાને સ્ફુર્યો.
સ્ટીક્સ મિસાઇલ ધાતુની વસ્તુઓને ઓળખીને તેમની પર ત્રાટકતાં હતાં. એટલે બઘું બરાબર પાર ઉતરે તો, નિશાન તરીકે પાકિસ્તાની યુદ્ધજહાજો ઉપરાંત કરાચીના કિનારે એકાદ માઇલના વિસ્તારમાં પથરાયેલી ક્રુડ ઓઇલની ટાંકીઓનો પણ વારો ચડી જાય એમ હતો. મહત્ત્વનો સવાલ એક જ હતોઃ બઘું બરાબર પાર ઉતરે તો.
મર્યાદિત બળતણ અને એવી જ સંહારશક્તિ ધરાવતા કાફલાથી છેક શત્રુના ઘરમાં જઇને તેનો ખાતમો બોલાવવાનું સાહસ ભારતીય નૌકાદળે આ પહેલાં કદી કર્યું ન હતું. ભારત આવું વિચારી શકે, એ પણ પાકિસ્તાનની કલ્પના બહારની વાત હતી. આખા હુમલામાં આશ્ચર્યનું તત્ત્વ સૌથી મહત્ત્વનું હતું અને એ છેવટ સુધી જળવાઇ રહ્યું. પાકિસ્તાની સૈન્ય કંઇ સમજી શકે ત્યાં સુધીમાં ભારતીય મિસાઇલોએ કરાચીના બારામાં લાંગરેલાં ડીસ્ટ્રોયર ‘ખૈબર’, માઇન સ્વીપર (દરિયાઇ સુરંગો દુર કરનાર) ‘મુહાફિઝ’ અને અમેરિકા તરફથી દારૂગોળો લઇને આવેલા વેપારી જહાજ ‘વેનસ ચેલેન્જર’ને ડૂબાડી દીધાં. કરાચીના જમીની વિસ્તાર પર થયેલા મિસાઇલ હુમલા અંગે મતમતાંતર પ્રવર્તે છે, પણ નૌકાદળના આ કમાન્ડો ઓપરેશનથી પાકિસ્તાન હતપ્રભ થઇ ગયું એ નિર્વિવાદ હકીકત છે. બીજા વિશ્વયુદ્ધ પછી નૌકાદળના સૌથી મોટા અને સાહસપૂર્ણ ઓપરેશન તરીકે ગણાતા ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ની યાદગીરીમાં ૪ ડિસેમ્બરને ‘નેવી ડે’ જાહેર કરવામાં આવ્યો.
૩૭ વર્ષ પહેલાંનો આ ઘટનાક્રમ યાદ કરવાનો મતલબ એવો હરગીઝ નથી કે ઈંદિરા ગાંધી કોંગ્રેસી હતાં ને અત્યારની કોંગ્રેસ એમની વારસદાર છે. હકીકતમાં, ઈંદિરા ગાંધી પોતે પોતાનો વારસો નિભાવી શક્યાં ન હતાં. રેકોર્ડ ખાતર એ પણ યાદ રહે કે ‘કોંગ્રેસે જ દેશની આ હાલત કરી છે’ એવું કહેનાર ભાજપ અને એનડીએના રાજમાં દેશની સંસદ પર ત્રાસવાદી હુમલા થયા અને કારગીલમાં પાકિસ્તાને ધૂસણખોરી કરી હતી. છતાં, એનડીએ સરકાર કોઇ પ્રકારની નિર્ણયાત્મક કાર્યવાહી કરી શકી ન હતી. કારગીલ યુદ્ધમાં સૈનિકો બહાદુરીથી લડ્યા, પણ પાકિસ્તાની ધૂસણખોરી વિશે સરકાર છેવટ સુધી અંધારામાં રહી એ ન ભૂલી શકાય એવો મુદ્દો હતો.
૧૯૭૧ના ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’નો સાર એટલો જ કે રાજકારણમાં હાકોટા પાડવાથી કે આત્મઘાતી ઝનૂનથી કામ ચાલતું નથી. રાજકીય ઇચ્છાશક્તિ અને શસ્ત્રબળ ઉપરાંત આંતરરાષ્ટ્રિય કૂટનીતિમાં નિપુણતા, ચુસ્ત નેટવર્ક, સ્પષ્ટ નિર્ણયશક્તિ અને ઠંડી તાકાતની જરૂર પડે છે, જે એસઇઝેડ- સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન-માં બનાવી શકાતાં નથી, જીડીપીથી સિદ્ધ કરી શકાતાં નથી કે ‘ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ’ થકી હાંસલ કરી શકાતાં નથી.
નોંધઃ ૧૯૭૧ના યુદ્ધની વિગતરવાર કથા માટે નગેન્દ્રવિજય લિખિત ‘યુદ્ધ-૭૧’ વાંચવું રહ્યું
આમ તો, નગેન્દ્ર વિજયે અત્યાર સુધીમાં લખેલો (અને પછી ‘પુષ્કર્ણા પબ્લિકેશન’ હેઠળ છપાયેલો) એકે એક શબ્દ એકથી વધુ વખત વાંચ્યો છે. અમે જુનાગઢમાં રહેતાં ત્યારે એક દિવસ ‘સફારી’ વાંચતા વાંચતા ખબર પડી કે ‘સફારી’વાળાઓએ ‘યુદ્ધ ૭૧’ નામનું એક સામયિક જેવું પુસ્તક બહાર પાડ્યું છે. ઘરમાં એક સાયકલ હતી (ગાડી હતી જે મને આવડતી નહીં!) એ લઇને હું અને મારો સફારીપ્રેમી મિત્ર દિવ્યેશ વ્યાસ ફ્રિ થયો એટલે ઉપડ્યા એક જુના બુક સ્ટોરે. જુનાગઢના ‘વણઝારી ચોક’ વિસ્તારમાં આવેલો એ ‘નિલેશ બુકસ્ટોર’ વાળો ભાઈ જુના પુસ્તકોસામયિકોનો અચ્છો સંગ્રાહક હતો (આજે પણ છે). તેની પાસે તો યુદ્ધ૭૧ની નકલ હતી પણ તેણે તેના ૨૦ રૂપિયા કહ્યાં. એ વખતે મારો જીવ ન ચાલ્યો, કેમ કે એ રકમ મોટી હતી અને હું કમાતો પણ ન હતો (૨૦૦૨૦૩ની વાત છે). પણ યુદ્ધ સાહિત્ય વાંચવાનું બહુ ગમે. થોડા સમય બાદ સફારીના કોઈ અંકમાં એક યુદ્ધ કથા વાંચી. ફરીથી યુદ્ધ ૭૧ લેવા ગયો અને આખરે એક જુની નકલનો રૂપિયા ૧૫ માં સોદો કયો. ઘરે લઈ આવી ચોપડીને બરાબર બાઈન્ડ કરી. દોરાથી ટાંકા લીધા અને પ્લાસ્ટીકનું પૂંઠું પણ ચડાવ્યું (જે આજેય છે). લગભગ પાંચેક વાર એ યુદ્ધ૭૧ વાંચી ગયો છું. ગુજરાતી સાહિત્યમાં યુદ્ધ વિશે તેનાથી ઉત્તમ કોઈ પુસ્તક લખાયું હોવાનું મારી જાણમાં નથી.
ReplyDeleteત્માંરજેવુંજ મારું છે ભાઈ યુદ્ધ૭૧ આ સદેશ ની બુધવારની અર્ધસાપ્તાહિક એકત્ર કરી હતી આજેય છે
ReplyDelete👍
ReplyDelete