કેટલાક પ્રસંગો એવા હોય છે, જ્યારે ગમે તેટલા સંવેદનાપૂર્ણ, સમજણભર્યા શબ્દો પણ ઠાલા લાગે. એવા શબ્દોથી વ્યવહાર તો નભી જાય, પણ બોલનાર અને સાંભળનાર, લખનાર અને વાંચનાર બન્નેને ખબર હોય કે મનનો ઉદ્વેગ સમયનો પોપડો વળ્યા વિના શમે એમ નથી. મુંબઇનો આતંકવાદી હુમલો એવો પ્રસંગ છે.
મુંબઇના હુમલાની તમામ ભયાનકતા, ભારે જાનહાનિ અને આયોજનબદ્ધ આતંકના પૂરેપૂરા શોક સાથે એ ન ભૂલવું કે દિલ્હીમાં સંસદ પર થયેલો હુમલો પ્રતીકાત્મક રીતે વધારે ગંભીર હતો. કેમ કે, તે હુમલો ઓછામાં ઓછી સલામતી ધરાવતાં છત્રપતિ શિવાજી ટર્મિનસ જેવા જાહેર સ્થળો પર નહીં, પણ રાષ્ટ્રની સૌથી મહત્ત્વની બંધારણીય સંસ્થાના મકાન પર થયો હતો. વીઆઇપીઓની સુરક્ષા પાછળ જ્યાં વર્ષેદહાડે કરોડો રૂપિયા ખર્ચાય છે, એવા દેશના પાટનગરમાં એ હુમલો યોજી શકાયો હતો. આનાથી વઘુ બુલંદ, કાન ફાડી નાખે એવો, ‘વેક અપ કોલ’ (સૂતેલાને જગાડવા માટેનો પોકાર) કયો હોઇ શકે? અફસોસની વાત એ છે કે કળ વળ્યા પછી આ પ્રસંગોમાંથી બોધપાઠ લેવાતા નથી. બઘું પૂર્વવત્ થઇ જાય છે.
ત્રાસવાદી હુમલો લાંબા સમયથી ચાલતા એક સિલસિલાની લેટેસ્ટ કડી છે, જે આખરી હોવાનો આશાવાદ રાખી શકાય એમ નથી. હુમલાનાં માપ બદલાયાં છે, પણ તેના વિશેના રાજકીય પ્રતિભાવોમાં કોઇ ફરક પડ્યો નથી. ચૂંટણીઓ માથે છે ત્યારે રાજકીય પક્ષો ત્રાસવાદની આગ પર પોતાના રોટલા ન શેકે એવી આશા પણ નથી. હજુ તો કમાન્ડો ઓપરેશન પૂરૂં પણ ન થયું હોય ત્યારે અડવાણી કહી શકે છે, ‘રાજ્યના ગુપ્તચર તંત્રનું ઘ્યાન કથિત હિંદુ આતંકવાદ પાછળ કેન્દ્રિત હોવાથી ત્રાસવાદીઓ મુંબઇ પર હુમલાનો પ્લાન સફળતાપૂર્વક પાર પાડી શક્યા.’ આ ભાઇ આપણા વડાપ્રધાન થવા માગે છે. પ્રજા માટે જાણે એક કમનસીબીનો વિકલ્પ બીજી કમનસીબી જ છે.
ઘરઆંગણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં ન લઇ શકેલા ગુજરાતના મુખ્ય મંત્રીને અત્યારે બીજાને સલાહો આપતા, વટ પાડવા મુંબઇ દોડી જતા અને ટીવી ચેનલો સામે ‘ભારત’ને ધરાર ‘હિંદુસ્તાન’ તરીકે ઉલ્લેખતા જોઇને ખૂણેખાંચરે રહેલો આશાવાદ પણ ઉડી જાય છે.
સંવેદનને બધિર બનાવતું રાજકીય પ્રદૂષણ
રોજેરોજની પેટિયું રળવાની ઝંઝટમાં મોટા ભાગના લોકો પાસે સમાજ કે દેશ વિશે વિચારવા જેટલાં સમય કે સ્વસ્થતા હોતાં નથી. પરિણામે, જાહેર જીવનને લગતા નાના-મોટા તમામ મુદ્દાને લગતી સઘળી જવાબદારી આપોઆપ પ્રસાર માઘ્યમો અને રાજકીય પક્ષો પર આવી પડે છે. આ બન્ને ધંધાદારીઓની નિષ્ફળતા હવે જાણીતી અને ચર્ચાથી પર છે. સામાજિક સૌહાર્દ અને સદ્ભાવનાની જાળવણી બન્નેમાંથી કોઇનું લક્ષ્ય નથી. સમાજ અને દેશને ખોખલો કરતી, તેમને નબળો પાડતી દરેક દુર્ઘટના આ બન્ને માટે ધંધો વધારવાનો મોકો બને છે. તેનો પૂરેપૂરો લાભ કોમવાદ અને ઉશ્કેરણીનું રાજકારણ ખેલતા રાજકીય પક્ષો ઉઠાવે છે.
વાંક ફક્ત નેતાઓનો નથી અને પ્રજાના મનમાં પણ કોમવાદનું ઝેર વ્યાપેલું છે એ ખરૂં, પરંતુ એ ઝેરને સક્રિય અને સ્થાયી કરનારા ઉદ્દીપક તરીકે રાજકીય પક્ષો તથા નેતાઓ ભયાનક ભૂમિકા ભજવે છે. ઝેરીલા પ્રચાર દ્વારા તે અસલામતી, પૂર્વગ્રહો અને કોમી દ્વેષ જેવી, સામાન્ય માણસોના મનમાં એકંદરે માપમાં રહેલી લાગણીઓને ટકોરા મારે છે અને તેને વકરાવે છે. વઘુ ને વઘુ ટુકડામાં વહેંચાઇ રહેલા સમાજને સાંધવાની કોશિશ તો બાજુ પર રહી, રાજકીય પક્ષોએ તેના વઘુ ને વઘુ ટુકડા પાડવાનું જ કામ કર્યું છે - કોઇએ હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે, તો કોઇએ લધુમતીના હિતરક્ષણના બહાને. કોઇએ પ્રાદેશિક લાગણીઓ ભડકાવીને, તો કોઇએ જ્ઞાતિવાદનું રાજકારણ ખેલીને.
- અને કામ હજુ ચાલુ જ છે.
દેશમાં ફેલાયેલા રાજકીય પ્રદૂષણની સરખામણી માટે વટવા-નંદેસરી-વાપી-અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં સાંજે જોવા મળતું ઝેરીલું ઘુમ્મસ યાદ આવે છે. જુદાં જુદાં કારખાનાંની જાતજાતની દુર્ગંધોના મિશ્રણથી ગુંગળાવી નાખે એવું અસહ્ય વાતાવરણ સર્જાય છે. આપણે સૌ ભારતીયો ઘણા સમયથી આવા હાનિકારક રાજકીય-સામાજિક વાતાવરણમાં જીવીએ છીએ. તેમાં તાજી હવા માટેનાં ઠેકાણાં રહ્યાં નથી. નવાં ‘કારખાનાં’ એમ જ માને છે કે નફો કરવો હોય તો પ્રદૂષણની પરવા ન કરવી. લોકોનું જે થવાનું હોય તે થાય.
આવી સ્થિતિમાં લાંબા સમયથી રહેવાને કારણે પ્રજાનું સંવેદનતંત્ર બધિર બની ગયું છે. યાદદાસ્ત ગુમાવ્યા પછી ચકળવકળ આંખે જોયા કરતા અને વચ્ચે વીજળીના આંચકા અપાયે ત્યારે ક્ષણ-બે ક્ષણ માટે યાદદાસ્ત પાછી મેળવતા દર્દી જેવી આપણી સ્થિતિ થઇ છે.
યાદશક્તિની સમસ્યા
આપણી યાદદાસ્ત-સંવેદના-સમજણ થોડા સમય પૂરતી પણ પાછી લાવવાની કિંમત બહુ આકરી હોય છે. ત્રાસવાદીઓ મુંબઇ-દિલ્હી પર હુમલા કરે ત્યારે જ આપણને યાદ આવે છે કે આપણે સૌ છેવટે- હા, છેવટે જ- ભારતીય છીએ. બાકી, હું મરાઠી ને તું બિહારી, હું દક્ષિણનો ને તું હિંદીભાષી, હું બહુમતિ ને તું લઘુમતિ, હું ક્રોસ ને તું ત્રિશૂળ, આપણે હિંદુસ્તાની, પેલા પાકિસ્તાની...આ બધામાં ભારતીય? એ વળી કઇ બલાનું નામ છે? અમને તો એમ કે, ભારતીય ફક્ત એમને જ કહેવાય, જે વર્ષો પહેલાં ભારત છોડીને અમેરિકાના નાગરિક થઇ ચૂક્યા હોય અને ઓબામાની ટીમમાં જેમનો સમાવેશ થાય અથવા ‘નાસા’ અવકાશયાત્રી તરીકે જેમની પસંદગી કરે.
સંકુચિત ઓળખનાં સઘળાં આવરણ ત્રાસવાદીઓના ઘાતકી હુમલાથી ઘડીભર છિન્નભિન્ન થઇ જાય છે, પણ એ આવરણો રાવણનાં માથાં જેવાં છે. હમણાં છેદાયાં ને હમણાં નવાં તૈયાર. એમાં વાર કેટલી?
ભારતીય હોવાનો અહેસાસ કરવા માટે આપણે પાકિસ્તાની ત્રાસવાદીઓની જરૂર પડે છે, એવી જ રીતે પ્રામાણિક અફસરોના મૃત્યુથી જ તેમની કાર્યક્ષમતાનો અહેસાસ અચાનક જાગી ઉઠે છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના વડા હેમંત કરકરેની વાત છે. ત્રાસવાદી હુમલાના પગલે અડવાણી-મોદી જેવા નેતાઓ સરકાર અને જાસુસી તંત્ર-પોલીસ તંત્ર પાસેથી લાંબીપહોળી અપેક્ષાઓ રાખે છે અને એ પૂરી ન કરવા બદલ સરકારના માથે માછલાં ઘુએ છે. પરંતુ એ જ તંત્રના એક અફસર હેમંત કરકરે માલેગાંવ વિસ્ફોટમાં હિંદુ અંતિમવાદીઓની સંડોવણી વિશે નક્કર તપાસ કરતા હતા, ત્યારે ભાજપી-સંઘી મંડળીએ કાગારોળ મચાવી મુકી હતી. કરકરેની બેદાગ કારકિર્દીની ધરાર અવગણના કરીને તેમની પર હિંદુઓની પાછળ પડી ગયા હોવાના આરોપ આ જ મંડળીએ મુક્યા હતા, જે હવે કરકરેની શહાદતનાં વખાણ કરતાં થાકતી નથી. કરકરે ત્રાસવાદીઓની ગોળીથી મૃત્યુ પામ્યા (કેટલાકને એ વિશે શંકા છે, પણ એ રાજકીય મુદ્દો છે), ત્યાર પછી ભાજપ-સંઘ સહિત હિંદુત્વનાં સંગઠનોને તેમની મહાનતા યાદ આવી છે અને એ પણ થોડા સમય માટે.
આપણે શું કરી શકીએ?
ત્રાસવાદનો સામનો બે સ્તરે થાય છેઃ રાજનૈતિક સ્તરે અને સામાજિક સ્તરે. રાજનૈતિક ક્ષેત્રનું આપણે નાહી નાખવાનું છે. કેમ કે, કોંગ્રેસ નબળી છે અને હિંદુત્વના સ્ટીરોઇડથી બાવડાં ફુલાવીને મતદાતાઓને આકર્ષવા નીકળેલા ભાજપમાં પણ દમ નથી. કોઇ પક્ષ પાસે રાષ્ટ્રિય સુરક્ષા માટેની નીતિ તો ઠીક, એ માટેની નૈતિક દૃઢતા અને રાજકીય ઇચ્છાશક્તિ હોય એવું પણ જણાતું નથી. કોંગ્રેસની દુકાન જાણે રાહુલ ગાંધીને ગાદીએ બેસાડવા માટે જ હજુ સુધી ચાલુ રાખી હોય એ રીતે ચાલે છે અને ભાજપ ગમે તેટલી વિકાસવાર્તા અને રાષ્ટ્રવાદની વાતો કરે, પણ તેના મૂળભૂત કોમી દ્વેષના અને સામાજિક અશાંતિ થકી સત્તા હાંસલ કરવાના સંસ્કાર ઢાંક્યા ઢંકાતા નથી. બીજા બધા પક્ષો પણ પોતપોતાના સંકુચિત લક્ષ્યને અનુરૂપ સગવડ પડે એમ વિચારધારાઓ તોડીમરોડી કે બદલી રહ્યા છે. એમાંથી કોઇને ત્રાસવાદનો સામનો કરવા જેવા ગંભીર અને અખંડ નિષ્ઠા માગી લેતા કામમાં રસ હોય કે એ કામ માટે તેમની ત્રેવડ હોય એવું લાગતું નથી.
એ સ્થિતિમાં પ્રજા તરીકે આપણે સમાજમાં સામાન્ય પરિસ્થિતિ જળવાઇ રહે એનું ઘ્યાન રાખવાનું છે. એ આપણા હાથમાં છે અને આપણે ઇચ્છીએ તો જરૂર કરી શકીએ. ખુલ્લેઆમ કટ્ટરતા દેખાડનારાં તત્ત્વો બધા પક્ષોમાં થોડાં જ હોય છે. બાકીના લોકોનું મૌન એ લોકોની મોટી તાકાત બને છે. રાજકીય પક્ષોએ કે ધર્માંધ કટ્ટરતાવાદીઓએ પ્રેરેલા ધિક્કારને અપનાવી લઇને આપણે એમના જેવા જ બની જઇએ છીએ. હિંદુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી તરીકેની આપણી ઓળખ ગુમાવ્યા વિના ભારતીય તરીકે શાંતિથી એકબીજા સાથે રહેવાનું શક્ય છે. મોટા ભાગના વિસ્તારોમાં વર્ષો સુધી લોકો એ રીતે રહ્યા છે ને ઘણી જગ્યાએ હજુ પણ રહે છે.
‘મુસલમાન એટલે આક્રમણખોર’ અને ‘હિંદુ એટલે કાફર’ એવો ઇતિહાસ ગોખાવનારા અને સંસ્કૃતિના નામે સગવડીયો અપમાનબોધ સતત યાદ કરાવનારાને જાકારો આપવાનું આપણા હાથમાં છે. એના માટે લાંબા-પહોળા અભ્યાસો કરવાની કે રાજકારણમાં ઉંડા ઉતરવાની જરૂર નથી. એક જ સવાલનો જવાબ આપવાનો છેઃ ‘એકબીજા સાથે શાંતિથી રહીને મુશ્કેલીઓનો સામનો કરવો છે? કે રાજકીય પક્ષોના રવાડે ચડીને જેટલી શાંતિ છે એટલી પણ ગુમાવવી છે?’
એકબીજા સાથે શાંતિથી રહેવાનો વિકલ્પ પસંદ કર્યા પછી તત્કાળ ત્રાસવાદી હુમલા બંધ નહીં થઇ જાય. પણ સમાજમાં પરસ્પર અવિશ્વાસનું વાતાવરણ ઓગળશે, હિંસા અને ત્રાસવાદને કોમને બદલે કાયદો-વ્યવસ્થાની સમસ્યા તરીકે જોવાશે, છેવટનું નુકસાન પ્રજાને થાય છે એ અહેસાસ તીવ્ર બનશે, હિંસાની દરેક ઘટનાને હિંદુ ત્રાસવાદ કે મુસ્લિમ ત્રાસવાદ જેવાં લેબલ આપનારા નેતાઓની બદદાનતનો સાચો પરિચય થશે...
- અને પ્રજા બદલાશે તો લાંબા ગાળે નેતાઓને પણ બદલાવું પડશે. કારણ કે તેમને મત આ પ્રજા પાસેથી જ લેવાના છે. આ રસ્તો લાંબો લાગે છે? પણ પ્રજા પાસે એ જ એકમાત્ર રસ્તો છે.
શાસકો ઈંટના જવાબ પથ્થરથી આપે ને પ્રજા બેફિકર થઇને ધૂમેફરે એવું ઇઝરાઇલ કે અમેરિકામાં પણ નથી બન્યું. અમેરિકામાં ૯/૧૧ પછી એકેય ત્રાસવાદી હુમલો ભલે ન થયો, પણ હુમલાની એલર્ટ કેટલી વાર જાહેર થાય છે અને પ્રજાની નસો તંગ થઇ જાય છે, એ ભૂલવા જેવું નથી. અઢળક સંપત્તિ અને ઓછી વસ્તી ધરાવતા દેશોમાં જે શક્ય નથી બન્યું, તે ભારતમાં સંભવ બનશે એવું માનનાર આશાવાદી અને શેખચલ્લી વચ્ચે થોડા દોરાનો જ ફરક રહે છે.
... આ રસ્તો લાંબો લાગે છે? પણ પ્રજા પાસે એ જ એકમાત્ર રસ્તો છે.તમારો આક્રોશથી સભર અને કૈક દૂર એક આશાનું કિરણ દર્શાવતો સુંદર લેખ વાંચ્યો.ખૂબ ખૂબ અભિનંદન!
ReplyDeleteવધુમાં આ સંદર્ભમાં મેં પણ એક પોસ્ટ મારા બ્લૉગ ઉપર મૂકી હતી. કદાચ તમને રસ પડે.
આભાર.
શીર્ષક છે.
'મીડિયા, મુંબઈમાં આતંકી હુમલો, ‘વેન્ડસ-ડે’ અને ‘કોમન મેન’ (
http://kcpatel.wordpress.com/2008/11/30/305/ )
કમલેશ પટેલના
પ્રણામ
http://kcpatel.wordpress.com/
(શબ્દસ્પર્શ)