(પત્રકારત્વમાં માંડ દોઢેક વર્ષના અનુભવ પછી, ‘સંદેશ’માં સ્પેશ્યલ કોરસ્પોન્ડન્ટ તરીકે કામ કરતો હતો, ત્યારે આદિલ મન્સુરી અમદાવાદ આવ્યા. ‘ધરતી કો આકાશ પુકારે’ ફેઇમ અમીન કુરેશીએ આદિલનો ઇન્ટરવ્યુ કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી. એવું ગોઠવાયું કે હું આદિલનો ઇન્ટરવ્યુ કરું અને એ વખતે મારી સ્પેશ્યાલિટી ગણાતા પ્રોફાઇલ સ્વરૂપે હું લખું, જે રવિવારની સંસ્કાર પૂર્તિમાં અમીનભાઇની કોલમ ‘ધરતી કો આકાશ પુકારે’માં છપાય. અટપટી જણાતી આ ગોઠવણ પાર પડી અને 16 ફેબ્રુઆરી, 1997ની પૂર્તિમાં આ લેખ છપાયો. એ વાતને 11 વર્ષ વીતી ગયાં છે તે માનવાનું મન થતું નથી. કોઇ જાતના ફેરફાર વિના, ફક્ત ફરી ટાઇપ કરીને એ લેખ અહીં આદિલને અંજલિ તરીકે મુકું છું.)
(આગલી પોસ્ટમાં બે સુધારાઃવાર્તાકાર મિત્ર અને ગુજરાતની સાહિત્ય અકાદમીના મહામાત્ર કિરીટ દૂધાતે ઘ્યાન દોર્યું છે કે આદિલ જેમને ફક્ત રેપર મોકલતા હતા, એ સાક્ષર ઉમાશંકર નહીં, પણ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. બીજી વધારે મોટી સરતચૂક એ થઇ કે વાઇસ ચાન્સેલરવાળું તોફાન, આદિલ કરી શકે એમ હોવા છતાં, એ તેમનું નથી. એ વિનોદ જાનીનું છે. બન્ને સરતચૂકો સુધારીને વાંચવા વિનંતી. )
****
જેમ્સ બોન્ડ 007 ગઝલ લખતો હતો એવું કોઇ કહે તો કદાચ માની શકાય, પણ ફરીદમહંમદ ‘આદિલ’ મન્સુરી જાસૂસ હોય એ વાત કેવી રીતે ગળે ઉતરે? સામાન્ય માણસ સુદ્ધાં ટેબલ પર મુઠ્ઠી પછાડીને આ શક્યતા ઇન્કારી કાઢે, પરંતુ પાકિસ્તાની એલચી કચેરી ‘સામાન્ય માણસ’ ન હતી. આજથી પચીસેક વર્ષ પહેલાં આદિલે પાકિસ્તાનનો વીસા માગ્યો એટલે એલચી કચેરીએ ધડ દઇને લવિંગીયો જવાબ આપ્યો,’તમે પાકિસ્તાનમાં ભારતના જાસૂસ તરીકે ઘૂસવા માગો છો. તમને વીસા નહીં મળે.’
જેમ્સ બોન્ડ 007 ગઝલ લખતો હતો એવું કોઇ કહે તો કદાચ માની શકાય, પણ ફરીદમહંમદ ‘આદિલ’ મન્સુરી જાસૂસ હોય એ વાત કેવી રીતે ગળે ઉતરે? સામાન્ય માણસ સુદ્ધાં ટેબલ પર મુઠ્ઠી પછાડીને આ શક્યતા ઇન્કારી કાઢે, પરંતુ પાકિસ્તાની એલચી કચેરી ‘સામાન્ય માણસ’ ન હતી. આજથી પચીસેક વર્ષ પહેલાં આદિલે પાકિસ્તાનનો વીસા માગ્યો એટલે એલચી કચેરીએ ધડ દઇને લવિંગીયો જવાબ આપ્યો,’તમે પાકિસ્તાનમાં ભારતના જાસૂસ તરીકે ઘૂસવા માગો છો. તમને વીસા નહીં મળે.’
રસિકજનોની દાદ અને વધુમાં વધુ પોતાની ટીકા સાંભળવા ટેવાયેલા આદિલને આવું સાંભળીને આંચકો લાગ્યો. (પાછળથી આદિલે ‘કબૂલાત’ શીર્ષક હેઠળ એક કાવ્ય લખ્યું, જેની પંક્તિઓ હતીઃ હા/કબૂલ્યું/ગુપ્તચર છું/નામ બદલી/મૌનનાં કાળાં રહસ્યો પામવા/ભટકું અહીં/હું છદ્મવેશે...)
આદિલ એ સમયે કવિ તરીકે પ્રસિદ્ધ થઇ ચૂક્યા હતા. પરંતુ પાકિસ્તાની અધિકારીઓ આદિલની પેનને બદલે તેમનો પાસપોર્ટ જોઇને પોતાની વાતને વળગી રહ્યા,’જે પાકિસ્તાની પાસપોર્ટ અત્યાર સુધી ધૂળ ખાતો હતો એને તમારે સત્તર વર્ષ પછી કેમ રીન્યૂ કરાવવાની જરૂર પડી? નક્કી તમે...’
ગઝલના એક મિસરા જેવડી આ શંકાનો આદિલ પાસે ખંડકાવ્ય જેટલો લાંબો જવાબ હતો. અમદાવાદમાં વેપાર કરતા આદિલના પિતા એક મિત્રની સાથે 1948માં પાકિસ્તાન ગયા હતા. એમનો હેતુ એક ચક્કર મારીને પાકિસ્તાનમાં ધંધાપાણીની હાલત તપાસવાનો હતો. એ અરસામાં ભાગલાનું આભ ભાટ્યા પછી થીંગડા મારવાની કોશિશરૂપે ખાલી પડેલાં ઘર, દુકાનો અને વેપારધંધાની ફાળવણી ચાલતી હતી. ત્યાં સસ્તામાં એક ધંધો મળતાં આદિલના પિતાએ તક ઝડપી લીધી અને કરાચીમાં પોતાનું ઠેકાણું ઊભું કરી પરિવારને લેવા આવ્યા. પાંચ પુત્રો અને પાંચ પુત્રીના વિશાળ કુટુંબવડને મૂળસોતો ઉખેડીને પાકિસ્તાન જવા માટે આદિલનાં અમ્મા બિલકુલ રાજી ન હતાં, પરંતુ ત્રીજા ધોરણમાં ભણતા આદિલ (અસલ નામ ફરીદ મહંમદ) પિતા જોડે કરાચી જવા તૈયાર થઇ ગયા. આદિલ કરાચી પહોંચ્યાના થોડા સમય પછી, એમની પછવાડે ખેંચાઇને આખું કુટુંબ કરાચી ભેગું થઇ ગયું.
કરાચીમાં સ્કૂલકાળ દરમિયાન મુશાયરાનું ઘણું ચલણ હતું. સ્કૂલમાં દર વર્ષે મુશાયરો યોજાતો અને શહેરમાં છૂટક મુશાયરા તો ખરા જ. મંચ પર પ્રથમ દરજ્જાના શાયર બન્યા એના વર્ષો પહેલાં કરાચીકાળમાં આદિલ પ્રથમ પંક્તિના શ્રોતા હતા, આવા એક મુશાયરામાં, શેરવાની-પાયજામો, લાંબાં શાયરાના જુલ્ફાં અને ગલોફામાં બે પાન દબાવીને તરન્નુમમાં ગઝલ સંભળાવતા ‘જિગર’ મુરાદાબાદીને સાંભળીને આદિલ અભિભૂત થઇ ગયા. જિગરની અદાથી અને છટાથી અંજાયેલા આદિલને થયું કે આપણે પણ આવું કંઇક કરવું જોઇએ. કેટલીક વાર એવું બનતું કે મંચ પરથી શાયર એકની એક કડી ત્રણ-ચાર વાર સંભળાવતા હોય, ત્યાં સામે પહેલી હરોળમાં બેઠેલા આદિલ સ્વયંસ્ફૂરણાથી બીજી પંક્તિ બોલીને ગઝલનો શેર પૂરો કરી નાખે. ‘ત્યારે મેં લખવાનું શરૂ કર્યું ન હતું.’ આદિલ કહે છે,’પણ એવું લાગવા માંડ્યું હતું કે, આપણામાં આ બધા (શાયરીના) જંતુઓ વિકસી ગયાં છે.’
ફરીદ (આદિલનું મૂળ નામ)ના મનપાતાળમાં કવિતાનો લાવા ખદબદતો હતો, ત્યારે ફરીદને પિતાના એક મિત્રના પુત્ર સાથે દોસ્તી થઇ. આદિલ નામધારી એ દોસ્ત ગઝલો પણ લખતો હતો. કવિ બનવાની પૂર્વતૈયારી રૂપે તખલ્લુસ શોધી રહેલા ફરીદને ‘આદિલ’ (ન્યાયાધીશ) નામ જચી ગયું. પચાસના દાયકામાં એ નામ નવું અને જલદીથી અલગ તરી આવે એવું હતું. આમ, ફરીદે ‘આદિલ’ના ખોળીયામાં નવો અવતાર ધારણ કર્યો. (પોતાના તખલ્લુસ અંગે આદિલનો શેરઃ ‘સુસ્ત, નિકમ્મે, આવારા, બેકાર, તરંગી કાહિલ/ખુદ કા ન્યાય તો કર નહીં સકતે, નામ રખા હૈ આદિલ)
એવી એક વ્યાપક માન્યતા છે કે આદિલના મિત્ર-ગઝલકાર ચીનુ મોદીએ આદિલને ઉર્દુમાંથી ગુજરાતીમાં લખતા કર્યા. હકીકતમાં આદિલે પોતાના લેખનની શરૂઆતા જ ગુજરાતી ગઝલોથી કરી હતી. 1953માં આદિલની પહેલી ગુજરાતી ગઝલ કરાચીના ‘શબનમ’ સાપ્તાહિકમાં છપાઇ હતી. શરૂઆતમાં આદિલે ગઝલોને ગંભીરતાથી લીધી ન હતી, પણ ગઝલો છપાતી થઇ એટલે ‘આપણને આવડી ગયું છે એવો લોકોને ભ્રમ થઇ રહ્યો છે એવું લાગ્યું’ અને આદિલ છુટ્ટા હાથે ગઝલો લખવા માંડ્યા.
આદિલની કલમની જેમ મન્સુરી પરિવારનું જીવન પણ લયબદ્ધ રીતે વહી રહ્યું હતું. અચાનક, 1955માં આદિલના પિતા બીમાર પડ્યા. વટવૃક્ષનું થડ સહેજ ધ્રુજ્યું એટલે સઘળાં ડાળીડાળખાં કંપી ઉઠ્યાં. ગમે તેમ તો પણ પાકિસ્તાન પરપ્રાંત હતો. પોતાનાં કહી શકાય એવાં સગાં માઇલો દૂર અમદાવાદમાં હતાં. બધું વિચારીને છેવટે પાકિસ્તાન છોડી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો. સાત વર્ષમાં ધંધામાં ઠીકઠીક સરખાઇ આવી હતી, પરંતુ તરત કરાચી છોડી દેવાના નિર્ણયને કારણે ખોટ ખાઇને પણ જેટલું થાય એટલું મન્સુરી પરિવારે અંકે કરી લીધું. કરાચીમાં એક ઘર એલોટ થવાની તૈયારી હતી, પણ ત્યારે તો અમદાવાદભેગા થવા સિવાય બીજો કોઇ ખ્યાલ મનમાં ન હતો.
કમનસીબે, ‘એક વખત અમદાવાદ પહોંચ્યા પછી બધું ઠીક થઇ જશે’ એવી માન્યતા, સસ્તી ગઝલને મળતી દાદ જેવી અલ્પજીવી નીકળી. સાત વર્ષના પાકિસ્તાનનિવાસ પછી પછી માતૃભૂમિની ગોદમાં હૂંફ મેળવવા ઇચ્છતા આદિલ સાથે, ભારતના કાયદાએ સાવકી મા જેવી કડકાઇથી કામ લીધું. શાંતિ શાંતિના ઠેકાણે રહી અને મુશાયરાને બદલે કોર્ટની મુદતોનાં ચક્કર ચાલુ થઇ ગયાં.
આદિલને નાગરિકત્વ આપવા બાબતે વર્ષો સુધી કેસ ચાલ્યો. અમદાવાદના ઘણા મિત્રો, પત્રકારો અને રાજકારણીઓ આદિલના પડખે રહ્યા, પણ લાગણીની ધારથી કાયદાનો પથ્થર ન પીગળ્યો તે ન જ પીગળ્યો. સત્તર વર્ષની આ થકવી નાખનારી ભેજામારી પછી કેસ હારી ગયેલા આદિલને ભારત છોડી દેવાનું ફરમાન કરવામાં આવ્યું.
એક તરફ ભારતનો કાયદો આદિલને ધક્કા મારતો હતો, જ્યારે પાકિસ્તાનનો કાયદો દરવાજા ભીડીને બેઠો હતો. હવે? વકીલોએ કહ્યું,’કાયદા પ્રમાણે તમને ભારત-પાકિસ્તાનની સરહદ વચ્ચે આવેલા ‘નો મેન્સ લેન્ડ’ પર છોડી દેવામાં આવશે.’ આવા ત્રિશંકુ અંજામની જેટલી ફિકર હતી, એનાથી વધારે દર્દ સ્વજનો, મિત્રો અને માતૃભૂમિને છોડવાનું હતું. પોતાના પ્રિય નગરને બળજબરીથી છોડવાની વેદના આદિલના મનમાં બરાબર ઘૂંટાયા પછી આંખમાંથી આંસુરૂપે અને કલમમાંથી ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ સ્વરૂપે ફૂટી નીકળી.
મનને શારી નાખે એવા પરિતાપના આ સમયમાં એક મુશાયરા નિમિત્તે આદિલને દિલ્હી જવાનું થયું. ગુજરાતીની માફક ઉર્દુમાં પણ આધુનિકતા અને પ્રયોગશીલતાના કારણે આદિલ ઘણા વિખ્યાત હતા. દિલ્હીના જાણીતા શાયર કુમાર વાસી પણ આદિલની શાયરીના ચાહક હતા. મુશાયરાના પ્રસંગે વાસીને આદિલની કરુણ પરિસ્થિતિની જાણ થઇ. વાસીને ઊંચા રાજદ્વારી સંપર્કો હતા. ગૃહપ્રધાન પણ વાસીના દોસ્ત હતા. એ સંબંધે આદિલને લઇને વાસી સીધા ગૃહપ્રધાન પાસે પહોંચી ગયા અને કહ્યું,’હું મુસ્લિમ બનીને પાકિસ્તાન જઇ રહ્યો છું.’ ગૃહપ્રધાને ‘ક્યા મઝાક હૈ’ના ભાવથી કહ્યું,’તમારે મુસ્લિમ બનવું હોય તો બનો, પણ પાકિસ્તાન જવાની શું જરૂર છે? આટલા મુસ્લિમો ભારતમાં રહે છે તો એક ઓર સહી.’ વાસીએ તરત આ વાત પકડી લીધી અને આક્રમતાથી કહ્યું,’તો પછી આની (આદિલની) પાછળ કેમ બધા પડી ગયા છે?’ અંતે વાસીના આગ્રહને વશ થઇને ગૃહપ્રધાને આદિલને પાંચ વર્ષનો લોંગ ટર્મ વીસા અને છઠ્ઠા વર્ષે નાગરિકત્વ મળી જાય એવી વ્યવસ્થા કરી દીધી.
‘મળે ન મળે’ની અનિશ્ચિતતાનો અંત આવી ગયો. પણ આ ગઝલ આદિલની ઓળખ જેવી બની ગઇ. અમદાવાદ છોડવાની રાતો ગણાતી હતી ત્યારે આંસુના છલકતા જામ સાથે લખાયેલી આ ગઝલ વિશે, બે દાયકા પછી આદિલ કહે છે,’એમાં લાગણીનું પૂર છે, પરંતુ બહુ કવિતાવેડા નથી.’
આજે ખુદ આદિલ અમદાવાદ છોડીને અમેરિકા વસ્યા છે. પરંતુ એમના અમદાવાદપ્રેમની આ ગઝલ સ્કૂલના વિદ્યાર્થીઓથી સાહિત્યરસિકો સુધીના વિશાળ વર્ગમાં એટલી જ લોકપ્રિયતા ધરાવે છે.
ગઝલના ઉપાસક (જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે/નામ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ) આદિલે ગઝલના બજારુ સ્વરૂપને પ્રતિષ્ઠા આપનાર પાકિસ્તાની શાયર ઝફર વિશે એક શેર લખ્યો હતોઃ ‘ગઝલ ભાભી હુઇ આદિલ હમારી/બિઠાયા ઘરમેં જિસ દિનસે ઝફરને.’
ગઝલના ઉપાસક (જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે/નામ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ) આદિલે ગઝલના બજારુ સ્વરૂપને પ્રતિષ્ઠા આપનાર પાકિસ્તાની શાયર ઝફર વિશે એક શેર લખ્યો હતોઃ ‘ગઝલ ભાભી હુઇ આદિલ હમારી/બિઠાયા ઘરમેં જિસ દિનસે ઝફરને.’
હકીકતમાં ગઝલ આદિલ માટે ભાભીથી પણ વિશેષ છે. ધોળી દાઢીમાં સ્મિત પાથરીને આદિલ કહે છે,’તદ્દન નકામી ચીજ ગણાતી કવિતાએ મારું મોટામાં મોટું કામ કરી આપ્યું છે.’ એક સમયે ભારતના ‘સરકારી મહેમાન’ (કેદી) બનતાં રહી ગયેલા આદિલને 1981માં એ જ ભારત સરકારે ‘ડિપ્લોમેટિક પાસપોર્ટ’ આપીને સરકારી મહેમાન તરીકે પાકિસ્તાન મોકલ્યા અને એક સમયે જાકારો આપનાર પાકિસ્તાનની ગલીઓમાં કવિતાના પ્રતાપે આદિલ બેરોકટોક ઠાઠથી ઘૂમ્યા. એટલે જ કદાચ આદિલે લખ્યું હશેઃ
જો ગઝલમંત્ર સિદ્ધ હો આદિલ/તો અનર્થોનાં ભૂત ભાગે છે.
જો ગઝલમંત્ર સિદ્ધ હો આદિલ/તો અનર્થોનાં ભૂત ભાગે છે.
(તસવીર : બિનીત મોદી)
abdhut, adbhut, adbhut!
ReplyDeletee shivay biju kai kai shakay em nathi aa profle vishe.
ગ્રેટ ! ઉર્વિશભાઈ, અગિયાર વર્ષ પહેલાં, પત્રકારત્વના પ્રારંભે તમે આટલો સજ્જ ઈન્ટર્વ્યૂ લઈ શકતા હતા. અનેક "પત્રકારો"ને આ "પરાક્રમ" માટે અગિયાર જન્મ પણ ઓછા પડે છે !
ReplyDeleteTouching tribute to Adil. I remember a couple of months ago, on returning from my evening walk, I found to my surprise a gazal programme on the garba ground in the vicinity of my house! The audience was rather sparse, but heartening because it had come to listen to 'poetry' (something one did not associate with the tastes of the neighbourhood). On reaching home, I vaguely heard the name of Adil being announced, and then he too recited. I now regret not rushing there.
ReplyDeleteGulammohammed Sheikh