‘કોઈ સ્ત્રી ફક્ત નાણાં ખાતર સગર્ભા બનીને જીવનું જોખમ ખેડે, એ નૈતિક રીતે કેટલું યોગ્ય કહેવાય?’ એવો સવાલ સરોગેટ માતૃત્વના સંદર્ભમાં હંમેશાં પુછાય છે. તેનો સો ટકા સંતોષકારક જવાબ હોઈ શકે નહીં, પણ એ સવાલના જવાબમાં પુછાતો પ્રશ્ન છેઃ ‘સંતાન વિના ટળવળતા દંપતીના જીવનમાં કોઈ સ્ત્રી સંતાનનું સુખ આપી શકે, એ નાનીસૂની વાત છે?’
‘કૂખ ભાડે આપવી’ આ શબ્દપ્રયોગ બહુ કુખ્યાત છે. અંગ્રેજી ‘રેન્ટ એ વુમ્બ’નો એ ગુજરાતી અનુવાદ સાંભળીને મનમાં એવા અડ્ડા ટાઇપ ક્લિનિકનું ચિત્ર ઊપસે છે, જ્યાં ગરીબદુખિયારી સ્ત્રીઓને ગોંધી રાખવામાં આવી હોય, કોઈ ખોલી કે દુકાનની જેમ તેમનું ગર્ભાશય ભાડે રાખવામાં આવ્યું હોય, તેમાં ઊછરતા ગર્ભ સાટે માતાપિતા પાસેથી ખંખેરીને રૂપિયા ખંખેરવાના હોય. આખી કામગીરી બંધબારણે, અંધારિયા ખૂણે ધમધમતી હોય. છતાં થોડા લોકો સિવાય બીજા કોઇને શું ચાલી રહ્યું છે તેની હવા પણ ન લાગે.
સનસનાટીના પ્રેમીઓને સખેદ જણાવવાનું કે સરોગેટ માતૃત્વ વિશે તેમની કલ્પના ઉપર જણાવ્યા પ્રમાણેની હોય, તો તેમાં સુધારો કરવાનો સમય પાકી ગયો છે. અત્યાર સુધી ફક્ત વિદેશમાં કે મુંબઈ જેવાં મહાનગરમાં અપવાદ રૂપે જોવા મળતી સરોગેટ માતૃત્વની પ્રથા હવે આણંદ જેવા બી ગ્રેડના શહેરમાં બાઇજ્જત સ્થાપિત થઈ ચૂકી છે. તેની પાછળનું મુખ્ય બળ છે ડૉ. નૈના પટેલ.ડૉ. પટેલના સૌમ્ય ચહેરા પર ‘કૂખ ભાડે આપવી’ એ શબ્દના ઉલ્લેખ માત્રથી ત્રાસની રેખાઓ ઊપસી આવે છે. ‘અમારે ત્યાં થતી સરોગેટ માતૃત્વની પ્રક્રિયા અને તેનાં પરિણામો વિશે જાણ્યા પછી તેના માટે કોઈ આવો શબ્દ વાપરી શકે નહીં.’ ડૉ. પટેલ કહે છે, ‘હું એને ગર્ભદાન કહું છં. કોઈ રક્તદાન કરે છે, તેમ સરોગેટ માતા પોતાના ગર્ભાશયમાં પરાયો ગર્ભ ઉછેરવા દઇને ગર્ભદાન કરે છે.’
‘ગર્ભદાન’માં રૂપિયાનું તત્ત્વ અલબત્ત મહત્ત્વનું છે. ડૉ. નૈના પટેલ માને છે કે આખી કામગીરી વ્યાપારી સોદાને બદલે પરસ્પર લાગણીસભર આપલેના ધોરણે પાર પાડવામાં આવે ત્યારે તેનાં પરિણામ સૌ માટે સુખદ આવે છે. ડૉ. પટેલની માન્યતામાં ઠાલો આદર્શવાદ કે આશાવાદ નથી. તેમના લાગણીસભર અભિગમની અને ‘મારે કશું છપાવવાનું નથી’ એવી ખુલ્લાશની પ્રતીતિ વાતચીત દરમિયાન સતત થતી રહે છે.ડૉ. પટેલ અને તેમના સાથીદારોની સારસંભાળ હેઠળ અત્યારે એકસાથે ૩૮ સરોગેટ માતાઓ ગર્ભ ઉછેરી રહી છે. વિશ્વમાં બીજે ક્યાંય એક છત્ર નીચે આટલી મોટી સંખ્યામાં સરોગેટ માતાઓ સગર્ભા બની હોય એવું સાંભળ્યું નથી. આ રાષ્ટ્રીય વિક્રમ ઉપરાંત વિશ્વવિક્રમ હોય એવી પૂરી શક્યતા છે. તેમના સંપર્કમાં રહેલું ૩૮ સરોગેટ માતાઓનું વૃંદ જેમના ગર્ભ ઊછેરી રહ્યું છે, એવાં દંપતીઓમાં બિનનિવાસી ગુજરાતીઓભારતીયો (એનઆરજીએનઆરઆઈ) ઉપરાંત જર્મન, તાઇવાન, વેસ્ટ ઇન્ડિયન અમેરિકન, આફ્રિકન અમેરિકન જેવા વિદેશીઓ છે છતાં ડૉ. નૈના પટેલનાં વાણીવર્તનમાં ક્યાંય વિક્રમ નોંધાવી દેવાનો અજંપો જણાતો નથી.
એવું તે શું છે સરોગેટ માતૃત્વની પ્રથામાં અને ડૉ. નૈના પટેલના ‘આકાંક્ષા આઇવીએફ સેન્ટર’માં કે બ્રિટનઅમેરિકા, જર્મનીતાઇવાન અને મુંબઈદિલ્હીને બદલે નિઃસંતાન દંપતી ‘મિલ્ક સિટી’ આણંદ સુધી લાંબાં થાય છે?
બ્રિટનમાં લગ્નનાં પ્રમાણપત્રો આપતા ધર્મગુરુ (બિશપ)ના સહાયક માટે ‘સરોગેટ’ શબ્દ વપરાતો. અમેરિકામાં વારસાઈને લગતી બાબતોના ન્યાયાધીશ ‘સરોગેટ’ તરીકે ઓળખાય છે, પણ ‘સરોગેટ’નો સાદો અર્થ છે ‘અવેજીમાં રહેલું’. એ અર્થ પ્રમાણે, ‘સરોગેટ મધર’ એટલે માતા પોતે સગર્ભા ન થઈ શકે, ત્યારે તેની અવેજીમાં ગર્ભ ધારણ કરતી સ્ત્રી.
પ્રાચીન કાળમાં ‘સરોગેટ મધર’નો રિવાજ હતો, પણ એ વખતે સરોગેટ માતાને સગર્ભા બનાવવા પૂરતો તેની સાથે શરીરસંબંધ બાંધવાનું જરૂરી હતું. ઘણા કિસ્સામાં પત્નીની બહેન સરોગેટ માતા બનતી હતી, પરંતુ વિજ્ઞાનની પ્રગતિ પછી હવેની સરોગેટ માતાને બીજા પુરુષ સાથે સંબંધ બાંધવાની સ્થિતિમાં મુકાવું પડતું નથી. ગર્ભ ધારણ કરી ન શકે એવી ઘણી સ્ત્રીઓ બીજ પેદા કરી શકે છે. એ બીજ સાથે સ્ત્રીના પતિના પુરુષબીજનું પ્રયોગશાળામાં ફલન કરવામાં આવે છે અને આ રીતે તૈયાર થયેલા ગર્ભને સરોગેટ માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે એટલે પુરુષના સંપર્ક વિના તે સગર્ભા બને છે.
સ્ત્રીબીજ પેદા કરવા સક્ષમ, પણ ગર્ભ ધારણ કરવામાં તકલીફ ધરાવતી સ્ત્રીઓ માટે પહેલાં સંતાન દત્તક લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. સરોગેટ માતૃત્વના સફળ પ્રયોગો પછી તેમના માટે પોતાનું સંતાન મેળવવાની તક ઊભી થઈ. બદલામાં, સરોગેટ માતાઓ તગડી ફી વસૂલ કરે અને ક્યારેક પોતાના પેટે જન્મેલા બાળકનો કબજો આપવામાં આનાકાની કરે, તે સરોગેટ માતૃત્વનું બીજં પાસું છે.સ્ટેપ બાય સ્ટેપ સંતાનપ્રાપ્તિ
સરોગેટ માતૃત્વના ક્ષેત્રે આણંદમાં રહીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનારાં ડૉ. નૈના પટેલ કેવી રીતે નિઃસંતાન દંપતીને સંતાનપ્રાપ્તિ સુધી પહોંચાડે છે, તેની ક્રમિક ઝલકઃ
- બાળક ઇચ્છતાં નિઃસંતાન દંપતીના મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે એવી જરા સરખી પણ શક્યતા હોય તો એ વિકલ્પ પર પહેલું ધ્યાન અપાય છે. સ્ત્રી ગર્ભ ધારણ નહીં કરી શકે એવી ખાતરી થાય તો દંપતીના સ્ત્રીબીજ અને પુરુષ બીજનો લેબોરેટરીમાં મેળાપ કરાવવાનો નિર્ણય લેવાય છે. એ માટે બંને જણના એચ.આઇ.વી. સહિતના બીજા ટેસ્ટ કરવામાં આવે છે. શારીરિક રીતે સક્ષમ હોવા છતાં પોતાની કારકિર્દીની ચિંતાને કારણે સરોગેટ માતાની સેવા ઇચ્છતી ટૂંકમાં, સંતાનનું ‘આઉટસોર્સંિગ’ કરાવવા ઇચ્છતી સ્ત્રીઓને ડૉ. નૈના પટેલ મદદરૂપ થતાં નથી.
- દંપતીની તૈયારી પછી સરોગેટ માતા શોધવાની રહે છે. સગાંસ્નેહીમાંથી કોઈ સરોગેટ માતા બનવા તૈયાર હોય તો એ શક્યતા પહેલાં તપાસાય છે. ડૉ. પટેલને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર પહેલા કિસ્સામાં, પુત્રીનાં માતા પોતે સરોગેટ મધર બન્યાં હતાં અને તેમણે જોડિયાં દૌહિત્રોને જન્મ આપ્યો હતો, પરંતુ મોટા ભાગના કિસ્સામાં સગાંસ્નેહીઓમાંથી કોઈ સરોગેટ માતા બનવા તૈયાર થતું નથી.
ડૉ. પટેલ પાસે ધીમે ધીમે સરોગેટ માતા બનવા ઇચ્છતી સ્ત્રીઓની યાદી તૈયાર થઈ છે, જેમાં કોઈ પણ જાતની ભરતીઝુંબેશ વિના, એકબીજાના મોઢેથી વાતો સાંભળીને નવાં નામ ઉમેરાતાં રહે છે. એ યાદીમાંથી એક નામ દંપતીને સૂચવાય છે. મોટા ભાગનાં દંપતી સરોગેટ માતાની તંદુરસ્તી અને સ્વચ્છતા સિવાય બીજી કોઈ બાબતની ચિંતા કરતાં નથી. અમુક જ મોટે ભાગે ઉત્તરભારતનાં દંપતી એવાં હોય છે, જે ક્યારેક સરોગેટ માતાની જ્ઞાતિની મગજમારીમાં પડે છે. - બાળકની જાતિની તપાસ પ્રતિબંધિત હોવા છતાં, દંપતીઓ ‘બાબો છે કે બેબી?’ એ જાણવા માટે પ્રયાસ કરી જએ છે. પરદેશથી આવતા પહેલાં દંપતી ફોન કરીને ચબરાકીથી ડૉ. પટેલને પૂછે છે, ‘અમારે શોપિંગ કરીને આવવું છે, તો કપડાં બાબાનાં લાવીએ કે બેબીનાં?’ ડૉ. પટેલ એમને કહે છે, ‘યલો કલરનાં લાવજો. બંને માટે ચાલશે.’
- સરોગેટ માતાના અને તેમના પતિના પણ આવશ્યક મેડિકલ ટેસ્ટ થાય છે. તેમાં કોઈ તકલીફ ન જણાય તો સરોગેટ માતા બનવા માગતી સ્ત્રી અને બાળક ઇચ્છતા દંપતીનો મેળાપ કરાવવામાં આવે છે. બંને વચ્ચે એકથી વધારે મીટિંગ થાય છે. સરોગેટ માતા બનવા ઇચ્છતી સ્ત્રીનું કાઉન્સેલિંગ પણ શરૂ થાય છે ત્યાર પછી કાનૂની કરાર થાય છે.
- નક્કી થયેલા દિવસે સરોગેટ માતા બનવા તૈયાર સ્ત્રીને બોલાવીને લેબોરેટરીમાં તૈયાર થયેલો ગર્ભ તેના ગર્ભાશયમાં આરોપી દેવામાં આવે છે અને ત્યારથી સરોગેટ માતા તરીકેની તેની ભૂમિકા શરૂ થાય છે.
- થોડા મહિના પછી સરોગેટ માતા કોઈ કારણસર પોતાના આડોશપાડોશથી કે સામાજિક વાતાવરણથી અલગ રહેવા ઇચ્છે તો એ માટેની સગવડ પણ રાખવામાં આવી છે. ડૉ. નૈના પટેલે થોડા વખત પહેલાં વલ્લભવિદ્યાનગરમાં એક ફ્લેટ લીધો છે, જ્યાં ચારપાંચ સરોગેટ માતાઓને રહેવાજમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હવે સરોગેટ માતા સગર્ભા થાય એટલે તેને એક સેલફોન પણ આપી દેવામાં આવે છે, જેથી દંપતી ઇચ્છે ત્યારે પોતાના બાળક અને તેની સરોગેટ માતાના ખબરઅંતર પૂછી શકે.
- કરાર મુજબ રૂપિયા ચૂકવવા ઉપરાંત દંપતી પોતાની રીતે પણ સરોગેટ માતાની કાળજી અને સારસંભાળ રાખે છે. પ્રસૂતિ વખતે મોટે ભાગે દંપતી હાજર હોય છે. સામાન્ય રીતે સ્ત્રી ઓપરેશન થિયેટરમાં હોય અને પુરુષ બહાર બેચેનીથી આંટા મારતો હોય એવાં દ્રશ્યો જોવા મળે, પણ સરોગેટ માતાની પ્રસૂતિ હોય ત્યારે પતિપત્ની બંને બહાર બેચેનીથી આંટા મારતાં હોય એવું બની શકે છે.
જન્મેલા બાળકને વહેલામાં વહેલી તકે તેનાં મૂળ માતાપિતાને સોંપી દેવામાં આવે છે. નાણાંના છેલ્લા હિસાબની ચુકવણી એ વખતે થાય છે. - આખી વિધિનો નાણાકીય હિસ્સો અગત્યનો અને ગેરરીતિનો સૌથી વધુ શક્યતા ધરાવતો હોય છે. પણ ડૉ. નૈના પટેલ કરારનામા અને રૂપિયાની ચુકવણી સહિત આખા કેસની ફાઇલો જોવા માટે ધરી દે છે. તેમના જણાવ્યા પ્રમાણે, સરોગેટ પદ્ધતિથી બાળક મેળવવા માટે બધું મળીને અંદાજે રૂ. ચારથી પાંચ લાખ જેટલો ખર્ચ થાય છે.
- દંપતી ભારતીય હોય તો સરોગેટ માતાને સરેરાશ દોઢબે લાખ રૂપિયા મળે છે. દરેક કેસમાં એ રકમ બદલાઈ શકે છે. પરદેશનાં યુગલો સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા સુધી આપે છે. તેમની એવી અપેક્ષા રહે છે કે સરોગેટ માતા પ્રૌઢને બદલે યુવાન હોય. સરોગેટ માતાને કેટલી રકમ મળવી જોઇએ તે ડૉક્ટરની હાજરીમાં બંને પક્ષો દંપતી અને સરોગેટ માતામળીને નક્કી કરે છે. ત્યાર પછી પણ ઘણાં દંપતી સરોગેટ માતાને એક યા બીજી રીતે મદદરૂપ થાય છે.
ડૉ. નૈના પટેલલગ્ન પહેલાં નૈના તન્નાજામનગરના તન્ના પરિવારનું નવમું સંતાન હતાં. જામનગરરાજકોટમાં એમ.બી.બી.એસ. અને એમ.ડી. (ગાયનેક) થયા પછી ત્રણ વર્ષ તે કરમસદની પ્રમુખસ્વામી મેડિકલ કોલેજમાં રહ્યાં. ઓર્થોપેડિક શાખાના ડૉ. હિતેશ પટેલ સાથે લગ્ન પછી ૧૯૯૧માં તેમણે ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. એકાદ દાયકા સુધી તેમણે ફર્ટિલિટીના ક્ષેત્રમાં ઠીક ઠીક કામ કર્યું, પરંતુ ડિસેમ્બર, ૨૦૦૨માં આવેલા એક કેસથી તેમની કામગીરીની દિશામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું.
ભંગાણના આરે આવી ઊભેલા નિઃસંતાન એનઆરઆઈ દંપતીનું લગ્નજીવન બચાવવાનો બીજો કોઈ આરો ન દેખાતાં તેમણે સરોગેટ માતૃત્વનો રસ્તો અપનાવવાનું સૂચવ્યું. એ વખતે દંપતીનાં માતાપિતાએ સરોગેટ માતા મેળવવા માટે ગુજરાતમાં અને ગુજરાત બહાર ઘણા પ્રયાસ કર્યા, પણ કોઈ તૈયાર થયું નહીં. છેવટે ડૉ. પટેલે દંપતીમાંથી પત્નીનાં ૪૪ વર્ષનાં મમ્મીને સરોગેટ માતા બનવાનું સૂચન કર્યું અને સમજાવ્યાં. બ્રિટનના આ દંપતીની સંતાન માટેની ઝંખના અને નાનીના પેટે જન્મેલાં દૌહિત્રોની સત્યકથા પરથી બી.બી.સી.એ કોઈ સિરિયલને ટક્કર મારે એવી ડોક્યુમેન્ટરી બનાવી છે. આ કિસ્સાને કારણે દેશવિદેશનાં અનેક પ્રસાર માધ્યમોમાં ડૉ. નૈના પટેલ છવાઈ ગયાં પણ તેમના પગ બિલકુલ જમીન પર રહ્યાં છે.
એ કહે છે, ‘મારી પર ફ્રેન્ચાઇઝી માટે ફોન આવે છે. કોઈ પૂછે છે, તમે સેટેલાઇટ સેન્ટર ખોલો?’ દર વખતે હું એક જ જવાબ આપું છં, ‘ધીસ ઇઝ નોટ બિઝનેસ. વ્યક્તિગત દેખરેખ સૌથી મહત્ત્વની છે. અત્યારે મારે બિઝનેસ તરીકે કામ કરવું હોય તો હું આરામથી કરી શકું છં. હું રૂપિયા લઇને છૂટી અને મારા હાથ નીચેના બે માણસો બધું કામ કરે. ઘણી જગ્યાએ એવું થાય પણ છે.’બે બાળકનાં માતા તરીકે ડૉ. નૈના પટેલ કહે છે, ‘મારે બાળક ન હોય તો હું સરોગેટ માતા દ્વારા બાળક મેળવવાને બદલે બાળક દત્તક લેવાનું વધુ પસંદ કરંુ’ આવું કહેતી વખતે તેમના ચહેરા પર સાંભળનારને આંચકો આપવાનો ભાવ જરાય દેખાતો નથી. એ માને છે કે ‘ઘણી વાર પતિ બાળક દત્તક લેવા માટે તૈયાર હોતા નથી. તેમને પોતાનું બાળક જોઇએ છે. એ વખતે સરોગેટ માતાનો વિકલ્પ જ બાકી રહે છે.’ જોકે, ડૉ. પટેલને સરોગેટ માતા બનવામાં વાંધો નથી. એ કહે છે, ‘મારી પ્રસૂતિ સાવ નોર્મલ અને અને સરળ હતી એટલે કોઈ એવું જેન્યુઇન ડેસ્પરેટ કપલ હોય તો (સરોગેટ માતા બનવા અંગે) હું ચોક્કસ વિચારંુ.
અત્યાર સુધી સરોગેટ માતૃત્વ થકી ત્રીસેક બાળકોના જન્મ માટે નિમિત્ત બનેલાં અને બીજાં ૩૮ ગર્ભસ્થ બાળકોની દેખરેખ રાખતાં ડૉ. નૈના પટેલ સરોગેટ પ્રથાની મર્યાદાથી પૂરેપૂરાં વાકેફ છે. એ ક્ષેત્રમાં લાપરવાહી દાખવવાનાં કે વ્યવસાયિક બની જવાનાં ગંભીર પરિણામો વિશે આપણા મનમાં હોય એટલી જ શંકાઓ અને ચિંતાઓ તેમના મનમાં હોય એવું લાગે છે.સરોગેટ માતાઓ અને તેમના થકી સંતાન પ્રાપ્ત કરનાર દંપતીઓ વચ્ચે લાગણીના સંબંધોની વાત કરતાં ડૉ. પટેલ ડૉક્ટર મટીને માત્ર સ્ત્રી બની જાય છે. સરોગેટ માતાઓની કાળજી રાખતાં, તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે, મકાન બની જાય, છોકરાના અભ્યાસનો ખર્ચ નીકળી જાય, પતિને નવી રિક્ષાના રૂપમાં રોજી મળે, એવા પ્રકારની મદદ કરતાં દંપતીઓના કિસ્સાનો ડૉ. પટેલ પાસે તોટો નથી. સરોગેટ માતૃત્વની ટેક્નોલોજીમાં અભૂતપૂર્વ કે અનન્ય કશું નથી. પણ ડૉ. પટેલ પાસે છે એટલી મોટી સંખ્યામાં સરોગેટ માતાઓ ભાગ્યે જ બીજા કોઈ ડૉક્ટર પાસે હોય. તેની પાછળ ડૉ. પટેલની દેખભાળ જવાબદાર છે. સરોગેટ માતાને મળતાં નાણાં વેડફાઈ ન જાય તેની કાળજી પણ એ પોતે રાખે છે.
સરોગેટ માતાની સગર્ભાવસ્થા દરમિયાન તેમનો વીમો ઉતારવાનું અત્યારે શક્ય નથી, પણ મુંબઈની ત્રણચાર વીમા કંપનીઓ સાથે ડૉ. પટેલ આ બાબતે વાટાઘાટો ચલાવી રહ્યાં છે. સરોગેટ માતાનો ત્રણસાડા ત્રણ લાખનો વીમો ઊતરી શકે, તો તેનું પ્રિમિયમ દંપતી બારોબાર ભરી દે. ડિસેમ્બર ૨૦૦૭ સુધીમાં તે સરોગેટ માતાઓ માટેનું એક ફંડ પણ ઊભું કરવા ધારે છે, જેની રકમમાંથી સરોગેટ માતાઓની નાનીમોટી આર્થિક તકલીફોમાં મદદ થઈ શકે છે. આ ફંડની રકમ તે અમેરિકામાં ફરજિયાત ચેરિટી કરતા એનઆરઆઈ પાસેથી મેળવવા ધારે છે.આદર્શ, કલ્પના અને વાસ્તવિકતા
દરેક સરોગેટ માતા અને દંપતી વચ્ચેનો સંબંધ એક ન લખાયેલી નવલકથા છે. તેના દસ્તાવેજીકરણ માટે ડૉ. પટેલ અંગ્રેજી અને ગુજરાતીમાં એક પુસ્તક તૈયાર કરાવી રહ્યાં છે. ડૉક્ટર તરીકે પોતે નિઃસંતાનને સંતાન આપવામાં નિમિત્ત બની શક્યાં એ સંતોષનું પલ્લું ડૉ. નૈના પટેલને સરોગેટ માતૃત્વ વિશેની નૈતિક દલીલો કરતાં ક્યાંય વધારે વજનદાર લાગે છે. એકાદ વર્ષ પહેલાં જાહેરમાં આવતી વખતે મોઢે માસ્ક પહેરીને ઓળખ છપાવતી સરોગેટ માતાઓ હવે ખુલ્લેઆમ બહાર નીકળતી થઈ છે એનું ડૉ. પટેલને મન ભારે મહત્ત્વ છે.સરોગેટ માતાને મળતી રૂ. દોઢબે લાખની રકમની એક રીતે જોતાં કશી વિસાત નથી. અમદાવાદના વૈભવી ફ્લેટ કે મુંબઈના સામાન્ય ફ્લેટનું નવ મહિનાનું ભાડું આનાથી વધારે હોય. બીજી તરફ, દોઢબે લાખ રૂપિયા અને એક દંપતીની સદ્ભાવના મેળવનારના જીવનમાં એ રકમથી આવતું પરિવર્તન પણ ઓછં નોંધપાત્ર નથી હોતું. ડૉ. નૈના પટેલ કહે છે, ‘સ્ત્રીને પાંચ-છ બાળકો હોય તેની હમણાં સુધી નવાઈ ન હતી. હું મારાં માતાપિતાનું નવમું સંતાન હતી. મારાં બાકીનાં આઠે ભાઈબહેન ઘરે જન્મ્યાં હતાં. હું એકલી જ હોસ્પિટલમાં જન્મી હતી. એ જમાના કરતાં અત્યારે તબીબી સુવિધાઓ ઘણી વધી છે એટલે સરોગેટ માતૃત્વની વાતને યોગ્ય દ્રષ્ટિકોણથી લઇને, સરખી રીતે કામ કરવામાં આવે તો એના જેવું ઉત્તમ બીજં કશું નથી.’ અને ‘સરખી રીતે’ એટલે? ડૉ. પટેલ કહે છે, ‘કામગીરીના અંતે આપણો અંતરાત્મા ડંખવો ન જોઇએ.’
ટંકશાળ જેવી પ્રેક્ટિસ અને કેમેરા ફ્લેશના ઝગારા વચ્ચે અંતરાત્માને અકબંધ રાખવાનું સહજ હોય એના માટે સહેલું, બાકી તો પોતાના ગર્ભમાં ઉછેરેલું બાળક બીજાને સોંપી દેવાથી પણ વધારે અઘરંુ છે.સગપણનાં ઉખાણાં
અમેરિકામાં એક જ દિવસે સરોગેટ માતાએ અને સગી માતાએ બાળકને જન્મ આપ્યો એ કિસ્સો આ મહિને પ્રસાર માધ્યમોમાં ચમક્યો હતો પણ લગભગ એવો જ બનાવ ડૉ. નૈના પટેલના ક્લિનિકમાં માર્ચ, ૨૦૦૭માં બન્યો. અમેરિકામાં ટ્રીટમેન્ટ કરાવ્યા પછી સંતાનની આશા છોડી ચૂકેલા દંપતીએ આણંદ આવીને સરોગેટ માતાની સેવા લીધી અને ડૉક્ટરની ઇચ્છાથી માતા ઉપર પણ પ્રયોગ કરવામાં આવ્યો.
યોગાનુયોગ એવો બન્યો કે સરોગેટ માતાની સાથોસાથ સગી માતા પણ સગર્ભા બની અને બંનેએ માર્ચ મહિનામાં સંતાનને જન્મ આપ્યો. આવું થાય ત્યારે વિઝા મેળવવાની પ્રક્રિયા ગૂંચવાઈ જાય છે, પણ સરોગેટ માતૃત્વથી સંતાન મેળવવા જેટલી ધીરજ ધરાવતાં દંપતી વિઝા જેવી બાબતમાં હાર માનતાં નથી.
સરોગેટ માતૃત્વની શરતો અને જોખમો
- પરણેલી અને માતા બની ચૂકેલી સ્ત્રીને જ સરોગેટ માતા તરીકે સ્વીકારવામાં આવે છે. બે સિઝેરિયન થયાં હોય એવી સ્ત્રીને ના પાડવામાં આવે છે.
- કોઈ પણ સ્ત્રી વધુમાં વધુ ત્રણ વાર સરોગેટ માતા બની શકે છે. સરોગેટ માતા તરીકે પ્રસૂતિમાં સિઝેરિયન ઓપરેશન થાય તો પણ બીજી વખત સરોગેટ માતા તરીકે તે સેવા આપી શકે છે.
સ્ત્રી સરોગેટ માતા બનવા તૈયાર થાય ત્યારથી છેક પ્રસૂતિ સુધી તેને કાઉન્સેલિંગ દ્વારા ‘આ બાળક તમારંુ નથી. તમારે બાળક આપી દેવાનું છે.’ એ હકીકત માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. સાથોસાથ, ‘કોઇનું બાળક તમારે ત્યાં એક દિવસ પણ રહેવા આવે તો તમે કેટલી બધી સંભાળ રાખો! એવી જ રીતે તમારે આની સંભાળ રાખવાની છે.’ એવું પણ સમજાવાય છે. - સરોગેટ માતા બનવા ઇચ્છતી સ્ત્રી અને તેના પતિ સાથે રૂ. ૧૦૦ના સ્ટેમ્પપેપર પર કરાર કરવામાં આવે છે. તેમાં ચૂકવવાની રકમથી માંડીને ‘આ પ્રક્રિયામાં મારંુ મૃત્યુ થવાની શક્યતા રહેલી છે એ હું જાણું છં.’ એવી તમામ બાબતો કોઈ પણ જાતના ગૂંચવાડા વગર શુદ્ધ ગુજરાતીમાં લખવામાં આવે છે. નક્કી થયેલી રકમ એક સાથે ચૂકવાતી નથી. ત્રણ મહિના પછી એક હિસ્સો (આશરે રૂ. પચીસ હજાર), બીજા ત્રણ મહિના પછી એટલો જ હિસ્સો અને બાકીની રકમ પ્રસૂતિ થયા પછી, પ્રસૂતિ પહેલાં કંઇક અઘટિત બને, તો રકમની ચુકવણીનો આધાર બંને પક્ષોની સમજદારી પર રહે છે. સરોગેટ માતાને કોઈ પણ પરિસ્થિતિમાં પૂરેપૂરી રકમ મળે જ, એવો કરાર હોતો નથી.
- એપ્રિલ, ૨૦૦૨થી ભારતમાં સરોગેટ માતૃત્વને કાનૂની મંજૂરી મળી. ડૉ. નૈના પટેલના જણાવ્યા પ્રમાણે, ‘સરોગેટ માતૃત્વ અંગેનો કાયદો હજ બન્યો નથી. મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઇનથી કામ ચાલે છે.’ મેડિકલ કાઉન્સિલની વેબસાઇટ પર ઉપલબ્ધ ‘એગ્રિમેન્ટ ફોર સરોગસી’ના લખાણને રૂ. ૧૦૦ના સ્ટેમ્પપેપર પર ટાઇપ કરાવીને, તેની પર નોટરીના સહીસિક્કા કરાવવામાં આવે છે.
- વિદેશોમાં સરોગેટ માતાઓ માટે જદા જદા કાયદા છે. અમેરિકાનાં દરેક રાજ્યમાં પણ કાયદો સરખો નથી. બ્રિટનમાં સરોગેટ માતાની જે રાષ્ટ્રીયતા હોય, એ જ બાળકની રાષ્ટ્રીયતા બને છે. એ કારણથી ડૉ. પટેલના પહેલા કેસ એવાં જોડિયાં બાળકોને બ્રિટન જતા બહુ મુશ્કેલી પડી. એ જ રીતે આણંદમાં સરોગેટ માતાના પેટે જન્મેલાં બેત્રણ બાળકોના કેસ આવ્યા. એટલે અમેરિકન એમ્બેસીના એક મહિલા અફસર ખાસ આણંદ આવીને ડૉ. નૈના પટેલની મુલાકાત લઈ ગયાં. ત્યાર પછી ડૉ. પટેલને એક ખાસ ઇમેલ એડ્રેસ, ફોન નંબર આપવામાં આવ્યાં છે. હવે એમ્બેસીમાં જતાં પહેલાં કયા દસ્તાવેજોની જરૂર પડશે એની યાદી ડૉ. પટેલ પાસેથી જ મળી જાય છે અને પોતાના કેસની વિગતો એ સીધી એમ્બેસીને આપી શકે છે જેથી બાળકનાં માતાપિતાને હેરાન થવું ન પડે.
- બાળક, તેની સરોગેટ માતા અને મૂળ માતા એ ત્રણેનો એક ગ્રૂપફોટો અમેરિકાનાં દંપતીઓ માટે ફરજિયાત છે. બાળકના વિઝા મેળવવા માટેની ફાઇલમાં એ ફોટો મૂકવો પડે છે. ભારતના દંપતીના કિસ્સામાં ક્યારેક સરોગેટ માતા અને સગી માતા એક સાથે ફોટો પડાવે, તો કેટલાક કિસ્સામાં એ તૈયાર ન થાય એવું પણ બને. કેટલીક માતાઓ એવી પણ હોય છે, જે કહે છે કે અમારંુ સંતાન મોટું થશે ત્યારે તેને હું સરોગેટ માતા વિશે જાણ કરીશ.
સરસ માહીતીપ્રદ લેખ.
ReplyDeleteસલામ ડૉ. નૈના પટેલ અને આપને પણ.
Never knew Anand is so far ahead in surrogate motherhood. I think it is successful mainly due to the personal involvement of Dr. Patel.
ReplyDeleteI sincerely tell you that out of all my articles and interviews that have been published, this is the one which has touched me the most because you have 100 % captured my felling and thoughts about surrogacy.
ReplyDeleteThanks - a - lot for this wonderful article.
Dr.Nayna Patel
સાવ અનાયાસે, આકસ્મિક રીતે જ આ આર્ટિકલ ધ્યાનમાં આવ્યો. આટલાં વિવાદાસ્પદ અને છતાં રસપ્રદ વિષયનું આટલું સરસ આલેખન માત્ર તમે જ કરી શકો. ધન્યવાદ.
ReplyDelete:-) આનંદ હી આનંદ.
Delete