તેર વર્ષ પહેલાંની વાત છે. પત્રકારત્વ જેવા કોઇ ક્ષેત્રના અસ્તિત્વ વિશે હું અજાણ હતો. બે-ચાર જુદા જુદા પ્રકારની નોકરીઓ પછી ‘નવનીતલાલ એન્ડ કંપની’માં કમને ક્લાયન્ટ સર્વિસિંગમાં અટવાયો હતો. એ વખતે ‘અભિયાન’ માં નવા રીપોર્ટર-કમ-સબએડિટરની જગ્યા માટે જાહેરાત આવી. મેં પરંપરાગત અરજીને બદલે જરા જુદી રીતે મારી રજૂઆત કરતો પત્ર લખ્યો. થોડા મહિના પછી ઇન્ટરવ્યુ અને ‘અભિયાન’માં પસંદગી જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબીત થઇ. (વધુ વિગતો માટે જુઓઃ ઇમેજ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત સંપાદનઃ ‘મારા જીવનનો વળાંક’)
સૌને થશે કે આ ભાઇનું ‘કાંતિ ભટ્ટકરણ’ થઇ ગયું કે શું? ચિંતા ન કરશો. હજી મારું ઠેકાણે છે. ઉપર લખેલી વાતનો આ એન્ટ્રી સાથે સીધો સંબંધ છે. ‘અભિયાન’માં મારી પસંદગી પહેલાં આવેલાં પત્રો-અરજી જોઇને હેતલ દેસાઇએ મારો પત્ર જુદો તારવ્યો હતો- ‘આમાં કંઇક છે’ એવું લાગવાથી.
‘અભિયાન’માં જોડાયા પછી મઝા આવતી હતી, પણ પત્રકારત્વમાં મારા ભવિષ્ય વિશે હું અવઢવમાં હતો, ત્યારે અભિયાનના તત્કાલીન ચીફ રીપોર્ટર દીપક સોલિયાએ તેમની સહજ આત્મીય શૈલીમાં મારા માટે ‘લંબી રેસકા ઘોડા’ જેવો અભિપ્રાય આપ્યો હતો- ‘આમાં કંઇક છે’ એવું લાગવાથી.
સમય જતાં દંપતિ અને મિત્રદંપતિ બનેલાં હેતલ- દીપકની પસંદગી વિશે આટલું લખ્યા પછી મુદ્દાની વાતઃ હેતલ દેસાઇ લખે છે કે ‘બેટમેનની નવી ફિલ્મ ‘ધ ડાર્ક નાઇટ’ અચૂક જોવા જેવી છે. હું ખચકાટ સાથે જોવા ગઇ હતી, પણ બહુ જ મઝા પડી.’ હેતલે એમ પણ લખ્યું છે કે ‘આ ફિલ્મ વિશે ‘જોવા જેવી ફિલ્મ’ વિભાગમાં લખવા જેવું છે.’ કારણ? ‘આમાં કંઇક છે.’
અત્યારે કેટલાંક કારણસર ફિલ્મ જોવાનો જોગ થાય તેમ નથી. એટલે હેતલના સૂચન નીચે વિના ખચકાટે મારી સહી કરીને અહીં મુકું છું. હેતલ-દીપક જેવા મિત્રો આ બ્લોગ વાંચે છે અને આવાં સૂચનો પણ કરે છે, એટલે બ્લોગેચ્છાનો ‘જોસ્સો’ જળવાઇ રહે છે
Hey thanks Urvish. You almost made me a celebrity. And your comment "maru thekane chhe" had me in splits...keep up the good work...
ReplyDelete