Thursday, June 19, 2025
ગરમી અને ચા
થોડા દાયકા પહેલાં ગામના રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર એક જૂનું પાટિયું વાંચવા મળતું હતું. ‘ચા એ નિશા (નશા) વગરની પ્યાલી છે. તે શિયાળામાં ઠંડક ને ઉનાળામાં ગરમી આપે છે.’ તે વાંચીને ચા પ્રત્યે તો ઠીક, તે લખનારના ચા પ્રત્યેના ભક્તિભાવ વિશે માન ઉપજ્યું હતું. ચા-પ્રેમી હોવા છતાં ‘મને આવો મહાન વિચાર ન આવ્યો’ એવો અહેસાસ પણ થયો હતો.
લોકો પર આખેઆખી રામાયણ-ભાગવતની કથાઓ સાંભળ્યાની કશી અસર થતી નથી, તો મારી પર એક પાટિયાની અસર થાય, એવી અપેક્ષા વધુ પડતી ગણાય. છતાં, ચા-પક્ષની મજબૂત રજૂઆત તરીકે એ લખાણ યાદ રહી ગયું. કવિ દલપતરામે પોતાના માટે ‘રૂડી ગુજરાતી વાણીરાણીનો વકીલ છું’ એવું ભરદરબારમાં કહ્યું હતું. તેમ, ‘રૂડી આદુવાળી ચાહ-રાણીનો વકીલ છું’ –એવું ગાવાનો વારો આવે, ત્યારે પાટિયાના લખાણનો ઉપયોગ કરવો, એવું વિચારી રાખ્યું હતું. પણ લોકશાહીમાં દરબારો તો ગુંડાઓ ને મત્રીઓ જ ભરે છે ને ત્યાં ચાનાં વખાણ જેવી બિનઉપજાઉ પ્રવૃત્તિને કોઈ સ્થાન હોતું નથી.
દુનિયામાં બુદ્ધના, ઇસુ ખ્રિસ્તના, ગાંધીજીના વિરોધીઓ (ટીકાકારો નહીં, વિરોધીઓ) હોઈ શકે, તો ચાની શી વિસાત? ચાના વિરોધીઓ ચોક્કસ વર્ગ ટાંપીને બેઠો હોય છે કે ક્યારે લાગ મળે ને ચાની નિંદા શરૂ કરીએ. એવા લોકો માટે ઉનાળો સૌથી અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. કારણ કે, સવારના નવ વાગ્યાથી આકરો તડકો શરૂ થાય અને શહેરોમાં તો રાત્રે પણ ગરમ પવન આવતો હોય. આફતને પોતાની વિચારધારાના પ્રચાર માટે વાપરી લેવાની નવાઈ રહી નથી. એ માનસિકતા પ્રમાણે, કેટલાક લોકો કહે છે,’લમણું તપી ગયું ને શરીર પરથી પરસેવાના રેલા જાય છે. બોલો, આવામાં કંઈ ચા પીવાતી હશે?’ આટલું બોલાયા પછી પણ ઓડિયન્સ પર ધારી અસર ન પડે, આસપાસ રહેલા લોકોને ચાના નકામાપણા વિશે ખાતરી ન થાય, તો તે વાતમાં વજન ઉમેરીને કહે છે,’બોલો, આવી ગરમીમાં ચા પીનારા મૂરખા કહેવાય કે નહીં?’
પોતાનો ધાર્યો જવાબ ઓડિયન્સ પાસેથી મેળવવાની તરકીબ સારી છે, પણ તે દરેક વખતે અસરકારક નીવડતી નથી. આવો સવાલ પૂછાય ત્યારે આસપાસ બેઠેલામાંથી એક વર્ગ એવો હોય છે, જે બરાબર સમજે છે કે આવા સવાલ જવાબની અપેક્ષાએ પૂછાતા નથી. એટલે તે સવાલ સાંભળ્યો-ન સાંભળ્યો કરે છે અને હવે પછીની ચા મેળવવાની વેતરણમાં પડી જાય છે. બીજો વર્ગ એવો હોય છે, જેને ‘ફેસબુક-પ્રજાતિ’ કહી શકાય. એ વર્ગના લોકો આવો સવાલ સાંભળીને કહે છે, ‘મૂરખા? અરે, જેવાતેવા નહીં, એક નંબરના મૂરખા. તમારી વાત એકદમ સાચી છે. સો ટકા સંમત.’ એવામાં બીજો અવાજ આવે છે,‘ચા તે ચા. બીજા બધા વગડાના વા. ચાને ગરમી સાથે નહીં, ચાહના સાથે-ચાહત સાથે સંબંધ છે. જેમની ચાહના કાચી, તેમને જ ચા નડે. બાકી બધાને ફળે.’ એ સાંભળીને, તદ્દન વિરોધી લખાણમાં હોંશે હોંશે સૂર પુરાવી આવેલા ‘ફેસબુક-પ્રજાતિ’ના સભ્ય ટહુકે છે, ‘વાહ. કેટલી સરસ વાત. સો ટકા સંમત.’
આવા સંવાદોથી ગરમીમાં ચાની અસર વિશે જાણવા મળે, તેના કરતાં ઉભયચર એવી ફેસબુક પ્રજાતિ વિશે વધારે જાણવા મળે છે. (તે બંને અંતિમોના અભિપ્રાયોમાં એકસરખી હોંશથી ટાપશી પુરાવતી હોવાથી તેમના માટે ‘ઉભયચર’ જેવું નામકરણ પસંદ કર્યું છે.) જોકે, ઉભયચરોના અભિપ્રાયથી ચા-ચર્ચામાં કશી પ્રગતિ થતી નથી. ખરું જોતાં, ચાપ્રેમીઓ પર આવા કોઈ સંવાદોની કશી અસર થતી નથી. કારણ કે, ‘ચા’હના ઋતુઆધારિત હોય, એવી કલ્પના સુદ્ધાં તેમને ચાના દ્રોહ અને ચાહનાદ્રોહ સમાન લાગે છે.
એક
વર્ગ એવો પણ છે, જે ‘બોલો,
આવી ગરમીમાં ચા પીવાય?’ એવો
સવાલ કરનારની સામે ધારીને જુએ છે. સવાલકર્તા જરા ઓઝપાય તો ઠીક, ન ઓઝપાય તો તે કહે
છે,‘તમારા મતે
ગરમીમાં શું પીવું જોઈએ?’
ચાની
ઇચ્છનિયતા સામે સવાલ ઉઠાવનાર જરા જોશમાં આવે છે. તેને થાય છે કે આ જણ ડગુમગુ લાગે
છે. તેને બે-ચાર સવાલના જોરદાર જવાબ આપી દઈશું તો તે પણ માનતો થઈ જશે કે ગરમીમાં
ચા ન પીવાય. એટલે, તે કહે છે,‘સરસ
સવાલ છે. ખરેખર, સરસ સવાલ. જુઓ, એવું છે કે ગરમીમાં અસંખ્ય વિકલ્પો છે. તૈયાર
શરબત, છાશ, બાફલો, લીંબુપાણી, જ્યુસ, શેક, કોલ્ડ કોફી...અરે, ચા વિના ન જ ચાલે
એવું હોય તો આઇસ ટી...બોલો.’
આટલી લાંબી યાદી આપ્યા પછી તેને આશા જાગે છે કે સવાલ પૂછનાર હમણાં તેના આપેલા વિકલ્પોમાંથી એકાદ પર ટીક કરશે અને તેને ચાની આસક્તિમાંથી છોડાવ્યાનું પુણ્ય હાંસલ થશે. સામેવાળો પણ રીઢો હોવાથી, તે થોડી વાર મૌન રાખે છે અને એવું લગાડે છે, જાણે તે ચાના વિકલ્પો વિશે વિચાર કરી રહ્યો છે. છેવટે, તેના ચહેરા પર વિચારપ્રક્રિયા પૂરી થયાનો સંતોષ પ્રગટે છે અને તે ફાઇનલ જવાબ આપવા તત્પર થાય છે. ચાવિરોધી જણ ઉત્કંઠાથી જવાબ સાંભળવા કાન માંડે, ત્યારે રીઢો જણ કહે છે,‘તમે આપેલા બધા જ વિકલ્પ બહુ સરસ છે, પણ તમારા માટે હું શી રીતે નક્કી કરી શકું? એક કામ કરો. એ વિકલ્પોમાંથી તમને જે સહેલાઈથી મળે, એ તમે પી લો, પણ મારા માટે તો એક ચા જ. બિલકુલ ઉતાવળ નથી.’
ગરમીમાં ચા-લોઢું લોઢાને કાપે એ મતલબ થયો.
ReplyDeleteચા (કે કોફી) નકારતા સજ્જનો મને સ્મશાનના
ડાઘુઓ જેવા જણાયા છે એ કદાચ મારી વધુ પડતી કેફીન પ્રીતિ હશે!
🤣😂🤣😂🤣
ReplyDeleteTambaku wala jevu chhe!
Aje jo tame tamabaku na khata hot ne aetla paisa jo save karya hot to!... Kaju badam khadha hot to.... etc. etc.
Oh! Remember one incident!
around 2005-2006 some school of kids go to every shop and asking for take oath to not eating any tobaco products!!
Interesting thing to watch is their manipulative tactics.. sometime they brought any god pic with them. sometimes asking fine!
Don't know it's their school project or what not! but they are making money! and at this time some tobaco lovers make their critical thinking at best while students show any religious picture! 🤣