બુધવારે (21-12-11) સવારે મુંબઇ પહોંચવાનું નક્કી જ હતું ને મંગળવારે કાર્ટૂનિસ્ટ-મિત્ર હેમંત મોરપરિઆની ફેસબુક વોલ પરથી જાણવા મળ્યું કે બુધવારે સાંજે મારિઓ મિરાન્ડાની સ્મૃતિસભા છે. સરનામું હતું ઇન્ડિગો રેસ્ટોરાં, કોલાબા.
તેમાં બોલનારા લોકોની યાદી મજબૂત હતીઃ ‘આઉટલૂક’ના તંત્રી વિનોદ મહેતા, ભૂતપૂર્વ પોલીસવડા જુલિયો રીબેરો, જેને અત્યાર લગી અમે ‘ગર્સન’ તરીકે ઓળખતા હતા, તે જર્સન ડીકુન્હા, ‘બિઝી બી’ બેહરામ કોન્ટ્રાક્ટરનાં પત્ની ફરઝાના કોન્ટ્રાક્ટર, હેમંત મોરપરિઆ અને આયોજક તરીકે ‘ડેબોનેર’- ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ જેવાં સામયિકોના પૂર્વતંત્રી અનિલ ધારકર તથા ‘ઇન્ડિગો’નાં માલિકણ માલિની અકેરકર. કાર્યક્રમ ‘ઓપન ફોર ઓલ’ હતો. સાથે ‘વાઇન એન્ડ સ્નેક્સ’ની વ્યવસ્થા પણ ખરી. ‘તમે આવજો અને મિત્રમંડળને પણ સાથે લાવજો’ પ્રકારનું આમંત્રણમાં જણાવાયું હતું.
એ સૂચનનો પાકો અમલ કરીને અમે છ જણ સાંજે છ વાગ્યે, 26-11થી જાણીતા બનેલા લીઓપોલ્ડ કાફે અને દીવાલો પર મારિઓનાં ચિત્રો ધરાવતા રેસ્ટોરાં ‘મોન્ડેગાર’/ Cafe Mondegar(નીચેની તસવીર) ને વટાવીને, ‘ઇન્ડિગો’ પર પહોંચી ગયા.

અમે ચાર-બીરેન (કોઠારી), બિનીત (મોદી), અભિષેક (શાહ) અને હું- અમદાવાદ-મહેમદાવાદ-વડોદરાથી ગયેલા અને દીપક (સોલિયા)-હેતલ (દેસાઇ) મુંબઇનાં. સાતમો મિત્ર, મુંબઇનો અજિંક્ય સંપટ મોડેથી જોડાવાનો હતો. કોઇ જૂના બંગલામાં ફેરબદલ કરીને બનાવાયું હોય એવું ‘ઇન્ડિગો’ મુંબઇનાં અત્યંત જાણીતાં અને એ ગ્રેડનાં રેસ્ટોરાંમાં સ્થાન ધરાવે છે, એવું મુંબઇનાં મિત્રો પાસેથી જાણવા મળ્યું. મુંબઇ જતાં પહેલાં અને ત્યાં પહોંચીને બે-ત્રણ પરિચિતોને ‘ઇન્ડિગો’ નો પાકો પતો પૂછતાં, તેમના ચહેરા પર ‘ઓહો, ઇન્ડિગો. શું વાત છે?’ પ્રકારના ભાવ આવ્યા હતા. રેસ્ટોરાં પર પહોંચ્યા પછી લાગ્યું કે એ અકારણ ન હતા. અમારું- એટલે કે અમે જેમાં ગયા હતા એ ફંક્શન રેસ્ટોરાંની અગાસીમાં હતું. રેસ્ટોરાંમાં નીચેથી દાખલ થયા પછી, છૂટીછવાયી બેઠકો વટાવીને દાદર ચડીને અગાસીમાં પહોંચ્યા, ત્યારે મંચ પર અને સામે ખુરશીઓ ગોઠવાઇ ચૂકી હતી. મંચ પર જમણા ખૂણે મારિઓનું કેરિકેચર મૂકવામાં આવ્યું હતું, જે પવનથી વારે ઘડીએ પડી જતું હોવાથી થોડા વખત પછી તેની પાછળ સરખો ટેકો મૂકવામાં આવ્યો.

અગાસીમાં ડાબી-જમણી દીવાલો પર મારિઓની કાર્ટૂનપટ્ટીઓ અને બીજાં કાર્ટૂન ફ્રેમમાં મૂક્યાં હતાં. એક ફ્રેમમાં મારિઓએ દોરેલું ‘બિઝી બી’નું આસપાસના સંપૂર્ણ માહોલ સહિતનું કેરિકેચર હતું.
દસ-બાર લોકો આવ્યા હતા. હેમંત મોરપરિઆ આવી ગયા હતા. તેમને મળ્યા એટલે ‘આપણે મુંબઇમાં અથડાઇ જ જઇએ છીએ’ એવો આનંદ તેમણે વ્યક્ત કર્યો. મોરપરિઆ સાથે આજકાલ કરતાં વીસ વર્ષનો પરિચય. ત્યાર પછી ક્યારેક કાલા ઘોડા ફેસ્ટિવલમાં તો ક્યારેક નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં યોજાયેલા પિકાસોના પ્રદર્શન નિમિત્તે તો ક્યારેક એનસીપીએ ઓડિટોરિયમમાં સાયગલ વિશેની ફિલ્મના શોમાં- અમારે આકસ્મિક મળવાનું થતું હતું. એ સિવાય ચહીને થતી મુલાકાતો-બેઠકો પણ ખરી. વ્યવસાયે રેડિઓલોજિસ્ટ એવા મોરપરિઆ ઉત્તમ કાર્ટૂનિસ્ટ તો ખરા જ. હવે ઘણા વખતથી તે શિલ્પો બનાવે છે. તેમણે બનાવેલું રજનીકાંતનું શિલ્પ.
હેમંતભાઇ સાથે સટરપટર ચાલતી હતી ને જુલિયો રીબેરો સજોડે આવ્યા. કશી હો હા કે ‘આવ્યા, આવ્યા’ વાળી વાત નહીં. કોઇ બંદૂકધારીઓ નહીં. ધીમે ધીમે રીબેરો બધાને મળ્યા. અનિલ ધારકરને, મોરપરિયાને. દરમિયાન, વાઇન અને તેની સાથે પધરાવી શકાય એવો સ્નેક્સ પીરસાતાં હતાં. રીબેરો વાઇનનો ગ્લાસ લઇને મોરપરિઆ સાથે વાતે વળગ્યા.
તેમનાં પત્ની પહેલી હરોળમાં મોટા ચાંલ્લાથી જુદાં તરી આવતાં, ‘પેજ-3’ના પાત્ર જેવાં લાગતાં અને ખરેખર ‘પેજ-3’ ફિલ્મમાં પાર્ટીના સીનમાં રોલ કરનાર, મુંબઇ દૂરદર્શનનાં એક સમયનાં સ્ટાર ડોલી ઠાકોર સાથે બેઠાં હતાં.
સામેની ખુલ્લી બાજુએ બહુમાળી મકાનોથી ઘેરાયેલી અગાસી પર ધીમે ધીમે મુંબઇની સાંજ ઢળી રહી હતી. વાતાવરણમાં ઠંડકનું નામોનિશાન ન હતું. મોટા ભાગની ખુરશીઓ હજુ ખાલી હતી. છાપામાં બે દિવસથી કાર્યક્રમની માહિતી આવતી હતી, પણ ચાલુ દિવસ હતો એટલે મોડેથી લોકો આવે અને ભીડ થાય એવી પૂરી સંભાવના હતી. થોડી વાર પછી, લાડમાં અમે જેમને કાકા વિનોદ કહીએ છીએ તે વિનોદ મહેતા આવ્યા. પેન્ટ-શર્ટ પહેરેલાં. એકદમ અનૌપચારિક બોડી લેન્ગ્વેજ. ભાવ માગવા કે ખાવાની કોઇ મુદ્રા નહીં. રીબેરોની જેમ એ પણ આવ્યા ને હળુ હળુ પરિચિતો સાથે વાતે વળગ્યા. એક બહેન તેમની આત્મકથા ‘લખનૌ બોય’ પર ઓટોગ્રાફ લેવા આવ્યાં. વિનોદ મહેતા એ વખતે વાઇન લેતાં પહેલાં કાઉન્ટર પર ઉભા રહીને કશી ઉતાવળ વિના દવાઓ-ગોળીઓ લઇ રહ્યા હતા.
(નીચેની તસવીરમાં મિત્રમંડળીઃડાબેથીઃ બીરેન, દીપક, હેતલ, અભિષેક અને પાછળ ગોળીઓનો વહીવટ કરતા વિનોદ મહેતા)
બીરેન, બિનીત અને હું થોડાઘણા ફોટા પાડવામાં અને બાકી વાતાવરણ જોવામાં હતા. સાડા છની ઉપર થોડી મિનીટ થયા પછી વક્તાઓ સ્ટેજ પર ગોઠવાયા. ત્યાર પહેલાં અલેક પદમશી અને ગોવિંદ નિહલાની આવીને શ્રોતાઓમાં ગોઠવાઇ ગયા.

સ્ટેજ પર પૂરતું લાઇટિંગ ન હતું. આજુબાજુ ફૂલછોડમાં થોડી નાની બત્તીઓ હતી એ જ. અનિલ ધારકરે આરંભ કર્યો અને ઓછી લાઇટની ફરિયાદ કરી. પણ જાણવા મળ્યું કે લાઇટ આટલું જ રહેવાનું છે. પાછળથી કોઇકે, મોટે ભાગે પદમશીએ, અનિલને આગળ ફૂલછોડ પાસે આવીને બોલવા કહ્યું. તેમણે એક-બે કિસ્સા દ્વારા મારિઓની સરળતા અને સજ્જનતાની વાત કરીને જુલિયો રીબેરોને માઇક આપ્યું. વક્તાસમુહમાં રીબેરો જુદા પડી આવતા હતા. એમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે સમજાયું કે ફક્ત અમને જ નહીં, એમને પણ એવું લાગતું હતું. તેમણે કહ્યું કે એ મારિઓની કળા વિશે બહુ બોલી શકે એમ નથી. એ મારિઓના મિત્ર પણ ન હતા. ‘તો પછી અહીં કેમ?’ એનો જવાબ એમના વક્તવ્યમાંથી મળ્યો. ટૂંકી મુદતમાં ગોઠવાઇ ગયેલા કાર્યક્રમમાં ઘણું કરીને, એક જાણીતા ગોવાનીઝ હોવાને કારણે જુલિયોને બોલાવાયા હશે. તેમણે ગોવાના ખ્રિસ્તીઓની, તેમના હિંદુ પૂર્વજોની, ગોવાનીઝ ખ્રિસ્તીઓનાં અવનવાં નામ-અટકની, ઇટાલિયન નામોના મોહની અને ખ્રિસ્તી બન્યા પછી પણ તેમનામાં ચાલુ રહેતી જ્ઞાતિપ્રથા- સામાજિક વર્તુળની વાત કરી. જુદી રીતે એ વાતોમાં રસ પડી શકે, પણ મારિઓના સંબંધે તેમાં ભાગ્યે જ કંઇ જાણવા જેવું હતું. ગોવાનીઝ તરીકે મારિઓ વિશે તેમણે ગૌરવની લાગણી વ્યક્ત કરી.
જુલિયો થોડું બોલ્યા ત્યાં માઇક વંકાયું. એટલે સ્ટેજ પરથી કોઇકે ગમ્મત કરી, ‘આર.કે.લક્ષ્મણનું કાવતરું.’ લક્ષ્મણ અને મારિઓ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ ગ્રુપમાં સાથે હતા, પણ પ્રચલિત છાપ પ્રમાણે, મારિઓ ‘ટાઇમ્સ’ અખબારમાં ન આવી જાય અને તેનાં સામયિકો પૂરતા જ સીમિત રહે, એનું લક્ષ્મણે પૂરતું ધ્યાન રાખ્યું હતું. આ મતલબનું સૂચવતી અંજલિ બચી કરકરિયાએ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં પણ આપી હતી. (હેમંત મોરપરિઆએ પોતાના વક્તવ્યમાં બચીની ‘લક્ષ્મણ અને લતા મંગેશકર’ની સરખામણી ફરી યાદ કરી.)
જુલિયો રીબેરો પછી બોલનાર જર્સન ડીકુન્હા મારિઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. ગોવામાં મારિઓનું મ્યુઝીયમ, તેમની વેબસાઇટ અને મારિઓનાં કામનું બૃહદ પુસ્તક ‘મારિઓ ડી મિરાન્ડા’ તૈયાર કરવામાં તેમનો મોટો ફાળો છે. પણ વક્તવ્યમાં તેમણે બિલકુલ નિરાશ કર્યા. મારિઓ સીધાસાદા માણસ હતા, ‘તેમણે જીવનમાં કદી જોક નહીં કહ્યો હોય’ એમ કહીને મારિઓએ કહેલો સંભવતઃ એક માત્ર જોક જર્સને યાદ કર્યો. (ઇટાલિયન ગાયક) કરુઝો ફરતા ફરતા એક અજાણી જગ્યાએ ખેડૂતના ઘરે પહોચ્યા. ત્યાં જઇને પોતાની ઓળખાણ આપી, એટલે ખેડૂતે રાજી થઇને તેની પત્નીને બૂમ પાડી, ‘અરે, નીચે આવ. તને ખબર છે, આપણા ઘરે કોણ આવ્યું છે? મહાન મુસાફર રોબિન્સન કરુઝો.’ ત્યાર પછી જર્સન તેમના દળદાર પુસ્તક ‘મારિઓ ડી મિરાન્ડા’માંથી ચુનંદી સામગ્રી વાંચવાના હતા, પણ એ ચુનંદી સામગ્રી કમનસીબે મારિઓનાં કાર્ટૂનની- તેમાં પણ બોસ અને સેક્રેટરીનાં કાર્ટૂનની- લાઇનો નીકળી. ચોપડીમાં ફ્લેપ મુકેલા હોવા છતાં એ શોધવા માટે જર્સનને ફાંફા મારવાં પડ્યાં. એકનું એક ફ્લેપ વારે ઘડીએ પાછું આવતું હતું. એ પ્રક્રિયા ભારે વિચિત્ર અને ત્રાસદાયક લાગતી હતી. છેવટે તેમણે એવી રીતે જ વક્તવ્ય સમેટી લીધું.
આખા કાર્યક્રમમાં સૌથી સારું- ખરેખર તો એક માત્ર સારું-વક્તવ્ય વિનોદ મહેતાનું હતું. તે લખે છે એવી જ હલ્કીફૂલ્કી, જીવંત અને નખરાળી શૈલીમાં બોલ્યા. ‘આપણે મારિઓના મૃત્યુનો શોક કરવા નહીં, પણ એમની સ્મૃતિનો ઓચ્છવ કરવા ભેગા મળ્યા છીએ.’ એમ કહીને તેમણે મારિઓના સ્વભાવની ઘણી વિશિષ્ટતાઓ યાદ કરી.
(ફરઝાના કોન્ટ્રાક્ટર, વિનોદ મહેતા, જુલિયો રીબેરો)
‘હું અને મારીઓ તદ્દન જુદા. હું એકદમ લાઉડમાઉથ, પીઅક્કડ, પપ્પીઝપ્પી ટાઇપ પંજાબી અને એ એકદમ ઓછાબોલા. હું ‘ડેબોનેર’નો તંત્રી બન્યો ત્યારે મારા મેગેઝીનમાં કોઇ લખવા તૈયાર ન હતું. એ વખતે બિઝી બીએ તેમાં લખવાનું અને મારિઓએ તેમાં દોરવાનું સ્વીકાર્યું. એ દિવસોમાં હું મારિઓ અને હબીબાનું નામ બેશરમીથી વટાવીને જર્સન અને જુલિયો જેવા લોકોની ઓળખાણ કરતો હતો. કારણ કે મુંબઇમાં મને કોઇ ઓળખતું ન હતું. મારિઓ અસલમાં ઉત્તમ ચિત્રકાર હતા. એ મને ઘડી વાર કહેતા હતા કે કાર્ટૂનો તો એ પેટિયું રળવા કરે છે. મોટા ભાગના મનમોજી માણસોની જેમ મારિઓને પણ કાયમ રૂપિયાની જરૂર રહેતી. એટલે મારિઓને કાર્ટૂનિસ્ટ તરીકે યાદ કરવા એ તો એમનું અપમાન કર્યા જેવું છે.’
સિત્તેરના દાયકામાં મારિઓ અને વિનોદ મહેતા દસેક દિવસ માટે ઓસ્ટ્રેલિયા સાથે ગયા હતા. મહેતાએ કહ્યું કે ‘હરામ છે જો મારિઓ દસ દિવસમાં દસ શબ્દો પણ બોલ્યા હોય. એ અને એમની સ્કેચબૂક. આખો દિવસ એ સ્કેચ જ કરતા હોય. એ વખતે મોટે ભાગે કટોકટી ચાલતી હતી. લોકો એમને ભારતની સ્થિતિ વિશે કંઇક પૂછે એટલે એ તરત મારી સામે આંગળી ચીંધીને કહે, એને પૂછો. એને પોલિટિક્સની બધી ખબર છે.’ મારિઓની સહિષ્ણુતા વિશે વિનોદ મહેતાએ કહ્યું કે અમેરિકના એમ્બેસીના બીજા-ત્રીજા દરજ્જાના ‘કમ્પ્લીટ ઇડિયટ’ એવા અફસરો સાથે મારિઓ વાતો કરતા હોય. હું એમને કહું કે કમોન મારિઓ, આ લોકો એકદમ ઇડિયટ છે. એમની જોડે શું ખપાવવાની? પણ એ કહે, ના,ના, એમણે આપણને જમવા માટે નોતર્યા છે. વગેરે. પછી પંદર-વીસ મિનીટ રહીને મારિઓ મારી પાસે આવે અને કહે, ‘યુ આર રાઇટ. આ લોકો તો એકદમ ઇડિયટ છે.’
‘તમે કોઇ માણસને વ્હીસ્કીના બે પેગ લઇને ત્રણ-ચાર કલાક કાઢી નાખતો જોયો છે? મારિઓનું એવું હતું. એ ગ્લાસ લે અને તેની ફરતે ટીસ્યુ પેપર વીંટાળી દે. પછી હું પૂછું કે ‘વ્હેર ઇઝ યોર ડ્રીન્ક?’, એટલે એ તરત ગ્લાસ બતાવે. અને ‘ધેટ સન ઓફ અ બીચ’ને તમે ગોવામાં જુઓ તો બેહિસાબ દારૂ પીએ. એક દિવસ હું ગોઆ હતો ત્યારે સવાર સવારમાં જ મારિઓએ બોટલ ખોલી હતી. મુંબઇનો મારિઓ અને ગોવાનો મારિઓ જુદા માણસ હતા. મુંબઇનો મારિઓ એકદમ સીધોસાદો, સભ્ય, કાળાં શર્ટ-પેન્ટ પહેરે. બીજી કોઇ ખટપટ નહીં. અને ગોવામાં એ સાવ અલગ બની જતો હતો.’
આત્મકથામાં લખેલા શોભા ડેના ‘સ્કેન્ડલ’ને ‘હવે ચોપડીમાં લખ્યું છે એટલે કહેવામાં વાંધો નથી’ એમ કહીને વિનોદ મહેતાએ કહ્યું કે એક વાર મારિઓની પાર્ટી ચાલતી હતી અને શોભા ડે વણબોલાવ્યાં આવી પહોંચ્યા ત્યારે મારિઓએ તેમને અંદર આવવા દીધાં ન હતાં. ગિન્નાયેલાં શોભા ડેએ ‘ઇવ્ઝ વીકલી’માં મારિઓ વિશે હળાહળ ઝેર ઓકતો એક લેખ લખ્યો. તેણે લખ્યું કે મારિઓની વાઇફે પોતાના હાથની નસો કાપી નાખવી જોઇએ વગેરે..મારિઓ એ લેખથી દુઃખી હતો, પણ એટલા માટે નહીં કે શોભાએ એના વિરુદ્ધ લખ્યું. તેને એ દુઃખ થયું કે તેની પત્ની વિશે આવું લખાયું. અમે મારિઓને કહેતા કે પેલીએ (ધેટ ગર્લ) તારા વિશે આવું લખ્યું છે. એને બરાબર જવાબ આપવો જોઇએ. પણ મારિઓને એવો કશો રસ ન હતો. આ બધું તેને પોતાની ગરીમાથી વિરુદ્ધ લાગતું હતું. આ લેખ વિશે ‘ઇવ્ઝ વિકલી’ને પત્ર લખવામાં પણ તેમણે કશો રસ ન લીધો અને અમે લખેલો પત્ર જોવાની પણ દરકાર કરી ન હતી.’
મોટી ઉંમરે, પોતાનાથી ઘણી મોટી વયના બેહરામ કોન્ટ્રાક્ટર ‘બિઝી બી’ સાથે લગ્ન કરનાર ફરઝાનાએ મારિઓ અને બિઝી બી સાથેનાં થોડાં સંભારણાં તાજાં કર્યાં. ‘આજે સવારે હબીબા સાથે વાત થઇ. એમનાથી આવી શકાય એમ ન હતું. એમણે સમારંભ વિશે બહુ આનંદ વ્યક્ત કર્યો. મારિઓની છેલ્લી અવસ્થા વિશે હબીબાએ કહ્યું કે તે છેલ્લા દિવસોમાં બીમાર રહેતા હતા એ વાત ખોટી છે. એ ઉંઘમાં જ સુખેથી સીધાવ્યા. તેમની ઇચ્છા પ્રમાણે તેમને અગ્નિદાહ અપાયો. ઇલેક્ટ્રિક સ્મશાનની વ્યવસ્થા ન હતી અને મારિઓની ઇચ્છા પણ લાકડાંના અગ્નિથી બળવાની હતી.’ ફરઝાનાએ બે લેખ વાંચ્યા. મારિઓએ લખ્યું હોત તો એ સરસ લેખક બન્યા હોત, એમ કહીને ફરઝાનાએ પોતાના કૂતરાને અંજલિરૂપે મારિઓનો લખેલો આખો લેખ વાંચ્યો. ફરઝાનાના સામયિક ‘ડોગ્ઝ એન્ડ મોર’માં એ લેખ છપાયો હતો. સામયિકની નકલો રસ ધરાવતા લોકો માટે મૂકવામાં આવી હતી. ફરઝાનાએ કહ્યું કે મારિઓ ડેડલાઇન પ્રમાણે કાર્ટૂન મોકલવામાં કાયમ મોડું કરે. હું પૂછું કે કાર્ટૂન ક્યાં છે? તો એ જવાબ આપે, ‘સ્પીડી ડીસોઝા લઇને નીકળી ગયો છે.’ મારિઓનો એક માણસ હતો શિવરાજ. એ તેમના ધક્કાફેરા ને કામકાજ કરતો. એટલો બધો ધીમો કે ‘આફ્ટરનૂન’ની ઓફિસમાં આવ્યા પછી અમારી કેબિન સુધી પહોંચતાં એને દસ મિનીટ લાગે. એટલે મારિઓએ તેનું નામ સ્પીડી ડીસોઝા પાડ્યું હતું. (એ વિનોદ કાંબલીના નજીકના સગપણમાં હતા.)

(ડાબેથી) અનિલ ધારકર,જર્સન ડીકુન્હા, વિનોદ મહેતા, જુલિયો રીબેરો, ફરઝાના કોન્ટ્રાક્ટર, હેમંત મોરપરિઆ)
હેમંત મોરપરિઆએ લખેલા મુદ્દા પરથી, જાહેર વક્તવ્યની નહીં પણ અંગત વાતચીતની શૈલીમાં આવતાં ખાંચાખૂંચી સાથે વાત કરી. તેમણે કહ્યું,’મારે મારિઓને સાત-આઠ-દસ વાર જ મળવાનું થયું. એ મને હંમેશાં પ્રોત્સાહન આપતા હતા. આ વાત થોડા વખત પહેલાં જ જે કાર્ટૂનિસ્ટની (લક્ષ્મણની) વાત થઇ એ સંદર્ભમાં કરું છું. મારિઓનાં કાર્ટૂન વિશે વાત કરતાં કહ્યું કે એ જેટલાં ઓછાબોલા હતા, એટલાં જ તેમનાં કાર્ટૂન બોલકાં હતાં. સ્ક્વેર ઇંચ દીઠ સૌથી વધારે ચિત્રકામ તેમનાં કાર્ટૂનમાં જોવા મળે. કાર્ટૂનિસ્ટો બે પ્રકારના હોયઃ એક જેમને ચિત્ર દોરવાનું ગમતું હોય. મારિઓ એ પ્રકારનાં હતાં અને બીજા મારા જેવા, જેમને મન ચિત્ર ફક્ત વિચારનું વાહન હોય. (અલબત્ત, એનો અર્થ એવો નહીં કે ચિત્ર અને કેરિકેચર ઠેકાણાં વગરનાં અને ઓળખી ન શકાય એવાં હોય.)
મારિઓનાં ચિત્રો દ્વિપરિમાણીય રહેતાં. તેમાં ઊંડાણનો ભાવ ન મળે. એ રીતે તેમને ગ્રાફિક આર્ટિસ્ટ કહી શકાય. તેમનાં સર્જેલાં પાત્રો તો સાવ એક પરિમાણીય. સ્ટીરીયોટાઇપ. તેમનાં કાર્ટૂનોમાં આવતાં મહિલાઓના ઉપસેલા આકાર અને જુગુપ્સાપ્રેરક શારીરિક ક્રિયાઓ કરતાં પાત્રો વિશે પણ મોરપરિઆએ વાત કરી અને તેમને ‘એડોલેસન્ટ સ્કૂલ ઓફ હ્યુમર’માં ગણાવ્યા. ‘તેમનાં ઘણાં કાર્ટૂન પોલિટિકલી કરેક્ટ ન હતાં. અત્યારે કદાચ તેમાંથી કેટલાંક સેન્સર થયાં હોત. ‘આ પ્રકારનાં કાર્ટૂન અત્યારના તંત્રીઓ- ખાસ કરીને મહિલા તંત્રીઓ છાપે કે કેમ એ સવાલ.’ આ વાત પર હળવો ગણગણાટ થયો. મહિલાઓઓ કહ્યું કે શું કરવા ન છાપીએ? વિનોદ મહેતાએ વચ્ચે દરમિયાનગીરી કરીને કહ્યું કે ‘હું જરૂર છાપું અને કહું કે ઉત્સર્જિત પદાર્થોનો જથ્થો અપૂરતો છે. એ જરા વધારો.’
મારિઓનાં કાર્ટૂનમાં રોષ કે ગુસ્સાનો સદંતર અભાવ હતો. બંડલદાસ જેવું તેમનું રાજકીય પાત્ર પણ વહાલા લાગે એવા મૂરખનાં લક્ષણ ધરાવતું હતું. કાર્ટૂનમાં કોઇ રાજકારણી ગમે એવું ભાગ્યે જ બને. મારિઓ કાર્ટૂનમાં રીવેટમેન્ટ રહેતું. એકેએક રીવેટ દેખાય એટલી ઝીણવટ. એ પાંદડું જ નહીં, તેની દરેક નસો દોરે. પણ વીતતાં વર્ષો સાથે તેમને કાર્ટૂન દોરવામાં આવતી મઝા ઘટતી હોય એવું લાગતું હતું. ઘણી વાર આપણને થાય કે મઝા ન આવતી હોય તો પણ એ શા માટે દોરતા હશે? પણ કદાચ મિત્રોનો આગ્રહ એ નકારી નહીં શકતા હોય.’
(ડાબેથીઃજર્સન ડીકુન્હા/Gerson DeCunha, જુલિયો રીબેરો/Julio Ribero, ફરઝાના કોન્ટ્રાક્ટર/Farzana Contractor, ચિત્રદેહે મારિઓ મિરાન્ડા, અનિલ ધારકર/Anil Dharkar, વિનોદ મહેતા/Vinod Mehta અને હેમંત મોરપરિઆ/Hemant Morparia)
આખો કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ, આશાવાદી અપેક્ષા મુજબ ભીડ થઇ ન હતી. આટલાં મોટાં નામ અને મારિઓ વિશેનો કાર્યક્રમ છતાં માંડ પચાસેક લોકો આવ્યા. આયોજકોએ ફોટોગ્રાફરની વ્યવસ્થા પણ રાખી ન હતી. એટલે બિનીત સમારંભનો સત્તાવાર ફોટોગ્રાફર થઇ ગયો. અનિલ ધારકર અને ફરઝાના કોન્ટ્રાક્ટર જેવાંએ પોતાના ઇ-મેઇલ આપીને ફોટા મોકલવા વિનંતી કરી.
કાર્યક્રમમાં વાઇનની વ્યવસ્થા હોય ને ફોટોગ્રાફરની વ્યવસ્થા ન હોય, એવું બને? એવું હવે કોઇ પૂછે તો જવાબ ‘હા’માં આપવાનો થાય.
(Pics: Binit Modi, Biren Kothari, Urvish Kothari)