એક હતી અંધેરી નગરી. તેમાં એક રાજા હતો જે રાજા ન હતો અને એક સિંહ હતો જે સિંહ ન હતો. અંધેરી નગરીના નાગરિકોને તેનાથી કશો ફરક પડતો ન હતો. કારણ કે એ પણ કહેવા પૂરતા- પાનના ગલ્લે કે ઘરનાં દીવાનખાનામાં બેસીને તડાકા મારવા પૂરતા જ - નાગરિક હતા.
અંધેરી નગરીમાં લોકશાહી છે એવી અફવા હતી. લોકશાહી વિશે વિવાદ થાય ત્યારે સ્થાનિક ચિંતકો અને ગુરૂઓ પ્રજાને કહેતા હતા, ‘કુંજામાં ફરતી કીડી જેમ કુંજો જોઇ શકતી નથી, તેમ તમને આપણી લોકશાહી દેખાતી નથી. એક વાર બહાર નીકળો અને આપણા રાજની આજુબાજુ નજર કરો. પછી તમને ખબર પડશે કે આપણે ત્યાં કેવી સ્વર્ગીય લોકશાહી છે!’ એક નાનો વર્ગ લોકશાહી સ્વર્ગીય છે કે સ્વર્ગસ્થ, એ વિશે જોશપૂર્વક ચર્ચા કરતો હતો.
અંધેરી નગરીમાં બઘું - એટલે કે હિંસા, ભ્રષ્ટાચાર, આંતરવિગ્રહ, સંસદમાં ધમાલ એ બઘું- સમુંસૂતરૂં ચાલતું હતું. અચાનક એક દિવસ એક મોટો ગોટાળો પ્રકાશમાં આવ્યો. વિરોધ પક્ષો તેને ‘સ્પેક્ટ્રમ કૌભાંડ’ કહેતા હતા. કારણ કે તે મોબાઇલ ફોનના સ્પેક્ટ્રમની ફાળવણી અંગેનું હતું. રાજા ન હતા એવા એક રાજાએ રાજની માલિકીનો સ્પેક્ટ્રમ ઓછા ભાવે કંપનીઓને આપી દીધો. એનાથી રાજને અમુક લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો એવી વાત હતી.
અંધેરી નગરીમાં લોકશાહી કાલ્પનિક હોઇ શકે, પણ અંધેર સો ટકા વાસ્તવિક હતો. કોઇ પણ કૌભાંડ થાય, એટલે કેટલાક નિયમો આપમેળે કામે લાગી જાય એવો જડબેસલાક અંધેર. જેમ કે, કૌભાંડ જાહેર થાય એટલે એક પક્ષ ઇન્કાર કરે અને બીજો પક્ષ ઉગ્ર આરોપો કરે. આશય એટલો જ કે પ્રજાને કરમુક્ત મનોરંજન મળી રહે.
માત્ર સફળતાના જ નહીં, કૌભાંડના પણ અનેક પિતા હોય છે. તેમાંથી એકાદનું નામ જાહેર થાય એટલે કરમુક્ત શો સુખરૂપ ચાલ્યા કરે. કૌભાંડની આગળ તપાસ થાય, બાકીના લોકોનાં નામ જાણવા મળે અને તેમના ‘પિતૃત્વ’ની ચકાસણી થઇ રહે ત્યાં સુધીમાં અંધેરી નગરીના નાગરિકો કંટાળીને આખી વાતમાંથી રસ ગુમાવી ચૂક્યા હોય. પછી એકાદ ક્રિકેટ ટુર્નામેન્ટ કે ફિલ્મી વિવાદ કે ત્રાસવાદી હુમલો થાય, એટલે આખું કૌભાંડ અંધેરી નગરીના સમૃદ્ધ ઇતિહાસમાં વઘુ એક સોનેરી પ્રકરણ તરીકે ઉમેરાઇ જાય.
સ્પેક્ટ્રમ કૌભાંડમાં બહુ મોટી રકમનો આંકડો ઉછળ્યો હોવાથી, તેને ઇતિહાસમાં દફનાવતાં પહેલાં એક તપાસસમિતિ નીમવામાં આવી. અંધેરી નગરીમાં તપાસસમિતિની ઉજ્જવળ પરંપરા છેઃ દિવસે નીમાયેલી તપાસસમિતિઓ સૂરજ શોધવાના કામમાં રાત પાડી નાખે. ત્યાર પછી ચંદ્રના અજવાળામાં સૂરજની સાંઠગાંઠની આશંકા તરફ આંગળી ચીંધે અને પૂરતા પુરાવાના અભાવે સૂરજનું અસ્તિત્ત્વ સાબીત થતું નથી એવું તારણ આપે.
સ્પેક્ટ્રમ કૌભાંડ માટે નીમાયેલી તપાસસમિતિ અંધેરી નગરીની પરંપરા પ્રમાણે તપાસ આદરે તો?
***
એક ખંડમાં તપાસસમિતિના સભ્યો બેઠા છે. ચોતરફ ફાઇલોના ઢગ ખડકાયેલા છે. પાછળ એક બેનર લટકે છે, જેની પર મોટા અક્ષરે ‘સ્પેક્ટ્રમ (કૌભાંડ) તપાસસમિતિ’ લખાયેલું છે. બાકીની જગ્યામાં ‘આ તપાસસમિતિના પ્રાયોજકો’ એવા મથાળા હેઠળ તમામ મોબાઇલ કંપનીઓનાં નામ વાંચવા મળે છે.
સભ્ય ૧: હવે આપણે કંઇક કરવું જોઇએ.
સભ્ય ૨: તમે આવું ન બોલો. કોઇ સાંભળે તો કેવું લાગે, જાણે ક્યારના આપણે હાથ જોડીને બેસી રહ્યા હોઇએ.
સભ્ય ૫: પણ આપણી નિમણૂંકને ૧૨ વર્ષ થઇ ગયાં...
સભ્ય ૩: શું વાત કરો છો! હજુ તો ગઇ કાલે જ સમિતિની રચના થઇ હોય, આપણને ઓફિસ ફળવાઇ હોય અને ભાડાં-ભથ્થાં શરૂ થયાં હોય એવું લાગે છે...સમય કેટલો જલ્દી જતો રહે છે, નહીં?
સભ્ય ૪: મને તો હવે તપાસ કરવાની એવી ટેવ પડી ગઇ છે કે આ તપાસ પૂરી થઇ જશે તો મારૂં શું થશે, એની ચિંતા થાય છે.
સભ્ય ૩: એમ ઢીલા ન થઇ જાવ. સૌ સારાં વાનાં થશે. કૌભાંડોની ક્યાં ખોટ છે? બસ, વિપક્ષોને જરા ટાઇટ કરવાના કે સમિતિ નીમવાની માગણી પકડી રાખે.
સભ્ય ૧: પણ આપણા કામનું શું? આપણે જે કામ માટે નીમ્યા છે...સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ માટે...
સભ્ય ૨: હા, તેની કોણ ના પાડે છે? અને તમે આટલો અપરાધભાવ શા માટે અનુભવો છો? આપણે પ્રતિષ્ઠિત માણસો છીએ. એમ કંઇ ગામ છોડીને નાસી થોડા જવાના છીએ કે કોઇ આપણી પાસે અહેવાલની ઉઘરાણી કરે!
સભ્ય ૪: નાસી જવાનો સવાલ નથી, પણ બાર-બાર વર્ષ થઇ ગયાં.
સભ્ય ૩: મહાભારતમાંથી કંઇક તો શીખો! વનવાસ પૂરો થવા આવ્યો હોય ત્યાં જ એવો વાંધો નીકળવો જોઇએ કે વનવાસની નવી મુદત ફરી શરૂ થઇ જાય. ભલે થતાં બીજાં બાર વર્ષ ટૂંકાં!
સભ્ય ૧: ના, મારે હવે એક્સ્ટેન્શન નથી જોઇતું. મારો અંતરાત્મા ડંખે છે.
સભ્ય ૨: છાના રહો, મિત્ર. બાર વર્ષે અંતરાત્મા ડંખ્યો નહીં, જાગ્યો કહેવાય. આ બધી સોનિયા ગાંધીગીરી મને ના શીખવશો.
સભ્ય ૫: તમે એમ બળજબરીથી અમારો અવાજ દબાવી ન શકો. પાંચ જણની સમિતિમાંથી અમે ત્રણ જણ કંટાળ્યા છીએ. હવે કંઇક કરવું જ પડશે. કમ સે કમ આ સમિતિમાંથી તો અમારે નીકળવું જ છે. હમણાં જ ‘બિગ બોસ’ ટીવી શો અશ્વ્લીલ છે કે નહીં, તેની તપાસસમિતિ રચાઇ ગઇ. આપણે આ કામ વેળાસર પૂરૂં કર્યું હોત તો એમાં નંબર લાગી ગયો હોત. મેં સાંભળ્યું છે કે એમાં પામેલા એન્ડરસનની પણ જુબાની લેવાના છે.
સભ્ય ૧: આપણે વિષયાંતર ન કરવું જોઇએ, પણ મૂળ મુદ્દો સાચો છે. એક કામ પૂરૂં થાય તો આગળ કંઇક સૂઝ પડે. તપાસસમિતિમાં નવેનવી નિમણૂંક થઇ ત્યારે લોકોમાં આપણો વટ પડતો હતો. તપાસમિતિની બત્તીવાળી ગાડીમાંથી ઉતરીએ એટલે લોકો ગાર્ડ ઓફ ઓનરની માફક લાઇનબંધ સ્વાગત કરવા ઉભા થઇ જતા હતા.
સભ્ય ૫: અને હવે? ક્યાંક જઇએ તો લોકો મોઢામોઢ તો નથી કહેતા, પણ પીઠ ફેરવીએ કે તરત ઠેકડી ઉડાડે છે. કેટલાક તો પૂછી પણ નાખે છે કે ‘શું પછી સ્પેક્ટ્રમમાં કંઇ તાળો મળ્યો? કે વહીવટ થઇ ગયો’
સભ્ય ૪: હવે નથી સહન થતું. હવે આ કૌભાંડમાં અપરાધીનું નામ પાડો અને વાત પૂરી કરો.
સભ્ય ૨ અને ૩: સારૂં. તમારો આટલો આગ્રહ છે તો હવે અમે કહી જ દઇએ...
સભ્ય ૧: એટલે, તમે તપાસ પૂરી કરી નાખી છે?
સભ્ય ૪ : આરોપી શોધી નાખ્યા છે?
સભ્ય ૨: અત્યાર સુધી હોય? ખરેખર તો અમે અંધેરી નગરીના અમારા લાંબા અનુભવને કારણે કૌભાંડ જાહેર થયું એ જ દિવસથી અસલી આરોપી વિશે જાણતા હતા.
સભ્ય ૫: શું વાત કરો છો! તમે તો છુપા રૂસ્તમ નીકળ્યા.
સભ્ય ૪: અમને કહ્યું પણ નહીં! હવે વધારે રાહ ન જોવડાવશો. જલ્દી કહી દો. કોણ છે સ્પેક્ટ્રમ કૌભાંડનો અસલી આરોપી?
સભ્ય ૨ અને ૩ (એક અવાજે): માર્ટિન કૂપર.
સભ્ય ૧,૪,૫ (સામુહિક રીતે): એ કોણ? આવા કોઇ માણસનું નામ આજ લગી સાંભળ્યું નથી. ટ્રાઇમાં હતો? ટેલીકોમ મંત્રાલયમાં હતો? કે વડાપ્રધાનની કચેરીમાં?
સભ્ય ૨: એ અમેરિકાનો છે.
સભ્ય ૧: તો એમાં શું થઇ ગયું? અમેરિકા સાથે આપણે સારા સંબંધ છે. એમને કહીશું તો એ કૂપરને ભારત મોકલી આપશે.
સભ્ય ૩: પણ કૂપર બહુ હોંશિયાર માણસ છે. સ્પેક્ટ્રમ કૌભાંડમાં એનો ગુનો સાબીત કરવો અઘરો છે.
સભ્ય ૧: સ્વાભાવિક છે. આટલા મોટા કૌભાંડ માટે જવાબદાર માણસ ચાલાક જ હોય, પણ એણે ગુનો કર્યો કેવી રીતે?
સભ્ય ૨: કૂપરનો સૌથી મોટો ગુનો એ હતો કે એણે પહેલો મોબાઇલ ફોન શોઘ્યો.
સભ્ય ૩: એણે મોબાઇલ ફોન શોઘ્યો ત્યારે સ્પેક્ટ્રમની ફાળવણીનો અને તેમાં કૌભાંડ થવાનો સવાલ પેદા થયો ને!
સભ્ય ૨ અને ૩: એટલે આપણે અહેવાલમાં મોબાઇલ ફોનના શોધક માર્ટિન કૂપરને મુખ્ય ગુનેગાર ઠેરવીએ તેમાં તમને કોઇ વાંધો નથી. બરાબર?
સભ્ય ૧, ૪, ૫: હા, એકદમ બરાબર.
સભ્ય ૨ અને ૩: અંધેરી નગરીની ન્યાય પરંપરા...
સભ્ય ૧, ૪, ૫: ઝિંદાબાદ, ઝિંદાબાદ
(સૂત્રોચ્ચાર સાથે તપાસ પૂરી થાય છે.)