ભારતના સેન્સેક્સથી માંડીને વિશ્વનાં બજારો યુરોપના એક દેશ-ગ્રીસ-ની દેવાળીયા હાલતથી હચમચી ઉઠ્યાં છે. ગ્રીસને નાદાર થતો અટકાવવા માટે યુરોપીયન યુનિયનના સાથીદેશોએ અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ) જેવી સંસ્થાએ અબજો ડોલરની જંગી રકમ મદદ પેટે આપવાની જાહેરાત કરી છે.
ખરી મોંકાણ એ વાતની છે કે બેઇલ આઉટ પેકેજ/ આફતમાંથી બહાર આવવા માટેની સહાયથી સૌ સારા વાનાં થવાનાં નથી. ગ્રીસ પછી સ્પેન અને સ્પેન પછી પોર્ટુગલ, ઇટાલી, આયર્લેન્ડ જેવા - ટૂંકમાં PIIGS તરીકે ઓળખાતા- દેશોની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ છે. આ બધા દેશોને બચાવવા માટે ૯૫૭ અબજ ડોલરની જંગી સહાય જાહેર કરવામાં આવી છે. (સરખામણી ખાતર યાદ કરીએ તો, વોલસ્ટ્રીટની ૨૦૦૮ની મંદી વખતે અમેરિકાની સરકારે દેશની નાણાંકીય સંસ્થાઓને ઉગારવા માટે ૭૦૦ અબજ ડોલરનું પેકેજ આપ્યું હતું.)
સવાલ એ થાય કે સમૃદ્ધ ગણાતા યુરોપના કેટલાક દેશો છેક દેવાળું ફૂંકવું પડે એવી સ્થિતિમાં શી રીતે આવી ગયા? અને દુનિયાના કારોબારમાં મામૂલી સ્થાન ધરાવતા ગ્રીસ- સ્પેન-પોર્ટુગલ જેવા દેશોની આર્થિક અવદશાથી દુનિયાનાં બજારો કેમ હાલકડોલક થાય છે? આ સવાલોની સાથોસાથ, યુરોપના ૧૫ દેશોના સહિયારા ચલણ ‘યુરો’ના અંજામ વિશે પણ અમંગળ અટકળો થવા લાગી છે. તેની વિગતમાં ઉતરતાં પહેલાં ‘યુરો’ની અત્યાર સુધીની સફર અને તેની સાથે સંકળાયેલી- કેટલાકના મતે પાયાની- સમસ્યાઓ પર એક નજર કરી લઇએ.
યુરોઃ એક બજાર, એક ચલણ
યુરોપ ખંડના ૨૭ દેશોનું રાજકીય અને આર્થિક ગઠબંધન ‘યુરોપીઅન યુનિયન’ તરીકે ૧૯૯૩માં અસ્તિત્ત્વમાં આવ્યું. એ માટેના કરાર નેધરલેન્ડના માસ્ટ્રીક્ટ શહેરમાં ફેબુ્રઆરી, ૧૯૯૨માં થયા હતા. માસ્ટ્રીક્ટ કરાર પ્રમાણે, યુરોપીઅન યુનિયનના સભ્ય દેશો વચ્ચે નાગરિકોની અને માલસામાનની મુક્ત હેરફેર શક્ય બની. તેમ છતાં, દરેક દેશનું ચલણ જુદું અને તેમના વિનિમય દરો દેશના અર્થતંત્રની મજબૂતી પ્રમાણે અલગ અલગ રહેતા હતા. જેમ કે, જર્મનીનો માર્ક યુરોપનું જ નહીં, વિશ્વનું પણ ડોલર પછીનું બીજા નંબરનું ચલણ ગણાતો હતો. અસંખ્ય દેશો પોતાનાં રોકાણ માર્કમાં કરતા હતા.
યુરોપીઅન યુનિયનના સભ્ય દેશો વચ્ચે આર્થિક વ્યવહાર માટે ‘યુરોપીઅન કરન્સી યુનિટ’ (ઇસીયુ)નો ઉપયોગ થતો હતો. યુરોપના દરેક દેશના સ્થાનિક ચલણને કાલ્પનિક એવા ઇસીયુના આધારે મૂલવવામાં આવતું હતું. જેમ કે, જર્મન ચલણનો ૧ માર્ક બરાબર ૧ ઇસીયુના ૩૩ ટકા. (બીજી રીતે કહીએ તો, ૧ ઇસીયુ બરાબર આશરે ૩ માર્ક).
ઇસીયુ કેવળ કાગળ પર ગણતરી માટે ઉપયોગમાં લેવાતો એકમ હતો- ચલણ નહીં. એ કાલ્પનિક એકમને બદલે, યુરોપના સભ્યદેશો વચ્ચે નવું, વાસ્તવિક ચલણ ૧ જાન્યુઆરી, ૧૯૯૯થી દાખલ કરવામાં આવ્યું. ભારતના રૂપિયા, અમેરિકાના ડોલર ને બ્રિટનના પાઉન્ડની જેમ યુરોપના દેશોના નવા ચલણને નામ અપાયું:યુરો. તેના માટે પ્રચલિત કરાયેલું સૂત્ર હતું: ‘વન માર્કેટ, વન કરન્સી’ (એક બજાર, એક ચલણ)
શરૂઆતનાં બે-ત્રણ વર્ષ યુરો પણ ઇસીયુની જેમ કાગળ પર - ટ્રાવેલર્સ ચેકમાં કે બેન્કોમાં રકમની હેરફેરમાં- અસ્તિત્ત્વ ધરાવતો હતો. નાણાંકીય વ્યવહારમાં એક યુરોને એક ઇસીયુની સમકક્ષ ગણીને, ઇસીયુને હિસાબકિતાબમાંથી વિદાય આપવામાં આવી.
આરંભે યુરોપના ૧૧ દેશોએ યુરોના સામાન્ય ચલણનો સ્વીકાર કર્યો. બે વર્ષ પછી (૧ જાન્યુઆરી, ૨૦૦૧થી) અત્યારની કટોકટીના મૂળમાં રહેલા ગ્રીસે યુરોનું ચલણ અપનાવ્યું. એ વખતે ગ્રીસનું પોતાનું ચલણ - અને તેનું અર્થતંત્ર- કેટલું નબળું હતું તેનો ખ્યાલ વિનિમય દર પરથી આવશે. ૧ યુરો બરાબર જર્મનીના ૧.૯ માર્ક થતા હતા, પણ ૧ યુરો બરાબર ગ્રીસના આશરે ૩૪૦ ડ્રાક્માનો દર નક્કી કરવામાં આવ્યો હતો.
ચલણ એક, તિજોરી અલગ
‘એક બજાર, એક ચલણ’ નું સૂત્ર ગમે તેટલું લોભામણું લાગે, પણ તેના ટીકાકારો ઓછા ન હતા. અનેક નામી અર્થશાસ્ત્રીઓ જુદી જુદી ભાષા, સંસ્કૃતિ અને આર્થિક સ્થિતિ ધરાવતા યુરોપના દેશો માટે એક ચલણના વિરોધી હતા. અર્થતંત્રની પરિભાષામાં તેમને લાગતું હતું કે યુરોપના દેશોનો સમુહ ‘ઓપ્ટીમમ કરન્સી એરીઆ’ નથી. એટલે કે તેમની વચ્ચે એક જ ચલણ રાખવું ઇષ્ટ નથી.
સવાલ ફક્ત ભૌગૌલિક વિસ્તારનો ન હતો. એમ તો અમેરિકાનાં પચાસ રાજ્યોનો સમુહ યુરોપીઅન યુનિયન જેવો જ વિશાળ છે. છતાં તેમની વચ્ચે એક જ ચલણ - ડોલર- સફળતાપૂર્વક ચાલે છે. બન્ને વચ્ચે વિસ્તારની સરખામણી વાજબી હોવા છતાં સૌથી મોટો તફાવત એ છે કે આખા અમેરિકાના અર્થતંત્રનું સંચાલન એક જ કેન્દ્રમાંથી થાય છે. એટલે અમેરિકાના એક રાજ્યનું અર્થતંત્ર કોઇ કારણસર નબળું પડે અને બીજું રાજ્ય સમૃદ્ધ થાય, તો પણ તેમની પાસેથી કરવેરા રૂપે મળતી રકમ છેવટે અમેરિકાની તિજોરીમાં જવાની છે અને ત્યાંથી રાજ્યોને જરૂર પ્રમાણે વહેંચાવાની છે.
યુરોપીઅન યુનિઅનમાં એવું બનતું નથી. કેમ કે, દરેક દેશોનું ચલણ સરખું છે, પણ તેમની તિજોરી સહિયારી નથી. જે દેશોએ યુરોનું ચલણ સ્વીકાર્યું, તેમની પાસેથી પોતાના દેશની આર્થિક નીતિ અને વ્યાજના દર જેવી બાબતો નક્કી કરવાની સત્તા જતી રહે છે. કરાર પ્રમાણે એ નિર્ણયો યુનિયનના બધા દેશો વતી યુરોપીઅન સેન્ટ્રલ બેન્ક લે છે અને તે બધા દેશોની વિશિષ્ટ સ્થિતિ ઘ્યાનમાં રાખ્યા વિના, સૌને એકસરખી રીતે લાગુ પડે છે.
તેનું પરિણામ કેવું આવે? ધારો કે, જર્મની જેવા સદ્ધર દેશમાં માલસામાનની માગ ઘટે એટલે બજારમાં નાણાં ફરતાં રાખવા માટે યુરોના વ્યાજના દર ઘટાડવામાં આવે, જેથી લોકોને સહેલાઇથી યુરોનું ધીરાણ મેળવી શકે. પરંતુ જર્મનીમાં માગ વધારવા માટે લેવાયેલા આ પગલાની નબળું અર્થતંત્ર ધરાવતા દેશો પર કેવી અસર થાય?
આ સવાલનો જવાબ સ્પેન અને આયર્લેન્ડની રીઅલ એસ્ટેટ ક્ષેત્રની મંદીમાંથી મળી ગયો છે. વ્યાજના દર ઘટતાં નાણાં સહેલાઇથી ઉપલબ્ધ બન્યાં. તેના જોરે ખરીદી વધી, એટલે રીઅલ એસ્ટેટના ભાવ ઉંચકાયા અને આસમાને પહોંચ્યા. ખરેખર બનવું એવું જોઇએ કે સ્પેનમાં સ્થાનિક વેપારઉદ્યોગોની સદ્ધરતા વધતાં લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધે અને રોકાણ કરવા ઇચ્છતા લોકોના ધસારાને લીધે રીઅલ એસ્ટેટમાં તેજી આવે. એ રીતે આવેલી તેજી ટકી શકે. કારણ કે તેના પાયામાં સ્થાનિક સદ્ધરતા રહેલી છે. પરંતુ સ્પેનમાં આવેલી તેજી ઘટેલા વ્યાજદરને કારણે સહેલાઇથી ઉપલબ્ધ બનેલી લોનને - એટલે કે ઉછીનાં નાણાંને- આભારી હતી.
ઉછીનાં નાણાં સહેલાઇથી મળતાં હોય ત્યાં સુધી ભાવ વધતા રહે, પણ જે ઘડીથી વ્યાજના દર વધે અને નાણાં સહેલાઇથી મળતાં બંધ થઇ જાય એ સાથે જ ખરીદનારા ઓછા થવા લાગે. જે લોકો હોંશમાં ને હોંશમાં ખરીદી ચૂક્યા હોય તેમની લોન પાછી ફરવાની ત્રેવડ ન હોય. એટલે તે નાદાર બને અને રીઅલ એસ્ટેટના ભાવ આસમાનેથી જમીન પર પટકાય. એટલું જ નહીં, સ્પેનની બેન્કોએ લોકોને આપેલી લોનો સલવાય. એટલે સ્પેનની આર્થિક સ્થિતિ ડામાડોળ બને.
સામાન્ય સંજોગોમાં દેશની આર્થિક સ્થિતિ કથળે તો વ્યાજના દર ઘટાડીને બાજી સંભાળવાના પ્રયાસ થાય છે. પરંતુ યુરોનું ચલણ સ્વીકાર્યું હોય એવા દેશો પાસે એ વિકલ્પ નથી. કેમ કે, યુરોના વ્યાજના દરમાં ફેરફાર કરવાનું તેમના હાથમાં નથી.
સાચી પડેલી આશંકાઓ
સરકારી તિજોરી સાથે લેવાદેવા રાખ્યા વિના, ફક્ત ચલણ પર કાબૂ રાખવાની નીતિનાં બીજાં પણ માઠાં પરિણામો છે. જેમ કે, ફ્રાન્સ કે જર્મની જેવા મજબૂત દેશોના લાભાર્થે વ્યાજના દર ઘટાડવામાં આવે ત્યારે સહેલાઇથી મળતી લોનને કારણે ફક્ત નાગરિકો જ નહીં, આખેઆખી સરકારો ગજા બહારની ઉધારી કરી નાખે છે. ગ્રીસ તેનો ઉત્તમ નમૂનો છે.
નવેમ્બર, ૨૦૦૯માં જાહેર થયેલા આંકડા પ્રમાણે, ગ્રીસના બજેટમાં તેના કુલ ઘરેલુ ઉત્પાદન/જીડીપીના ૧૨.૭ ટકા જેટલી જંગી ખાધ હતી, જે બહુ મોટો આંકડો ગણાય. આ તો ફક્ત એક વર્ષના બજેટની ખાધ થઇ. ગ્રીસનું કુલ દેવું તો તેના જીડીપીના ૧૧૫ ટકા જેટલું અધધ હતું. દુનિયાના વિકસિત કહેવાતા દેશોમાં પણ આ જાતની ખાધ કે દેવું જોવા મળે છે. પણ મુખ્ય ફરક એ છે કે યુરોપીઅન યુનિયન સિવાયના દેશો પોતાની આર્થિક નીતિમાં, વ્યાજના દરોમાં કે ચલણના વિનિમય દરોમાં જરૂરી ફેરફાર કરીને નાજુક સંતુલન ટકાવી રાખે છે. પરંતુ ‘યુરોઝોન’માં એ શક્ય બનતું નથી.
સવાલ ગ્રીસ જેવા એકલદોકલ દેશની નાદારીનો હોય તો બહુ ચર્ચા કે ચિંતા ન થાય. કેમ કે, યુરોઝોનના દેશોના કુલ જીડીપીમાં ગ્રીસનો હિસ્સો માંડ ૨ ટકા છે. પરંતુ ગ્રીસ જેવા દેશોએ યુરોપના બીજા દેશો પાસેથી, ઓછા વ્યાજના જંગી લોન લીધી હોય કે બીજા દેશોએ ગ્રીસની સરકારના બોન્ડમાં રોકાણ કર્યાં હોય, એ સંજોગોમાં ગ્રીસની સરકાર દેવાળું ફૂંકે તેની અસર બાકીના દેશો પર થયા વિના ન રહે. ગ્રીસની સરકાર પાસેથી લોન મેળવતા નાના દેશોનું અર્થતંત્ર પણ ખોટકાય. PIIGS તરીકે ઓળખાતા પોર્ટુગલ, ઇટાલી, આયર્લેન્ડ, ગ્રીસ અને સ્પેનમાં ઉપર વર્ણવેલી સ્થિતિ વાસ્તવિકતા બની ચૂકી છે અથવા વાસ્તવિકતા બનવાની તૈયારીમાં છે.
યુરોપના મુખ્ય દેશોમાંના એક બ્રિટને ઉપરની શક્યતાઓ ઘ્યાનમાં લઇેન યુરોનું ચલણ સ્વીકાર્યું નથી. તેનો વ્યવહાર હજુ પાઉન્ડમાં ચાલે છે. યુરોના સ્વીકાર પહેલાં ૧૯૯૮માં બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ખાનગી રાહે એક અભ્યાસ કર્યો હતો. તેમાં કોઇ દેશની ખાધ એક હદ કરતાં વધી જાય તો શું થાય એવી સ્થિતિની કલ્પના કરવામાં આવી હતી અને તેનો જવાબ હતો: એવું થાય તો મોટા પાયે અવ્યવસ્થા સર્જાશે.
કોઇ એક દેશની નબળી સ્થિતિની ખરાબ અસર આખા ચલણની મજબૂતી પર ન પડે એ માટે યુરોપીયન સેન્ટ્રલ બેન્કે ‘કન્વર્જન્સ ક્રાઇટેરિયા’ તરીકે ઓળખાતા કેટલાક નિયમો નક્કી કર્યા હતા. જેમ કે, ‘જેમની ખાધ જીડીપીના ૩ ટકા કરતાં ઓછી હોય અને દેવું ૬૦ ટકા કરતાં ઓછું હોય એવા દેશો જ યુરોઝોનમાં સામેલ થઇ શકે.’ પરંતુ આ જોગવાઇઓ પોથીમાંનાં રીંગણાં જેવી પુરવાર થઇ. ગ્રીસ જેવા દેશમાં સરકારોએ ખાધ અને દેવા વિશે ધરાર જૂઠાણું ચલાવ્યે રાખ્યું. એક નિયમ એવો પણ હતો કે યુરો સ્વીકારનાર દેશો માટે કોઇ સંજોગોમાં ‘બેઇલ આઉટ’ તરીકે ઓળખાતી આર્થિક મદદ કરવામાં નહીં આવે. પરંતુ આ જોગવાઇનો ભંગ કરીને યુરોપિઅન બેન્કે ગ્રીસની બેન્કોને અઢળક નાણાં ધીર્યે રાખ્યાં. દેવાદાર અને ખોખલા ગ્રીસ માટે પાઘડીનો વળ છેડે આવ્યો ત્યારે બહુ મોડુ થઇ ચૂક્યું હતું.
(હવે પછી: યુરોની કટોકટી નિવારી શકાઇ હોત? યુરોનું ભવિષ્ય કેવું છે?)