એજન્ડાવાળી ફિલ્મ અને તેમાં કામ કરતા કલાકારો--આ બે વચ્ચે હું અંગત રીતે ભેદ પાડું છું. જેમ કે, પરેશ રાવલ મને નેતા કે રાજકારણી તરીકે સદંતર નાપસંદ છે, પણ તેમનું એ સ્વરૂપ તેમનો અભિનય માણવામાં મને નડતું નથી. નરેન્દ્ર મોદીની ભૂમિકા કરનાર વિવેક ઓબેરોયની 'ઓમકારા' જેવી ફિલ્મો જોવાનો આનંદ જ આવે છે. એવું જ 'તનુ વેડ્સ મનુ'માં કંગના વિશે અને 'જોલી' સહિતની કેટલીક ફિલ્મોમાં અક્ષય કુમાર વિશે.
તો આ એક વાત થઈ. કલાકારની કલાકારી, જે તેમના અંગત વિચારો કરતાં સાવ જુદી બાબત છે.
હવે વાત નેરેટીવ ઊભો કરનારી ફિલ્મોની.
હિટલરના જમાનામાં એક ધુરંધર ફિલ્મકાર અને તસવીરકાર થઈ ગયાં. તેમનું નામ લેની રાઇફન્સ્ટાલ (Leni Riefenstahl. ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી). તેમણે બનાવેલી દસ્તાવેજી ફિલ્મ Triumph of the Will (1935) હિટલરનો દબદબો સ્થાપિત કરવામાં બહુ મહત્ત્વની ગણાય છે. એટલે કે, તેનું મહત્ત્વ એક ફિલ્મ કે દસ્તાવેજી ફિલ્મનું હોઈ શકે એના કરતાં બહુ વધારે ગણાય છે--અને એવું ફિલ્મ રીવ્યૂકારો નહીં, ઇતિહાસકારો માને છે. સાથોસાથ, એવું પણ કહેવાય છે કે ફિલ્મકળાની દૃષ્ટિએ તે ફિલ્મ ઉત્કૃષ્ટ હતી.
તો, બંદૂક સોનાની હોય, તો તેનાથી થતી હિંસા નજરઅંદાજ કરીને, તે 24 કેરેટ સોનાની છે, એવાં વખાણ ન થાય. એમ ફિલ્મ તરીકે ગમે તેટલી મહાન હોય, પણ તેનો એક મુખ્ય સૂર ભૂતકાળની સરકારને ધોકા મારવાનો હોય તો તેના વિશે પ્રશ્નો થવા જોઈએ.
સામાન્ય સંજોગોમાં એક સરકારની ટીકા કરતી ફિલ્મ પછીની સરકારના વખતમાં આવે તો તે સ્વાભાવિક ગણાય. કારણ કે ચાલુ સરકારની ટીકા કરવાની હિંમત કોઈ ન કરે. પણ સાથોસાથ એવી અપેક્ષા હોય કે જે મુદ્દે ભૂતકાળની સરકારની ટીકા કરવાની થઈ, એ મુદ્દે વર્તમાન સરકાર સખણી ચાલતી હશે.
જેમ કે, કટોકટી વિશેની ફિલ્મો નરેન્દ્ર મોદીના રાજ પહેલાંની કોઈ પણ સરકારમાં આવે તો થાય કે બરાબર છે. કટોકટી વખતે જે કહી ન શકાયું, તે કટોકટીની આત્યંતિકતાઓ ભૂતકાળ બન્યા પછી ફિલ્મ થકી કહી શકાય છે. તેમાં કશું ખોટું નથી.
પરંતુ કટોકટીને ભૂલાવે એવી કટોકટી ચાલતી હોય, ત્યારે જૂની કટોકટીની ફિલ્મ લઈને આવવું અને વર્તમાનમાં જે ચાલી રહ્યું છે, તેના પ્રત્યે હળવો ઇશારો સુદ્ધાં ન કરવો, તે રાજકીય, બલ્કે, પક્ષીય એજેન્ડા કહેવાય અને એને ઓળખવો પડે. કારણ કે એવી ફિલ્મો વર્તમાન સરકારની ઘોર નિષ્ફળતાને બહુ અસરકારક રીતે ઢાંકી દેવાનું અને લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ કરે છે.
તેનું મૂલ્યાંકન નકરા માસુમ ફિલ્મપ્રેમી તરીકે ન કરાય. એવું કરીએ તો તે ભૂતકાળની ઓથે વર્તમાન છુપાવી દેવાના હાલની સરકારના વિરાટ યંત્રનો એક પૂરજો બનીને રહી જઈએ--ઇચ્છાએ કે અનિચ્છાએ.
આ કસોટી 'ધુરંધર' માટે લાગુ પાડીને વિચારી જોજો.
No comments:
Post a Comment